આજે [15 જુલાઈ 2019] સિનિયર પત્રકાર-લેખક કાન્તિ ભટ્ટનો 89મો જન્મ દિવસ છે, ત્યારે ૨૦૧૪માં, મેં અને અમી ઢબુવાલાએ “ગુજરાત ગાર્ડિયન” અખબાર માટે લીધેલો તેમનો ઇન્ટરવ્યુ પ્રસ્તુત છે.
કાન્તિ ભટ્ટ જોડે લેખક અંકિત દેસાઈ
આટલાં વર્ષોના અનુભવ પછી તમે પત્રકારત્વને કઈ રીતે વ્યાખ્યાયિત કરો છો?
આજના માહિતી અને જ્ઞાનના યુગમાં પત્રકારત્વ એ સૌથી ઉત્તમ ક્ષેત્ર છે. આજે તો બધા હવે પૈસા કમાવવામાં પડ્યા છે. પત્રકારત્વમાં પણ કેટલાક લોકો માત્ર પૈસા કમાવાના આશયથી જ આવે છે. પહેલાંના સમયમાં પત્રકારત્વમાં એટલા પૈસા ન હતા, ત્યારે તો પત્રકારે ગાંઠનાં ગોપીચંદન પણ કરવા પડતા, પરંતુ હવે તો કોલમિસ્ટોને પણ ઘણા પૈસા મળે છે. ખરેખર પત્રકારત્વ તો એક મિશન હોવું જોઈએ, પરંતુ એ બહુ દુઃખદ વાત છે કે આજે કેટલાક પત્રકારો ઉદ્યોગપતિઓ અને સરકારને ખુશ રાખવામાં તેમ જ વગદાર લોકોના હિતોની જાળવણી કરવામાં રચ્યાંપચ્યાં રહે છે. આટલાં વર્ષોના અનુભવ પછી હું આ તારણ પર પહોંચ્યો છું.
તમે પત્રકારત્વ કેમ પસંદ કર્યું?
તમે આપણા કાઠિયાવાડના લોકોની એક ખૂબી વિશે તો જાણતા જ હશો. કાઠિયાવાડમાં લોકો માતાના પેટમાંથી જ પત્રકારત્વ શીખીને આવતા હોય છે. એકે જાણેલી વાત બીજાને કહેવી એ અમારા સ્વભાવમાં હોય છે. પણ હા, એમાં મારી-તારી પંચાતનો ભાવ નથી હોતો. હું ચાર વર્ષનો હતો ત્યારથી જ પત્રકાર હતો. અમારા ગામની ગ્રામપંચાયતમાં પત્રકાર તરીકે કામ કરતો રહેતો. હું પંદર વર્ષનો હતો ત્યારે તો એક મેગેઝિનનો તંત્રી હતો. આ ઉપરાંત તે સમયે ભાવનગરથી પ્રકાશિત થતા ‘ભાવનગર સમાચાર’માં રિપોર્ટિંગ પણ કરતો અને તમને જાણીને આશ્ચર્ય થશે પણ આ બધું હું કોઈ પણ જાતના આર્થિક સ્વાર્થ કે વળતરની આશા વિના કરતો. એટલે બીજાઓની તો ખબર નથી પરંતુ હું સો ટકા એવું કહી શકું કે પત્રકારત્વ મારા લોહીમાં જ છે.
પરંતુ વ્યવસાય તરીકે મેં પત્રકારત્વ કેમ પસંદ કર્યું એ પાછળ બહુ રસપ્રદ કથા સંકળાયેલી છે. અહીં એમ પણ કહી શકાય કે હું એક્સિડન્ટલી પત્રકારત્વમાં આવી ગયો. આનો જવાબ ઘણો લાંબો છે એટલે હું તમને વિગતે જણાવીશ. હું મારા કાકાના પૈસે ભણ્યો અને તેમની મદદથી જ હું બી.કોમ. પણ થયો. પછી તેમણે મલેશિયામાં નવી પેઢી ખોલી એટલે તેમણે મને ત્યાં બોલાવી લીધો. એમના સાત છોકરા હતા અને મને તેમણે આઠમો દીકરો માન્યો, સાચવ્યો પણ ખરો. હું ત્યાં આઠ વર્ષ રહ્યો.
