લંડન કોલિંગ !- "જન્મભૂમિ પ્રવાસી"
કવિ કરસનદાસ માણેકનું ૧૯૩૩ના રસામાં લખાયું કાવ્ય ‘જ્યોતિધામ’ હમણાં હમણાં સતત સાંભરતું રહ્યું છે. કવિના ‘આલબેલ’ નામે કાવ્યસંગ્રહમાંનું, મંદાક્રાન્તા છંદમાં ઢાળેલું, એ એક સરસ મજાનું અને મને પ્રિય કાવ્ય છે. તે કાવ્યની જ આ પંક્તિ છે. ઉપરતળે, વહાલમાં, જાણે કે તરબોળ જ થઈ જવાય !
ગઈ ૨૮મી ફેબ્રુઆરીએ મારાં બાએ વિદાય લીધી. ૮૪ વરસનું આયખું આમ ટાઢું પડી ગયું. તે તારીખ વળી દિંવગત ચંદનબહેન પારેખને પણ વરી છે. બા કરતાં એ ૧૧ વરસે મોટાં. એકનો જન્મદિવસ, તો તે બીજાંનો મરણદિવસ. કેવો આ યોગાનુયોગ ! બંને વચ્ચે કેટલાંક બીજાંત્રીજાં સામ્યો ય છે. સંબંધમાં બંને વેવાણો. અમારાં જીવનમાં, આથીસ્તો, આવેલી આ બે અદ્ભુત માતાઓ. આમ જોઈએ તો જગતભરની બીજી અનેક માતાઓ જેવી જ સરસ, સાદી, સરળ. બંને ખૂબ મજાની મહિલાઓ. તેની પાર, વળી, બંને ઉત્તમ માણસ, જેનો જોટો, કદાચ, મને જડતો નથી ! બંનેએ જીવનલીલા સંકેલી તેને સારુ મહદ્ અંશે માનસિક – શારીરિક વ્યાધિઓ કારણભૂત રહેલી છે. રાધાબહેનને ડિમેન્શિયાની વસમી અસર રહી; ચંદનબહેનને પાર્કિન્સન્સ રોગ લાગુ પડેલો. કેટલીક મનવિક્ષપ્તિઓને કારણે ડિમેન્શિયાની અસર લાગુ પડતી હોય છે અને તેના એક નહીં હજારેક ઉપરાંત જુદા જુદા રુપ, સ્વરૂપ છે. જ્યારે પાર્કિન્સન્સ તે કંપ અને સ્નાયુની જડતાનાં લક્ષણોવાળો જ્ઞાનતંતુઓનો એક રોગ છે. આ બંને પ્રકારના રોગમાં, આમ, મગજ અગત્યનો એક પાયો છે.
વારુ, આ મુલકનાં પૂર્વ વડા પ્રધાન માર્ગારેટ થેચરને આવી માનિસક વ્યાધિની અસર બેઠી છે. ટેલિવિઝનના જાણીતા સમાચાર-વાંચક પત્રકાર જ્હોન સૂશેનાં પત્ની, બૉનીને પણ આવી અસર ભરડો લઈને બેઠી છે. દીકરી કેરલ થેચરે તાજેતરનાં તેમનાં એક પુસ્તકમાં માતા માર્ગારેટની પીડાને હૂબહૂ વાચા આપી છે. બીજી પાસ, જ્હોન સુશેએ અનેક મુલાકાતોમાં આ વ્યાધિની જાહેર છણાવટ કરી છે. આમ, અમારા મુલકમાં અનેક સ્તરે તેની હવે તલસ્પર્શી ચર્ચાવિચારણાઓ ચાલી છે. આપણા ગુજરાતી સમાજમાં પણ અનેક પરિવારોમાં આવીઆવી વ્યાધિઓએ દેખા દીધા કરી છે અને તેને કારણે કેટલીક તાણ ઊભી થતી જોઈજાણી છે. તેના વિવિધ દાખલાઓ સાંભળવા મળ્યા જ કરે છે. આ અને આવી વ્યાધિઓમાં સારસંભાળ આપતી વ્યક્તિઓને સહજપણે ઝાઝેરું વેઠવાનું આવે છે. કેટલીક વાર અણસમજને કારણે, કોઈક અધૂરપને લીધે, કે પછી, સાચીખોટી લાગણીઓની ઘેલછામાં સગાંસંબંધીઓ અને આપ્તજનો ગ્રહણની અસર અનુભવે છે અને ઉમાશંકર જોશી ગાય છે તેમ જાણે કે વર્તી પાડે છે :
માનવીના હૈયાને નંદવામાં વાર શી ?
