(આ સારસંક્ષેપ હું પૂરો કરવામાં હતો ને કોઈ કારણે એ આખું લખાણ ઊડી ગયું. કંટાળા સહિતના શ્રમથી બધું યાદ કરીને ફરીથી લખવામાં આટલા દિવસ લાગ્યા.)
પ્રકરણ : ૯ :
(આ પ્રકરણનાં ૧૮ પેજ છે. આ પ્રકરણ જેરિનેલ્ડો અને સવિશેષે હોસે ઔરેલિયાનો બ્વેન્દ્યા સંદર્ભે ઘણું મહત્ત્વનું છે. એ કારણે હું આ સાર-સંક્ષેપને ટુંકાવી શક્યો નથી. મિત્રો ફુરસદ લઈને વાંચે એમ વિનન્તી.)
સૌ પહેલાં, કર્નલ જેરિનેલ્ડો માર્ક્વેઝને યુદ્ધ હેતુવિહીન લાગે છે. માકોન્ડો એના તાબામાં હતું. ગામની નાગરિક અને સેનાવિષયક બાબતો સંભાળતો’તો. અઠવાડિયામાં બે વાર કર્નલ ઔરેલિયાનો સાથે એનો ટેલિગ્રાફિક વાર્તાલાપ ચાલતો’તો. બન્ને વચ્ચે યુદ્ધની રૂપરેખાની ચર્ચાઓ થતી’તી, વગેરે.
બને છે એવું કે જેરિનેલ્ડોના યુદ્ધ સાથેના બધા સમ્પર્ક ક્રમે ક્રમે તૂટી જાય છે. યુદ્ધસંલગ્ન એ યૌવનસભર પ્રવૃ્ત્તિ એના માટે માત્ર સંભારણું બની રહે છે. યાદ આવે તો એ નર્યો ખાલીપો અનુભવે છે. એટલે પછી, એનો એક માત્ર આશ્રય બની રહે છે – અમરન્તાનો શીવણરૂમ. ત્યાં રોજે બપોરે પ્હૉંચી જાય છે. રેમેડિયોસે ચાલુ છોડી દીધેલા મશીનને બંધ રાખીને એમાંથી ઘમ્મર ઘાઘરાનું કપડું કાઢીને વાળી લેતા અમરન્તાના હાથ જોયા કરવાનું એને બહુ ગમે છે. બન્ને જણાં એકમેકની હાજરીથી સંતુષ્ટ પણ રહેતાં હોય છે અને કશું બોલ્યા વિના કલાકો પસાર કરી શકતાં હોય છે. જેરિનેલ્ડોના ગૃહાગમનના સમાચારથી અમરન્તા આતુરતાની મારી ઊંચીનીચી થઈ ગયેલી તેમછતાં એ એને કૉઠું નથી આપતી. ઊલટું એ કે અંદરખાને એને જેરિનેલ્ડોની પ્રેમઅગનને જીવતી રાખવાનું ગમતું હોય છે. પણ જેરિનેલ્ડોને એ અગમ્ય હૃદયની ગૂઢ ડિઝાઈનો સમજાતી નથી.
ઘણી વાર રેમેડિયોસ ધ બ્યુટિ શીવણરૂમમાં હોય નહીં, ત્યારે શીવણમશીનનું વ્હીલ જેરિનેલ્ડો ચલાવી આપતો. રેમેડિયોસ બધી વાતે જડસુ લાગે, બધાં એને મનોરોગી ગણતાં, તો પણ જેરિનેલ્ડોની અમરન્તાને વિશેની પ્રેમનિષ્ઠાને એ પામી ગયેલી, અને એટલે, જેરિનેલ્ડોની તરફેણ કરવા માંડેલી. અમરન્તાને તરત સમજાઈ ગયેલું કે ઉછેરીને મોટી કરેલી એ છોકરી, હજી તો જેણે તરુણાઈમાં પગ મૂક્યો છે, માકોન્ડો આખામાં લોકો જેને મોટી રૂપસુન્દરી ગણે છે, એ કંઈક ગરબડ કરી રહી છે. અમરન્તાના દિલમાં દ્વેષ જાગે છે, જે દ્વેષ ગતકાલીન દિવસોમાં રેબેકા માટે જાગેલો. અને અમરન્તા પ્રાર્થે છે કે – ભગવાન ! મને એવી બુદ્ધિ ન આપતો કે હું ઇચ્છું કે એ મરે …
એણે રેમેડિયોસને શીવણરૂમમાંથી હમ્મેશને માટે કાઢી મૂકી.
