વાપી સ્ટેશન પર ટ્રેન આવે એ પહેલાં એની ચપડચપડ શરૂ થઈ ગયેલી. પાતળું શરીર અને એના પર જીન્સ-ટોપ ટાંગેલાં … ગૌરવરણો દેહ અને વાંકડિયા વાળ બે-ત્રણ વર્ષ પહેલાં થયેલા સ્ટ્રેટનિંગની ચાડી ખાઈ રહ્યા હતા.
એના નસીબે પાછું એને કોઈ ઓળખીતું મળી ગયેલું, જેની સાથે વાતો કરવાની એને મજા પડી ગઈ. પોતે આમ છે ને સુરતમાં, એને આમ કામ છે ને, આમ તો એ કારમાં જ જાય, ને ટ્રેનમાં તો એને ફાવે જ નહીં ને, ટ્રેનના વડાપાઉં એને બહુ ભાવે … ને કોણ જાણે, પાંચેક મિનિટમાં એ કેટકેટલું બોલી ગઈ.
એવામાં ટ્રેન પ્લેટફોર્મ પર આવી, ત્યારે એણે ઔર કકળાટ મચાવ્યો. અને જાણે એ એકલી જ રહી જવાની હોય એમ આમથી તેમ દોડાદોડી કરીને બારીઓ આગળ રૂમાલ ફેંકીને જગ્યા રોકવાની મથામણમાં પડી. ટ્રેનમાં રોજ અપડાઉન કરતાં હોય એ તો શાંતિથી જ ચઢે, પરંતુ જવલ્લે આવી ચઢતાં આવાં આગંતુકો એમની દોડાદોડી અને જગ્યા મેળવવાના કકળાટને કારણે પ્લેટફોર્મ અને ટ્રેનમાં વધુ અરાજકતા સર્જતાં હોય છે.
એના નસીબે એને સિંગલ વિન્ડો પર સીટ મળી, અને મારા નસીબે મને એની બાજુમાં જ ફોર સિટર પર જગ્યા મળી. ઓચિંતા જડી ગયેલું પેલું ઓળખીતું પણ એની સામેની સિંગલ પર ગોઠવાયું અને સુરત સુધી ચાલે એટલી વાતોનું ભાથું એ બંનેએ ખોલ્યું. ટ્રેનમાં બેઠા પછી ફરી એણે પ્લેટફોર્મ પર વગાડેલી એ કેસેટ ફરી વગાડી, જેને લીધે મને પણ એ વાત મોઢે થઈ ગઈ કે, એને તો ટ્રેનમાં ટ્રાવેલિંગ ફાવતું જ નથી કે એ મોટે ભાગે કારમાં જ ટ્રાવેલિંગ કરે કે એને ટ્રેનના વડાપાઉં બહુ ભાવે છે…
હજુ તો ટ્રેન ઉદવાડા નહીં પહોંચી હોય, ત્યાં સામેવાળા એના ઓળખીતાએ એને સવાલ પૂછ્યો.
‘તારા ને અજેયનાં લવ-મેરેજ કેવી રીતે થિયા? તે હો પાછા ઈન્ટરકાસ્ટ …’
પેલીને તો જાણે મુદ્દો જ જોઈતો હતો. આજુબાજુવાળા પણ એની વાતને સાંભળે છે એની સભાનતા વિના એણે ઊંચા અવાજે ચાલુ કર્યું.
‘આમ તો કાંઈ લવ મેરેજ જેવું ની કેવાય, પણ હા એ વાત હાચી કે યોગ્ય સમયે યોગ્ય સાથી મઈળો. રાધર મેં જાતે જ પસંદ કઈરો … બાકી, આગલું છૂટું કઈરા પછી થોડા મહિના તો હું હાવ ભાંગી ગેલી ને મારે હવે લગન કરવા જ નથી ને સ્વતંત્ર જીવન જ જીવવું છે, એવું હો મેં તો નક્કી કરી લીધેલું …’
‘એમ? આગળ તારું છૂટું થેલું? એટલે છૂટાછેડા કે પછી ….?’ સામેવાળો તો આશ્ચર્ય પામ્યો જ, પણ હવે, આ વાતમાં કમ્પાર્ટમેન્ટમાં બેઠેલાં બીજા લોકોને પણ રસ પડ્યો.
‘ની રે … મારા લગન તો ની થેલા … પણ ચાંદલો કરેલો, ને છ મહિના સુધી સંબંધ રેલો …’
‘અચ્છા …’
‘ડેન્ટિસ્ટ થેઈ ને મેં હજુ પ્રેક્ટિસ ચાલુ જ કરેલી, એટલામાં ઘરવાળા વાત લાઈવા કે આ પોઈરો હો ડૉક્ટર થેલો છે. અમે એકબીજાંને જોયાં ને બંનેને ગમી ગિયું, એટલે તરત જ અમારો ચાંદલો હો લેવાઈ ગયેલો. અમારા ચાંદલામાં બે હજાર માણસ થેલા, ખબર કે…?’
