સપ્તકલા, દિવાનપરા રોડ, એટલે જગદીપ વિરાણીની સર્જનાત્મકતાનું સરનામું અને ભાવનગરમાં કલાનું ઉદ્દગમસ્થાન
1958માં ભાવનગર શહેરમાં એક ગૌરવપ્રદ ઘટના બનેલી. ફિલ્મોનો જમાનો તેના ઉચ્ચતમ સ્તર પર હતો અને દેશી નાટક સમાજનાં નાટકો પ્રચલિત હતાં, તેવા સમયે ભાવનગરમાં એક અનૂઠો પ્રયોગ કરવામાં આવેલો અને તે ગીત સંગીતથી બનેલ નૃત્ય નાટિકાનો. તેના પ્રણેતા અને સર્જનકાર હતા અસામાન્ય કૌવત અને નૈસર્ગિક પ્રતિભા ધરાવતા જગદીપ વિરાણી. જગદીપ વિરાણી વિષે ખૂબ લખાયું છે અને 1950થી 1956 સુધીના સમયમાં તે પોતાની કલાની શ્રેષ્ઠતમ કક્ષાએ છવાઈ ગયા હતા. કારણ ફક્ત એટલું જ કે સંગીત, ચિત્ર, કવિતા, લેખન જેવાં જે કોઈ કળાના અંગો છે તે સર્વે જગદીપ વિરાણીને એકસાથે પ્રાપ્ય હતા.
મૂળ માણસ તો ઈજનેરી લાઈનનો અને તેમાં ય ઈલેક્ટ્રીકલ એંજિનિયર પણ હ્રદય તો જુદી દિશામાં ધડકતું હતું અને તે વિવિધ કળાઓની દિશામાં. એક અસામાન્ય કૌવત અને હીર ધરાવતી વ્યક્તિઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને કાં તો માતા-પિતા અથવા શિક્ષકો પારખી જતાં હોય છે. આવું જ કંઈક ભાવનગરનું ગૌરવ ગણાતા જગદીપ વિરાણીની બાબતમાં હતું.
1953ની સાલમાં જગદીપભાઈએ બાર્ટન લાઈબ્રેરી સામેના એક બહુમાળી મકાનના સૌથી ઉપરના મજલા ઉપર ભાવનગરની પ્રથમ કલા સંસ્થા ‘સપ્તકલા’ શરૂ કરી હતી. આ મજલાના ત્રણ ઓરડામાં અલગ અલગ કલાવિષયક પ્રવૃતિ ચાલે અને બધી જ પ્રવૃત્તિઓના સંચાલક જગદીપ વિરાણી.
જગદીપભાઈની કલા પ્રત્યેની સૂઝ જન્મજાત હતી અને પછી તેમાં અનુભવોનો નિચોડ આવ્યો. શબ્દો તેના પરથી ગીત અને પછી તેમાં સંગીત ઉમેરી એક ભાવપૂર્ણ રચના તૈયાર કરતા. જે ગીત લખતાં તેનું નોટેશન પણ સાથે જ લખતા. ગીત-સંગીતનાં નિપુણ જગદીપભાઈ પોતે જે ગીત લખતાં તેના નોટેશન પણ તેની સાથે જ લખતા.
આમ જગદીપભાઈની દીર્ઘદૃષ્ટિથી ભવિષ્યની આવનારી પેઢીને અણસાર મળી રહે છે કે આ ગીત આવી રીતે લખાયું છે અને આ રીતે ગાવાનું છે. ગુજરાતી ભાષામાં હજારો ગીતો લખાયાં પણ આવો નોટેશનવાળો પ્રયોગ કરનારા જગદીપભાઈ સૌ પહેલા કવિ હતા.
જગદીપ વિરાણીની કલાકાર તરીકેની વિશેષતા એ હતી કે તેઓ માત્ર કવિ કે સંગીતકાર નહોતા, પણ બધી જ કલાઓ એમને સુસાધ્ય હતી. આપણા કલા ઇતિહાસમાં એ એક વિરલ ઘટના છે. પ્રત્યેક લલિત કલા વર્ષોની અખંડ સાધના માગી લે છે અને તેમણે બહુ નાની ઉમરમાં પણ ઘણો શ્રમ ઉઠાવીને આ કલા સિદ્ધિઓ મેળવી હતી. એમની કવિતામાં ગેયતાનો સુંદર સુમેળ કાવ્યત્વ પ્રત્યે થયો છે. શબ્દોને અનુરૂપ સ્વરરચના જે એમના ગીતોમાં થઈ છે તેવી બહુ ઓછા ગીતોમાં થઈ હશે.
‘વા-વા વંટોળિયા’ જેવા એમના ગીત સાંભળતાં ભાવકનું હૃદય મુગ્ધ બને છે.
