ભારતને આઝાદી મળી ત્યારે અને એ પછીનાં ઘણાં વર્ષો સુધી અત્યારનાં બંધારણીય રાષ્ટ્ર સામે સૌથી મોટો ખતરો સામ્યવાદનો નજરે પડતો હતો. મોટા ભાગના કૉન્ગ્રેસીઓને આમ લાગતું હતું જેમાં અપવાદ હતા; મહાત્મા ગાંધી અને ઘણે અંશે જવાહરલાલ નેહરુ. ગાંધીજીએ સામ્યવાદની જરા ય ચિંતા કરી નહોતી અને તેની વિચારધારાને ખાસ સમજવાનો પણ પ્રયાસ કર્યો નહોતો. તેમણે સામ્યવાદની લગભગ ઉપેક્ષા કરી હતી. જવાહરલાલ નેહરુએ સામ્યવાદી વિચારધારા સમજવાનો પ્રયાસ કર્યો હતો, કેટલીક બાબતોથી પ્રભાવિત પણ થયા હતા, પરંતુ તેઓ સામ્યવાદી વિચારધારાથી એટલા ભયભીત નહોતા જેટલા બીજા કૉન્ગ્રેસીઓ હતા.
એ વાત જુદી છે કે તેમણે ૧૯૫૯માં કેરળની પહેલી ચૂંટાયેલી સરકારને બરતરફ કરી હતી, પરંતુ એ નિર્ણય તેમનો પોતાનો ઓછો હતો, કૉન્ગ્રેસનો વધુ હતો. જવાહરલાલ નેહરુને સામ્યવાદ કરતાં હિન્દુત્વવાદી વિચારધારાનો ભય વધુ હતો. તેઓ જાણતા હતા કે બહુમતી કોમવાદ એટલે ફાસીવાદ અને તેનો ચહેરો સામ્યવાદ કરતાં ઓછો વિકરાળ નથી. ભારતમાં હિંદુઓ બહુમતી ધરાવે છે અને ઉપરથી ઇતિહાસમાં કાયમ પરાજિત હોવાની લઘુતાગ્રંથિ ધરાવે છે. નેહરુના સાહિત્યમાં હિન્દુત્વવાદીઓનો ભય બતાવનારાં જેટલાં કથનો મળશે એટલાં સામ્યવાદીઓનો ભય બતાવનારાં નહીં જડે. હિન્દુત્વવાદીઓને નેહરુ સાથે દુશ્મની છે એનું કારણ આ છે.
સામ્યવાદનો એ સમયે ભય હોવા માટે કેટલાંક કારણ હતાં. એક તો રશિયા અને ચીન જેવા બે મોટા દેશોએ સામ્યવાદી શાસન સ્વીકાર્યું હતું અને એ બંને દેશો ભારતની નજીક છે. એક સમયે ત્રીજા ભાગની દુનિયા સામ્યવાદી હતી. અમેરિકાએ અને રશિયાએ આખા જગતને સામ્યવાદ અને મૂડીવાદમાં વહેંચી દીધું હતું અને એવું ધ્રુવીકરણ કર્યું હતું કે જગતમાં મૂડીવાદ અને સામ્યવાદ સિવાય બીજો કોઈ મોટો પ્રશ્ન જ ન હોય. બંને પક્ષો વિચારધારાઓનો પ્રચંડ પ્રચાર કરતા હતા અને એમાં જૂઠ અને પ્રોપેગેન્ડાનો પણ આશરો લેતા હતા. ઉદ્યોગપતિઓએ સામ્યવાદનો હાઉ પેદા કર્યો હતો અને તેઓ લોબિંગ કરીને ભારત જેવા ત્રીજા વિશ્વના દેશોના શાસકોને, રાજકીય પક્ષોને, પત્રકારોને અને વિચારકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરતા હતા. આને કારણે એક સમયે એવું લાગતું હતું કે વર્તમાન ભારતીય રાષ્ટ્ર સામે મોટો ખતરો સામ્યવાદનો છે.
