બદામીમાં આવેલ ગુફા સ્થાપત્યો પર્વતના ઢાળે ઢાળે રેતિયા પથ્થરોમાં કોરાયેલી કવિતા છે. શ્રમ લઈ ચઢાણ ચઢવાં પડે અને તે પછી છઠ્ઠી સદી અને સાતમી સદીની આ ગુફાઓ જોતાં આંખોમાં ભરી લેવાનું મન થાય. પથથરના સ્તંભો અને દીવાલોમાં દ્વારપાળથી માંડી, કથાનકોમાંનાં દેવદેવીઓનાં શિલ્પો જોઈ, તેને બનાવનાર શિલ્પકારોને નમન થઈ જાય. ૧લી ગુફામાં શિવ, ૨જી અને ૩જી ગુફામાં વિષ્ણુ, ૪થી ગુફામાં મહાવીર બિરાજે છે. અત્યંત મહત્ત્વ ધરાવતી વાત એ છે કે એક શિલા પર કન્નડ લિપિમાં નાનકડો ઇતિહાસ કોરાયેલો છે. પ્રાકૃતિક રીતે જ બનેલી એક પાંચમી ગુફામાં ચાર પગે અંદર જાઓ તો બુદ્ધ દર્શન થશે. આપણા પૂર્વજો (વાંદરાઓ) નીચેથી ઉપર સુધી મોટી સંખ્યામાં આધિપત્ય જમાવી બેઠાં છે; તેમની પાસેથી આવું ચાલવું શીખી શકાશે. પૂર્વજ સમજી માન આપવાની કાળજી નહીં રાખો, તો તમારા હાથમાંથી સામાન છિનવાઈ જાય તેવું પણ બને !
કર્ણાટક રાજ્યના બાગલકોટ જિલ્લા સ્થિત બદામી શહેરના એક છેવાડે બદામી-રેતિયા પહાડ પર આવેલ ગુફાઓ, પર્વતો કોરી બનાવેલ, ગુફા સ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ સ્થાપત્યો છે. લગભગ છઠ્ઠી સદીમાં બનેલા આ સ્થાપત્યો ચાલુક્ય વંશના રાજાઓના સ્થાપત્ય પ્રેમ અને તે સમયમાં પ્રવર્તતા સ્થાપત્યજ્ઞાનનાં સૂચક છે. લગભગ બસો વર્ષ સુધીના આ વંશના રાજાઓના શાસન સમયમાં બનેલાં સ્થાપત્યો કળા અને કળાકારોની શ્રેષ્ઠ ઉપલબ્ધિ છે. બદામી પર્વત ચઢતાં જઈએ અને સ્થાપત્યોનાં શિખરોને આંખથી હૃદયમાં ભરતાં જઈએ. જ્યારે ટોચ પર પહોંચીએ ત્યારે શાંતિના મહાદૂત અને અવતાર ભગવાન મહાવીરને પ્રણામ કરીએ. અહીં ગુફાના પ્રાંગણમાંથી બહાર નજર ફેરવીએ ત્યાં નીચે રેવીન નદીના મુખમાંથી સરી આવતાં જળથી બનેલાં સુંદર સરોવરનાં દર્શન થાય છે. આ સરોવર અગત્સ્યતીર્થ સરોવર તરીકે ઓળખાય છે.
પહેલી ગુફા શિવ મંદિર છે. આ શિવમંદિરના પ્રવેશદ્વાર પર બન્ને બાજુ દ્વારપાળો આપણી ઓળખ પૂછવા ઊભાં છે. તેમને આપણે ધ્યાનથી અવલોકીશું કે અવગણી આગળ વધીશું તો તેઓ જાણી જવાના કે આપણે કયા પ્રકારના મહેમાન છીએ. તેમને અવલોકવા એ સ્વયં અદ્દભુત અનુભવ છે. જે સ્થાપત્યોની આપણે મુલાકાતે આવ્યાં છીએ, તેનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે. અવહેલાં નહીં, સન્માનના તેઓ અધિકારી છે. આપણે જેમને ઇષ્ટ માનીએ છીએ તેની તેઓ રક્ષા કરે છે. આયુધો અને આભૂષણોથી સજ્જ દ્વારપાળોના મુખ પર સચેત ભાવ છે. તેમની રજા લઈ આગળ વધીએ એટલે જમણી બાજુએ તાંડવનૃત્ય મુદ્રામાં અઢાર ભુજાઓ, ભુજાઓ દ્વારા અભિનીત નૃત્યસંજ્ઞાઓ દાખવતી આ કળામય પ્રતિમા પાંચ ફૂટ ઊંચી છે. બે બાજુ ફેલાયેલી ભુજાઓની ભાવભંગી અને તેની વિભાવના કોઈ કુશળ નૃત્યકાર સમજાવી શકે. ત્યાંના માર્ગદર્શકે તે સમજાવવાની કોશિશ તો કરી, પરંતુ આપણી સમજક્ષિતિજની સીમા ટૂંકી પડતી લાગે. તેમ છતાં આ દ્વિપાર્શ્વ પ્રતિમાનું લાલિત્ય એટલું આકર્ષક છે, ત્યાંથી હઠવાનું મન ન થાય પરંતુ ઉભરાતાં મુલાકાતીઓનો ધક્કો કે આપણે કેટલાં મૂર્ખ છીએ તે અંગેનો ગણગણાટ સાંભળી આગળ વધવું પડે. આ શિવપ્રતિમા ઉપરાંત નંદી, નૃત્ય કરતાં ગણપતિ, દીવાલો પર નાનાં નાનાં અનેક ગણ શિલ્પો, નાગરાજ, છત પર સ્પષ્ટ અને વિલય થયેલ શિલ્પોના અંશો જોવા મળે છે. શિવપ્રતિમા જેમ જ અત્યંત ધ્યાનાકર્ષક પ્રતિમા મહિષાસુરમર્દિનીની છે. આટલી સદીઓ પછી પણ અક્ષુણ્ણ રહેલી આ પ્રતિમાના દરેક અંગઉપાંગ અને અભિવ્યક્ત મુખભાવ દર્શનીય છે. ગાંધર્વ, વિદ્યાધરો અને દેવપ્રતિમાઓને નામથી ઓળખવા વેદપુરાણની જાણકારી જોઈએ. નાગરી અને દ્રવિડયન સ્થાપત્ય રચનારીતિથી બનેલાં આ ગુફા મંદિરો વાસ્તુશાસ્ત્રને અનુસરે છે. પ્રવેશમંડપ, મહામંડપ, અને ગર્ભગૃહ છે. આ મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ છે. ગર્ભગૃહ સ્વાભાવિક રીતે જ ગુફાના અંતભાગમાં હોવાથી અંધારિયા છે. પરંતુ આંખો ટેવાઈ જાય પછી ઇષ્ટદેવની પ્રતિમા જોઈ ભાવકોમાં ભક્તિની સરવાણી વહે.
જે જોયું તે વાગોળવા ગુફાની બહારના ઓટલે વિરામ લઈ વધુ ઊંચે જવાનું છે.
જ્યાં જતાં દેહ થાકે, પરંતુ તેને જોતાં આંખ ન થાકે તેવાં આ શિલ્પો જોવા, બીજી ગુફાના દ્વારે પહોંચીએ. દ્વારપાળોનાં શિલ્પો આપનું સ્વાગત કરવા હાથમાં કમળ લઈ ઊભાં છે. અહીં તમે તો ‘આવ્યાં હરિને દ્વાર’. દ્વારપાળની ભૂમિકા રક્ષણની છે એટલે તેમની આંખોમાં સચેત ભાવ દર્શાવ્યો છે. ગુફાની અંદર પૂર્વ અને પશ્ચિમ દીવાલો પર ભાવરથ અને ત્રિવિક્રમના વિશાળકદનાં શિલ્પો છે. છત ઉપર બ્રહ્મા, અનંતશાયી વિષ્ણુ અને મહેશ કોતરાયેલા છે. આઠ ખૂણે અષ્ઠ દિગ્પાલોનાં શિલ્પો છે. ગુફા પ્રમાણમાં નાની, પરંતુ મુલાકાતીઓ વધારે એટલે અંધારામાં જોવા આંખો કેળવવી પડે.
મંદિરોનાં સ્થાપત્યો જોવાં સમયે આપણે પુરાણો, મહાભારત, રામાયણ વગેરેમાં કથિત વાર્તાઓની જાણકારી ધરાવતાં હોઈએ તો શિલ્પોની પરખ વધુ રસદાયક બને. તેવું ન પણ હોય તો એ રસક્ષતિ નહીં થાય તેની તમને ખાતરી આપું છું. શિલ્પો જોવાની અને તેને માણવાની રીતો અનેક છે, પરંતુ સાદી અને સીધી સમજ સાથે આ શિલ્પોનું સૌન્દર્ય જરૂર જ માણી શકાય. સૌન્દર્યનું પરિમાણ આંખોથી ઊતરી હૃદયને સ્પર્શે અને મનને પ્રસન્ન કરે તેથી અધિક શું ! પ્રતિમાનિર્માણનું શાસ્ત્ર ભલે આપણે જાણતા ન હોઈએ પરંતુ પ્રતિમાને જોતાં જ જે ભાવનિર્માણ થાય તે તો જરૂર અનુભવી શકીએ. આ ગુફામાં, આ ગુફા ક્યારે નિર્માણ થઈ એનો સમય ૫૭૮ સાલનો દર્શાવતો શિલાલેખ કોરાયેલો છે. નિર્માણ સમયનો આ ઐતિહાસિક પુરાવો છે.
આ ગુફામાં વિષ્ણુનાં રૂપોનાં ખૂબ જ સુંદર શિલ્પો છે. જેમાં પરાવાસુદેવ, ભૂવરથ, હરિહરા અને નરસિંહના વિશાળકદનાં અદ્દભુત શિલ્પો છે. આ ઉપરાંત સ્તંભો, સ્તંભોની નીચેની કુંભી અને ઉપરની કુંભી (breket) પરની કોતરણી આકર્ષક અને મનોહર છે. શિલ્પોને સ્પર્શી તેની પર હાથ ફેરવવાની લાલચ રોકી ન શકનારા મુલાકાતીઓને લીધે શિલ્પો ઘસાયા છે અને ખંડિત પણ થયા છે. અહીં છત પર, કોઈક સમયે ચમકતા રંગો સાથેનું ચિત્રકામ ઝાંખું પડી ગયું છે તો પણ હજુ ‘ભાંગ્યું તોએ ભરુચ’ની કહેવત સત્યાર્થ કરતું ટક્યું છે.
જે પ્રમાણે પુરાતત્ત્વવાળાએ ક્રમ આપ્યો છે તે મુજબ ચોથી ગુફા પર્વતની ટોચ પર આવેલી છે, જેનું સપાટ અને વિશાળ પટાંગણ ખૂબ સુંદર છે. તેને રક્ષણ આપવા પથ્થરોમાં જ કુદરતી બનેલી પાળી પાસે ઊભા રહી જોઈએ તો નીચે અગત્સ્યતીર્થ તળાવ અને સૌન્દર્યમંડિત પરિસરનાં દર્શન થાય છે. આ ગુફામાં જવા થોડાં પગથિયાં ચઢવાનાં છે, પરંતુ નીચેથી જ જોતાં પણ તેમાં બનેલાં શિલ્પોની વિશાળતા અને ભવ્યતાથી પ્રભાવિત થવાય છે. આ જૈન ગુફા છે. એક શિલા પર આ ગુફા નિર્માણને ૧૨મી સદીની તવારીખ આપે છે, પરંતુ ઘણાં આ શિલા પાછળથી મૂકેલી હોય તેવું ધારે છે; અને ગુફા આઠમી સદીમાં બની છે તેવું અનુમાન કરે છે. આ ગુફાના દરેક સ્તંભ પર અને દીવાલો પર જૈન તીર્થંકરોનાં શિલ્પો કોતરાયેલાં છે. આ ઉપરાંત ગુફાના પ્રવેશદ્વારની બન્ને બાજુએ અને સામે ગવાક્ષોમાં જાતકકથાઓનાં શિલ્પો તેમ જ યક્ષ, યક્ષિણી વગેરેનાં શિલ્પો છે. આ ઉપરાંત બાહુબલીના વિશાળકદનાં શિલ્પો છે. ગર્ભગૃહમાં જવા થોડાં વધુ પગથિયાં ચઢી ગયાં પછી અંધારાંને ઓછો કરતા દીવાના પ્રકાશમાં મહાવીર સ્વામીની પ્રતિમાનું શિલ્પ છે.
આમ તો આ ગુફા પછી પાંચમી ગુફા જોવા નીચે ઉતરવાનું છે અને થોડાં જતનપૂર્વક બાજુએ આવેલી ગુફા કરતાં પ્રાકૃતિક રીતે જ બનેલી બખોલમાં ચાર પગે અંદર જવું પડે. શાંતિથી વિરાજમાન બુદ્ધની નાનકડી પ્રતિમા કોરાયેલી જોવા મળશે. બુદ્ધનો સંદેશ છે કે શાંતિ મેળવવા ક્યાં ય જવાની જરૂર નથી આપણે આપણા સ્વયંના અંતર સુધીનું જ અંતર કાપવાનું રહે છે.
નીચે ઊતરી આવીએ એટલે આ બદામી પર્વતની સામે જ એક મસ્જિદ પણ આવેલી છે. એ જૂની હોવાની શક્યતા છે, પરંતુ એ સમયે પ્રવેશ ન હતો. રામાયણના હનુમાન સૂરજને આંબવા ઊડેલા, અહીંના હનુમાનજી મુલાકાતીઓનાં હાથમાં કે બસની ઉપર બાંધેલા સામાનને લક્ષ્ય બનાવી ઉપાડી જાય કે ફાડી પણ નાખે. કૃપા કરી પ્રણામ કરવાની ધૃષ્ટતા કરશો નહીં !
ભાતીગળ ભારતની ઓળખ અહીં વસતાં માણસોમાં છે, પરંતુ તેમની સંસ્કૃિતને પોતાનામાં સાચવી બેઠાં છે આ મૌન સ્થાપત્યો. ઇતિહાસની નાનકડી યાત્રા કરી આપણે તેમની સમક્ષ ઊભાં રહીએ તો તેમની એ મૌન વાણી આપણામાં ‘આપણે આવાં છીએ’નું ગૌરવ –અસ્મિતાની ઓળખથી પ્રસન્નતા ભરી દેશે.
અસ્તુ.
e.mail : kanubhai.suchak@gmail.com