“Art is a tool of social responsibility, so the filmmaking is secondary; the content should push a viewer towards social awareness.”
— P A Ranjith
(Times L!fe)
“કલા સામાજિક જવાબદારીનું માધ્યમ છે, માટે ફિલ્મનિર્માણ બીજા ક્રમે આવે છે; વિષયવસ્તુએ દર્શકને સામાજિક જાગરુક્તા તરફ ધક્કો મારવો જોઈએ.”
— પી.એ. રનજીત
(ટાઇમ્સ લાઇફ)
આ લેખમાં ફિલ્મનો રિવ્યુ કરવાનો આશય નથી બલકે ફિલ્મને પાઠ કે વાચના (text) તરીકે વાંચવાનો ઉદ્દેશ છે, માટે ફિલ્મનિર્માણના પાસાઓ કરતાં ફિલ્મના વિષયવસ્તુની ચર્ચા હાથ ધરી છે. પિતૃસત્તાની અન્યાયી વ્યવસ્થામાં થતા સ્ત્રીઓના દમન-શોષણ અંગે પ્રેક્ષકને હેલ્લારો મારીને સામાજીક જાગૃતિ ઊભી કરવાનો પ્રયાસ છે. એટલે જ ફિલ્મમાં કોઈ જ બાબતે અતિશયોક્તિ દર્શાવી નથી. ૧૦૦માંથી ૧૦૦ ગુણ આપવા પડે એવી ફિલ્મ છે. દિગ્દર્શન, સિનેમૅટોગ્રાફી, પરિવેશ, પાત્ર પસંદગી, સ્ક્રીનપ્લે-સંવાદ, ગરબાના લિરીક્સ – સંગીત, વસ્ત્રપરિધાન, અભિનય, બધું જ પરફેક્ટ. કોઈ એક પાસું કે કલાકર નબળા નહીં. ટીમવર્કની મહેનતથી ફિલ્મ ચમકે છે. અભિષેક શાહ લિખિત-દિગ્દર્શિત ‘હેલ્લારો’ એમની પ્રથમ ફિલ્મ છે અને રાષ્ટ્રિય અવોર્ડ જીતી છે એ વાત એમને બેવડા અભિનંદનને પાત્ર બનાવે છે.
પ્રકાશ ગૌડાના અંગ્રેજી રિવ્યુમાં ‘હેલ્લારો’નો અર્થ ‘strong gust of wind’ (પવનની થપાટ) તો વળી ‘कर्तव्य साधना’માં ફિલ્મ દિગ્દર્શક અભિષેક શાહ મુજબ ‘હેલ્લારો’નો અર્થ ‘rising tide or wave of water’ (પાણીનું ઊછળતું મોજુ કે ભરતી) થાય છે. સાર્થ જોડણીકોશ મુજબ ‘હેલારો’(શબ્દની બીજી જોડણી)નો અર્થ છે ‘આંચકો, ધક્કો, ઝપાટો, હરકત, નુકશાન, વાહનનું ઉછળવું’. ભગવદ્ગોમંડલમાં ‘હેલારો’નો અર્થ આ મુજબ છે : ‘ધક્કો, ઠેલો, હડસેલો, મોજું, લહેર’.
ફિલ્મ જોનાર પ્રત્યેક કહેશે કે આવા જ વિષય પર ત્રણ દાયકા પહેલા બનેલી કેતન મહેતાની સિમાચિહ્ન ફિલ્મ ‘મિર્ચ મસાલા’ (૧૯૮૬) પછી ગુજરાતીમાં બીજી યાદગાર ફિલ્મ બની. આવા વિષયને અડકવાનું સાહસ કાંઈ બધાંમાં થોડું હોય! આ બન્ને ફિલ્મો ભારતીય સમાજમાં જ્ઞાતિ, ધર્મ, લિંગ અને જાતીયતા સંદર્ભે ફેલાયેલા સુવ્યવસ્થિત દમનને આયનો ધરવાનું કામ કરે છે. બન્ને ફિલ્મોમાં પુરુષપ્રધાન સમાજમાં ઘરમાં અને ઘરની બહાર પુરુષોના દમનનો ભોગ બનતી સ્ત્રીઓનું નિરૂપણ છે. જોગાનુજોગ ભૌગોલિક વિસ્તાર ભલે કચ્છનું રણ રહ્યું બન્ને ફિલ્મોમાં પણ માત્ર કચ્છ નહીં, ભારતનો કોઈ પણ હિસ્સો આવા દમનની હાજરી વગરનો મળે તેમ નથી.
