આશુ પટેલનો આજે બપોરે ઝવેરચંદ મેઘાણીના સંદર્ભમાં ફોન આવ્યો, તો વાતવાતમાં મને એક સરસ મજાનો કિસ્સો યાદ આવ્યો. કિસ્સો એમ છે કે ગયા જાન્યુઆરીમાં મહેન્દ્ર મેઘાણીએ ‘ઘોળી ઘોળી પ્યાલા ભરિયા’ નામે ઝવેરચંદ મેઘાણી સાહિત્યનો એક દળદાર સંપાદન ગ્રંથ આપ્યો હતો, અને મારી જેમ અનેક મેઘાણી સાહિત્ય પ્રેમીઓએ એ ગ્રંથ મગાવી લીધેલો. ડિસ્કાઉન્ટ પણ તોતિંગ હતું!
એ ગ્રંથ જ્યારે ઘરે આવેલો ત્યારે મારો દીકરો સ્વર મારી પાસે જ હતો એટલે મેં તેની પાસે પુસ્તકોનું કુરિયર ખોલાવેલું. અને ‘ઘોળી ઘોળી પ્યાલા ભરિયા’ પુસ્તકનું કવર પણ પીળા રંગનું એવું જ આકર્ષક, બાળકોને તો ખાસ ગમી જાય એવું. એટલે સ્વરભાઈને એ પુસ્તક સાથે જરા વિશેષ પ્રીતિ બંધાઈ ગયેલી.
વળી એ પુસ્તકમાં જ ‘કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં’ અને ‘ચારણકન્યા’ જેવી મેઘાણીની કેટલીક ચૂંટેલી રચનાઓ છે. એટલે ક્યારેક ક્યારેક સ્વરલાલને એમાંથી ‘કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં’ અને ‘ચારણકન્યા’ સંભળાવું. લૉકડાઉન વનમાં તો લગભગ રોજ રાત્રે સૂતાં પહેલાં હું એને ‘ચારણકન્યા’ના બે-બે પેરા વારંવાર સંભળાવતો અને એના અર્થો સમજાવતો.
આમ, પોતે જ પુસ્તકનું કુરિયર ખોલ્યું હતું અને રોજ તેને એમાંથી કવિતા સંભળાવતો હતો એટલે સ્વરલાલના મનમાં એમ જ ચાલે કે આ પુસ્તક મારું જ છે. મારું એટલે મારા એકલાનું જ! પાપાનું પણ નહીં!
જો કે તેની પઝેસિવનેસ વિશે ત્યારે ખબર પડી જ્યારે અમારા મકાનના એક વડીલ એ પુસ્તક લઈ ગયા. વાત એમ છે કે અમારા મકાનમાં નવમે માળે એક વડીલ રહે અને એ વડીલ આખા લૉકડાઉન દરમિયાન મારે ત્યાંથી થોકબંધ પુસ્તકો લઈ જાય અને એ પુસ્તકો વંચાઈ જાય એટલે જૂનાં પુસ્તકો મૂકીને નવાં પસંદ કરી લઈ જાય.
એવામાં એકવાર એ વડીલ મેઘાણીનું ‘ઘોળી ઘોળી પ્યાલા ભરિયા’ પસંદ કરીને લઈ જતા હતા અને સ્વરભાઈ એ જોઈ ગયા. જોતાવેંત તેણે સત્તાવાર જાહેરાત કરી કે, ‘માલી બુક ની લઈ જતા.’
પેલા કાકાને તો કંઈ તેની કાલીઘેલી ભાષામાં સમજ ન પડી. અને પહેલી વખત સ્વરે જે રિએક્શન આપ્યું હતું એ અમે પણ સમજી નહોતા શક્યા કે એ કહેવા શું માગે છે અને કઈ બાબતને લઈને સ્વર પેલા કાકાને પુસ્તક લઈ જવાની ના પાડે છે.
કાકા તો રુટિન પ્રમાણે પુસ્તક લઈને જતા રહ્યા, પરંતુ એ ગયા કે ગયા સ્વર તો પોક મૂકીને રડવા માંડ્યો અને મારી બુક હમણાં જ જોઈએ જ એમ જિદે ચઢ્યો. મને તો ત્યારે ય નહોતું સમજાયું કે સ્વરનું આ રીતે રડવું માત્ર એક જ પુસ્તક પ્રત્યેની પ્રીતિ છે.
એટલે એ દિવસે તો તેને સમજાવીને છાનો રાખ્યો, પરંતુ થોડા દિવસો પછી જ્યારે પેલા વડીલ જૂના પુસ્તકો લઈને આવ્યા ત્યારે આખું ચિત્ર સ્પષ્ટ થયું કે સ્વરભાઈને માત્ર મેઘાણીના પુસ્તક સાથે જ નિસ્બત છે. કારણ કે કાકાએ અમારે ઘેર આવીને તેમની થેલીમાંથી જેવાં પુસ્તકો બહાર કાઢ્યાં કે સ્વર દોડીને આવ્યો અને માત્ર ‘ઘોળી ઘોળી પ્યાલા ભરિયા’ લઈને ભાગી છૂટ્યો. આ તો ઠીક અંદરના ઓરડામાં જઈને એ પુસ્તક સંતાડી આવ્યો અને કાકા ગયા પછી જ પુસ્તક બહાર કાઢીને ડ્રોઈંગરૂમમાં તેની મૂળ જગ્યાએ ગોઠવી દીધું.
પછી તો જ્યારે જ્યારે કાકા ઘરે આવે કે સ્વરભાઈ જાણે સિયાચેનની જમીન સાચવવાનો હોય એમ ‘ઘોળી ઘોળી પ્યાલા ભરિયા’ તેની મૂળ જગ્યાએથી લઈને અંદરના ઓરડામાં જતો રહે અને કાકા જાય પછી જ એ પુસ્તક પાછો લાવે.
એક રીતે જોવા જઈએ તો આ વાત બાળકની નિર્દોષતાની રમૂજ લાગે. પરંતુ બીજી રીતે વિચારીએ તો મેઘાણીની રચનાઓનો કેટલો પ્રભાવ હશે આખા ય ગ્રંથમાંથી માત્ર ‘ચારણકન્યા’ અને ‘કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં’ વિશે જ જાણકારી અને સમજણ હોવા છતાં એક બાળક મેઘાણીનાં પુસ્તક બાબતે પઝેસિવ છે. સાહિત્યની સાર્થકતા પણ તો આખરે એમાં જ છેને? અને એને જ કદાચ ચિરંજીવી સાહિત્ય પણ કહેવાતું હશે. નહીંતર હજુ સરખું બોલતા પણ નહીં શીખેલી આજની પેઢી અમસ્તી એ લખાણનાં મોહમાં વશીભૂત થતી હશે?
આશુભાઈને આ વાત કહી તો એ તો ખુશીથી ઝૂમી ઊઠ્યા અને કહે મેઘાણીના જન્મ દિવસે આ પ્રસંગ શેર થવો જ જોઈએ. આખરે મેઘાણી અમસ્તા જ લોકપ્રિય નથી કે નથી તો અમસ્તા જ રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાતા. તેમની પ્રચંડ લોકપ્રિયતા આજે ય, આજની પેઢીમાં ય અકબંધ છે.
[સૌજન્ય : અંકિતભાઈ દેસાઈની ફેઈસબૂક વૉલ પરેથી સાભાર]