Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9379743
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સિંહ જેવા શ્વાન

અંકિત દેસાઈ|Opinion - Literature|7 February 2017

હિમાંશી શેલતની પ્રાણીઓ સાથેની સ્મરણકથા ‘વિક્ટર’ પરની આ લેખશ્રેણીનો આજે [07 ફેબ્રુઆરી 2017] છેલ્લો લેખ, જેમાં વાત કરવી છે એમના બે પૅડિગ્રી ડૉગ લિયો (જર્મન શેફર્ડ) અને વિક્ટર(લેબ્રડોર)ની. જો કે ‘વિક્ટર’ પુસ્તકના મુખપૃષ્ઠ પરના વિક્ટરના ફોટોગ્રાફ પરથી એવું જરૂર કળી શકાય કે વિક્ટર શુદ્ધપણે લેબ્રાડોર નહોતો, એનામાં ક્યાંક દેશી શ્વાનની છાંટ પણ નજરે ચઢે છે! જો કે આ મારું અનુમાન છે કે, વિક્ટર વર્ણસંકર છે, સત્ય શું છે એ વિશે હિમાંશીબહેનને જ પૂછવું રહ્યું.

હિમાંશી શેલત સુરત છોડીને વલસાડ સ્થાયી થાય, એ પહેલાં એમના ઘરે લિયો આવેલો. લિયો વિશેના લેખમાં હિમાંશીબહેને જણાવ્યું છે કે, એમના બાપુજીના અવસાન પછી ઘરમાં બધાને ભેંકાર એકલતા લાગવા માંડેલી. તેઓ લખે છે :

‘બાપુજીના અવસાન પછી ઘર એકાએક જ મૂંગું બની ગયું. એમની અને મારા ભત્રીજા હરિતની ઘીંગામસ્તી દિવસના મોટા ભાગમાં વેરાતી રહે. બેયનાં ભાતભાતનાં નાટકો ચાલે. રાજા-પ્રધાન, ચોર-સિપાઈ, સરહદ પર ખેલાતા યુદ્ધો – બધા વેશ અહીં હાજર. લાકડાની તલવારો ઊછળે, વ્યૂહરચનાઓ ગોઠવાય, ને ધમાધમી બોલે. ક્યારેક વળી મસ્તી ચડી હોય તો હીંચકો ઝૂલે ને ઉપર બંનેની મહેફિલ જામે. બાપુજી ખુલ્લે સાદે એમના જમાનાનાં ગીતો લલકારે અને હરિત શ્રોતા બનીને એમાં ગુલતાન. છેવટ સુધી આ ક્રમ સચવાયેલો એટલે સોપો પડી ગયો બાપુજીના અચાનક ચાલ્યા જવાથી. વળી એ દિવસોમાં ઘર પ્રાણીઓ વિનાનું. લાલિયો પણ થોડા મહિના અગાઉ ગુજરી ગયેલો. પ્રાણીની ખોટ આ દિવસોમાં વરતાઈ એવી પહેલાં ક્યારે ય નહોતી વરતાઈ. વિષાદમાં થીજેલું ઘર એકાદ પ્રાણીની હાજરીથી ફરી ધબકવા માંડશે, મન પર થોડી તાણ લાગે છે તે ઓછી થશે અને ખાસ તો અમે બધાં ઘર બહાર કામે નીકળી જઈએ છીએ ત્યારે બાને વસ્તી રહેશે એમ અમારું ચોક્કસ માનવું હતું.’

આમ હિમાંશીબહેન જર્મન શેફર્ડનું એક બચ્ચું પોતાને ઘેર લઈ આવ્યાં, જેની ગરદન પાસે સિંહની યાળ જેવા વાળ હોવાને કારણે એનું નામ પડ્યું ‘લિયો’ અને એ લિયોનું કદ પણ પાછું સિંહ જેવું જખ્ખડ, એટલે જ લિયો વિશે લખાયેલા પ્રકરણનું નામ હિમાંશીબહેને ‘અમારે ઘેર સિંહ’ રાખેલું!

