ગયા અઠવાડિયે, આપણે આ જ સ્થાનેથી જોયું હતું કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પાર્ટી જે નવ નેતાઓ શિંદે – ફડણવિસની સરકારમાં જોડાઈ ગયા, તેમાંથી ચાર સામે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈ.ડી.) અથવા સી.બી.આઈ.ની તપાસ હતી. વિરોધ પક્ષોનો આરોપ છે કે ઈ.ડી.ની તપાસનો ઉપયોગ એક હથિયાર તરીકે કરવામાં આવે છે. બળવો થયો પછી શરદ પવારે કહ્યું પણ હતું કે, “ઈ.ડી.ની તપાસથી પાર્ટીના ઘણા નેતાઓ ચિંતામાં હતા અને હવે એ લોકો અજીત પવાર સાથે ચાલ્યા ગયા છે.”
જે દિવસે એન.સી.પી.ના આ નેતાઓએ સરકારમાં સામેલ થવાના શપથ લીધા, તે જ દિવસે સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ અને ભૂતપૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે એક ખાનગી કેસમાં સુપ્રીમ કોર્ટના જજ સાહેબોને વિનવણી કરી રહ્યા હતા કે ઈ.ડી.ની અમાપ તાકાત પર લગામ લગાવી દો, નહીં તો લોકોને જીવવાનું ભારે થઇ પડશે.
હવે આ જ સુપ્રીમ કોર્ટે, ઈ.ડી.ના વડા સાહેબ સંજય કુમાર મિશ્રાનાં બે એક્સ્ટેન્શને કાનૂની રીતે અવૈદ્ય ગણાવીને, તેમને 31મી જુલાઈ પછી ઈ.ડી.ના ડિરેકટરની ખુરશી ખાલી કરવાનો આદેશ કર્યો છે. કેન્દ્ર સરકારે ગયા નવેમ્બર મહિનામાં, 1984 બેચના ઇન્ડિયન રેવન્યુ સર્વિસના ઓફિસર એસ.કે. મિશ્રાને, 18 નવેમ્બર 2023 સુધી બીજી વાર ખુરશીમાં ચાલુ રહેવાનું કહ્યું હતું.
કાઁગ્રેસ પાર્ટીનાં જયા ઠાકુર અને તૃણમુલ કાઁગ્રેસનાં મહુઆ મોઇત્રા સહિતના અનેક અરજદારોની અરજીઓનો નિકાલ કરતાં, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.આર. ગવઈ, વિક્રમ નાથ અને સંજય કરોલની બેન્ચે 11 જુલાઈના રોજ, 8 સપ્ટેમ્બર 2021 પછીના મિશ્રાના એક્સ્ટેન્શને ગેરકાનૂની ઠરાવ્યું હતું.
ઈ.ડી.માં પ્રિન્સીપાલ સ્પેશ્યલ ડિરેકટર તરીકે કામ કરતા મિશ્રાને 19 નવેમ્બર 2018ના રોજ બે વર્ષ માટે ડિરેકટર બનાવામાં આવ્યા હતા. 13 નવેમ્બર 2020ના રોજ એ અવધિમાં સુધારો કરીને ત્રણ વર્ષ કરવામાં આવ્યાં હતાં.
કેન્દ્ર સરકારે એવો તર્ક રજૂ કર્યો હતો કે ઈ.ડી.ના ડિરેકટર પદે મિશ્રાનું એક્સ્ટેન્શન જનહિતમાં છે કારણ કે તેઓ અમુક અગત્યના કેસોનું મોનિટરિંગ કરી રહ્યા છે. સરકારે એમ પણ કહ્યું હતું કે એક્સ્ટેન્શનનો વિરોધ કરતી અરજી ‘વ્યક્તિગત હિત’માં કરાઈ છે એટલે તેને ખારીજ કરી નાખવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે મિશ્રાને ખુરશી ખાલી કરવાનું કહ્યું તેનાથી કેન્દ્ર સરકારને કેટલું ‘માઠું’ લાગ્યું છે તે ચુકાદો આવ્યો તેના ગણતરીના કલાકોમાં આવેલા ગૃહ મંત્રી અમિત શાહનું બયાન છે (નોંધ: ઈ.ડી.ના ડિરેકટર નાણાં મંત્રી સીતારમણના નિર્દેશમાં કામ કરે છે). ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ પર સામાન્ય રીતે સરકારના લોકો ‘અમે માનનીય અદાલતના ચુકાદાનું સન્માન કરીએ છીએ’ તેવું ઔપચારિક બયાન કરે છે, પણ ગૃહ મંત્રી ગળું ખંખેરીને બોલ્યા હતા. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું;
“જે લોકો માનનીય સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ખુશ થાય છે તે ભ્રમમાં છે … મહત્ત્વનું એ નથી કે ઈ.ડી.ના ડિરેકટર કોણ છે કારણ કે પદ પર જે પણ હોય, તે વિકાસ વિરોધી માનસિકતાવાળા પરિવારવારવાદીઓના ભ્રષ્ટાચાર પર નજર રાખશે.”