આવું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ માનતો હતો. ‘બંચ ઑફ થૉટ’ નામનાં પુસ્તકમાં ગોલવલકર ગુરુજીએ એક કરતાં વધુ વખત કહ્યું છે કે હિન્દુત્વવાદીઓની આખરી લડાઈ સામ્યવાદ સામેની હશે. આવ અનેક કારણે મોટાભાગનાં કૉન્ગ્રેસીઓને એમ લાગતું હતું કે ભારત સામે સૌથી મોટો ખતરો સામ્યવાદનો છે સામ્યવાદ સામેની લડાઈમાં હિન્દુત્વવાદીઓની મદદ લેવી જોઈએ. તેમાંના કેટલાક (કેટલાક નહીં, મોટાભાગના) કૉન્ગ્રેસીઓ એમ માનતા હતા કે હિન્દુત્વવાદીઓ મૂર્ખાઓની જમાત છે એટલે તેમની ઝાઝી ચિંતા કરવાની જરૂર નથી. એ પ્રાચીન યુગમાં જીવે છે અને પ્રાચીન ભારતની મહાનતાની યાદ મમળાવીને પોતાની દુનિયામાં રાજી રહે છે. એટલે હિન્દુત્વવાદીઓનો ઉપયોગ સામ્યવાદને ખાળવા માટે અને તેની સાથે મુસ્લિમ કોમવાદ સામે સંતુલન પેદા કરનારા સાધન તરીકે કરી શકાય છે અને તેમાં જોખમ ઓછું છે.
આમ વાસ્તવિકતા એ છે કે ભારતમાં હિન્દુત્વને જે પોષણ મળ્યું છે તેમાં મોટી સંખ્યામાં કૉન્ગ્રેસીઓનો અને સમાજવાદીઓનો હાથ છે. આમાંના કોઈએ કલ્પના કરી નહોતી કે ભારતીય રાષ્ટ્રને નકારનારાં પરિબળોમાં હિન્દુત્વવાદીઓ બાજી મારી જશે. એ સમયે ભારતીય સમાજનું આકલન કરવામાં જે ભૂલ કૉન્ગ્રેસીઓ અને સમાજવાદીઓએ કરી હતી એમ મુસલમાનોએ (મુસ્લિમ નેતાઓએ) પણ કરી હતી. તેમને એમ લાગતું હતું કે કોમી બહુમતીવાદ હિંદુઓનાં સ્વભાવમાં નથી એટલે મુસ્લિમ લઘુમતી રાજકારણ કરવામાં કોઈ જોખમ નથી. તેમને એમ પણ લાગતું હતું કે હિંદુઓ આપસમાં સંપ્રદાય, પેટા-સંપ્રદાય અને જ્ઞાતિના ધોરણે વિભાજીત છે એટલે હિંદુઓનો ધર્મ આધારિત બહુમતી રાષ્ટ્રવાદ વિકસવાની શક્યતા નહીંવત્ છે. જાણીતા મુસ્લિમ વિદ્વાન રફીક ઝકરિયાએ એક વાર મને આમ કહ્યું હતું.
પરિણામે બન્યું એવું કે કેટલાક કૉન્ગ્રેસીઓ અને સમાજવાદીઓ હિન્દુત્વવાદીઓને ગંભીરતાપૂર્વક નહોતા લેતા. તેમનો સામ્યવાદ સામે ઉપયોગ કરતા હતા, તેમનો ખાસ તો મુસ્લિમ કોમવાદ સામે ખપ મુજબ જોઈએ એટલા પ્રમાણમાં ઉપયોગ કરતા હતા, કેટલાક મુસ્લિમ નેતાઓ હિંદુઓની બાબતમાં નિશ્ચિંત રહીને લઘુમતી કોમવાદી રાજકારણ કરતા હતા, કેટલાક મુસ્લિમ નેતાઓ મુસલમાનોને વોટબેંકમાં ફેરવાવાનો પ્રયાસ કરતા હતા અને તેના પ્રતિસાદમાં સેક્યુલર રાજકીય પક્ષોના શાસકો તુષ્ટિકરણ કરતા હતા. આ એક પક્ષ થયો. બીજા પક્ષે કૉન્ગ્રેસને સત્તામાંથી હટાવવા માગતા ગેર-કૉન્ગ્રેસી રાજકીય પક્ષો જનસંઘ/બી.જે.પી.ને સાથે રાખવામાં સંકોચ કે ડર નહોતા અનુભવતા. ડૉ. રામમનોહર લોહિયાએ તો ગેર-કૉન્ગ્રેસવાદની થિસીસ વિકસાવી હતી. ખૂદ જયપ્રકાશ નારાયણે ૧૯૭૪-૧૯૭૭માં હિન્દુત્વવાદીઓની મદદ લેવામાં નહોતો ડર અનુભવ્યો કે નહોતો સંકોચ અનુભવ્યો.
