સાહિત્યનું નોબેલ પ્રાઇઝ દર વરસે અપાય છે. નોબેલવિનર એ ભાઈ કે એ બહેનની ગ્રેટનેસના આપણા માટે તો સમાચાર જ હોય છે. આપણે તો મૂળ ભાષા પણ ન જાણતા હોઈએ. અંગ્રેજી અનુવાદ વાંચ્યો હોય તો વાંચ્યો હોય. મોટાભાગે, એટલું પણ નથી બનતું. ખરેખર, કશું જ વાંચ્યું નથી હોતું, એ ગ્રેટનેસના ‘ગ’ લગી પણ પ્હૉંચ્યા નથી હોતા. બાકી એ જાણવું જરૂરી હોય છે કે એવી કઈ સાહિત્યિક વિશેષતાને કારણે વ્યક્તિ નોબેલપાત્ર બની.
કોઈપણ સાહિત્યકારની સૃષ્ટિના મને થયેલા રસાનુભવ વિના બોલવું કે લખવું મને કદીપણ ગમતું નથી. છતાં, સાહિત્યના માણસ તરીકે કર્તવ્ય એ બને છે કે આપણા સાહિત્યસમાજમાં આવા પ્રસંગ વિશે નાની નૉંધ મૂકીએ.
૨૦૨૨-નું નોબેલ ફ્રૅન્ચ સ્ત્રી-સાહિત્યકાર Annie Ernaux-ને અપાયું છે. નોબેલ અપાયું એ પૂર્વે છેક ૧૯૭૭-થી એમને ૧૩-૧૪ જેટલા ઍવૉર્ડ્સ અપાયા છે. એમના નામનો, સરખો ફ્રૅન્ચ ઉચ્ચાર કરવો જોઈશે – ઍની ઍર્નો. આમ તો લેખકની અટક લઈને વાત કરવાનો રિવાજ છે, પણ મને ઍર્નો ઍર્નો કરતાં ન ફાવે. એટલે ઍની કહીશું.
Pic courtesy : Saturday Paper
સ્વીડિશ અકાદમી જણાવે છે કે નોબેલ ઍનીનાં ધૈર્ય અને તીવ્ર નિર્વૈયક્તિકતા અર્થે છે, એ વડે એ અંગત સ્મૃતિનાં મૂળિયાં, દ્વેષ અને સામુદાયિક નિયન્ત્રણોને છતાં કરે છે. (કામચલાઉ ભાવાનુવાદ).
ઍની ૮૨ વર્ષનાં છે. નૉર્મન્ડીના એક નાના કસબામાં જન્મ્યાં છે, ૧૯૪૦-માં. માતાપિતા ત્યાં કાફે-કમ-ગ્રોસરી સ્ટોર ચલાવતાં’તાં. ઍની ભણવા માટે શરૂમાં લન્ડન ગયેલાં, ફ્રાન્સ પાછાં આવ્યા બાદ યુનિવર્સિટીઓમાં કેળવણી મેળવી અને ‘આધુનિક સાહિત્ય’ વિષયમાં ૧૯૭૧-માં ડીગ્રી મેળવી. ૧૯૭૭-થી ૨૦૦૦ દરમ્યાન સૅન્ટર નૅશનલ દ’ઑનસેન્યુમૉં કૉરસ્પૉન્ડન્સમાં, નેશનલ સૅન્ટર ફૉર ડિસ્ટન્સ ઍજ્યુકેશન-માં, પ્રૉફેસર હતાં.
ફિલિપ ઍર્નો સાથે લગ્ન થયેલાં, ૮૦-ના દાયકામાં બન્ને છૂટાં થયાં, બે દીકરા છે.
૭૦-ના દાયકાથી લખે છે, એમનાં ૨૦ પુસ્તકો છે. શરૂમાં ઍની કલ્પનોત્થ લેખનમાં રસ ધરાવતાં’તાં, ધીમે ધીમે આત્મકથનાત્મક તરફ વળી ગયાં. ૧૯૭૪-થી લખે છે, ૪૮ વર્ષથી – સુદીર્ઘ સાહિત્યિક કારકિર્દી.