કચ્છના એક પુરુષપ્રધાન ગામના કૂપમંડૂક જેવા પુરુષોની નાગચૂડમાંથી થોડી ક્ષણો છૂટીને ગરબા રમી સ્વતંત્રતાનો ખુલ્લો શ્વાસ માણતી ગામની સ્ત્રીઓનો ભેદ ખૂલી જાય છે ત્યારે ગામના પુરુષો જોરદાર આંચકો અનુભવે છે, સ્તબ્ધ બની જાય છે. સમાજ અને ઘરમાં સ્ત્રીઓ પર પુરુષોની નાગચૂડ એટલે પિતૃસત્તા. સદીઓ જૂની એ સડેલી માન્યતા કે પુરુષ એટલે સ્ત્રીનો માલિક, સ્ત્રી એટલે પુરુષની મિલ્કત, પુરુષની મરજી પ્રમાણે જ ચાલે બધું, સ્ત્રીની મરજી હોવી જ ના જોઈએ, પુરુષને આવક હોવી જોઈએ, સ્ત્રી માટે આવક હરામ છે, પુરુષ એ જ સાચો જે સ્ત્રીને અંકુશમાં રાખી જાણે, પત્નીત્વ ને માતૃત્વ એ જ સ્ત્રીઓનો પરમ ધર્મ, વગેરે, વગેરે.
ફિલ્મની શરૂઆતમાં સ્ત્રીઓનાં રાખોડી રંગનાં વસ્ત્રો એમની નિરસ અને રંગવિહીન જિંદગીની ચાડી ખાય છે. ઘરમાં, કુટંબના સભ્યો પાસેથી, અરે, પતિ પાસેથી પણ બે મીઠા બોલ કે સહેજ સરખો વહાલભર્યો સ્પર્શ આ સ્ત્રીઓનાં નસીબમાં નથી. પ્રથા મુજબ પુરુષો સજીધજીને ગરબે ઘૂમે ને સ્ત્રીઓએ ઘરમાંથી સંતાઈને ગરબા જોવાના. એક ભૂંગામાં પુરુષ બહાર જવા નિકળતો હોય છે ત્યારે એની દીકરી પૂછે છે કેમ અમારાથી ગરબા ના રમાય. એની મા એને સમજાવે છે કે એવો નિયમ છે માટે. પિતા એને કહે છે સવાલ પણ ના પુછાય. ને બીજા તબક્કે એ જ છોકરીનો ભાઈ સજીધજીને ગરબા રમવા નિકળતો હોય છે ત્યારે એ બોલવા જાય છે એ પહેલા એની બહેન કહે છે ખબર છે મારાથી ના રમાય. પણ આ વખતે ફરક એટલો છે કે જ્યારથી સ્ત્રીઓ તળાવે ગરબા રમતી થઈ આ નાની દીકરીને પણ એની મા ગરબાની મોજ માણવા સાથે લઈ જતી હતી. દીકરી મનમાં કહેતી હશે કે તમે પુરુષો કરો ગામમાં ગરબા, અમે તો તળાવે ઘૂમીએ છીએ.