ટૂંકમાં દરેકનો રાજકીય એજન્ડા હતો અને દરેકનો રાજકીય સ્વાર્થ હતો અને તેમાં હિન્દુત્વવાદીઓનો ખપ હતો. હિન્દુત્વવાદીઓનો સાથ લેનારાઓમાંથી અને તેમનો ઉપયોગ કરનારાઓમાંથી, કોઈ કહેતા કોઈને ય હિન્દુત્વવાદીઓનો ફાસીવાદી ચહેરો નજરે નહોતો પડ્યો અને જેમને એવો ચહેરો નજરે પડ્યો હતો તેણે તેની ખાસ ચિંતા કરી નહોતી. રહી વાત નાગરિક સમાજની તો તેણે પણ હિન્દુત્વવાદીઓની ઠેકડી ઊડાડીને તેમને ગંભીરતાથી લીધા નહોતા. કૉન્ગ્રેસની ઈજારાશાહી, એકાધિકારશાહી અને ભ્રષ્ટાચાર સામેનો અણગમો એટલો તીવ્ર હતો કે નાગરિક સમાજમાંથી પણ ખાસ કોઈએ હિન્દુત્વવાદીઓનો રાજકીય ઉપયોગ કરવામાં આવે અને સાથે લેવામાં આવે તેનો વિરોધ કર્યો નહોતો. બહુ દૂર જવાની જરૂર નથી. ૨૦૧૧નાં અણ્ણા હજારેનાં ભ્રષ્ટાચાર-વિરોધી આંદોલનને યાદ કરો. કેટલા સેક્યુલર વિચારકોએ ત્યારે હિંદુરાષ્ટ્રવાદ માટે રસ્તો ખુલ્લી રહ્યો હોવાની ચેતવણી આપી હતી? આંગળીને વેઢે ગણી શકો એટલા માંડ હશે.
આમાં અપવાદ હતા જવાહરલાલ નેહરુ. નેહરુ સતત એમ કહેતા હતા કે ઘરની અંદરના દુશ્મનને ઓછો અંક્વાની ભૂલ નહીં કરતા. તેમણે હિન્દુત્વવાદીઓને ગંભીરતાથી લીધા હતા અને ક્યારે ય તેમને હસી નહોતા કાઢ્યા. હિન્દુત્વવાદીઓએ કમસેકમ એક બાબતે નેહરુનો આભાર માનવો જોઈએ. જ્યારે તેમની મદદ લેનારાઓ ઠેકડી ઊડાડીને બાજુમાં બેસાડતા અને સાથે લેતા હતા તેમ જ આપતા હતા ત્યારે નેહરુએ તેમની ઠેકડી નહોતી ઊડાડી. ક્યારે ય બાજુમાં નહીં બેસવા દીધા એનો ભલે રોષ હોય, પણ જ્યારે આખું જગત ઠેકડી ઉડાડતું હતું ત્યારે નેહરુએ ઠેકડી નહોતી ઊડાડી એની કદર તો કરવી જ જોઈએ. નેહરુએ હંમેશ તેમને ભારતીય રાષ્ટ્રના દુશ્મન નંબર એક તરીકે જ જોયા હતા. નેહરુએ હિંદુઓની સહિષ્ણુતા અને ડહાપણને પણ ગૃહિત નહોતું માન્યું. પરાજિત માનસે પેદા કરેલી લઘુતાગ્રંથિની તેમને જાણ હતી.
આજે સ્થિતિ આપણી સામે છે. સામ્યવાદ તો ક્યારનો ય ભૂલાઈ ગયો છે. ભારતમાં સામ્યવાદીઓને ક્યારે ય મોટી સફળતા મળી નહોતી. ભારતની આઝાદીને અધૂરી ગણાવનારા અને બંધારણને નકારનારા દલિતોએ ડૉ. આંબેડકરને એકલાને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખાવીને બંધારણ માટે પોરસાય છે અને બંધારણને એક દલિતની રચના તરીકે ઓળખાવે છે. દલિત નેતાઓ બંધારણ કેટલું સમજ્યા છે અને બંધારણનિષ્ઠ રહીને કેટલું રાજકરણ કરે છે એ જુદો પ્રશ્ન છે. ડૉ. આંબેડકરને ગાંધીની બરાબરી કરનારા આઇકન બનાવવા હોય તો બંધારણને તેની સાથે જોડવું જરૂરી છે, જ્યારે કે ડૉ. આંબેડકરને સામાજિક સમાનતાના પ્રતિક બનાવવા જોઈએ.
આમ કોઈએ ધાર્યું નહોતું એમ અને કોઈએ ગંભીરતાપૂર્વક જેની ચિંતા કરી નહોતી એ હિન્દુત્વવાદીઓ ભારતીય રાષ્ટ્રને અને બંધારણને નકારનારાઓમાં મેદાન મારી ગયા છે. હવે જે નુકસાન થવાનું હતું એ તો થઈ ગયું. હવે શું?
ભારતના નાગરિકો પાસે ત્રણ વિકલ્પ છે.
એક છે સર્વસમાવેશક લોકતાંત્રિક સેક્યુલર રાષ્ટ્રમાં જો અફર નિષ્ઠા હોય તો તેને બચાવવા માટે અહર્નિશ ઊહઊહાપોહ કરતા રહેવું જોઈએ જેમ આ લખનાર કરે છે. વિરોધ બી.જે.પી.નો કે નરેન્દ્ર મોદીનો નથી, તેમની કલ્પનાના હિંદુ રાષ્ટ્રનો છે. હિંદુ રાષ્ટ્ર એટલે બહુમતી કોમવાદી રાષ્ટ્ર એટલે કે ફાસીવાદ. જે આમ માને છે તેમણે જે બની રહ્યું છે તેના પર ચાંપતી નજર રાખવી જોઈએ.
બીજો વિકલ્પ. જે નાગરિકો એમ માને છે કે હિંદુ રાષ્ટ્ર પણ કોઈને અન્યાય નહીં કરનારું, માથાભારે ન હોય એવું, દરેક રીતે નરવું રાષ્ટ્ર હોય એ સંભવ છે તો તેમણે હિંદુ રાષ્ટ્રવાદીઓને મોઢામોઢ પૂછી લેવું જોઈએ કે તમારી હિંદુ રાષ્ટ્રની કલ્પના સ્પષ્ટ કરો. કોઈ ખોટી માગણી છે? એક વાર બતાવી દો કે તમે અમારા ભારતને કેવો આકાર આપવા માગો છો. આવી રીતે ટૂકડે ટૂકડે નહીં, જે રીતે સર્વસમાવેશક, લોકતાંત્રિક સેક્યુલર રાષ્ટ્રને ઘડનારાઓએ રાષ્ટ્રની આખી સળંગ કલ્પના રાખી હતી એ રીતે તમે રાખો. અમને ગળે ઊતરશે તો અમે સાથ આપીશું. આ દેશમાં હિંદુ બહુમતીમાં છે એટલે કોઈને અન્યાય નહીં કરનારું પણ હિંદુઓનું વિશેષ કલ્યાણકરનારું રાષ્ટ્ર અમને માન્ય છે. નરવું હિંદુ રાષ્ટ્ર શક્ય હોય અને તેમાં તમે માનતા હો તો તમે કોઈ મોટો ગુનો નથી કરતા. માત્ર નરવું હિંદુ રાષ્ટ્ર શક્ય છે કે કેમ એ વિચારી જુઓ અને હિંદુ રાષ્ટ્રવાદીઓને પ્રશ્નો પૂછીને તેનું સ્વરૂપ સમજી લો.
અને ત્રીજો વિકલ્પ, જે નાગરિકોને અન્યાય કરનારા માથાભારે હિંદુ રાષ્ટ્ર સામે વાંધો નથી તેમણે ખુલ્લી રીતે બહાર આવવું જોઈએ. તમારો તે અધિકાર છે અને તેમાં શરમાવાની જરૂર પણ નથી. માત્ર તેનું અંતિમ પરિણામ કેવું આવશે એ કોઈ વિચારી શકનારા ડાહ્યા માણસને પૂછી જોવું જોઈએ. એવા માણસને પૂછો જેના પર તમારી શ્રદ્ધા હોય. આપ્તજનના પ્રમાણને ભારતીય ન્યાયશાસ્ત્રમાં માન્યતા આપવામાં આવી છે. આ સિવાય બહુમતી રાષ્ટ્રવાદના દુનિયામાં થયેલા પ્રયોગ પર પણ એક નજર કરી લેવી જોઈએ. બહુમતી રાષ્ટ્રવાદનો પ્રયોગ ભારત અને હિંદુઓ પહેલીવાર નથી કરી રહ્યા. જે દેશોમાં આવો પ્રયોગ થઈ ચુક્યો છે તેનાં પરિણામ તપાસી જુઓ.
એ પછી નક્કી કરવાનું કે પાછા ફરવું છે કે આગળ વધવું છે. નિર્ણય તમારો હોવો જોઈએ. કોઈ રમાડે અને આપણે રમીએ એ બેવકૂફી છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 માર્ચ 2020