પહેલી મનાયેલી કૃતિ, “ક્લીન્ડ્ આઉટ” આત્મકથનાત્મક નવલકથા છે. આત્મકથનાત્મક “એ મૅન્સ પ્લેસ”-માં પિતા સાથેના સમ્બન્ધો અને ઉછેર તેમ જ ક્રમે ક્રમે યૌવનાવસ્થા અને ઘરથી દૂર પ્હૉંચી જવાની ઝંખનાનું આલેખન છે. “ધ યર્સ” એમની આત્મકથા છે. એને પ્રી રેનુદુ ઍવૉર્ડ અપાયો છે. અંગ્રેજીમાં અનૂદિત થયા પછી એ પુસ્તક ૨૦૧૯-ના મૅન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ માટે શૉર્ટ-લિસ્ટ થયેલું. એમનાં અનેક પુસ્તકોના અંગ્રેજીમાં અનુવાદ થયા છે, ‘સેવન સ્ટોરીઝ પ્રેસે’ પ્રકાશિત કર્યા છે.
ઍની એમની સાહિત્યસૃષ્ટિમાં હમેશાં હાજર રહ્યાં છે. જાતને રજૂ કરે, જાતનાં દર્દ આલેખે અને તે કશી પણ શરમ વિના, સંકોચ વિના.
એમની સૃષ્ટિમાં છે : નાની વયે અનુભવાયેલો બળાત્કાર. પહેલવારકા જાતીય અનુભવો, આવેગસભર લગ્નેતર ઍફેર. માતાપિતાનાં મૃત્યુ. વગેરે. ૬૦-ના દાયકામાં એમણે ખાનગીમાં ગર્ભપાત કરાવેલો, જ્યારે ગર્ભપાત ફ્રાન્સમાં કાયદેસર ન્હૉતો. એ વિશે એમણે એક નાના પુસ્તક રૂપે વાર્તા લખી છે, “હૅપનિન્ગ”. એમણે એમાં કહ્યું છે : મારા જીવનનો ખરો હેતુ તો મારું શરીર જ ને ! મારું લેખન બનનારાં મારાં સંવેદનો અને મારા વિચારો જ ને ! બીજા શબ્દોમાં કહું તો, અન્યોની જિન્દગીમાં અને તેમના ચિત્તમાં મારું અસ્તિત્વ ભળી જાય એવું મારું કંઈક બુદ્ધિગમ્ય અને વૈશ્વિક હોય એ જ ને …
વાત એમ હતી કે ૧૯૬૩માં ઍની ૨૩ વર્ષની હતી, અન્ઍટૅચ્ડ. એને થાય છે, પોતાને ગર્ભ રહ્યો છે. ઍનીમાં શરમ કશા ચેપની જેમ પ્રસરી જાય છે. પોતાને અને પરિવારને સામાજિક નિષ્ફળતા મળશે એ વિચારે એને થાય છે કે પોતાથી બાળક ન જ રાખી શકાય. આ વાર્તા “હૅપનિન્ગ”-માં છે. ૪૦ વર્ષ પછી ઍનીએ “હૅપનિન્ગ” લખ્યું. એ આઘાતથી તેઓ કદીપણ મુક્ત ન થઈ શક્યાં.
એક સ્ત્રી કશાં શરમ કે સંકોચ વગર પૂરી નીડરતાથી લખે એ ઘણું નૉંધપાત્ર લેખાવું જોઈએ. નારીના જીવનાનુભવનાં ઘણાં રહસ્ય એના શરીરમાં તો છુપાયાં હોય છે !