જેરિનેલ્ડોએ પોતાના અનુનયોને અને પોતાની વિશાળ છતાં દુભાયેલી કોમળતાને સ્વરક્ષા સારુ યાદ કરીને બોલાવ્યાં; અમરન્તા માટે પોતાના ગૌરવને જતું કરવાની તૈયારી બતાવી – એ ગૌરવ કે જેને પામવા પોતાનાં ઉત્તમ વર્ષોનું બલિદાન આપેલું – પરન્તુ અમરન્તાને એમાંનું કશું પણ સમજાવવામાં એ નિષ્ફળ નીવડ્યો.
કશા પાર વગરની એ રાત્રિએ જેરિનેલ્ડો અમરન્તાના શીવણરૂમમાં પોતાની નિષ્પ્રાણ બપોરો વિશે વિમાસતો હતો ત્યારે હોસે ઔરેલિયાનો બ્વેન્દ્યા ક્યારનો પોતાના એકાન્તના કોટલાની કઠણ છાલને ઉખેડ્યા કરતો’તો. ઔરેલિયાનોની સુખદ ક્ષણો એ હતી કે પિતા એને બરફ જોવા લઈ ગયેલા એ દૂરવર્તી બપોરથી માંડીને સિલ્વર શોપની એ જગ્યાએ લઈ ગયેલા જ્યાં એને નાની સુવર્ણ માછલીઓને ભેગી બેસાડવાની લાંબા સમય સુધી મજા પડી ગયેલી. ઔરેલિયાનોને ૩૨-૩૨ યુદ્ધ કરવા જરૂરી લાગેલાં અને એ માટે મૃત્યુ વિશેની મનોદશાને ફગાવી દેવી પડેલી. અને ૪૦-૪૦ વરસથી સાદાસીધા જીવનના વિશેષાધિકારોના મહિમાને સારુ છાણના ઢગમાં મસ્ત ડુક્કરની જેમ પડ્યા રહેવું પડેલું.
પોતાની હઠના અસહ્ય ભારથી હારી ગયેલી અમરન્તાએ, ઑગસ્ટની એક બપોરે, પોતાના એ દૃઢ દાવેદારને છેલ્લો જવાબ આપી દીધો : ‘આપણે બન્ને એકબીજાંને ભૂલી જઈએ; આવા પ્રકારની વસ્તુ માટે આપણે ઘણાં ઘરડાં થઈ ગયાં છીએ’ : અને અમરન્તા પોતાના એકાન્તને આમરણ રડી લેવા બેડરૂમમાં પુરાઈ ગઈ.
કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાને પણ યુદ્ધ નિર્હેતુક લાગે છે, એનો પણ યુદ્ધમાંથી વિશ્વાસ ઊઠી જાય છે. પોતાની અંદર એ એટલો બધો વળી જાય છે કે એને જોતાં, એ એક ગૌરવહીન ઠીઠું લાગે; વળી – લાગણીશૂન્ય – સ્મરણશૂન્ય અને સાવ એકાકી.
