દેશના સો કરતાં વધુ ફિલ્મ મેકર્સે ભારતીય જનતા પક્ષને મત નહીં આપવાની હાકલ કરી છે. તેમનામાંથી મોટા ભાગના સમાંતર સિનેમા સાથે સંકળાયેલા છે. તેમણે ગયા મહિનાના આખરે એક નિવેદન બહાર પાડ્યું છે. તે મુજબ ભા.જ.પ.નું ‘નુકસાનકારક શાસન’ દેશમાં કોમી વિખવાદ, આર્થિક નિષ્ફળ, દલિતો-મુસ્લિમો પરની હિંસા, દેશભક્તિની લાગણીના રાજકીય દુરુપયોગ, અવૈજ્ઞાનિકતા, પ્રગતિશીલ વ્યક્તિઓ તેમ જ સંસ્થાઓ પરનાં આકમણ, વેરઝેરભરી સોશ્યલ મીડિયા કૅમ્પેન, ખેડૂતોની અવદશા જેવી અનેક બાબતો માટે જવાબદાર છે. ભા.જ.પ. વિરોધી નિવેદનમાં જોડાયેલામાં દસ્તાવેજી ફિલ્મ મેકિન્ગના એક અગ્રણી આનંદ પટવર્ધન પણ છે.
આનંદની નવી ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘વિવેક’ તાજેતરમાં યુ-ટ્યુબ પર રિલીઝ થઈ છે. ચારેક કલાકની આ ફિલ્મ તેર-ચૌદ મિનિટના દરેક એવા સોળ ભાગમાં વહેંચાયેલી છે. તેમાં આનંદે રૅશનાલિસ્ટ વિચારધારાના આપણા સમયના જ્યોતિર્ધર નરેન્દ્ર દાભોલકર(1945-1913)ની પૂનામાં તેમ જ ગોવિંદ પાનસરે(1933-2015)ની કોલ્હાપુરમાં હત્યા, અને તેમાં ‘સનાતન સંસ્થા’ નામનાં ઝનૂની હિન્દુત્વવાદી સંગઠનની ભૂમિકા, માલેગાંવ ઉપરાંત અનેક બૉમ્બ વિસ્ફોટો સાથે જહાલ જમણેરીઓનાં જોડાણ, ગૌરક્ષાનાં નામે દાદરી સહિત અનેક જગ્યાએ મુસ્લિમોની હત્યાઓ, ઉનામાં દલિતો પરના અત્યાચાર સામે પ્રચંડ વિરોધ જેવી બાબતોને આવરી લીધી છે.
વિદ્યાર્થી શક્તિ ફિલ્મનો મહત્ત્વનો વિષય છે એટલે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જે.એન.યુ.)માં કન્હૈયાકુમારને આગેવાની હેઠળ ચાલેલો વિરોધ, હૈદરાબાદ યુનિવર્સિટીમાં દલિત તરીકેના ભેદભાવને કારણે વિદ્યાર્થી રોહિત વેમુલાએ કરેલી આત્મહત્યાને પગલે ચાલેલું આંદોલન, પૂનાની ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટના વડા તરીકે મોદીભક્ત ગજેન્દ્ર ચૌહાણની નિમણૂક સામે ચાલેલી હડતાળ પરના એપિસોડસ પણ ફિલ્મમાં છે. વૈશ્વિકરણ પછી ગરીબો પાસેથી છિનવાતું જતું શિક્ષણ, ઘડતર વિનાનું શિક્ષણ મેળવેલા બેકારીના ઓળા હેઠળ જીવતા વિદ્યાર્થીવર્ગનું અજ્ઞાનમૂલક ધર્મઝનૂન અને કુમારવયની પેઢીના કોમવાદી ઘડતરની પ્રક્રિયા આનંદ માર્મિક રીતે બહાર લાવે છે. મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નિર્મુલન સમિતિનાં વ્યાખ્યાનો, સત્ય સાઈબાબા સહિતના બાવાઓને ખુલ્લાં પાડતાં નિદર્શનો (ડેમોન્સ્ટ્રેશન્સ) અને તેના ‘સોક્રેટીસથી દાભોલકર-પાનસરે વાયા તુકારામ’ શેરીનાટક ઉપરાંત શીતલ સાઠે નામની મરાઠી જનવાદી કવિ-ગાયક અને તેની મંડળી થકી રૅશનાલિઝમના પ્રસારના અનેક દૃશ્યો આનંદ મૂકે છે.
