ગુજરાતનું આંતરિક રાજકારણ ધ્રુવીકરણનું રહ્યું છે પણ કેન્દ્રિય સ્તરે રાજ્યના નેતાએ પોતાનો પ્રભાવ જાળવવામાં પાછી પાની નથી કરી
ચૂંટણીનું રણશિંગું દૂર દૂરથી સંભળાતું હવે કાનની સાવ પાસે આવીને વાગી રહ્યું છે. ૨૩મી તારીખે આપણે ત્યાં, ગુજરાતમાં મતદાન થશે. ૨૦૧૯ની ચૂંટણીનાં પરિણામ દેશની ઓળખ અને તેના તાણાવાણા બંન્નેને ઘડવામાં બહુ મોટો ફાળો ભજવનારી સાબિત થશે. આમ તો ઉત્તર પ્રદેશ અને બિહાર, આ બન્ને રાજ્યને લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવે છે. કહેવાય છે કે દિલ્હીનો રસ્તો ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાંથી પસાર થાય છે. ઉત્તર પ્રદેશે દેશને અત્યાર સુધીમાં આઠ વડાપ્રધાન આપ્યા છે. દરેક પક્ષ માટે ઉત્તર પ્રદેશની વ્યૂહરચના સૌથી મહત્ત્વની રહે છે. કૉન્ગ્રેસનાં ઉદય અને પતન માટે તથા ભા.જ.પા.ને દિલ્હીની સત્તા અપાવવામાં પણ આ રાજ્યોની, તેમાં ય ખાસ કરીને ઉત્તર પ્રદેશની મહત્તા ખૂબ રહી છે. જો કે આપણે ઉત્તર પ્રદેશ કે બિહારની મહત્તાની નહીં પણ આપણા ગુજરાતનાં મહત્ત્વની ચર્ચા કરવી રહી.
આમ જોવા જઇએ તો ગુજરાત રાજ્યની ભૂમિકા કેન્દ્રમાં સરકાર બનાવવા માટે બહુ અગત્યની નથી રહી, છતાં પણ તેનો પાવર નકારી શકાય તેમ નથી. ગુજરાતમાં બેઠકના આંકડા અન્ય રાજ્યોની સરખામણીએ ઓછા છે, એટલે ગુજરાત ‘મેકર સ્ટેટ’ ન ગણાય એ ખરું, પરંતુ છતાં ય આઝાદી પછીનાં સિત્તેર વર્ષનાં શાસનમાં ગુજરાત રાજ્યનું કેન્દ્રનાં રાજકારણ પર વ્યક્તિગત વર્ચસ્વ હંમેશાંથી રહ્યું છે. ગુજરાતનાં રાજકીય ઇતિહાસમાં કેન્દ્ર સુધી અને એ પણ વડાપ્રધાન પદે પહોંચવાને મામલે નરેન્દ્ર મોદી પહેલાં બે જ નામો યાદીમાં છે. ગુલઝારીલાલ નંદા તો એક્ટિંગ વડાપ્રધાન હતા, એટલે ગણતરીનાં દિવસોમાં તે ગાદી પરથી ઊતરી ગયા, પણ ઇંદિરા ગાંધીને હરાવનારા મોરારજી દેસાઇનું નામ ગુજરાતી વડાપ્રધાન તરીકે દરેકની સ્મૃતિમાં અંકિત છે. ગુજરાતનાં ઇતિહાસ પર નજર કરીએ તો ક્રાંતિ કરવી એ ગુજરાતનો સ્વભાવ રહ્યો છે, પછી એ મુઘલકાળની વાત હોય કે બ્રિટિશરો સામેની લડત હોય. ગુજરાતનાં રાજકારણના ઇતિહાસમાં સાંઇઠના દાયકા પછીથી માંડીને સિત્તેરના દાયકાની શરૂઆત વચ્ચેનો સમય ઇંદિરા ગાંધી અને મોરારજી દેસાઇ વચ્ચેની ચડસાચડસીનો રહ્યો.
