બ્રિટિશ રાજના શાસનમાંથી મુક્તિ મેળવ્યાને સાત સાત દાયકાના વહાણાં વાશે. અરે, પ્રજાસત્તાક બંધારણનેય 68મું વર્ષ બેઠું. તે સમયની સાક્ષી પૂરનારાં પણ જવલ્લે જ બચ્યાં છે એટલે જાણે એ પ્રકરણ કોઈ દૂરના ઇતિહાસનું હોય તેવું આજની પેઢીને લાગતું હશે. ભારતમાં અને વિદેશ વસતા ભારતીયો, આ વર્ષે આઝાદીનો જશમ અનોખી રીતે ઉજવશે. એ ઉત્સવમાં ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓ, આર્થિક વિકાસ અને આધુનિક ટેક્નોલોજી ક્ષેત્રે ભરેલ હરણફાળનો બૂંગિયો જોર જોરથી ફૂંકાશે. આ સમય દરમ્યાન થયેલ પ્રગતિનાં એંધાણ સમગ્ર દેશમાં અનેક ઠેકઠેકાણે જોવા મળશે જેને માટે ગૌરવ થાય જ.
દેશને ગુલામીમાંથી છોડાવવાનું એક કારણ હતું લોકતંત્રની સ્થાપના કરીને પોતાના જીવનની દોર લોકના હાથમાં મુકવી. સવાલ થાય કે શું આપણે એ હેતુ સિદ્ધ કરી શક્યા છીએ ખરા? આજે ખરી સત્તા લોકોના હાથમાં છે કે સ્વાર્થપટુ રાજકારણીઓના? ગાંધીજીએ કહેલું: “સ્વરાજ એટલે સરકારના અંકુશમાંથી મુક્ત થવાનો સતત પ્રયાસ, પછી ભલે તે સરકાર પરદેશી હોય કે દેશની. જો લોકો જીવનની દરેક વિગતના નિયમન માટે સરકાર તરફ જોશે તો તે સ્વરાજમાં ઝાઝો સાર નહીં હોય.” આજની પ્રજા સરકારની સતત મહેરબાની કે અવકૃપાનો ભોગ બનતી દેખાય ત્યારે આપણને મળેલ ‘સ્વરાજ’ અસાર છે એવો વિચાર આવે.
વિદેશી શાસન દરમ્યાન ભારતની સંપત્તિ વિદેશ ઢસડી જવામાં આવી, નાના ઉદ્યોગ ધંધાઓ પડી ભાંગ્યા અને ગરીબીની નાગચૂડમાં પ્રજા દળાઈ પીસાઈને પાયમાલ થઇ ગઈ માટે એક એવું અર્થતંત્ર રચવાનાં સોણલાં હતાં જેમાં દરેક નાગરિકને સમાન હિસ્સો મળે. બ્રિટિશ અને ભારત સ્થિત બ્રિટિશ સરકારી અધિકારીઓની આવકની સરખામણી કરીએ તો જણાશે કે 1930માં ભારતના વાઇસરોયને માસિક રૂ. 21,000+ભથ્થાં+અન્ય લાભો મળતા. તે વખતે ઈંગ્લેન્ડના વડાપ્રધાનને વાર્ષિક 500 પાઉન્ડ (રૂ. 5,400+ભથ્થાં) મળતા. વાઇસરોયને ઈંગ્લેન્ડના વડાપ્રધાન કરતાં વધુ મહેનતાણું ભારતની પ્રજાના ભોગે અપાતું હતું અને આપણે તે અટકાવવું હતું. તે સમયે ભારતના નાગરિકની સરેરાશ દૈનિક આવક બે આનાથી ઓછી હતી ત્યારે વાઇસરોયને દૈનિક રૂ. 700 મળતા. એની સરખામણીમાં ઈંગ્લેન્ડના વતનીની દૈનિક આવક રૂપિયા બે હતી જયારે ત્યાંના વડાપ્રધાનને રોજના રૂ.180નો પગાર હતો. વાઈસરોય એક હિન્દીની સરેરાશ કમાણીથી 5,000 ગણી કમાણી કરે અને ઇંગ્લેન્ડનો વડોપ્રધાન તેના નાગરિકથી માત્ર 90 ગણી કમાણી કરે. આમ બ્રિટનના સત્તાધારીઓ તેની આમ જનતા કરતાં જેટલું વધુ કમાતા તેના કરતાં અનેક ગણો આવકનો ગાળો બ્રિટિશ અધિકારીઓ અને ભારતની જનતા વચ્ચે હતો જે અન્યાયી હતો. આવું નિર્દયી શોષણ અટકાવવા આઝાદી સિવાય કોઈ માર્ગ નહોતો. તો શું આપણે સ્વતંત્રતા મળ્યા બાદ ગરીબ-તવંગર વચ્ચેની ખાઇ પૂરી શક્યાં છીએ ને? એ ચકાસવું હોય તો ઉપલા આંકડાની સામે આજના ભારતના ઉચ્ચ પદાધિકારીઓ અને અંબાણી કે અદાણી જેવા ઉદ્યોગ સમ્રાટોની આવકના આંકડા મુકીએ. નિરાશા થશે.
