૮૨ વર્ષની ઉંમરે કોઈ લેખક થાકીને પોતાની કલમ મૂકી દે તો આપણે એને એનો અંત નહિ કહીએ. અને એ વાત જો અનંતમૂર્તિ જેવા લેખકની હોય તો એમ કહેવું તે આપણી મૂઢતા જ ગણાશે. કેમ કે એમણે જિંદગીભર કલમને મશાલની જેમ ઊંચી પકડી રાખી અને સળગતી રાખી. આપણું દુર્ભાગ્ય છે કે આપણે આપણા દેશને અંગ્રેજીની બારી મારફતે જ જોઈએ છીએ, ઓળખીએ છીએ, એટલે અનંતમૂર્તિ કે અજ્ઞેય જેવી પ્રતિભાઓ એવી રાષ્ટ્રીય ઓળખ નથી મેળવી શકતા. જેવી એમની સાધના હતી એવી સાધનાનો પડકાર છોડીને તેઓ ગયા છે.
ઉદૂપી રાજગોપાલાચાર્ય અનંતમૂર્તિ કન્નડના લેખક વિચારક હતા, એમ કહેવું તે કબીર ઉત્તરપ્રદેશના વણકર કવિ હતા, એના જેવું છે. આપણું પાત્ર જેટલું નાનું હોય છે, દરિયો કંઈ એટલો નાનો થોડો જ હોય છે, આપણે એમાંથી એટલું જ પાણી લાવી શકીએ છીએ જેવું આપણું પાત્ર હોય છે અથવા જેવી આપણી આંતરિક તરસ હોય છે. અનંતમૂર્તિ સમગ્ર ભારતના બરના સાહિત્યકાર વિચારક હતા.
અનંતમૂર્તિ એ અર્થમાં સાહિત્યકાર નહોતા. તેઓ પોતાના વિચારોની સાથે જીવતા હતા. સમજદારી તો એમાં માનવામાં આવે છે જેમાં જીવવાનું અલગ અને વિચારવાનું અલગ. તેઓ આનાથી અલગ પ્રકારના હતા, લખવું, વાંચવું, વિચારવું, બોલવું તમામ વિચારપૂર્વક કરતા હતા, એટલે આ પ્રમાણે હંકારતા નહોતા. તેઓ રાજકારણમાં હતા અને પક્ષીય રાજકારણમાં માનતા હતા. સમાજવાદીઓમાં એમનું આગવું સ્થાન હતું. રામકૃષ્ણ હેગડે, જ્યૉર્જ ફર્નાન્ડીઝ, જે.એચ. પટેલ, વગેરે મિત્રોની સાથે તેમના ગાઢ સંબંધો હતા. તેઓ દરેક પ્રશ્નમાં પોતાનો અભિપ્રાય આપતા હતા. એટલું જ નહિ, જોરદાર રીતે આપતા હતા, એને કારણે ક્યારેક-ક્યારેક વિવાદાસ્પદ પણ બની જતા હતા. પણ તેમની બૌદ્ધિક પ્રામાણિકતા પર ક્યારે ય કોઈએ શંકા નથી કરી. પ્રાથમિક શાળાઓમાં માધ્યમ કન્નડ હોવું જોઈએ, તે બાબતમાં ત્યાં ઉગ્ર ચર્ચાઓ થઈ. આજના બજારવાદમાં માનનારાઓ બૅંગાલુરુના આઈટી હબ બનાવનારાઓએ એનો વિરોધ કરી અંગ્રેજીને માધ્યમ બનાવવાનો પ્રયત્ન કર્યો. તે વખતે અનંતમૂર્તિ કન્નડ ભાષાની તરફેણમાં કૂદી પડ્યા. બરમિંઘમ વિશ્વવિદ્યાલયમાંથી ડૉક્ટરેટ કરીને આવેલા, અંગ્રેજીના વિદ્વાન અધ્યાપક, કોટ્ટાયમ સ્થિત મહાત્મા ગાંધી વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ, ભારતીય જ્ઞાનપીઠ-સન્માનથી વિભૂષિત, પદ્યભૂષણ, નેશનલ બુક ટ્રસ્ટ અને સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રહી ચૂકેલા વ્યક્તિ અંગ્રેજીની વકીલાત ન કરે અને ઈન્ફોસિસના કરામતી અધ્યક્ષ નારાયણમૂર્તિની સાથે એ બાબતમાં ઝઘડી પડે કે કન્નડ ભાષાને એનું પ્રમુખસ્થાન મળ્યા પછી જ અંગ્રેજી વગેરેની ચિંતા કરવી જોઈએ, ત્યારે એવું લાગે છે કે આ માણસના હાથમાં કલમને બદલે કોઈક મશાલ છે, એક સાહિત્યકાર તરીકે એમણે પોતાનું તમામ લખાણ કન્નડ ભાષામાં જ કર્યું.
અનંતમૂર્તિ સંસદની ચૂંટણી પણ લડ્યા હતા અને ધારાસભાની ચૂંટણી પણ લડ્યા હતા. બંનેમાં હારી ગયા હતા. પણ કોઈએ ક્યારે ય એમના હેતુ વિશે શંકા નથી કરી. એમનું કદ વિરાટ જ રહ્યું. એમનું આ વિરાટ કદ કન્નડ ભાષા પૂરતું જ સીમિત નથી રહ્યું. સમગ્ર દેશમાં વ્યાપ્ત હતું. તેઓ પોતાના સમયના ભારતના સૌથી સમર્થ બૌદ્ધિકોમાંના એક હતા.
સાંપ્રદાયિક બળોની સામે હંમેશાં ઝૂઝવાની તૈયારી અને પછાતપીડિત જાતિઓ-વર્ગોની સાથે ઊભા રહેવાનું સાહસ – ગાંધીએ આ બે કસોટીઓ મૂકી હતી, બૌદ્ધિક હોવાની. એને કારણે ભારતીય સમાજમાં બૌદ્ધિક હોવાનો મતલબ જ આ બે કસોટીઓમાંથી પાસ થવું એવો થઈ ગયો હતો. અનંતમૂર્તિ આ બંને ભૂમિકાઓમાં એવી પ્રખરતાથી જીવ્યા હતા કે એમની સાથે ઊભા રહેવામાં હિંમત જોઈતી હતી.
એક લેખકની આંતરિક દુનિયા અને એક બૌદ્ધિકનું સાહસ જ્યારે જ્યારે કોઈ વ્યક્તિમાં સાકાર થશે, ત્યારે આપણને ત્યાં અનંતમૂર્તિ ઊભેલા દેખાશે, કેમકે મશાલ ક્યારે ય બુઝાતી નથી. કોઈક નવા હાથોની ઇંતેજારીમાં સળગ્યા કરે છે.
(સંપાદન અનુવાદક : મોહન દાંડીકર)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2015, પૃ. 09 અને 11