મારી સાથે એવું હતું કે હું જે કામ કરતો એમાં પારંગત થઈ શકતો. તે સમયે એ પેઢીમાં બીજા પણ એક ભાઈ કામ કરતા હતા અને તેમણે મારું કામ જોયેલું. એટલે એક દિવસ એમણે મને કહ્યું, “કાન્તિ, તું કેટલું ધ્યાન દઈને કામ કરે છે. પણ જો આમ ને આમ કામ કરતો રહીશ તો મરી જઈશ. તું તારો ભાગ માગ.” એટલે મેં કાકા પાસે એક પૈસો ભાગ માગ્યો, રૂપિયામાં એક પૈસાનો ભાગ માગ્યો! પણ એની તો ઘણી અવળી અસર થઈ. જ્યારે હું કાકા સાથે કામ કરવા ગયો ત્યારે હું તેમનો આઠમો દીકરો હતો, પણ જ્યારે મેં ભાગ માગ્યો ત્યારે તેમણે મને ‘જસ્ટ ગેટ આઉટ’ કહીને કાઢી મૂક્યો. મેં મારો બધો અસબાબ લીધો ને ત્યાંથી નીકળીને સીધો અહીં આવી ગયો. મને સમાજ પ્રત્યે રીતસરનો તિરસ્કાર થઈ ગયો.
મલેશિયા જતાં પહેલાં મેં થોડો સમય ઉરૂલીકાંચનમાં સેવક તરીકે ફરજ બજાવી હતી. ઉરૂલીકાંચનમાં ગાંધીજીનો નિસર્ગોપચાર આશ્રમ હતો અને હું ત્યાં અડસઠ રૂપિયાના પગાર સાથે સેવા કરતો. પછી કાકાએ બોલાવ્યો એટલે મલેશિયા ગયો અને એમણે મને ત્યાંથી કાઢી મૂક્યો એટલે ફરી હું અહીં આમ-તેમ ફરવા લાગ્યો. હું મનથી ઘણો ભાંગી ગયો હતો. એટલે મેં ઋષિકેશ જઈને બાવા બનવા માટે મન બનાવી લીધું હતું. મને હવે જિંદગીમાં રસ નહોતો અને કાકાએ મારા લગ્ન પણ મને પસંદ નહોતી એ છોકરી સાથે કરાવી દીધા હતા, જે મને ડિવોર્સ આપતી નહોતી. પણ મારે આ રીતે જિંદગી જીવવી નહોતી. એટલે મેં શિવાનંદજીને એમની પાસે આવવાની પરવાનગી માગી અને એમણે ‘આજા બચ્ચા’ કહીને મને સ્નેહપૂર્વક આવકાર્યો. વળી, પૈસાનો તો મને ક્યારે ય મોહ નહોતો.
આ પિસ્તાળીસ વર્ષ પહેલાંની વાત છે. પણ મારી બહેનને આ ખબર પડી ત્યારે તે રડવા લાગી. એ કહે, ‘ભાઈ, તમે શું કામ જાઓ છો? તમે આટલું ભણેલા છો, આટલો અનુભવ છે તો પછી તમારે સાધુ શા માટે થવું છે?’ આમ, બહેનની લાગણીને માન આપીને સાધુ બનવાની ઇચ્છા મેં માંડી વાળી. અને બહેન સાથે રહેવા માંડ્યો. હવે અહીં રહું એટલે મારે કંઈક તો કરવું પડે ને? એટલે જીવરાજાણીકાકા કરીને અમારા એક ઓળખીતા હતા, તેમને મેં કોઈ નોકરી માટેની વાત કરી. તેમણે મને કહ્યું કે સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રમાં બાર હજારની એક નોકરી છે. પણ મને એવી નોકરીમાં રસ નહોતો એટલે મેં બેંકની નોકરી માટે ના પાડી દીધી. ત્યાર પછી તેમણે મને કોરા કેન્દ્રમાં મેનેજરની છ હજારના પગારવાળી નોકરી માટે કહ્યું, મેં ત્યાં જઈને જોયું તો ત્યાં ભ્રષ્ટાચાર ખૂબ હતો. એટલે મેં એ નોકરી માટે પણ નનૈયો ભણ્યો. અંતમાં તેમણે મને કહ્યું કે એક નોકરી છે, જેમાં પગાર પેઠે માત્ર એકસો નવ્વાણું રૂપિયા મળશે. મેં પૂછ્યું કઈ? તો તેઓ કહે કે ‘જન્મભૂમિ’માં પત્રકારની નોકરી છે. એટલે મેં તેમને કહ્યું કે મને આમાં રસ છે. આમ, મેં ‘જન્મભૂમિ’માં વ્યાપારના સબએડિટર તરીકે નોકરી શરૂ કરી અને હું આ રીતે પત્રકાર બન્યો.
આ ઉંમરે પણ લખતા રહેવું એને શોખ કહેશો કે હવે લખવું એ એક જરૂરિયાત છે?
