પ્રાઈવસી એ તમારી બાપીકી મિલકત છે. એ તમારી આદતો અને તમારા વિચાર-વ્યવહારનો રેકોર્ડ છે. એને સાચવવાનો અધિકાર તમારો છે
અમેરિકાની રિસર્ચ સંસ્થા Pew Research Centre દ્વારા 2014માં 44 દેશોમાં એક સર્વેમાં પૂછવામાં આવ્યું હતું કે, અમેરિકા તમારા દેશના નાગરિકો ઉપર નિગરાની રાખે તો ચાલે કે નહીં. ભારતમાં આ સવાલ આવી રીતે હતો – તમારા મતે, અમેરિકન સરકાર ભારતના નાગરિકો વચ્ચેના વાત-વ્યવહાર પર જાંચ રાખે તો એ યોગ્ય કે અયોગ્ય? ગ્રીસમાં 97 પ્રતિશત લોકોને એ મંજૂર ન હતું. ચીનમાં 85, ઇઝરાયેલમાં 82, બાંગ્લાદેશમાં 70 અને ખુદ યુ.એસ.માં 47 પ્રતિશત લોકોને એ નામંજૂર હતું. ભારતમાં એ સંખ્યા માત્ર 33 પ્રતિશત હતી. 35 પ્રતિશત ભારતીયોને એમાં કોઈ વાંધો ન હતો. બાકીના લોકોએ આમ કે તેમ, કોઈ ફર્ક પડતો ન હતો. ‘આપણે શું?’ કહેવાવાળા ભારત કરતાં વધુ લોકો માત્ર નાઇજીરિયામાં હતા.
ભારતના લોકો સમૂહમાં, પરિવારોમાં રહેવાવાળા છે. બધાને બધી જ ખબર હોય છે. કશું ખાનગી નથી હોતું. દીવાલોનો, પ્રાઈવસીનો ખયાલ બહુ નવો, અને એકલપંડે લોકોનો છે. તમને જો યાદ હોય તો આધાર નંબરને ફરજિયાત બનવાના નિર્ણય સામે થયેલી અરજીનો વિરોધ કરતાં સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, પ્રાઈવસી એ ભદ્ર (બૌદ્ધિકો અને લેફ્ટિસ્ટ, એવું વાંચો) લોકોની ચિંતા છે. આ સાવ ખોટું નથી.
રોડ-રસ્તા-ટ્રેન-બસમાં લોકો જે રીતે પેશાબ કરવાથી લઈને એકબીજાના નાત-જાત-ધર્મની ખુલ્લેઆમ પંચાત કરે છે તે જોતાં (અમેરિકાના 47 ટકાની સામે) 90 ટકા લોકો ભારત સરકારની નિગરાનીને પણ નિભાવી લે તો ય નવાઈ નહીં. તમે કોઈ કોઈ અગત્યના કામમાં ખૂંપેલા હો, દવાખાનામાં હો, ઑફિસમાં મિટિંગમાં હો અને તમને કોઈ લોન માટે કે ડેબિટ કાર્ડ માટે જે કૉલ આવે છે, અને તમે ‘કૌન બોલ રહા હે, જી?’ જેવા જે નિર્દોષ સવાલો કરો છો, એ તમારા ક્યાંક કોઈકની પાસે પડેલા ડેટાની કમાલ છે. આપણને આ બધું ચાલે છે. એટલા માટે જ, તાજેતરમાં ડેટા-ચોરીનો વિવાદમાં મોટા ભાગના લોકો ‘આપણે કેટલા ટકા?’ એવું વિચારે તો આપણે (એટલે કે ભદ્ર લોકોએ) ટકા રાખવાની જરૂર ખરી? ખરી. એટલા માટે કે બેડરૂમના પડદા ઢાળવા કે ડૉક્ટર સાથે બંધબારણે વાત કરવાની તો ‘કેટલા ટકા’ વાળાને ય ખબર છે, પણ ડિજિટલની દુનિયામાં ખાનગી શું એ તો હવે આ કેમ્બ્રિજ એનાલિટિકાએ ફેસબુકના 5 કરોડ યુઝર્સનો ડેટા ચોરીને ડોનાલ્ડ ટ્રમ્પને જિતાડવામાં ઉપયોગ કર્યો હતો તે, અને કૉંગ્રેસ-મોદીના એપનો ડેટા પણ પરદેશમાં એનાલીસિસ માટે જાય છે તે, બહાર આવ્યું પછી આધારવાળી પેલી ચિંતા આગળ વધી છે.