સિત્તેરના દાયકામાં ક્ષત્રિય, કોળી, વાણિયા અને આદિવાસીનો જાતિવાદ પણ રાજકારણમાં અગત્યનો ફાળો ભજવવા માંડ્યો. આ એ સમય હતો જ્યારે કૉન્ગ્રેસમાં (ઓ) અને (આર) એમ ફાંટા પડી ચૂક્યા હતા, અને આ ફાંટા પડ્યા એ પહેલાં પક્ષને બ્રાહ્મણો અને વાણિયાઓનો બહુ મોટો ટેકો હતો અને પટેલો રાજકારણમાં સક્રિય થયા એટલે આ બંન્ને જ્ઞાતિઓનું તેજ જરા ઝાંખુ પડ્યું. આ બધાં વચ્ચે ચિમન પટેલ મુખ્ય મંત્રી બન્યા અને ગુજરાતનાં રાજકારણ પર પટેલોની પકડ મજબૂત બની. ત્યારે કેન્દ્રમાં સત્તા લાવવામાં ભલે ગુજરાતનું મહત્ત્વ ન હોય પણ દિલ્હીનાં રાજકારણમાં તેમનો પ્રભાવ નોંધપાત્ર હતો. જો કે ગુજરાતમાં જ્ઞાતિ અને જાતિનું રાજકારણ ચિમન પટેલના નેતૃત્વ પછી બદલાયું. વળી કૉન્ગ્રેસની ખામ થિયરી એટલે કે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસલમાન પણ ૧૯૭૫ની સાલમાં ખૂબ ચાલી હતી, પણ તેનો પ્રભાવ ગુજરાતનાં રાજકારણ પણ અમુક સમય સુધી ચોક્કસ રહ્યો, તેને કેન્દ્ર સાથે સ્વાભાવિક રીતે જ કોઇ જોડાણ નહોતું. પણ એંશીના દાયકામાં કૉન્ગ્રેસને ‘ખામ’નો ફાયદો મળ્યો. માધવસિંહ સોલંકી તથા અમરસિંહ ચૌધરી જેવા મુખ્યમંત્રીઓને પગલે પછાત વર્ગ અને આદિવાસીઓના નેતૃત્વને ઓળખ મળી.
ગુજરાત નંબર્સની દ્રષ્ટિએ ક્યારે ય પણ કેન્દ્રનાં રાજકારણ માટે અગત્યનું નહોતું પણ ગુજરાતમાં જે પણ મુખ્યમંત્રી આવતા તેને કારણે ગુજરાતની મહત્તામાં ફેર પડતો. ગુજરાતમાં આંતરિક રાજકારણ હંમેશાં જાતિ-જ્ઞાતિની ચોપાટ પર જ ખેલાતું. સાંઇઠના દાયકા પછીનાં વીસ વર્ષ દરમિયાન કૉન્ગ્રેસનાં રાજમાં બે બાબતો બની. એક તો કૉન્ગ્રેસનો વોટર બેઝ વિસ્તર્યો જેમાં પછાત વર્ગો અને મુસલમાનો ઉમેરાયા, જેને કારણે આ બન્ને રાજકારણમાં પણ મહત્ત્વના બન્યા, અને સાથે કૉન્ગ્રેસ પાર્ટી ઉચ્ચ જ્ઞાતિવાળાને જ મહત્ત્વ આપે છેની માનસિકતા પણ બદલાઇ. જો કે આ વ્યૂહરચનાને પગલે ઉચ્ચ જ્ઞાતિઓને નવા બનેલા પક્ષ ભા.જ.પા.માં મળેલું મહત્ત્વ ‘વ્હાલું’ લાગ્યું.