સ્વતંત્ર ભારતનું વહાણું વાયું તે ટાણે જ ભારતના તમામ નાગરિકોને મૂળભૂત અધિકારો એનાયત થયા. જેમ આપણને કાયદાકીય ન્યાય મેળવવાનો જન્મસિદ્ધ અધિકાર છે તેમ જ સામાજિક ન્યાય મેળવવાનો પણ મૂળભૂત અધિકાર છે. “યંગ ઇન્ડિયા”ના 22-10-1925ના લખાણમાં ગાંધીજીએ સાત સામાજિક ગુનાઓ(પાપ)ની વાત કરેલી; અને એ છે:
• સિદ્ધાંતવિહીન રાજકારણ
• પરિશ્રમવિહીન ધનોપાર્જન
• વિવેકવિહીન સુખ
• ચરિત્રવિહીન શિક્ષણ
• સદાચારવિહીન વ્યાપાર
• સંવેદનાવિહીન વિજ્ઞાન
• વૈરાગ્યવિહીન ઉપાસના
આ સાતેય ગુનાઓને એક પછી એક તપાસતાં સ્પષ્ટ થશે કે સાત દાયકાની મજલ દરમ્યાન ભારત એવાં પાપ કર્મ આચરવામાં પાછી પાની નથી ભરી શક્યું. જુઓને, કહેવાતા લોકશાહી શાસનમાં કયા સિદ્ધાંતો અનુસરવામાં આવે છે? જે આર્થિક વિકાસનો ઢંઢેરો પીટવામાં આવે છે એ પરિશ્રમ આધારિત લક્ષ્મી મેળવવાની વાત કરે છે કે માનવીની જીવન જરૂરિયાતથી વેગળી એવી વસ્તુઓના ઢગલાબંધ ઉત્પાદનથી મળતાં નાણાંનું ગાણું ગાય છે? આજના ભારતનો માત્ર યુવા વર્ગ જ નહીં, પણ દરેક ઉંમરના લોકો જાણે ભૌતિક સુખ-સગવડનાં સાધનો મેળવવાં નીતિમત્તાને નેવે મૂકીને સાધનશુદ્ધિનું વિવેકભાન ગુમાવી ‘સુખ’ની શોધમાં ગેરરીતિઓ આચરતા થયા છે. શિક્ષણ પણ એવું અપાય છે જેનાથી આવનારી પેઢીનું ચારિત્ર્ય ઘડતર ન થાય, પછી વ્યાપાર-ઉદ્યોગમાં સદાચારને ક્યાંથી સ્થાન રહે? વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં દુનિયાની સાથે રહેવા માટે જે ગતિથી ફાળ ભરીએ છીએ તેમાં ક્યાંક માનવ હિત પ્રત્યેની સંવેદના ગુમ થતી દેખાય છે. એક તરફથી ગામેગામ નવાં નવાં આધુનિક ઉપકરણો વાપરતાં લોકો જોવા મળે છે તો બીજી તરફ ધર્માન્ધ અને ક્રિયાકાંડમાં ગળાડૂબ સમૂહ વૈરાગ્યને સ્થાને ઉપભોગની ઉપાસના કરતો સાક્ષાત થાય છે. હવે જે દેશમાં આવા અને બીજા અનેક સામાજિક પાપ કર્મ આચરવામાં આવતા હોય ત્યાં સામાજિક ન્યાયની શી અપેક્ષા રહે? અને તેને પગલે આવનાર આર્થિક, ધાર્મિક અને અન્ય તમામ પ્રકારની સમાનતાઓ કેવી રીતે ઢૂંકડી પણ આવે?
