વૈશ્વીકીકરણના આવિર્ભાવે ૨૦મી સદીમાં અનેક વિદ્યાશાખાઓ અને અભ્યાસ પદ્ધતિઓ ઉદ્દભવી છે. પશ્ચિમના દેશોની વિદ્યાપીઠોમાં ‘ડાયસ્પોરાશાસ્ત્ર’નો (Diasporology) એક સ્વતંત્ર અભ્યાસ વિષય તરીકે સમાવેશ થયો છે. આંતરદેશીય પ્રજાસમૂહોએ ડાયસ્પોરા વિભાવને પ્રચલિત કર્યો છે. ડાયસ્પોરાનો અભ્યાસ આંતરવિદ્યાશાખાકીય અભ્યાસ છે. (ઇતિહાસ, સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માનસશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર,) સાથે જોડાયેલો છે. હમણાં જ ભારતની મુલાકાતે આવેલા લોર્ડ ભીખુ પારેખે એમના વ્યાખ્યાનમાં જણાવ્યું કે, ‘ડાયસ્પોરા એ આંતરદેશીય પ્રજાસમૂહોનું ઉત્પાદન છે.’ (૧૦ જાન્યુઅારી ૨૦૧૨, ગુજરાત વિદ્યાપીઠમાં, ‘પૂર્વ આફ્રિકાના ગુજરાતીઓ’ – પુસ્તકના વિમોચન પ્રસંગે). એ અર્થમાં ડાયસ્પોરા સતત પરિવર્તનશીલ એવું ઉત્પાદન છે, અને તેમ હોય તો ડાયસ્પોરા સાહિત્ય એ ઉત્પાદનનું સર્જનાત્મક પરિણામ છે, એમ કહી શકાય. એની ઉત્પાદનપ્રક્રિયા સાથે કે સર્જનપ્રક્રિયા સાથે જોડાયેલી સંકુલતાઓ, સંઘર્ષો, વિનિમયો, વગેરે વ્યક્તિજીવન, સમાજજીવન, અને સાંસ્કૃતિક બાબતોને કઈ રીતે નિરૂપે છે એનો અભ્યાસ થવો જરૂરી છે.
ભારતીય ડાયસ્પોરા વિશ્વના આશરે ૧૧૨ દેશોમાં ફેલાયેલો છે. તેમાંથી ગુજરાતી ડાયસ્પોરા આશરે ૪૪ દેશોમાં વ્યાપ્ત છે. જો કે આ દરેક દેશોમાં પ્રવર્તતી ગુજરાતી ભાષા – સાહિત્યની પ્રવૃત્તિઓનો હજી આપણે ત્યાં અભ્યાસ શરૂ થયો નથી. બ્રિટન, અમેરિકા, કેનેડા અને પૂર્વ આફ્રિકા આ દેશોમાં સ્થળાંતરિત થયેલ ગુજરાતી પ્રજાસમૂહો વિશે આપણે ત્યાં કામ થયું છે. બ્રિટન, અમેરિકા, કેનેડા અને પૂર્વ આફ્રિકા આ દેશોના ગુજરાતી ડાયસ્પોરા સર્જકોની વાર્તાઓના વાચન બાદ અહીં અમેરિકાના ગુજરાતી સર્જકોની કેટલીક વાર્તાઓના આધારે તેમાં અભિવ્યક્ત નારીસંવેદન વિશ્વને મૂલવવાનો પ્રયાસ કર્યો છે. ડાયસ્પોરા વિભાવને કેન્દ્રમાં રાખીને જયારે નારીસંવેદન વિશે અભ્યાસ કરવાનો હોય, ત્યારે ગુજરાતી ડાયસ્પોરાના નિર્માણમાં સ્ત્રીઓની સમસ્યાઓ, એમનાં સંઘર્ષો, પુનર્વસન માટેના પ્રયત્નોમાં એમની ભૂમિકા કે ભાગીદારી, જેવી અનેક બાબતો ઉપરાંત મૂળ દેશની સામાજિક – સાંસ્કૃતિક બાબતો અને અપનાવેલ દેશની સામાજિક – સાંસ્કૃતિક બાબતો ડાયસ્પોરા સાહિત્યમાં કઈ રીતે નિરૂપણ પામી છે તે જાણવું રસપ્રદ થઈ પડે તેમ છે. ભૌતિક સંસ્કૃતિ સમકાલીન સંસ્કૃતિને કઈ રીતે પ્રભાવિત કરે છે તે બદલાયેલી સામાજિકતા સંદર્ભે તપાસીએ ત્યારે આ વાર્તાઓના પાત્રો, પ્રસંગો, પરિસ્થિતિઓ, વગેરેને વ્યાપક દ્રષ્ટિકોણ સાથે તપાસવા પડે.