કૉન્ગ્રેસનાં પતનની ધીમી શરૂઆત થઇ. ભા.જ.પા.એ પહેલાં તો સ્થાનિક તંત્રમાં પગપેસારો કર્યો. ગ્રામીણ સ્તરે સંઘ પરિવારે પોતાની પહોંચ વિસ્તારી. બહુ વ્યૂહાત્મક રીતે શહેર અને ગામડાંમાં ભા.જ.પા.એ પોતાની જમાવટ કરી. ભા.જ.પા.નો ચહેરો ઉભરવા માંડ્યો હતો ખરો, પણ હજી રાષ્ટ્રીય સ્તરે પહોંચવાને વાર હતી. ૧૯૮૪ની લોકસભાની ચૂંટણીમાં ભા.જ.પા.ને માત્ર બે બેઠક મળી હતી. જેમાંની એક ગુજરાતનાં મહેસાણાનાં એ.કે પટેલની જીતથી મળી હતી. આ ભા.જ.પા.નાં ધીમા પણ મક્કમ પગલાંની પહેલી ‘પા પા પગલી’ હતી એમ કહી શકાય. ભા.જ.પા. માટે ગુજરાત એ હિંદુત્વની લેબોટરી સાબિત થયું. પચાસના દાયકામાં શરૂ થયેલી રામજન્મભૂમિની હિલચાલને અડવાણીનુ નેતૃત્વ મળ્યું. ૧૯૮૪માં મંદિર આંદોલને વેગ પકડ્યો અને ૧૯૯૦ના દાયકામાં રામ મંદિરનાં નિર્માણના હેતુ સાથે અડવાણીએ દેશભરમાં રથયાત્રા શરૂ કરી, જેની શરૂઆત ગુજરાતના સોમનાથથી કરવામાં આવી. વિશ્વ હિંદુ પરિષદના આખલાએ માથું ઊંચક્યું અને બાબરી ધ્વંસની ઘટના ૧૯૯૨ની સાલમાં થઇ.
આ બધાંની વચ્ચે વળી જેણે ક્યારે ય રાજકારણમાં સીધેસીધું નથી ઝંપલાવ્યું એવા પ્રવીણ તોગડિયાએ અમદાવાદમાં રહ્યે રહ્યે ‘હિંદુત્વ લેબોરેટરી’ના નાના-માટો-જંગી પ્રયોગો કર્યે રાખ્યા. તેનું યોગદાન ગમે કે ન ગમે એ પછીની વાત છે, પણ તેની ગણતરી તો કરવી જ રહી. ગુજરાતમાં ૧૯૯૫ની સાલમાં ભા.જ.પા.એ પહેલીવાર સરકાર રચી અને ત્યારથી માંડીને આજ સુધી ભા.જ.પા.એ ગુજરાતને હાથમાંથી જવા નથી દીધું. ભા.જ.પા.નાં બીજા તબક્કામાં ગુજરાતની છબી રાષ્ટ્રીય સ્તરે ચર્ચાવા માંડી. ગુજરાતનું જે રાજકારણ પહેલાં સવર્ણો અને અવર્ણોની વચ્ચે ખેલાતું તે હવે સીધેસીધું હિંદુ-મુસ્લિમ સંઘર્ષ પર જ ખેલાવા માંડ્યું. ૨૦૦૧માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને બ્રાહ્મણ-વાણિયાનાં પ્રભુત્વ ધરાવતા પક્ષને ઓ.બી.સી.નો બહુ મોટો ટેકો મળ્યો.
૨૦૦૨નાં રમખાણોનો ફટકાર ભા.જ.પા.એ ભોગવ્યો પણ મોદી ‘ઇમેજ મેનેજમેન્ટ’માં પાવરધા નિકળ્યા અને પક્ષને ધ્રુવીકરણને પગલે મતદારોનો લાભ પણ મળ્યો. ગુજરાતમાં કોમી રમખાણો પહેલાં પણ થયા હતા, અને આ જ ધર્મ વિગ્રહને આધારે થયા હતા પણ આ વખતે સંઘ પરિવારના પૉપ્યુલારિટી મીટરનો પારો ખાસ્સો ઉપર ચઢ્યો હતો, જેની અસર ગુજરાતનાં રાજકારણમાં સ્પષ્ટ વર્તાઇ.