તેના જવાબમાં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને રાજ્યસભાના સ્વતંત્ર સભ્ય કપિલ સિબ્બલે કહ્યું હતું, “તો પછી તમે તેમને (મિશ્રાને) ત્રીજું એક્સ્ટેન્શન કેમ આપ્યું હતું?” કાઁગ્રેસના નેતા સૂરજેવાળાએ કહ્યું હતું કે, “મિશ્રા સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ પછી, 17 નવેમ્બર 2021 પછી ઈ.ડી.એ લીધેલાં તમામ પગલાં ગેરકાનૂની અને અમાન્ય બની જાય છે.”
આ કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે અગાઉ કેન્દ્ર સરકારને તીખો સવાલ કર્યો હતો કે, “આ પદ પર એક વ્યક્તિ શા માટે અનિવાર્ય છે? શું સંસ્થામાં કોઈ બીજી વ્યક્તિ નથી જે આ કામ કરી શકે? તમે એમ કહેવા માંગો છો કે ઈ.ડી.માં કોઈ સક્ષમ વ્યક્તિ છે જ નહીં? એ નિવૃત્ત થશે ત્યારે એજન્સીનું શું થશે?”
નરેન્દ્ર મોદી સરકારની ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં એસ.કે. મિશ્રા મહત્ત્વના અધિકારી હતા. તેમના માત્ર ચાર વર્ષના કાર્યકાળમાં 65,000 કરોડની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી હતી. ઈ.ડી.એ તેમની દેખરેખમાં 2,000થી વધુ દરોડાઓ અને સર્ચ ઓપરેશન કર્યાં હતાં. જો કે વિરોધ પક્ષોનો આરોપ છે કે સરકાર વિરુદ્ધ બોલતા લોકોને ચૂપ કરવા માટે અથવા ભા.જ.પ.માં જોડાઈ જવાનું દબાણ કરવા માટે ઈ.ડી.નો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિરોધ પક્ષો ઈ.ડી.ને ભા.જ.પ.નું વોશિંગ મશીન પણ કહે છે. મિશ્રાના કાર્યકાળમાં 100થી વધુ વિપક્ષી નેતાઓની ધરપકડ કરવામાં આવી છે.
ગયા એપ્રિલ મહિનામાં, 14 જેટલા વિરોધ પક્ષો સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવીને ફરિયાદ કરી હતી કે કેન્દ્ર સરકાર તેમના નેતાઓને પરેશાન કરવા માટે ઈ.ડી. અને સી.બી.આઈ. જેવી કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરે છે. કોર્ટે ત્યારે કહ્યું કે તે વ્યક્તિગત કેસો પર તથ્યોના આધારે નિર્ણય કરી શકે, પરંતુ રાજકારણીઓ માટે અલગથી કોઈ માર્ગદર્શન આપી ન શકે. એ જ મહિનામાં, દિલ્હી વિધાનસભાએ ઈ.ડી.-સી.બી.આઈ.ના દુરપયોગ વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કર્યો હતો. માર્ચ મહિનામાં બંગાળ વિધાનસભાએ પણ આવો જ પ્રસ્તાવ પસાર કર્યો હતો.
અહીં એક વિસ્તૃત પ્રશ્ન પણ છે. કેન્દ્રીય એજન્સીઓનો ગેરઉપયોગ થતો હોવાના આરોપ અગાઉ કાઁગ્રેસની સરકારો પર પણ આરોપો લાગેલા છે. કટોકટી વખતે ઇન્દિરાપુત્ર સંજય ગાંધી સી.બી.આઈ.નો વડો હોય તે રીતે તેનો ગેરઉપયોગ કરતો હતો.
ઈ.ડી. અને સી.બી.આઈ. સંવેધાનિક સંસ્થાઓ નથી. તે શાસકીય આદેશો પર કામ કરે છે. પરિણામે તેને જે તે સરકારોના રાજકીય ઘોંચપરોણા વાગતા રહે છે. ભારતમાં આમ પણ રાજકીય ભ્રષ્ટાચાર સૌથી ટોચ પર છે (એશિયામાં સૌથી વધુ, 39 ટકા, લાંચ ભારતમાં લેવાય છે અને સૌથી વધુ, 46 ટકા, નાગરિકો અંગત લાગવગથી કામ કઢાવે છે) એટલે કેસોનો નિર્ણય તેની યોગ્યતા પર નહીં, પણ રાજકીય લાભાલાભ પર લેવાય છે.
આ એજન્સીઓ પાસે જરૂરી સ્વતંત્રતા નથી કે તેઓ પારદર્શી રીતે અને કાનૂનને વફાદાર રહીને અપરાધની છાનબીન કરે. ઉપરાંત, તે તેમના બજેટ માટે સરકારોની ‘દયા-માયા’ પર નિર્ભર હોય છે એટલે પ્રભાવશાળી રીતે કામ કરવાની તેની ક્ષમતાને અસર પડે છે.
આ એજન્સીઓ સામે પાંચ મુખ્ય ફરિયાદો છે :
1. રાજકીય વહાલાં-દવલાં : શાસક પક્ષો તેમના રાજકીય વિરોધીઓને ઠેકાણે પાડવા માટે એજન્સીઓનો ઉપયોગ કરે છે.
2. પારદર્શિતાનો અભાવ : એજન્સીઓ કેવી રીતે કામ કરે છે તેને લઈને સરકાર બહાર કોઈને કશી ખબર નથી. એટલે તેની જવાબદેહી પણ નક્કી થતી નથી.
3. સત્તાનો ગેરઉપયોગ : એવા ઘણા કિસ્સાઓ છે જેમાં એજન્સીઓએ તેમના અધિકાર ક્ષેત્રની બહાર જઈને વ્યક્તિઓને પરેશાન કર્યા હોય, ધમકાવ્યા હોય.
4. માનવાધિકારનો ભંગ : એજન્સીઓ ગેરકાનૂની અટકાયત, શારીરિક અત્યાચાર, કસ્ટોડિયન હિંસા જેવી બળજબરાઈ કરીને નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન કરે છે.
5. ન્યાયમાં વિલંબ : એજન્સીઓ પર કોઈ સંવેધાનિક દબાણ ન હોવાથી તેની તપાસ વર્ષો સુધી અનિર્ણિત રહે છે જેનાં પરિણામે નિર્દોષ લોકો જો ઝપટે ચડી ગયા હોય તો વર્ષો સુધી ન્યાય વગર લટકી રહે છે.
આમાં મુખ્ય વાત એ છે કે જ્યાં સુધી આ એજન્સીઓ પારદર્શક વ્યવહાર નહીં કરે અને તેની સંવેધાનિક જવાબદારી નક્કી નહીં થાય, ત્યાં સુધી તેનાં કામોમાં જનતાનો વિશ્વાસ પેદા નહીં થાય. જેમ ભારતમાં પોલીસની કાર્યાવાહી સંદિગ્ધતાના દાયરામાં રહે છે અને તેમાં તાતા પોલીસ રિફોર્મની જરૂર છે, તેવી રીતે આ કેન્દ્રીય એજન્સીઓને વધુ કાર્યક્ષમ અને વિશ્વસનીય બનાવવા માટે તેની કામ કરવાની શૈલીમાં સુધારા કરવાની જરૂર છે.
ભૂતપૂર્વ ગૃહ સચિવ, જી.કે. પિલ્લાઇએ એક જગ્યાએ કહ્યું હતું કે, “તમામ એજન્સીઓના વડાઓ કાનૂન અને સંવિધાનથી બંધાયેલા છે. એજન્સીઓ જો કાનૂનનો ગેરઉપયોગ કરતી હોય, તો તેમની સામે કોર્ટે પગલાં ભરવાં જોઈએ. કોઈના સંવેધાનિક હક્કોનું ઉલ્લંઘન થતું હોય તો સજા થવી જોઈએ. વિભાગના વડાઓને એમનાં અપકૃત્યો માટે દંડ થવો જોઈએ.”
લાસ્ટ લાઈન:
“જ્યાં સુધી જનમતની પરવાનગી હોય, સરકારો હંમેશાં કાનૂનના તંત્રનો દુરપયોગ કરવાની.”
– એમિલ કપોયા, અમેરિકન પ્રકાશક
(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 16 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર