લેખ અત્યંત લાંબો છે એટલે નિરાંતે વાંચવો પડશે. પરંતુ એક સમયે હું 'khabarachhe.com'માં મેગેઝિન ઍડિટર તરીકે જવાબદારી નિભાવતો, ત્યારે મેં ચંદ્રકાંત બક્ષીના જન્મ દિવસે પાંચ એવા લોકોના ઈન્ટરવ્યૂ કર્યા હતા, જેઓ બક્ષી સાથે કોઈક વિશિષ્ટ રીતે સંકળાયેલા હોય અથવા બક્ષી સાથે કોઈક જૂદો સંબંધ શેર કરતા હોય.
આશા રાખું છું કે આજે પણ આ ઈન્ટરવ્યૂ સાંપ્રત હશે અને તમને ગમશે.
***
ચન્દ્રકાંત કેશવલાલ બક્ષી. આ ગુજરાતી લેખકે એમના જીવન દરમિયાન છ પાનાંની યાદી થાય એટલા, તકરીબન બસો જેટલાં પુસ્તકો લખ્યાં છે. પોતાની ધારદાર જબાન અને તેજાબી કલમને કારણે બક્ષીબાબુ ગુજરાતી વાચકોમાં ભારે પ્રિય તો કેટલાક ગુજરાતી લેખકોમાં કંઈક અંશે અપ્રિય રહ્યા છે. પરંતુ જો તમને ગુજરાતી લેખન-પત્રકારત્વ સાથે જરા સરખો ય નાતો હશે તો પેલી અંગ્રેજી ઉક્તિની જેમ, ક્યાં તો તમે બક્ષીને ચાહી શકો છો અથવા એમને ધિક્કારી શકો છો. બાકી એમને અવગણવાનું કોઈનું ગજું નથી. ગુજરાતી લેખન જગતમાં આ લેખકની એક ચોક્કસ જગ્યા છે. આફ્ટર ઑલ, બક્ષી ઈઝ બક્ષી!
આજે એમની પુણ્યતિથિએ એવા પાંચ લોકોનો સંપર્ક કર્યો, જેઓ ચંદ્રકાંત બક્ષી સાથે કંઈક યુનિક રીતે સંકયાયેલા હોય અથવા બક્ષી સાથે કોઈ પણ રીતે એમનો વિશેષ નાતો હોય. આ પાંચ લોકોમાં રિવા બક્ષી, બક્ષી સા'બના દીકરી છે તો સંજય વૈદ્યએ એમની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો છે. ડૉ દક્ષેશ ઠાકરે બક્ષીના સાહિત્ય પર પીએચ.ડી કર્યું છે તો બક્ષીને ‘ક્રિએટિવ ગોડ’ માનતા આપણા જાણીતા લેખક-કૉલમિસ્ટ શિશિર રામાવતે એમના જીવન પર નાટક લખ્યું છે. અને પીઢ લેખક-હ્યુમરિસ્ટ વિનોદ ભટ્ટ સાથે બક્ષીની લવ-હેટની રિલેશનશિપ તો જગજાહેર છે જ. તો ચાલો જાણીએ ચંદ્રકાંત બક્ષી વિશે શું કહે છે કે આ લોકો …
•••
અમારા દંભની પણ એક મજા હતી
– વિનોદ ભટ્ટ (જાણીતા હાસ્ય લેખક)
બક્ષી સાથે તો મારા ઢગલાબંધ યાદગાર પ્રસંગો છે. પરંતુ તેમનો એક પત્ર મને હંમેશાં યાદ રહેશે. વર્ષો પહેલાં જ્યારે મારા હ્રદયનું ઓપરેશન કરેલું ત્યારે એમણે મને એક પત્રમાં લખેલું કે, ‘હ્રદય હેમખેમ રાખજો. હજુ આપણે ઘણું લડવાનું છે …’ આટલો બધો પ્રેમાળ માણસ મેં ક્યારે ય નથી જોયો. બક્ષી જો આજે જીવતા હોત તો સાહિત્યમાં એમની જે ખોટ સાલે છે એ ખોટ નહીં સાલતી હોત. એમના અવસાન બાદ આ નવ વર્ષોમાં આપણને એના જેવો બીજો બક્ષી હજુ મળ્યો નથી. અને મળે એવું લાગતું પણ નથી. એમને પડકારી શકે અથવા એમની તોલે આવી શકે એવો કોઈ લેખક આપણને સાંપડ્યો નથી.
બક્ષી થોડા વહેલાં ગયા એવું હું માનતો નથી. દરેક માણસે પોતાનો જવાનો સમય નક્કી કર્યો જ હોય છે. બક્ષી પણ યોગ્ય સમયે એમનું બધું કામ પતાવીને ગયા. હું માનું છું કે, પોતાનું કામ પતે એટલે દરેક માણસે અહીં નીકળી જવું જોઈએ. ખરેખર તો વિનોદ ભટ્ટે પણ અહીં રહેવું ન જોઈએ પરંતુ કોણ જાણે કેમ હું હજુ ય જીવી રહ્યો છું!
હું અને બક્ષી મળતા ત્યારે અમે એકબીજાને ખૂબ પ્રેમથી ભેટતા. અમને બંનેને ખબર હતી કે અમે બંને એકબીજાને ખોટેખોટુ ભેટીએ છીએ. પરંતુ એકબીજા પ્રત્યે અમારો જે દંભ હતો એ દંભની પણ એક મજા હતી. આજે તો કોની જોડે દંભ કરવો એ જ ખબર નથી પડતી! દંભ કરવા માટે સામે બક્ષી જેવો માણસ પણ જોઈએ ને?
***
તમારું સ્થાન મારા દિલમાં છે
– ડૉ. દક્ષેશ ઠાકર (પૂર્વ કુલપતિ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી)
એકવાર અમદાવાદના લૉ ગાર્ડન પાસેના એક હૉલમાં ચંદ્રકાન્ત બક્ષી ‘મારું તમારું અને આપણું ગુજરાત’ વિષય પર વક્તવ્ય આપવાના હતા અને એમને સાંભળવા માટે હું છેક મોડાસાથી અમદાવાદ પહોંચેલો. વક્તવ્ય બાદ સ્ટેજ પર એમને મળવા ગયો ત્યારે હું એમને પગે પડવા જતો હતો અને હું જેવો નીચો નમ્યો કે, તરત મારું બાવડું પકડીને તેઓ મને ભેટી પડેલા. એમણે કહેલું કે, ‘ઠાકર સાહેબ તમારું સ્થાન મારા ચરણમાં નહીં પરંતુ મારા હ્રદયમાં છે.’ બક્ષી સાહેબ સાથેનો મારો આ સૌથી યાદગાર પ્રસંગ હતો.
આજે જો બક્ષીસાહેબ જીવતા હોત તો તેઓ જીવતા હતા ત્યારે એમણે જે કર્યું હતું, એ વધારે બળકટતાથી અને વધુ સક્ષમતાથી કર્યું હોત. તેમને જે સાચું લાગ્યું એ જ કરીને જંપ્યા હોત. હું માનું છું કે, બક્ષી આપણી વચ્ચેથી ઘણા વહેલાં ચાલી ગયા. તેઓ એકાદ દાયકો વધુ જીવ્યા હોત તો પત્રકારત્વક્ષેત્રે આપણને એમનું ઉત્તમ પ્રાપ્ત થયું હોત. આજે ચોખેચોખુ લખનારા અને બોલનારાં લોકો ઘણા ઓછા રહ્યા છે. આજના લેખકો જ્યારે માપી-તોલીને લખી રહ્યા છે ત્યારે મને બક્ષી સાહેબની ખોટ સૌથી વધુ સાલે છે અને આ એક કારણસર હું એમને અત્યંત મિસ કરું છું.
***
બક્ષી સાથેની બપોર મિસ કરું છું
– સંજય વૈદ્ય (ખ્યાતનામ ફોટોગ્રાફર)
બક્ષી સાહેબ મને હંમેશાં કવિરાજ કહીને સંબોધતા કારણ કે, બંગાળી ભાષામાં કવિરાજનો અર્થ વૈદ્ય થતો. આમ તો બક્ષીબાબુને હું જ્યારે પણ મળ્યો છું એ દરેક ક્ષણ યાદગાર છે. પરંતુ આજે એમના જન્મ દિવસે એક પ્રસંગ હું ખાસ યાદ કરીશ. બક્ષીએ મને એમની નજરે એમનું કોલકાતા બતાવેલું. એમની સાથે કોલકાતામાં વિતાવેલા એ બે દિવસો અદ્દભુત હતા.
એ બે દિવસોમાં એમણે મને એમના ‘અલકા સ્ટોર’થી માંડીને રિવા બક્ષીને આંગળી પકડીને તેઓ જ્યાં ચાલવા લઈ જતા તે સ્થળ કે પછી જ્યાં ‘ગુડ નાઈડ ડેડી’ની વાર્તાઓ સર્જાયેલી એ બેન્ચો એમણે મને જાતે ફેરવીને બતાવેલી. તમે જે સર્જકના સર્જનને આકંઠ પીધું હોય કે, જે વાર્તાઓ વાંચીને તમે રોમાંચિત થયાં હો એ વાર્તાઓનું સર્જન જ્યાં થયું હોય કે, વાર્તાઓમાં જે પરિવેશનું વર્ણન થયું હોય એ પરિવેશ લેખક જાતે જ તમારો હાથ ઝાલીને બતાવે તો એનાથી વધુ રોમાંચક શું હોય?
બક્ષી પોતાની જાતને અત્યંત અપડેટ રાખતા. એટલે જો બક્ષી જીવતા હોત તો આજે પણ તેઓ લેખકોને અત્યંત ટફ કોમ્પિટિશન આપતા હોત. અત્યારે ત્યાસી કે ચોર્યાસી વર્ષના થયા હોત તો ય લોકોને એમની સાથે ઊભા રહેવામાં કોમ્પ્લેક્સ ફિલ થાત. જો કે મને એમ નથી લાગતું કે, તેઓ એમના સમય કરતા વહેલા ગયા. કારણ કે એમના અંતિમ વર્ષોમાં એમના અંગત દુ:ખો વધતા જતા હતા. બીજું એ કે બકુલાબહેનના ગયાં પછી તેઓ કંઈક અંશે તૂટી પણ ગયેલા. એટલે એમણે એક્સિટ તો યોગ્ય સમયે જ લીધી હતી એમ કહી શકાય.
બક્ષીને હું અત્યંત મિસ કરી રહ્યો છું. અમદાવાદમાં મારા અને એમના ઘર વચ્ચે માત્ર પાંચ જ મિનિટનું અંતર હતું એટલે દર રવિવારે સવારે એમનો મારા પર કોલ આવતો, ‘સંજયબાબુ ઘરે આવી જાઓ. બપોરે બેસીએ આપણે.’ બીજી તરફ કાજલે (ઓઝા- વૈદ્ય) રસોઈ બનાવવાની હોય એટલે એ પણ મને કહે કે, ‘તથાગતને લઈને તમે ત્યાં જાઓ, એટલામાં મારી રસોઈ પણ થઈ જશે.’ એટલે હું અને તથાગત એમના ઘરે જઈએ અને તેઓ પોતાના હાથે બોર્નવિટા બનાવીને તથાગતને સર્વ કરે અને એને કહે કે, ‘તથાગત તમે તમારું બોર્નવિટા અને ટી.વી. એન્જોય કરો. હું અને તમારા પપ્પા બેસીએ છીએ.’ અને પછી અમે બંને સાથે બેસીને બિયર પીતા. રવિવારે બપોરે સાથે બેસીને બિયર પીવો એ અમારો ક્રમ બની ગયેલો. ત્યારે અમે જે વાતો કરતા અને તેઓ જે રીતે ખીલતા એ વાતો અવર્ણનિય છે. હું રવિવારની એ બપોર ખૂબ મિસ કરું છું.
***
બક્ષી ભરપૂર જીવ્યાં
– શિશિર રામાવત (કૉલમિસ્ટ, નવલકથાકાર, નાટ્યકાર, પત્રકાર)
ચંદ્રકાંત બક્ષીને હું મારા 'ક્રિયેટિવ ગોડ' ગણું છું તે વાત મેં અગાઉ કેટલી ય વાર કહી છે. આજે ફરી એક વાર તે દોહરાવું છું. બક્ષીબાબુ સાથેનો યાદગાર પ્રસંગ એટલે એમની સાથેની મારી પહેલી મુલાકાત. તે વખતે હું એમ.એસ. યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનું ભણતો અને હોસ્ટેલમાં રહેતો હતો. બક્ષીનો બુખાર સંપૂર્ણપણે વ્યાપી ચૂક્યો હતો. ક્રિયેટિવ ગોડ તરીકે દિલ-દિમાગમાં તેમનું સ્થાપન થઈ ચૂક્યું હતું. 1994માં મેં એમનો બર્થ-ડે નહીં, પણ બર્થ વીક સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું. ઈમ્પ્રેશનેબલ એજમાં આમે ય આપણે ઘણા રિસેપ્ટિવ, ઘણા ઉત્સાહી હોઈએ છીએ. એમના બર્થડેવાળાં અઠવાડિયાના સાતેસાત દિવસ એમને રોજ એક-એક બથર્ડે કાર્ડ મળે તે રીતે મેં વારાફરતી સરસ મજાના કાર્ડ્સ પોસ્ટ કર્યા.
આ બર્થવીકના થોડા દિવસ બાદ મેસમાં જમી રહ્યો હતો ત્યારે મારા એક ફ્રેન્ડે ન્યુઝ આપ્યાઃ જલદી રુમ પર જા, તારા માટે સરપ્રાઈઝ છે. ઉતાવળે રુમ પર જઈને જોયું કે ચંદ્રકાંત બક્ષીએ મને સામું થેન્ક યુ કાર્ડ લખ્યું હતું. બંદાએ તો રાજીના રેડ થઈને કૂદાકૂદ કરી મૂકી. કાર્ડમાં જ એક પાને મરોડદાર અક્ષરોમાં એમણે લખ્યું હતું, ફલાણી ફલાણી તારીખે આણંદના ટાઉનહોલમાં મારું વ્યાખ્યાન છે. જો અનુકૂળ હોય તો આવજો. મળીશું.
આણંદ ન જવાનો પ્રશ્ર્ન જ ન હતો. લેકચરવાળા દિવસે હું અને મારો રુમમેટ હસમુખ આણંદ પહોંચી ગયા. ટાઉન હોલ હકડેઠઠ ભરાયેલો હતો. તે દિવસે મેં બક્ષીજીને પહેલી વાર પ્રત્યક્ષ, સદેહે જોયા. એમને સાંભળ્યા. મેં જોયું કે તેઓ જેટલું અસરકારક લખે છે એટલું જ અસરકારક બોલે પણ છે. પ્રવચન પૂરું કર્યા પછી ઓડિટોરિયમમાંથી બહાર નીકળ્યા ત્યારે પ્રશંસકો તેમને ઘેરી વળ્યા. પહેલી વાર કોઈ લેખકનો સુપરસ્ટાર જેવો દબદબો હું જોઈ રહ્યો હતો. બક્ષીજી બધા સાથે હસીને વાત કરતા રહ્યા. હું દૂરથી ચુપચાપ તેમને જોતો રહ્યો. આખરે એમની કાર પાસે પહોંચ્યા ત્યારે હું એમની પાસે ગયો. મારી ઓળખાણ આપી. એક-બે પળ બક્ષીજી ધારીને જોતા રહ્યા. પછી એકદમ ભેટી પડ્યા. થોડી મિનિટો બહુ જ પ્રેમથી વાતો કરી. પછી છૂટા પડ્યા. તેમની કાર પ્રિમાઈસીસની બહાર નીકળી ત્યાં સુધીમાં મારા પગ જમીનથી કમસે કમ છ ઈંચ અધ્ધર થઈ ગયા હતા. બક્ષી સાથેની આ સૌથી યાદગાર પળ.
એન્જિનિયરિંગમાં બન્ક મારીને પત્રકાર બનવા મુંબઈ દોડી આવ્યો અને રીતસર પત્રકાર બન્યો પછી બક્ષીબાબુને અનેક વાર મળવાનું થયું. એમના ઘરે, ફંકશનોમાં, વગેરે. ફોન પર વાતો થતી. છેલ્લે હું 'અભિયાન' સાપ્તાહિકનો સંપાદક હતો અને તેઓ મારા કૉલમિસ્ટ. જિંદગીનું એક વર્તુળ જાણે પૂરું થઈ રહ્યું હતું. એમની જે 'વિકલ્પ' કોલમ વાંચી-વાંચીને ટીનેજનાં વર્ષો પસાર થયાં હતાં, સમૃદ્ધ આંતરિક ઘડતર થયું હતું તે કોલમ હવે બક્ષીજીના હસ્તલિખિત સ્વરૂપમાં સૌથી પહેલાં મારી પાસે આવતી, હું તેનો ઓફિશિયલી પહેલો વાચક બનતો. પછી તેને કંપોઝ માટે મોકલતો. જબરી થ્રિલ થતી. આ તમામ પળો મૂલ્યવાન છે જ, પણ આણંદના ટાઉનહોલની બહાર પહેલી વાર એમને સન્મુખ થવાની પળ મને સૌથી યાદગાર લાગે છે.
બક્ષી આજે જીવતા હોત તો સાહિત્યજગત અને પત્રકારજગતમાં નોનસ્ટોપ તરંગો સર્જાયા કરતા હોત. કેટલાં ય નવોદિત લેખકો તેમનાથી પ્રેરાઈને લખતા થયા હોત. ગુજરાતી પત્રકારજગતમાં બક્ષી એક વોચ-ડોગ તરીકે ભૂમિકા ભજવતા હોત. તેમના હોવા માત્રને લીધે કેટલા ય લેખકોનાં લખાણમાં આપોઆપ ક્વોલિટી-કંટ્રોલ થતું હોત. બક્ષી કુશાગ્ર બુદ્ધિ ધરાવનારા દીર્ઘ દૃષ્ટા હતા. નરેન્દ્ર મોદીનું સચોટ ભવિષ્ય તેમણે મોદી હજુ પહેલીવાર ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા હતા ત્યારે જ ભાખી લીધું હતું. મોદીને ભારતના વડા પ્રધાન પદ પર જોઈને તેમણે તીવ્ર સંતોષ, આનંદ અને ધન્યતા અનુભવ્યા હોત. આજના અતિ ઉત્સાહી અને અતિ જીવંત સોશ્યલ મીડિયામાં બક્ષીજીને કારણે કેવી ધમાલ મચતી હોત તે કલ્પના કરતાં પણ રોમાંચ થાય છે.
બક્ષી વહેલા મૃત્યુ પામ્યા એવું મને લાગે છે? ના. બક્ષી જેટલું જીવ્યા, ભરપૂર જીવ્યા. ભરપૂરપણે જીવતા માણસના આયુષ્યના આંકડો નહીં, બોડી-ઓફ-વર્ક મહત્ત્વનું હોય છે. 'આનંદ' ફિલ્મમાં પેલો ડાયલોગ છે ને કે 'આનંદ મરા નહીં હૈ … આનંદ મરતે નહીં હૈ'. બક્ષીબાબુ માટે જ નહીં, ઉત્તમ કામ કરી જનારા તમામ ક્રિયેટિવ લોકો માટે આ ડાયલોગ લાગુ પાડી શકાય.
બક્ષીને હું શા માટે મિસ કરું છું એનો જવાબ આગલા ઉત્તરોમાં આડકતરો વણાઈ ગયો છે. એક લાંબો તબક્કો એવો હતો જ્યારે હું મારા પિતા કરતાં બક્ષીના જીવન વિશે વધારે જાણતો હતો, વધારે ઉત્સુક રહેતો હતો. માનસિક સ્તરે પપ્પા કરતાં બક્ષી સાથે વધારે વધારે ટ્યુનિંગ અનુભવતો હતો. સામાન્યપણે ઉંમરની સાથે, સમજણ-અનુભવ-એક્સપોઝરની સાથે આપણે ટીનેજ અવસ્થાના હીરોને યા તો ફેવરિટ લેખકને આઉટગ્રો કરી જતા હોઈએ છીએ. મારા કેસમાં, દેશવિદેશના ઉત્તમોત્તમ સાહિત્યકારોને માણ્યા પછી પણ દિલમાં બક્ષીનું સ્થાન એ જ રહ્યું છે જે હંમેશાં હતું. સભાન હોવું, વિચારશીલ હોવું અને છતાં ય મુગ્ધ રહી શકવું – મને લાગે છે કે આ એક ડેડલી કોમ્બિનેશન છે. બક્ષીના સંદર્ભમાં હું આ ખતરનાક કોકટેલ મારી ભીતર જોઈ શકું છું. મને ગમે છે તે ફીલિંગ. હું માનું છું કે ‘હું … ચંદ્રકાંત બક્ષી' નાટક મેં બક્ષીબાબુને આપેલી શ્રેષ્ઠ અંજલિ છે.
***
પહાડ ચઢવા પગમાં તાકાત જોઈએ
– રિવા બક્ષી (દીકરી)
ડેડી સાથેની યાદો ગણવા બેસીએ તો સાંજ થાય. પણ ડેડીની બે વાતો મને જીવનમાં અત્યંત ખપમાં આવે છે. પહેલી વાત તો એમણે ઘણી જગ્યાએ લખી છે. કે, જીવનમાં બીજું બધું પોસ્ટપોન કરો પરંતુ તમારી ખુશીને ક્યારે ય પોસ્ટપોન ન કરો. આ ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએશન માટે મારી કોલેજનો પહેલો દિવસ હતો ત્યારે એમણે મને કહેલું કે, ‘કોઈની આંગળી પકડીને આપણે ઝાડ ચઢી શકીએ પરંતુ પહાડ ચઢવો હોય તો આપણા પગમાં તાકાત જોઈએ.’ ડેડીએ મને જીવનની તમામ પરિસ્થિતિઓમાં ખુમારીપૂર્વક જીવતા શીખવ્યું. અમે જીવનમાં ખરાબમાં ખરાબ દિવસો જોયા છે પરંતુ મેં ક્યારે ય એમને તૂટતા નથી જોયાં.
ડેડી જો આજે જીવતા હોત તો આજનો આપણો વિકાસ જોઈને ભારે ખુશ હોત. એમણે વર્ષો પહેલા લખેલું કે, ઈન્ટરનેશનલ એરપોર્ટ આ પ્રકારનું હોવું જોઈએ કે, અમદાવાદમાં આવું હોવું જોઈએ. તો આજે જ્યારે આપણી પાસે આ બધી સગવડો છે તો એ બધું જોઈને તેઓ જરૂર ખુશ થયાં હોત. ડેડી એમના સમય કરતાં સો ટકા વહેલા ગયા છે. હું એમના માટે હંમેશાં કહેતી હોઉં છું કે, હી લિવ્ડ બિફોર હિઝ ટાઈમ એન્ડ હી ડાઈ બિફોર હિઝ ટાઈમ.
આજે હું ડેડી અને મમ્મીને બધી રીતે મિસ કરું છું. અમારા ઘરમાં કોઈનો પણ બર્થ ડે હોય અથવા કોઈ તહેવારનો દિવસ હોય તો તેઓ મને અચૂક યાદ આવે. એમને પૂરણપોળી બહુ જ ભાવતી એટલે એમના ગયા પછી પણ હું એમના જન્મ દિવસે અચૂક પૂરણપોળી બનાવું છું.
ફોટો સૌજન્ય : સંજય વૈદ્ય
સૌજન્ય : અંકિતભાઈ દેસાઈની ફેઇસબૂક દિવાલેથી સાભાર