ડિજિટલ પ્રાઇવસી એટલે શું? આપણે એનો અર્થ એવો કરીએ છીએ કે, ઓનલાઈન વ્યવહાર છૂપો રાખવો એ ડિજિટલ પ્રાઈવસી છે. એ આંશિક સાચું. ડિજિટલ પ્રાઈવસીમાં તમે શું કરો છો એ કરતાં ય તમે કોણ છો એ મહત્ત્વનું છે – એમાં તમારું નામ, જન્મતારીખ, સરનામું, આધાર નંબર, ફોન નંબર વગેરે આવી ગયું. આપણે ઓનલાઈન પર ઘણી પ્રવૃત્તિ કરીએ છીએ. આપણે દવાઓ ચેક કરીએ છીએ, વેકશન માટે જગ્યાઓ, ટ્રાવેલ કંપનીઓ જોઈએ છીએ, સગાં-સંબંધીઓ સાથે સંપર્ક કરીએ છીએ.
તમે જ્યારે પણ વેબસાઈટ્સ ઉપર આંટો મારો, કશુંક વાંચો, ખરીદી કરો, સોશિયલ મીડિયા ઉપર જાવ કે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરો ત્યારે ડેટા સ્વરૂપે આપણે આપણી હાજરી છોડીને જઈએ છીએ. આ ડેટા એ કંપની ભેગો કરે. આના આધારે તમે કોણ છો અને ઓનલાઈન શું કરો છો, તેનો પ્રોફાઇલ તૈયાર થાય છે.
આવા ડેટાનું વિશ્લેષણ થાય છે, અને એના આધારે માર્કેટિંગ કે જાહેરાતની યોજનાઓ બને છે. હવે તો ડેટા ભેગા કરતી કંપનીઓ પણ છે જે પૈસા લઈને એનું વેચાણ કરે છે. કૉંગ્રેસ પાર્ટીના એપ માટે પણ એવો જ આરોપ મુકાયો કે એના યુઝર્સનો ડેટા બિનસલામત છે, અને એપનું સર્વર સિંગાપોરમાં છે. મોદીના એપ માટે પણ એવી વાત આવી કે એના યુઝર્સની માહિતી અમેરિકન કંપની ‘કલેવર ટેપ’ પાસે એકઠી થાય છે. આધાર કાર્ડ સામે પણ આવી જ શંકાઓ થાય છે – નાગરિકોનો આ ડેટા કોઈ એક જગ્યાએ હોય તે કેટલો સલામત છે? એ લીક નહીં થાય, એનો ગેરકાયદે ઉપયોગ નહીં થાય, સરકાર ચોક્કસ વિચારધારાવાળા, અનુકૂળ ન હોય તેવા લોકોને પરેશાન કરવા એનો ઉપયોગ નહીં કરે તેની શું ખાતરી? હજુ આના કોઈ જવાબ નથી.
એક દલીલ, ભારત જેવા સમૂહમાં જીવતા દેશોમાં ખાસ, થાય છે કે કંઈ છુપાવા જેવો કારભાર ન હોય તો પછી પ્રાઈવસીની આટલી માથાકૂટ શું કામ? કારણ છે. આપણું કશુંક ને કશુંક છાનું રાખવા જેવું હોય છે. તમે કેટલા રૂપિયા કમાયા, તમને કઈ બીમારી છે, તમારો બેંક એકાઉન્ટ નંબર શું છે, તમે કેટલો ટેક્સ ભર્યો, તમે કોને વોટ આપ્યો, તમે ભગવાનમાં માનો છો કે નહીં વગેરે એવી બાબતો છે જે છૂપી રહેવી જોઈએ. ગોપનીયતા ગલત નથી. સ્વાભાવિક છે. આ એવી બાબતો છે જે તમે ડંકાની ચોટ ઉપર જાહેર ન જ કરો.
એક કિસ્સો હતો, જે આપણે ત્યાં ય હવે અસંભવ નથી. એક છોકરીએ કોટન રોલ, કોઈક લોશન અને વિટામિનની ટીકડીઓ ખરીદી. એના પરથી કંપનીએ એવું તારણ કાઢ્યું કે છોકરી પ્રેગ્નન્ટ છે, અને એને બેબી આઈટમ્સની કૂપનો મોકલવાનું શરૂ કર્યું. મુસીબત એ થઇ કે, એ નાબાલિગ કુંવારી હતી, અને એના બાપાને ફાળ પડી કે એ પેટથી છે. છોકરી અને એનો બાપ બંને બઘવાઈ ગયાં.
મહત્ત્વની વાત એ છે કે, પ્રાઈવસી એ તમારી બાપીકી મિલકત છે. એ તમારી આદતો અને તમારા વિચાર-વ્યવહારનો રેકોર્ડ છે. એને સાચવવાનો કે છુપાવાનો હવાલો અને અધિકાર તમારો છે. સંસ્થાઓ કે લોકો તમારો ડેટા સાચવશે તેવો આંધળો વિશ્વાસ રાખવો એ મૂર્ખામી છે. કેમ્બ્રિજ એનાલિટિકાના કેસમાં 5 કરોડ યુઝર્સની જાણ બહાર એમની વિગતો ફેસબુક ઉપરથી લઇ લેવામાં આવી હતી, અને અમેરિકામાં ટ્રમ્પને જિતાડવામાં વપરાઈ હતી.
એનો એક જ અર્થ થાય કે, સોશિયલ સાઈટ્સ ઉપર કંઇક લખવું, ફોટો શેર કરવો કે લાઇક્સ કરવી એ મફતની મિજબાની નથી. સોશિયલ મીડિયા ઉપર જવાના પૈસા નથી લાગતા, પણ ત્યાં તમારો જે ડેટા જમા થાય છે એ બેશક કીમતી છે, અને એના ખરીદદારો છે, જેમાંથી સોશિયલ મીડિયા કંપનીઓ કમાણી કરે છે. તમે જેટલી એપ વાપરો છો તે તમારા ફોન નંબર, લોકેશન, તમારા મેસેજ, ફોટા, ઈમેઈલ, લોગ-ઇન વગેરે ભેગું કરતાં રહે છે. સ્માર્ટફોનનો મતલબ જ એ થાય છે.
આ બધું તમારી પ્રાઈવસી હેઠળ આવે છે. પશ્ચિમમાં તો આને સલામત રાખવા સખ્ત પ્રાઈવસી કાનૂનો છે, અને એની તહત જ કેમ્બ્રિજ એનાલિટિકા અને ફેસબુક સામે કાર્યવાહી થવાની છે. ભારતમાં આવા કાનૂન નથી એટલે નિજી જવાબદારી ઔર વધી જાય છે. આપણી ઓનલાઈન નિર્ભરતા દિવસે દિવસે વધવાની છે, ઘટવાની નથી. એટલે ‘મારે કેટલા ટકા? મારે કશું છુપાવા જેવું નથી’ એવું જો તમે માનતા હો તો ઓનલાઈન જીવનમાં છુપાવા જેવું કશું છે કે નહીં, તેના કરતાં કઈ વિગત જાહેર કરવી અને કઈ ન કરવી અને કરવી તો કોની સામે કરવી એ મહત્ત્વનું છે.
બાકી, કશું છુપાવાનું ન હોય તો આ લેખ બહુ સારો હતો એવાં વખાણ કરતો ઈ-મેઇલ મોકલો તો સાથે તમારો પાસવર્ડ પણ મોકલી આપજો ને, પ્લીઝ.
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 08 અૅપ્રિલ 2018