ગુજરાત હજી પણ ભા.જ.પા.નો ગઢ રહ્યો છે અને કેન્દ્ર સુધી પહોંચવા માટે મોદીએ પક્ષમાં ‘લેફ્ટ-રાઇટ-સેન્ટર’ બધે જે પણ નિંદણ લાગ્યું હતું તે હટાવ્યું, પોતાનું મહત્ત્વ સતત ઘુંટ્યું અને માર્કેટિંગ ટેકટિક્સથી માંડીને જરૂર પડ્યે ત્યાં પોતાનું કૌવત દાખવીને માર્ગ બનાવી લીધો. ઉપરોક્ત બાબતો બહુ સ્પષ્ટતાપૂર્વક એ જ સાબિત કરે છે કે કેન્દ્રનાં રાજકારણમાં ગુજરાતનું મહત્ત્વ તેને મળેલા લિડર્સને કારણે જ રહ્યું છે. આમ જોવા જઇએ તો કૉન્ગ્રેસના જાણીતા ચહેરાઓ ગુજરાતમાં ભલે કંઇ બહુ કાઠું નથી કાઢી શકતા અથવા તો બહુ મર્યાદિત પ્રભાવ ધરાવે છે, પણ આખે આખી કૉન્ગ્રેસને ચલાવનાર માણસ ગુજરાતનો છે, એ આક્ષેપથી આપણે અપરિચિત નથી. ભરુચના અહેમદ પટેલે જે રીતે કૉન્ગ્રેસમાં પોતાનું સ્થાન બનાવીને આટલાં વર્ષો સુધી જાળવી રાખ્યું છે તે જ સાબિત કરે છે કે ગુજરાતનું તો ઠીક પણ ગુજરાતીનું મહત્ત્વ કેન્દ્રનાં રાજકારણમાં કેટલી હદ સુધીનું હોઇ શકે છે. આ ઉપરાંત છેલ્લાં દસ વર્ષમાં એલ.કે. અડવાણી, અરુણ જેટલી અને સ્મૃતિ ઇરાની જેવાં કેન્દ્રીય રાજકારણ માટેનાં ઉમેદવારોએ ગુજરાતમાંથી જ દિલ્હી સુધીની દોટ માટે ‘ગેટ સેટ ગો’ કર્યું છે.
પક્ષનાં રાજકારણ ઉપરાંત ગુજરાતમાં આંદોલનનું રાજકારણ પણ રાષ્ટ્રીય સ્તરે એટલે કે કેન્દ્રનાં રાજકારણમાં અસર કરે એવું છે. સાંઇઠના દાયકામાં મહાગુજરાતની ચળવળે ઇંદુલાલ યાજ્ઞિક જેવા નેતા આપ્યા, જે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં અમર થઇ ગયા. વળી વી.પી. સિંઘે મંડલ કમિશનનો જે જીન બહાર કાઢ્યો હતો, તે હજી સુધી ધુણ્યા કરે છે. ત્યારે પણ ગુજરાતમાં સૌથી વધારે આંદોલનો થયાં હતાં. ગુજરાતમાંથી અનામત આંદોલને ત્યારે તો કોઇ મહાન નેતા નહોતા આપ્યા, પણ આ વખતે હાર્દિક પટેલે માથું ઊંચક્યું અને જેને માટે અંગ્રેજીમાં ‘મેન બૉય’ શબ્દ વપરાય છે હાર્દિક હવે કૉન્ગ્રેસમાં જોડાઇ ચુક્યો છે. વળી જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરે પણ આંદોલનનો સહારો લઇને નેતા તરીકેની ઓળખ કેળવી લીધી છે. અલ્પેશ ઠાકોર કૉન્ગ્રેસમાં જોડાઇ ચુક્યા છે તો જિજ્ઞેશ મેવાણીની દલિત નેતા તરીકેની ઓળખ ધારદાર બનાવી છે અને કનૈયા કુમારને માટે પ્રચાર પણ કર્યો છે.