સાંસ્કૃતિક દૃષ્ટિકોણને આધારે ડાયસ્પોરા વાર્તાઓની વાત માંડતી વખતે નીઓ ફ્રોઈડીઅન અભિગમને ધ્યાનમાં રાખીએ તો કદાચ આ વાર્તાઓના બદલાયેલા વિશ્વનો અંદાજ મળી રહે એમ લાગે છે. નીઓ –ફ્રોઈડીઅનો ‘વૈયકતિક મનોવિજ્ઞાન’ને સમાજ અને સાંસ્કૃતિક પ્રવાહો સાથે જોડે છે. માનવવિકાસ અને વ્યક્તિત્વને સમજવા માટે સામાજિક અને સાંસ્કૃતિક અસરોનો અભ્યાસ કરવો વધુ જરૂરી છે તેવું માનનારા કેરેન હોર્ની, એરિક ફ્રોમ અને હેરી સ્ટેક સાલીવાન ફ્રોઇડની મનોવિજ્ઞાનની વિચારણાને પડકારે છે. એરિક ફ્રોમના મતે મનુષ્યનું અસ્તિત્વ, એનું સ્વરૂપ જ એ પ્રકારનું છે કે તેને એકલતાનું, ભંગુરતાનું તીવ્ર ભાન થાય છે. આ ભાનને લીધે સંકુલ જરૂરિયાતો ઉદ્દભવે છે. જાત સાથે, આસપાસના સમાજ અને વિશ્વ સાથે અર્થપૂર્ણ રીતે અનુંસંધિત થવાની અનિવાર્યતા આ તીવ્ર એકાકીપણાના ભાનમાંથી વિકસે છે. આવા સમયે મનુષ્યની આસપાસનો સમાજ અને સંસ્કૃતિ એની જરૂરિયાતોને કાં તો સંતોષે છે કાં તો છિન્નભિન્ન કરી દે છે. આ બાબતનો આધાર જે તે માનવસમૂહોએ વિકસાવેલી ભૌતિક સંસ્કૃતિ તેમ જ મૂલ્ય સંસ્કૃતિ પર રહેલો છે. સમાજશાસ્ત્રના અભ્યાસી ડેવિડ રીસમનના મતે, સમાજનું સ્વરૂપ બદલાય તેમ વ્યક્તિત્વનાં લક્ષણો પણ બદલાય છે. મનુષ્યની વૃત્તિઓ, એની અભિવ્યક્તિ અને સંતોષ –અસંતોષ જુદા જુદા સમય, અને પ્રદેશના જુદા જુદા સમાજની જીવન પદ્ધતિઓથી પ્રભાવિત હોય છે. તે કારણે જ સાંસ્કૃતિક અસરોને લીધે થતું માનવવર્તન કદીક આનંદ નીપજાવે છે. તો કદીક ચિંતાતુર પણ બનાવે છે.
વ્યવસાયે ડૉકટર નીલેશ રાણા પાસેથી કવિતા, નવલકથા અને વાર્તાના સંગ્રહો મળ્યા છે. ‘પ્રતિબિંબ’ સંગ્રહની વાર્તા ‘ડાન્સ ઇન્ડિયા’ અમેરિકા જઈ એશોઆરામથી જીવતા દંપતી મોના અને શૈલેશના પરિવારની વાર્તા છે. આ વાર્તામાં પહેલી અને બીજી પેઢીની ગુજરાતી સ્ત્રીઓની જુદા જ પ્રકારની માનસિકતા નિરૂપાઈ છે. વાર્તાના આરંભમાં જ ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ પ્રોગ્રામ પૂરો થયા પછી ટી.વી.પરથી સમાચારમાં પ્રસારિત થાય છે કે, ‘સ્કૂલમાં કરાયેલા સર્વેના રિઝલ્ટ મુજબ ૮મા ધોરણમાં ભણતા પાંત્રીસ ટકા વિદ્યાર્થીઓએ સેક્સનો અનુભવ કર્યો છે’. સમાચાર સાંભળતા જ મોના અને શૈલેશના મનમાં શારડી ફરી જાય છે. અચાનક જ બન્નેને ભાન થાય છે કે આગલા દિવસ સાંજથી ક્રિસમસ ઈવની પાર્ટીમાં ગયેલી એમની લાડકી દીકરી અમી હજી ઘરે પાછી ફરી નથી. અમેરિકા આવીને પોતે ભૂલ કરી છે અને એ ભૂલ સુધારી લેવા હવે બધું જ સંકેલી લઈને ભારત પાછા જતાં રહેવું જોઈએ એવું માનતો શૈલેશ મોનાને તેમ કરવા માટે મનાવી શકતો નથી. ભારત ગમતું હોવા છતાં મોનાનું મન ભારત પાછા ફરવાની જરા જેટલી ય ઈચ્છા ધરાવતું નથી. મોનાના ભારત પાછા ન ફરવાના કારણોનું વર્ણન આ મુજબ મળે છે, ‘ભારત નહોતું ગમતું એમ નહોતું. ત્યાં બે જેઠ- જેઠાણી, એક દિયર-દેરાણી, બે નણંદો અને પોતાની સેવાની રાહ જોતાં સાસુ-સસરા, વેકેશન ગાળવા પૂરતું એ બધું ઠીક હતું. અહીંથી મોકલાવેલા ડોલર્સથી એમની સગવડો કંઈક સચવાતી હતી. સાત સાગર પાર સચવાતા સંબંધનો ગાળીયો પોતાના ગળામાં નાખવાથી પોતાની સ્વતંત્રતા જોખમાશે. બધાની જવાબદારી શૈલેશને માથે પડશે. ત્યાંની સમસ્યાઓના વર્તુળના પરિઘમાં રહેવાને બદલે પોતે કેન્દ્રમાં ધકેલાઈ જશે ….. નો…. નો …. માંડ માંડ જે પળોજણથી છુટકારો મળ્યો છે એ અમીના વર્તાવ અને શૈલેશના દબાણને ખાતર ફરી ગળે વળગશે. અહીંની બ્યૂિટફુલ લાઈફ … ચાર બેડરૂમનો બંગલો, બે કાર, બિગ – ફ્લેટ સ્ક્રીન ટી .વી., વોશર-ડ્રાયર, ફ્રીજ … વીક એન્ડ પાર્ટી … ફ્રીડમ … સુખસાહેબી …. લોભામણું સ્મિત કરી બાંહો ફેલાવી આવકારતું અમેરિકા … ભાગ પડાવવાવાળું કોઈ નહીં … અને બીજી તરફ સાસુ-સસરા, જેઠ-જેઠાણીના સંબંધોના પડછાયાની સંભળાતી માગ –અહીં જ રહેવું, વહેવું અને સહેવું.’ અમીની ચિંતા કરતી મોનાના હૃદયના ઊંડે ઊંડે ઉમટતા આ વિચારો ભારતીય સ્ત્રીની માતા તરીકેની ભૂમિકામાં થઈ રહેલું પરિવર્તન સૂચવે છે. અમી વીક – એન્ડ એના કોઈ ગોરા બોયફ્રેન્ડ પીટર સાથે ગાળવાની છે. એ જાણતાં અસ્વસ્થ થતી મોના પતિ શૈલેશ સાથે એ અંગે કોઈ વિચારવિનિમય કરવાનું ટાળે છે. મોનાની સહકર્મચારી સિમાન્થાની અમી સાથે ભણતી દીકરી લીસા પ્રેગ્નન્ટ હોવાનું જાણી અપરાધ અનુભવતી સિમાન્થા મોના પાસે હૈયું ખોલે છે, ‘કાશ, મેં એને બર્થ –કન્ટ્રોલની પીલ્સ આપી હોત તો આ દિવસ જોવાનો સમય ન આવત’. સિમાન્થા પાસેથી અજાણતાં જ મળી ગયેલો બર્થ – કન્ટ્રોલ પીલ્સનો ઉપાય મોનાને જચી જાય છે. શૈલેશ અને અમીને ખબર ન પડે તેમ મોના અમીની રૂમમાં જઈ અમીના પર્સમાં બર્થ – કન્ટ્રોલની પીલ્સ મૂકવા જાય છે ત્યારે ચોંકી ઊઠે છે. વાર્તાકારે કહ્યું નથી પણ વાચક તરત પામી લે તે રીતે સૂચવ્યું છે કે અમીના પર્સમાં એ પીલ્સ પહેલેથી જ મોજુદ હતી. ચોંકી ઊઠેલી મોના બીજી જ ક્ષણે તદ્દન સ્વસ્થ થઈ પોતાનું પર્સ ઉઘાડી એ પીલ્સ એમાં સેરવી લે છે.
પ્રથમ પેઢીની ગુજરાતી સ્ત્રી મોના અને બીજી પેઢીની એની દીકરી અમી આ બંને સ્ત્રીપાત્રોની બદલાયેલી માનસિકતા પાછળ કાર્યરત અમેરિકન સમાજમાં પ્રાપ્ત વ્યક્તિ સ્વાતંત્ર્યની સગવડ અને અમેરિકન સંસ્કૃતિમાં સ્વીકારેલ વ્યક્તિગત મૂલ્યોની મહત્તાની સાથે ભારતીય સમાજમાં સ્ત્રીઓ માટે ઊભી કરાયેલી સંકુચિત વ્યવસ્થા અને એના માથે લાદવામાં આવતી જવાબદારીઓનું ભાન બંને પ્રતીતિ કરાવે છે. ભૌતિક સંસ્કૃતિઓ આનુવંશિક હોતી નથી પરંતુ મૂલ્ય સંસ્કૃતિ આનુવંશિક હોય છે. ભારતીય મૂલ્ય સંસ્કૃતિ આ પાત્રોને આનુવંશિક રીતે મળેલી હોવા છતાં અમેરિકાની ભૌતિક તેમ જ સ્વાયત્ત વિચારોને પ્રાધાન્ય આપતી મૂલ્ય સંસ્કૃતિ આનુવંશિક રીતે પ્રાપ્ત ભારતીય સંસ્કૃતિઓને કઈ રીતે પ્રભાવિત કરે છે તેનો ખ્યાલ પણ આ વાર્તા દ્વારા મળી રહે છે.
આ જ વાર્તાસર્જકની ‘બારી’ વાર્તામાં પત્ની અને પુત્રીને મૂકીને જતા રહેલા ડેડી છ વર્ષ પછી પાછા આવી રહ્યા છેની પ્રતીક્ષામાં ઝૂમતી પુત્રીની આંખો સામેના મકાનની બાલ્કનીમાંથી એની દિશામાં તાકતી બે આંખો સાથેના મિલનથી મીઠી મૂંઝવણ અનુભવી રહે છે. ડેડીની પ્રતીક્ષા કરતી પુત્રી ડેડીના આવવાના આનંદની સાથે સાથે સામેની દિશાની આંખોના મિલનથી રોમાંચ પણ અનુભવે છે. પોતાના ઘરના રસોડાની બારીથી બહાર તાકતી માની આંખો પ્રત્યે એ અબુધ પુત્રીનું ધ્યાન જ જતું નથી. એક વહેલી સવારે ડેડી તો ઘરે આવી પહોંચે છે ને માને એ જણાવવા એના બેડરૂમમાં જતી પુત્રીને મા પોતાને અને ઘરને છોડીને જતી રહી હોવાનું જણાવતો પત્ર મળે છે. ડેડીના આવ્યાનો આંનદ ઝાઝો ટકતો નથી, પરંતુ માના જતા રહેવા સાથે જ ભાન થાય છે કે સામેની દિશામાંથી દેખાતી આંખો પણ ગાયબ થઈ ગઈ છે. વાર્તાકાર નીલેશ રાણાએ માતા-પિતા વચ્ચેના વિગ્રહનો સીધો ઉલ્લેખ ક્યાં ય કર્યો નથી કે નથી ક્યાં ય ઉલ્લેખ કર્યો માના અન્ય પુરુષ સાથેના સંબંધનો. વાર્તાને વાર્તા બનાવનારી આ ઘટનાનો સીધો ઉલ્લેખ કર્યા વગર જ નિરૂપિત ઘટનાની પ્રતિક્રિયામાંથી ઊભો કરેલો વ્યંગ્યાર્થ આ વાર્તાસર્જકની કલાસૂઝ પ્રત્યે માન જગવે છે. આ વાર્તામાં નિષ્ફળ દાંપત્યજીવનનું દુષ્પરિણામ ભોગવતી પુત્રીની દશા સ્ત્રીની અબુધ અવસ્થા પ્રત્યે કારુણ્ય જન્માવે છે તો બીજી બાજુ માના પાત્ર દ્વારા પોતાના જીવનને પોતાની શરતો સાથે જ જીવવાની હામ ધરાવતી સ્ત્રીનું સંવેદનવિશ્વ પણ આકારિત થવા પામે છે.