ભારત આઝાદ થયું એ સમયે તેના 40 કરોડ લોકોને પણ પેટ પૂરતું અનાજ આપી શકે તેવી સ્થિતિમાં નહોતું. ભલું થજો ભૂદાન જેવી ચળવળનું અને હરિયાળી ક્રાંતિનું કે થોડાં જ વર્ષોમાં વિદેશથી અનાજ આયાત કરનાર દેશ વિદેશમાં અનાજ અને બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓ નિકાસ કરતુ થઇ ગયું. પણ છેલ્લા બે-ત્રણ દાયકાથી પ્રગતિનું સુકાન એવી દિશામાં વળ્યું છે કે આજે જગતના તાત સમા ખેડૂતોને ઓછી આવક થાય અને શસ્ત્રો બનાવનારને વધુ પગાર મળે છે. ખેડૂત જગતને પોષે છતાં તે આત્મહત્યા કરવા પ્રેરાય કેમ કે તે દેવામાં ડૂબેલો છે. જ્યારે શસ્ત્રો બનાવનાર અને વાપરનાર બીજાનો જાન લે કે જેને તે જાણતો નથી, છતાં તેને વીર ચક્ર એનાયત થાય! વિચારીએ, ખેડૂત કેમ દેવાદાર બને? દેવાદાર તો આપણે સહુ તેના છીએ. આપણને અનાજ, કાપડ, ફળફળાદિ આપીને જીવાડે છે કોણ? ખેડૂતો અન્ય સહુની જેમ હડતાલ પર ઉતરી જાય, તેમને યોગ્ય વળતર અને ખેતી માટે પાણી, ખાતર વગેરેની સુવિધા ન મળે ત્યાં સુધી કામ કરવાનું બંધ કરે તો તમામે તમામ પ્રજા કટોરો લઇ અન્નની ભીખ માગવા તેમની પાસે જશે. ઉદ્યોગ અને ખેતીને બારમો ચંદ્રમા કેમ? ખેતી પોતે જ એક ઉત્તમોત્તમ ઉદ્યોગ છે જેની ઉપર બીજા અનેક ઉદ્યોગો નભે છે. આ નક્કર હકીકત ન સમજનાર સત્તાધારીઓ અને વેપારીઓને કોણ સમજાવશે કે આઝાદી બાદ સુખેથી બે ટંક ભોજન મેળવવા હજુ મોટી સંખ્યા તરફડે છે.
કોઈ પણ પ્રકારના અન્યાય અને અસમાનતાનો ભોગ બનેલ પ્રજા હિંસક બને, આતંક ફેલાય અને સરવાળે પ્રગતિ રૂંધાય એ હકીકતનો જાત અનુભવ ભારતને થયો જ છે, છતાં બે કોમ, જ્ઞાતિ, પ્રાંત કે બે દેશો વચ્ચે એખલાસ વધે અને સુમેળ સધાય તે માટે તમામ માનવ તેમ જ આર્થિક મૂડી રોકવાને બદલે સંરક્ષણમાં વધુ નાણું ફાળવવા લાગ્યા છીએ. આ સમજવું મુશ્કેલ છે કે એક વ્યક્તિ અંગત વેરભાવ કે ઝઘડાને કારણે બીજાનો જાન લે તો તે ખૂન કહેવાય જેને માટે તેને આજીવન કેદની અથવા મૃત્યુદંડની સજા થાય. એ જ કારણસર જો કોઈ સમૂહ બીજા સમૂહ પ્રત્યે હિંસા આચરે તો તેને આતંક કહેવાય જેને માટે તે આખી કોમ કે તેના ધર્મને દોષિત ઠેરવી તેની નફરત કરી તેનું નિકંદન કાઢવામાં આવે છે. જ્યારે કેટલાક હિંસક માણસો કે આતંકી સમૂહ દ્વારા