(હવામાં તેમનો હાથ હલાવીને અસલ કાન્તિ ભટ્ટ અંદાજમાં!) હોબી બોબી કશું નહીં. હોબી વળી કેવી? લખાય છે એટલે લખું છું અને આજે પણ પત્રકારત્વ એ મારા માટે એક ફરજ અથવા મિશન છે. મારા ઘરની સંભાળ રાખવા આવતાં આ હેમા બોરિચા સવારે સાડા આઠે આવે અને બપોરે એક વાગ્યે ચાલ્યાં જાય. વળી સાંજે પાંચ વાગ્યે આવે અને સાડાસાત વાગ્યે ચાલી જાય. બાકી સમયમાં હું સાવ એકલો. જો લખું નહીં તો કરું શું? બીજું એ કે જે લખું છું એ બધું વંચાય છે અને લોકોના ખપમાં આવે છે. રાજકોટના દિનેશ તિલવા કરીને એક ભાઈ છે, જે મને ઘણી મદદ કરે છે. તેઓ મને નિતનવા પુસ્તકો મોકલે છે, તે બધાં હું વાચું અને એમાંથી કંઈક ઉપયોગમાં આવે એમ હોય તો એના પર લેખ લખું. આજે જે હું દૈનિક કટારો લખું છું એને મેં એક ચેલેન્જ તરીકે લીધી છે. રોજ કોઈ છાપામાં નિયમિત લેખો લખવા એ કંઈ ખાવાના ખેલ નથી. પરંતુ મને આમાં મજા આવે છે, એટલે એક પણ દિવસનો ખાડો પાડ્યા વિના હું લેખો લખું છું.
એવો કોઈ વિષય ખરો, જેના પર કાન્તિ ભટ્ટે લેખ લખ્યો ન હોય?
(થોડું હસીને) તમે જ મને એવો વિષય બતાવો કે જેના પર મેં નહીં લખ્યું હોય. તમે જોયું હશે કે મેં તમામ વિષયો પર લેખો લખ્યાં છે. હું ૨૦ % લેખો હેલ્થ પર લખું, કેટલાક અધ્યાત્મ પર લખું. આ ઉપરાંત વિજ્ઞાન, રાજકારણ, રમતજગત, વૃક્ષો-વનસ્પતિ, ઢોર-ઢાંખર બધા જ વિષયો પર મેં લખ્યું છે. જો મારાથી કોઈ વિષય રહી જાય તો ભગવાન મને માફ નહીં કરે.
તમે લખતી વખતે કોનું ધ્યાન રાખો? વાચકોનું કે તંત્રી – અખબારના હિતોનું?
હું તો તમામ લેખકો-પત્રકારોને એમ જ કહીશ કે ક્યારે ય કોઈથી ડરવું નહીં. જે સાચું હોય એ જ લખવું. પણ પછી જડભરતની જેમ એક જ વાતને વળગી રહીને સતત કોઈની નિંદા પણ નહીં કરવી. તેની સારી બાજુઓ પીછાણીને તેને પણ બિરદાવવી. મને ખબર છે કે હું કોઈના વિશે છેક ઘસાતું લખું તો એ મારા તંત્રી નથી જ છાપવાના. એટલે જરૂરિયાત મુજબની ટીકા લખવાની. મેં મારા તંત્રીઓમાં એક ઈમ્પ્રેશન પાડી છે કે કાન્તિ ભટ્ટ કોઈથી પણ ડર્યા વગર લખે છે, જો કે હું એની બડાઈ પણ નથી મારતો. આજ સુધી મારા કોઈ લેખ રિજેક્ટ થયા હોય એવું બન્યું નથી. આથી મારે આજ સુધી કોઈના હિતોની ચિંતા કરવાની જરૂર પડી નથી. જો કે મને અહીં સ્પષ્ટ કરવા દો કે મેં બીજા બધા લેખો કરતાં રાજકારણ પર ઓછા લેખો લખ્યા છે. રાજકારણની પંચાતમાં હું બહુ નથી પડતો. પણ જ્યારે હું આ વિષય પર લખું છું ત્યારે મારા માટે રાજકારણમાં જે-તે વ્યક્તિનું કદ કેવું છે એ મહત્ત્વનું નથી હોતું. મારા માટે તો વાચક જ મહત્ત્વનો છે અને તેના માટે કઈ જાણકારી મહત્ત્વની છે એનું જ હું ધ્યાન રાખું છું. તાજેતરમાં મેં લખેલા એક લેખમાં મેં રાજનાથ સિંઘના વખાણે ય કર્યા. એટલે પરિસ્થિતિને યોગ્ય રીતે મૂલવીને ડર્યા વિના વખાણ અને ટીકા બંને કરવી જોઈએ.