સ્ત્રીઓને નાનપણથી મગજમાં એવું જડબેસલાક ઠાંસી દીધું હોય છે કે પિતા, ભાઈ, પતિ, સસરા, વગેરે વગેરે જે લક્ષ્મણરેખા દોરી આપે એ ઓળંગવાની નહીં. સમાજના શોષિત સમૂહો, સ્ત્રીઓ હોય કે દલિતો, એમના પર જે પાબંદીઓ ફટકારવામાં આવે છે એ ડરની મારી સ્ત્રીઓમાં એટલી ઘર કરી જાય છે (internalise) કે એ પણ એ જ ભાષા બોલતાં થઈ જાય છે અને એ જ પ્રમાણે જિંદગી જીવવાં લાગે છે. જ્યારે એક સગર્ભા સ્ત્રીને મૃત બાળકી જન્મે છે, એકબેને બાદ કરતાં બાકીની સ્ત્રીઓ ક્ષણવારમાં માતાજીના કોપના કારણે આમ થયાની વાત કરે છે ને નવી વહુ પર દોષનો ટોપલો નાખે છે. પણ બાળક ખોયેલી સ્ત્રી કહે છે મારી દીકરી પણ માતાજીનું જ સ્વરૂપ હતી ને. માતાજી સ્ત્રી થઈને આપણને સજા થોડી કરે. સારુ થયું, મારી દીકરી આવા નર્કમાં જન્મતા અટકી ગઈ. યે જીના ભી કોઈ જીના હે, એવો સૂર વારંવાર પ્રગટે છે આ સ્ત્રીઓના મનમાં.
નિયમની ઐસી કી તૈસી કરીને સ્ત્રીઓ ગરબા રમી જાણે પોતાના શરીર પરની માલિકી પાછી મેળવી લીધી છે એ જાહેરાત કરે છે, કારણ કે ફિલ્મમાં દર્શાવ્યું છે તેમ સ્ત્રીઓએ પોતાનું શરીર ઘરકામ ને માતૃત્વમાં, સાસુના પગ દબાવવામાં (આધેડ પતિ એની પત્ની પાસે પગ દબાવે પોતાની સત્તા દર્શાવવા અને સાસુ એ જ હેતુથી પુત્રવધૂ પાસે પગ દબાવડાવે. સાચે જ જરૂર હોય તો દબાવવા જ જોઈએ પણ રોજના ધોરણે નિયમરૂપે થતી આ ક્રિયાનો સંકેત પગ દબાવનારનું દાસત્વ દર્શાવવાનો હોય છે. માલિક નોકર પાસે પગ દબાવડાવે તે રીતે), પતિની વાસના સંતોષવામાં અને પતિનો માર ખાવામાં ઘસી નાખવાનું, વગેરે સ્થળ-કાળ આધિન અનેક બાબતો સામાન્યત: પિતૃસત્તાના વણલખાયેલા નિયમો હોય છે.
‘૭૦ના દાયકામાં ભારતમાં વિમેન્સ સ્ટડીઝ નામની નવી વિદ્યાશાખા ઊભી થઈ. એમાં સંશોધન કરતી મહિલાઓએ ભારતમાં સ્ત્રીઓ સાથેના દુરવ્યવહારથી (ઘરેલું હિંસા, દહેજ માટે પત્નીને બાળી નાખવી, આદિવાસી અને દલિત મહિલાઓનું યૌન શોષણ, વગેરે) હેબતાઈને પીડિત સ્ત્રીઓને સંગઠિત કરવાના પ્રયાસો કર્યા. પુરુષપ્રધાન સમાજના અન્યાયી માળખા અને આજ્ઞાઓ સામે રૅઝિસટન્સ અને ડિફાયન્સ એટલે જ નારીવાદ. નારીવાદ એટલે પુરુષો પ્રત્યે નફરત (misandry) એ ખ્યાલ ભૂલ ભરેલો છે. જ્યાં ન્યાયી વ્યવસ્થા છે ત્યાં વિદ્રોહની જરૂર જ નથી હોતી.
ફિલ્મમાં દર્શાવેલી ગ્રામીણ સ્ત્રીઓ સૈદ્ધાંતિક ‘નારીવાદ’ને જાણતી નથી. નવી વહુ સાત ચોપડી ભણેલી છે એટલે આગેવાની કરે છે એવું પણ સાવ નથી. દૈનિકોમાં આઈ.પી.એસ. મહિલા ઓફિસર પણ ઘરેલુ હિંસાનો ભોગ બન્યાના સમાચાર વાંચ્યાનું બરાબર યાદ છે. પોતાની અસ્મિતાનું, માનવ અધિકારનું ભાન હોય ત્યારે મનમાં વિદ્રોહ સહજ રીતે પેદા થાય છે. પછી તે રેઝિસ્ટન્સ (પ્રતિકાર) અને ડિફાયન્સ(ઉલ્લંઘન)ના સ્વરૂપમાં દેખા દે છે. મનમાં વલોણુ થાય ને એ મુજબ પગલું લેવાની હિંમત આવવી જોઈએ. મનમાં જન્મેલા પ્રતિકારને આચરણમાં મુકવાથી જ દમન સામે લડી શકાય છે.
