પુસ્તકપરિચય પહેલાં લેખકનો પરિચય. ‘વિદ્યા વધે એવી આશે’ પુસ્તકના લેખક ડૉ. ગૌરાંગ જાનીથી ગુજરાત અજાણ્યું નથી. સમાજશાસ્ત્રના અધ્યાપક, વર્ષોથી સમાચારપત્રોમાં કટારલેખન, સેક્સવર્કર બહેનોની સમસ્યા મુદ્દે સક્રિય, એચ.આઈ.વી.ગ્રસ્ત દર્દીઓની તકલીફો હોય કે વર્ગખંડમાં – કાર્યક્રમોમાં સામાજિક મુદ્દે ચર્ચા કરતા હોય … ગૌરાંગભાઈનું કામ હંમેશાં પોંખાયું છે. તેનું કારણ, તેઓએ પોતાના વર્ગખંડને તો ખરો જ, સમાજ આખાને પોતાના સંશોધનની પ્રયોગશાળા તરીકે જોયો છે. બહુ ઓછા અધ્યાપકો તેમના જેટલી સંવેદનશીલતા અને લોકપ્રિયતા ધરાવે છે. હું તેમને ઊંઘવાના સમયને બાદ કરતાંના સમાજશાસ્ત્રી તરીકે ઓળખાવું છું.
મૂળ તો ગુજરાતી રાણી-વાણીના વકીલ કવિ દલપતરામે ૧૮૫૫માં રચેલી કવિતા :
‘જુઓ પુસ્તકસ્થાન જે ભદ્ર પાસે
રચ્યું રૂડું વિદ્યા વધે આવિ આશે’ના નીચેના બંધને સહેજ ફેરફાર સાથે લેખસંગ્રહનું શીર્ષક બનાવ્યું છે.
‘વિદ્યા વધે એવી આશે’ (દલપતરામે એ જમાનાની લેખનશૈલી મુજબ ‘આવિ’ શબ્દ વાપર્યો હતો.)માં કુલ ૪૦ લેખો છે. તેનું વર્ગીકરણ કરીએ તો શિક્ષણ, નારી-અભ્યાસ અને સામાજિક ઇતિહાસની આસપાસ આ લેખો કેન્દ્રિત છે. વધુ અંદર ઊતરીએ તો પાઠ્યપુસ્તકો, અભ્યાસક્રમ, સમયપત્રક, પરીક્ષા, દફતરો, વસતિ, જ્ઞાતિ, સામાજિક સંશોધન, ધર્મ, તહેવારો, આપઘાત, શોખ, હસ્તાક્ષર, વિજ્ઞાન, અંધશ્રદ્ધા અને તેમના માંહ્યલામાં જે બિરાજેલા છે, તે સમાજના નબળા સમુદાયોનું સમાજવિજ્ઞાનીય પરિપ્રેક્ષ્યમાં અહીં વિવેચન છે. કુલ ૧૫૫ પાનાં (છપાયેલાં ૧૬૦ છે, પણ તેમાં ૪ પાનાં પરિશિષ્ટનાં અને ૧ પાનું વાચકોની નોંધ માટે છે.)ના ગ્રંથમાં બહુવિદ્યાકીય, આંતરવિદ્યાકીય લેખો છે. અહીં ભૂતકાળ સાથે વર્તમાન સંકળાય છે, તો ભાવિનિર્દેશન પણ છે. આ દ્વારા ડૉ. જાનીએ સમાજશાસ્ત્રના સીમાડાઓ વિસ્તાર્યા છે. ઉદાહરણ તરીકે લેખ નં. ૯, ૧૩, ૧૪, ૧૬, ૨૨, ૩૩, ૩૮.
ડૉ. ગૌરાંગ જાનીનું ‘વિદ્યા વધે એવી આશે’ નિમિત્તે થયેલું સમાજદર્શન ભદ્રવર્ગીય કે શહેરી નથી. ‘હાંસિયાના ગુજરાત’, ભારતને તેમણે બારીકાઈથી આલેખ્યું છે. ‘આમ ભારત અને ખાસ ભારત’નું તેમનું નિરીક્ષણ જોઈએ : ‘પ્રાથમિક શિક્ષણમાં સમગ્ર દેશમાં આર્થિક આધાર પર એક ચોક્કસ વર્ગવ્યવસ્થા પણ દેખાય છે. મોટાં શહેરોમાં કેજી કે સિનિયર કેજીમાં વર્ષે એક લાખની ફી આપીને પોતાનાં સંતાનોને ભણાવતા પરિવારો છે, તો બીજી તરફ ખેતરમાં મજૂરીએ જવાને કારણે ઘરમાં નાનાં ભાઈ-બહેનોને સાચવવાં કે પછી બળતણનું લાકડું મેળવવા અને પાણી ભરવા જવાના કારણે શાળા નસીબમાં જ નથી, એવાં લાખો બાળકો છે. આ વાસ્તવિકતા એક જ દેશનાં બાળકો જ્યારે નાગરિક બને છે, ત્યારે આમ ભારત અને ખાસ ભારતનું નિર્માણ કરે છે.’ (પૃ.૧૯) આવાં તો અનેક સટીક નિરીક્ષણોથી ‘વિદ્યા વધે એવી આશે’ પુસ્તક હર્યુંભર્યું છે. વધુ બે નિરીક્ષણોઃ ‘સમાજમાં અનેકવિધ સમૂહો હોય છે તે સૌનો પરિચય સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને કરાવવો હોય તો વર્ગખંડના બ્લૅકબોર્ડ પર કે પ્રશ્નોના ઉત્તરો કે પછી પાઠ્યપુસ્તકોમાં શક્ય નથી. તે સમૂહો સાથે વાર્તાલાપ જરૂરી છે.’ (પૃ.૧૩૫)
“હું સમાજશાસ્ત્રનો અધ્યાપક ગુજરાતી સાહિત્યનો રસાસ્વાદ મેળવવા નવલકથા કે કવિતા વાંચું તો સાહિત્ય મારો શોખ ગણી શકાય, પરંતુ મને ‘વાંચવાનો શોખ છે’ એવું વિધાન કરતાં પૂર્વે મારા વ્યવસાયની અનિવાર્યતા તપાસવી રહી.” (પૃ.૧૩૯) આમ, સાંપ્રત વહીવટીતંત્ર, સમાજવિજ્ઞાનીઓ અને ખાસ તો ખાડે ગયેલા ‘મોટા માસ્તરો’(અધ્યાપકો)ને તેમણે જવાબદારી ચીંધી છે.
ભાષા અને શૈલીની દૃષ્ટિએ પણ પુસ્તક મજાનું છે, જે સામાન્ય રીતે સમાજવિજ્ઞાનનાં પુસ્તકોમાં હોતું નથી. (એક આડવાત. આજે તો અનિંદ્રાના દર્દીઓને દાક્તરો ઊંઘની ગોળીઓ કારગત ન નીવડે ત્યારે સમાજવિજ્ઞાનનાં પુસ્તકો પ્રિસ્ક્રાઇબ કરે છે.) ગૌરાંગ જાનીની ભાષા સાડાબારી રાખતી નથી. કેટલાંક ઉદાહરણો જોઈએ :
‘બાળકો બોલે અને આપણે સાંભળીએ.’
‘શાળા-પ્રવેશોત્સવની પ્રસ્તાવના પછીનાં પૃષ્ઠો ક્યાં છે ?’
‘હાજરીપત્રકનાં ખાનાં કે પરંપરાનાં ચોકઠાં ?’
‘પરીક્ષામાં મૂડીરોકાણ અને મૂડીરોકાણની પરીક્ષા’
‘કોણ જીતશે, વિજ્ઞાનનો આત્મવિશ્વાસ કે અંધશ્રદ્ધાનું અફીણ ?’
