અમરેલીની નદીને સામે કાંઠે એક સાધુ રહેતો હતો. ઉનાળાના તાપમાં તૃષાતુર ગાયો સીમમાંથી દોડી આવે. નદીમાં જળશૂન્ય રેતી જોઈને નિ:શ્વાસ નાખી ગાયો પાછી વળે. બાવાજીની ઝૂંપડીએ જઈને ઊભી રહે; આઘેઆઘેથી પાણી ખેંચી લાવીને બાવો એ ટળવળતી ગૌવાઓને થોડું થોડું પીવરાવે.
એક દિવસ બાવો આંગણાની અંદર પોતાના ચીપિયા વતી ભોંયમાં ખોદતો હતો. રોજ પ્રભાતે ઊઠીને ખોદવા લાગ્યો. પણ નાજુક ચીપિયાના ઘા તે કેટલાક ઊંડા જાય? સીમમાંથી આવતા ખેડુનું ધ્યાન ખેંચાયું. પૂછતાં એ પાગલ બાવાએ ઉત્તર વાળ્યો કે ‘ઢોરને પાણી પીવાડવા કૂવો ખોદું છું.’ બીજું કશુંયે બાવો બોલ્યો નહિ. એના સ્વરમાં આજીજી નહોતી, લાચારી નહોતી, મદદ માટેની માગણી નહોતી.
બીજા દિવસના બપોર થયા. સીમમાંથી સાંતીડાં પાછાં વળ્યાં. પ્રત્યેક સાંતી ઉપર અક્કેક મોટો પથ્થર. બધા પથ્થરો બાવાની ઝૂંપડી પાસે ઠલવાયા. રોટલા જમીને ખેડૂતો આવ્યા, કોદાળી પાવડો સાથે લાવ્યા. બાવાજીના ચીપિયાએ નિશાની કરેલી તે જમીનમાં કૂવો ખોદાવા લાગ્યો. રોજ આવીને ખેડૂતો પથ્થર ઠલવે; બપોર પછી સાંતી બંધ થાય, ને કૂવો ખોદાય. જોતજોતામાં કૂવો ખોદાયો. ખેડૂતોની બાયડીઓએ આવીને મદદ કરી. પથ્થર વડે પાકો કૂવો બંધાયો. આજ ગાયો, ભેંસો ને બળદો ત્યાં પાણી પીએ છે. બાવો હયાત નથી. એની મઢૂલી મોજૂદ છે. ચીપિયાના ઘા અફળ નથી ગયા.
આપણે ગૌપૂજક હિંદુ જાત. કતલખાનાંની અંદર વરસે વરસે હજારો ગાયોનાં ગળાં રેંસાતાં સાંભળી આપણે હાહાકાર કરી મૂકીએ; નવાં કતલખાનાં ખોલાય તે સામે સભા ભરી આપણે સખત વિરોધનો ઠરાવ કરીએ.
પશુપરિષદો ભરનારા, ચંદ્રકો જીતનારા અને પ્રેક્ષક બનીને ઠરાવો ઝીલનારા કેટલા જણને આંગણે અક્કેક દુઝાણું દેખ્યું છે? ક્યા ગૌબ્રાહ્મણપ્રતિપાળે ગૌચરની જમીનો દબાવી નથી દીધી? ગામડાંનાં પશુઓ ખરીદ કરનારા, ને પરદેશમાં માંસચરબી માટે મોકલી દેનારા હિંદુઓ છે કે નહિ? અને પોતાનાં ઢોર પૈસાના લોભે વેચી નાખનારા બીજા કોણ છે?
‘ગોમાંસના ભક્ષકો’ તરીકે આપણે પરદેશીઓને નિંદીએ છીએ, પણ એને ત્યાંનું ગૌ-પાલન જોયું છે? એની ગાયો જબ્બર ભેંસો જેવી; શરીરો પર બગાં કે ઈંતડીનું નામ ન મળે: કસદાર ઘાસનાં ગૌચરો; છીંક આવે એવી સાફ ગમાણો. સળી ઊભી રહે એવું ઘાટું દૂધ એ ગાયો કેમ ન આપે?
ક્યાં ગયા પેલા પુનિત દિવસો જ્યારે હિંદુને આંગણે આંગણે અક્કેક દુઝાણું બંધાતું? બાલિકાઓ પ્રભાતે ઊઠી ગાયમાતાનાં કપાળમાં કંકુનો ચાંદલો કરતી, નાનાં બચ્ચાંઓ વાછડાવાછડીને નદીએ લઈ જઈ ધમારતાં, ઈંતડીઓ ચૂંટી કાઢતાં, ગળે ટોકરી બાંધતાં, વાછડાનાં મોં પર બચ્ચી કરતાં. ડોકે બાઝીને આલિંગન આપતાં, ઘરમાંથી ચોરીચોરીને દાણા કે રોટલો ખવરાવતાં; હિંદુ રમણીઓ આઘે આઘે વગડામાંથી ઘાસ વાઢી લાવતી, ખોળ-કપાસીઆ ખરીદી આવતી, અધરાતે દૂધ જમાવતી, પરોઢીએ છાશ ઝેરવતી, ઘી બચાવી બચાવીને દીકરીઓને કરિયાવરમાં દેવા પૂંજી એકઠી કરતી, છાશ આપી આપીને પાડોશીની આંતરડી ઠારતી; અને પુરુષોની પથારીઓ તો રાત્રીએ ગમાણની પાસે જ પડતી. બેચાર વાર રાતમાં પુરુષો ગાયોને નીરણ કરે, લગાર સંચાર થતાં લાકડી લઈને પુરુષ જાગી ઊઠે. ક્યાં ગયા એ દિવસો, જ્યારે આંગણેથી ઢોર વેચવું પડે ત્યારે દિવસોના દિવસો સુધી ઘરના પરિવારને ખાવું ન ભાવે, ને ઢોર મરે ત્યારે બચ્ચાં ધ્રુસકે ને ધ્રુસકે રડે, બાયડીની આંખમાંથી બોરબોર જેવડાં પાણી પડે !
શહેરોમાં કોટ્યાધિપતિ વૈષ્ણવો પડ્યા છે. એને જો કૃષ્ણ-ગોપાળની ધેનુ વહાલી હોય, તો ગાયોને પોતાના મહેલમાં નભાવી લે. આજ તો વેરાનમાં બેઠો બેઠો ગોપાલ કલ્પાંત કરે છે. એની વહાલી ધેનુઓ આજે કપાય છે. આજ પ્રત્યેક પશુની દયામણી આંખોમાં કનૈયો રડી રહ્યો છે.
હિંદુઓને મન ગૌરક્ષા પરમ ધર્મ છે. પણ ધર્મ તો હવે એક વેચવા-ખરીદવાની વસ્તુ થઈ પડી, નહિ તો માત્ર કસાઈખાને જતી ગાયોને લખલૂટ નાણાં આપી છોડાવવામાં જ આપણે સંતોષ ન માની બેસત.
ગામડાંને આંગણે આંગણે, સાધુસંતોને આશ્રમે આશ્રમે ને પ્રત્યેક રાષ્ટ્રીયશાળાની અંદર પશુઓના ખીલા ખોડાશે ને સંકટને સમયે જેમ આપણાં સંતાનોને આપણે નથી વેચી મારતા, પ્રાણ જાય ત્યાં સુધી પાળીએ છીએ, તેવી જ રીતે પશુડાં પળાશે તો જ બચાશે.
[મિલાપની વાચનયાત્રા : 1950 // પાના નં: 70 થી 72]