આચરાયેલ હિંસાત્મક હુમલાઓથી મહાત થયેલ સરકાર પોતાના પ્રજાજનોને થયેલ અન્યાયનું વેર લેવા અને હિંસા આચારનારને કાબૂમાં લાવવા કોઈ સરકાર એ આતંકવાદીઓ સામે સશસ્ત્ર હુમલો કરે તો તેને લડાઈ ગણવામાં આવે છે. ખરું જુઓ તો ત્રણેય સ્તર પર થતી હિંસા માત્ર વેર અને બદલાની ભાવનાથી જ પ્રેરિત હોય છે. વ્યક્તિ, સમૂહ અને સરકાર એમાંના કોઈની પાસે પોતાના ધ્યેયની પ્રાપ્તિ માટે હિંસક માર્ગ સિવાય બીજો કોઈ રસ્તો છે કે નહીં તે પણ તેઓ નથી જાણતા. સંઘર્ષના ઉકેલ તરીકે સત્યાગ્રહનો વિકલ્પ તેમની પાસે નથી. End jusifies means એમ માનનારા પશ્ચિમી રાજકારણીઓ સાધન શુદ્ધિમાં નથી માનતા. લડાઈની ગેરહાજરી=શાંતિ નહીં. સત્ય+અહિંસા=શાંતિ એ સમજવું અને હિંસા કરનારને ને સમજાવવું અત્યંત જરૂરી લાગે છે આઝાદી મળ્યા બાદ ભારત વધુને વધુ હિંસક માર્ગે દેશની આંતરિક અને આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવવા કટિબદ્ધ છે, જેમાં પ્રજાનું હિત નજરઅંદાજ કરવામાં આવે છે. તો પ્રશ્ન જરૂર થાય કે સ્વતંત્રતા દેશના સામાન્ય જનને સલામતી અને રક્ષા બક્ષવાને બદલે સંઘર્ષોનાં ભય નીચે જીવતા કેમ કરી મૂકે છે?
ભારતને પ્રજાસત્તાક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે શ્વાસ લીધાને ને 67 વર્ષ પૂરાં થયાં. 26મી જાન્યુઆરીને દિવસે ‘વંદે માતરમ્’ ઠેર ઠેર ગવાયું. શું અલગ અલગ જ્ઞાતિ અને કોમ વચ્ચે ખરેખર ભ્રાતૃભાવ છે? એ માટે ઘણું કામ કરવાનું બાકી છે. અાચાર્ય વિનોબા ભાવેએ કહેલું, “ઋષિ બંકીમે એક મંત્ર અાપ્યો − વંદે માતરમ્, જે પૂરા ભારતમાં ફેલાઈ ગયો. અાજે પણ તે મંત્ર સાંભળવા મળે છે. ગુરુદેવ કહેતા હતા, તમે ‘વંદે માતરમ્’ બોલો છો, પરંતુ ‘વંદે ભ્રાતરમ્’ નથી બોલતા. એટલે કે એમનો કહેવાનો મતલબ એ હતો કે આપસમાં લડતા ઝઘડતા રહો છો અને માતાને વંદન કરો છો ! શું કોઈ માતા એ પસંદ કરશે કે પોતાનાં સંતાનો અાપસમાં ઝઘડતાં રહે અને તેનું નામ પણ લેતાં રહે ? ‘જય જગત’માં વંદે ભ્રાતરમ્ અને વંદે માતરમ્ બંનેનો ભાવ અાવી જાય છે.” થયું છે એવું કે આજે જનતાની માતપિતા ગણાય તેવી સરકાર જ તેનાં સંતાન સમાં નાગરિકો અંદર અંદર ઝઘડતાં રહે તેવી નીતિ અમલમાં મૂકે છે. આનાથી વધુ કરુણતા કઈ?
જેમ જેમ સમય વીતતો જાય છે, તેમ તેમ એવો અહેસાસ થાય છે કે આઝાદી મેળવવા માટે જાન ફના કરનારાઓનાં દિલમાં જે ધ્યેય હતું તે હજુ સાર્થક નથી થયું. એ માટે આપણે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવા સિવાય કોઈ વિકલ્પ નથી. કોઈ કહેશે, ગાંધી હવે આજે પ્રસ્તુત ક્યાંથી રહે? તો શા માટે એમને જ તારણહાર ગણવા? તો જુઓ, એક વાત સમજી લઈએ કે ગાંધી ન તો રાજકારણી હતા, ન તો અર્થકારણી હતા. હતા એ સામાન્ય માનવ સમજથી ઈશ્વરને શોધવા નીકળેલ સત્યના પ્રવાસી. આથી તેમની વાત સમજવી સહેલી છે અને આચરવા માટે મનોબળ સિવાય કશાની જરૂર પણ નથી. તેમણે કહેલું, “આપણે જો ઈશ્વરને સત્યમાં અને માનવમાં ભાળીએ તો પ્રચલિત બધા ક્રિયાકાંડ, રીત રિવાજો અને અંધશ્રદ્ધાથી દોરવાઈને થતાંપૂજા-અર્ચના અને ભોગ એ બધું બંધ થઇ જાય. તેમ થવાથી ખોટા ખર્ચ બંધ થઇ જાય, પુરોહિતો દ્વરા થતું શોષણ ગાયબ થઇ જાય અને ત્યારે જ આપણને સાચો ઈશ્વર અને ધર્મ મળે. ઈશ્વર છે એમ ન માનનાર પણ સત્ય જ ઈશ્વર છે એમ માનવા તૈયાર થશે. માણસની માનસિકતા આમ બદલે એટલે ધર્મને નામે થતાં શોષણ, અત્યાચાર અને હિંસા આપોઆપ બંધ થાય. યુગે યુગે પ્રેમનો સંદેશ ઘણા મહાનુભાવોએ આપ્યો, પણ એથી બીજા સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ એ બહુ થોડાએ સમજાવ્યું અને તે પણ માત્ર વાણીથી. અન્ય પ્રત્યે માત્ર માનસિક દયા-કરુણા હોવી તે પૂરતું છે કે એનું દુ:ખ તે મારું દુ:ખ એમ અનુભવવું જરૂરી છે? દાદાભાઈ નવરોજજીએ ભારતીય પ્રજાની કંગાલિયતની વાત કરી જેનાથી ઘણાંનાં હૃદય દ્રવી ઊઠ્યાં, પણ એ કંગાલોની વચ્ચે જઈને તેમની જેમ જ અર્ધનગ્ન, અર્ધભૂખ્યા રહીને એમને અન્ન-વસ્ત્ર આપવાનું કામ એક જ માનવી – ગાંધીએ કર્યું. એ જ્યાં કોઈ દુઃખીને જુએ ત્યાં તરત કર્મ કરવા દોડે. માણસ માત્ર ઈશ્વરના સાક્ષાત્કાર માટે ઝંખે છે. પણ ઈશ્વરનો સાક્ષાત્કાર એટલે રૂપાળું, તેજસ્વી, તંદુરસ્ત, સુડોળ શરીર ધરાવનાર, મોંઘા વસ્ત્રોથી સુશોભિત પુરુષ બે ઘડી દર્શન દે અને પછી અદ્રશ્ય થઇ જાય તે? ઈશ્વરનો સાક્ષત્કાર તો હર પળે થાય છે જો જોતાં આવડે તો. એ હર આદમી-ઓરત-બાળકો-વૃદ્ધો, આજાર, બિમાર, ગરીબ-તવંગર અને ભલા-બુરા માનવીઓમાં વસેલો છે.”
જો આઝાદીને સાર્થક કરવી હોય તો આવક અને સંપત્તિનું સમાન વિતરણ કેમ થાય, સામાજિક ગુનાઓ થતા કઈ રીતે નિવારી શકાય, જગતહિત અવિરોધી સમાજ રચના કેવી રીતે રચી શકાય અને આપસ આપસમાં મેલજોલ રહે તેવી માનસિકતા કેમ કેળવી શકાય, એવું દરેક જવાબદાર વ્યક્તિ વિચારે તો જ શક્ય બને. અને એ તો તો જ સંભવ બને જો દરેક નાગરિક સરકારના અંકુશમાંથી મુક્ત બને. નવી પેઢી પાસે આશા છે કે આ દિશામાં પોતે ડગ ભરશે અને બીજાને દોરશે.
e.mail : 71abuch@gmail.com