એક વાર એક બપોરે કર્નલ જેરિનેલ્ડોને કર્નલ ઔરેલિયાનો તરફથી ટેલિગ્રાફિક કૉલ મળે છે. જડતાભર્યા યુદ્ધમાં કશો ફર્ક ન પડે એવી રોજિંદી વાતચીત હતી. છેલ્લે જેરિનેલ્ડો વિજન શેરીઓને અને બદામડીનાં પાન પરના ચોખ્ખાં પાણીને જોતો જોતો એકાન્તમાં ખોવાઈ જાય છે. મશીન પર એ દુ:ખદ અવાજમાં બોલ્યો, ‘ઔરેલિયાનો ! માકોન્ડોમાં વરસાદ વરસી રહ્યો છે.’ ક્યાં ય લગી વળતો ઉત્તર ન આવ્યો, પણ એકાએક ઔરેલિયાનો તરફથી કઠોર અક્ષરો ખડકાયા : જેરિનેલ્ડો ! તું ગધો છું ! ઑગસ્ટમાં વરસાદ ન વરસે તો શું વરસે ! : બન્ને ઠીકઠીક સમય લગી ભેગા નહીં થયેલા એટલે જેરિનેલ્ડોને એ આક્રમક પ્રતિક્રિયા સમજાયેલી નહીં, એ ઉદાસ થઈ ગયેલો.
બે માસ પછી ઔરેલિયાનો માકોન્ડો આવે છે. એની ઉદાસી તો ઑર વધી ગયેલી. એ એટલો બધો બદલાયેલો લાગતો’તો કે ઉર્સુલાને પણ અચરજ થયેલું. એક પણ અવાજ વિના ઘરમાં દાખલ થયો, સાથે અનુરક્ષક નહીં, ગરમી હતી તો પણ ઓવરકોટ ચડાવેલો, નવાઈ તો એ કે સાથે ત્રણ રખાતને લઈ આવેલો. પોતે કાયમ પડી રહેતો’તો એ હૅમકવાળા ઘરમાં એણે એ ત્રણના નિવાસની વ્યવસ્થા પણ કરી દીધેલી.
જેરિનેલ્ડો યુદ્ધવિષયક કશી આજ્ઞા કે સલાહ માગે તો એને ‘મને પજવ નહીં’ કહીને તોડી પાડતો. વધારામાં ક્હૅતો – ‘વિશ્વનિયન્તા ભગવાનને પૂછ !’
યુદ્ધ સંદર્ભે કદાચ એ કટોકટીનો સમય હતો. બળવાના પ્રારમ્ભે મદદ કરનારા લિબરલ જમીનદારોએ કૉન્ઝર્વેટિવ જમીનદારો જોડે ખાનગીમાં સંતલસ કરી લીધેલી – એમને મિલકતોના દસ્તાવેજબદલાવ ન્હૉતા જોઈતા. યુદ્ધ માટે નાણાં પૂરાં પાડનારા રાજકારણીઓએ કર્નલ ઔરેલિયાનોના સખત હેતુઓને જાહેરમાં નકારેલા. એ બધાને કારણે ઔરેલિયાનોનો સત્તાધિકાર જતો રહેલો, પણ એને એની ખાસ કશી તમા ન્હૉતી.
એને પોતાનાં કાવ્યો વાંચવાની ય પડી ન્હૉતી. પાંચ પાંચ સંગ્રહો ટ્રન્કમાં હવા ખાતા’તા. રાતે કે વામકુક્ષી વખતે હૅમકમાં કોઈ એક રખાતને બોલાવી લેતો ને પ્રાથમિક કામસંતોષ મેળવી લેતો. અને પછી કોઇપણ જાતની ચિન્તા વિના એવો ઊંઘી જતો, પથરો લાગે ! એને મનોમન થયા કરતું કે એના વ્યગ્ર હૃદયને ક્યારે ય જંપ નથી વળવાનો. રાજ્યના પ્રતિનિધિઓ સાથેનો એનો ઇન્ટર્વ્યૂ ઘણા સમયથી ઠેલાયા કરતો’તો તે ડિસેમ્બરની શરૂઆતમાં પત્યો. મોટા ભાગનાઓએ ધારેલું કે પાર વગરની દલીલો થશે, પણ બધું સરળતાથી ઊકલી ગયેલું, કલાકે ય ન્હૉતો લાગ્યો.
ઔરેલિયાનો એના રાજકીય સલાહકારો વચ્ચે એક ખુરશીમાં બેઠેલો, ગરમ ધાબળો ઓઢી રાખેલો, શાન્તિથી એણે પ્રતિનિધિઓના પ્રસ્તાવ સાંભળેલા. હસીને કહેલું કે – એનો મતલબ એ કે એ બધું આપણે સત્તાને માટે લડી રહેલા. કોઈ કોઈ પ્રતિનિધિઓએ વાંધા ઉઠાવેલા. ઔરેલિયાનોના એક સલાહકારે યુદ્ધના લોકપ્રિય આધારને વિકસાવવાની વાત કરેલી ને વાતને લંબાવેલી. એટલે ઔરેલિયાનોએ એને ‘ડોન્ટ વેસ્ટ યૉર ટાઇમ ડૉક્ટર’ કહીને વારેલો. ઉમેરેલું કે ‘હવે આપણે માત્ર સત્તાને માટે જ લડવાનું છે’.
હસતામુખે એણે ડૉક્યુમૅન્ટ્સ હાથમાં લીધા ને સહી કરવા જતો’તો એ ક્ષણે કર્નલ જેરિનેલ્ડો માર્ક્વેઝ બોલ્યો, ‘માફ કરજો સર, બાકી આ દગલબાજી છે’. ઔરેલિયાનોની પેન હવામાં અધ્ધર થઈ ગઈ ને પોતાની સત્તાનો બધો જ ભાર જેરિનેલ્ડો પર નાખતાં એણે હુકમ કર્યો, ’તારાં બધાં શસ્ત્ર સૉંપી દે !’ જેરિનેલ્ડોએ ઊભા થઈને પોતાના ખભા પરનો શસ્ત્રસરંજામ ટેબલ પર મૂક્યો. ઔરેલિયાનોએ વળી હુકમ કર્યો, ‘બેરૅક્સમાં રીપોર્ટ કર; રીવૉલ્યુશનરી કૉર્ટમાં હાજર થવા તત્પર થઈ જા !’
બે દિવસ પછી, જેરિનેલ્ડો પર ઉચ્ચ કોટિના દેશદ્રોહનો આરોપ મુકાયો, ને એને દેહાન્તદણ્ડની સજા ફરમાવાઈ. હૅમકમાં સૂતેલો ઔરેલિયાનો સજામાફીની દલીલો સાંભળવા વિશે બેતમા હતો. દેહાન્તદણ્ડની આગલી સાંજે ઘરમાં એણે હુકમ કરી રાખેલો – મને કોઈએ ડિસ્ટર્બ ન કરવો, તેમ છતાં ઉર્સુલા એના બેડરૂમમાં મુલાકાત માટે ગયેલી. કાળા વસ્ત્રથી લપેટાયેલી હતી, મુલાકાતની ત્રણેય મિનિટ દરમ્યાન એણે દુર્લભ ગમ્ભીરતાનું સેવન કરી રાખેલું. શાન્તિથી કહેવા લાગી, ‘મને ખબર છે કે તું જેરિનેલ્ડોને શૂટ કરવાનો છું, મને એ પણ ખબર છે કે હું એ કૃત્યને રોકી શકવાની નથી, પણ સાંભળી લે, હું તને ચેતવું છું, મારાં માબાપના સૉગંદ ખાઈને કહું છું, હોસે આર્કાદિયો બ્વેન્દ્યાને યાદ કરીને કહું છું, ઈશ્વરને માથે રાખીને કહું છું, કે હું તને તું જ્યાં પણ છુપાયો હોઈશ ત્યાંથી ખૅંચીને બ્હાર કાઢીશ ને મારા આ બે હાથો વડે મારી નાખીશ’.