‘મધ્યાહ્નભોજનનું આમ ગુજરાત અને લંચબૉક્સનું ખાસ ગુજરાત’
‘દફતર છોડે ગુજરાત… ક્યારે ?’
‘ગુજરાત : શિક્ષણના વિચારબીજથી વેપારવૃક્ષ સુધી’
‘શોખની નવરાશ, નવરાશનો શોખ.’
આ ભાષા અને શૈલી વિષયવસ્તુ પર મજબૂત પકડ અને સંવેદના ન હોય તો આવી જ ન શકે. આવી ભાષાશૈલીમાં લખાય તો સમાજશાસ્ત્ર કે અન્ય સમાજવિદ્યાઓનાં પુસ્તકો વંચાય, સમજાય. બાકી આગળ કહ્યું તેમ ઊંઘની ગોળીઓનો વિકલ્પ.
સમગ્રતયા વિષયવસ્તુનું નાવીન્ય, રજૂઆતની શૈલી અને નિર્ભીક લખાણ વગેરેને લઈ આ પુસ્તક નવી ભાત પાડે છે. પુસ્તકનું પ્રોડક્શન, જોડણી, આયોજન વગેરેમાં લેખક, પ્રત-સંપાદક (કેતન રૂપેરા) અને પ્રકાશકની મહેનત દીપી ઊઠી છે. જોડણી, વાક્યરચનાના દોષો શોધવા અઘરા છે. મોટાભાગના લેખોના અંતે ચુનંદાં અવતરણો કે વિષયવસ્તુરૂપ ગદ્યખંડો અપાયાં છે, તે અને કેટલાક કોઠાઓ તથા પરિશિષ્ટ પુસ્તકનું સંદર્ભ-સાહિત્ય તરીકેનું મૂલ્ય ઊભું કરે છે. બીજી એક નવતર બાબત આ પુસ્તકના સંદર્ભમાં એ છે કે ગૌરાંગભાઈએ પુસ્તક તેમના વિદ્યાગુરુ ડૉ. તારાબહેન પટેલને અર્પણ કર્યું છે, જ્યારે આવકારવચન તેમનાં વિદ્યાર્થિની મિત્તલ પટેલે લખી છે. (મિત્તલબહેને આવકાર આખું પુસ્તક વાંચીને લખ્યું છે, જે સહેજ જાણ ખાતર) આમ, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યરૂપી ત્રણ પેઢીઓનું અનુસંધાન આ પુસ્તકમાં થયું છે.
છેલ્લે, પુસ્તકની ઇતિશ્રી ખરીદવામાં કે વાંચવામાં નથી, ગૌરાંગભાઈએ અહીં શિક્ષણની ચિંતા અને તેના ઉકેલો આપ્યા છે, બાળકલ્યાણ અને નારીઉત્થાનના રસ્તા ચીંધ્યા છે, નબળા સમુદાયો પ્રત્યેની નિસબત દર્શાવી છે. આ બધાને કારણે સાંપ્રત વહીવટીતંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓને નીતિનિર્ધારણમાં ચાવીરૂપ બની શકે તેમ છે.
એક આસ્વાદ તરીકે કહું તો ‘વિદ્યા વધે તેવી આશે’ પુસ્તક ગુજરાતનાં વિશ્વવિદ્યાલયોના સમાજશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓને તેમની સંવેદનશીલતા અને સંશોધનક્ષમતા વધે તે માટે ભણાવવું જ જોઈએ અને તો જ આવાં પુસ્તકો લખવાનો અને પ્રકાશિત કરવાનો શ્રમ સાર્થક થાય.
વિશેષ નોંધ : દોઢ મહિનાના ટૂંકા ગાળામાં પુસ્તકની ૪૦૦ નકલો વેચાઈ ચૂકી છે.
e.mail : arun.tribalhistory@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2015; પૃ. 18-19