સ્ત્રીના સંવેદનવિશ્વને એના અનુભવવિશ્વની વિપરીતતાને લીધે કયા પ્રકારની વિષમતાઓનો સામનો કરવો પડે છે તેનો અણસાર સ્તનકેન્સરનો ભોગ બનેલી અને તે કારણે જ સર્જરી પછી એક સ્તન ગુમાવનારી સ્ત્રી ‘અધૂરી સ્ત્રી’ વાર્તાની નાયિકા ઊર્મિના પાત્ર દ્વારા મળે છે. સ્તનકેન્સરની જાણ થયા બાદ ઊર્મિ એનું ડાબું સ્તન ગુમાવે છે. સર્જરી પછી ઘરે પાછી આવેલી ઊર્મિ બેડરૂમમાં જાય છે ત્યારે પતિ એની ઉપેક્ષા કરતો પડખું ફેરવી સૂઈ જાય છે. પત્નીના દેહનો ઉપભોગ કરનારો પતિ સ્તન ગુમાવેલી પત્નીની જે અવહેલના કરે છે તેમાં દામ્પત્યજીવનની પોકળતા છતી થાય છે. પુત્ર –પુત્રવધૂ અને પૌત્ર –પૌત્રીઓ સાથે જીવતું આ દંપતીયુગલ જીવનની ઢળતી સંધ્યાએ પતિની સ્નેહસ્થૂળતાને લીધે મનોમન ખંડિત થાય છે. સ્ત્રી એટલે માત્ર શરીર, દેહોપભોગનું સાધન અથવા તો સાંસારિક જવાબદારીઓ નભાવી લેવાનું સાધન એવું માનતા પતિના બધા જ દોષોને સહજતાથી સ્વીકારી લેનારી ઊર્મિ ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે પતિનિષ્ઠ, પરિવારનિષ્ઠ પત્નીની ભૂમિકા નીભાવે છે. પતિની સુખશાંતિ માટે ઘર છોડવા પણ તૈયાર થાય છે પરંતુ પત્ની વગર પૌત્ર –પૌત્રી કે પરિવારને પોતે સાચવી નહીં શકે તેનું ભાન અને તે પ્રકારના સ્વાર્થને લીધે પતિ તેને ઘર છોડતી અટકાવે છે. વાર્તાના અંતે પતિ સાથે મળી ઊભા કરેલા સંસારના હિતમાં સમાધાન માટે તૈયાર થતી ઊર્મિ એકાંતમાં અનુભવેલી પારાવાર પીડાને ભીતરમાં જ ભંડારી દે છે.
આનંદરાવ લિંગાયત ડાયસ્પોરા ગુજરાતી વાર્તાક્ષેત્રે મહત્ત્વનું નામ છે. ‘મંજરી’ અને ‘ટેલિફોનની ઘંટડી’ વાર્તાઓમાં ભારતીય સમાજ – સંસ્કૃતિ અને અમેરિકન સમાજ – સંસ્કૃતિની વિશેષતાઓ અને મર્યાદાઓ નારીપાત્રો દ્વારા અભિવ્યક્તિ પામે છે. ભીષણ ગરીબાઈમાં જન્મેલી, જીવેલી, મોટી થયેલી મંજરીને એવું જ ભયાનક સાસરું પણ મળે છે. બીજવર પતિ અને વયમાં મંજરીથી મોટી એની દેરાણી, વગેરે સાસરિયાઓની વરવી અને જડબેસલાક સત્તાના મંજરીના કારમા અનુભવો દયનીય મંજરીને વધુ દયનીય અવસ્થામાં ત્યારે મૂકે છે જ્યારે બે બાળકોની જવાબદારી પતિના મૃત્યુ પછી એના માથે આવી પડે છે. બાળકોને લઈને પિયર પાછી ફરે છે. મિત્ર સુલેખાના સહકારે આફ્રિકા અને ત્યાંથી અમેરિકા પહોંચી તે ભાગ્યનું દળદર મીટાવવામાં લાગી જાય છે. અજાણી ભૂમિ ,અજાણ્યા લોકો, અજાણી ભાષા ધરાવતા પરદેશમાં એકલપંડે સ્થાઈ થવાની ક્ષમતા ધરાવતી મંજરીનું પાત્ર માન જગવે એવું