એ સહેજ થોભી.
‘ને પછી અમે એકબીજાં હાથે ટાઈમ હો સ્પેન્ડ કરતાં. પણ જેટલો ટાઈમ અમને મળવો જુવે એટલો ટાઈમ અમને ની મળતો … એમ ને એમ સાલા છ મહિના થેઈ ગિયા, પણ અમે તો એકબીજાંને હરખાં ઓળખતાં હો ની …’
‘બરાબર.’ પેલાએ અમસ્તો હોંકારો દીધો.
‘મને થિયું ચાલ ભાઈ હશે … ઉં હો ડેન્ટિસ્ટ અને એની હો પ્રેક્ટિસ ચાલે એટલે કદાચ અમારું પ્રોફેશન અમને એકબીજાં હાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરવાની તક ની આપે. પણ પછી તો એ ભાઈ નવી જ વાત લાઈવા … નો ડાઉટ, એ લોકો હો રેપ્યુટેડ લોકો ઉતા અને પોયરો હો ડાયો. ને એ લોકોનું એવું કોઈ દબાણ હો ની ઉતું … પણ એ પોઈરા હાથે મેળ પળે એવું ની ઉતું .. ’
‘એમ? હુ વાત લાઈવો એ?’ સામેવાળાની ઉત્સુક્તા ચરમસીમાએ પહોંચી, કારણ કે એના માટે તો આ બ્રેકિંગ ન્યૂઝ જ હતા કે, પેલી બાઈ પહેલાં પણ એકવાર રિલેશનશિપમાં રહી ચૂકી છે.
‘કાંઈ ની … પોઈરાના ફેમિલીવારા બધા અમેરિકામાં. કાકા-કાકી, ફોઈ-ફુવા એ બધા … તો એ કેય આપણે હો પરણીને અમેરિકા જ જાહું. અમારું નક્કી કરેલું ત્યારે એવી કોઈ વાત ની થેલી. ની તો ઉં ત્યારે જ એની હાથે સંબંધ બાંધવાની ના પાડી દેતે, કારણ કે મારાથી કંઈ મારો પરિવાર કે અહીંનું બધું છૂટે ની … સ્વાભાવિક છે ને …?’
સામેવાળાના હાવભાવ જાણવા એ સહેજ થંભી.
સામેવાળાએ ‘હં … હાચી વાત …’ એમ કહી ડોકું ધૂણાવ્યું.
‘ચાલોની ભાઈ, એ તો કદાચ ઉં ચલાવી હો લેઉં. દિલની કરીબ ઓય એની સાથે દુનિયાના કોઈ પણ ખૂણામાં રેઈ શકાય. એટલે મેં મન મનાવ્યું. પણ પછી થોડાક દાળા પછી એ ભાઈ એમ કેય કે, અમારા ઘરની કોઈ બયરી નોકરી ની કરે. આપણી પાસે પૈહા જ એટલા બધા છે કે બઈરાએ નોકરી કરવાની જરૂર ની પડે … તમારે તો ખાલી ખર્ચા જ કરવાના … ’
સામેવાળાએ પાછું ડોકું ધૂણાવ્યું. એને તો સવાર સવારમાં મસ્ત વાત મળી, એટલે એના ચહેરા પર કશુંક પામ્યાની લાલીમા જોવા જેવી હતી. કદાચ એણે એય ગણતરી શરૂ કરી દીધી હશે કે, ક્યારે આ વાત પતે અને ક્યારે હું કોઈકને એના વિશે કહ્યું કે, આ બાઈનું પહેલા છૂટું થયેલું અને પછી અજેય સાથે લગ્ન કરેલા.
‘એણે પ્રેક્ટિસ કરવાની ના પાડી એટલે પછી મારું ફટક્યું. પહેલા તો મેં એને હમજાવી જોયો કે, મારા પપ્પાએ લૉન લઈને મને ખાલી એટલે જ ભણાવી છે કે, મારે ડેન્ટિસ્ટ થાવું ઉતું. પ્રેક્ટિસ કરવી એ મારા માટે નોકરી નંઈ પણ પેશન છે. મારું બાળપણનું હપનું છે … તો એની હાથે હું કેમ કરીને બાંધછોડ કરું…? પણ તે એક જ જિદ લેઈને બેહેલો કે પયણીને મારે પ્રેક્ટિસ ની કરવાની …’
‘એટલે પછી તોડી લાઈખું …?’ પેલાએ પૂછ્યું.
‘ની. એટલે એમ કંઈ લડીઝગડીને ની … પણ શાંતિથી બેઠક કરીને વાતચીત કરી. એમાં હો એ લોકોને હમજાવી જોયાં … પણ એ લોકો કેય કે આ તો અમારા ફેમિલીનાં એથિક્સ છે એટલે એમાં બાંધછોડ ની થાય … એટલે પછી શાંતિથી એકબીજાની વીંટી ને સોનું પાછું આપીને પોતપોતાને રસ્તે ફંટાયાં … એવણને એમને એથિક્સ મુબારક ને મને મારું હપનું …’
બાજુની પટરી પરથી ધડાકાભેર ગુડ્સ ટ્રેન પસાર થઈ, એટલે એણે સહેજ બ્રેક લેવો પડ્યો. બાજુની ટ્રેનનો કોલાહલ હજુ બંધ થાય, એ પહેલાં જ સામેવળાએ એને પૂછ્યું.