આલ્સેશન ડોગ તરીકે ઓળખાતા જર્મન શેફર્ડ આમે ય કદાવર હોય, એમાં લિયો ખાવાનો ભારે શોખીન એટલે લિયોની તંદુરસ્તી છાપરે ચઢીને પોકારે. હિમાંશીબહેન લખે છે :

‘પોતાના ખાવાના શોખથી લિયો અસલ સૂરતી કહેવાય એવો. લાંબે ગાળે અતિ આહારથી એ પ્રસિદ્ધ થવાનો એમાં બે મત નહીં. તીખું અને ગળ્યું – બંને પ્રેમથી ગ્રહણ કરતો આ હૃષ્ટપુષ્ટ જીવ ભાગ્યે જ કોઈ ખાદ્યપદાર્થ નકારે. આમ છતાં કશું ન ભાવે એવું લાગે ત્યારે ય પોતાની ‘ટેબલ મેનર્સ’ છોડે તો એ લિયો નહીં. તમે એવું કશું ધરો ત્યારે ય એ પેલી ચીજ મોંમાં તો લઈ જ લેવાનો. શિષ્ટાચાર ગળથૂથીમાંથી જ શીખીને આવેલો લિયો આપેલી ચીજનો અનાદર નહીં કરે. પછી કોઈ ન જુએ તે રીતે પેલી ચીજ જાળવીને બાજુમાં મૂકી દેશે!’

આવો નાતાવાન અને શરીરે હૃષ્ટપુષ્ટ શ્વાનનો સામનો કોઈ અજાણ્યા સાથે થાય અને સામેનું માણસ અમસ્તુ ય કૂતરા કે અન્ય પ્રાણીઓથી ડરતું હોય ત્યારે સિંહ જેવા લિયોને સામે જોય ત્યારે એના શું હાલ થાય એ કલ્પી શકાય છે.

એવો જ એક રમૂજી કિસ્સો લિયો વિશેના પ્રકરણમાં રજૂ કરાયો છે, જેમાં લિયોએ ઘરના કંપાઉન્ડમાં વગર પરવાનગીએ ઘૂસી આવેલા એક આગંતુકને કપાઉન્ડમાં રખાયેલી કારની ફરતે ‘ઓ … કૂતરો … કૂતરો …’ કરીને કઈ રીતે દોડાવેલા એ વિશે હાસ્ય અને રોમાંચભરી વાતો આલેખવામાં આવી છે. આવી જ એક મજેદાર વાત લિયો અને હિમાંશીબહેનનાં નાનીમાના સંબંધ વિશે રજૂ કરાઈ છે, જે પણ વાંચવા-માણવા લાયક છે.

હિમાંશીબહેન સુરતથી વલસાડ રહેવાં આવેલાં, ત્યારે ઘરના સભ્યોથી પણ લિયો વધુ દુઃખી થયેલો અને હિમાંશીબહેન જ્યારે પણ વલસાડથી સુરત આવે, ત્યારે લિયો એનાં સઘળાં કામ કોરાણે મૂકી, સતત હિમાંશીબહેન સાથે રહે અને એમની સોબત માણે. એ વિશે બહેન લખે છે :

‘ક્યારેક સુરત જવાનું લંબાય અને મને જોઈને બા કે હરિત દોડી આવે કે ભેટી પડે તો લિયોનો જીવ કપાઈ જાય! મારા પર કોઈ હક કરતું આવે એ એને જરીકે જચે નહીં. આવું કશું એનાથી સહન જ થતું હોય એમ એ વચ્ચે કૂદી પડે, બાને તો ધક્કો મારી બેસાડી જ દે!  કોઇ વધારે વાત કરે મારી સાથે તો એને ભસી ભસીને ચૂપ કરી દે! એકવાર માત્ર વિનોદ જ સુરત ગયો તો એની સામે આળોટીને, રડીને, એનો હાથ મોંમા લઈને, ઘડીઘડી ઓટલે દોડી જઈને એણે સ્પષ્ટ કરી દેખાડ્યું કે આ રીતે એકલા અવાય જ નહીં …