તમારા બે વાર્તાસંગ્રહો પ્રકટ થયાં છે. આ ઉપરાંત તમે નવલકથાનું એક પ્રકરણ પણ લખ્યું. સાહિત્ય વિષયક ઓછું લખવાનું કંઈક વિશેષ કારણ?
વાર્તા કે નવલકથા લખવા કે તેના માટે વિચારવા માટે જે સમય જોઈએ, એ મારી પાસે નથી. આ ઉપરાંત હું ગુજરાતના કેટલાક વાર્તાકારોની જેમ નસીબદાર નથી કે તમે લખતા હો ત્યારે તમારી અડખેપડખે તમારી સગવડ સાચવવા માટે બે-ત્રણ લોકો હોય. અને સાચું કહું તો રોજિંદા લેખનમાં અને કોલમો સાચવવામાં જે મજા છે એવી મજા બીજા કોઈમાં નથી. મને આવું લખવાથી એક પ્રેરકબળ મળે છે અને ભાઈ, વાર્તા તો ઘેર ગઈ, મને મારી આત્મકથા લખવાનીય ઘણી ઇચ્છા છે. હું અત્યંત ઘટનાપ્રચુર જીવન જીવ્યો છું, એ પણ કોઈ વાર્તાથી કમ નથી. મેં કેટલી ય છોકરીઓને પ્રેમ કર્યો, કેટલી ય છોકરીને ભગાવી છે. હું દુનિયાના એંશી દેશોમાં ફર્યો છું. થાઈલેન્ડના વેશ્યાવાડામાં પણ ફર્યો છું. જીવનનો કોઈ પણ અનુભવ મેં બાકી રાખ્યો નથી. પણ આ બધું લખવા માટે સમય ક્યાંથી લાવું? એટલે હાલમાં તો મને એવું નથી લાગતું કે હું મારી આત્મકથા લખી શકું.
તમારી પાસે એક પબ્લિક લાઈબ્રેરી થાય એટલાં બધાં પુસ્તકો છે. ભવિષ્યમાં આ બધાં પુસ્તકોનો વારસદાર કોણ?
પૈસાની દૃષ્ટિએ જોવા જઈએ તો મારાં તમામ પુસ્તકોની કિંમત બે કરોડની આસપાસ થાય. પરંતુ મારે આમાનું કશું વેચવું નથી. મારે આ ઘરને મારી દીકરી શક્તિના નામ પરથી ‘શક્તિ જ્ઞાનમંદિર’ નામ આપવું છે. અહીં કોઈ પણ આવીને બેસી શકશે અને મનફાવે ત્યાં સુધી વાંચી શકશે. (ખડખડાટ હસીને) પરંતુ એક ખાસ ટકોર, કે અહીંથી કંઈ ઊઠાવી નહીં જતા. અનેક પુસ્તકો ઉપરાંત મારી પાસે વિશ્વના આઠ જાતના એનસાઈક્લોપીડિયા છે અને એક હજાર પુસ્તકો થાય એટલા તો મારી પાસે લેખો પડેલા છે. આ બધાનું આર્થિક મૂલ્ય ઘણું છે પરંતુ મેં આગળ કીધું એમ મને પૈસાનો જરા ય મોહ નથી. બાકી તો આ હેમાબહેન મારા ઘરનું અને આ બધાં પુસ્તકોનું ધ્યાન રાખશે અને મારા લેખો તેમ જ રોયલ્ટીમાંથી તેમને પૈસા મળતા રહેશે.
તમે ઈશ્વરનો પણ ઈન્ટરવ્યુ કરવાનું કહેતા હતા. તો ઈશ્વરને મળશો ત્યારે તમારા પ્રશ્નો શું હશે?
હું તેમને પૂછીશ તો ખરો જ કે તમે સાચા છો કે બનાવટી? આ દુનિયા બનાવી જ છે તો માણસને દુ:ખ શું કામ આપ્યું? માણસને દુઃખી કરવામાં તમને એવી તો શું મજા આવે છે? બધાને માત્ર સુખ જ આપ્યું હોત તો? આવું કંઈક જરૂર પૂછીશ.
તમારા પર કોઈનો પ્રભાવ છે ખરો?