વાયરા વન વગડામાં વા-વા વંટોળિયા વાતા’તાં;
અમે વગડા વીંધતા જાતાતાં વા-વા વંટોળિયા…
ગાડાં દોડે ઘુઘરા બોલે બળદ તણાં શીંગડા ડોલે
એક સાથ સાથ અમે ગાતાતાં વા-વા વંટોળિયા….
એમના ગીતોમાં ચિત્રાત્મક શૈલી તરી આવે છે તો એમની કવિતાનું શબ્દ લાલિત્ય અનેરું છે. એમની શબ્દોની પસંદગી જ એવી હોય છે કે જેમાંથી સ્વયં સંગીત ઉદ્દભવે. ‘કાઠિયાવાડી’નાં બાળગીતોમાં પણ કેટલી બધી સ્વાભાવિકતા છે.
“અમે તો કાઠિયાવાડી રે .. ચોયણા પહેર્યાં, કડિયા પહેર્યાં, કમરૂ બાંધી, કડિયાળી ડાંગો લઇ હાલ્યા રે ..”
પણ આજે જે વાત કરવી છે તે ભાવનગરના દિવાનપરાના એક બહુમાળી મકાનમાંથી જગદીપ વિરાણીએ કેવી રીતે ગુજરાતી ભાષાની પ્રથમ નૃત્ય નાટિકાનું સર્જન કર્યું અને તેને કેવી રીતે આખરી ઓપ આપ્યો અને ભાવનગરમાં વિવિધ કલાનાં પગરણ કેવી રીતે મંડાયા અને તેમાં સપ્તકલા અને દિવાનપરા રોડનો શું હિસ્સો હતો તે બહુ રસપ્રદ છે. ગુજરાતી ભાષામાં કાવ્યો, ગીતો, વાર્તાઓ, નવલકથાઓ, નાટકો, નિબંધો અને વાંચવા યોગ્ય એવું સાહિત્ય બહુ લખાયું છે પણ સંગીતને સાંકળી લઈ નૃત્ય નાટિકા ક્ષેત્રે બહુ ખેડાણ થયું નથી. આશા પારેખે અને યોગેંદ્ર દેસાઈએ આ દિશામાં 1980 પછી પ્રયોગ કર્યો હતો પણ તે પહેલા એટલે કે 1958માં જગદીપ વિરાણીએ ‘પ્રકાશ-છાયા’ નામની નૃત્ય નાટિકા લખી હતી અને તેને પોતાની આગવી રીતે તૈયાર કરી હતી.
જગદીપભાઈએ તેમના જીવનની અદ્ભૂત રચના એવી ‘પ્રકાશ-છાયા’ નૃત્ય નાટિકાનું સર્જન તો કર્યું પણ તેને અંતમાં મઠારી ન શક્યા. 1956માં જગદીપભાઈના અચાનક અવસાન બાદ જગદીપભાઈની ગેરહાજરીમાં તેમના ભાઈઓ અને મિત્રોએ તેને આખરી ઓપ આપી જગદીપભાઈનું સપનું પૂર્ણ કર્યું હતું. 1958માં ક્રેસન્ટ સર્કલ પાસે આવેલી દોલત અનંત વળીય સ્કૂલના હોલમાં આ નૃત્ય નાટિકા ભજવવાનું નક્કી થયું. આ નૃત્ય નાટિકા ગુજરાત અને ગુજરાતી ભાષા માટે એક અણમોલ કૃતિ હતી અને નાટ્યક્ષેત્રે એક નવો ચીલો પાડનાર પગલું હતું, તેથી તેને ભજવવામાં જે મુશ્કેલીઓ આવે તેને નિવારવા આ નાટિકાને અગાઉથી જ રેકોર્ડ કરી લેવામાં આવી હતી.
ભાવનગરમાં એ વર્ષોમાં માત્ર એક સ્પૂલવાળું એક જ ટેપ રેકોર્ડર હતું અને રેકોર્ડીંગ સ્ટુડિયો કે ફ્લોરની સગવડતા ન હોવાથી આ રેકોર્ડીંગમાં વાહનો કે અન્ય કોઈ અવાજ ન આવી જાય તે માટે મોડી રાત્રે રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું અને એક જ બેઠકમાં એક જ માઈક વડે અને કોઈ પણ પ્રકારના એડિટિંગ વિના આ ‘પ્રકાશ અને છાયા’ નૃત્ય નાટિકા રેકોર્ડ કરવામાં આવી હતી અને જે જગદીપ વિરાણીના માનસ સંતાન તરીકે સફળતાપૂર્વક ભજવવામાં આવી હતી.