માનવ ઇતિહાસનાં જુદાં જુદાં સ્થળ-કાળ મુજબ પિતૃસત્તા સ્ત્રીઓ માટે ‘નિષેધ’ બાબતો જાહેર કરતી આવી છે — એટલે કે કોઈ સ્થળ કે સામાજિક જૂથ કે વ્યક્તિ કે સામાજિક વ્યવહાર પર પ્રતિબંધ મૂકે છે. ઘરની ચાર દિવાલોમાં કેદ રાખીને કે લાજ કઢાવીને પણ પુરુષ સ્ત્રીને બહારની દુનિયાથી દૂર રાખે છે. વળી, ઘરકામમાં પુરુષોએ કોઈ જ પ્રકારની મદદ નહીં કરવાની, આ પણ ‘નિષેધ’ના જ પ્રકાર છે. ‘હેલ્લારો’માં સ્ત્રીઓ માટે ભરતકામ કરવું, ગરબા ગાવા, વિધવા સાથે વાતચીત કરવી નિષેધ છે. ઘરમાં પુરાઈ રહેવું પણ એમની નિયતિ છે.
ફિલ્મમાં ભૂતકાળમાં એક સ્ત્રીનાં ભરતકામ કરેલાં કાપડ ગામમાં આવતો વેપારી ખાનગી રીતે શહેરમાં વેચીને એ સ્ત્રીને એના પૈસા આપતો હતો. વાત જાહેર થઈ જતાં મોતને ઘાટ ઉતારવામાં આવે એ પહેલા એ સ્ત્રી વેપારી જોડે નાસી છૂટે છે. બસ ત્યારથી ગામના પુરુષો સ્ત્રીઓને ભરતકામ કરવાની મનાઈ ફરમાવે છે. ખાપ પંચાયત માત્ર હરિયાણામાં થોડી છે! નગરથી નવી આવેલી દીકરાની વહુને ભરતકામ કરતા જોઈ એની સાસુ આ પાબંદી અંગે સાવચેત કરે છે. તો વળી પરણીને ઓરડામાં પગ મુકતાની સાથે એનો ફૌજી પતિ એને પૂછે છે કે ભણેલી છે? જ્યારે પત્ની હા પાડે છે તો પૂછે છે કેટલું ભણેલી છે? સાત ચોપડી, પત્ની જવાબ આપે છે. પોતાનું ઘર છોડીને =આવેલી પત્નીને વહાલ દર્શાવવાને બદલે ઘૂરક્યા કરી પતિ ચેતવણી ઉચ્ચારે છે કે ભણેલી છે એટલે પાંખ કે શિંગડા ઊગે, તે જાતે જ કાપી નાખજે નહીં તો હું કાપીશ તો બહુ દુખાશે. બીજે જ દિવસે નવી વહુના માથેથી સાસુ લગ્નની ઓઢણી કાઢી લઈને સાદી ઓઢણી ને પાણીના બેડા પકડાવી દે છે. એમને ક્યાં ખબર હતી કે આ ભણેલી વહુ મુસીબતને તકમાં ફેરવી શકવાની ક્ષમતા ધરાવે છે. તળાવે સાથે આવેલી સ્ત્રીઓ એને અજાણ્યા પુરુષને પાણી આપવાની મનાઈ ફરમાવે છે. પણ નવી વહુ તો બેભાન ઢોલીને પાણી પીવડાવે છે. બીજી સ્ત્રીઓ હેબતાઈ જાય છે. ગામમાં ગરબા માતાજીના હોય પણ સ્ત્રીઓને ગાવાની મનાઈ. એટલે નવી વહુ ઢોલીના તાલે ગરબા કરવાનું સૂચવે છે અને ગરબો કરવા લાગે છે ત્યારે પણ બીજી સ્ત્રીઓ એવી જ પ્રતિક્રિયા આપે છે. જુવાન વિધવા સાથે વાત કરવાની શરૂઆત વખતે પણ એ જ બાબતનું પુનરાવર્તન.