છે. અમેરિકામાં જેન્ટલમેન કહી શકાય તેવો શરીરે અપંગ માઈકલ મંજરી સાથે સમજૂતીના લગ્ન કરી મંજરીને એના બાળકો સાથે મેળવી આપે છે. માઈકલના સાથ- સહકારથી સ્થાયી થયેલી મંજરી અંતે સ્વચ્છાએ માઈકલ સાથે સ્નેહસંબંધે બંધાય છે. આ વાર્તાના આરંભમાં ભારતમાં રહેનારી મંજરીની પડોશણો મંજરી અને માઇકલ સંબંધોની કૂથલી કરી મંજરીના ચરિત્રની નિંદા કરતા દર્શાવીને વાર્તાસર્જકે ભારતીય સમાજની નિંદાવૃત્તિનો દોષ નિરૂપ્યો છે. ભારતમાં માત્ર અભાવગ્રસ્ત દશામાં પારાવાર કષ્ટ વેઠતી મંજરીને સહાય કરવા કોઈ આવતું નથી. માત્ર દયાના આધારે જીવી શકાય નહીં તેવું મંજરીને લાગે છે ત્યારે જ એ ભારત છોડવાનો નિર્ણય લે છે. ગરીબ માતા-પિતા,નાના બાળકો બધું જ મૂકીને હામ ભીડીને તે ઊજળી આવતીકાલની આશાએ કદી ન જોયેલા દેશમાં, કદી ન જાણેલી સમાજ વ્યવસ્થામાં જઈ ગોઠવાય છે. મંજરીના પાત્રની આ ક્ષમતા સ્ત્રીના શક્તિશાળી આંતરસવિત્તનું પરિચાયક બને છે. મંજરી અને માઇકલ એકમેક સાથે જે જવાબદારીપૂર્વક જોડાય છે એમાં એ પાત્રોની ગરિમાનું રતિભાર પણ અવમૂલ્યાંકન થતું દર્શાવ્યું નથી. બલ્કે જીવનના સંઘર્ષો અને એ સાથેના સમાધાન માટેના પ્રયત્નોમાં એ બંનેની વ્યક્તિમત્તા મુઠ્ઠી ઊચેરી જ સાબિત થાય છે. માઇકલ સાથે જોડતા પૂર્વે મંજરીએ અનુભવેલી મથામણ વાર્તાકાર આ પ્રકારે મૂકી આપે છે, ‘ન કરવી હોવા છતાં માઇકલની તુલના એના સાસરિયાં સાથે, પેલા લંપટ, ઇન્ડિયન મોટેલ-માલિક સાથે, લોહી ચૂસાઈ જાય એટલા ઓછા પૈસામાં કાળી મજૂરી કરાવનાર ડેરીના ઇન્ડિયન માલિક સાથે, અને શહેરની પોળમાં રહેતા પોતાના ગરીબ કુટુંબની ગમે તેવી વાતો, નિંદા અને તિરસ્કાર કરનારાં સગાંસંબંધીઓ અને પડોશીઓ સાથે થઈ ગઈ ….. ભારતમાં મને અને મારા આખા કુટુંબને હળહળતી ગરીબી અને ધૂત્કાર સિવાય આજ સુધી શું મળ્યું ! ભારતની ધરતીમાંથી મને એવી કઈ વસ્તુ મળી કે જેના આધારે ગૌરવથી ‘હું ભારતીય છું’ એવું અભિમાન લઈ શકું! ઇન્ડિયન સમાજ અને ઇન્ડિયન સંસ્કારને વળગી રહેવાથી પોતાને આજ સુધી શું મળ્યું છે એનું સરવૈયું એણે કાઢવા માંડ્યું. જેમ જેમ એ આ હિસાબ કરતી ગઈ તેમતેમ ગુસ્સાથી એનું મગજ તપતું ગયું. આખરે એણે નિર્ણય લીધો કે સમાજના ડરથી એ માઇકલની મમતાભરી વિનંતિને નહીં ઠુકરાવે.’ (‘કંકું ખર્યું’) આ મનોમંથન દ્વારા મંજરીના સંવેદનને જ નહીં એ સંવેદન સાથે જોડાયેલા એના અનુભવો અને એણે આધારે જ ઘડાયેલી એની વિચારપ્રક્રિયાનો આલેખ રજૂ થવા પામ્યો છે.
‘ટેલીફોનની ઘંટડી’ વાર્તાની નાયિકા નયનાને બે બાળકો સહિત એનો પતિ મદન અમેરિકા બોલાવે છે. ભાડાના ઘરમાં રહેતી નયના પોતાનું ઘર ખરીદી શકાય તે હેતુથી મદનને આર્થિક ટેકો આપવા ફાજલ સમયમાં નોકરી કરતી થાય છે. થોડા સમયમાં જ પતિ કોઈ ગોરી યુવતીના પ્રેમમાં પડીને નયના અને બાળકોને છોડીને જતો રહે છે. પરાયા મુલકમાં એકલી પડી ગયેલી નયના કષ્ટ વેઠીને નર્સિંગનો કોર્સ પૂરો કરીને હોસ્પિટલમાં નર્સનું કામ મેળવે છે. બાળઉછેરની તકેદારી રાખવામાં માતા-પિતા બંનેની ભૂમિકા પણ નિભાવે છે. હોસ્પિટલમાં એની સાથે કામ કરતી અમેરિકન નર્સો લીન્ડા, ગ્લોરિયા, લીસા, એઈમી વગેરે મોટા ભાગની બધી જ ડિવોર્સ થયેલી Single Parent હતી. વાર્તાસર્જક લખે છે, ‘એ બધી પણ, એકલા હાથે, હિંમતથી પોતાના બાળકોને ઉછેરતી હતી. પરંતુ એમાંની કોઈ બ્રહ્મચર્ય તો પાળતી જ નહોતી. એ રીતે શરીરને કરમાવીને સૂકવી નાખવામાં એ સ્ત્રીઓ માનતી નહોતી. એ દરેકના જીવનમાં કોઈ ને કોઈ પુરુષ બોયફ્રેન્ડ હતો. ગાંડા કરી નાખે એવી, જીવનની એકલતામાંથી, જીવનના ખાલીપામાંથી બચવા એ દરેકને કોઈક પ્રકારની ‘રિલેશનશિપ’ હતી. આ ‘રિલેશનશિપ’થી જીવનમાં એમને હૂંફ રહેતી. એનાથી જીવન સાવ ખાલીખમ, માત્ર ઢસરડા જેવું નહોતું લાગતું. એક બોયફ્રેન્ડ સાથે ઝઘડો થતાં એને પડતો મૂકી બીજો શોધવાનો એકરાર કરવામાં એમને કોઈ શરમ ,સંકોચ કે અજુગતું નહોતું લાગતું. કશું નૈતિક અધ:પતન થતું નહોતું લાગતું. બધું સહજ અને સ્વાભાવિક. આ અંગે એમને સમાજ કે એમનાં સગાંસંબંધીઓ પણ કાંઈ કશો વાંધો લેતા નહોતાં.’ (‘કંકું ખર્યું’) વગર વાંકે પોતાને છોડીને જતા રહેલા પતિના કારણે ભરયુવાનીમાં સ્પર્શનો અભાવ અનુભવતી નયના બે જુદી જુદી સંસ્કૃતિઓનો ભાર અનુભવે છે. ઘરનું ગારબેજ ડિસ્પોઝલ બગડી ગયું હોવાથી મકાનમાલિકનો યુવાન પુત્ર સ્ટીવ રીપેર કરવા આવે છે. એના કસાયેલા, મજબૂત, ગોરા શરીર પર નજર પડતાં જ શરીરસુખથી વંચિત રહેલી નયના કામાવેગ અનુભવે છે ને વિચારે છે, ‘મારા કશા પણ વાંક વગર મદને મારી જિંદગી foreclose કરી છે. હવે મારા પોતાના બાવડાના બળે હું એ repossess કરું અને મારી રીતે મારી જિંદગી જીવું એમાં કોઈને શું? હું પણ શા માટે કોઈ યોગ્ય પુરુષની મિત્રતા ના રાખું! એમાં શું ખોટું? બહુ બહુ તો મારો સમાજ થોડો વખત બબડશે. આમે ય અત્યારે પણ મારો સમાજ મારી પીઠ પાછળ મારી નિંદા ઓછી કરે છે! મારા આ કપરા કાળમાં સમાજે મને શું પરખાવી દીધું! સહાનુભૂતિનો હાથ લંબાવવાને બદલે કુથલી સિવાય સમાજ કરેછે શું ?સમાજ માટે, શા માટે હું મારી જિંદગી બરબાદ કરી નાખું’ (એજન) પુરુષસ્પર્શને ઝંખતી નયનાની યુવાનકાયા સ્ટીવના આલિંગનમાં લપેટાય છે. બંને આગળ વધે તે પહેલાં જ ટેલિફોનની ઘંટડી રણકી ઊઠે છે. પુત્રી શીતલ સ્કૂલેથી છૂટીને સીધ્ધી ઘરે આવવા માગે છે ને મમ્મીને Pick-up માટે તરત જ આવવા કહે છે. ઘડીકમાં જ સ્વત્વ, નિજ ઇચ્છાઓ પર પુન: ભારતીય સમાજ પાસેથી પ્રાપ્ત દમનવૃત્તિના મૂલ્યનો વિજય થાય છે. નયના સ્ટીવને જતા રહેવાનું સૂચન કરે છે. સ્ત્રીશરીરની સ્પર્શઝંખનાની અદમ્ય ઇચ્છા ભીતરમાં ધરબાઈ જાય છે. વાર્તાનો અંત નયનાની વેદનાને મુખર રીતે પ્રગટાવી આપે છે, ‘સ્ટીવ બહાર નીકળ્યો કે તરત બારણું બંધ કરી, નયના ત્યાં બારણામાં જ ફસકાઈને બેસી પડી. ધ્રૂજારી અને રુદનને એ ખાળી શકી નહીં. એની આંખમાંથી વેદનાના રેલા વહેવા માંડ્યા. ક્યાં સુધી? ક્યાં સુધી … હું આ પ્રકારની તલપતી જિંદગી જીવી શકીશ? ક્યાં સુધી! કલ્પાંત કરતું એક મોટું ધ્રુસકું એને આવી ગયું. બિહામણા પ્રશ્નાર્થ જેવી, ઉજ્જડ અને ખાલીખમ, સૂકા રણ જેવી પોતાની આખી જિંદગી દૂર …. દૂર …. લાંબે સુધી પથરાયેલી એને દેખાઈ …. બે સંસ્કાર,બે સંસ્કૃતિના પડ વચ્ચે પીસાઈને લોહીલૂહાણ થતી આ યુવાન નયના એવા કોઈક Cultural Prescriptionની શોધમાં ફાંફા મારવા લાગી કે જેનાથી એની જિંદગી ઉપર પડેલા બધા ઘા રૂઝાય અને એના તન તથા મન બંનેની તરસ છીપે! ( એજન)
સ્ત્રીશરીર અને એ શરીર સાથે જોડાયેલી ઇચ્છાઓ, ઝંખનાઓ વિશે ડાયસ્પોરા વાર્તાસર્જકોએ છોછ રાખ્યા વિના લખ્યું છે. Female sexuality અને female desire વિશે નારીવાદમાં પ્રાપ્ત ચર્ચાઓ મુખ્ય ધારાના સાહિત્યસર્જનનો ખાસ વિષય બનતી નથી. જયારે અમેરિકાસ્થિત ડાયસ્પોરા ગુજરાતી વાર્તાઓમાં આ મુદ્દાઓ અંગે નિર્ભીક અને નિખાલસ વલણ વર્તાયું છે. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી એટલે ભૂમિકાઓમાં વહેંચીને જીવાતું જીવન માત્ર. એના શરીરની વૃત્તિઓનું પાપ અને વ્યભિચારના નામે દમન થતું રહ્યું છે. એક બાજુની સંસ્કૃતિમાં સ્ત્રીશરીર અને એ શરીર સાથે જોડાયેલી પુરુષસ્પર્શની ઝંખનાઓનું કરવામાં આવેલું દમન અને એ કારણે ઊભી થતી વિષમતાઓનું કરુણ પરિણામ છે બીજી બાજુ અમેરિકન સમાજમાં સ્ત્રીને પોતીકી રીતે જીવવાની મળેલી સંપૂર્ણ સ્વતંત્રતાનો અભિગમ છે.
વાર્તામાં નિરૂપિત આ બંને વિરોધમૂલક અભિગમો વિચારશીલ છે. નારીજીવન સંદર્ભે ભારતીય સમાજની સંકુચિતતા અને અમેરિકન સમાજની ઉદારતા ઉભયનો પરિચય આ વાર્તાઓમાં મળી રહે છે.
કવયિત્રી પન્ના નાયક પાસેથી જે ટૂંકી વાર્તાઓ મળી છે એમાંની મોટા ભાગની વાર્તાઓમાં સ્ત્રીપાત્રોનું સંવેદન સેક્સની આસપાસ ગૂંથાઈને વાર્તારૂપ ધરે છે. એમની વાર્તાઓની નાયિકાઓ ભારતીય મૂળની છે, અમેરિકા સ્થાયી થયા પછી આ નાયિકાઓએ સુખપ્રાપ્તિના માર્ગ પોતપોતાની મેળે શોધી લેવા મુક્ત વિચારવલણ ધરાવતી સંસ્કૃતિને સ્વીકારવાની સમર્થતા કેળવી લીધી છે. નિત્યક્રમ, ક્યુટિપ, નૉટ ગિલ્ટી, ફ્લેમિંગો, વગેરે પન્ના નાયકની વાર્તાઓ આ સંદર્ભે વિગતે તપાસી શકાય. ‘નિત્યક્રમ’ અને ‘ફ્લેમિંગો’ વાર્તાની નાયિકાઓ પરપુરુષ પ્રત્યે ગજબનું આકર્ષણ અનુભવે છે. એટલું જ નહીં એ મનગમતા પુરુષોને પ્રાપ્ત કરવાના સ્વપ્નો જુએ છે ને તે માટે જરૂરી આચરણ પણ કરે છે. ‘નિત્યક્રમ’ની નાયિકા પરપુરુષ સાથે પોતાના બેડરૂમમાં શરીરસુખમાં રાચે છે તે વખતે સ્હેજ પણ અપરાધભાવ અનુભવતી નથી ઉલટું એ દરમ્યાન પોતાના પતિનો ફોન આવે છે ત્યારે પતિ દ્વારા પૂછાયેલા સવાલનો જવાબ આપતા કહે છે, ’અત્યારે શું કરું છું? તું એટલું વ્હાલ કરે છે કે મને સુખના સોજા આવ્યા છે. બ્લાઉઝના આંતરસેવા ખોલું છું.’ પતિ સાથેના સંબંધમાં પત્ની દ્વારા કરાતો દ્રોહ ‘નૉટ ગિલ્ટી’ વાર્તામાં પણ નોંધપાત્ર રીતે આલેખાયો છે. ભારતીય મૂળમાં સ્ત્રીઓને રૂઢિપ્રાપ્ત પતિવ્રતા હોવાનું જે મૂલ્યભાન વારસામાં મળ્યું છે તે અમેરિકન સમાજના પ્રભાવથી કઈ રીતે લુપ્ત થાય છે તે અહીં દર્શાવવામાં આવ્યું છે. આ નાયિકાઓ પોતાના પતિથી કે એની સાથે માંડેલા સંસારમાં દુઃખી છે એવું ક્યાં ય નિરૂપાયું નથી. માત્ર અને માત્ર પોતાની દેહવાંછિત આવશ્યકતા અને આનંદોપભોગ જ આ પ્રકારના લગ્નેતર સંબંધો પાછળનું પ્રયોજન હોય તેવું પણ વર્તાય છે.
અમેરિકાનો સ્વતંત્ર ને વૈભવી વ્યક્તિકેન્દ્રી માહોલ અને બદલાયેલી સાંપ્રત જીવન પરિસ્થિતિઓને લીધે કદાચ ભારતની જડ સંકુચિતતાની સામે ઊભેલો નારીસમાજ ડાયસ્પોરા ગુજરાતી વાર્તાઓમાં નવા રૂપે પ્રગટ્યો છે. નારીસંવેદન વિશ્વના અગોચર ઊંડાણો જાણે કે આ વાર્તામાં દ્ર્શ્યાંકિત થવા પામ્યાં છે. આ વાર્તાની નાયિકાઓ સ્વપ્રત્યે વધુ નિષ્ઠાવાન છે. પુત્રી, પત્ની અને માતાની ભૂમિકાઓ ઉપરાંત સ્ત્રીવ્યક્તિ તરીકેના અસ્તિત્વના સ્વીકારની ભૂમિકા પણ અહીં રચાતી આવે છે. મોટાભાગની નાયિકાઓ આર્થિક રીતે સ્વાવલંબી છે, ભૌતિકવાદી જીવન અભિગમને આવકારતી અને એનું આધિપત્ય ભોગવતી નાયિકાઓ છે. એમના અતીતમૂલક અનુભવો તાણના, અભાવના રહ્યા હોવાને લીધે પોતાના મુક્ત સાંપ્રત તરફ તેમનો ઝોક વધુ વર્તાય છે. અઘટિત કર્યાની પીડા ન હોવાને લીધે સંકુલતા કે સંઘર્ષ ઊભો થતો નથી. દેહસંબંધનો સહજ સ્વીકાર જ આ વાર્તાઓનો વિશેષ છે.
આ વાર્તાઓમાં સમાજ કરતાં વધુ સ્ત્રીનું અસ્તિત્વ કેન્દ્રમાં છે, જયારે મુખ્ય ધારામાં રચાતી વાર્તાઓમાં સ્ત્રી હાંસિયામાં અને સમાજ વધુ કેન્દ્રમાં રહ્યો છે. પશ્ચિમની સંસ્કૃતિના બદલાયેલાં જીવનમૂલ્યો ડાયસ્પોરા ગુજરાતી વાર્તામાં પ્રતિબિંબિત થાય છે. પશ્ચિમનો પ્રત્યક્ષ અને નિકટનો સંબંધ અને ભારતનો પરોક્ષ અને પાછળ છૂટી ગયેલો સંબંધ આ બે વચ્ચેની સ્થળાંતરિત પ્રક્રિયા અને સાંસ્કૃતિક પરિવર્તનની પ્રક્રિયા અમેરિકાના ગુજરાતી સર્જકોની વાર્તામાં બદલાયેલા માહોલનો પરિચય કરાવે છે.
મનુષ્યની જાતીયવૃત્તિ અને તે માટેનાં વર્તનવ્યવહાર માટેનાં પરિબળોને સમજવા માટે અભ્યાસીઓએ માનવ મન, એની વૃત્તિઓ, સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓ, વગેરે દરેક બાબતોને સમજવી જરૂરી છે. નીઓ-ફ્રોઈડીઅન વિચારધારામાં આ બાબત અંગે જે અભ્યાસો થયા છે તેનો સાર રસિક શાહના પુસ્તક ‘અંતે આરંભ’માં આ પ્રકારે મળે છે :
‘વ્યક્તિત્વના વિકાસમાં વાતાવરણ અને સંસ્કૃતિની અસર પર ભાર મૂકતા હેરી સ્ટેક, સાલિવાન, કેરેન હોર્ની, એરિક ફ્રોમ અને કાર્ડીનર નીઓ-ફ્રોઈડીઅનીઝમના પ્રણેતાઓ અને આધારસ્તંભ તરીકે સ્વીકારાયા છે. નાની મોટી વિગતોમાં અનેક અગત્યના મુદ્દાઓ પર ભિન્ન ભિન્ન મતાંતરો ધરાવતા હોવા છતાં નીઓ-ફ્રોઈડીઅનો કેટલીક સામાન્ય માન્યતાઓ ધરાવે છે. એમના મતે,
૧) માનવસ્વભાવના સ્વરૂપ વિશેની સમજણનો પાયો સામાજિક અને સાંસ્કૃતિક ઘટકોમાં રહેલો છે, જૈવિક ઘટકોમાં નહીં.
૨) ફ્રોઇડના વૃત્તિવાદ (instinct theory) અને લિબીડોવાદ (theory of libido) મનોવૈજ્ઞાનિક રીતે મારી ચૂક્યાં છે. ઈડિપસ ગ્રંથિ, અંતરાત્માનું ઘડતર અને સ્ત્રીઓની કહેવાતી લાઘવગ્રંથિ વગેરે લક્ષણો સાંસ્કૃતિક સંદર્ભમાં જ અર્થયુક્ત બને છે. વ્યક્તિત્વનાં એ સર્વવ્યાપી લક્ષણો નથી.
૩) ચારિત્રનું ઘડતર, ચિંતાની ઉત્પત્તિ અને માનસિક વિષમતા સમજવા માટે ‘વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધો’ પર વધારે ભાર મૂકવો જોઈએ.
4) ચારિત્ર –જિન્સીવિકાસનું આનુષંગી પરિણામ નથી. એથી ઉલટું, જિન્સીવિકાસ ચરિત્રનું સૂચક છે. બીજા શબ્દોમાં, જિન્સીવિકાસથી ચારિત્રનું સ્વરૂપ નક્કી થતું નથી, ચારિત્ર જિન્સીવર્તનનું સ્વરૂપ નિર્માણ કરે છે.’ (પૃ.૭૧-૭૨)
5) ટૂંકમાં નીઓ-ફ્રોઈડીઅન વિચારધારા અને નૃવંશશાસ્ત્રની વિચારધારાઓ આ પ્રકારે સાહિત્યકૃતિના મૂલ્યાંકન માટે અનેક નવી શક્યતાઓ ખોલી આપે છે.
e.mail : nutan.j@rediffmail.com