રૂમની બ્હાર નીકળતાં પહેલાં એણે નિષ્કર્ષ ઉચ્ચાર્યો, ‘આ તો, તું ડુક્કરની પૂંછડી સાથે જન્મ્યો હોત, એના જેવું છે !’
પેલી રખાતોને ઘરમાં ઘાલી તે પછી પોતાના જ એ ઘરમાં એ બેત્રણ વાર જ દેખાયેલો. એને જમવા બોલાવાય ત્યારે પણ જવું હોય તો જ જાય. રેમેડિયોસ ધ બ્યુટિ અને યુદ્ધ ચાલતું’તું એ દિવસોમાં જન્મેલાં પેલાં બે જોડિયાં એને ભાગ્યે જ ઓળખી શક્યાં. એની સાથે અમરન્તા એ ભાઈનો મેળ પાડી શકી નહીં કે જેણે તરુણાવસ્થામાં સોનાની નાની નાની માછલીઓ બનાવેલી, કે જેણે માનવતા સાથે દસ ફીટનું અન્તર રાખીને એક પૌરાણિક સૈનિકનો આભાસ ઊભો કરેલો.
પણ જેવો બધાંને યુદ્ધવિરામનો અભિગમ સમજાઈ ગયો, લાગ્યું કે પોતાનાં જ લોકોનાં હૃદયભાવને સારુ ગયેલો એ ઔરેલિયાનો અન્તે માનવીય રૂપમાં પાછો ફરશે, ઘણા સમયથી સુષુપ્ત છે એ પારિવારિક લાગણીઓ જાગશે અને પહેલાં કરતાં વધારે ગાઢ અનુભવાશે. ઉર્સુલા બોલી પડેલી, ‘ઘરમાં પાછો આપણો ભઇલો છેવટે આવી જવાનો !’
ઉર્સુલા —
Pic courtesy : Etsy Finland
છ મહિના પહેલાં, ઉર્સુલાએ જેવી યુદ્ધવિરામની વાત સાંભળી કે તરત બ્રાઇડલ ચૅમ્બર ખોલીને વાળીઝૂડીને સ્વચ્છ કરી નાખેલી, ખૂણાઓમાં સિસિલી વૃક્ષરસના સુગન્ધી દીવા પ્રગટાવી દીધેલા. એને એમ કે રેમેડિયોસની હવડ ઢીંગલીઓ જોડે ઔરેલિયાનો ઘરડો દીસવાને આસ્તે રહીને તત્પર થઈ જશે. પણ હકીકત એ હતી કે છેલ્લાં બે વર્ષથી એ એની જિન્દગીનાં અન્તિમ લૅણાં ચૂકવી રહેલો – વધી રહેલા ઘરડાપા સહિતનાં. ઉર્સુલાએ પૂરા ખન્તથી સજાવેલી સિલ્વર શોપ પાસેથી જ્યારે એ પસાર થયો, ત્યારે એને એટલું પણ ન દેખાયું કે બારણાના તાળામાં ચાવીઓ લટકે છે. સમયે ઘરને અતિશય નુક્સાન પ્હૉંચાડેલું. પણ એને કે જેનાં સ્મરણો હજી મર્યાં ન્હૉતાં એને, પોતાની આટલી લાંબી ગેરહાજરી પછી પણ, એ વિનાશ લગીરે ય દેખાયો-પરખાયો નહીં. ભીંતોની સફેદીના પોપડા ઉખડી ગયેલા, બેગોનિયાં પર ધૂળ બાઝી ગયેલી, પીઢિયાં પર ઉધઇનાં નિશાન, મિજાગરા પરનો કાટ કે અતીતની ઝંખનાએ જગવેલી કશી પણ વાતનું એને જરા જેટલું ય દુ:ખ ન થયું.