ફિલ્મનું અર્પણ વાક્ય છે:
This film is dedicated to the struggles of countless women who thrive in the face of patriarchal mandate.
પિતૃસત્તાના ફરમાન સામે અવાજ ઉઠાવતી અસંખ્ય સ્ત્રીઓના સંઘર્ષને આ ફિલ્મ અર્પણ કરીએ છીએ.
વી. ગીતા પ્રમાણે પિતૃસત્તા એટલે ‘પુરુષો દ્વારા દમન’, ‘સ્ત્રીઓ પ્રત્યે પુરુષોનો પૂર્વગ્રહ’ અથવા સાવ સાદા શબ્દોમાં ‘પુરુષ સત્તા’. એટલું જ નહીં ગરીબ, નીચલી જ્ઞાતિના પુરુષો પણ પિતૃસત્તાનો ભોગ બનતા હોય છે. (V. Geetha, Patriarchy. Calcutta: Stree, 2007) આ બન્ને બાબતો ‘હેલ્લારો’ ફિલ્મમાં ગામની સ્ત્રીઓ અને ઢોલી સાથેનો ગામના પુરુષોના દુર્વ્યવહાર દ્વારા ખૂબ અસરકારકતાથી દર્શાવેલી છે. ઢોલી એની નાની દીકરીને ખુશ કરવા હોળી આગળ ગરબા કરવા દે છે એટલે હોળી અભડાવવાના ગુના માટે એના ગામના ઉચ્ચ વર્ણના પુરુષો એના ભૂંગાને આગ લગાડી દે છે જેમાં એની પત્ની અને દીકરી ભુંજાઈ મરે છે.
ફિલ્મનો સમય ૧૯૭૫ રાખેલો છે. કારણ? આજના સમયમાં વાસ્તવથી બહુ દૂર લાગે એટલે. જાગરૂક વાચક કહેશે આ ખોટી વાત છે. પિતૃસત્તાની પકડ હજુ એવી જ છે. શું શહેર ને શું ગામ? આજની કોઈ પણ સ્ત્રીને પૂછો — એ કહેશે કે ઘરમાં, નહીં તે સમાજમાં, નોકરીના સ્થળે, જે કોઈ પણ ક્ષેત્રમાં એ સંકળાયેલી હોય એને પુરુષપ્રધાન વ્યવસ્થામાં ઓછા વધતા ધોરણે દાઝવાનું આવતું જ હોય છે. અરે, હાલના જ લૉકડાઉન દરમ્યાન ઘરેલું હિંસાના બનાવો કૂદકે ને ભૂસકે વધ્યાં છે એ આપણે સૌ જાણીએ જ છે. દમનકારી વર્ગ તો કહેવાનો જ કે આભડછેટ જેવું હવે કંઈ રહ્યું નથી સમાજમાં, હવે તો સ્ત્રી પુરુષ સમોવડી છે. બન્ને દાવા વાસ્તવથી જોજનો દૂર છે.
સામાન્ય રીતે ગુજરાતી ફિલ્મોમાં શબ્દબહુલ (verbose) હોય છે. ‘હેલ્લારો’ના ટૂંકા પણ ચોટદાર (succinct) બિલકુલ નિશાન પર જઈ વાગે એવા સંવાદો છે. ફિલ્મનું વિષયવસ્તુ જ એટલું નક્કર છે અને દિગ્દર્શન, અભિનય એટલી સુક્ષ્મતાથી કરામત બતાવે છે કે એના દ્વારા જ ઘણું બધું કહેવાઈ જાય છે. આ ફિલ્મ આર્ટહાઉઝ ફિલ્મ હોઈ એમાં આમે ય અતિશયોક્તિને અવકાશ નથી.
