હમણાં દસ જૂનના રોજ જયંતભાઈ મેઘાણીએ લખેલ લેખ "રોમ રોમ નર્યો આનંદ – નઘરોળ" વાંચીને અનેક સ્મૃતિઓ સળવળી ઊઠી. જયંતભાઈનો લેખ એટલો બધો ભાવવાહી હતો કે વાંચવાની ખૂબ મજા આવી. એટલે મને પણ મારી સ્મૃતિઓ લખવાની ઈચ્છા થઇ.
પ્રદ્યુમ્ન તન્ના ગુજરાતીના એક ઉત્તમ કવિની સાથે સાથે એક ઉત્તમ ચિત્રકાર પણ હતા. પણ ગુજરાતમાં આ બંને ક્ષેત્રે એમની જેવી અને જેટલી નોંધ લેવાવી જોઈએ તેટલી નથી લેવાઈ એ પણ એક હકીકત છે. આપણે ત્યાં કેટલાક લોકો એમ માને છે કે પ્રદ્યુમ્ન તન્ના અહીં ભારતમાં જ રહ્યા હોત તો ગુજરાતી ચિત્રકલાનો ઇતિહાસ કંઈક જુદો જ હોત. અલબત્ત આ એક ચર્ચાનો વિષય છે. એટલે એમાં ન જતા કેટલીક એમના વિષે વાત લખું. પ્રદ્યુમ્નભાઈ ખૂબ પ્રેમાળ. એમનાં પત્ની રોઝાલબા પણ એટલાં જ પ્રેમાળ. એમને ત્યાં ગયા હોઈએ ત્યારે બહુ પ્રેમથી જમાડે. ઇટાલિયન સન્નારી હોવાં છતાં ગુજરાતી વાનગીઓ બનાવે. એમને બાજરાનો રોટલો બહુ ભાવે. દાળઢોકળી પણ બનાવે.
અહીં ઉપર જે રંગીન – કલર ફોટો છે તેમાં તેમનું સમગ્ર કુટુંબ જોવા મળે છે. પણ આ ફોટો બહુ જૂનો છે. એમનાં બાળકો નાનાં હતાં ત્યારનો. તો અન્ય જે શ્વેત શ્યામ – બ્લેક & વાઈટ છે તેમાં પ્રદ્યુમ્નભાઈ અને રોઝાલબા નાની એન્ટોનેલા સાથે જમતાં જોવા મળે છે. એ ફોટો મારે ત્યાં એક પ્રસંગમાં જમવા આવ્યા હતા ત્યારનો છે. એમની બાજુમાં “નવનીત–સમર્પણ”ના તંત્રી ઘનશ્યામ દેસાઈ બેઠેલા હતા. આ ફોટો લગભગ ચાળીસેક વર્ષ જૂનો છે. ત્યારે એમનો પુત્ર નિહાર એકાદ વર્ષનો જ હતો. ત્રીજા ફોટામાં તન્ના દંપતી સાથે જોવાં મળે છે તે મારે ઘેર સવારના ચાના સમયે મેં પાડેલો છે. આ ફોટામાં પાછળ મારા પિતાશ્રી પણ ઊભેલા છે. એમણે એમની મોટી પુત્રીના લગ્ન અહીં મુંબઈ આવીને ભારતીય વિધિ મુજબ કરેલા.
અમદાવાદમાં તેઓ વાર્તાકાર અંજલીબહેન ખાંડવાળાને ત્યાં ઊતરતા. એક વખત એમને ઘેર હું પ્રદ્યુમ્નભાઈને મળવા ગયો હતો તેવું મને યાદ છે. એમનું અમદાવાદમાં પ્રદર્શન યોજાયેલું ત્યારે તેનું ઉદ્ઘાટન એમના ચિત્રકાર મિત્ર અમિત અંબાલાલ કરવાના હતા, પણ અમિતભાઇ કોઈ કારણસર નહોતા આવી શક્યા તેથી તે પ્રદર્શનનું ઉદ્ઘાટન મારા પિતાશ્રી[શરદભાઈ વ્યાસે]એ કરેલું. એમનું એન.આઈ.ડી.માં વર્કશોપ યોજાયેલું ત્યારે હું અને પ્રદ્યુમ્નભાઈ એન.આઈ.ડી.ના ગેસ્ટ હાઉસમાં એક જ રૂમમાં સાથે રહેલા. આ બધો સમય એમની સાથે વાતો કરતાં ઘણું જાણવા મળતું. મારે માટે ખાસ, ફૅલ્લિની પરનું દળદાર પુસ્તક ઈટાલીથી લઇ આવેલા.
પ્રદ્યુમ્નભાઈના અવસાન પછી પણ એમાં કુટુંબે અહીંના મિત્રોનો સંપર્ક રાખેલો છે. હમણાં જ કુન્દનિકાબહેન કાપડિયાના અવસાન નિમિત્તે એન્ટોનેલાએ મકરન્દભાઈ અને કુન્દનિકાબહેન સાથેનો એનો ફોટો ખાસ મને મોકલેલો. અને લખેલું કે મને એમના પ્રત્યે ખૂબ માન છે.
પ્રદ્યુમ્ન તન્નાનાં રંગીન ચિત્રો વિષે ખાસ માહિતી મળતી નથી. લલિત કલા અકાદમી (દિલ્હી) પાસે એમનાં ત્રણેક ચિત્રો છે, પણ તેઓ તેનો ઉપયોગ કરવા આપતા નથી. નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ પાસે પણ એમનું એકાદ ચિત્ર છે, તેવું જાણવામાં આવ્યું છે. પણ ત્યાંથી પણ કોઈ એ માટે સહકાર આપતું નથી. અન્ય કોઈ પાસે હોય તો મને જણાવે તેવી વિનંતી કરું છું. જ્ઞાનેશ્વર નાડકર્ણી પાસે એમના સંગીતકારોના કરેલા પોટ્રેઈટ છે પણ હવે તેઓ ગુજરી ગયા છે, તેથી એ કેમ મેળવવા એ એક પ્રશ્ન છે. એમને ઘણાં ચિત્રો કરેલાં તે ક્યાંક તો હશે જ.
એમને જૂની વસ્તુઓ ભેગી કરવાનો અનેરો શોખ હતો. પછીથી પ્રદ્યુમ્નભાઈ ફોટોગ્રાફી તરફ વળી ગયા હતા, અને તેના પણ પ્રદર્શન કરેલા. મુંબઈમાં યોજાયેલા આવા એક પ્રદર્શન વખતે દશેક દિવસ એમની સાથે ગેલેરી પર રહેલો. એ દિવસોનો આનંદ અનેરો હતો. આમ તો તેઓ મારા પિતાશ્રીના મિત્ર અને એમની જ ઉંમરના, પણ મારી સાથે પણ મિત્રભાવથી જ સદ્દભાવ રાખ્યો છે. અને ક્યાં ય વડીલપણું નથી જોવા મળ્યું. એમની ચિત્રકલા વિષે ખાસ લખવાની ઈચ્છા છે પણ એમનાં ચિત્રો મળવાં મુશ્કેલ છે.