દાદાને ગયાને આજે સાત વર્ષ પૂરાં થયાં, અને સાત વર્ષમાં દાદા ખૂબ યાદ આવતા રહ્યા. આ સાત વર્ષોમાં ફરક એટલો પડ્યો કે, પહેલાં દાદા અમને ઘણી વાર્તાઓ કરતા, અને હવે, અમે અમારા નાનકાઓને દાદાની વાર્તાઓ કરીએ છીએ. અમારાં જીવનમાં એ વાર્તાઓ પણ અકબંધ છે અને દાદા પણ!
અમારા ઘરમાં અમારી બા અત્યંત પ્રભાવક વ્યક્તિ, એટલે બાના વ્યક્તિત્વની નીચે દાદા હંમેશાં કચડાતા રહ્યા. એમ કહી શકાય કે દાદા અંડરરેટેડ રહ્યા … પણ દાદાએ એ બાબતે ન તો ક્યારે ય ફરિયાદો કરી કે નહીં એમણે પોતાનું પ્રભુત્વ જમાવવાનો પ્રયત્ન કર્યો. એવું અનેક વખત બન્યું છે કે, અમારા પાંચ ભાઈ-બહેનોમાંથી કોઈએ કોક વખત દાદા પ્રત્યે વધુ સ્નેહ દાખવ્યો હોય કે એમની તરફદારી કરી હોય તો બા વિરોધ નોંધાવે કે, 'તમને દેહું તમારા બપાવા વતી બો લાગી આવતું ..' પણ જો અમે બધા મોટેભાગે બા તરફી હોઈએ ત્યારે દાદા ક્યારે ય એવો વિરોધ નહીં નોંધાવે. કદાચ એટલે જ અમે બધા 'બાવાદીઓ' હોવા છતાં અમારા બાળપણની શ્રેષ્ઠ યાદો દાદા સાથે સંકળાયેલી છે.
તસવીરમાં ઊભી છે એ હીરલ દેસાઈ, દાદાના ખોળામાં હું અને બાના ખોળામાં કેયૂર દેસાઈ
દાદા સાથે વીતાવેલો શ્રેષ્ઠ સમય એટલે અમારા ઉનાળું વેકેશનો. ઉનાળા માટે ડોસો ખાસ પાટીવાળી એક ખાટલી ઓટલા પર રાખી મૂકતો. અને સાંજે કેરીના રસ સાથે કાંદા-કાકડીના પૂડા અથવા વડા કે ઢોકળાં ઝાપટીને ચોકમાં ખાટલી ઊતારી પાડતો. દાદા ચોકમાં આડા પડે એટલે અમે બધા પણ એમની આસપાસ જ્યાં મેળ પડે ત્યાં ગોઠવાઈએ અને દાદા પાસે, 'દાદા કોઈ જૂની વાતો કરો …'ની ફરમાઈશ કરીએ. ફરમાઈશને માન આપી એક તરફ દાદા કોઈ વાતની શરૂઆત કરે અને સાથે સભાપતિ મહોદય અમારી બા એની એક્સ્ટ્રા કમેન્ટરી શરૂ કરે. ઇન્દિરા ગાંધીથી લઈ મોરારજી દેસાઈ અને વર્ષો પહેલાં મરી ગયેલા અમારા કોઈ મારકણા બલ(બળદ)થી લઈ ગામમાં આવેલાં પૂર સુધીની વાતો આભની નીચે સૂતા સૂતા થતી રહે. દાદાના બાપુજીએ સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન આપેલું, એટલે એમના બાપાની વાતો કરતી વખતે કે મોરારજીની વાતો કરતી વખતે એમનું ગળું ભીનું થઈ જાય. અને આ બધામાં ક્યારેક ડોસો પોતે ઉપજાવી કાઢેલી ખોટી વાતો પણ કરી નાંખે એટલે બા દાદાને ટોકી કાઢે, 'કાય હારો પોયરાએ હો જૂઠું બોલ્યા કરે … હારો જૂઠ્ઠો તદન ….'
બા અને દાદાની કોઈ વાતે કચકચ થાય તો અમે પાંચ બંને પક્ષે વહેંચાઈ જઈએ અને બંને પક્ષે ઘાસતેલ છાંટીએ. બાનું મગજ જાય એટલે ગાળો સાથે ધાણીફૂટ વાક્યોપ્રયોગો થતાં રહે અને સામે છેડે દાદા માત્ર ‘ઉંમમમમમ’ જેવો ઊંહકારો કરીને કે ‘હા રે હા ભાઈ…’માં જવાબ આપે. બા-દાદાની લડાઈમાં મજા એ વાતની આવે કે, બા જે વાતને સવાલ કે આક્ષેપરૂપે રજૂ કરે એ જ વાતને દાદા જવાબમાં રજૂ કરે. એક-બે ઉદાહરણો જોઈએ તોઃ
‘કોણ જાણે મૂઓ કાંથી મારે કપાળે ચોટેલો?’ બાનો સવાલ.
‘હા રે હા ભાઈ, ઉં તારે કપાળે ચોટેલો …’ દાદાનો જવાબ.
‘આ મૂઆ હાથે તો મેં જ જિંદગી કાયળી …’ બાનો આરોપ.
‘હા રે હા ભાઈ, તેં જ મારી હાથે જિંદગી કાયળી …’ દાદાનો જવાબ.
જો કે આટલી બધી લડાઈઓ અને એકબીજાંના સ્વભાવમાં અત્યંત વિરોધાભાસ હોવા છતાં એ બંનેનો એકબીજાં પ્રત્યેનો પ્રેમ અને આદર અત્યંત ઊંડો અને ઉત્કટ. બાનો એ અફર નિયમ કે, એ ભલે દાદાને કંઈ પણ કહે, પરંતુ અમારામાંથી જો કોઈએ ડોસા સાથે ઉદ્ધતાઈથી વાત કરી તો બા એની છાલ ઉતરડી નાંખે.
દુનિયાદારીના સામાન્ય નિયમો દાદાએ ક્યારે ય નહીં પાળ્યા. સંગ્રહ કરી લ્યો કે નાનાંમોટા સ્વાર્થને ખાતર સ્વજનોનો દગો કરો કે સાવ તુચ્છ વાતો માટે ઓટલે બેસીને કાવતરા કરતા રહો જેવા અનાવલા સ્વભાવથી દાદા હંમેશાં છેટાં રહ્યા. વાડી કે રસ્તાના અનેક કાગળિયા માત્ર દાદાને નામે હતા, પણ કોઈની એવી તાકાત સુદ્ધાં નથી કે, એવો આક્ષેપ પણ કરે કે, મારા દાદાએ કોઈના હકનું ખાધું હોય! સારા અને નિરુઉપદ્રવી માણસને દુનિયા નબળો માણસ જાહેર કરતી હોય છે એ હું મારા દાદાના ઉદાહરણ પરથી જ શીખ્યો છું!
જીવનભર મારા ડોસા માટે એ ભલો અને સિઝન પ્રમાણેનો એનો ખોરાક ભલો રહ્યો. શિયાળો ચાલુ થાય એટલે ડોસાને વડી, ખીચું પાપડી, ઉબાિળયું કે ઊંધિયું જોઈએ. ડિસેમ્બરમાં લાલ વાલની પાપડી સો રૂપિયા કિલો હોય ત્યારથી ખાવાનું શરૂ કરે તે છેક માર્ચ મહિના સુધી એ ખાય. માર્ચ બેસે ત્યારથી કેરીની ચટણી ખાવાની શરૂ, અને મે-જૂનના મહિનાઓમાં કેરી અને રસની રમઝટ જમાવે. ઉનાળામાં મળસકે પાંચ વાગ્યે ઊઠીને કેરી ખાનારો દુનિયામાં નહીં જડે, પણ મારા દાદાનો અનાવલો જીવ મળસકે ય લહેરથી કેરી ખાઈ જાણે! તો ચોમાસું જાત-જાતની ભાજીઓ, પાનકી અને પાતરાથી વીતે. અધૂરામાં પૂરું અનાવલી વાનગીઓ પર બાની પણ હથોટી એટલે ડોસો સિઝન સિઝને બજારમાંથી બધું લેતો આવે અને બા બબડતી બબડતી બનાવી આપે. કોઈક વાર બા નનૈયો ભણી દે તો દાદા અમને ડિપ્લોમેટ તરીકે બા પાસે મોકલે અને ખાવા બાબતે અમારી કોઈ ફરમાઈશ હોય એટલે બા હોંશેહોંશે બનાવે.
દાદાએ અમને પ્રત્યક્ષરૂપે એવું ક્યારે ય નથી કહ્યું પણ એમના જીવન પરથી હું એટલું શીખ્યો છું કે, જીવનમાં અમુક ગણતરી ક્યારે ય નહીં કરવી અને હંમેશાં ગમતું જ કરવું.