નો બડી. આઈ એમ માય ઓન ગુરુ. મારા ઘરમાં મોરારિ બાપુનો ફોટો છે પણ તેમની આંખો હિપ્નોટિક છે એટલે મેં આ ફોટો રાખ્યો છે. મને તો ઓશો રજનીશે સામેથી કહેલું કે તું મારો ચેલો બની જા. પણ મેં તેમને ઘસીને ના પાડી દીધેલી કે હું કોઈનો ચેલો નહીં બનું. મારો ગુરુ પણ હું જ અને ચેલો પણ હું જ અને હું તો એમ પણ કહીશ કે કાન્તિ ભટ્ટથી પણ કોઈએ પ્રભાવિત થવાની જરૂર નથી.
ઇતિહાસના કોઈ ત્રણ પાત્રોને મળવાની તક મળે તો કોને મળો?
પત્રકાર તરીકેની મારી કારકિર્દીમાં હું ઘણા લોકોને મળ્યો છું અને દેશ-વિદેશમાં પણ ખૂબ ફર્યો છું. આટલાં વર્ષોના બહોળા અનુભવ પછી મેં એટલું તો જોયું કે કોઈ પણ વ્યક્તિ અતિ – અસાધારણ હોતી નથી અને દરેકમાં મર્યાદા હોય છે. એટલે હવે કોઈને મળવાની ઇચ્છા નથી, પણ હા ફરજના ભાગરૂપે મળવાનું થાય તો જરૂર વિચારીશ.
આજના પત્રકારત્વમાં કંઈક ખૂટતું જણાય છે?
આજે તો બધું જ ખૂટતું જ જણાય છે. હવે પત્રકારત્વમાં કોઈ મિશન નથી રહ્યું અને કેટલાક લોકોએ તેને ધંધો બનાવી દીધું છે. મૂલ્યો અને નીતિમત્તાનો પણ હ્રાસ થઈ રહ્યો છે. હવે પત્રકારત્વમાં ઘણી બધી મર્યાદાઓ આવી ગઈ છે. પરંતુ આટલી મર્યાદા હોવા છતાં ગુજરાતી પત્રકારત્વમાં સારું કામ થઈ રહ્યું છે અને મને એવી આશા છે કે એમાંથી પણ વળી કોઈ ‘કાન્તિ ભટ્ટ’ મળી આવશે.
હવે અંગ્રેજી ભાષાનો પ્રભાવ વધ્યો છે …
(વચ્ચેથી જ અટકાવીને) થોભો, થોભો … તમારો સવાલ મને ખબર છે. આજના સમયમાં અંગ્રેજી અનિવાર્ય છે. તમને અંગ્રેજીનું પાયાનું જ્ઞાન ન હોય તો પ્રાદેશિક ભાષાના પત્રકાર તરીકે ટકી રહેવું અને જાતને સાબિત કરવું મુશ્કેલ છે. લેખન અને ગુજરાતી પત્રકારત્વનાં ક્ષેત્રમાં આવનાર તમામ યુવાનોને એટલું કહીશ કે તમારું વાચન પુષ્કળ હોવું જોઈએ. તેમાં ય અંગ્રેજી પુસ્તકોનું વાચન હોય એ જરૂરી છે. અંગ્રેજી વિશે ઘસાતું બોલતા ભાષાના શિક્ષકો અને અધ્યાપકોને લપડાક મારો, કારણ કે હવે સમય એવો છે કે અંગ્રેજી વિના નહીં ચાલે. સો વર્ષ પહેલાં એવી પરિસ્થિતિ હતી કે ફ્રેન્ચ ભાષા વિના નહીં ચાલતું અને હવે એ જ સ્થિતિ અંગ્રેજી ભાષાની છે.
જીવનમાંથી શું શીખ્યાં? કાન્તિ ભટ્ટ અલગારી છે એમ કહી શકાય?
હું મારી જાતને કોઈ વિશેષ વિશેષણ આપવા માગતો નથી. હું એક સામાન્ય શિક્ષકનો દીકરો, જેને તેના કાકાએ ભણાવ્યો અને તેના સ્વાર્થ માટે વિદેશ બોલાવ્યો. ઉરૂલીકાંચન રહ્યો એ પણ કોઈના સ્વાર્થ માટે જ ગયો. મારા જીવનમાં સૌથી મોટી નિરાશા એ જ હતી કે મને મારી મરજી વિરુદ્ધ પરણાવવામાં આવ્યો. આઈ વોઝ અ લવર ઓફ બ્યુટી. હું નિર્મળ સુંદરતાનો ચાહક રહ્યો છું. જો કે મારે એ કહેવું જોઈએ કે મને મારી ગમતી છોકરી સાથે પરણાવ્યો હોત તો હું તેની સાથે સામાન્ય માણસની જેમ જિંદગી ભોગવીને ક્યારનો ય મરી ચૂક્યો હોત. ■
https://www.facebook.com/ankit.desai.923/posts/10206197969744100