(આ મુલાકાત, વર્ષ 2013માં, “ગુજરાત ગાર્ડિયન”માં પ્રકાશિત થઈ હતી. તેમાં આજના સંદર્ભે કોઈ ફેરફાર કરાયો નથી. − અંકિત દેસાઈ)
અંકિત દેસાઈ અને હિમાંશી શેલત
અંકિત દેસાઈ : લેખનની શરૂઆત ક્યારે કરી?
હિમાંશી શેલત : બહુ મોડી. લગભગ ૧૯૮૦ પછી. જ્યારે મારું થિસીસનું કામ પત્યું પછી મેં મારા લેખનની શરૂઆત કરી.
અં : સર્જનનું માધ્યમ વાર્તા જ કેમ?
હિ : વાર્તા મને પહેલેથી જ બહુ આકર્ષતી. મને પહેલેથી જ વાર્તાઓ વાંચવાનો ખૂબ શોખ હતો. હું જ્યારે ભણતી, ત્યારે પણ ખૂબ અંગ્રેજી વાર્તાઓ વાંચતી. આમ, મારા એ શોખમાંથી જ મેં વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. જો કે હું વાર્તાઓ લખીશ જ એવો મને બહુ ખ્યાલ ન હતો. વાર્તાઓ લખવી મને ઘણો મોટો પડકાર લાગતો, કારણ કે વાર્તામાં તમારે ખૂબ જ થોડાં પાનાંઓમાં અને ઓછા શબ્દોમાં વાચકો આગળ તમારી વાત મૂકવાની હોય છે. આ આખી પ્રકિયા જ મને ખૂબ ગમતી. આથી મને જ્યારે લખવાનો વિચાર આવ્યો, ત્યારે મેં વાર્તામાં જ વ્યકત થવાનું પસંદ કર્યું.
અં : તમારા માટે વાર્તા એટલે શું?
હિ : મારા માટે વાર્તા એટલે હું જે સમયમાં જીવું છું એ સમયગાળાને પૂરોપૂરો સમજીને અને તેને આત્મસાત કરીને તેમાં જે કંઈ પણ બને છે તેને અનુભવીને પકડવાનો પ્રયત્ન કરવો. એટલે કે સાંપ્રતની કેટલીક ક્ષણોને પકડવાનો અને એ સંવેદનોને ભાવક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવો. આમ, ભાષા દ્વારા કલાનાં ધોરણો સાચવીને તમારી સામાજિક નિસ્બતને વ્યક્ત કરવી એટલે વાર્તા. વાર્તા એ કેવળ ચબરાકી હોય તેની તરફેણમાં હું ક્યારે ય રહી નથી. પૂરી સ્માર્ટનેસથી કે ભાષાનાં ખેલથી સપાટી ઉપરનું લખાયેલું હોય અને તેમાં કોઈ પણ સંવેદન વ્યકત ન થયું હોય, એ બધું સાહિત્ય બહુ લાંબા ગાળા સુધી ટકતું નથી. આમ, વાર્તા વાંચવાનો રસ સૂકાઈ જાય ત્યાં સુધીની સ્વરૂપની મથામણ અને ગોઠવણ કે ચબરાકીમાં હું માનતી નથી.
અં : તમારી સર્જન પ્રકિયા વિશે થોડું જણાવશો?
હિ : આ વિશે જણાવવું થોડી અધરી વાત છે. પણ મને એક વાર વાર્તાનું બીજ મળે તો મને મળેલી તે કાચી સામગ્રીનું વાર્તામાં કેવી રીતે રૂપાંતર કરવું એ વાતમાં મને ખૂબ રસ પડે છે. મને કાચી સામગ્રી મળતાં જ હવે તેનું રૂપાંતર કેવી રીતે થશે કે કેવું થશે અને કલાત્મક થશે કે નબળું થશે તે અંગેનાં વિચારોમાં હું જોતરાઈ જાઉં છું. આ ઉપરાંત મને પાત્રોનું પણ ખૂબ આકર્ષણ. મારી મોટા ભાગની વાર્તાઓ પાત્રોમાંથી જ મળી છે. મને એક વાર પાત્ર મળે પછી તેની આસપાસ ગોઠવવા જેવી વસ્તુઓને હું ગોઠવી દઉં છું. જો કે હું માનું છું કે મારી વાર્તાનાં મૂળ તો બે તબક્કા છે એટલે કે હું સામાજિક કામ નહોતી કરતી તે પહેલો તબક્કો અને બીજો ‘એ લોકો’ પછીનો તબક્કો એટલે કે હું સામાજિક કામો કરતી થઈ એ પછીનો તબક્કો. આ બે તબક્કા વચ્ચેનો ભેદ પણ તરત ખબર પડે એવો છે.