બાને હંમેશાં એવી ઈચ્છા હતી કે, દાદા પહેલાં મૃત્યુ પામે અને એ પછી જાય. મજાક મજાકમાં તે એવું પણ કહેતી કે, ‘મને એવી ઈચ્છા છે કે, દાદા જાય ત્યારે તમે ચોતરા પરથી રડતા આવે અને મને ભેટી પડે …’ દાદા એની પેટર્ન સ્ટાઇલમાં જવાબ પણ આપતા કે, ‘હા રે હા ભાઈ હું પેલા જાવા … પછી તું મજા કરજે…’
જો કે 2009મા દાદા પડી ગયા અને થાપાનું હાડકું ખસી ગયું, ત્યારથી એમને ખાટલો આવ્યો અને મહિનાઓ સુધી તેઓ ચાલી નહીં શક્યા. દાદાની ચાકરીમાં બા ધીમે ધીમે તવાઈ ગઈ અને માંદી પડી ગઈ. એક સવારે એ અમને અલવિદા કહીને નીકળી પણ ગઈ અને અમે ચોતરાએથી પોક મૂકતા દાદાને બાઝી પડ્યા. આંખ મીંચીને સૂતેલી બાને ફરિયાદ કરેલી કે, ‘અમારા અપંગ દાદાને મૂકીને કેમ ચાલતી થઈ? હવે અમારા દાદાનું કોણ?’
એ માંદી હતી ત્યારે એણે કીધેલું પણ કે, ‘આ મૂઓ મને ઉપર પણ ઠરવા દેવાનો નથી.’ બાને ત્યારે ય ખબર હતી કે, એના વિના દાદા એક વર્ષ પણ આખું નહીં જીવી શકે. આખરે થયું પણ એવું જ. બાને ગયાને હજુ તો અગિયાર મહિના થયા હતા, ત્યાં દાદાએ પણ એમનો ડાયરો સંકેલી લીધો અને એમને ગયાને આજે પાંચ વર્ષ પૂરાં થઈ ગયાં. બા અને દાદા બંને બાબતે મને એવો વસવસો ખરો કે, બંને પાંચેક વર્ષ વધુ જીવ્યાં હોત તો લીલી-વાડી અને દેવ જેવા પાંચ નાના દીકરા (ચીકુ + દ્રવ્ય + વત્સ + અથર્વ + સ્વર)ને જોઈને ગયા હોત. એમના પાંચ બાળકોને પોતાની આવડતથી 'સ્વબળે' પોતપોતાના ક્ષેત્રોમાં આગળ વધતા જોવાનું થાત તો બંનેના જીવને ખૂબ આનંદ થાત …
જો કે મરણ જેને દૂર કરી ગયું, એ સ્વજન સ્મરણમાં હજુ ય એવું જ અકબંધ છે. આજે ય ક્યારેક સો-બસોનું છૂટું ગણવામાં ગોથું ખાઈ જવાય તો મલકી પડાય છે કે, ડોસાનો વારસો હજુ જાળવી રાખ્યો છે. કેરીગાળો શરૂ થાય ત્યારથી ડોસાની યાદ આવે છે અને રોજ એક કેરી ઈરાદાપૂર્વક વધુ ખાઉં છું કારણ કે, ડોસાને કેરી બહુ ભાવતી!
મમ્મીને ઘણી વાર ટોણા પણ મારું છું કે, પાતરાં ને પાનકી તો ૨૭ ડિસેમ્બરે ડોસાની સાથે જ ગયા કેમ? ગાંધી ટોપી અને કફની-ધોતીમાં સજ્જ કોઈ ડોસો એક હાથમાં થેલી અને બીજા હાથમાં ધોતિયાનો છેડો પકડીને ઉતાવળી ચાલે જતો હોય તો ભલભલું કામ પડતું મૂકીને એ ચહેરામાં દાદાનો ચહેરો જોવા મથું અને ઝૂરું છું કે, કાશ! આ ડોસો મારા દાદા હોત. જો કે દાદા નામનો એ ડોસો હવે એના ચહેરા પરનું સ્મિત અકબંધ રાખીને છેલ્લાં સાત વર્ષથી અમારા ઘરની દીવાલો પર તસવીર બનીને ઝૂલી રહ્યો છે અને અમારા દિલમાં પણ!
https://www.facebook.com/ankit.desai.923/posts/10205487626305958