કોઈ બાબતે આખો દેશ જ્યારે બોલો-બોલોનો પોકાર કરતો હોય અને એ બાબતે બોલવું પરવડે એમ ન હોય ત્યારે મૂંગા રહેવું જોઈએ, પરંતુ ભળતા જ વિષયે ન બોલવું જોઈએ અને એ પણ એ સમયે તો નહીં જ જ્યારે તમારી પાસેથી ચોક્કસ એક જ વિષયે વાત સાંભળવા લોકો આતુર હોય
કોઈ બાબતે આખો દેશ જ્યારે બોલો-બોલોનો પોકાર કરતો હોય અને એ બાબતે બોલવું પરવડે એમ ન હોય તો મૂંગા રહેવું જોઈએ, પરંતુ ભળતા જ વિષયે ન બોલવું જોઈએ અને એ પણ એ સમયે તો નહીં જ જ્યારે તમારી પાસેથી ચોક્કસ એક જ વિષયે વાત સાંભળવા લોકો આતુર હોય. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને – જો તેઓ સાંભળવાની આદત ધરાવતા હોય તો – આ વાત કોઈએ કરવી જોઈતી હતી.
અકળામણ, મૂંઝવણ, વિમાસણ, ધર્મસંકટના પ્રસંગો માણસના જીવનમાં આવતા જ હોય છે અને ખાસ કરીને રાજકારણમાં તો એ છાશવારે આવતા હોય છે; કારણ કે રાજકારણના સર્કસમાં સેંકડો જોકરો એકસાથે કૂદાકૂદ કરતા હોય છે. કોઈ જોકર કંઈ કરી બેસે કે બોલી બેસે તો મૂંઝવણની સ્થિતિ પેદા થતી હોય છે. એટલે તો જગતભરના રાજકારણમાં સ્મિત, વિનોદ, કહેવતો કે સુભાષિતોનો ઉપયોગ કે પછી કંઈ પણ બોલ્યા વિના પ્રશ્ન કરનારના ખભા પર હાથ મૂકીને સાથે ચાલવાના જેસ્ચરને રાજકીય અભિવ્યક્તિનો હિસ્સો માનવામાં આવે છે.
સરદાર કે. એમ. પણિક્કર ભારતના ચીન ખાતેના રાજદૂત હતા. તેમણે એક પાર્ટીમાં ચીનના સુપ્રીમ લીડર માઓ ઝેદોંગને ભારત-ચીન સંબંધો વિશે પ્રશ્ન પૂછી લીધો. માઓએ ભારતને ન ગમે એવી વાત હજી એ ક્ષણે કરવી નહોતી એટલે તેમણે સરદાર પણિક્કર સામે જોઈને મધુર સ્મિત આપ્યું, ઉષ્માભર્યું હસ્તધૂનન કર્યું, હાથ પકડીને બીજા મહેમાનો સુધી લઈ ગયા, સરદાર પણિક્કરનો પરિચય કરાવતાં વખાણનાં બે વાક્યો કહ્યાં અને પછી બીજા મહેમાનો સાથે વાતે વળગી ગયા. માઓ કંઈ બોલ્યા નહોતા અને છતાં ભારતમાં ઘણાં વર્ષો સુધી એ ઘટનાને કારણે એમ માનવામાં આવતું હતું કે ચીન ભારતનું મિત્ર છે અને મિત્ર રહેવાનું છે. સરદાર પણિક્કર સાથેનો એ પ્રસંગ ભારતીય મુત્સદ્દીગીરીનો કાયમી ચર્ચાનો વિષય છે અને ડિપ્લોમેટે શેનાથી બચવું જોઈએ એ માટે આ પ્રસંગ ટાંકવામાં આવે છે. અટલ બિહારી વાજપેયી જ્યારે વડા પ્રધાન હતા ત્યારે નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણીના એ સમયે હનુમાન ગણાતા વૈન્કેયા નાયડુએ કહ્યું હતું કે વડા પ્રધાનની કામગીરી થકવી નાખનારી હોય છે અને એમાં વિકાસપુરુષ પછી હવે લોહપુરુષની દેશને જરૂર છે. ઇશારો એવો હતો કે વાજપેયીએ સામેથી અડવાણીની તરફેણમાં ખસી જવું જોઈએ.
આ વિશે વિવાદ જાગ્યો અને વાજપેયીને મીડિયાએ પ્રશ્ન કર્યો ત્યારે ટિપિકલ વાજપેયી સ્મિત આપતાં તેમણે કહ્યું હતું: નો ટાયર્ડ નો રિટાયર્ડ. આનું નામ અભિવ્યક્તિ. ન બોલવા છતાં બોલવું અને બોલવું તો એક વાક્યમાં એવું બોલવું કે સામેવાળો ભ્રમિત થઈ જાય એને ઉત્તમ દરજ્જાના નેતાઓનાં લક્ષણો માનવામાં આવે છે. જવાહરલાલ નેહરુ પ્રશ્નોથી ક્યારે ય ભાગતા નહીં. તેઓ દરેક પ્રશ્નનો વિગતે અને થોડી લાંબી લેખણે ઉત્તર આપતા. લેખણે એટલા માટે કે મોટા ભાગે તો તેઓ મુખ્ય પ્રધાનોને લખવામાં આવતા પખવાડિક પત્રોમાં એનું ઍકૅડેમિક વિશ્લેષણ કરી લેતા. બૌદ્ધિક ક્ષમતા હોય તો દુરાચારનું પણ સમાજશાસ્ત્રીય પૃથક્કરણ કરી શકાય છે અને નેહરુમાં એવી આવડત હતી. નેહરુએ કરેલા પ્રાસંગિક ખુલાસાઓનો પાછળથી સમાજશાસ્ત્રીઓએ ઉપયોગ કર્યો હોય એવું અનેક વાર બન્યું છે. ઇન્દિરા ગાંધી ભાગતાં નહીં, પરંતુ સામી છાતીએ વળતું આક્રમણ કરતાં. છેવટે કંઈ ન મળે તો એને કાવતરા તરીકે અને ક્યારેક તો આંતરરાષ્ટ્રીય કાવતરા તરીકે ઓળખાવતાં. બાકી મોઢું છુપાવે કે ચૂપ રહે એ બીજા. અટલ બિહારી વાજપેયીએ હંમેશાં બૉડી-લૅન્ગ્વેજનો અને વન-લાઇનર જુમલાઓનો ઢાલ તરીકે ઉપયોગ કર્યો છે.
પ્રશ્ન પૂછનારા સામે એવી રીતે જોઈને સ્મિત આપે કે પૂછનાર લજવાઈ જાય. પી. વી. નરસિંહ રાવ અને ડૉ. મનમોહન સિંહે નહીં બોલવામાં નવ ગુણ માન્યા હતા. પ્રસંગ પોરસાવાનો હોય કે લજામણીનો, બોલવાનું જ નહીં. કોઈ મોટી સિદ્ધિ મેળવી હોય, દુનિયા વાહ-વાહ કરતી હોય ત્યારે પોતે પોતાના વિશે પોરસાઈને એક શબ્દ ન બોલવો, આત્મપ્રસંશા ન કરવી એને મૌન કહેવાય. આર્થિક સુધારાઓ કર્યા ત્યારે નરસિંહ રાવની આખી દુનિયામાં વાહ-વાહ થઈ છે, પરંતુ તેઓ પોતાના વિશે એક શબ્દ નથી બોલ્યા. ડૉ. મનમોહન સિંહની અમેરિકા સાથેની અણુસમજૂતી પછી અને માહિતીનો અધિકાર આપવા માટે પ્રશંસા થઈ છે, પરંતુ તેઓ પોતે પોતાના વિશે ક્યારે ય કશું નથી બોલ્યા. નરેન્દ્ર મોદી ગયા વર્ષે ચૂંટણીપ્રચાર દરમ્યાન ડૉ. મનમોહન સિંહને મૌનમોહન સિંહ તરીકે ઓળખાવતા હતા. ડૉ. મનમોહન સિંહ બહુ-બહુ તો મૌનમોહન સિંહ હતા, પણ ચૂપેન્દ્ર સિંહ નહોતા. મૌન અને ચુપકીદીમાં ફરક છે.
મૌન સ્થાયીભાવ છે, એને પ્રસંગોપાત્ત ઉપયોગમાં નથી લાવવામાં આવતો. ઓછું બોલનારાઓ હરખાવાની ક્ષણે પણ ઓછું જ બોલતા હોય છે. તેઓ ક્યારે ય ભાન ભૂલીને બોલતા નથી. આમ છતાં ડૉ. મનમોહન સિંહે હદની સ્થિતિ પેદા થાય અને પ્રજા બોલો-બોલોની માગણી કરતી હોય ત્યારે પ્રત્યક્ષ બોલવાની જગ્યાએ અખબારી નિવેદન બહાર પાડીને બોલ્યા જ છે. દિલ્હીમાં અણ્ણા હઝારેનું આંદોલન ચાલતું હતું કે નિર્ભયા સાથેના બળાત્કારનો કિસ્સો બન્યો ત્યારે તેમણે જાહેર નિવેદન બહાર પાડીને સરકાર વતી ખુલાસો કર્યો હતો. આવા હજી બીજા કેટલાક પ્રસંગો યાદ આવે છે. પ્રજા જ્યારે બોલો-બોલોનો પોકાર કરતી હોય ત્યારે આપદ્ધર્મ સમજીને નિત્યમૌની પણ મોઢું ખોલે, પણ એવી ક્ષણે નિત્યવક્તા મૂંગા રહે ત્યારે એને મૌન ન કહેવાય પણ ચુપકીદી કહેવાય.
ચુપકીદી એ ભાગેડુવૃત્તિ છે જ્યારે મૌન એ કાયમી સ્વભાવ છે. નરેન્દ્ર મોદી જે માર્ગ અપનાવી રહ્યા છે એ શોભાસ્પદ નથી. તેમની ઇમેજ ખરડાઈ રહી છે. શું હાથમાં આવી રહ્યું છે મૌન રહેવાથી? તેમને વળતો પ્રહાર થાય એનો ડર લાગે છે તો આ જગતમાં કયા નેતા સામે વળતો પ્રહાર નથી થયો? તમે પોતે તમારા પ્રતિસ્પર્ધી સામે વળતા પ્રહાર નથી કર્યા? ૫૬ ઇંચની છાતીનો દાવો કરવાનો અને શાબ્દિક પ્રહારોથી ભાગવાનું એમાં વિસંગતિ નથી? નરેન્દ્ર મોદી ભારતીય રાજકારણને રંગમંચ સમજે છે જેમાં તેઓ એકપાત્રી નાટકના અભિનેતા છે. ન મંચ પરથી કોઈએ બોલવાનું, ન શ્રોતાએ બોલવાનું. નરેન્દ્ર મોદી એક વાત ભૂલી જાય છે કે એકપાત્રી પ્રયોગનો પ્રેક્ષક પણ સભાગૃહમાં બેઠા-બેઠા અભિનેતાના અભિનયનું અને એકોક્તિઓનું મૂલ્યાંકન કરતો હોય છે.
મન કી બાતની એકોક્તિઓનું આકર્ષણ હવે ઝાંખું પડી રહ્યું છે એનું આ કારણ છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામે લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 30 જૂન 2015
http://www.gujaratimidday.com/features/columns/feature-columns-30-6-2015-5