આ લિયો હિમાંશીબહેન અને ડૉ. કેતન શેલતને ત્યાં વર્ષો સુધી રહેલો. (હમણાં પણ એમને ત્યાં એક વૃદ્ધ શ્વાન છે, જેનું નામ પણ લિયો છે અને તે હવે સરખું ચાલી સુદ્ધાં નથી શકતો.) લિયોનું અવસાન ક્યારે થયું અને અવસાન સમયે લિયોની શું સ્થિતિ હતી એ વિશે હિમાંશીબહેને કશું આલેખ્યું નથી, કારણ કે આ લેખ વર્ષો પહેલાં લખાયેલો, જ્યારે લિયો સ્વસ્થ હતો. એવું કંઈક સાંભરે છે કે, હિમાંશીબહેનનાં બાનું અવસાન થયેલું, ત્યારે લિયો હાજર હતો અને બાના અવસાનથી એ અત્યંત વ્યાકુળ થઈ ગયેલો. કંઈક એવું પણ યાદ આવે છે કે, લિયો બાના શબ પાસે જ બેસી રહેલો અને થોડી થોડી વારે બાને ચાટી લેતો. જો કે આ વાતો હિમાંશીબહેને બા વિશે લખેલા એક લેખમાં આલેખી છે, જે લેખ એમણે સંપાદિત કરેલા પુસ્તક ‘પહેલો અક્ષર’માં સમાવ્યો છે.

હવે વિક્ટરની વાત. વિક્ટર વિશે હિમાંશીબહેન કહે છે, ‘ઊછળતા અને ધસમસતા ઉલ્લાસનો આકાર કેવો હોય એનો જવાબ મારી પાસે છે. એ હોય વિકી જેવો!’ વિક્ટરનો સ્વભાવ વર્ણવતા તેઓ લખે છે, ‘એ તો આવ્યો તેવો જ વળગી પડ્યો અમને બરાબર. નાનકો હતો ત્યારે સાવ સસલું લાગે, ચારે ય પગે કૂદતો ચાલે. એની આંખોનું ભોળું કુતૂહલ અમને ય એની સૃષ્ટિમાં ખેંચી જાય. ભોંય પર બેઠેલી ચકલીઓને ડોકું હલાવતો, કાન ફફડાવતો, પૂંછડી ફરકાવતો તાકી રહે. દેડકાને કૂદતો જોઈ ભયભીત થઈ ઘરમાં ભરાય, અને ભીંત પર સરકતી ગરોળીને ભસીભસીને જમીન પર આવી જવા પડકાર ફેંકે! ઘરમાં ઉત્તેજના ફેલાવી દીધી આ નાનકડા વિકીએ. એકલપેટો જરાયે નહીં. આસપાસની શ્વાન મંડળી જોડે દોસ્તી જમાવી. બે-ચાર કલાક માટે બહાર જવાનું થયું હોય અને પાછાં આવીએ ત્યારે જન્મજન્માંતરોના વિયોગ પછી મળતાં હોઈએ એવો વિકીનો ઉત્પાત હોય અને સાથે અનરાધાર પ્રેમવર્ષા. એ અમને વળગે, ચાટે, નાચે, કૂદે, જાતજાતના અવાજ કરે, હથેળીમાં માથું મૂકી દે, બૂટ-મોજાં-ચંપલ-રૂમાલ હવામાં ફંગોળે. મિલનના આવા ઝંઝાવાતી હરખ પછી એ જરા સ્વસ્થ થાય. એ અમારી ભાષા સમજે જ છે એવા પાકા વિશ્વાસ સાથે એની જોડે ગોઠડી મંડાય. કોઈ એ સાંભળે તો અમે માણસ જોડે વાત નથી કરતાં એ હકીકતથી અવશ્ય ડઘાઈ જાય!’

વિકી વિશે તેઓ એવું માનતાં કે વિકીએ ‘સખ્ય’ને મકાનમાંથી ઘરનો દરજ્જો આપેલો. વળી, અત્યંત મળતાવડા સ્વભાવના વિક્ટરને બહારની શ્વાન મંડળી સાથે પણ ઘણા સંબંધ એટલે એની સાથોસાથ સખ્યમાં બહારના શ્વાનોની આવલીજાવલી પણ સતત રહે, જેમાંના કેટલાક જમવાને ટાણે આવી ચડે તો વિકી એમને ભૂખ્યાં ન જવા દે. પોતાના નાતભાઈઓ જ નહીં, કોઇ માણસ પણ ‘સખ્ય’માં આવે તો વિકી ઓછોઓછો થઈ જાય અને અત્યંત્ય ભાવથી આવેલાને આવકારે. એની આ વૃત્તિ બાબતે હિમાંશીબહેન લખે છે, ‘માણસમાત્રને જોઈને એને અમથું અમથું વહાલ આવ્યા કરે. ચોરના દીદાર જો ચોર જેવા ન હોય તો એને ય આ માણસઘેલો પ્રેમથી ભેટવાનો એની મને તો ખાતરી જ રહેતી. પાંડવો પાછળ ગયેલો શ્વાન તે નક્કી આ જ એવી કથાઓ રચવાની અમને મઝા પડતી. અમારે ઘેર જેટલાં આવ્યાં હશે તે બધાં પર પોતાનું વહાલ વિકી વરસાવી ચૂકેલો, અને વહાલમાં વહેરોવંચો કે દિલચોરી લેશ નહીં.’