અં : આપે હંમેશાં રઝળતાં બાળકો અને મૂંગા પ્રાણીઓ માટે કામ કર્યું છે. શોષિતો અને નિરાશ્રિતો માટેની આ સંવેદનશીલતાનાં બીજ ક્યાંથી રોપાયાં?
હિ : હું ભણતીથી ત્યારથી જ. મારા ઘરનું વાતાવરણ ગાંધીવાદી હતું એટલે ઘરમાં ખૂબ જ સંવેદનશીલ વાતાવરણ હતું. ઉપરાંત મારી સ્કૂલ ‘જીવનભારતી’નું વાતાવરણ પણ એ માટે જવાબદાર રહ્યું. કારણ કે, ત્યાં દર વર્ષે એક શ્રમ સપ્તાહનું આયોજન થતું. આ દરમિયાન અમે એક અઠવાડિયા સુધી વિવિધ સામાજિક કાર્યો કરતાં. એટલે કદાચ ત્યાંથી જ આ બીજ રોપાયાં હશે. અને પ્રાણીઓ તો મને પહેલેથી જ બહુ ગમતાં. કોઈ માણસ કોઈ પ્રાણીની હત્યા કરે અથવા તેને કનડે તે ક્યારે ય મને ગમતું નથી. મને ક્યારે ય પ્રાણીઓનો ભય નથી થયો. હું માનું છું કે અહીં આપણો જેટલો અધિકાર છે એટલો જ અધિકાર પ્રાણીઓનો પણ છે. એટલે કોઇ પ્રાણીઓને મારે અથવા મારી નાંખે એ બધું મને ખૂબ જ ત્રાસદાયી લાગ્યું છે. મને આ પૃથ્વી પર સૌથી ઉપદ્રવી પ્રાણી માણસ જ લાગ્યો છે, પ્રાણીઓનો તો કોઈ જ ઉપદ્રવ નથી.
અં : પ્રાણીઓ અને બાળકો સાથેનાં અનુભવો કેવા રહ્યાં? એમની સાથેની ક્ષણોને વર્ણવી શકો?
હિ : બાળકો અને પ્રાણીઓની વૃત્તિ હંમેશાં ઘણી સાફ હોય છે. મેં ‘પ્લેટફોર્મ નં ૪’માં તેમના વિશે કહ્યું છે કે મેં તેમને કંઈ જ આપ્યું નથી, તેમણે જ ઘણું બધું આપ્યું છે. હું બાળકો પાસેથી ઘણું બધું શીખી છું. તેમનાંમાં આનંદ મેળવાની અનહદ ક્ષમતાઓ રહેલી હોય છે. મેં મારી આસપાસનાં જે ભદ્ર વર્ગનાં લોકોને જોયાં છે, તેમનાંમાં મને લાલસા સિવાય બીજું કંઈ દેખાયું નથી. તેમનામાં આનંદ મેળવવાની કોઈ ક્ષમતા જ નથી. આમ, બાળકોની અને પ્રાણીઓની સહજતા જ મને બહુ આકર્ષી છે. આથી હું તેમનાં તરફ ઘણી ખેંચાઈ છું.
અં : ટૂંકી વાર્તાઓમાં કથાની અદ્દભુત ગૂંથણી કરતાં હિમાંશી શેલતે નવલકથાઓ આંગળીને વેઢે ગણાય એટલી જ લખી છે. એનું કોઈ કારણ?
હિ : લાંબુ લખવાનું મને બહું નથી ફાવતું. નવલકથામાં કથાની જે ગૂંથણી કરવી જોઇએ એ દિશામાં મારી શક્તિઓ વળી નથી અથવા મારી એ શક્તિ છે પણ નહીં. ‘આઠમો રંગ’ મેં અમૃતા શેરગીલ પ્રત્યેનાં અત્યંત પ્રેમને કારણે લખી. અમૃતાની વાત ટૂંકી વાર્તામાં મૂકી શકાય એમ પણ ન હતી આથી મેં નવલકથા લખી. અને આઘાતથી પીડાતા બાળપણ વિશે હું સતત અજંપ રહેતી અને આ વાત પણ ઓછા શબ્દોમાં કહીં શકાય એમ ન હતી, એટલે મેં ‘સપ્તધારા’ લખી. મારી આ બન્ને નવલકથાઓથી મને બહુ સંતોષ નથી થયો. જો કે મેં લાંબી વાર્તાઓનાં (‘કાળાં પતંગિયાં અને ક્યારીમાં આકાશપુષ્પ’, ‘પંચવાયકા’, ‘ગર્ભગાથા’) પ્રયોગો કર્યાં છે, જેમાં મને લાગ્યું છે કે મેં સારું કામ કર્યું છે. આમ લાંબી વાર્તાઓ લખવી મને ફાવે છે પરંતુ નવલકથાનાં પોતને વણવાની મારામાં આવડત નથી.
અં : વાર્તાનાં સ્વરૂપમાં કેવા બદલાવ આવ્યા છે? આ બદલાવો અંગે તમારું શું કહેવું છે?
હિ : ગુજરાતી સાહિત્યમાં વાર્તાઓ ઘણી સારી લખાય છે. આપણી મુશ્કેલી એ જ છે કે આપણી વાર્તાઓ બહાર ઓછી પહોંચે છે. આધુનિક વાર્તાની વાત કરીએ તો સુરેશ જોષીએ આપણને મનુષ્યની ચેતનાનાં વિશ્વમાં પ્રવેશ કરવાનું શીખવ્યું. ત્યાર બાદ પણ વાર્તામાં જુદાં જુદાં તબક્કા આવ્યાં. પછી પરિસ્કૃત વાર્તાનો તબક્કો આવ્યો જેમાં લોકજીવન તરફ આપણે પાછાં ફર્યાં. ભાષાની દૃષ્ટિએ પણ તેમાં ઘણાં ફેરફારો થયાં. આ તમામ ફેરફારોનું આગવું મૂલ્ય છે. આજે દરેક જણ કોઈની અસર હેઠળ આવ્યાં વિનાં પોતાની પ્રતીતિથી વાર્તા લખે છે, જે આજની વાર્તાની સૌથી મોટી ફલશ્રુતિ છે.
અં : તમને કયા પ્રકારનું વાંચન ગમે છે? તમારા પ્રિય સર્જકો અને પ્રિય પુસ્તકો કયાં?
હિ : આમ તો હું બધું જ વાંચું. તો પણ ફિકશન અને આત્મકથાઓ સૌથી વધુ ગમે. મને ઉત્તમ કવિતાઓ પણ વાંચવી ગમે છે જો કે ગઝલોનો મને બહુ શોખ નથી. સાત્રનાં મિત્ર સિમોન દ બુવાની આત્મકથા મને અત્યંત પ્રિય છે. તેમની આત્મકથા વાંચ્યા પછી જ મને આત્મકથાઓ પ્રત્યે ખૂબ ખેંચાણ રહ્યું. ઉપરાંત નવલકથાઓ પણ વાંચવી ગમે છે. પરંતુ ગુજરાતીમાં મેં પ્રમાણમાં ઓછી નવલકથાઓ વાંચી છે કારણ કે આપણે ત્યાં નવલકથામાં એટલું સંતોષકારક કામ નથી થયું. મારા પ્રિય વાર્તા સર્જક કેથરીન મેન્સફિલ્ડ છે જેમની વાર્તાઓ મને આજે પણ ખૂબ ગમે છે. ઉપરાંત મને મહાશ્વેતા દેવી, આશાપૂર્ણા દેવી, મનુ ભંડારી જેવાં પ્રાદેશિક સર્જકો પણ ઘણાં ગમ્યાં છે. તો ગુજરાતીમાં જયંત ખત્રીથી લઈ અત્યાર સુધીનાં વાર્તાકારોનું કંઈ ને કંઈ ગમ્યું છે.
અં : વિનોદ મેઘાણી સાથે પરિચય કેવી રીતે થયો? તેમની સાથેની સફર કેવી રહી?
હિ : હું વિનોદ મેઘાણીને બહુ મોડી મળી. એટલે કે લગભગ ૧૯૯૫માં મળી. ચારેક મહિનાનાં પરિચય પછી અમે લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. ત્યારે હું નંદીગ્રામ સાથે સંકળાયેલી હતી એટલે મકરંદભાઈની સલાહથી 1995માં અમે રજિસ્ટર્ડ લગ્ન કરી લીધાં. હું નંદીગ્રામની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી હતી અને વિનોદ પણ મકરંદભાઈ સાથે સંકળાયેલા હતા. આથી તેમની સાથે કામ થઈ શકે એ માટે તેમણે મુંબઈ છોડ્યું અને મેં સુરત છોડ્યું. અને અમે બન્ને વલસાડ આવી ગયાં. તેમની સાથેની સફરની વાત કરું. અમે બન્ને અહીં બહુ કામમાં રહેતાં. હું મારાં કામોમાં વ્યસ્ત હતી, તો તેઓ પણ સંપાદનોમાં અને અનુવાદોમાં રોકાયેલા રહેતા. જો કે અમારું કામ ભાષાનું અને પુસ્તકોનું હતું એટલે એ રીતે અમને સાથે કામ કરવાની મજા પણ આવી. અમે સાથે મળીને બાપુજી(ઝવેરચંદ મેઘાણી)નાં બે પ્રોજેક્ટ્સ પર પણ કામ કર્યુ. આમ, અમારી સફર પ્રમાણમાં ઘણી સારી રહી. પરંતુ અમારી સફર બહુ ટૂંકી રહી અમને જો વધુ સમય મળ્યો હોત, તો થોડું સારુ થાત, કારણ કે કોઈ પણ સંબંધ માટે ચૌદ વર્ષનો ગાળો ઘણો ટૂંકો કહેવાય. આ ઘરમાં આવ્યાં પછી અમે બન્નેએ અમારું મેજર વર્ક અહીં જ કર્યું.
અં : વાંચન અને લેખન સિવાયનાં આપનાં કોઈ શોખ?
હિ : આમ તો વાંચન-લેખન મારું મૂળ કામ. પરંતુ ત્યાર પછીનું મારું કામ મારી સામાજિક નિસ્બત છે. મેં મારાં જીવનનાં ઘણાં વર્ષો સામાજિક કામો માટે આપ્યાં છે. અને આ કામો મેં કોઈ સેવાનાં આશયથી નથી કર્યાં. પણ આ કામો કરવાં મને ગમે છે એટલે હું તે કરતી હતી.
અં : આજની ગુજરાતી ટૂંકી વાર્તાઓ તમને કેવી લાગે છે? નવા વાર્તાકારોમાં કોને વાંચવા ગમે?
અત્યારની ગુજરાતી વાર્તા ચોક્કસ સારી જ છે. પણ છતાં ભાષાની એક કમનસીબી છે કે હાલમાં સાહિત્યનાં કોઈ પણ સ્વરૂપમાં ગજાનો યુવા સાહિત્યકાર મળવો મુશ્કેલ છે. હા, સારું લખવાની શક્યતા ધરાવતા એકાદ બે આપણને મળી આવે ખરા. આપણે ત્યાં રિસર્ચનાં કામોમાં ભરત મહેતા કે હેમંત દવે જેવાં માણસો મળી રહ્યાં છે પરંતુ કવિતા કે સાહિત્યનાં અન્ય સ્વરૂપોમાં ગજાનાં માણસો મળી રહેવા થોડાં મુશ્કેલ છે. હા, જો કે નીવડેલા વાર્તાકારો આપણી પાસે ઘણાં છે, જેમાં મોહન પરમાર કે વિનેશ અંતાણી જેવાં વાર્તાકારોનો સમાવેશ કરી શકાય છે.
અં : આજની પેઢીના વાચકો વિશે તમારું શું કહેવું છે? ગુજરાતીઓ પુસ્તકો ખરીદતાં નથી અથવા વાંચતા નથી તેવી ફરિયાદ તમને કેટલી સાચી લાગે છે?
હિ : ગુજરાતીઓ પુસ્તકો નથી ખરીદતાં એ વાત સાવ સાચી. કારણ કે કોઈ પણ સારા વાર્તાકારોની કૃતિઓ એટલે કે જેને ખરા અર્થમાં સાહિત્ય કહી શકાય એવી કૃતિઓની ૧૨૦૦-૧૫૦૦ નકલ વેચાવામાં જો ઘણો લાંબો સમય જતો હોય તો એનો અર્થ એ થાય છે કે આપણે વાચક તરીકે એટલા બધા સારા નથી. ઉપરાંત જે લોકો પુસ્તકો ખરીદે છે તે લોકો કેટલું વાંચે છે અને શું વાંચે છે તે પણ મોટો પ્રશ્ન છે. જો કે આમાં અન્ય માધ્યમો એ પણ ઘણી અસર કરી છે કારણ કે હવે લોકોને પુસ્તકો ખરીદવાની બહુ જરૂર રહી નથી. ગુજરાતી સાહિત્યની વાત કરું તો ઉસનશ્ સાહેબના અવસાન વખતે બહુ જુજ કહી શકાય એટલાં લોકો આવ્યાં હતાં. આટલા ગજાનાં સર્જક માટે જેટલાં લોકો હોવા જોઇતા હતાં એટલાં લોકો ત્યાં ન હતાં. આમ, ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સર્જક હોવું એટલે તમારી આ જ સ્થિતિ થાય એ પણ તમારે સ્વીકારી લેવું. પણ છતાં થોડાં મુઠ્ઠીભર લોકો એવાં છે જે તમને વાંચે છે અને એ વર્ગ ભલે નાનો હોય પણ તમને લખતા પણ રાખે છે.
અં : તમને ગુજરાતી કથા સાહિત્યનું ભવિષ્ય કેવું લાગે છે?
ગુજરાતી કથા સાહિત્યનું ભવિષ્ય સારું છે. જો કે નવલકથા બાબતે થોડી મુશ્કેલી લાગી રહી છે. કારણ કે છેલ્લાં એક દાયકાની ઉત્તમ નવલકથા યાદ કરવી હોય તો એ મુશ્કેલીભર્યુ કામ છે. ‘કૃષ્ણાયન’ જેવી એકાદ નવલકથા મળી આવે કે આપણે કહી શકીએ કે હા, થોડુંક સરખું કામ થયું છે. જયંતભાઈ ગાડીત હતા ત્યાં સુધી એ નવલકથામાં થોડું સારુ કામ કરી શક્યા હતા. પરંતુ ગુજરાતી વાર્તાઓનું ભવિષ્ય ઉજળુ છે.
અં : તમારાં માટે લખવું એટલે?
હિ : મારે માટે લખવું એટલે જાતને અને જીવનને સમજવાની અને પામવાની મથામણ. હું કથાસાહિત્ય લખું છું એટલે મને એક સાથે ઘણાં બધાં જીવન જીવવાની તક મળે છે. મારા સર્જન દરમિયાન કેટલીક ક્ષણો સુધી હું પોતે હું રહેતી નથી. આમ, લખવું એટલે પોતાની જાતને ભૂંસી કાઢવી અને બીજાનાં જીવનની નજીક આવવું. આમ, મારે માટે લખવું એટલે જીવનને વધારે ઊંડાણથી પામવું.
અં : એવોર્ડ વિશે આપ શું માનો છો?
હિ : 2002 પછી મેં કોઈ પણ એવોર્ડ લીધા નથી. પરંતુ એક વાત સાચી કે એવોર્ડ મળે તો તમને સારા પ્રકાશકો મળી રહે છે. કારણ કે ગુજરાતી સાહિત્યમાં પ્રકાશકો સરળતાથી મળી રહેતા નથી. મને ઘૂમકેતુ એવોર્ડ અને સાહિત્ય અકાદમીના એવોર્ડ પછી ઘણાં સારા પ્રકાશકો મળી રહ્યા હતા.
અં : આપનાં આગામી કોઈ પ્રોજેક્ટ અથવા વિશેષ કામ?
હિ : હા, હાલમાં હું મારા જીવન ઉપર લખી રહી છું, જેનાં ત્રણેક હપ્તાઓ ‘સમીપે’માં છપાઈ પણ ગયાં છે. મારે મારી આત્મકથાનું કામ જલદીથી પૂરું કરવું છે. કારણ કે મારે એ કામ ઘણું પહેલાં પતાવવાનું હતું.
e.mail : ankitdesaivapi@gmail.com