“સિમ્પલ પૅશન”-માં ઍની જણાવે છે : એવી બાબતો વિશે લખતાં સ્વાભાવિક રીતે જ મને કશી શરમ નથી આવતી, કેમ કે લખાઈ જાય એ ક્ષણને અન્યો દ્વારા વંચાશે એ ક્ષણથી જુદી પાડનારો સમય, હું ધારું છું, કદી પાછો નથી આવતો. કેમ કે પછી, મને ઍક્સિડન્ટ નડે કે હું મરી જઉં; યુદ્ધ કે ક્રાન્તિ શરૂ થઈ જાય. એને કારણે, મને ગમે છે, આજે જ લખી નાખવું. એ જ વિલમ્બથી મારું લેખન નિર્ણિત થાય છે. એ જ રીતે, સોળની વયે હું બળબળતા તાપમાં પડી રહેલી, કે, શું થશે એની લગીરેય ચિન્તા કર્યા વિના વીસની વયે કૉન્ટ્રાસૅપ્ટિવ વિના સમ્ભોગ કરેલો, એમ કહેવામાં મને સંકોચ નથી થતો. (કામચલાઉ ભાવાનુવાદ).
એક વાર એમણે કહ્યું છે કે – કોઈ સ્ત્રી એવી રીતે જીવતી હોય કે પોતાના અનુભવો ક્યારેક લખી નાખવા માટે છે, એટલે પછી મેં મને સાહિત્યકાર બનાવવાનું શરૂ કર્યું.
ઍનીની સૃષ્ટિનાં ત્રણ રસાયન ધ્યાનમાં આવશે : આત્મકથનાત્મક વિષયવસ્તુ, અતિ તીવ્ર દાઝભરી પ્રામાણિકતા, અને ખુલ્લા આકાશ જેવી નિ:સંકોચ અભિવ્યક્તિ.
એમની સૃષ્ટિનો આન્તરનાદ નારીપક્ષે છે.
એમનું એક ચર્ચાસ્પદ અને રસપ્રદ પુસ્તક છે, “ગૅટિન્ગ લૉસ્ટ”. અંકિતા ચક્રવર્તી જણાવે છે કે “ગૅટિન્ગ લૉસ્ટ” એક રશિયન ડિપ્લોમેટ સાથેના ઍનીના વળગણસમા – ઑબ્સેસિવ – ઍફેરનું રૅકૉર્ડિન્ગ છે; પ્રેમીઓનું ટૉટેમ છે – કુળદેવતા. પ્રેમીઓ ઍનીની માફક પ્રેમમાં ખોવાઈ જાય તો એમને કેન્દ્રમાં પાછાં લાવનારું ગાઈડ છે.
અંકિતા કહે છે કે સૅક્સનાં નિરૂપણો બાબતે ઍનીનો જોટો જડે એમ નથી. ઍનીની સૃષ્ટિમાં શરમ નામની ચીજ છે જ નહીં. ઇચ્છા એમાં ઇચ્છાઓને જન્માવે છે. મૃત્યુ વિશેનો આવેગ, સુખાશા અને ભૂતકાળનો આઘાત – ટ્રૉમા – અને ઍનીના ગૅરકાયદેસરના ગર્ભપાતની વાત; તેમછતાં, ક્યાં ય અપમાન કે માનહાનિકારક નિરૂપણ જોવા નથી મળતું. શરમ તો કામઝંખનાથી પેદા થાય છે પણ ઍનીની સૃષ્ટિનું વાચન આપણા એ ખયાલને શુદ્ધ કરી નાખે છે.
ફ્રાન્સમાં વર્ષોથી જાણીતાં છે. એમની સૃષ્ટિને કામૂ કે સિમૉં દ બુવા વગેરેની તુલનામાં જોવાય છે. ઍનીનો ‘અવાજ’ ૨૦૨૦-નાં નોબેલપ્રાઇઝવિનર લૂઇસ ગ્લિકના ‘અવાજ’ જેવો જ રુક્ષ પણ કરુણાસભર છે. વિશ્વને એ બન્ને નારી શાન્ત અને સુસ્થિર દૃષ્ટિથી નીરખે છે, બન્ને, ઓછામાં ઓછા શબ્દોથી વધુમાં વધુ પ્રભાવ ઊભો કરે છે.
= = =
(October 7, 2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર