‘આવો લેખ લખવાનાં સાધનો મેળવવાની ઘણી મુશ્કેલી છે. વખતોવખત થતી સાહિત્યપ્રસિદ્ધિની સંપૂર્ણ માહિતી આપે એવું મંડળ યા પુસ્તકાલય યા માસિક ગુજરાતમાં નથી …. મુદ્રાયન્ત્રોના માલિકોને, ગ્રંથ પ્રસારક મંડળોના મંત્રીઓને અને ગ્રંથ વિક્રેતાઓને પત્રો લખ્યા હતા. પરંતુ તેમાંથી માત્ર ચારના જવાબ આવ્યા …. એટલે આ લેખ સર્વતઃ સંપૂર્ણ લખી ન શકાયો હોય તો દરગુજર કરવા વિનંતી છે.’
આજની સરવૈયાની બે બેઠકોમાંના અગિયાર વક્તાઓમાંના કોઈના લખેલા શબ્દો હું આપની આગળ વાંચી રહ્યો નથી. આ શબ્દો તો છે સુરત જેમની જન્મભૂમિ હતું, ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના જેમને આભારી છે તે રણજિતરામ વાવાભાઈ મહેતાના. આ શબ્દો લખાયા હતા ઇ.સ. ૧૯૦૯માં. પણ રણજિતરામભાઈએ આજથી ૧૦૩ વર્ષ પહેલાં લખેલા આ શબ્દો નીચે સહી કરવા માટે આજના અગિયારે અગિયાર વક્તાઓ સ્વેચ્છાએ તૈયાર થશે. લાગે છે કે આટલાં વર્ષોમાં કશું જ બદલાયું નથી. સાધનોની મુશ્કેલી આજે પણ એટલી જ છે, બલકે વધી છે. વર્ષ દરમ્યાન પ્રગટ થતાં બધાં જ પુસ્તકોની માહિતી મળી રહે એવી કોઈ વ્યવસ્થા ઊભી કરવાની અને તેને ધગશ અને કુશળતાથી નિયમિત રીતે ચલાવવાની જરૂર આજે પણ આપણને વર્તાતી નથી. એવી માહિતી મેળવવા પત્રો લખીએ તો આજે ચાર જવાબ પણ કદાચ ન મળે.
ક્યારે, શા માટે, લખ્યા હતા રણજિતરામભાઈએ આ શબ્દો? ‘જ્ઞાનસુધા’ માસિકના એપ્રિલ ૧૯૦૯ના અંકમાં પ્રગટ થયેલા ‘ઇસુનું વર્ષ ૧૯૦૮’ નામના ખાસ્સા લાંબા લેખના આરંભે તેમણે આ શબ્દો લખ્યા હતા. આજે જે કામ કરવા માટે અગિયાર જણની જરૂર પડે છે તે કામ તે વખતે રણજિતરામભાઈએ એકલે હાથે કર્યું હતું – ૧૯૦૮ના વર્ષમાં પ્રગટ થયેલાં પુસ્તકોનું સરવૈયું રજૂ કર્યું હતું. અને તેમાં તેમણે માત્ર ‘સાહિત્ય’નાં પુસ્તકોની જ વાત નહોતી કરી. ધર્મ, ઇતિહાસ, સમાજ, રાજકારણ, કેળવણી, વગેરે વિશેનાં પુસ્તકોની પણ વાત કરી હતી. પણ માત્ર પુસ્તકોની જ વાત નહોતી કરી. વર્ષભરનાં સામયિકો અને અખબારોની વાત પણ કરી હતી. પણ માત્ર મુદ્રિત શબ્દની જ વાત નહોતી કરી. ધર્મ, સમાજ, રાજકારણ, કેળવણી, જુદી જુદી જ્ઞાતિઓ, વગેરેની સંસ્થાઓની અને તેમની પ્રવૃત્તિઓની પણ વાત કરી હતી. કારણ? કારણ એમણે જ કહ્યું તે આ પ્રમાણે હતું : ‘જેવું જીવન તેવું સાહિત્ય, જીવનમાં વહેતાં બળોનો પ્રભાવ સાહિત્યમાં અંકાય છે. એટલે એ બળો વિશે કંઇક જાણવું આવશ્યક છે…. ધર્મ, સંસાર, રાજય આદિ પરત્વે થતી પ્રક્ષોભણા – મંથનના પડઘા સાહિત્યમાં સંભળાય છે યા તો તેમનો પટ સાહિત્યને બેસે છે.’
‘જ્ઞાનસુધા’ પછી બીજો પ્રયત્ન કર્યો વિજયરાય વૈદ્યે, તેમના ‘કૌમુદી’ ત્રૈમાસિકમાં. હકીકતમાં તેઓ તો વાર્ષિક કરતાં પણ આગળ વધીને ત્રિમાસિક સરવૈયું રજૂ કરવા મથી રહ્યા હતા. ૧૯૨૪માં પ્રગટ થયેલા ‘કૌમુદી’ના પહેલા જ અંકથી તેમણે ‘સમકાલીન સાહિત્યપ્રવાહ’ શીર્ષક નીચે પુસ્તકોનુ સરવૈયું પ્રગટ કરવાનું શરૂ કરેલું. વિલક્ષણ અને વિચક્ષણ વિવેચક વિજયરાય ચીલાચાલુ રીતે તો આવાં કામ કરે જ શાના? પહેલા અંકમાં આગલા ત્રણ મહિનામાં પ્રગટ થયેલાં પુસ્તકો વિશે લંબાણથી લખેલું. તો બીજા અંકમાં ‘૧૯૮૦નું વાઙમય’ નામનો લાંબો લેખ એક મિત્રને પત્ર રૂપે લખેલો. તેની શરૂઅતમાં તેમણે મિત્રને ઉદ્દેશીને લખેલું : ‘ગઈ પચ્ચીસીનું યુરોપી સાહિત્ય તમે ઘણું વાંચ્યું છે પણ આજના અગ્રણી ગુજરાતી લેખકોને તો સાભિમાન ઉવેખવામાં જ મહત્તા ને શોભા માની છે. નવાં નવાં પુસ્તકો કેવાં ને કેટલાં બહાર પડે છે તેની અધૂરી જાણ પણ તમને નથી. તમે કોઈ પણ માસિક નિયમિતપણે વાંચીને આજના લેખકવર્ગના બલાબલનો ક્યાસ કાઢતા નથી.’ આજે પણ આવા ‘મિત્રો’ આપણી વચ્ચે ક્યાં નથી? એ જ અંકમાં ‘સમકાલીન સાહિત્યપ્રવાહ’માં ૧૯૨૪ના ‘ત્રીજા ચરણનું વાઙમય’ની વિસ્તૃત સમાલોચના તો આપી જ છે. પણ તેમણે તેમાં માત્ર પુસ્તકોનાં લખાણની જ વાત નથી કરી. રૂપરંગને આધારે પુસ્તકોને પદ્મિની, હસ્તીની, ચિત્રીણી, અને શંખિની, એવા ચાર વિભાગોમાં વહેંચ્યાં છે અને દરેક પુસ્તકને પોતે અમુક વર્ગમાં શા માટે મૂક્યું છે તે સમજાવવા પુસ્તકોનાં રૂપરંગની ચર્ચા કરી છે. જો કે વાર્ષિક સમીક્ષાનું આ કામ ‘કૌમુદી’નાં પહેલાં બે વર્ષ સુધી જ ચાલુ રહ્યું હતું.
‘કૌમુદી’ પછી વાર્ષિક સમીક્ષાનો પ્રયત્ન ફરી એક વાર ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હાલની ગુજરાત વિદ્યાસભા) તરફથી થયો. ૧૯૩૦માં ‘ગ્રંથ અને ગ્રંથકાર’નો પહેલો ભાગ પ્રગટ થયો તેમાં ‘ગ્રંથકાર ચરિત્રાવળી’ની સાથે ‘સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન’ નામથી સરવૈયું રજૂ થયું હતું. બીજું એક કરવા જેવું કામ સાથોસાથ થયું તે એ વર્ષમાં પ્રગટ થયેલાં પુસ્તકોની વર્ગીકૃત યાદી પ્રગટ કરવાનું. આખું પુસ્તક ‘તૈયાર કરનાર’ તરીકે જેમનું નામ છપાયું છે તે હીરાલાલ પારેખ જ તેના કર્તા હતા. ૧૯૩૮ સુધી ‘ગ્રંથ અને ગ્રંથકાર’નું પ્રકાશન દર વર્ષે નિયમિત રીતે થતું રહ્યું અને એ આઠે ભાગમાં પુસ્તકોની વર્ગીકૃત યાદી છપાતી રહી. જો કે કેટલાક ભાગમાં વાર્ષિક ગ્રંથસમીક્ષા જોવા મળતી નથી. ત્યાર બાદ ૧૯૪૪માં પ્રગટ થયેલા નવમા ભાગમાં ‘પાંચ વર્ષના સાહિત્ય ઉપર દૃષ્ટિપાત’ નામનો સુદીર્ઘ લેખ છે, પણ તેના કર્તાનો નિર્દેશ એ પુસ્તકમાં ક્યાંય નથી. તે પછી ૧૦મો ભાગ પ્રગટ થાય છે છેક ૧૯૫૨માં. તેમાં ૧૦૦ પાનાંનો પહેલો વિભાગ છે ‘ગયા દાયકાના વાઙમય પર દૃષ્ટિપાત.’ ૧૯૬૬માં પ્રગટ થયેલા ‘ગ્રંથ અને ગ્રંથકાર’ના ૧૧મા અને છેલ્લા ભાગમાં ૧૯૫૧થી ૧૯૬૦ સુધીના સાહિત્યનું પ્રવાહ દર્શન ૧૧૮ પાનાંમાં રજૂ થયું છે.
‘ગ્રંથ અને ગ્રંથકાર’નો ૮મો ભાગ ૧૯૩૭માં પ્રગટ થયો તે જ વર્ષે ગુજરાત સાહિત્ય સભાએ દર વર્ષે ‘ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહી’ના એક ભાગ રૂપે ‘ગ્રંથસ્થ વાઙમય’ પ્રગટ કરવાનું શરૂ કરી દીધું હતું. વાર્ષિક પુસ્તક સમીક્ષાનો સૌથી વધુ વ્યવસ્થિત અને સાતત્યભર્યો પ્રયત્ન પણ ગુજરાત સાહિત્ય સભાએ જ કર્યો. ૧૯૮૩ સુધી – પૂરાં ૪૬ વર્ષ સુધી – તેણે આ કામ કર્યું. શરૂઆતનાં વર્ષોમાં આપણા ઘણા અગ્રણી વિવેચકોને તેણે આ કામ સોપ્યું. ડોલરરાય માંકડ, અનંતરાય રાવળ, મંજુલાલ મજમુદાર, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, જેવાનો સહકાર શરૂઅતાનાં વર્ષોમાં તેને મળ્યો. પણ પછી ધીમે ધીમે વિવેચકોનો ઉત્સાહ ઓસરતો ગયો. પણ ત્યારે હતોત્સાહ થયા વગર પિતાને પગલે ચાલીને મધુસૂદન હીરાલાલ પારેખે થોડાં વર્ષો એ જવાબદારી એકલે હાથે પાર પાડી. પણ પછી આ જવાબદારી ઉપાડી લે એવી વ્યક્તિઓ ન મળતાં ૧૯૮૩ પછી ‘ગ્રંથસ્થ વાઙમય’ની આ પ્રવૃત્તિ બંધ પડી.
ગુજરાત વિદ્યા સભાએ શરૂ કરેલું કામ ગુજરાત સાહિત્ય સભાએ ઉપાડી લીધું તેમ ગુજરાત સાહિત્ય સભાનું કામ ગુજરાતી સાહિત્ય પરિષદે તેનાં જ્ઞાનસત્રોમાંની ‘સરવૈયું’ની બેઠકો દ્વારા ઉપાડી લીધું. અલબત્ત, જે કામ રણજિતરામ મહેતા, હીરાલાલ પારેખ, કે મધુસૂદન પારેખ એકલે હાથે કરતા એ કામ માટે ઉત્તરોત્તર વધુ ને વધુ મોટી વિવેચકોની ટીમ મેદાનમાં ઉતારવી પડે છે. પણ આ બેઠકોમાં રજૂ થતાં વક્તવ્યોને પ્રગટ કરવા અંગે આટલાં વર્ષોમાં કોઈ કાયમી અને નિયમિત વ્યવસ્થા ઊભી કરી શકાઈ નથી. ક્યારેક બધાં વક્તવ્યો ‘પરબ’માં છપાય છે, ક્યારેક અમુક થોડાં જ છપાય છે, ક્યારેક એક પણ નથી છપાતું. કેટલાક સમીક્ષકો પોતાનુ વક્તવ્ય અન્ય કોઈ સામયિકમાં છપાવવાની વ્યવસ્થા કરી લે છે, કેટલાક નથી કરતા તેમનાં વક્તવ્યો બોલાયા પછી હવામાં ઊડી જાય છે. આવી સ્થિતિને કારણે સરવૈયાની પ્રવૃત્તિ ભવિષ્યના અભ્યાસીઓ માટે બહુ ઉપયોગી બની ન શકે તેમ બને. પરિષદે સરવૈયાની બેઠકોમાં રજૂ થતાં વક્તવ્યોના નિયમિત પ્રકાશનની વ્યવસ્થા કરવાની જવાબદારી ઉપાડી લેવી જોઈએ. વાતની શરૂઆત ૧૯૦૯માં લખાયેલા રણજિતરામભાઈના શબ્દોથી કરી હતી. વાત પૂરી કરતાં પણ એ જ રણજિતરામભાઈના, એ જ લેખમાંના આ શબ્દો યાદ આવે છે : ‘આપણી પાસે પૈસો છે, યૌવન છે, બુદ્ધિ છે, ફક્ત તેનો સદુપયોગ કરવાની જરૂર છે.’*
____________________________________________
ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૭મા જ્ઞાનસત્રની ‘બે વર્ષના સાહિત્યનું સરવૈયું’ બેઠકના અધ્યક્ષ સ્થાનેથી આપેલું વક્તવ્ય
e.mail : deepakbmehta@gmail.com
("અોપિનિયન", 26 માર્ચ 2013)