એ પ્રવેશદ્વારે બેસી પડ્યો. એણે ધાબળો ઓઢી રાખેલો, બૂટ કાઢ્યા ન્હૉતા – એવી આશામાં કે વરસાદમાં આપોઆપ ધોવાઈ જશે. આખી બપોર એ બેગોનિયાં પરના વરસાદને જોતો રહ્યો. દરેકે દરેક વસ્તુ એને એટલી બધી પરાઈ લાગી કે રેમેડિયોસ પોતાના બેડરૂમ તરફ નગ્ન જતી’તી એ પણ એને ન દેખાઈ. એક ઉર્સુલા જ હતી જે એના બેધ્યાનનો ભંગ કરી શકે. ‘તારે વળીને પાછા જવું હોય તો,’ રાતના ભોજન દરમ્યાન બોલેલી, ’જા, પણ ઓછામાં ઓછું એટલું યાદ રાખજે કે આપણે આજની રાતે કેવાં સાથે હતાં.’
એટલે ઔરેલિયાનોને બરાબરનું ભાન પડ્યું કે માત્ર ઉર્સુલા જ એક એવી મનુષ્યવ્યક્તિ છે જે એની વ્યથાને પામી શકવામાં સફળ નીવડી છે. અને, ઘણાં વરસો પછી પહેલી વાર એણે ઉર્સુલાના ચ્હૅરા સામે જોયું. ઉર્સુલાની ત્વચા પર કરચલીઓ પડી ગયેલી; દાંત સડી ગયેલા; વાળ સફેદ થઈ ગયેલા; બિહામણી લાગતી’તી. ઉર્સુલાને એણે પોતાના એક જૂનામાં જૂના સ્મરણમાં જોયા કરી – જ્યારે એક બપોરે ઉર્સુલાને પૂર્વાભાસ થયેલો કે ગરમ સૂપનું વાસણ ટેબલ પરથી નીચે પડવાનું છે, ને એણે જોયું કે પળ વારમાં એના ટુકડે ટુકડા થઈ ગયા. તરત ઔરેલિયાનોએ ઉર્સુલાનાં ધાબાં, ઉઝરડા, ચાંદાં, અને અરધીથીયે વધુ સદીના રોજિંદા જીવનના બધાં જ અંગોને ધ્યાનથી જોયાં, અને એને થયું કે એ બધી નુક્સાનીની પોતાને કશી જ લાગણી થતી નથી, કેવું ક્હૅવાય ! એ પછી એણે પોતાના હૃદયમાં એ ભાગ શોધવાની કોશિશ કરેલી, જ્યાં એનો પ્રેમ સડીને મરી ગયેલો, પણ એ ભાગ એને જડેલો નહીં.
પછીના દિવસોમાં ઔરેલિયાનો દુનિયા સાથેના પોતાના સમ્પર્કમાર્ગ પરનાં બધાં જ પગલાં ભૂંસી નાખવામાં વ્યસ્ત થઈ ગયેલો. સિલ્વર શોપને એણે એવી સાફ કરી નાખી કે જે કંઈ શેષ રહ્યું તેની કોઈને કશી વિસાત જ ન્હૉતી. એણે એનાં કપડાં અનુચરોને આપી દીધાં. પિતાએ પ્રુદેન્સિયો આગિલારની હત્યા ભાલાથી કરેલી ને પાપના પ્રાયશ્ચિત રૂપે ભાલો આંગણામાં દાટી દીધેલો એ જ ભાવથી એણે એનાં હથિયાર ત્યાં દાટી દીધાં. એણે પોતાની પિસ્તોલ રાખી લીધી, જેમાં એક જ ગોળી હતી. આ બધાંમાં ઉર્સુલાએ કશી દરમ્યાનગીરી ન કરી. પણ જેવો એ અહર્નિશ પ્રજ્વલિત દીપ સાથે પાર્લરમાં સાચવેલાં રેમેડિયોસનાં ડેગોરોટાઈપ્સ નષ્ટ કરવા ગયો, ઉર્સુલાએ એને વાર્યો, ‘એ તસવીરો બહુ પહેલેથી તારી નથી રહી, હવે એ પારિવારિક સ્મૃતિચિહ્ન છે.’
યુદ્ધવિરામની આગલી સાંજે ઘરમાં એક પણ સ્મરણીય વસ્તુ બચી ન્હૉતી ત્યારે એણે પોતાનાં કાવ્યોની ટ્રન્ક ઉપાડી અને સાન્તા સોફિયા પિયાદાદની બેકરીએ લઈ ગયો; ત્યારે એ સ્ટવ પેટાવતી’તી. પણ સાન્તાએ કાવ્યોને મૂલ્યવાન ગણ્યાં ને સળગાવવાની ના પાડી, જાતે સળગાવી લેવા કહ્યું. ઔરેલિયાનોએ કાવ્યો સળગાવી દીધાં, એટલું જ નહીં, ટ્રન્કને કુહાડીથી ભાંગી નાખી ને ટુકડા આગમાં ફૅંકી દીધા.
યુદ્ધવિરામના મંગળવારનું મળસ્કું ઠીક ઠીક હૂંફાળું હતું, વાતાવરણ વરસાદી હતું. ઔરેલિયાનો પાંચ વાગ્યા પહેલાં કીચનમાં પ્હૉંચી ગયો અને હમ્મેશની જેમ સુગર વિનાની બ્લૅક કૉફી પીધી. ઉર્સુલા બોલી, ‘તું આ ધરતી પર આવા જ દિવસે આવેલો, તારી ઉઘાડી આંખો જોઈને બધાં અચંબામાં પડી ગયેલાં.’
સવારે સાત વાગ્યે કર્નલ જેરિનેલ્ડો માર્ક્વેઝ ઔરેલિયાનોને લેવા આવ્યો, બળવાના અધિકારીઓનું એક જૂથ પણ એની સાથે હતું, ત્યારે એ એને, પહેલાં કરતાં વધારે ઓછાબોલો, વિચારગ્રસ્ત અને એકાકી લાગેલો. ઉર્સુલાએ એના ખભે એક નવો કામળો ઓઢાડ્યો અને બોલી, ‘સરકાર એમ માનશે કે તેં આત્મસમર્પણ કરી દીધું છે ને તારી પાસે એક પાઈ પણ બચી નથી જેનાથી તું એકાદ કામળો પણ ખરીદી શકે.’ પણ ઉર્સુલાએ ઓઢાડેલો કામળો એણે કાઢી નાખ્યો. જો કે બારણે પ્હૉંચ્યો એ વખતે ઉર્સુલાએ હોસે આર્કાદિયોનો એક જૂનો ફૅલ્ટ હૅટ એના માથે મૂક્યો, તો મૂકવા દીધો.
ઉર્સુલા સાદ કરીને બોલી, ‘જ્યારે તને લાગે, ઔરેલિયાનો, કે તારા માટે ખરાબ સમય આવી લાગ્યો છે, ત્યારે તું મને મા-ને યાદ કરજે, મને વચન આપ !’ ઔરેલિયાનોએ બધી આંગળીઓ ફેલાવીને હાથ ઊંચો કર્યો ને એટલે દૂરથી સ્મિત પણ મોકલ્યું. અને એમ કશું જ બોલ્યા વિના ઘર છોડી ગયો.
સમારમ્ભ માકોન્ડોથી પંદર માઈલ દૂર એક ઘટાદાર સીબાવૃક્ષની છાયામાં ચાલુ થયેલો. ઔરેલિયાનો કાદવથી ખરડાયેલા એક ખચ્ચર પર બેસીને આવેલો. દાઢી ન્હૉતી કરી. સપનાંની નિષ્ફળતા કરતાં તો એ એનાં અનેક ઘા-ના દર્દથી વધારે પીડિત લાગતો’તો. કીર્તિ અને કીર્તિની ઝંખનાથી યે દૂર એ સાવ જ નિરાશ થઈ ગયેલો.
સમારમ્ભ બધા ડૉક્યુમેન્ટ્સ પર સહી થઈ જાય એટલો ચાલેલો. ’બધી ઔપચારિકતા પાછળ સમય ના બગાડો’ એમ કહીને એ વગર વાંચ્યે પેપરો પર સહી કરવા માંડ્યો. એણે પૂછ્યું, ‘બીજું કંઈ?’ એટલે એક જુવાનિયો બોલ્યો, ‘રીસીપ્ટ’. ઔરેલિયાનોએ પોતાના હાથે રીસીપ્ટ લખી આપી.
એ પછી એણે ગ્લાસ ભરીને ટુકડો બિસ્કુટ ખાધું, લિમ્બુનું સરબત પીધું, અને એના આરામ માટે ખાસ સજાવેલા તમ્બુમાં ચાલી ગયો. એ પછી એણે ખમીસ કાઢી નાખ્યું અને કૉટની ધાર પર બેઠો. પેલા અંગત દાક્તરે છાતી પર આયોડિન સર્કલ ચીતરી આપેલું ત્યાં બપોરના ત્રણ-પંદરે એણે પોતાની પિસ્તોલથી પોતાને ગોળી મારી.
એ વખતે માકોન્ડોમાં ઉર્સુલાએ સ્ટવ પરના દૂધની તપેલીનું ઢાંકણ ખસેડેલું અને એને સમજાતું ન્હૉતું કે – દૂધ ઉકળવામાં આટલી વાર કેમ લાગી રહી છે – જોયું તો તપેલી કીડાથી ખદબદતી’તી.
એનાથી બોલાઈ ગયું, ‘એ લોકોએ ઔરેલિયાનોને મારી નાખ્યો છે !’
ઉર્સુલાને પોતાના એકાન્તને લીધે આંગણા ભણી જોવાની ટેવ પડી ગયેલી, અત્યારે એ આંગણું જોઈ રહી, તો એને વરસાદમાં ભીંજાઈ રહેલા હોસે આર્કાદિયો બ્વેન્દ્યાનો ભાસ થયો. એ ઉદાસ હતો, ને મર્યો ત્યારે હતો એથી વધારે ઘરડો લાગતો’તો. એ બોલી, ‘ને ત્યારે કોઈ એટલું ય પરોપકારી ન્હૉતું કે ઔરેલિયાનોની પાંપણો વાસી દે.’
હજી રાત ઊતરતી’તી એવા ટાણે ઉર્સુલાએ પોતાનાં આંસુ દ્વારા, ઉચ્છવાસની જેમ આકાશ પાર કરતી ચમકદાર ડિસ્કસ જોઈ; અને એણે થયું કે એ મૃત્યુનો સંકેત છે.
એ લોકો કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાને એક ધાબળામાં લપેટીને લાવ્યા, ધાબળો કડક થઈ ગયેલો કેમ કે એ પર લોહી સૂકાઈ ગયેલું. ઔરેલિયાનોની આંખો ગુસ્સામાં ખુલ્લી હતી. ઉર્સુલા ત્યારથી ચેસ્ટનટ વૃક્ષ નીચે પોતાના પતિના ઘૂંટણ પાસે ડૂસકાં ભરતી’તી, પણ ઔરેલિયાનો બચી ગયો. ગોળી એવા સાફ માર્ગે થઈને ગયેલી કે દાક્તર આયોડિનથી તરબોળ દોરી એની છાતીમાં નાખીને પાછળથી કાઢવામાં સફળ થયેલો. ‘એ મારો ઉત્તમ વાર હતો’, ઔરેલિયાનોએ સંતોષપૂર્વક બોલેલો, ‘એ એક એવું નિશાન હતું જ્યાંથી ગોળી કોઇપણ મહત્ત્વના અંગને નુક્સાન પ્હૉંચાડ્યા વિના સડસડાટ નીકળી જઈ શકે’.
ઔરેલિયાનોએ ગુમાવેલી પ્રતિષ્ઠા એના મૃત્યુની નિષ્ફળતાએ થોડાક કલાકોમાં પાછી આણી આપી.
(September 25, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર