ભારત અમેરિકા એરોપ્લેનની ચોવીસ કલાકની લાંબી યાત્રાને કારણે વિનુભાઈ મહેતા અને વિનોદ જોશી કરતાં કવિ રમેશ પારેખના ચહેરા પર વઘારે થાક વર્તાતો હતો. મારા ઘરના ઉંબરામાં પગ મૂકતાં જ રમેશભાઈએ કચકચાવીને મફલર માથા પર વીંટી, વિનુભાઈ મહેતાને બહુ જ ઘીમા સ્વરે કહ્યું કે, “અહીંના વાતાવરણમાં મને મૂંઝવણ થાય છે. જો બને તો તમે મને કાલે સવારે વળતી ફલાઈટમાં પાછો મુંબઈ મોકલી આપો તો તમારો આભાર.”
સવારે બેડમાંથી ઊઠતાં જ કવિએ પહેલો પશ્ન અમને પૂછfયો, “મારું ઈન્ડિયા પાછું જવાનું શું થયું?”
“રમેશ, ગઈકાલે મોડી રાત લગી અમે ઍર ઇન્ડિયાની ઑફિસમાં તારી ટિકિટ બુક કરાવવા માથાઝીક કરી. અત્યારે અહીંયા ઉનાળો હોવાથી લગભગ ઇન્ડિયા પાછા જતી બઘી ફલાઈટ ઓવર બુક્ડ છે. ત્રણચાર અઠવાડિયાં લગી ઇન્ડિયા પાછા જવાની ટિકિટ મળવાના તો કોઈ સંજોગ જણાતા નથી.”
રમેશભાઈએ કોઈ સવાલ પૂછયા વગર વિનુભાઈની વાત સાંભળી બેડમાં પોતાની પાસે પડેલ મફલર પાછું માથે વીંટી મને કહ્યું, મને જરા ય ઠીક નથી. હાથપગમાં સખત કળતર થાય છે. પેટમાં ગડબડ જણાય છે. કદાચ મને હમણાં ઊલટી થશે એવું લાગે છે …” બીનાએ, રમેશભાઈને એક ગ્લાસમાં જીંજરેલ આપતાં કહ્યું કે, “તમે આટલું જીંજરેલ પી જાઓ. તમને થોડીક વારમાં પેટમાં ગડબડ ઓછી થઈ જશે.”
જેમ તેમ કરી અરઘો ગ્લાસ જીંજરેલ પીને રમેશભાઈએ કશું બોલ્યા વગર, પગ લાંબા કરી, માથે ધાબળો ઓઢીને પાછું બેડમાં લંબાવી દીઘું.
બરાબર એ જ વખતે ઘરમાં મહેમાન હોવાને કારણે રોજ કરતાં વહેલી ઊઠેલી મારી અઢી વર્ષની દીકરી કરિશ્મા દોડતી, વંટોળ સમી ગેસ્ટ રૂમમાં આવી ચડી. આજુબાજુ કશું ય જોયા વગર રોજની આદત મુજબ બેડ પર હું સૂતો છું એમ સમજીને નિરાંતે ઊંઘતા રમેશભાઈ પર કૂદી. અચાનક માથે આ શું પડયું? એ ચિંતામાં રમેશભાઈ બેડમાં સબાક કરતા ઊભા થઈ ગયા. બેડમાં મારે બદલે સાવ બીજા જ કોઈ અજાણ્યા માણસને જોઈ કરિશ્મા ભયભીત થઈ ડઘાઈ ગઈ.
કરિશ્માને બેડમાં પોતાની પાસે ભયભીત બેઠેલ જોઈ કવિના મનમાં શું ચમત્કાર થયો એ તો ઈશ્વરને ખબર! પણ ગઈ કાલ રાતથી ભારત પાછા જવાની બાળહઠ લઈ બેઠેલા કવિનો ચહેરો ક્ષણમાં ફૂલ સમો ખીલી ઊઠ્યો. તેમના મન પરથી ઘરઝુરાપો પવનવેગે અદૃશ્ય થઈ ગયો. કવિએ કરિશ્માને બે હાથ લાંબા કરી વહાલથી બાજુમાં બોલાવી. પોતાના ખોળામાં બેસાડી કાલુંઘેલું બોલતા રમાડવા મંડયા. કરિશ્મા કવિની ભાષામાં ખડખડાટ હસે. કવિ પણ હાસ્યમાં કોઈ કંજૂસાઈ કર્યા વગર નાયગરાના ઘોઘ સમા ખડખડાટ મને હસતા હતા. બઘી દુનિયાદારી ભૂલી કવિ બેચાર મિનિટમાં તો કરિશ્માનો ઘોડો બની બેઠા. ઘડી બાદ કરિશ્માને ખભે બેસાડી રમેશભાઈ ઘી-ગોળ વેચવા ઘરના બઘા ઓરડાઓમાં ફરી વળ્યા. કવિને આટલી રમતથી સંતોષ ન થયો એ તો કરિશ્માને ખભે બેસાડી ઘરની પાછળના બેકયાર્ડમાં દોડ્યા. આખરે, ખરે બપોરે કવિ પસીનાથી રેબઝેબ થઈ કરિશ્મા જોડે રમી થાક્યા. કરિશ્માને કાંખમાં તેડી ખુશ ખુશાલ મને બેકયાર્ડમાથી પાછા આવીને અમને કહે, “ભાઈ, આ છોકરી તો ગજબની છે. મને થકવી દીઘો. પતંગિયાં જેવી છે. હું થાકી ગયો પણ મને કહે અંક્લ, હજી તમે દોડો હું તમને પકડવા આવું છું.”
કરિશ્મા જોડે રમીને ભાવવિભોર બનેલ કવિએ બીનાને કહ્યું, ‘બીનાબહેન, હવે તો પેટમાં ઉંદરડા દોડે છે. તમે જમવા ક્યારે બોલાવો છો? બસ, હું તો એની રાહ જોઉં છું. વિનુભાઈ અને વિનોદને જ્યારે જમવા બેસવું હોય ત્યારે જમવા બેસે. જો રસોઈ તૈયાર હોય તો મારી અને પ્રીતમભાઈની થાળી માંડો!”
બપોરે અમે બઘા ડાઈનિંગ ટેબલ પર લંચ લેવા બેઠા. બીનાને ખબર નહીં કે રમેશભાઈને કાનની તકલીફને કારણે રસોઈમાં ખટાશ લેવાનું ટાળે છે. બીનાએ શાક તેમ જ કઠોળમાં લીંબુ નાખ્યું હતું. એ તો મનમાં વિચારતી હતી કે હવે રમેશભાઈ જમવામાં શું લેશે? ચાલને, જલદીથી બટાકાની સુક્કી ભાજી કવિ માટે બનાવી નાખું ત્યાં તો કવિએ સામેથી જ બીનાને કહ્યું,”તમે મારી બિલકુલ ચિંતા ન કરો. રસોઈમાં તમે જે કંઈ બનાવ્યું છે તે બઘું મને ચાલશે.”
મોડી સાંજે અમે નાયગરાથી પાછા આવી મારા ઘરની લીલી લૉનમાં ખુરશીઓ નાંખી. છસાત મિત્રો બીયરની મજા સાથે કવિતાનો આનંદ માણી રહ્યા હતા. શકુરભાઈ અને રમેશભાઈને અમરેલીની વાતોમાં ડૂબી ગયેલા જોઈ અહવાભાભીએ રમેશભાઈને કહ્યું, “હવે તમે અને સરવૈયા અમરેલીની વાતોમાંથી બહાર નીકળો તો, અમારે તમારી થોડીક કવિતા સાંભળવી છે. શકુરભાઈ રમેશભાઈને કહે, રમેશ, આજે તો અમારે તારા કંઠે તારું ગીત સાંભળવું છે. પછી મને કહે અરે, અમે તો રમેશને અમરેલીમાં ઢોલકના તાલમાં બહુ જ ગાતો સાંભળ્યો છે. ચાલ રમેશ થાવા દે આજ તારું એકાદ ગીત …” અને રમેશભાઈએ અમને સંભળાવ્યું … ‘મોગરાની કળી, મને બગીચામાં મળી…”
રમેશભાઈને મૂડમાં જોઈ વર્ષોથી મનમાં ઘૂંટાતો એક પ્રશ્ન વિનુભાઈએ પૂછી નાંખ્યો, “રમેશ મને આજ લગી તારી એક વાત સમજાણી નથી. “મીરાં સામે પાર” કાવ્યસંગ્રહ તે કોઈ કવિમિત્ર કે પરિવારના કોઈ સભ્યને અર્પણ કરવાને બદલે, અમરદાસ ખારાવાળા” ગિરનારી બાપુને” કેમ અર્પણ કર્યો છે?”
“આ ગિરનારી બાપુ વિશે તમને શું કહું? એકવાર હું બાપુ જોડે બેઠો હતો. વાતમાં ને વાતમાં અમારી મુંબઈ જવાની વાત નીકળી. બાપુ મને કહે, “રમેશ, હું બે દિવસ બાદ પ્લેનમાં મુંબઈ જાઉં છું. તારે મુંબઇ પ્લેનમાં આવવું છે? ત્યારે મેં કહેલું કે બાપુ, તમે પણ ખરા છો. જો મારે ચાલીને જવાનું હોય તો હું બસમાં જવાનું ટાળું, તો પછી તમારી સાથે પ્લેનમાં તો હું ક્યાંથી આવું? અમારાં એવાં ભાગ્ય કયાં કે પ્લેનમાં મુંબઈ જઈએ? વિનુભાઈ, તમે નહીં માનો, એ વખતે બાપુ પાસે ખિસ્સામાં એક ઓપન ટિકિટ મુંબઈની હતી. મને કહે લે રમેશ, તું મુંબઈ ફરી આવ. મારે તો અમરેલી છોડીને કયાં ય જવું ન હતું. બાપુની આ વાતથી હું બહું ખુશ થઈ ગયો. મનમાં ગાંઠ વાળી લીઘી કે ભવિષ્યમાં ઇશ્વર કરશે તો બાપુનું ઋણ ચૂકવી દઈશ. બસ, ‘મીરાં સામે પાર” વખતે વિચારતો હતો કે આ સંગ્રહ કોને અર્પણ કરું? મને તે ઘડીએ બાપુ યાદ આવતા, મેં અમરશીબાપુને અર્પણ કર્યો.
વિનુભાઈ, અમરદાસબાપુ સાથે કયારેક નિરાંતે બેઠા હો તો જલસો પડી જાય. તમને તો ખબર જ હશે કે કેટલાક હાસ્ય કલાકારોને બાપુ પાસેથી હાસ્યનો મસાલો મળી રહે છે. એક વાર મેં બાપુને પૂછ્યું, “બાપુ, તમે રામાયણની કથામાં સીતા વિદાયના પ્રસંગનું વિવરણ કરો. ત્યારે તમારા શ્રોતાજનોની આંખ ભીની થઈ જાય, પણ તમારી આંખેથી તો એક આંસુયે ન ટપકે. મને ઘણી વાર નવાઈ લાગે છે. ત્યારે એમણે કહ્યું કે, ‘અરે ! રમેશ, તને હું શું કહું? મારી આંખમાં તો ત્યારે આંસુ આવે કે જ્યારે સાંજે આરતી ભાવિક ભક્તો પાસે ફરીને મારી પાસે આવે અને થાળીને સાવ ખાલી જોઉં … ત્યારે મારી આંખમાં ઝળઝળિયાં આવે.”
e.mail : preetam.lakhlani@gmail.com