ઠેકાણું નહીં !
મારું કંઈયે ઠેકાણું નહીં !
સુખ મળે સામું, માણું નહીં !
બિછાવી હતી મેં પણ જાળ
એકેય માછલું ફસાણું નહીં !
બતાવ્યા કેટલા ય રસ્તાઓ
પણ મારાથી ચલાણું નહીં !
કરું દોસ્તી અજાણ્યાઓથી
પોતાનાઓને પિછાણું નહીં !
જોયા બધાં ચહેરા કફનમાંથી
એમાં એક પણ અજાણ્યું નહીં !
રહ્યો એક જ અફસોસ છેલ્લે
દુ:ખ લીધું એને દેવાણું નહીં !
•
સરાણિયાનું ગીત
કોળિયો કેમે ય ન ઊતરે !
ભૂખ્યા જન જ્યાં ફરે !
પેટ ગયું પાતાળે
આંખો ઊંડા કૂવા !
ગણી-ગાંઠી પાંસળીઓ
ક્યાંથી દે તમને દુવા !
નીંદર ક્યાંથી હોય આંખોને
મનમાં દ્રશ્ય એ ફરે !… કોળિયો કેમેય ન ઊતરે !
આગ ઝરતી ક્રૂર બપોરે
એક સરાણિયો, પગ ઢસડતો
ધાર કાઢવા
ઉઘાડા પગે ફરે !
ધમણ થઈને છાતી ફૂલે
અંધારા આંખે ઊતરે ! … કોળિયો કેમેય ન ઊતરે !
સાંજ પડે ને ભૂખ્યા પેટે
ઓટલે કાયા ઢળે !
પાણી પીને, પરસેવાથી
ક્યાંથી નીંદર વળે ! … કોળિયો કેમેય ન ઊતરે !
જીવનની એ ધાર કાઢતો
બુઠ્ઠા સપનાં લઈને !
કાયા થાકી, શ્વાસેય ખૂટ્યા
જે આપો તે લઈ લે !
બટકું રોટલો મળી જાય તો
રાતની પીળા ટળે ! … કોળિયો કેમેય ન ઊતરે !
••
જઈને ક્યારી ક્યારી !
ફૂલ શોધે ફોરમને
જઈને ક્યારી ક્યારી !
ફૂલને જોઈને આવાં બ્હાવરાં
કળીઓ પણ શરમાણી ! … જઈને ક્યારી ક્યારી
રંગો બિચારાં થયા નિમાણા
સામ સામે જોતા !
સુગંધ વિનાનું કેવું જીવન
મનમાં બહુ મૂંઝાતાં !
કળીઓ પણ વાટ જોતી
પાનનો ઘૂંઘટ તાણી ! … જઈને ક્યારી ક્યારી !
ડાળીઓએ ડોક ધૂણાવી
સરવા કર્યાં કાન !
ઓચિંતો પમરાટ પથરાયો
વાંસડી વગાડે ક્હાન !
ફોરમે ફૂલોની સાથે
કરી પછી ઉજાણી ! … જઈને ક્યારી ક્યારી !
•••
મારો એક જ વિસામો
મારો એક જ વિસામો
કૃષ્ણ કેરો પાવો !
તમે રાજા દ્વારિકાના
હું ગરીબ સુદામો ! … મારો એક જ વિસામો !
લાવ્યો છું હું ચપટી તાંદુલ
માંગો તમે તો આપું !
આઘાપાછા જરી થતા ના
નયને બાંધી રાખું !
મિત્ર કહ્યો તો સંગે રહેજો
છોડી બીજા કામો ! … મારો એક જ વિસામો !
મિત્ર, મિત્ર કહી દોડી આવ્યા
ત્રણે લોકના સ્વામી !
સુદામાના પાય પખાળે
વાતો જ્યારે જામી !
સ્વાગત મારું કરવા નાથે
બહુ કર્યો ઉધામો ! … મારો એક જ વિસામો !
••••
મારો હરિ બહુ મોટો !
મારો હરિ બહુ મોટો !
ઉપર બેસી સઘળું જોતો
કોણ ખરો, કોણ ખોટો ! … મારો હરિ બહુ મોટો !
નરસિંહ કાજે શામળિયો ને
મીરાંનો એ ગિરધર !
જળનું પોત એક સરીખું
સરિતા હોય કે સરવર !
પ્રીત પારખી દોડી આવે
દયાનો નહીં કોઈ તોટો ! … મારો હરિ બહુ મોટો !
પાંચાળીનાં ચીર પૂર્યાં
કરી પાર્થને સહાય !
ગોપી કેરાં વસ્ત્રો ચોરી
જમના જળમાં ન્હાય !
શિશુપાલનું શિશ વધેરી
કંસનો પીસે ટોટો ! … મારો હરિ બહુ મોટો !
સુદામા કેરી ઝૂંપડીને
કરે સુવર્ણ મહેલ !
શરત એ છે શામળિયાની
તારે કરવી પહેલ !
એના ઉપર જો હોય ભરોસો
કદી ન પડતો ખોટો ! … મારો હરિ બહુ મોટો !
•••••
e.mail : gor.uday.chandra@gmail.com