આ આંદોલનમાંથી અથવા તો આંદોલનની આંગળી પકડીને જન્મેલા ‘નેતા’ઓ ખરેખર શું ઉકાળશે એ તો કહેવું મુશ્કેલ છે પણ જોવાનું એ છે કે આ બધાની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવી પડી છે. આમ ફરી એકવાર સાબિત થાય છે કે રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વના ચહેરાઓને કારણે જ રાજકારણમાં ગુજરાતનું મહત્ત્વ રહ્યું છે અને રહેશે. ગુજરાતનું આંતરિક રાજકારણ લાંબા સમયથી ધ્રુવીકરણનું જ રહ્યું છે, એ વાત સ્વીકારતાં આપણે એ પણ નોંધવું રહ્યું કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી જેટલી ધ્રુવીકૃત થશે એટલી પહેલાં ક્યારે ય નથી થઇ. ધ્રુવીકરણ જે એક સમયે જ્ઞાતિ, ધર્મ, જાત, પાત આધારિત હતું એ હવે પહેરવેશ, ખોરાક, વ્યવસાયથી માંડીને શક્ય હોય તે બધા જ પાસામાં ઘુસી ચૂક્યું છે. રાજકારણને નામે હવે દેશમાં આંતરિક વાડાબંધી અને ભાગલા જાણે વધી રહ્યાં છે અને એમાં ય સોશ્યલ મીડિયા અને ચેટ સર્વિસીઝ બળતામાં ઘી હોમવાનું કામ અવિરતપણે કરી રહ્યાં છે.
બાય ધી વેઃ
બહુ જ (ન અને અ) રાજકીય બાબતે અભિવ્યક્તિ કરવી પડશે એવું લાગે છે. માળું ગુજરાત આંકડા નહીં પણ નેતાઓના ચહેરાથી કેન્દ્રીય રાજકારણમાં પોતાનો ડંકો વગાડે છે તો આપણા નેતાઓને થોડા વધારે દેખાવડા થવાનું મન કેમ નહીં થતું હોય?? એટલે જે છે એમાં કંઇ વાંધો નથી (વાંધો હોય તો હું, તમે કે પેલા નેતા પોતે પણ કંઇ નહીં કરી શકે) પણ આ તો એક વાત થાય છે કે ભાષણબાજી અને વ્યૂહરચનાઓનાં પ્લાનિંગની વચ્ચે દેખાવ અંગે પણ કંઇ આમ થોડું મેનેજ થઇ જાય તો જરા સારું લાગે.
જોક્સ અપાર્ટ પણ ગુજરાતની રાજનીતિ કેન્દ્રિય રાજનીતિ પર ધીમી પણ મક્કમ અસર કરનારી સાબિત થઇ છે. એમાં ય વળી મોદી-શાહની દોસ્તી તો જય-વીરૂને શરમાવે એવી રહી છે. હવે અંદર અંદર વિખવાદ હોય તો એ તો વખત આવ્યે ખબર પડશે. એમણે એટલું ધ્યાન રાખવું પડશે કે દિલ્હી સાચવવામાં ‘દિલ’ સમું ગુજરાત વિસરાઇ ન જાય. કારણ કે ગુજરાતમાં આંકડાઓની ખોટ હોઇ શકે છે, નેતાઓની નથી, કોને ખબર ક્યાંક કોઇ મજબૂત નેતા ધીમા અને મક્કમ પગલે પોતાની સફરની તૈયારી કરતો હોય?
સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 ઍપ્રિલ 2019