અધબોલ્યા બોલડે,
થોડે અબોલડે,
પોચાશા હૈયાને પીંજવામાં વાર શી ?
આવી મર્યાદાઓને પામવી અને પચાવવી જ રહી.
ચંદનબહેનમાં નામ પ્રમાણે ગુણ. એમનું વ્યક્તિત્વ જ અનોખું હતું. એ નખશિખ પવિત્રની ભાવનાવાળાં બાઈમાણસ હતાં. જાતને ઘસતાં ઘસતાં એમણે કુટુંબને સતત સુગંધિત બનાવ્યું હતું. આથીસ્તો, એમની તપશ્ચર્યાનું બળ એમના ચારિત્ર્યમાં નીખરતું જોવા મળતું. આપણા અગ્રણ્ય કર્મશીલ લેખક દિવંગત હિમ્મત ઝવેરીએ ‘ઘટના અને સંવેદના’ પુસ્તકમાં લખ્યું છે : ‘મારી મોટીબહેન ચંદન … એણે ખાદી અપનાવેલી, જેના પ્રભાવ હેઠળ દાગીના પહેરવાનું એણે છોડી દીધેલું. મોટાઓમાં એના એ પગલા બદલ નારાજગી હોવા છતાં, ….. આમ, મારી બહેનની અસર પણ મારા પર પડેલી.’ હિમ્મતભાઈ વિશેષ લખતા હતા : ‘ખાદી અપનાવે છે, દાગીના પહેરે નહીં તો વર-મુરતિયો મેળવવો મુશ્કેલ બને તેવી પરિસ્થિતિ ત્યારે હતી. ૧૯૪૧માં એનું લગ્ન ગાંધીજીના આશ્રમમાં ઊછરેલા, અમારી ન્યાતના નહીં (તે દિવસોમાં ન્યાતની બહાર પરણવું લગભગ વર્જ્ય હતું, એ માટે શિક્ષા વહોરવાની આવે.) એવા કાન્તિભાઈ પારેખ સાથે, રવિશંકર મહારાજની વિધિથી ગોઠવાયેલું.’
પાછલી વયે, પાર્કિન્સન્સની બીમારીમાં શરીર કૃશ થઈ ગયું હતું. ધીમે ધીમે આસ્થાનું ય બળ ઓસર્યું હતું. એમણે આખરી દિવસમાં જાણે કે સંથારો લઈ ૩ સપ્ટેમ્બર ૧૯૯૨ના દિવસે વિદાય લીધી. આટઆટલે વરસે ય ચંદનબહેનના અનેક ગુણોનું એટલું જ આકર્ષણ રહ્યું છે. એમના જેટલી સંવેદનશીલતા બહુ ઓછામાં ભાળી છે. તંતોતંત પરગજુ પ્રકૃતિનાં ચંદનબહેનનો, વળી, જનસંપર્ક અજબગજબનો. એમનું નેટવર્કિંગ અફલાતૂન. બિઝનેસ મૅનેજમેન્ટનું ભણતર લેતાં વિદ્યાર્થીઓને સારુ એમનો દાખલો નમૂનારૂપ નીવડે ય ખરો !
બીજી પાસ, રાધાબહેને ત્રણત્રણ ભૂ ખંડોમાં અનેક તડકાછાંયડા દીઠા હતાં. જામનગર જિલ્લાના સેવક ધુણિયામાં ૧૮ એપ્રિલ ૧૯૨૫ના જન્મેલાં રાધાબહેન બાળપણથી જ દાદાદાદીનાં ભારે ચાગલાં. તેનું એક કારણ એ ય ખરું કે એમના બંને ભાઈઓનું બાયવયે જ મરણ થયેલું. પિતાને વ્યવસાય માટે ગામતરાં કરવા પડતા. આમ લંગોટિયા ભેરુબંધ વેરશી મેપા માલદે પાસે કેન્યાના થીકા નામક ગામે આફ્રિકે ગયા અને ત્યાં જ અવસાન પામ્યા. ત્યારે રાધાબહેન બહુ જ નાનાં. અને માતા ઝવેરબાઈએ તેમ જ દાદાદાદીએ એમને સાંચવી જાણેલાં. તેવા અરસામાં એમનું લગ્ન મૂળ જામ-ખંભાળિયાવાળા પણ આફ્રિકે ધંધોધાપો કરતા ભગવાનજી ઓધવજી કલ્યાણી સાથે થયું. આજની સરખામણીએ એમનું વય ત્યારે માંડ ચૌદપંદરનું. અને તે પછીનાં બીજાં ચૌદ વરસ કેડે જ એ પોતાને માવતરે જઈ શક્યાં હતાં.
ટાંગાનિકાના ઉત્તરીય પ્રદેશમાં, મેરુ પર્વત સમીપે, મુખ્ય ગામ અરુશામાં, અને તે પછી આફ્રિકાની જગવિખ્યાત ‘રિફ્ટ વેલી’ના ખીણપ્રદેશની અડોઅડ આવેલા, મન્યારા સરોવરવાળા ગીચ જંગલ વિસ્તારમાં, મ્ટો-વા-મ્બુ (મચ્છરોથી ભરીભરી નદી) નામે નાનાં અમથાં ગામડે એ સ્થાયી થયેલાં. એ ગામડામાં, ગારાના એક કાચા મકાનમાં મોટાભાઈ મગનભાઈ સંગાથે ભગવાનજીભાઈએ હાટડી માંડી હતી. અડોશપડોશમાં બેપાંચ ખોરડાઓ. જમણી બાજુ ચંચળબહેન-વાઘજીભાઈ પટેલની દુકાન. તેમની સામે જયાબહેન-રામજીભાઈ મેપા સચાનિયા તથા પુષ્પાબહેન-કરસનભાઈ મેપા સચાનિયાની સહિયારી દુકાન. તેમની અડોઅડ ઈબ્રાહિમભાઈની હાટડી. ચોપાસના તદ્દન જંગલ વિસ્તારમાં રાજાભાઈ ઓઘડ નામે એક મેરની વાડી. તો બીજી પાસ, ગામને બેત્રણ નદીઓ. તેમાંની એક નદીને કાંઠે કારતૂસ નામે એક ગોવનનો લાકડા વહેરવાનો ધંધો અને તેનું મથક. બસ, આટલાં જ, કહેવાય તેવાં ‘પોતીકાં’ માણસો. બાકીનાં બધાં જ સીદીઓ. ધરતીના એ દરેક છોરુમાં, માનવતાની, સમજણની વેલ ભરપેટ કૉળી હતી. એ ગામે વળી વીજળીના કોઈ દીવા નહીં. કરબોઈ નામે ટમટમિયું. રસ્તાઓ કાચા. વરસમાં બે ચોમાસાં – એક નાનું અને એક મોટું. ભર મોસમમાં આ રસ્તા પરથી વાહન જતું ય જોવા ન મળે. મુલક જર્મનોના તાબામાંથી અંગ્રેજોના તાબામાં હજુ તાજો જ ગયો હતો. ક્યારેક જર્મનો આવે, ક્યારેક અંગ્રેજો આવે, ક્યારેક ઇટાલિયનો ય આવે. સહેલાણીઓનો ધસારો પૂરબહારમાં હોય. મન્યારા સરોવરને કારણે હાથી, સિંહ, ગેંડા, જંગલી ભેંશ, જંગલી ગાય, જિરાફ, શાહમૃગ, અનેક પ્રકારનાં વાંદરાંઓ અને લટકામાં બીજાં અનેક રાની પશુઓનો જાણે કે ધણ સરીખો ઝમેલો. વળી, મચ્છરોનો એવો ત્રાસ મેં અન્યત્ર ક્યાં ય અનુભવ્યો નથી. અને તદુપરાંત, જ્યાં જ્યાં નજર ઠરે ત્યાં ત્યાં અનેક પ્રકારના સાપોના અટપટા આંટાફેરા. આ વચ્ચાળે, આ રાધાગૌરી નામે ચૌદ વરસની કન્યાએ ઘરસંસાર માંડ્યો હતો.
આખો મલક સહેલાણી ઉદ્યોગવાળો. મન્યારા સરોવર, સૅરેન્ગેટીનો વિશાળ પટ અને ન્ગોરોન્ગોરો ક્રેટરનો જગવિખ્યાત વિસ્તાર પણ અડખેપડખે. બહારનું લોક ખૂબ ઊમટે. પરોઢિયેથી મોડી રાત સુધીની તેવી તેવી અવરજવર. એમાં અનેક અતિથિઓ પણ હોય. એ સૌની કાળજીસંભાળ સાથેની સરભરા રાધાબહેન હોંશૈહોંશૈ કરે. − અને અરુશા વિસ્તારમાં ૧૯૬૭ સુધીનો સમય એ પાછોતરે ગાળે છે, અને પછી ભારતમાં ૧૯૮૪ સુધી વાસ કરી, સંતાનો પાસે આ મુલકે આવી વસે છે.
અમારાં માવતરે અમારા ઉછેરમાં કચાશ અને મણાં રાખી જ નહોતી. એમની પાસે દોથો ભરાય એટલું નાણું ક્યારે ય થયું જાણ્યું નથી. પણ દ્વારકાધીશની ધજાપતાકા જેમ બાવન હાથને પન્ને ફરફર કરતી સોહે છે, તેમ, એવડી આબરુભેર, બંને માવતરોએ, ખાસ કરીને, બાએ અમને મોટાં કર્યાં છે અને થાળે પાડ્યાં છે.
બાનું વ્યક્તિત્વ એટલું જ કામણગારું રહ્યું છે. એમનાં મોં પરે હંમેશ હાસ્ય, ચેપી જ હાસ્ય, સદાય મરકમરક ડોકાયાં જ કરતું હોય. એમનું અંતિમ દર્શનમિત્રો પાસેથી જાણ્યું છે. નયનાબહેન-પ્રકાશભાઈ શાહ, અશોકભાઈ કરણિયા તેમ જ પાર્વતીબહેન-મંગુભાઈ પટેલને એ ચેપી સ્મિત, સંતોષ અને કોઈક પ્રકારની આભાનું તેજ એમના મોં પરે અંતીમ ક્ષણે ય નીખરતું જોવા સાંપડેલું. … વારુ, બીજાંને મદદરૂપ નીવડવાનો એમનો પરગજુ સ્વભાવ. સહિષ્ણુતાનો ય કુબેર શો ભંડાર. કરુણાનો જાણે કે હીલોળા લેતો મહાસાગર. માનવ માનવ વચ્ચે સમભાવની ગિરનારી વૃત્તિ. ઊંચનીચના ભેદભાવ પણ ક્યાં ય નહીં. ઓરશિયા પરે લસોટાતાં સુખડની પેઠે ચોમેર પ્રસરી જવાનાં જાણે કે લક્ષણ. …. આવા ગુણોથી સભરસભર બાનું એટલું જ દેદીપ્યાન વ્યક્તિત્વ. કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરે ગાયું જ છે ને :
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતાં ખૂટે ન એની લહાણ રે.
… જનની જોડ સખી ! નહીં જડે રે લોલ !’
સાહિત્યકાર મિત્ર રાજેન્દ્ર પટેલ લખતા હતા : હવે તમારાં બા પણ જગતની માતાઓમાં પરિવર્તિત પામ્યાં છે. આથીસ્તો, કવિ રામનારાયણ વિશ્ર્વનાથ પાઠક, ‘શેષ’ની જબાનમાં, દરેક માતાને પાયલાગણ કરતાં કરતાં મન મૂકી ગાઈશું :
પરથમ પરણામ મારા, માતાજીને ક્હેજો રે
માન્યું જેણે માટીને રતંનજી;
ભૂખ્યાં રહૈ જમાડ્યા અમને, જાગી ઊંઘાડયા, એવાં
‘કાયાનાં કીધલાં જતંનજી’.
પાનબીડું :
તેમાં નહોતો રજ પણ મને ખેંચવાનો પ્રયાસ,
નો’તો તેમાં અવગણનના દુ:ખનો લેશ ભાસ !
જ્યોતિ લાધે ફક્ત શિશુને એટલી ઉરકામ :
મોડી મોડી ખબર પડી, બા, તું જ છો જ્યોતિધામ !
− કરસનદાસ માણેક