વિક્ટર ઘરમાં આવ્યા પછી હિમાંશીબહેન અને વિનોદ મેઘાણીનો આનંદ આસમાને પહોંચેલો. એ બંને, વિકી અને ‘સખ્ય’ની આસપાસની શ્વાન મંડળી રોજ સવાર-સાંજ ઘર નજીક આવેલી વાંકી નદીના ઢોળાવો પાસે ફરવા જતાં અને સવાર અને સાંજના સૌંદર્યમાં એમના આનંદનું ચંદન ભેળવી યાદોને સુંગધીદાર બનાવતાં. એમના આ સંબંધને ક્યાંક કોઈની નજર ન લાગી જાય એની પણ હિમાંશીબહેનને ચિંતા રહ્યા કરતી. તેઓ લખે છે, ‘આવી પ્રગાઢ દોસ્તી નજરાઈ તો નહીં જાય ને એવી દહેશત ક્યારેક પજવતી. જીરવી ન શકાય એવું ને એટલું સંબંધ-સુખ આપણી ઝોળીમાં ઠલવાઈ જાય ત્યારે આવો ભાવ સળવળે છે ઘણી વાર, બહુ રૅશનલ કહેવાય એવાં ચિત્તમાં પણ!’

આખરે થયેલું પણ એવું જ અને હિમાંશીબહેનને જે શંકા કે ભય હતો એ સાચો પડેલો, જે વિશે એમણે અત્યંત હૃદયદ્રાવક વર્ણન કર્યું છે. આ લખનારે વિક્ટરને ક્યારે ય જોયો નથી, પણ વિક્ટરના અંત વિશેનાં વર્ણન બાદ મને ય વિક્ટર દેખાયા કરેલો. હા સોનુને મેં જોયેલો અને બેએક વાર એને મળવાનું પણ થયેલું. વિક્ટરના અવસાન વિશેની વાતો અને સોનુના ગયા પછી હિમાંશીબહેનની મનઃસ્થિતિ વિશેની વાતો કાલે જોઈએ. લેખ લાંબો થાય ત્યારે વાત ટૂંકમાં પતાવવાની આવડત આપણામાં નથી. આવતા મંગળવાર સુધી રાહ નથી જોવી. કાલે જ સમાપન કરીએ.

e.mail : ankitdesaivapi@gmail.com

Khabarchhe.com

Loading

7 February 2017 અંકિત દેસાઈ
← ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટના બે અઠવાડિયા –
Anti-colonial warrior who counted Nehru, Bose as friends comes out of the shadows →

Search by

Opinion

  • મુઝકો તુમ જો મિલે યે જહાં મિલ ગયા
  • ગુરુદત્ત શતાબ્દીએ –
  • PMનો ગ્લાબલ સાઉથનો પ્રવાસ : દક્ષિણ દેશો સાથેની કૂટનીતિ પ્રભાવી રહેશે કે સાંકેતિક
  • સવાલ બે છે; એક તિબેટના ભવિષ્ય વિષે અને બીજો તિબેટને લઈને ભારત-ચીન વચ્ચેના સંબંધો વિષે
  • ચલ મન મુંબઈ નગરી—297

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • ‘રાષ્ટ્રપિતાનો વારસો એમના વંશજો જ નથી’ — રાજમોહન ગાંધી
  • સરદારનો ગાંધી આદર્શ 
  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!

Poetry

  • હાર
  • વરસાદમાં દરવાજો પલળ્યો
  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved