માનવસમાજના ઇતિહાસમાં, પ્રાચીન કાળના કેટલાક અપવાદો બાદ કરતાં, લગભગ અઢારમી સદી સુધી મનુષ્યને જાનવર સમજતી અને ઊંચ-નીચની ભાવના ઉપર આધારિત સામંતશાહી, રાજાશાહી, કે આપખુદશાહી જ મુખ્ય પ્રકારની શાસન-વ્યવસ્થાઓ રહી. આવી શાસન-વ્યવસ્થાઓનાં સરમુખત્યારશાહી વલણોને લીધે વ્યક્તિગત ગરિમા અને સ્વતંત્રતાઓને કુંઠિત કરવામાં આવતી હતી. લોકોના વ્યક્તિગત જીવન ઉપર સામાજિક પરંપરાઓ અને રૂઢિઓનું વર્ચસ્વ હતું. સમાજની તુલનામાં વ્યક્તિનું મહત્ત્વ ગૌણ હતું. પરંતુ, સત્તરમી અને અઢારમી સદીના યુરોપમાં પ્રબુદ્ધતા(the Enlightenment)ના યુગના વિચારકોએ આવા રૂઢિવાદી વિચારોનો વિરોધ કરતાં પ્રતિપાદિત કર્યું કે વધુ સારા અને સુખી સમાજ માટે વ્યક્તિની સ્વતંત્રતા જરૂરી છે. તેમના આ ક્રાંતિકારી વિચારમાંથી વ્યક્તિકેંદ્રી ઉદારવાદી વિચારધારાનો ઉદય થયો. તેની સાથે જ લોકોની શાસનમાં ભાગીદારી, રાજ્યની મર્યાદિત સત્તાઓ, કાયદાનું શાસન, ન્યાય, સામૂહિક હિત, અને સમાનતા ઉપર ભાર મૂકતી લોકશાહી વિચારધારાનો ઉદય પણ થયો. ઉદારવાદ અને લોકશાહી આ બે વિચારધારાઓના સંયોજન રૂપે ઉદારવાદી લોકશાહી અસ્તિત્વમાં આવી. પરંતુ, ઉદારવાદી અને લોકશાહી વિચારધારાઓના આ સંયોજનથી જ વૈચારિક અંતર્વિરોધ ઊભો થાય છે.
કોણ મહત્ત્વનું : વ્યક્તિ કે સમાજ?
ઉદારવાદી અને લોકશાહી મૂલ્યો પરસ્પર પૂરક હોવા છતાં તેમની વચ્ચે નિરંતર ટકરાવ પણ રહે છે. ઉદારવાદી લોક્શાહીની વિચારધારાના અંતર્વિરોધ અને તેમાંથી ઊપજતા તણાવનું મૂળ એક વણઊકલી સમસ્યા છે : કોનું મૂલ્ય વધુ મહત્ત્વનું છે, વ્યક્તિનું કે સમુદાયનું? અર્થાત્, વ્યક્તિગત સ્વતંત્રતા વધુ મહત્ત્વની છે કે સામૂહિક હિત?
ઉદારવાદી લોકશાહી રાજ્યોમાં નાગરિક સ્વતંત્રતાઓની રક્ષાની જોગવાઈ હોય છે. આ સ્વતંત્રતાઓને માનવીય ગૌરવ, વ્યક્તિગત સ્વાયત્તતા, અને સુખની શોધ માટે આવશ્યક માનવામાં આવે છે. તદુપરાંત, રાજ્યમાં વસતા સૌ લોકો વચ્ચે સુમેળ જળવાઈ રહે, સૌ સંપ અને સહકારથી રહે, તેની જવાબદારી પણ રાજ્યની માનવામાં આવે છે. આમ, નાગરિકોના વ્યક્તિગત અધિકારો અને તેમના સામૂહિક હિત વચ્ચે સંતુલન જાળવવાની ફરજ રાજ્યની છે. પરંતુ, ક્યારેક આવું સંતુલન જાળવવાનું મુશ્કેલ થઈ પડે છે. જેને કારણે તણાવ ઊભો થતો હોય છે. આવો તણાવ નીચે જણાવેલ જુદી જુદી રીતે પ્રગટ થાય છે.
અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સામાજિક સંવાદિતા વચ્ચેનો તણાવ
લોકશાહીમાં નાગરિકોની શાસનમાં ભાગીદારી હોવાથી તેઓ વિવિધ પ્રકારની રાજકીય પ્રવૃત્તિઓ કરી શકે તે માટે, તેઓ વિચારોનું જાહેરમાં આદાનપ્રદાન કરી શકે, ચર્ચા કરી શકે, સંગઠન બનાવી શકે તે જરૂરી છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા એ એક એવી પાયાની સ્વતંત્રતા છે જે તમામ નાગરિક સ્વતંત્રતાઓના ઉપભોગ અને રક્ષણ માટે અનિવાર્ય છે.
પરંતુ, આ અધિકારના ઉપયોગથી ક્યારેક અમુક ચોક્કસ વ્યક્તિઓ અથવા જૂથોને નુકસાન થાય ત્યારે તણાવ ઊભો થતો હોય છે. ઉદાહરણ તરીકે, ઈ.સ. ૨૦૧૧માં ફ્રેન્ચ કાર્ટૂન મેગેઝિન ચાર્લી હેબ્દો(Charlie Hebdo)એ એક ધાર્મિક જૂથના સ્થાપકની નગ્ન તસ્વીરોવાળાં કાર્ટૂન પ્રકાશિત કર્યાં હતાં. ત્યારે એ મેગેઝિનની મુખ્ય ઓફિસ ઉપર હિંસક હુમલા થયા હતા. અને ઈ.સ. ૨૦૧૫માં તેની ઉપર ત્રાસવાદી હુમલો થયો હતો જેમાં અનેક લોકો માર્યા ગયા હતા. પરિણામે અભિવ્યક્તિની આઝાદી અંગે વિશ્વવ્યાપી ઊહાપોહ થયો હતો. તે જ રીતે, એપ્રિલ ૨૦૨૨માં આયોજિત એક રેલીમાં વિધર્મીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક ઉચ્ચારણોને પગલે ભારતના હરિયાણા રાજ્યના નૂહ જિલ્લામાં સાંપ્રદાયિક અથડામણો ફાટી નીકળી હતી. આમ જેને હેટ સ્પીચ તરીકે ઓળખવામાં આવે છે તેવી દ્વેષપૂર્ણ અભિવ્યક્તિથી સામાજિક સંવાદિતા અને સૌહાર્દમાં ભંગ પડતો હોય છે, તણાવ ઊભો થતો હોય છે.
વળી, ક્યારેક અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ ખોટી માહિતીના ફેલાવા માટે પણ થતો હોય છે. પરિણામે, જાહેર સલામતી અને વ્યવસ્થા સામે ખતરો ઊભો થાય છે. તથા હાંસિયામાં ધકેલાઈ ગયેલા અથવા નબળા સમુદાયોની સુખાકારી અને સલામતીને જોખમ પણ પહોંચે છે. ખાસ કરીને ફેસબુક અને ટ્વિટર જેવા ઓનલાઈન પ્લેટફોર્મના ઉદયથી સમગ્ર વિશ્વમાં આ પ્રકારની ઘટનાઓમાં ઘણો વધારો થયો છે. જેમ કે, ઈ.સ. ૨૦૧૫માં જર્મનીમાં એક અફવા ફેલાઈ હતી કે એક જર્મન મહિલા ઉપર કોઈ પરદેશી પ્રવાસી (migrant) દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો. જેને સોશિયલ મીડિયા પર લાખો વખત પ્રસારિત કરવામાં આવી હતી. પરિણામે, જર્મનીમાં આવા પરદેશી પ્રવાસીઓ પર હુમલા થયા હતા.
તદુપરાંત, ભારત સહિત સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓનલાઈન ટ્રોલિંગ, સાયબર ધમકીઓ, અને ઉત્પીડનના અનેક કિસ્સાઓ પણ વધવા માંડ્યા છે. જેથી સમાજમાં તણાવ પેદા થતો હોય છે. જેમ કે, તાજેતરમાં જ એક અમેરિકન મહિલા પત્રકારને ભારતની લોકશાહી અંગે પ્રશ્ન પૂછવા માટે ભારતના કેટલાક લોકો દ્વારા ટ્રોલ કરીને પરેશાન કરવામાં આવી હતી તેનો જાહેર વિરોધ ખુદ યુ.એસ.એ.ની સરકારે કર્યો હતો.
તકોની સમાનતા અને સામાજિક ન્યાય વચ્ચે તણાવ
સૌને જાતિ, લિંગ, અથવા સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના, સફળ અને સુખી થવાની સમાન તક હોવી જોઈએ તે ઉદારવાદી લોકશાહીમાં એક મહત્ત્વનો આદર્શ માનવામાં આવે છે. તકની સમાનતાનો આ સિદ્ધાંત વ્યક્તિગત લાયકાત ઉપર ભાર મૂકે છે, મેરીટોક્રેસીને સમર્થન આપે છે. તદુપરાંત, આવી લોકશાહીમાં સૌની શાસન-વ્યવસ્થામાં સમાન ભાગીદારી છે તેમ માનવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં દરેક વ્યક્તિની બુદ્ધિમત્તા કે શારીરિક ક્ષમતા જેવી જન્મજાત લાક્ષણિકતાઓ સમાન નથી હોતી. વળી, કેટલાક લોકો અનેક કારણસર અભાવયુક્ત જિંદગી જીવતા હોય છે. આમ સમાનતાના સિદ્ધાંતને વરેલા ઉદારવાદી લોકશાહી સમાજમાં અસમાનતા પેદા થતી હોય છે. માટે આવા લોકોને સરકાર તરફથી જરૂરી અને યોગ્ય મદદ મળી રહે તે ન્યાયી સમાજ પાસેથી અપેક્ષિત છે. તેથી સૌ નાગરિકોની સુખાકારી વધારવા, અસમાનતા ઘટાડવા, અને જરૂરિયાતવાળા લોકોને સલામતી પૂરી પાડવા માટે અનેક પ્રકારની સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.
પરંતુ, આવા કાર્યક્રમોના આયોજન માટે ધનિક લોકો ઉપર વધુ કરવેરા નાખવામાં આવે છે. તેથી આર્થિક અસમાનતાને ઘટાડવા માટે લેવાયેલાં આવાં પગલાંને કેટલાક લોકો દ્વારા વ્યક્તિગત મિલકત ધરાવવાના અધિકારના ઉલ્લંઘન તરીકે જોવામાં આવે છે. ઉદાહરણ તરીકે, યુનાઇટેડ સ્ટેટ્સમાં આર્થિક રીતે નબળા નાગરિકોને આરોગ્યસંભાળની સેવાઓ મળી રહે તે માટે ઓબામાકેર તરીકે ઓળખવામાં આવતો એફોર્ડેબલ કેર એક્ટ (૨૦૧૦) બન્યો. પરંતુ તેને કારણે સંપત્તિ ધરાવવાના અધિકાર પર ભાર મૂકતા ત્યાંના કેટલાક લોકોએ તેનો જબદસ્ત વિરોધ કર્યો હતો.
વધુમાં, આવા કાર્યક્રમોમાં અનેક સામાજિક-ઐતિહાસિક કારણો-સર હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે અનામત જેવાં હકારાત્મક પગલાંનો પણ સમાવેશ થાય છે. પરંતુ, સામાજિક ન્યાય અને સમાનતામાં વૃદ્ધિ કરવા માટે લેવાયેલ આવાં પગલાંથી મેરીટોક્રેસીના સિદ્ધાંતનો ભંગ થાય છે. તેથી વ્યક્તિગત લાયકાતનો અને કાર્યક્ષમતાનો આગ્રહ રાખનારા તેનો વિરોધ કરે છે. ભારતમાં થયેલ અનામત વિરોધી આંદોલનો આ હકીકતનું સમર્થન કરે છે.
નાગરિક સ્વતંત્રતાઓ અને નાગરિક સુરક્ષા વચ્ચેનો તણાવ
ઉદારવાદી લોકશાહીમાં નાગરિકોની સુરક્ષા માટે કાયદો અને વ્યવસ્થાની જરૂરિયાત અને નાગરિક સ્વતંત્રતાના અધિકાર વચ્ચે ઘણી વાર તણાવ થતો હોય છે. એક તરફ, સ્થિર અને શાંતિપૂર્ણ સમાજ માટે કાયદો અને વ્યવસ્થા જાળવવી જરૂરી છે. બીજી બાજુ, નાગરિક સ્વતંત્રતાઓ અને વ્યક્તિગત અધિકારોનું રક્ષણ પણ જરૂરી છે. તેથી ઘણી વખત તણાવ ઊભો થતો હોય છે. ઉદાહરણ તરીકે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ક્યારેક અભિવ્યક્તિની સ્વતંત્રતા અથવા સભા-સરઘસ કે વિરોધ પ્રદર્શનની સ્વતંત્રતા પર પ્રતિબંધો મુકાતા હોય છે ત્યારે આવો તણાવ ઊભો થતો હોય છે.
તદુપરાંત, સાંપ્રત સમયમાં આતંકવાદ અને સાયબર હુમલાઓથી રાષ્ટ્રની સુરક્ષા સામે ગંભીર પડકારો ઊભા થયા છે. તેનો સામનો કરવા માટે સર્વેલન્સ ટેક્નોલોજીનો વિકાસ થયો છે. તેથી પણ આ તણાવ વધુ તીવ્ર બન્યો છે. વિશ્વની અનેક સરકારો સુરક્ષા અંગેનાં જોખમોને શોધવા અને અટકાવવા માટે દેખરેખ(surveillance)માં વધારો કરી રહી છે. અને તે માટે વાયરટેપીંગ, પેગાસસ, બાયોમેટ્રિક ઓળખ, અને AI-સંચાલિત સર્વેલન્સ જેવી ટેક્નોલોજીઓનો વ્યાપક ઉપયોગ થતો હોય છે. અનેક વ્યક્તિઓની, તેમની સંમતિ વિના, અંગત માહિતી એકઠી કરવામાં આવે છે. આથી નાગરિકોનો ગોપનીયતાનો અધિકાર અને રાષ્ટ્રીય સુરક્ષા એ બે મૂલ્યો વચ્ચે પણ ક્યારેક તણાવ ઊભો થતો હોય છે.
વધુમાં, આતંકવાદી હુમલાઓને ટાળવા ક્યારેક સરકારો તકેદારીનાં પગલાં તરીકે, શંકાને આધારે, કોઈ પણ ન્યાયિક પ્રક્રિયા કર્યા વિના, અટકાયત કરતી હોય છે. ભારતમાં આવી રીતે અનેક લોકોની ધરપકડ કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે તેનો વિરોધ થતો હોય છે. આમ, કોઈ પણ લોકશાહી સરકાર સામે વ્યક્તિગત સ્વતંત્રતાઓને અયોગ્ય રીતે કુંઠિત કર્યા વિના રાષ્ટ્રની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ એક મોટો પડકાર બને છે.
વ્યક્તિગત સ્વાયત્તતા અને સાંસ્કૃતિક વિવિધતા વચ્ચેના તણાવ
ઉદારવાદી લોકશાહીમાં એક તરફ, વ્યક્તિગત સ્વાયત્તતા, કાનૂન વ્યવસ્થા, સમાનતા, અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવાં મૂલ્યોને સાર્વત્રિક આદર્શો તરીકે જોવામાં આવે છે. તેથી આ મૂલ્યો તમામ લોકોને, તેમની સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના, લાગુ પડે એવો આગ્રહ રાખવામાં આવે છે. અને બીજી તરફ, વ્યક્તિગત સ્વાયત્તતાના સિદ્ધાંતને અનુસરીને લોકોને તેમની પોતાની વ્યક્તિગત માન્યતાઓ અને મૂલ્યો સાથે સુસંગત એવી સાંસ્કૃતિક પરંપરાઓ અને મૂલ્યોનું પાલન કરવાની તક મળે છે. જે સાંસ્કૃતિક વિવિધતામાં પરિણમે છે. અને લોકશાહી સમાજમાં સંપ અને સંવાદિતા જળવાઈ રહે તે માટે સમાજના દરેક જૂથના દૃષ્ટિકોણ અને અભિપ્રાયોને સમાયોજિત કરાતો હોય છે. સર્વ સમાવેશિતા પર ભાર મુકાતો હોય છે. પરિણામે ક્યારેક સ્વાયત્તતા, સમાનતા, અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા ઉદારવાદી સિદ્ધાંતો અને વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓ વચ્ચે સંઘર્ષ પેદા થતો હોય છે.
બહુસંસ્કૃતિ (pluralist) સમાજના સમર્થકો સંસ્કૃતિઓની વિવિધતાનું સન્માન કરે છે. અને સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખવાના લોકોના અધિકાર પર ભાર મૂકે છે. ઓળખ(identity)ની રક્ષા માટે આગ્રહ રખાતો હોય છે. તેથી વ્યક્તિગત અધિકારો અને સમાનતા અથવા બિન-ભેદભાવના સિદ્ધાંતો સાથે અથડામણ ઊભી થાય છે. બહુસંસ્કૃતિવાદના સમર્થકો માને છે કે નૈતિકતા અથવા ન્યાયનું કોઈ સાર્વત્રિક ધોરણ નથી. કોઈપણ સંસ્કૃતિનાં મૂલ્યો, પછી ભલે તે ઉદારવાદી વિચારધારાનાં મૂલ્યો હોય, સર્વોપરી ના હોઈ શકે. દરેક સંસ્કૃતિની પોતપોતાની માન્યતાઓ અને પરંપરાઓ હોય છે, જે પોતપોતાની રીતે વાજબી અને કાયદેસર હોવાથી તેમનું સન્માન થવું જોઈએ. આમ તેઓ સાર્વત્રિક સાંસ્કૃતિક આદર્શો કરતાં સાંસ્કૃતિક સાપેક્ષતાને વધુ મહત્ત્વ આપે છે. જ્યારે ઉદારવાદી મૂલ્યોની સાર્વત્રિકતાના સમર્થકો માને છે કે આવાં મૂલ્યોનું સૌએ સમાન રીતે પાલન કરવું જોઈએ. તેઓ સામાજિક-સાંસ્કૃતિક-ધાર્મિક વિવિધતાને બદલે સામાજિક સમરસતા (assimilation) ઉપર ભાર મૂકે છે. ઉદાહરણ તરીકે, કોઈ ચોક્કસ સંસ્કૃતિમાં સ્ત્રીના પ્રજનન અંગછેદનની પ્રથા હોય તો તેનું સન્માન કરવું જોઈએ તેમ બહુસંસ્કૃતિવાદીઓ માને છે. જ્યારે વ્યક્તિગત સ્વાયત્તતા ઉપર ભાર મૂકનારા ઉદારવાદીઓ માને છે કે આવી પ્રથાથી સ્ત્રીઓના વ્યક્તિગત અધિકારોનું ઉલ્લંઘન થતું હોય છે.
તદુપરાંત, ઉદારવાદી લોકશાહી તર્કસંગત વિચાર-વિમર્શ દ્વારા સર્વસંમતિ-નિર્માણ અને સમાધાનના મહત્ત્વ પર ભાર મૂકે છે. તો બીજી બાજુ, દરેક સમાજની સાંસ્કૃતિક પ્રથાઓની કાયદેસરતા ઉપર ભાર મૂકતા બહુસંસ્કૃતિવાદીઓ માને છે કે કોઈ પણ પ્રકારના વિવાદનું નિરાકરણ તેમની વિશિષ્ટ ધાર્મિક કે સાંસ્કૃતિક પરંપરાઓ, ધર્મગ્રંથો, કે ધર્મગુરુઓ દ્વારા થવું જોઈએ, સાર્વત્રિક કાયદાઓ દ્વારા નહીં. જે હકીકતમાં બિન-તર્કસંગત ઉપાયો હોય છે. પરિણામે, જ્યારે વિવિધ સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યો વચ્ચે વિવાદો ઊભા થાય છે ત્યારે સમસ્યાનું સર્વ સ્વીકૃત સમાધાન શોધવામાં મુશ્કેલીઓ ઊભી થાય છે. જેમ કે, ભારતના કેરળ રાજયના સબરીમાલા મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો નહોતો. પરંતુ, ઈ.સ. ૨૦૧૮માં ભારતની સર્વોચ્ચ અદાલતે આવી ભેદભાવ-ભરી નીતિને નાબૂદ કરતો આદેશ આપ્યો ત્યારે તે રાજ્યમાં આ પ્રથાના સમર્થકો દ્વારા ભારે ઊહાપોહ થયો હતો.
શું ઉદારવાદી લોક્શાહી ટકી રહેશે?
આવા અંતર્વિરોધ અને તેમાંથી નિપજતા તણાવને કારણે જર્મન વિચારક કાર્લ શ્મિટ (Carl Schmitt : ઈ.સ. ૧૮૮૮-૧૯૮૫) માનતા હતા કે ઉદારવાદ અને લોકશાહી એ બે મૂળભૂત રીતે અસંગત રાજકીય વિચારધારાઓ હોવાથી આખરે તે નિષ્ફળ જશે. તેથી પ્રશ્ન થાય કે શું ઉદારવાદી લોકશાહી ટકી શકશે? પરંતુ, ઉદારવાદી લોકશાહીના આજ સુધીના ઇતિહાસનું વિહંગાવલોકન કરતાં આવા નિરાશાજનક તારણ સાથે સંમત થવું મુશ્કેલ લાગે છે.
અલબત્ત, આ વિચારધારાના ક્રમિક વિકાસના દરેક તબક્કે કોઈ ને કોઈ પ્રકારનો સામાજિક તણાવ ઉત્પન્ન થતો હોવા છતાં તે માત્ર ટકી જ નથી રહી પણ એક સારી શાસનવ્યવસ્થા તરીકે સાંપ્રત વિશ્વમાં વધુ ને વધુ સ્વીકૃત બનતી ગઈ છે. કારણ કે, માનવી બદલાતી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. ઉદાહરણ તરીકે, અઢારમી સદીમાં વિકસેલી ઉદારવાદી લોક્શાહીના આરંભિક તબક્કામાં જ્યારે વ્યક્તિગત સ્વતંત્રતા, સ્વ-હિત, સુખની શોધ, સરકારી હસ્તક્ષેપ, મુક્ત (laisse fair) બજાર આધારિત અર્થવ્યવસ્થા, અને સંપત્તિના અધિકારોના રક્ષણ ઉપર વધુ પડતો ભાર મૂકતા વ્યક્તિવાદી ઉદારવાદને કારણે મૂડીવાદી અર્થવ્યવસ્થા કેન્દ્રસ્થાને આવી ગઈ. જેને કારણે આવક અને સંપત્તિની અસમાનતા ઘણી વધી ગઈ. અને લોકશાહીના સમાનતા, ન્યાય, અને શાસનમાં લોકોની ભાગીદારી જેવા મૂળભૂત સિદ્ધાંતોની અસરકારકતા ઘટી હતી. સામાજિક ભેદભાવ વધ્યા હતા અને સમાજના જુદા જુદા સમુદાયો જેવા કે મહિલાઓ, કામદારો, ગુલામો, કે લઘુમતી સમુદાયોને શાસન વ્યવસ્થામાં ભાગીદારીથી વંચિત રાખવામાં આવ્યા હતા. તેમને નાગરિક ગણવામાં આવતા નહોતા. પરંતુ, બદલાતી સામાજિક, આર્થિક, અને રાજકીય પરિસ્થિતિઓ સાથે નવી સમસ્યાઓ ઊભી થઈ.
તે સમસ્યાઓના ઉકેલ માટે નવાં ઉદારવાદી સમાધાનો શોધાયાં. જેમ કે, ઓગણીસમી સદીના ઉદારવાદી લોકશાહીના વિકાસના બીજા તબક્કામાં ઉદ્યોગીકરણ, શહેરીકરણ, અને સામ્રાજ્યવાદના વિકાસને લીધે લોકશાહી આદર્શો અને સંસ્થાઓનો પ્રસાર વધ્યો. તેની સાથે મહિલાઓ, કામદારો, ગુલામો, કે લઘુમતી સમુદાયોને નાગરિકતા મળી, મતાધિકારનું વિસ્તરણ થયું. અર્થાત્, શાસનમાં લોકોની ભાગીદારી વધી, રાજકીય સમાનતાનો વિસ્તાર થયો. રાજકીય સમાનતાના વિસ્તારની સાથે સામાજિક-આર્થિક સમાનતાની માંગ ઊભી થઈ. આ વિચારને બળ મળ્યું ઔદ્યોગિક ક્રાંતિના વિકાસથી ઊભા થયેલ નવા સામાજિક અને આર્થિક પડકારોથી. ખાસ કરીને ઔદ્યોગિક કામદારોના અમર્યાદ શોષણ અને તેમની દારૂણ ગરીબીથી અસમાનતાનો પ્રશ્ન વિકટ બન્યો. સુમેળભર્યા સમાજ માટે જરૂરી એવાં સમાનતા અને ન્યાય જેવાં સામુદાયિક મૂલ્યોની અવગણના થવા લાગી. સામાજિક તણાવજન્ય સંઘર્ષ વધ્યો. કામદાર યુનિયનો અને ઔદ્યોગિક હડતાલોનો જન્મ થયો. સામ્યવાદી વિચારોનો પ્રભાવ વધવા માંડ્યો. તેના પ્રતિકાર રૂપે સામાજિક ન્યાય ઉપર ભાર મૂકતી કલ્યાણ રાજ્ય(welfare state)ની કલ્પનાનો ઉદય થયો. જેને કારણે લોકશાહી સરકાર દ્વારા સમાનતા-લક્ષી સામાજિક કલ્યાણના કાર્યક્રમો ચલાવવાની જરૂરિયાત પર ભાર મુકાયો. આમ ઉદારવાદી લોકશાહીના આ બીજા તબક્કામાં વ્યક્તિવાદ કરતાં સામુદાયિક હિતોને વધુ મહત્ત્વ મળ્યું.
પરંતુ, વીસમી સદીમાં કલ્યાણ રાજ્યના આવા વિચારોના અતિરેકથી અનેક લોકશાહી દેશોની સરકારોનું આર્થિક ભારણ વધતું ગયું. ફુગાવો વધવા માંડ્યો. અને વધતા જતા સરાકારી કરવેરાને કારણે મૂડીવાદીઓને મળતા નફા અને આર્થિક લાભો ઉપર કાપ મુકાતો ગયો. આથી મૂડીવાદી અર્થવ્યવસ્થાની ટકી રહેવાની ક્ષમતા અંગે ભય ઊભો થયો. તેથી, ટકાઉ (sustainable) આર્થિક વિકાસ માટે મુક્ત બજારો, મર્યાદિત સરકારી હસ્તક્ષેપ, અને વ્યક્તિગત સ્વતંત્રતાઓ પર ભાર મૂકતી નવ ઉદારવાદી (neo liberalism) વિચારધારાનો ઉદય થયો. ઉદારવાદી લોકશાહીના આ ત્રીજા તબક્કામાં વધુ આર્થિક સ્વતંત્રતાથી આર્થિક અને સામાજિક પ્રગતિ વધુ થાય છે એ માન્યતા પ્રબળ બની. વ્યક્તિગત સ્વતંત્રતા અને ગ્રાહકની પસંદગી વધુ મહત્ત્વનાં છે એમ મનાવા લાગ્યું. આર્થિક સ્પર્ધાને પ્રોત્સાહન મળે તે માટે લિબરાલાઇઝેશન, પ્રાઈવેટાઈઝેશન, અને ગ્લોબાલાઇઝેશન (LPG) ઉપર ભાર મુકાયો. પરિણામે, સુમેળભર્યા સમાજ માટે જરૂરી એવાં સમાનતા જેવાં સામુદાયિક મૂલ્યોને સ્થાને સ્વ-હિત, સુખની શોધ, ભોગવાદ, અને સંપત્તિના અધિકારોના રક્ષણ ઉપર વધુ પડતો ભાર મુકાયો. અને વ્યક્તિવાદી મૂડીવાદી અર્થવ્યવસ્થા ફરીથી કેન્દ્રસ્થાને આવી ગઈ. તેથી સાંપ્રત વિશ્વના અનેક લોકશાહી દેશોમાં નવ ઉદારવાદ અને સામાજિક કલ્યાણની નીતિઓ વચ્ચે તાલમેલ બેસાડવા માટે આંદોલનો થઈ રહ્યાં છે.
સમાપન
આમ, ઉદારવાદી લોકશાહી વિચારધારાના વિકાસના દરેક તબક્કે પેદા થતા તણાવને દૂર કરવા માટે સમાધાન શોધવામાં આવ્યાં છે. જો કે, આવાં સમાધાન ક્યાં તો વ્યક્તિપ્રધાન હોય છે અથવા સમાજપ્રધાન હોય છે. પરંતુ, તે બતાવે છે કે ઉદારવાદી લોકશાહી વિચારધારાના વિકાસનો ઇતિહાસ એ એક પ્રકારના ગતિશીલ સંતુલન(dynamic equilibrium)નો ઇતિહાસ છે.
[સાભાર – ‘નવનીત સમર્પણ’]
૧૦૦૧, પવનવીર, પ્રતાપગંજ, વડોદરા – ૩૯૦ ૦૦૨
ઈમેલ:pravin1943gmail.com
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 ડિસેમ્બર 2023; પૃ. 06-08