એરોડ્રોમ રોડ ઉપરના એક બંગલામાં આ નાટિકાએ જન્મ લીધો હતો અને ત્યાં જ રેકોર્ડ કરવામાં આવી હતી. જે લગભગ 35 મિનિટની હતી. જગદીપ વિરાણીએ નાટિકાના શબ્દો, તેનો કાવ્ય દેહ અને સંગીત તૈયાર કર્યાં હતાં. નાટિકાના કલાકારો હતા નિલીમા બાપટ, તૃપ્તિ ઓઝા, સોહિણી વિરાણી અને શોભના ઓઝા. નાટિકાની કથા વસ્તુ અને આખી ય ઉદ્દઘોષણા સમજાવી હતી હસમુખ વિરાણી અને સુમન કાણેએ. આ ઉદ્દઘોષણાથી લોકોને નૃત્ય નાટિકાનો અર્થ પામવામાં ખૂબ સરળતા રહી હતી. નાટિકાના ગાયક વૃંદમાં નયનાબહેન મહેતા, દેવાંગના ભટ્ટ, પિનાકીન મહેતા અને જગદીપ વિરાણીના ભાઈ જયશ્રીકાંત હતા.
નાટિકામાં જે સમૂહગીત હતાં તેની ગાયિકીમાં ભાર્ગવ પંડ્યા, સુમન કાણે અને પ્રમોદ ભટ્ટ હતાં. આ આખી ય નૃત્ય નાટિકાનું રેકોર્ડેંગ નરેન્દ્ર કાણેએ કર્યું હતું. નરેંદ્ર કાણે એટલે ભાવનગરના દરિયામાં મીઠા પાણીનાં કલ્પસર પ્રોજેક્ટની કલ્પના કરનાર ડૉ. અનિલ કાણેના મોટાભાઈ અને તેમના પિતા ડો. કાણે ભાવનગરના રાજદરબાર સાથે સંકળાયેલા હતા. આજે પણ નરેંદ્ર કાણે 86 વર્ષની ઉંમરે અડીખમ છે અને અમદાવાદમાં સ્થાયી થયા છે.
રેકોર્ડીંગને જે સાઉંડ ઈફેક્ટ આપવામાં આવી હતી, તે પુનિત વૈદ્ય અને ભરત પંડ્યાએ આપી હતી. આ પ્રકાશ અને છાયા નૃત્ય નાટિકામાં વાદ્યોનું સંચાલન ખંજરી ઉપર પ્રમોદ ભટ્ટ, મેંડોલીન ચિતરંજન ભટ્ટ, કાષ્ટ તરંગ મહેશ (મુનિભાઈ) મહેતા, તબલા પંકજ ભટ્ટ, ઢોલક ઉપેંદ્ર ભટ્ટ, દિલરુબા ઈંદુભાઈ પંડ્યા, સિતાર પુનિત વૈદ્ય, બંસરી જયંત ભટ્ટ અને હારમોનિયમ અને એકોર્ડિયન પર ભાર્ગવ પંડ્યા હતાં. 1958માં આ બધાં જ કલાકારો 22થી 28 વર્ષના હશે એટલે આજે તો એંસીને પાર કરી ચૂકયાં હશે અને પ્રપૌત્રોને રમાડી તે સમયને વાગોળતા હશે.
આ નૃત્ય નાટિકાએ ભાવનગરમાં કલાના અનેક દરવાજા ખોલી આપ્યા હતા કારણ કે તેમાં ગીત, સંગીત, અભિનય બધું જ હતું. નૃત્ય નાટિકા સાથે સંકળાયેલ કલાકારો એ કલાના ક્ષેત્રમાં તો પોતાનું ઘડતર કર્યું, પણ આવનારી પેઢી માટે એક નવો રસ્તો ખોલી આપ્યો, અને પરિણામે, ભાવનગર વિવિધ કલાઓના માધ્યમથી ધબકવા લાગ્યું.
—-
જગદીપભાઈ વિરાણી અને સપ્તકલા
‘અશ્વિનભાઈ, તમે આ લેખ મોકલીને મને મારા છઠ્ઠા ધોરણના ક્લાસમાં લઈ ગયાં. ૧૯૫૬, અમારાં વહાલાં શિક્ષક યોગેશ્વરીબહેને ખૂબ કરુણતા સાથે જણાવ્યું કે જગદીપભાઈનું અવસાન થયું. એ સમયે તો બહુ સમજણ ન હતી, પણ પછીનાં વર્ષોમાં તેમની ગેરહાજરીનું દુઃખઅનેક પ્રસંગે જોયું. વિલિયમભાઈ, નૈનીભાઈ અને પરિવાર સાથે ઘણો સમય ગીતોની પ્રેક્ટીસ માટે વિતાવ્યો. સખી સોહિણી છેલ્લે વડોદરામાં ૨૦૧૭માં મુનિભાઈના ૭૫માં જન્મદિવસે સાથે હતી. ચોપડી લખાય તેટલી યાદો સપ્તકલા સાથે છે.’
− સરયૂ મહેતા-પરીખ
°
ઉપર્યુક્ત લેખ એક મિત્ર દ્વારા મળ્યો. પ્રકાશિત કરવો અને કશો ફેરફાર કરવો હોય તેમ કરજો.
− સરયૂ મહેતા-પરીખ
e.mail : saryuparikh@yahoo.com