કૂવા કે નદી-તળાવે પાણી ભરવા કે કપડાં ધોવા જવું, ખુલ્લામાં હાજતે જવું, ઢોર માટે ચારો લેવા જવો, બળતણ વીણવા જવું ગ્રામીણ સ્ત્રીઓને ઘરના ગૂંગળાવતા વાતાવરણમાંથી છુટવા માટે, ઘરકામના થાકમાંથી શ્વાસ લેવા માટે ખૂબ અનુકૂળ આવે છે. આ જગ્યાઓેએ સ્ત્રીઓ સમૂહમાં જતી હોય છે. ઘર-પાડોશમાં મુક્ત મને જે વાતોની આપ-લે ના કરી શકાય તે વાતો કરવા, પોતાની લાગણીઓ વ્યક્ત કરવા, એકબીજાને ટેકો આપવા-લેવા માટે એમને પૂરી મોકળાશ મળી રહે છે. સામાન્ય રીતે પુરુષો માટેની જગા ‘ઘરની બહાર’ અને સ્ત્રીઓ માટેની જગા ‘ઘરની અંદર’ એવું ચુસ્તપણે ઠેરવેલું હોય છે. કૂવા કે તળાવે પાણી ભરવા જવું કે બળતણનાં લાકડાં વીણવા જવું કે ઢોર ચારવાને બહાને સ્ત્રીઓ બહાર નીકળી ‘નિષેધ’ બાબતો કરી એક રીતે પિતૃસત્તા સામે ડિફાયન્સ કરીને બદલો વાળે છે. (Fernando Franco et al., The Silken Swing: The Cultural Universe of Dalit Women. Calcutta: Stree, 2000)
તળાવને કિનારે ઢોલીના તાલે પાણી ભરવા ગયેલી સ્ત્રીઓ ગામના પુરુષોની જાણ બહાર ગરબા રમી પોતાની કામના પૂરી કરે છે. પણ જ્યારે બધાંને ખબર પડી જાય છે ત્યારે એક પછી એક સ્ત્રીઓ માથે ઓઢણી ઢાંક્યા વગર ઘરના ઉંબરા ઓળંગી ગામના વડીલો, મુખી ને પારકા પુરુષોની હાજરીમાં ગરબે ઝૂમીને ખુલ્લો પ્રતિકાર કરીને પુરુષોને જોરદાર હેલ્લારો મારે છે. જુવાન વિધવા પણ કોઈ છોછ વિના ગરબામાં જોડાય છે. તળાવ કિનારે ગરબા કરતી વખતે મન-હૃદયમાં દબાવેલી ઊર્મીઓની અભિવ્યક્તિની મોકળાશ મળતા સ્ત્રીઓનાં શરીરની લવચીકતા અને હળવાશને બદલે અંતમાં ગામના ચોરામાં ગરબા રમતી વખતે દેહભાષા અકડાઈ અને લડાયક્તા સૂચવે છે. ગરબો યુદ્ધમાં ફેરવાઈ જાય છે.
પકડાઈ ગયા પછી ઢોલીને થાંબલે બાંધવામાં આવે છે. એનો બલિ ચડાવવાનું નક્કી થાય છે. એકેએક ભૂંગામાં સ્ત્રીઓ સાથે મારપીટ કરવામાં આવે છે. સ્ત્રીઓની ચીસોથી ગગન ભરાઈ જાય છે. ઢોલીની છેલ્લી ઈચ્છા પ્રમાણે એને ઢોલ વગાડવાની છૂટ અપાય છે. માર ખાધેલી સ્ત્રીઓ પણ પોતાનો જાન જોખમમાં મૂકી ઘરની બહાર નિકળી આવે છે. પોતાના પર લાદેલા આવા દમનને મૂંગે મોઢે સહન કરતી ને પછી નિર્ભયતાથી અન્યાયની ધૂંસરી ફગાવી દેતી સ્ત્રીઓ આ ફિલ્મની સંદેશાવાહકની ભૂમિકા ખૂબ જવાબદારીપૂર્ણ રીતે નિભાવે છે. પુરુષો પોતાની લાજ ખાતર મોતને ઘાટ (honour killing) ઊતારી દેશે એનો સ્ત્રીઓને ભય નથી. આવા નરકમાં જીવવા કરતાં તો મોત લાખ દરજ્જે સારું. છૂટીશું. હાશ. સ્ત્રીઓ અને નીચલી વર્ણનો ઢોલી બન્ને પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાના શિકાર છે અને બન્ને બંડ પોકારી પિતૃસત્તાની ધૂંસરી ફગાવી દે છે. આ અવિસ્મર્ણીય ફિલ્મ અચૂક જોશો.