‘બરાબર … એમાં અજેય કેમ કરીને ભટકાયો?’
‘અજેય અને ઉં આમ તો અગિયાર-બાર સાયન્સમાં હાથે ભણેલાં … પણ એનું મેથ્સ ઉતું ને મારું બાયોલોજી, એટલે ત્યારે અમારી દોસ્તી બો ની ઉતી …. પણ એક કૉમન ફ્રેન્ડના ફંક્શનમાં અમે મઈળાં ને સ્કૂલ ડેય્ઝની ફ્રેન્ડશીપ યાદ કરીને ભેગાં થયાં. આમ હો પેલાની હાથે છૂટું કઈરા પછી હું મેન્ટલી થોડી ડિસ્ટર્બ જ ઉતી. આપણું લોક તો કેટલું નાલાયક એ તમને હો ખબર જ ઓહે … અમારું છૂટું થિયું પછી મારું ક્યાંક લફરું જ હશે, એમ કરીને લોકે જાતજાની વાત ઉળાવી … કેટલાંક તો મને મોઢે પૂછી જતાં કે કેથે હોધી મૂકેલું છે કે હું …? આ બધાથી ઉં એટલી કંટાળી ગેલી કે ન પૂછો વાત … એવામાં અજેય મઈળો ને એને મેં બધી વાત કરી તો એણે મને સપોર્ટ કઈરો અને પોતાનું ગમતું કરવાની સ્વતંત્રતા માટે રેપ્યુટેડ ફેમિલી સાથે સંબંધ તોઈડો એ હારુ એપ્રિસિયેટ હો કરી …’
એ સહેજ શ્વાસ લેવા થંભી હોય એવું લાગ્યું.
‘પછી તો અજેયે મને ઈમોશનલ સપોર્ટ હો બો આઈપો અને એકવાર મને પૂઈછું કે, ઉં જો એની હાથે પરણવા તૈયાર હોઉં તો એને મારી સાથે જીવવાનું ખૂબ ગમહે … એણે મને સામેથી પૂઈછું ત્યારે મારા દિલમાં હો એવું થિયું કે આ પોયરો મને આખી જિંદગી ખુશ રાખહે. એટલે મેં મારી ઘેરે વાત કરી ને ઈન્ટરકાસ્ટ ઉતું તો હો મારા ઘરવાળા તૈયાર થઈ ગિયાં … હામે અજેયના ઘરના હો તૈયાર થિયા અને અમે તરત જ પઈણી ગિયાં … એટલે આમ અમને પ્રેમ કરવાનો કે પેલી ટિપિકલ લવ સ્ટોરીમાં હોય એમ એકબીજાં હાથે રોમાન્સ કરવાનો હો ટાઈમ ની મઈળો …’
એણે એની વાત પૂરી અને પેલા સામેવાળાને પણ કંઈક નવી જ વાત જાણીને હાશકારો થયો.
‘આ વરહે છ વરહ પૂરાં થિયાં અમારા લગનને. પણ આજ હુધી એકવાર એવું નથી થિયું કે ઝાઝો પરિચય ની ઉતો તો આ પોઈરા હાથે કેમ લગન કઈરા … કે તે ટાઈમે લીધેલો નિર્ણય ખોટો ઉતો …’
એના ચહેરા પર ખુશી અને ગજબનો સંતોષ હતો.
કદાચ એ સંતોષ એનું સપનું પૂરું કર્યાનો હતો … લોકોની નાગાઈ કે લોકો શું કહેશે એની પરવા ન કરવાનો સંતોષ હતો … કોઈના કહ્યે જીવન ન જીવી, પોતાનું ધાર્યું કર્યાનો હતો … એના પ્રિયજનને પામ્યાનો હતો …
આમેય આ હાલતા ચાલતા લોકોને જાતજાતના સર્ટિફિકેટ્સ આપી દેતા, સતત લોકોની પંચાત કરતા સમુદાય વચ્ચે પોતાની મરજી મુજબ જીવવું એ કંઈ સહેલું કામ નથી. બધા પાસે એવી હિંમત નથી હોતી. મને એ છોકરીનો નિર્ણય ખૂબ ગમ્યો કે એણે પોતાનું ગમતું કરવંુ કરવા માટે દોમદોમ સાહ્યબી ઠુકરાવી હતી ….
બાકી કેટલા પાસે હોય છે આવી હિંમત? કહો જોઈએ…
***
પછીય એ તો ચપડચપડ કરતી જ રહી … પણ પછી મને એના કકળાટનો કંટાળો નહીં આવ્યો …
સૌજન્ય : http://cocktailzindagi.com/gujarati/train-tales-story-two/
23 September 2017