શીતલના એક સુંદર ગીતમાં સૉક્રેટીસથી કલબુર્ગી સુધીનાં બાર માનવતાવાદીઓને અંજલિ છે. પ્રગતિશીલ શ્રમજીવી સંતોએ રચેલાં સાહિત્યની પરંપરાનો ઉલ્લેખ પણ એક કરતાં વધુ વખત આવે છે. બીજી બાજુ, શિવાજી મહારાજનાં નામનો અને ગણેશચતુર્થીની જાહેર ઉજવણીનો ધર્મવાદી રાજકારણ માટે દુરુપયોગ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિનાયક દામોદર સાવરકર થકી હિન્દુત્વવાદના ઉદ્દભવ તેમ જ વિકાસને લગતાં એપિસોડસ પણ અહીં છે. શિવાજીના મહત્ત્વના અને મજબૂત તોપખાનાનો વડો ઇબ્રાહિમ ખાન હતો. દુશ્મનોએ પન્હાળા ગઢને કરેલા ઘેરાવમાંથી બહાર નીકળવામાં શિવાજીને મદદ કરનાર શિવા વાળંદ હતો.
શિવાજીના ખુદના દસ્તાવેજોમાં ક્યાં ય ‘ગોબ્રાહ્મણ પ્રતિપાલક’ એવા શબ્દપ્રયોગ નથી. પાનસરેનાં વ્યાખ્યાનો અને ‘શિવાજી કોણ હોતા? ‘નામના તેમના પુસ્તક થકી શિવાજી મહારાજને ધર્મનિરપેક્ષ, ગરીબતરફી, ખેડૂતોની કાળજી લેનાર રાજા તરીકે પુરાવા સાથે સાબિત કર્યા છે. તેની સામે સરકારોના અભ્યાસક્રમોમાં અને બજારુ માધ્યમોમાં શિવાજી જાણે ઘાતકી હોય તેવી ઊભી થતી છબિ આનંદ સામે લાવે છે. પૂનામાં યુવા મુસ્લિમ મોહસિનની હિન્દુ રાષ્ટ્ર સેનાના કાર્યકર્તાઓએ કરેલી હત્યા પર ફિલ્મ ઠીક સમય આપે છે. પ્લાસ્ટર ઑફ પેરિસની ગણપતિની દોઢ કરોડ મૂર્તિઓ નદી-સમુદ્રમાં વિસર્જન કરવાથી થતાં પ્રદૂષણ સામેની તદ્દન સાદી વાત પણ ધર્માંધો સમજતાં નથી. ગણેશોત્સવમાં ભપકો ભારે હોય છે. નિવેદક એ મતલબનું કહે છે : ‘માફિયામેં ધાર્મિક બટવારા હૈ. ડૉન ઇબ્રાહિમ કા હિન્દુ અવતાર હૈ છોટા રાજન. દોનોં ભારત કે બાહસ સે કામ ચલાતે હૈ. નેતા, અભિનેતા, બાવા, જનતા સભી દેશ છોડકર ભાગે ઇસ ડૉન કા ગણેશ પંડાલ દેખને ભીડ લગાતે હૈ …’
ફિલ્મનું અંગ્રેજી નામ ‘રીઝન’ છે. આ શબ્દનો અર્થ વિચાર, તર્ક, બુદ્ધિ થાય છે. યુરોપના ઇતિહાસમાં અઢારમી સદીમાં આવેલા બુદ્ધિપ્રામાણ્યવાદ કે રૅશનાલિઝમને કેન્દ્રમાં રાખનાર યુગને ‘એઇજ ઑફ રિઝન’ કહેવામાં આવે છે. રૅશનાલિઝમ એ વિશ્વ માટેની એક ઉપકારક વિચારધારા છે. તેના માટેનો મરાઠી શબ્દ વિવેક (વાદ) છે. રૅશનાલિઝમના અનેક લક્ષણોમાં વૈજ્ઞાનિક અભિગમ, ઇશ્વર કે ધર્મ નહીં પરંતુ માનવજાતને કેન્દ્રમાં રાખતો દૃષ્ટિકોણ, સમાજવ્યવસ્થામાં તમામ પ્રકારની સમાનતા, રાજ્યવ્યવસ્થામાં રાજ્યસત્તાની ધર્મસત્તાથી ફારકત જેવી બાબતોનો સમાવેશ થાય છે. અંધશ્રદ્ધા, જીર્ણમત, ધર્મસત્તા, ગુરુબાજી, તમામ પ્રકારના ભેદભાવ અને અસમાનતા, કોમવાદ, બિનલોકશાહી રાજ્યવ્યવસ્થા જેવાં દૂષણોનો વિવેકવાદ અથવા રૅશનાલિઝમ વિરોધ કરે છે. ફિલ્મના પહેલા ભાગમાં દાભોલકરના પ્રેરક જીવનકાર્ય સાથે પટવર્ધન દુનિયાના રૅશનાલિઝમની ઐતિહાસિક અને સૈદ્ધાન્તિક સમજ બહુ રસપ્રદ કૉમેન્ટરી તેમ જ વિઝ્યુઅલ્સ દ્વારા આપે છે. ફિલ્મમાં બીજો ભાગ પાનસરેનાં જીવન ઉપરાંત તેઓ પોતાના ભાષણોમાં ગાંધીહત્યા સાથે સંઘના સંબંધ, સામાજિક સમાનતા જેવી બાબતો કેવી રીતે આવરી લેતા તે બતાવે છે. સમગ્રતયા તો ફિલ્મ ગયા પાંચ વર્ષ દરમિયાન ભારતમાં વિવેકહીનતાના સામાજિક-રાજકીય સ્વરૂપોનો ઊંચો જતો અને તેની સામે માનવતાવાદી મૂલ્યોનો નીચો પડતો અસ્વસ્થકારી આલેખ આપે છે. આ ફિલ્મનું પ્રિમિયર સપ્ટેમ્બર 2018માં ટૉરેન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું. ત્યારથી અત્યાર સુધી તેને ચાર આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળી ચૂક્યા છે.
ફિલ્મનો દરેક ભાગ અંધારામાં જતી મોટરસાયકલના ધગધગાટ અને બંદૂકની ગોળીઓના ધડાકાના અવાજને સમાંતરે દાભોળકર, પાનસરે, કલબુર્ગી અને ગૌરી લંકેશની તસવીરોના એક કૉમન સિક્વેન્સથી ચાલુ થાય છે. મોટરસાયકલ પર આવેલા હત્યારાઓએ લગભગ એક જ સરખી રીતે દાભોળકર અને પાનસરેને બંદૂકની ગોળીથી વીંધી નાખ્યા હતા. ત્યાર બાદ લગભગ એ જ રીતે કન્નડ ભાષાના નૉનકન્ફર્મિસ્ટ વિવેચક-ચિંતક એમ.એમ. કલબુર્ગી (1930-2015) અને હિન્દુત્વ તેમ જ ભા.જ.પ.નાં નીડર ટીકાકાર એવા બંગલોરનાં કન્નડા પત્રકાર ગૌરી લંકેશ(1962-2017)ની હત્યા કરવામાં આવી.
શાસકપક્ષનો સહુથી વધુ પર્દાફાશ કરનારા ચૌદમા અને પંદરમા ભાગમાં આનંદ એ બતાવે છે કે 2005 થી 2008 દરમિયાન દેશમાં થયેલા 17 બૉમ્બ ધડાકાના આરોપો દાખલ થયા હતા. તેમાં દયાનંદ પાંડે, પ્રજ્ઞાસિંગ ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત, મેજર ઉપાધ્યાય, સાધુ અસીમાનંદ જેવાં અનેકનો સમાવેશ હતો. (આ લખાય છે ત્યારે ભા.જ.પે. લોકસભાની ચૂંટણી માટે પ્રજ્ઞા સિંગને ઊભાં રાખવાની જાહેરાત કરી છે). તેમાં ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વાડના અધિકારી હેમન્ત કરકરેની નિષ્પક્ષ ભૂમિકા કેન્દ્રમાં વિરોધપક્ષ ભા.જ.પ.ને મુશ્કેલીમાં મૂકી રહી હતી. આ ધડાકાની તપાસ નવેમ્બર 2008માં મુંબઈ પરના આતંકવાદી હુમલાના પગલે ધીમી પડી. એમાં કરકરે શહીદ થયા. તેમના રહસ્યમય મૃત્યુ વિશે મહારાષ્ટ્રના પૂર્વ ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ એસ.એમ. મુશ્રીફે ‘હુ કિલ્ડ કરકરે ?’ પુસ્તક લખ્યું છે. કરકરે મૃત્યુના થોડા કલાક પહેલાં તેમને કાનૂની સહાય કરનાર સરકારી વકીલ રોહિણી સાલિયાનને મળ્યા હતા. મુશ્રીફ અને સાલિયાનની લાંબી મુલાકાતો આનંદ બતાવે છે. તેમાંથી હિન્દુત્વવાદી સંગઠનોની ધડાકાઓમાં ભૂમિકા અને મુંબઈ પરના હુમલાની કેટલીક રહસ્યમય બાબતો બહાર આવે છે. આ બંને અધિકારીઓ એ પણ બતાવે છે કે મે 2014માં ભા.જ.પ.ની સરકાર આવતાની સાથે ધડાકાના ઉપર્યુક્ત આરોપીઓ જામીન પર છૂટતા ગયા અને તપાસનું ફિંડલું વળતું ગયું. પાંચમો ભાગ ગોવાના રામનાથી ગામમાં આવેલી સનાતન સંસ્થા પર છે. આનંદ બતાવે છે કે રામનાથી ગામના લોકો તેનો સતત વિરોધ કરતા રહ્યા છે, કારણ કે તેમાં લોકો પર સંમોહન ઉપરાંત યૌનક્રિયાઓ, હથિયાર તાલીમ, બાળકીઓનું અજૂગતું ઘડતર, કોમી જૂથોની સભાઓ, કોમવાદ પ્રેરનારા જાહેર કાર્યક્રમો જેવી પ્રવૃત્તિઓ ચાલે છે. તેમાંથી કેટલીક પ્રવૃત્તિઓનાં અસ્વસ્થકારક દૃશ્યો આનંદ બતાવે છે. સનાતન સંસ્થા દાભોલકર અને પાનસરેની હત્યા સાથે સંકળાયેલી હોવાનું બહાર આવતું રહ્યું છે.