તા.ક.
આ લેખ પૂરો કર્યો પછી ૨૬ સપ્ટેમ્બરની સવારે 'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના તંત્રીલેખમાં વાંચ્યું તે અક્ષરશ: અનુવાદ કરી મુકું છું:
છૂપી કટોકટી
મહામારી દરમ્યાન ઘરેલું હિંસા વકરી છે
વિશ્વ આખું કોવીડ-૧૯ની મહામારીથી દેખીતી રીતે પીડિત છે. પણ બંધ બારણે બીજો કાળો ખેલ ખેલાઈ રહ્યો છે. એન્તોનિયો ગોતરેસે સ્ત્રીઓ અને છોકરીઓએ પોતાના જ ઘરમાં સામનો કરવી પડતી હિંસામાં આવેલા "ભયાનક વૈશ્વિક ઉછાળા"નું નામ પાડ્યું છે. અમુક દેશોએ ઘરેલું હિંસાના કિસ્સાઓમાં ૩૦%નો વધારો ગણાવ્યો છે, સતામણીથી બચવા મદદ માટેના કૉલ્સ બમણા ને ત્રણ ગણા થઈ ગયા છે. સંયુક્ત રાષ્ટ્રના વડાએ તમામ સરકારોને પોતાની મહામારીની વ્યૂહરચનાના ભાગરૂપે આ કટોકટીને ધ્યાનમાં લેવા સૂચન કર્યું છે.
ઘરેલું હિંસા વ્યાપક ગુનો છે ને સ્થળ, વર્ગ, ઉંમર, ધર્મ કે વર્ણ/વંશના ભેદ ઓળખતો નથી. એને પિતૃસત્તાક આતંકવાદ તરીકે વર્ણવ્યો છે — પીડિતા સતત ભયમાં જીવે છે કારણ કે દમનકાર એની સત્તા અને અંકુશ અમલમાં મુકવાના પ્રયત્નો કરતો રહે છે. ઘરેલું હિંસા પેઢી દર પેઢી ચાલતી રહે છે; ફફડતી અને ભયભીત બની મા જીવતી હોય એવા ઘરમાં ઉછરેલા સંતાનો એવા જ અનુભવમાંથી પસાર થાય છે. ઘર આશ્રયસ્થાન હોવું જોઈએ, એને બદલે ત્યાં એ ત્રસિત અને અસુરક્ષિત મહેસૂસ કરે છે. સ્ત્રીઓ મોટા ભાગે ખોરાક અને રહેઠાણ માટે એમના પતિ પર નિર્ભર હોય છે, એમની ગૃહસ્થી અને સંતાનોથી કપાઈ જવાનો ડર એમને સતાવે છે. વળી, એમની પાસે આજીવિકાનો સ્રોત હોતો નથી.
આ ગુનાને પહોંચી વળવા માટે નવો સંકલ્પ લેવાની જરૂર છે. ઘણા દેશોએ સ્ત્રીઓ પોતાની સતામણીના સંકેત આપી શકે એના માટે નવા રસ્તા શોધ્યા છે. અમુક દેશોએ ડિલીવરી બૉય્ઝ અને ટપાલખાતાના કામદારોને આ અત્યાચારોની જાણ કરવા માટે જોતર્યા છે. ઘણા દેશોએ હિંસાની પીડિતાઓને આશરો આપવા આરોગ્ય કેન્દ્રોની ક્ષમતા વિકસાવી છે. કોવીડ-૧૯ મહામારી પાછળની આ મહામારીને ભારત પણ અવગણી શકે એમ નથી.
~
e.mail : rupaleeburke@yahoo.co.in