અખંડ હિન્દુ રાષ્ટ્રના લડાયક ધ્યેય સાથેનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દેશમાં સાંપ્રદાયિકતાનાં અનેક રૂપોનું અને જમણેરી જૂથોનું ઉદ્દભવસ્થાન છે એવી પટવર્ધનની પાકી સમજ છે. એટલે આઝાદીની લડતમાં સંઘની નિષ્ક્રિયતા, ફાસીવાદ સાથનો તેનો નાડસંબંધ, ગાંધીહત્યામાં તેનો ફાળો, સાવરકરનાં માફીપત્રો, સંઘ પરનો પ્રતિબંધ અને તેમાંથી શરતી મુક્તિ, નરેન્દ્ર મોદીએ ગુરુ ગોળવલકર પર લખેલું પુસ્તક જેવી સંખ્યાબંધ બાબતો તે પુરાવા સાથે ફિલ્મમાં મૂકે છે. એકબીજાને પૂરક એવા સંઘ અને ભા.જ.પ.ની કોમવાદી, બ્રાહ્મણવાદી, લશ્કરવાદી, ગરીબવિરોધી, ફાસીવાદી સંગઠનો તરીકેની છબિ આનંદ પ્રતીતિજનક રીતે ઉપજાવે છે. તેના માટે આધાર તરીકે દૃશ્યો, રૂબરૂ મુલાકાત, દસ્તાવેજો, ન્યૂઝ ક્લિપ્સ, સમાચારપત્રોનાં કતરણો, ઐતિહાસિક કતરણો જેવી ભાગ્યે જ નકારી શકાય તેવી ખડકલાબંધ સામગ્રી તે મૂકે છે. સાથે કૉમેન્ટરીમાં પણ અનેક વખત સાફ વાત કરતા જાય છે. જેમ કે ગણેશોત્સવ પરના ભાગમાં તે આ મતલબનું કહે છે : ‘હિન્દુ સંસ્કૃતિ, સ્થાનીય સંસ્કૃતિ ઔર દેશવિદેશકી ગુજરતી ધારાઓંકા એક અનોખા મેલ હૈ. મગર સનાતન, આર્ય, વૈદિક હિન્દુત્વ બ્રાહ્મણવાદી તાનાશાહી કે અલગ અલગ નામ હૈ, જો નિર્બલોં કો અજ્ઞાનમેં રખકર ઉન્હેં કાલ્પનિક દુર્જનોં કે ખિલાફ જંગમેં ઊતારતી હૈ.’ અલબત્ત, મુસ્લિમ કટ્ટરવાદ સામે થોડાક ઐતિહાસિક સંદર્ભના ક્રિટિકલ ઉલ્લેખો સિવાય આનંદને ભાગ્યે જ કશું કહેવાનું થાય છે એવી ટીકા ચોક્કસ જ થઈ શકે. હાજી અલી દરગાહમાં મહિલાઓના પ્રવેશ આંદોલનનાં દૃશ્યોમાં તે મુસ્લિમ પુરુષો ઉપરાંત સ્ત્રીઓના ખુદનાં સ્ત્રી-વિરોધી માનસની સાથે હિન્દુ અને મુસ્લિમ બંનેને સ્ત્રીઓના વિરોધમાં એક થતા બતાવ્યા છે. જો કે દાદરીમાં જેની હત્યા થઈ તે અખલાકનો વાયુસેનામાં નોકરી કરતો પુત્ર સરતાજ કહે છે : ‘યહાં લોગોં મેં પ્યાર કી ભાવના હૈ … ઐસા દેશ મિલના મુશ્કિલ હૈ ઔર મૈં ભાગ્યશાલી હું કી મૈં યહાં પર જન્મા હૂં. પર કુછ ચંદ લોગ યહાં હૈ જો ઇસકી આબોહવા બિગાડના ચાહતે હૈ, મુઝે યે પતા નહી કી ઉનકા મકસદ ક્યા હૈ …’ અહીં હિટલરના અત્યાચારનો ભોગ બનનાર ચૌદ વર્ષની ઍન ફ્ર્રૅન્કના શબ્દો યાદ આવે છે : ‘ઇન્સ્પાઇટ ઓફ એવેરિથિન્ગ આઇ સ્ટિલ બિલીવ ધૅટ પીપલ આર રિઅલી ગુડ ઍટ હાર્ટ, ઍન્ડ ધિ મૅડનેસ વિલ એન્ડ ઍન્ડ ટ્રાન્ક્વિલિટી વિલ બી રિસ્ટોર્ડ’.
સરતાજના ઘરમાં ‘અપને ફૌજી ભાઇયોં કા સાથ દે’ લખેલું એક કૅલેન્ડર છે. ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ ગીત ગાતાં હોય છે ત્યાંથી પસાર થતાં એક ખૂબ ગરીબ માજી સહજ રીતે સલામ કરે છે. ગટર ઉલેચવા માટે અંદર ઊતરેલા સફાઈ કામદારને તેની જ્ઞાતિ પૂછતાં તે ‘આંબેડકરવાદી’ એમ કહે છે. સંસદના પ્રાંગણમાં ગાંધીજીની મૂર્તિ છે, અને નરેટર કહે છે કે તેની બરાબર સામે તેમની હત્યાના કેસ સાથે સંકળાયેલા સાવરકરનું ચિત્ર લગાડવામાં આવ્યું. આવી સૂક્ષ્મતાઓ તો ફિલ્મમાં અનેક છે. ભવ્યતા અને જોશથી ધ્રૂજાવી દેનારા ધાર્મિક ઉન્માદના દૃશ્યોનું ચિત્રીકરણ આનંદની હથોટી છે.
તેની બધી ફિલ્મોમાં મળતાં શ્રમજીવીઓ શહેરના પ્રચંડ બાંધકામ પરના મજૂરો, અલખાકની લોઢાની ભઠ્ઠીના કારીગર કે સૂકાં ખેતરમાં કામ કરતાં ખેડૂતો તરીકે મળે છે. ચળવળની સંઘોર્મિનાં ગીત-સંગીત વિના આનંદને ચાલતું નથી. અહીં શીતલનો કાર્યક્રમ છે. પાનસરેની પ્રેરણા પામેલા કોલ્હાપુરના શાહિર નિકમની શાહિરી છે, જે.એન.યુ.ના યુવાઓનું ‘આ ચલ કે તુઝે …’ છે, ગૌરી લંકેશની હત્યાના વિરોધનાં ગીતો રૅલીમાં ગવાય છે. આજે 69 વર્ષના આનંદે આ ફિલ્મ માટે 2014થી દેશમાં અનેક જગ્યાએ ફરીને ખુદ શૂટીન્ગ કર્યું છે. હાઇ ક્વાલિટી કૅમેરા વર્ક અને ખૂબ સૂઝપૂર્વકનું એડિટિંગ એ આનંદની હંમેશની ખૂબીઓ અહીં પણ છે. હંમેશની સ્પષ્ટ ભૂમિકા ફિલ્મની કૉમેન્ટરીમાં તો છે જ. પણ તે ખૂબ વેધક રીતે ‘કેરેવાન’ માસિકને આપેલી એક મુલાકાતને અંતે પણ આવે છે : ‘મને આશા છે કે જો તમારામાં થોડીક પણ માણસાઈ હશે તો આ ફિલ્મ તમને હલાવી જશે. એટલા માટે નહીં કે એ એક મહાન ફિલ્મ છે, પણ એટલા માટે એમાં જેનું વર્ણન છે તે વાત સાચી અને દુ:ખદ બંને છે. પણ આ શોકાન્તિકા એવી છે કે જો આપણે જાગવાનું પસંદ કરીએ તો તેને થતી અટકાવી પણ શકાય અને તેને પલટાવી પણ શકાય. આ વાતને અહીં અને અત્યારે જ જોવી પડે, અન્યથા તેને જોવા માટે ભવિષ્યની પેઢીઓ હશે જ નહીં – હશે કેવળ ન્યુક્લિયર રેડિયેશન સામે ટકી ગયેલા વંદા હશે. ખરેખર, આપણે અણુયુદ્ધ ટાળી શકીએ તો પણ, અમીત શાહ, નરેન્દ્ર મોદી, અજીત દોવલ, મસૂદ અઝર અને હાફિઝ સઈદ દ્વારા ચલાવાતી દુનિયા જીવવા જેવી રહે ખરી ?’
ઉપર્યુક્ત વ્યક્તિઓને આવું સંભળાવવા માટે તો ખરી જ, પણ તેમની સામે ફિલ્મરૂપી અરીસો ધરવા માટે અત્યારના ભારતમાં હિમ્મત જોઈએ, ખરું ને મિત્રોં ?
17 એપ્રિલ 2019
******