૧
માણસના જીવનમાં એક અને અનેક-ની નિત્ય સહજ રમણા છે.
એક-ને માણસ જ્ઞાનેન્દ્રિયોથી અને કર્મેન્દ્રિયોથી અનુભવી શકે. એ એનું વાસ્તવ બને. એક-વિધ વાસ્તવ. એવી એક-વિધતા વડે જીવવાનું ગૂંચવણ વગરનું થઇ જાય. બધું સુગમ, સરળ અને સગવડભર્યું બની રહે.
માણસ પોતાની પ્હૉંચમાં હોય એવાં અનેક-ને પણ જ્ઞાનેન્દ્રિયોથી અને કર્મેન્દ્રિયોથી અનુભવી શકે. એ પણ એનું વાસ્તવ બને. અનેક-વિધ વાસ્તવ. એવી અનેક-વિધતા વડે પણ બધું સારું લાગે. વિવિધતાનો સ્વાદ ઉમેરાય અને જીવવાનું મજાનું લાગવા માંડે.
જીવનની મૂળભૂત ભાત જ એક અને અનેક-ની રમણાથી છે. હવે, એને લીધે જ જો જીવવાનું સુગમ પડતું હોય, બધું સરળ અને મજાનું થઇ જતું હોય, તો એને વધાવી લેવાય. એમ કરવામાં કશો વાંધો ખરો ? કશું દુખે ? ખૂંચે ?
હા, વાંધો, દુખાવો કે ખૂંચારો એ છે કે વખત જતાં માણસ એક-વિધતા કે અનેક-વિધતાનાં ઢાંચાઓએ ઢળાતો થઇ જાય છે. એની જાણ બહાર એને ટેવો પડી જતી હોય છે. એક અને અનેક-નાં જોડકાંએ દોરી આપેલા માર્ગોએ દોડતો થઇ ગયો હોય. નર્યું ટેવવશ જીવતો હોય. એક-માં અનેક-ને જોવાની અને અનેક-ને એક ગણવાની ટેવ પણ ખરી. જીવનમાં એ ટકે કે અટકે ત્યારે પણ બધી ચાલનાઓ ત્યાંથી હોય. જોવા જઇએ તો, માણસની રુચિ અને આચાર-વિચાર પણ એથી ઘડાતાં હોય છે. અરે, એની ઇચ્છાઓ સુધ્ધાં બીબાં બની ગઇ હોય છે. એટલે, ક્યારેક એને કંટાળો આવે, ન ગમે, પોતે બેચૅન થઇ જાય. જતે દિવસે, એને બધું યાન્ત્રિક, લપટું, પ્રાણહીન અને નીરસ લાગવા લાગે. ઊબ થાય, સંસાર ખારો કે જૂઠો લાગે, જીવન અસમ્બધ્ધ અને અર્થશૂન્ય ભાસે, ત્યારે ત્યારે, એ સઘળી માનવીય લાગણીઓના મૂળમાં એ જાતની ટેવવશતાનો ફાળો ઘણો મોટો હોય છે.
૨
જીવનની આ ગતિવિધિ સામે કશી જુદી રમણાનો સંભવ ખરો ? જાડ્યને ઝંઝેડી-પછાડીને નવ્ય રચના કરી આપનારું કંઇ છે ખરું ? હા, એ માટે માણસ પાસે કલ્પના છે. સર્જકતા છે. જેમ એક હોય, અનેક હોય, તેમ અનેક-ને સમાવીને બેઠેલું અખિલ, એટલે કે, અનેકએક પણ હોય. અનેકએક-ને કલ્પી શકાય. માણસ એને ધારી-અવધારીને પ્રગટાવી શકે. કલાના સંસારમાં એવાં પ્રાગટ્યો વ્યંજિત થતાં ખાસ જોવા મળે. કલાકારોનાં, કવિઓનાં સર્જનો. એમાં અનેકએક-ની ઝાંખી થાય. સર્જકતા એક અને અનેક-નાં જોડકાંઓને તળેઉપર કરે. જામેલી રૂઢ વાસ્તવિકતાઓને વિખેરી નાખે. નવાં રૂપો સરજે. જાણે એ એનો સ્વધર્મ ! જુઓ, સર્જક-કલ્પના ટેવજડતાની દુશ્મન છે. સુગમ થઇ પડ્યું હોય તેનાં પોલાણ દર્શાવે. સરળ લાગતું કેવું તો ખાલી છે તે દેખાડે. જીવનશૈલીમાં પડી ગયેલા જીર્ણ ઘસારા સુઝાડે. પ્રાણહીન સઘળાંને તોડે, ભાંગી નાખે. એ નવ્યની નિર્માત્રી છે. વળી, એ અલપઝલપ સ્વભાવનું ચાંચલ્ય પણ છે. એ કારણે ચિત્તમાં ક્ષણે ક્ષણે વિસ્મય પ્રભવે છે અને ખીલેલું રહે છે. તાજપ અને પ્રસન્નતાથી વિસ્તાર અને સારપ અનુભવાય છે. માણસ સર્જક-કલ્પનાનાં ઓવારણાં લઇ શકે.
૩
કમલ વોરાની આ કાવ્યસૃષ્ટિએ ડૅમી સાઇઝનાં ૧૭૨ પાન રોક્યાં છે. એમાં એક, અનેક અને અનેકએક કાવ્યવિષય છે. કયું એક ? કયું અનેક ? કયું અનેકએક ? કમલે એકેયને નામ દઇને ઓળખાવ્યું નથી. એથી લાભ થયો છે. નહિતર વાત સીમામાં બંધાઇ જાત. નોંધવાનું એ છે કે સૂઝપૂર્વક એમણે એ ત્રણેયની વિલક્ષણ કવિતા કરી છે.
આજે આપણે ત્યાં જૂની પેઢીના નીવડેલા અમુક કવિઓ અગાઉની કમાઇ પર નભી રહ્યા છે. અમુક અછાન્દસકારો પોતાની ઇમેજની સાચવણી કાજે જે સૂઝે તે લખી પાડે છે. આમે ય, રચના કુકાવ્ય છે કે અકાવ્ય, તેની સૂધબુધ વાતાવરણમાં બચી નથી. અનુ-આધુનિકતાવાદ-ની કહેવાતી મૉકળાશને નામે બધું હાલે છે. નવી પેઢી મોટે ભાગે ગઝલ ભણી સવિશેષે ઢળેલી છે. એવે સમયે કમલની આ કાવ્યસૃષ્ટિ તદ્દન જુદી પડે છે. બિલકુલ નિજી અને નિરાળી. વિશિષ્ટ રીતિનું આગવું કાવ્યત્વ. સર્વ પ્રકારે વિલક્ષણ સમ્પદા – એવી કે એમને આપણે સામ્પ્રતના વિલક્ષણ કવિ કહી શકીએ.
૪
કેવીક છે એ નિજી નિરાળી સૃષ્ટિ ? શી છે કમલની વિલક્ષણતા ? સમજવાનો મારો યત્ન કંઇક આવો છે :
સંગ્રહમાં એક, અનેક અને અનેકએક એમ મથાળાં, પેટા-મથાળાં, તેમાં કોઇ નામ હેઠળ ૧ ૨ ૩ ૪ વગેરે ક્રમ સાથે રચનાઓ, અને આસપાસમાં કોરો અવકાશ — એમ પાકી વ્યવસ્થા છે. આ વ્યવસ્થા મને એમ કહેવા પ્રેરે છે કે કવિ કમલના મનમાં એક ચોક્કસ ભાવ-વિભાવ કામ કરે છે : એમ કે પોતાની એક એક રચનાથી અનેક થાય અને એથી પછી ભલે અનેકએક-ની સ્ફુરણા થાય. જેમ ઈશ્વર એક હતો, બહુ થયો, અનેક, અને એનું સમગ્ર સર્જન અખિલ બ્રહ્માણ્ડ અનેકએક રૂપે સ્ફુર્યું — તેમ. એમાં, એક અને અનેક સન્નિહિત છે. એક-અનેક-નો સહ-વાસ છે. પાર્ટ-હોલ એની સંરચના છે. એને સાયુજ્ય કહો કે સમાસ કહો, દ્વન્દ્વ કહો કે યુતિ કે મેળાપ.
આ પરથી એમ સમજી લેવાય કે આ સંગ્રહની રચનાઓ એક-થી અનેક-ની દિશામાં છે, એક-ના શકલ છે. અથવા તમામ શકલથી એક-ની રચના થઇ છે. અથવા એમ સમજો કે એવા એક-થી જ અનેકએક છે અથવા અનેકએક સ્વયં એક છે.
અતુલ ડોડિયાએ મુખપૃષ્ઠ પર એનું ચિત્ર કર્યું છે. એમણે એક; એક પછી એક, બે; પછી એક, ત્રણ; પછી એક, ચાર — એમ એક-ના વાસ્તવિક વિસ્તારને રેખાયિત કર્યો છે. પછી એ ચારને જૂથમાં બાંધીને કે છૅંકી નાખીને એમાં એક બે ત્રણ ચાર પ્રકારે ચાર એક ઉમેરીને એ સંરચનાને અજાણતાં જ દૃશ્ય કરી દીધી છે. અમસ્તી લાગતી ચિત્રકલાથી સંભવેલું એ કમલની કાવ્યકલાને ઉપકારક મુખપૃષ્ઠ છે, સુન્દર છે.
૫
સમગ્રપણે જોતાં મને એમ લાગ્યું છે કે કમલની સર્જકતા સામે માનવજીવન અવારનવાર એક અને અનેક જેવાં કેટલાંક જોડકાંઓમાં ખડું થાય છે – જેમ કે, ક્ષર અને અક્ષર. કાગળ અને કલમ. કલમ અને લેખન. વ્યક્ત અને અવ્યક્ત. મુખર અને અંતર્લીન. ભ્રાન્તિ અને સત્ય. શબ્દ અને આકાશ. ધ્વનિ અને લય. ચૂપકીદી અને ઘોંઘાટ. રજ અને પથ્થર. જળ અને પથ્થર. પથ્થર અને કિલ્લો. ક્ષણ અને સમય. બિમ્બ અને પ્રતિબિમ્બ. કેન્દ્ર અને વર્તુળ. કેન્દ્ર અને પરિઘ. પંખી અને આકાશ. ગતિ અને ગતિમાન. આઘેનું અને ઓરું. કાળું અને ધોળું. વગેરે.
એક અને અનેક-ની જેમ આ જોડકાંઓ પણ — બધાં નહીં, પણ મોટાભાગનાં — પાર્ટ-હોલની સંરચનાએ છે. પાર્ટ્સ સામસામે છે; વિરોધમાં છે; પ્રતિસ્પર્ધાએ છે. પણ સાથોસાથ, વિરોધમાં કે પ્રતિસ્પર્ધાએ નથી એમ પણ છે – કેમ કે કોઇપણ એક-માં અનેક સમરસ છે, અ-વિરુધ્ધ છે, નિસ્સ્પર્ધાએ છે, તેમ કોઇપણ હોલમાં પાર્ટ્સ પણ સમરસ, અવિરુધ્ધ અને નિસ્સ્પર્ધાએ એટલા જ છે.
એમને અંગે બીજું પણ જડી આવે છે — અપવાદો ખરા, પણ સામાન્યપણે આમ છે : પાર્ટ્સ પરિચિત-અપરિચિતની અસમંજસમાં સળવળતા છે. દાખલા તરીકે, પરિચિત કેન્દ્ર-ની સરખામણીએ તેમાંથી પ્રભવનારું વર્તુળ કે પરિઘ અપરિચિત છે : બીજ-વૃક્ષની રીતભાતમાં વિકસતા છે. દાખલા તરીકે, અમુક જળ અમુક પથ્થર-નું બીજ હોઇ શકે છે : અમૂર્ત-મૂર્તની અવસ્થાઓમાં નિર્ણિત છે. જેમ કે, ક્ષર-ની સરખામણીએ અક્ષર : જાગૃતિ-સ્વપ્નની ચાલમાં રૂપાયિત છે. જેમ કે, કાગળ પરની કોઇ પણ પ્રકારની જાગૃતિ-ની સરખામણીએ કલમથી પ્રગટનારું કંઇપણ, સ્વપ્ન છે. વગેરે.
૬
મને એટલે લગી લાગ્યું છે કે જીવનની એ મૂળભૂત ભાત સામે, એ જોડકાંઓ સામે, કમલની સર્જકતા યુદ્ધે ચડી છે. કેમ કે એથી જ છે જીવનમાં જાડ્ય. એથી જ છે અર્થશૂન્યતા. એમનું યુદ્ધ મને અવિરામ લાગ્યું છે – જુઓ, સંગ્રહનાં કાવ્યોને પૂર્ણવિરામનું ચિહ્ન નથી — અપવાદે માંડ મળી આવે !
વધુમાં મને એમ પણ લાગ્યું છે કે યુદ્ધનો તરીકો કલાકારને છાજે એવો ક્રીડામય છે. યુદ્ધનો નાયક છે એમનામાં જીવતો કવિ. ક્રીડા એ કરે છે. કોઇ પણ જોડકું એની સર્જકતાનો, કહો કે એના તાતા નિરીક્ષણનો વિષય બને એટલે એની સામે એની જાતભાત ઊઘડે. એ એને પોતાની સર્જકતાથી, સમજો કે પછાડે. પણ એટલે, વિરોધ પ્રતિસ્પર્ધા ઉપરાન્ત, અવિરોધ સમરસતા કે નિસ્સપર્ધાની બધી ભેગી સંકુલતાઓ એની સામે પડે. એટલે એનો ય સામનો કરવાના પ્રસંગો ઊભા થાય. ટૂંકમાં, કવિચેતના અને બહિર્ વચ્ચે અવારનવારનાં ઘર્ષણ, અથડામણ — તે યુદ્ધ. અને યુદ્ધ છે એટલે, હાર કે જીત. અથવા, ન હાર ન જીત જેવું પણ ખરું.
જો કે તેમછતાં, એ લાક્ષણિક યુદ્ધ હૃદ્ય અને રમ્ય અનુભવાય છે. કેમ કે, જોઇ શકાય કે બધા દાવ નવસર્જન માટે હતા –એવા કે જેથી જોડકાં આગવી રૂપરચના સાથે નવ-જન્મ પામે. કાવ્ય-કલાના પરમ સતના પ્રતાપે બધું પ્રાણવાન થઇ ઊઠે.
આ સમજવા માટે એક જ દાખલો બસ થઇ પડશે : ધારી લઇએ કે એક અને અનેક-ના જોડકાને સૌ પહેલાં તો એણે તાક્યું હશે — શરસન્ધાન કે સન્ધાન. દેખાયાં હશે એનાં મિશ્રણો : અનેક એક. અન્-એક એક. અનેક અને એક. અનેક કે એક. અનેકમાં એક. અનેકથી એક. અનેકનું એક. અનેકેક. એકાનેક. વગેરે. સાથોસાથ, જોડકાની પેલી બધી સંકુલતાઓ જોડે ઘર્ષણ થયાં હશે. એ સઘળા અનુભવ પર એની ચેતનાએ કામ કર્યું હશે. દરમ્યાન કોઇ ધન્ય ક્ષણે એને અનેકએક નામના કશા અ-ભૂતપૂર્વની ઝાંખી થઇ ગઇ હશે.
પણ, જો કે, આ આપણે જાણ્યું શી રીતે ? ઉત્તર એ છે કે નાયકે એનું પ્રતિપાદક વિધાન કર્યું –આવું કે, અનેકએક હોય છે. નાયક ક્રીડા તો કરે છે પણ સાથોસાથ, એની આમ કથા પણ કરે છે. જો કે, એની વિશેષતા એ છે કે એમ કરવામાં એનો કર્તા-ભાવ, એનો અહમ્ ભાગ્યે જ ડોકાય છે. સંગ્રહમાં જેમ પૂર્ણવિરામો નથી — જવલ્લે જ છે — એમ સંગ્રહમાં આ કવિ-નાયકનો નિર્દેશક હું પણ નથી — કદાચિત્ જ છે ! જીવનની મૂળભૂત ભાત સાથે જાતનો અને જાત વડે ચાલ્યા કરતા યુદ્ધનો એ જાણે માત્ર સાક્ષી હોય, માત્ર કથક હોય !
એટલે, એ જે કંઇ કથે છે, જેટલાં કંઇ કથન કરે છે, તે કથનો વિધાનો જેવાં વધારે હોય છે. હા, એ વિધાનો તાર્કિક નથી, રસીલાં અને કાવ્યશીલ છે કેમ કે એ કવિના આગવા ધરાતલની નીપજ છે. એ જે જમીન પર ઊભો છે, તેની પેદાશ છે. ઉક્ત દાખલામાં વિધાનને મેં પ્રતિપાદક કહ્યું છે. ઍસર્ટિવ. એનાં લગભગ બધાં જ વિધાનો ઍસર્ટિવ સ્ટેટમૅન્ટ્સ છે — એટલે કે, કાગળ પર, આમ તો એની ચેતનામાં, જે સંભવતું હોય તેનાં ભાષિક ઉદ્ગાન. એટલે, એ બધાં મને અર્થશીલ અને વિચારણીય પણ લાગ્યાં છે. જરા વિચારો કે અનેકએક હોય છે એ પ્રતિપાદન કેટલું તો સૂચક છે !
હું એ કવિ-નાયકને કમલના સર્જનસંસારનો પ્રોટેગનિસ્ટ ગણું છું. અનુભવાય કે એની પડછે રહીને કમલ પોતાને ઇપ્સિત કશી નવ્ય સર્જનશીલ રમણાને સ્ફુરાવી રહ્યા છે.
૭
સંગ્રહમાં મને એ જ ત્રણ ખણ્ડ જોવા મળ્યા છે. અવળા ક્રમે છે : અનેકએક, અનેક અને એક.
ત્રીજા ખણ્ડની વાત હું પહેલી કરી લઉં : એનું મથાળું છે, એક. મથાળે કવિ જણાવે છે કે
પ્રગાઢ અંધકારમાં
એક ઝબકાર થાય
વિલાય
થાય વિલાય
આટલું જ
બસ આટલું જ (૧૪૫).
એમાં, ફળ, એક રચના, ઉડ્ડયન, અભેદ, જાદુગર, ખંડિત સત્યો, સદ્ગત પિતા માટે, આગિયા, ઘોડા, ઘેટાળાં ઘોડાં, પતંગિયા પાછળ દોડતો છોકરો – નામ હેઠળ કેટલીક રચનાઓ છે.
મને આ રચનાઓની ભૂમિકા એક-થી અનેક કે અનેક-થી અનેકએક-ના ઉક્ત ભાવ-વિભાવની હોય એવી ખાસ નથી લાગી. દરેક પોતાની આગવી ચાલમાં જુદી વરતાઇ છે. ને તેથી હું એને નાયકના મારા આ યુદ્ધ-વિચાર સાથે જોવા કે જોડવા નથી માગતો. ૧૪૫-થી ૧૭૧ જેટલાં પાનમાં પ્રકાશિત એ રચનાઓને હું આ લેખ પૂરતી બાજુએ રાખું છું.
હું માત્ર પહેલા બે ખણ્ડમાં જ વિહરવા માગું છું : પહેલા ખણ્ડમાં, એ યુદ્ધને પરિણામે અનેકએક-ની આ પ્રોટેગનિસ્ટને જે ઝાંખી થઇ તેનું વિશદ બયાન છે. નિસ્યન્દન સમજો. આટલું જ કે અનેકએક હોય છે. એ સંભળાય, દેખાય. જ્યારે બીજો ખણ્ડ, એ યુદ્ધની વીગતે વીતકકથા કરે છે. અને ત્યારે, એ જ અનેકએક-ની એનાં અનેક સ્ફુરણોમાં વિધવિધે અનુભવાય છે.
આશા છે, મારી આ પસંદગી યોગ્ય લેખાશે.
૮
કમલ આપણા સમયના એક ક્યુટ માધ્યમસભાન કવિ છે. પણ અહીં હવે, આ સૃષ્ટિમાં, માધ્યમથી એઓ સાવ જ નિર્ભ્રાન્ત થયા દીસે છે. સભાનતા જાણે એમને નિષ્ઠુર સત્યો લગી દોરી ગઇ. નિર્ભ્રાન્તિ અને તેથી થયેલાં દર્શનોનો આ સંગ્રહ મને વિરાટ શબ્દાકાર લાગ્યો છે.
પોતાની એવી મનોભૂમિ પર એમણે આ પ્રોટેગનિસ્ટને સર્જ્યો છે. પછી સતત એને આગળ કરીને, લાગે કે એઓ શબ્દ અને એથી રચી શકાતી કલાની અવસ્થાને વિમાસે છે. સાથોસાથ, શબ્દ અને કલા બેયને ધારણ કરનાર કાળતત્ત્વના રહસ્યને બાથ ભીડવા કરે છે. કલાની ક્ષણભરની અમરતા અને કાળની નિત્યની ભંગુરતા. એમની જેમ એમનો આ નાયક પણ એકને વિશે સજ્જ, પણ બીજાને વિશે લાચાર, અસહાય. તે છતાં, એમ કરવા જતાં પણ, પ્રભવી તો કલા ! યુદ્ધનું અનિવાર્ય પરિણામ ! એની તરફનું, એના પક્ષનું રહસ્ય ! એના એકલ પુરુષાર્થની આગવી પરિણતિ ! અલબત્ત, એ પરિણતિ, એ કલા, મને એનાં ચવાયેલાં બે વિશેષણો મુજબની માત્રસુન્દર અને માત્રરસપ્રદ નથી ભાસી, બલકે ઉક્ત નિર્ભ્રાન્તિથી ખાસ્સી વેદનાસિક્ત લાગી છે. એમાં સૂચવાઇ છે સામ્પ્રતમાં ઝઝૂમતા નૈષ્ઠિક સર્જકની નિયતિ. એ અનુષંગે અનેકએક-ની સમગ્ર સૃષ્ટિ મને ચિન્તન કરવાજોગ લાગી છે. કેમ કે ભાવકના એવા ચિન્તન-સહયોગ વિના, વાત, સંભવ છે કે અધૂરી રહી જાય.
એ માટે સંગ્રહનો અધઝાઝેરો ભાગ વપરાયો છે એ કારણે પણ મને થયું છે કે ત્રીજા ખણ્ડની વાતને આ લેખમાં ન લઉં …
૯
પહેલો ખણ્ડ : મથાળું છે, અનેકએક. મથાળે એમનો એ કવિ આપણને જણાવે છે કે —
અનેકએક
હોય છે (૯).
ખણ્ડમાં, ૧ અને ૨ એમ એની બે રચનાઓ છે. રચના ૧ નોંધપાત્ર છે કેમ કે એ કમલના ઉક્ત ભાવ-વિભાવનો ચોક્કસ ઇશારો આપે છે.
એમાં, એમના એ કવિએ એ ત્રણેયનાં લગભગ બધાં જ શક્ય સંમિશ્રણો કર્યાં છે. રચનાને આપણે એક અને અનેક-ની સયુક્તિક વર્ણમાલા કહી શકીએ. એ આમ છે :
અનેક એક
અન્-એક એક
અનેક અને એક
અનેક કે એક
અનેકમાં એક
અનેકથી એક
અનેકનું એક …
અનેકેક
કે એકાનેક
એકમાં અનેક
અનેકમાં અનેક
એકમાં એક
એક અનેક
હોઇ શકે છે …
આટલું કહ્યા પછી ઉમેરે છે —
પણ
અનેકએક
હોય છે
— એના એમ કહેવાની ખાતરી ત્યારે થાય છે જ્યારે એનો મૉકળાશથી પાઠ કરાય છે. દરેક પંક્તિના વર્ણો દીવા થઇ જાય છે. અને ત્યારે, એક-થી પ્રગટતા અનેક-ની અને અનેક-થી સ્ફુરી આવતા અનેકએક-ની ઝાંખી થાય છે.
પાઠ-થી કલાનુભવ –એવો આ ક્રમ મને આ સૃષ્ટિનો મોટો કાવ્યગુણ ભાસ્યો છે.
અનેકએક કેમ હોય છે એ વાતનું રહસ્ય એણે રચના ૨-માં સૂચવ્યું છે :
એણે વિશેષણ-વિશેષ્ય, ઉપમાન-ઉપમેય, ધ્વનિ-શબ્દ — જેવાં અન્ય સાયુજ્ય, દ્વન્દ્વ, સમાસ, યુતિ કે મેળાપનું કાવ્ય કર્યું છે. એ જોડકાં સાથેનો મુકાબલો એને એવા દર્શન લગી લઇ ગયો કે
અનેક એક …
વચ્ચે અંતર ન રહેતાં
સમાન થઇ જતાં
અનુસ્યૂત થઇ જતાં
અનેકએક અવિશ્લેષ્ય થયું (૧૧-થી ૧૨).
બીજો ખણ્ડ : પાંચ ભાગમાં છે :
ભાગ ૧ : મથાળું, અનેક. તેમાં પેટા-મથાળું, એક.
મથાળે કવિ જણાવે છે કે
કોરા કાગળથી હળવું
પારદર્શક
પવિત્ર
સાચું
સુંદર …
કશું નથી (૧૩).
એમાં, કોરા કાગળ, લખતાં લખતાં, કલમ, જળાક્ષરો, શબ્દસૃષ્ટિ, દ્વિધા, વાગીશ્વરીને, અને એક વખતે — નામ હેઠળ કેટલીક રચનાઓ છે.
આ ખણ્ડમાં, એમ સમજાય છે કે કમલનો કવિ-નાયક યુદ્ધ માટે તત્પર તો છે, પણ પોતાનાં મુખ્ય આયુધ કાગળ-કલમ વિશે એને ભરોંસો નથી. એથી ક્યારેક એ લાભ્યો છે, પણ છેતરાયો ય છે. એટલે અવઢવમાં છે, દ્વિધામાં છે. કહ્યું છે :
અક્ષરો અને કાગળની વચોવચ છું
એકાકી (૩૪).
તેમછતાં, કવિમાત્રનો તરણોપાય તો સ્વરચિત શબ્દ ! એથી એ છૂટો નથી થઇ શકતો. જેવું રમાય, જેટલું રમાય, રમી લેતો હોય છે. આ કવિનું પણ એમ જ છે, કહે છે :
આભાસમાં વાસ્તવની
વાસ્તવમાં આભાસની
ક્રીડા કરવા
કોઇ કોઇ વાર
કાગળમાં ઊતરું…
રમ્ય વળાંકોમાં
વિહરું છું.
— છતાં કારકિર્દી દરમ્યાનનો એનો અભિલાષ અવળો છે. એને કાગળને કોરો રાખવો છે, એટલે કે, એની ભાષામાં કહું તો — હળવો પારદર્શક પવિત્ર સાચો અને સુન્દર રાખવો છે. એનો અર્થ એ કે લેખન કે સર્જનનાં દૂષણોને, દુષ્પરિણામોને, આ કવિ ઓળખે છે અને એથી બચવા માગે છે. એને ભાન છે કે
શબ્દો ચડાવે ચક્રવાતે
અર્થો
ઓળખ પાડી પાડી છૂટું પાડે
— સ્વજનને તો એ એટલે લગી કહે છે કે
આવ…આ કોરી વાટે
કોરાકોરા
મળીએ
– કેમ કે એને ખબર છે કે
લખીશ
તો વીખરાઇ જશે
હવામાં
ધુમ્મસ અદૃશ્ય થઇ જાય
— જો કે, એને કદાચ એમ છે કે પોતાની સર્જકતાથી કોરા કાગળમાં જે થાય, બલકે જન્મે, તેથી આશાપૂર્તિ થઇ ગઇ. કશી એવી માનસિકતાથી કહે છે,
નથી પ્રગટી તે વાચા
નથી રચી તે ભાષાને
ઘૂંટીઘૂંટીઘૂંટી
ઘૂમરીમાં ઉતારી દઇ
કાગળને
વધુ કોરો
કરું છું
–એ કોરા કાગળનું રહસ્ય શું છે ? એમાં શું થાય છે ? શું જન્મે છે ? ચાર જેટલાં સહજ કલ્પનોની ભાષામાં કહે છે
: ૧ :
શાંત સ્વચ્છ સરોવરમાં
આકાશો
આવી આવી સરી જાય…
: ૨ :
અનરાધાર વરસતું ધુમ્મસ
સચરાચર
એકાકાર કરી દે
: ૩ :
રણમાં
ડમરીએ ચડેલા રેતકણોના સુસવાટા
ફુંકાઇ ફુંકાઇ
ફસડાઇ વિલાઇ જાય :
: ૪ :
સમુદ્રમાં
ઊછળતી લહેરો ઊછળતી
ખળભળતી રહે સમુદ્રમાં
— પછી ઉમેરે છે :
આવું
કંઇક આવું જ
કોરા કાગળમાં
થતું હોય છે
— તો પણ, એના કહેવાનો મતલબ એ છે કે, થાય, જન્મે, એ ખરું, પણ કાં તો સરી જાય, ફસડાઇ વિલાઇ જાય, કે પછી જેમાંથી પ્રગટ્યું હોય તેમાં એકાકાર થઇ જાય. સર્જનની કશી એ જ વિ-દિશા, વિડમ્બના ! એને એ ભાન પણ છે કે કાળ સઘળું લુપ્ત તો કરે છે, પણ
શનૈ: શનૈ:
મુક્ત કરે છે.
એટલે જણાવે છે,
કાળને સંક્રમી
હું કાગળ
કોરો રાખું છું
— તેમછતાં, પૂછે છે,
શું છે
આ નર્મમ ઠંડીગાર સફેદી
હેઠળ ?
જો કંઇ હોય તો, કહે છે,
અક્ષરોથી
ઊંચકી લેવાના પ્રયત્નોમાં
રમમાણ છું
— ખરું કવિકર્મ તો એણે આમ ઉચ્ચાર્યું છે :
એના કરતાં
સામે છે તે ને
અંતર્લીનની વચ્ચેથી
આ
કાગળ
હળવે હળવે
ખસેડતો જાઉં. (૧૫-થી ૨૨).
બહાર જે મુખરિત થયું છે અને અંદર જે લીન થઇ ગયું છે તે બેની વચ્ચેથી કાગળને એટલે કે લેખનને ખસેડી લેવાની ચેષ્ટા ઘણી ગમ્ભીર છે. મોટું સર્જનાત્મક સાહસ કહેવાય એને. વક્રતા તો એ છે કે એવી ચેષ્ટા પણ લખીને કરવી રહેશે ! લખ્યા વિના તો એ નથી પ્રગટવાની ! ને તેથી, લખવું અનિવાર્ય ! પોતાના એ સુચિન્તિત અભિલાષને નાયકે લખતાં લખતાં-માં હૂબહૂ ઉતાર્યો છે : એને અનુભવાય છે કે એની ક્ષરતાનાં એક પછી એક પડળ ઊંચકાતાં જાય… –અને, ઉમેરે છે, અક્ષરઝાંખી થઇ જાય…
–તેમછતાં,
શબ્દો સુધી પહોંચ્યા તંત
અણધાર્યા
નિર્મમપણે કપાઇ જાય
અને વધુ એક આરંભ
હાથમાંથી સરી જાય.
આમ પ્રયત્નથી પ્રયત્નની રફતાર ચાલુની ચાલુ રહે. બને એવું કે એનાથી,
લખતાં લખતાં
ગબડી પડાય
અતળ કોરાપણાંમાં;
શ્વાસ લડથડી જાય
કોરો કાગળ જીતી જાય;
પંખી સમુદ્ર આકાશ ઝગમગને
અક્ષરોમાં ગોઠવતાં ગોઠવતાં કોઇવાર
પાછા ફરવાની દિશા
ખોવાઇ જાય
— જો કે એને આશ્વાસન પણ મળ્યું છે. એમ કે,
લખતાં લખતાં
અક્ષરોનાં નિરંતર કંપનોમાં
નિષ્કંપ થતો જાઉં છું
— અલબત્ત, આશ્વાસન આશ્વાસન દીસે છે. ખાસ પ્રસન્નકર નથી લાગતું ! વગેરે વગેરે કારણોથી એને છેવટે તો કૂટ પ્રશ્ન થયો છે :
લખતાં લખતાં વિસર્જિત થાઉં છું
કે લખતાં લખતાં હું રચાતો આવું છું ? (૨૩-થી ૨૭).
ભલે; આ મામલામાં કલમ-થી ઊગરી જવાય ખરું ? કેમ કે કલમ એટલે આગવું પ્રભુત્વ, નિજી શૈલી, સ્વકીય સામર્થ્ય. એ પર શબ્દના ઉપાસકમાત્રને અઢળકઅઢળક શ્રદ્ધા હોય છે. આ કવિ-નાયકને પણ છે. કહે છે :
કલમને ખોળે છઉં
કારણ
અવ્યક્ત
એની ભીતર છે
કલમને ખોળે છઉં
કારણ
વ્યક્ત
વિસ્તરી રહ્યું છે
કલમને ખોળે છઉં
કારણ
અવ્યક્તવ્યક્ત ભેદ
ભૂંસાઇ રહ્યો છે
— અને એને કલમની શક્તિનો અનવદ્ય અનુભવ પણ છે. એમ કે,
કલમ ઝબકોળું ને
આકાશ ઊઘડે
છંટકારું કે વેરાય તારા-નક્ષત્રો
અણીમાંથી ટપકે પૃથ્વી
લસરકે પ્રગટે અગ્નિ
વળાંકે જળ
ઘૂંટું ઘૂંટું ને વાય વાયુ
રચું વનસ્પતિ-જીવસૃષ્ટિ
કલમગતિથી
જાળવું લય…
— પણ, કાનમાં કહેતો હોય એમ ઉમેરે છે,
કોઇ વાર
કલમ તરડાવું તો
સઘળું નિર્લય નિર્વર્ણ
નિર્વિકલ્પ
– એટલે કે એને કલમ પરના અત્યાચારની જાણ છે. કલમના અપપ્રયોગને પોતે ઓળખે છે. વળી, એને એટલી જ લાક્ષણિક અશ્રદ્ધા પણ છે કેમ કે એનો અનુભવ એ પણ છે કે
કલમ
ક્યારેય કાગળને અડી શકે નહિ
વચ્ચે
અક્ષરો આવી જ જાય
અક્ષરો સમેટાય તો
બિંદુ રહી જાય
બિંદુ પર થંભી
કલમ
નિર્બંધ કોરાપણું જોઇ રહે (૨૮-થી ૩૧).
મને એમ લાગ્યું છે કે કમલના નાયકની સમગ્ર મથામણ ક્ષર અને અક્ષર, અવ્યક્ત અને વ્યક્ત, વગેરે દ્વન્દ્વોને યત્નપૂર્વક તોડીને નિર્દ્વન્દ્વને પામવાની છે. ભેદથી અભેદ. પણ અભેદની પ્રાપ્તિ પાછી એના કવિજીવને પ્રસન્ન નથી કરી શકતી, બલકે નાખુશ કરી દે છે ! એટલે એ પુન: યત્નને વરે છે ! (જોઇ શકાશે કે આ વિવરણમાં, તેમછતાં અને તો પણ-ના પ્રયોગ વડે મેં એની એ નાસીપાસીને દર્શાવી દીધી છે). એ જુદી વાત છે કે તિતિક્ષાભર્યા આ આખા ખન્ત-તન્ત દરમ્યાન કાગળ કલમ લેખન શબ્દસૃષ્ટિ એક સમર્થ પ્રતીક સ્વરૂપે વિકસતાં આવે છે. એ પ્રતીક તે જાણે કે નિરભ્ર શુભ્રા કવિતા. અથવા, સ્વયં સરસ્વતી ! પ્રતીકાર્થ એ રીતે વિસ્તરે છે કે કાગળને કોરો એટલે કે લેખનને કોરું, સર્વથા મુક્ત રાખવાનું અશક્યવત્ છે. ક્ષરને અક્ષરનું ચિરમ્ જીવન અર્પવા જતાં નિરાશા મળે છે. પૂરા સફળ નથી થવાતું. છતાં, એવી સભાનતા સાથે મથ્યા કરવાનું ચાલુ રાખી શકાય છે. સતતનો પ્રયત્ન અશક્ય નથી. બળતરા અને આર્જવ તો બચતાં હોય છે. તેથી, આજીજી અશક્ય નથી. એ કહે છે એમ કહી જ શકાય છે કે
હે નિરભ્ર શુભ્રા… !
સ્પંદિત થઇ વહી આવ
વહી આવ…
આ
ક્ષરઅક્ષરને નિ:શેષ કર
નિ:શેષ કર ! (૨૨).
એટલે પછી એણે કાગળ પર કલમથી લેખનનો તરીકો છોડી દીધો.
જળમાં
અક્ષર આળખ્યા.
જળ પર આલેખન. જુદું જ સાધી શકાયું. કાગળ ન કરી શક્યા તે જળે કરી દાખવ્યું. જળે અક્ષરને ઝુલાવ્યા – ઝળહળઝળહળ. ડુબાડ્યા, ઉછાળ્યા, ઝીલ્યા, અવળાસવળા કર્યા, વહાવ્યા. કહે છે, અક્ષર હવે,
ઘૂંટેઘૂંટે
અજવાળાં પીએ જાણે સળવળસળવળ તરીઓ !
બુદ્બુદો, ઝલમલ પડઘાઓ, બૂડબૂડ — વગેરે જેવું જીવન્ત બધું ઘણું પ્રગટ્યું. પણ એ સઘળાંથી યે શો લાભ થયો ? કેમ કે એ
જળને વાળે, ખાળે
વળાંકોમાં ઢાળે તે પહેલાં તો
વરસી જાય તરસ્યા તરંગો
રેલાવી દે રેષેરેષા
વિખેરી ભૂંસી દે ચમકારા
— જળાક્ષરોથી પરિણામ જે આવ્યું, જુદું હતું :
નહિ છેક ન છેવટ
ન પાર
– બસ,
જળ… જળ…
ખળખળતાં ઊછળતાં પછડાતાં
વહેતાં
— એટલે પછી, અનોખી શબ્દસૃષ્ટિ રચાઇ. પેલી સૃષ્ટિ જો સ્થિતિજડ હતી, તો આ હતી નિત્ય પ્રવહમાન. શબ્દસૃષ્ટિ નામની રચનામાં, તરંગ ભંગિ વલય વાયુ શ્વાસ ઉચ્ચાર વગેરેનાં રૂપ-પ્રરૂપ વાપરીને એણે પોતાનાં વાચાક્ષેપ, વિઘટનો, ઉચ્ચારણો, વાગ્વિકલ્પનો વગેરેને કેમનાં કામે લગાડ્યાં તેની એક સાચકલી પણ છેલ્લી વાત કરી છે. સાર રૂપે ઉમેર્યું છે,
રચ્યાં છે તે
ભ્રાન્તિનાં સત્ય
સત્યની ભ્રાન્તિમાં
રાચું છું (૩૩).
પોતાનો જાણે કે વાંક ન હોય, કશી અણઆવડત ન હોય, એમ, એકરાર કરતાં વાગીશ્વરી આગળ પણ કહ્યું,
તેં દીધાં વારિ અને વાણીને
કદરૂપાં કર્યાં છે
અગ્નિને રાખ
શ્વાસને અંગારવાયુ
પ્રાણને અશબ્દ કર્યા છે (૩૭).
ભાગ ૨ : મથાળું, અનેક. તેમાં પેટા-મથાળું, બે.
મથાળે કવિ જણાવે છે કે
ક કિલ્લાનો
ક કવિતાનો
ક કક્કાનો
ઊખડી રહ્યો છે કાગળ પરથી (૩૯).
એમાં, પથ્થર, ખડક, કિલ્લો — નામ હેઠળ કેટલીક રચનાઓ છે.
હવે, એના, જેવા છે તેવા યુદ્ધની વાર્તા મંડાય છે. સ્પષ્ટ થતું આવે છે કે યુદ્ધ તે સર્જનની ક્રિયા પોતે — ઍક્ટ ઓવ ક્રીએશન ! ( મેં આ લેખના વાચકો માટે યુદ્ધના રૂપકમાં અહીં પ્રયોજાયેલાં પથ્થર, ખડક કે કિલ્લો વગેરેના એકપણ પ્રતીકાર્થને ખોલીને વીગતે સમજાવવાની જરૂર જોઇ નથી. ભાગ ૩, ૪ અને ૫-માં પ્રયોજાયેલાં માટે પણ નથી જોઇ ).
પથ્થર-માં, પથ્થર સમા અક્ષર, પણ અક્ષર પાછા, જળગર્ભી – એમ યુતિ-વિયુતિની ચાલમાં રચનાઓ ચાલી છે. કહે છે,
ઇચ્છું તો
આ
પથ્થરોને અક્ષરોમાં ફેરવી દઉં
… …
નિ:શેષ કરું
– પણ કહે છે,
ના,
ના,
ચુપચાપ
ચૂપ..ચાપ
પથ્થરને વધુ પથ્થર કરું :
કેમ કે એને જાણ છે કે જે થશે તે —
આ કાળમીંઢામસ પથ્થરો વચ્ચે (૪૩).
ખડક-માં, તાપ તડકો ધુમ્મસ કે અન્ધકારની સત્તાઓથી પ્રભાવિત થયા પછી પણ ખડક ખડક રહે છે, અડીખમ. જળભંડારધારી આકાશો નદીનીર સમુદ્ર જડવત્ હવા વીંટળાઇ વળતો પવન વંટોળ વાવઝોડું ઝંઝાવાત જેવી પ્રાકૃતિક ઘટનાવલિ વચ્ચે, કે એની તળે, કવિચેતનામાં જે પ્રભવ્યું એનો સાર પકડાવતાં કહે છે,
તળે
માટીકણો વચ્ચે ફરે સરવાણી
ક્યાંક ઊંડે ખળભળે લાવા
ભખભખે અગ્નિ
– પણ, બસ એ અને એટલું ! ઘટનાવલિ ભલે પ્રાકૃતિક છે, રૂપકાન્તરે, સર્જનપ્રક્રિયાપરક પણ એટલી જ છે ! (૪૪-થી ૪૫).
કિલ્લો-ની ૧ ૨ ૩ ૪ ૫ રચનાઓ વડે સમજાઇ જાય છે કે પથ્થર ખડક કે કિલ્લો સર્જકતાનાં અઠીગણ છે, અન્તરની કે અંદરની વાત કરવા માટેનાં હાથવગાં બહાનાં. ભાષા નામના કમજોર સાધનની વારતા માંડવા માટેનાં રૂપકો. મૅટાફર્સ.
એટલે એ હોય અને ન પણ હોય. કહે છે,
કિલ્લો છે કિલ્લો નથી
— કેમ કે બુરજોના ઉ ઊડી ગયા છે, કાંગરાના અનુસ્વાર ગબડી પડ્યા છે, ડોકાબારીઓના કાનોમાતર તૂટી ગયા છે. વગેરે. રૂપકની રીતે કવિને વાત તો કરવી છે શબ્દોના જર્જર કિલ્લાની, બીમાર ભાષાની. એ ભલે ભવ્ય અને વિજયી ભાસે. ભલે લાગે કે
ફરફરે છે ધજાઓ
બજે છે નગારાં રણશિંગાં દુંદુભિઓ
… ભલે લાગે કે
ધણધણે છે તોપ
તગતગે છે તલવારો
— કેમ કે એને પાકી ખબર છે કે
કિલ્લો તો ક્યારનોય ધૂળધૂળ
રજ થઇ રહ્યો છે
ને અણધાર્યું, સામું
કટક ધસી આવે
તો એ અવાક્ મૂંગો મૂઢ … પરિણામે, કોરા કાગળ પર કાનોમાતર સમેતનું બધું
કડડભૂસ
ઢળી પડે છે
— એટલે પરિણમે શું ? : અક્ષરો
ફસડાય
પીળાં છિદ્રોમાં
નિરાધાર
— એ પરિણામને એણે દર્દમય વાણીમાં મૂકી બતાવ્યું છે :
ન વળાંક
ન અર્થ
ન ધ્વનિ લય ન અજવાળાં
ન ચૂપકીદી
ન ઘોંઘાટ
ક્યાંય
ન આયુધો ન સેના
ન રણશિંગાં
ન દુશ્મનછાવણી
ન ઘેરો
ન હુમલો
ન હુમલાની દહેશત
— અને જુઓ, એ સઘળી અસારતાને એણે આ ઉપમા-દૃશ્યથી કેવી તો આકારી છે :
દિગ્વિજયી થવા નીકળેલા રાજાનું
રહ્યુંસહ્યું સૈન્ય
દિશાદિશાઓથી
પાછું ફરી રહ્યું હોય એમ
સાવ એમ
ક્ષતવિક્ષત અક્ષરો તળેથી
ખસી રહ્યો છે
કાગળ… (૪૬-થી ૫૩).
ભાગ ૩ : મથાળું, અનેક. તેમાં પેટા-મથાળું, ત્રણ.
મથાળે કવિ જણાવે છે કે
ક્ષણમાં ભાંગી જશે
જળ-પવનની આ યુતિ
પડછેના અબ્ધિમાં જળ
પવન વાયુમંડળમાં
વહી જશે
ઝીણેરા સ્ફોટ થશે નહિ થાય
શમી જશે (૫૫).
એમાં, વિવર્ત, જળ, ત્રણ સમુદ્રકાવ્યો, બુદ્બુદો, તરંગો, ઉત્પત્તિ, જળપથ્થર, જળલીલા –નામ હેઠળ કેટલીક રચનાઓ છે.
લાગે કે પેલી કાગળ ખસી રહ્યાની કે ખસેડી લેવાની ચેષ્ટાને હવે જાણે ફળ બેઠાં. કવિને તેમ એના શ્રોતાને પણ લાગવા લાગ્યું કે જાણે કશી અદૂષિત, શુચિતર વાણીની સત્તા શરૂ થઇ ગઇ –
સ્યાહીસિક્ત કલમ
સરે
પીછું
દર્પણમાં
કાળા ગુલાબ પર
પતંગિયાંનાં બિંબ
વહી જાય
સરકતાં જળ
પથ્થરો વચ્ચે
…
પ્હાડ
થયો વરાળ વાયુ વાદળ
જળ થયું પીંછાં
પંખી પથ્થર
ઝાડ ઊખળ્યાં ઊડ્યાં
…
થળ હતાં તે જળ થયાં
તટ થયા તળ
અકળ ન રહ્યાં અકળ
સરળ થયા સળ
પળ થઇ નિષ્પળ
…
પથ્થરોને ખસેડી
સર્યું બુંદ
તળાવમાં
ખડકજડ રાશિ સળવળ્યો
તરંગલયે
પવન વહ્યો વનરાજિમાં
…
ખળભળ્યાં, ઊછળ્યાં
વીંટળાઇ વળ્યાં
બળ પ્રગટ્યાં, નાદ જાગ્યા … (૫૭-થી ૬૧).
શ્રોતા કહેશે, કવિ ! હવે તમને રોકતા-ટોકતા વાણીના ખડકાળ અવરોધો ને કિલ્લેબંધીના ભરમભારી દિલાસા પણ ગયા; હવે તો લય અને લયના જાદુ જાગ્યા; વાણીના તેજતોખારે શોભન્તી રૂપાવલિઓનાં વિસ્મય પ્રગટ્યાં … હવે તમે યુદ્ધને લીલાની પેરે લડતા થયા …
હવે, સમુદ્ર — બુદ્બુદો — તરંગો — એમ કવિકલ્પના વિહરતી થઇ છે :
સમુદ્ર પાસે હવે એણે ડૂચો વાળેલ કોરાકટ્ટ કાગળના સળ સરખા કર્યા છે ને જોયું છે કે ખાલીખમ્મ સમુદ્રમાં પવનભર્યા જળપર્વતો વહી આવ્યા છે. અરે, આથમતા સૂર્ય જેવો સૂર્ય પણ કાંઠા સુધી જળ થઇને જળમાં વહી આવ્યો છે. કહે છે,
આકાશ પણ સમુદ્ર.
ક્ષણાર્ધ, ને પછી
સમુદ્ર, સમુદ્ર.
જો કે,
હલબલ્યા કરે
અક્ષરો તળે કાગળ
– નામની કઠિનાઇભરી નિ:સહાયતા તો ખરી ! એટલે એને થાય છે, બુદ્બુદ બંધાય તો શું ? બુદ્બુદ વીખરાય તો ય શું ? કેમ કે
બુદ્બુદોથી
સમુદ્ર વીણ્યો વીણાય નહિ
ઊંચક્યો ઉંચકાય નહિ
…
બુદ્બુદોમાં
સમુદ્ર સમાવ્યો સમાય નહિ
… તરંગ અને સમુદ્ર વચ્ચે પણ કશું હિતકારી સામંજસ્ય એને વરતાતું નથી :
તરંગ
ઊછળી ઊછળી પછડાઇ
વીખરાઇ જાય છે
…
સમુદ્ર
તરંગને ઉછાળી ઉછાળી પછાડી
વિખેરી દે છે
— સમુદ્ર પછી, હવે, કવિ વાત કરે છે, ઉત્પત્તિની ! સ્વાભાવિક છે ! ઉત્પત્તિ રચનામાં એણે સૂર્ય જળ આકાશ પવન કે વૃક્ષોનાં પ્રાગટ્યોને સૃજનની રીતિમાં વર્ણવ્યાં છે, પણ પછી તરત પોતાના સ્થાયી ભાવ-વિભાવ પર પાછો પહોંચી ગયો છે. કહે છે :
ગંધ રૂપ ધ્વનિ આકાર એકસામટાં
એક જ
સરવું વહેવું ઊડવું પ્રસરવું એકસામટું
એક જ
શ્વસવું દેખવું બોલવું જાણવું એકસામટું
એક જ
અનેક અનંત ગતિભેર સ્થિતિ એકસામટી
અનેક અનંત લય એકસામટા
અનેક અનંત ઉત્પત્તિ એકસામટી
એક જ (૬૨-થી ૭૧).
૧-થી ૧૪ રચનાઓમાં પ્રભવેલી જળલીલા દર્શાવે છે કે એનું યુદ્ધ હવે યુદ્ધ નથી રહ્યું, આશાયેશભર્યા કશા મનોભાવ રૂપે વીસરાતું ચાલ્યું છે, કહો કે કશુંક સમાધાન વિલસતું લહેરાવા લાગ્યું છે :
— હવે એણે,
તાણી લીધા… તરંગ
સમેટી લીધા ઉદ્વેગ
… આંતરવેગ… આવેગ
વેગ
એકેક સંચલન
સંકેલી લીધું
ઘનઘેરું ઘૂંટી ઘૂંટાઇ
સંકોર્યું
અંતિમ રવવલય
ઘડ્યા
ઝળહળ ઘાટમાં
જળ
નિ:સ્પન્દ થયું
– હવે,
તપ્યું તપ્યું
ખળભળ્યું મંથર અલસમાં
બુદ્બુદવાગ્-વિહ્વળ થયું
જળભાર વેરતું
સર્યું – હવે,
સઘળાં
બિંબપ્રતિબિંબબિંબ ઘૂમરી ખાતાં
નિરંતર
ખળભળતાં રહે
શાંત
ઊંડા સરોવર જળે
– હવે,
સમુંદમાંથી
ઊછળી ઊડી આકાશમારગે વહી
અંધારપાષાણપર્વતો ભેદી
સરી આવી
ઝમે ઝીણું ઝાકળ
– હવે,
પળભરમાં ડુંગરના ડુંગર
વરસે અનરાધાર ઊછળે દરિયા
આલિંગે સકળને
લે પાશ પ્રગાઢે
તાણી લઇ જઇ ભીતરતમ
ઓગાળે
ગોચર તે તે કરે અગોચર
— એટલે હવે,
ઝરણું
રમતું રમતું આવે
રમતું રમતું જાય
– અને રમત ?
રમત
જળની પથ્થરની પર્વતની
– હવે એ જળલીલા સાથેનું એનું એ સન્ધાન એને હવે ગહનમાં દોરી ગયું છે : હવે, જળ એને કેવાં કેવાં અનુભવાય છે ? સાંભળો :
હોય નહિ
હોય ભાસમાન
એવાં;
ઓરાં ઓરાં
ત્યાં તો આઘાં આઘાં
તરસી તરફડી તૂટી જતા
– મૃગ, ને મૃગજળની છલોછલ છલના-ને ઘૂંટતા. હવે જુઓ, જળ અને આકાશની એક જાદુ જેવી ઘટના : ખોબોક જળમાં ઊતરી આવતાં આકાશ, એમાં વાદળની આવ-જા — આકાર રંગ તેજ — પણ હવાની એક જ લહેરખીથી સઘળાં દૃશ્યોનું ભૂંસાઇ જવું ! પણ, આકાશનું ફરી ખોબોક જળમાં ચૂપચાપ ઊતરી આવવું. હવે, એ રહે વાયુમાં અન્તર્ધાન પણ જિહ્વાને હોય એના આછાઆછા અણસારા. હવે સાંભળો, જળ અને પવન અંગેની એની આ ચિન્તા : જળઘેરામાં ઘૂઘવે પવન, પણ પવનને લિપ્ત રહી સરસરે, તેથી દહેશત થાય કે ક્ષણમાં ભાંગી તો નહીં જાય જળપવનની આ યુતિ. હવે છે, પ્રચંડ જળરાશિ : પણ કેવા ? કહે છે, પર્વતકાય લોઢને ધસમસતા ગરજતા રાખે એવા. વળી, એ છે, ખળભળતા અંધારભર્યા : તો ય, કેવા ? કહે છે, નર્યાં બળ —
આરો કેવો કે ઓવારો કેવો કે
કેવાં તળ
નર્યાં બળ …
પછીની બન્ને રચનામાં, બુંદ બુંદ છૂટું રાખી બંધાવાની અને મહાકાય થતાં થતાં હળવા થવાની, તથા વા દળ પર દળરમણા-માં વરસવા કે વીખરાવાની, વહી વહી વહીને છેલ્લે તો જળમાં જ ભળી જવાની, એની ઉન્મુક્ત પ્રકૃતિનું નાયકે હૃદયભાવથી સ્તવન કર્યું છે. અને ૧૪-મી રચનામાં, એ ક્યાં ક્યાં વરસે છે એનું વરસતા વરસાદની ચાલમાં સાવ જ હૃદયંગમ ગાન-સંગીત સંયોજ્યું છે. (૭૫-થી ૮૬).
સમગ્ર જળલીલા એના પ્રકૃતિ સાથેના પ્રગાઢ શરસન્ધાનનું ફળ છે. જાણે જળનાં એકોએક વળ-કવળનું એને પાકું જ્ઞાન છે. છતાં, સર્જકની તાવણીએ ઑગળીને ક્યાં ય પ્રસરી ગયું છે, એને જરા પણ દમી શક્યું નથી. જોઇએ તો, એક સરખો પ્રભાવ પાથરતી લીલયા ચાલતી એની કલમનાં સર્વત્ર પારદર્શક આલેખનો જ આલેખનો ખડાં છે !
૧૪ રચનાઓની માળા રૂપ આ જળલીલા-ને હું કમલની વિલક્ષણ કાવ્યકલાનું સર્વોત્તમ દૃષ્ટાન્ત ગણું છું. ગુજરાતી સાહિત્યમાં જળનો આ કવિતા-અવતાર અ-ભૂતપૂર્વ છે.
ભાગ ૪ : મથાળું, અનેક. તેમાં પેટા-મથાળું, ચાર.
મથાળે કવિ જણાવે છે કે
કદાવર કાળમીંઢ ખડક પર બેઠું પતંગિયું
પાંખો
સંકોરતું
સરી જાય
હળવે… હળવે…
ખડક ઊંચકાય
ઊડઊડ થાય (૮૭).
એમાં, ક્ષણો, વર્તુળ, અંતરો, થોડા ઘડિયાળપ્રશ્નો – નામ હેઠળ કેટલીક રચનાઓ છે.
આ ખણ્ડમાં, ક્ષણ અને જળ, જળ અને પથ્થર તેમ જ ક્ષણ અને સમય — એમ ત્રણત્રણ યુતિઓની સંયુક્તિમાં કવિએ ક્ષણ વિશેનું સુન્દર કાવ્યજૂથ રચ્યું છે. છેલ્લે એને હળવા પ્રકારના પણ થોડા ઘડિયાળપ્રશ્નો ય થયા છે. જાણે હવે એના કાળ સાથેના સન્ધાનની વીગત વારતા શરૂ થઇ …
ક્ષણના સ્વરૂપ વિશે ખાસ્સાં માર્મિક પ્રતિપાદનો મળે છે : જેમ કે,
ક્ષણ
સમયની ત્વરાનું
માપ છે
ક્ષણવિલીનતા
વ્યાપ
: જેમ કે,
ક્ષણો
વીતી ગયાની છલના
રચે છે સ્મૃતિને
અનવરતતા
કલ્પે છે
અનાગતને
ને એમ
ક્ષણો
ત્રિખંડિત થાય છે
: જેમ કે,
ક્ષણને
ઝીણામાં ઝીણી કર્યા પછી યે
સમય
અવશિષ્ટ છે
ક્ષણનો વિસ્તાર
સમયને આંતરી શકતો નથી
સમયની ગતિસ્થિતિહીનતા
ક્ષણના ઉદ્ભવ લયથી
અસપૃષ્ટ છે
— ભલે; કવિ-નાયકની ક્ષણો કેવી તો સ-જીવ છે ! — જળ ન હોય ને દેખાય, પથ્થર હોય છતાં ન દેખાય, પછીની ક્ષણે બધું અવળસવળ થાય. આ ક્ષણે, જળ થીર, તો આ જળે, પથ્થર વહે. તો વળી, વહેતા પથ્થરમાં ક્ષણ થીર, તો થીર ક્ષણમાં, જળ. એને એમ પણ થાય છે :
ન થીર ન વહે
તે ક્ષણ
જળ
પથ્થર છે
– અને એવી બધી અસમંજસતા વચ્ચે એને ય જ્ઞાન લાધે છે કે
શાશ્વતી
પ્રસવે છે
ભંગુર ક્ષણો
— પણ પોતે કવિ છે એટલે એ તથ્યને ઉપમાથી રસી લે છે :
જેમ
સમુદ્રમાં બુદ્બુદો છે છતાં
બુદ્બુદ સમુદ્ર નથી
એમ
ક્ષણ સમય નથી
— જુઓ, ક્ષણો… ચાર-માં એણે ક્ષણ શબ્દ ઉચ્ચાર્યા વિના ૬ ક્ષણોનાં કેવાં તો સિનેમૅટિક હૅપનિન્ગ આકાર્યાં છે ! હું માત્ર ૧, ૨ અને ૫–નાં અવતરણો આપી સંતોષ માનું છું :
૧ :
આકાશો વીંઝતું
સડ-સડાટ ઊતરી રહ્યું છે
પંખી
તળિયેથી
જળપર્વતો વીંધતું
સર્ ર્…સર સરી રહ્યું છે
હમણાં… હમણાં
એકમેકમાં
ભળી જશે
પંખીઓ
૨ :
કદાવર કાળમીંઢ ખડક પર બેઠું પતંગિયું
પાંખો
સંકોરતું
સરી જાય
હળવે… હળવે..
ખડક ઊંચકાય
ઊડઊડ થાય
૫ :
રિક્ત
છલોછલ થાય
ભર્યુંભાદર્યું ખાલીખમ્મ
ક્યારે થઇ જતું એની
બ..સ..
જાણ ન થાય
બરોબર આ જ પદ્ધતિએ, એણે કેન્દ્ર અને વર્તુળ વિશે તેમ ભૂમિતિ સમય અને દેહ વગેરે સાથે ઊભાં થતાં અન્તરો વિશે રચનાઓ કરી છે. એ રચનાઓ એનાં વિધવિધનાં સન્ધાનોની સૂચક છે, એટલી જ રોચક અને ધ્યાનપાત્ર છે. માત્ર ત્રણ દાખલા આપું :
૧: વર્તુળમાં કેન્દ્ર અને પરિઘ વચ્ચેના અન્તરને એની આ નજરે જુઓ :
આ
એકધારું
એક અંતર
કેન્દ્રનું પરિઘથી
પરિઘનું કેન્દ્રથી
– પણ એની વર્ણના જુઓ —
શબ્દકાળાતીત
એનું એ… નિરંતર
: ૨ : દૈહિક અન્તરની વાતમાં દામ્પત્ય વિશે એ શું કહે છે ? સાંભળો :
દેહસરસા દેહ
વચ્ચે
તસુ, જોજન પણ
પ્રસ્વેદ, અશ્રુ પણ
પ્રસનન્તા, ખિન્નતા પણ
સહશયન, સહદમન પણ
ભવોભવ, વિપ્રયોગ પણ
: ૩ : ભલે; એને વાર્ધક્યપરક અન્તર વિશે સાંભળો :
અહો…
સુદીર્ઘ કેવું…
કેવું કુટિલ…અંતર આ
શરીરમાં શરીરનું (૮૯-થી૧૨૬).
ભાગ ૫ : મથાળું, અનેક. તેમાં પેટા-મથાળું, પાંચ.
મથાળે કવિ જણાવે છે કે
હું ય મારાં બોર લઇ આવ્યો છું ને
ચાખી ચાખી
એકેક બોર અલગ કરતો જતો
બેઠો છું બજારમાં
ચૂપચાપ (૧૨૭).
એમાં, બજારમાં, બજાર, ખુરશીઓ, કાળુંધોળું – નામ હેઠળ કેટલીક રચનાઓ છે.
સરળ અને સ્વયંસ્પષ્ટ છે આ રચનાઓ. રૂપકાન્તરે વ્યંગ વેરે છે, પણ સાથોસાથ, દરેકનું નવ્ય રૂપ પણ પ્રગટાવે છે :
જેમ કે, કાળુંધોળું-માં એ બન્નેને શતરંજની બાજીમાં સામસામાં ખડાં દર્શાવ્યાં છે. બન્નેની જાત-ભાતને એવા રૂપે ઓળખવાનું બને છે. — જેમ કે, ખુરશીઓ નામનું ૧૩ રચનાઓનું જૂથ એવી જ હળવાશથી રચાયું છે, પણ, ખુરશી પર એક પંખી આવી બેઠું ત્યારે એનું આમ પ્રાકૃતિક સ્વરૂપાન્તર થઇ ગયું — માણવા જેવું છે :
ખુરશીમાં
ડાળો ફૂટી
પાંદડાં કલબલ્યાં
પુષ્પો પ્રગટ્યાં
ફળ લચ્યાં
– પણ કરમની કઠિનાઇ તો જુઓ,
ખુરશીમાં ઝાડ જાગ્યું
મૂળિયાં વિનાનું
— જેમ કે, બોર અને બજાર તે રૂપકાન્તરે કાવ્ય, સાહિત્ય કે કલા અને તેનું બજાર. કહે છે, બજાર ખરું, પણ રાઇના પર્વત વેચનારું ! એટલે, ચપટીક રાઇ માગનારો રડ્યોખડ્યો કોઇ આવી ચડે, ત્યારે આખું બજાર મૂંઝાઇ મરે. જબરો છે આ કટાક્ષ. એવામાં નાયક પોતાનાં ય બોરાં લઇ બેઠો છે. એને કદાચ એમ છે કે પોતે અન્યોથી જુદો છે. એટલે છેલ્લે ફોડ પાડે છે :
ચાખી ચાખી
એકેક બોર અલગ કરતો જતો
બેઠો છું બજારમાં
ચૂપચાપ (૧૨૭-થી ૧૪૪).
— એને એની આવી જુદાઇમાં ભાળીને અંકે કરવાનું ગમે એવું છે. એવા એને આપણે આપણો કરી સંભાળી રાખીએ.
૧૦
આ દીર્ઘ પટના વિવરણથી મેં કમલની સૃષ્ટિથી પ્રગટતા અનેકએક-ની ઝાંખી કરી છે. એને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે. આને એની અને કમલની કશી સાવ સાચકલી કબૂલાત શું કામ ન કહેવી ? ધૈર્યપૂર્વકનો આ એક ખરો દિલી એકરાર છે. એ એકરારમાં, એક અને અનેક-થી અનેકએક સ્ફુરે, વ્યક્ત અને અવ્યક્ત-થી વ્યક્તઅવ્યક્ત જન્મે, ભ્રાન્તિ અને સત્ય-થી ભ્રાન્તિસત્ય પ્રગટે તેનો આનન્દ નથી એમ નથી. પણ તે દરેકનું આયુષ્ય તો અલ્પ છે ! એકરાર એ વેદનાથી લિપ્ત પણ છે. કલા સમસ્તની નિરર્થક સાર્થકતા કે સાર્થક નિરર્થકતાને ઓળખ્યા કરવાના નિષ્ઠાભર્યા કવિ-યત્નને અહીં આમ વાચામાં મૂકી શકાયો છે. જીવનરહસ્યોને લખ્યા પછી, કે લખતાં લખતાં, કે લખ્યા વિના, પામી શકાય ? નિજી સર્જકતા પર વિશ્વાસ રાખી શકાય ? કેટલો ? કલારહસ્યોની છેવટ શું ? સરજાયેલાં સત્-ની છેવટે શું ? સર્જનપ્રક્રિયામાં રત-નિરત જીવ સામે પ્રગટતા આ બધા પાયાના પ્રશ્નો છે.
૧૧
એક અર્થમાં, જીવનની તુલનામાં કવન, એટલે કે સાહિત્ય, અ-સહજ છે. મન અને એથી દોરવાતાં કર્મ સહજ છે પણ એની સરખામણીએ વચન, એક અર્થમાં, ઓછાં સહજ છે. કેમ કે વચન ભાષાતન્ત્રની પેદાશ છે. ભાષાવિહીન વચન ન હોય. પણ ચેષ્ટાઓ ઇશારા ઇંગિતો, સરખામણીએ સહજ છે. ભાષામાં, પદ્યની સરખામણીએ ગદ્ય, એક અર્થમાં, ઓછું કૃતક છે. એક અર્થમાં, છાન્દસ પદાવલિની તુલનામાં અછાન્દસ પદાવલિ સહજ છે. એક અર્થમાં, અછાન્દસ પદાવલિની સરખામણીએ કશા કાવ્યપ્રકાર વગરનું, કશી કાવ્યબાનીની ચિન્તા વગરનું, કે અરે, કશા કહેવાતા કાવ્યવિષયની પળોજણ વગરનું કાવ્યત્વ, એક અર્થમાં, વધારે સહજ છે.
આ દરેક સહજ-તા સ્વલ્પ સાહિત્યિકતાની પક્ષધર છે. કમલની સૃષ્ટિમાં મને એવી સ્વલ્પ સાહિત્યિકતા અને સહજતા અનુભવવા મળી છે.
આપણા ૨૧મી સદીના જમાનાનો સવાલ એ છે કે કયું સાહિત્ય સહજ અને કયું કૃતક. જીવન-વ્યાપારોનું અનુ-સરણ કરનારું કૃતક કે પછી તેનો સામનો કરે, યુધ્ધે ચડે, એ સહજ –? બીજી રીતે એમ પૂછાય કે જેમાં સાહિત્યિકતાની માત્રા વધુ તે સહજ કે જેમાં માત્રા નહિવત્, એ સહજ –? આધુનિક સાહિત્ય-દર્શને અટમોસ્ટ લિટરરીનેસ-ની ચાહનાને આગળ કરેલી. મહત્તમ સાહિત્યિકતા. એની પ્રતિક્રિયારૂપે અનુ-આધુનિક દર્શનમાં લીસ્ટ લિટરરીનેસ-ની હિમાયત થવા લાગી છે. ઓછામાં ઓછી સાહિત્યિકતા. અને તુલનાત્મક સાહિત્ય-ના અધ્યેતાઓએ ઇન્ટર-લિટરરીનેસ-ની વાત નવેસર માંડી છે. આન્તર-સાહિત્યિકતા. તેઓ જુદે જુદે સ્થળે જુદા જુદા કાળે સંભવેલાં સાહિત્યોમાં અનુભાવતી સાહિત્યિકતાઓ-ને સરખાવે અને એ તુલનામાં તદુપરાન્તનાં કયાં તત્ત્વો સમ્મિલિત છે તેની શોધ આદરે. કેમ કે કોઇપણ દેશ-કાળે જે કંઇ લખાય છે તેમાં સર્જનપરક અને સિદ્ધાન્તપરક — બન્ને પ્રકારનાં પૂર્વવર્તી આવિષ્કરણોની છાયાઓ તો હોય જ છે. જેમ કે, વર્તમાન સાહિત્યોમાં આધુનિક, રોમૅન્ટિક કે ક્લાસિકલ-ની યાદ અપાવનારાં તત્ત્વો હાજર હોય છે. શોધી બતાવાય. એટલે, પ્રવર્તમાન કલા-નિષ્ઠાએ એ દિશા પકડી છે, જેમાં પૂર્વવર્તી આવિષ્કારો માટેના સંચિત આગ્રહો-દુરાગ્રહોથી મુક્ત થવાય અને ઓછામાં ઓછી સાહિત્યિકતા વડે વર્તમાનને પ્રસ્તુત રહી શકાય.
અનેકએક સંગ્રહ મને મળ્યો એની પૂર્વેના બેએક માસમાં, સમજો કે, ૨૦૧૨ના લેટ સપ્ટેમ્બરથી ઑક્ટોબરમાં, હું યુગોસ્લાવ મૂળના ચાર્લ્સ સિમિક નામના અમેરિકન કવિની સૃષ્ટિમાં રમમાણ હતો — એ રીતે કે હું એમનાં કાવ્યોના અનુવાદ કરતો’તો. સિમિક સર્રીયલ-ના અનોખા સર્જક છે. એમના જેવા કવિઓને મન સર્રીયલ-થી વધારે ખરું દર્શન એકે ય નથી. એમની સર્જનયાત્રા એનાથી સંભવે છે. એમની સૃષ્ટિમાં, જેમના સૂઝ્યા એમના લવારા નથી હોતા, બલકે ભાષા ઓછામાં ઓછી હોય છે. એમની અને કમલની સૃષ્ટિમાં જે દેખીતી સમાનતા છે તે આ — વર્બલ મિનિમાલિટી. ગણ્યાગાંઠ્યા શબ્દોથી કાવ્યપદાર્થનું ઉદ્ભાવન કરવાની નેમ. એને પરિણામે પ્રગટે છે, સ્વલ્પ સાહિત્યિકતા. વરસો પર આવી જ સમાનતા વાસ્કો પોપામાં જોવા મળી હતી. એમની રચનાઓના અનુવાદ કરતી વખતે પણ ઓછા શબ્દોથી પ્રગટતી સ્વલ્પ સાહિત્યિકતાનો જાદુ પરખવા મળેલો. આ બાબતે આપણી ભાષામાં કમલ એમના પ્રવેશકાળથી ચિહ્નિત થયેલા છે. ૧૯૮૨માં મેં આઠમા દાયકાની કવિતા શીર્ષકથી એક સમ્પાદન પ્રકાશિત કરેલું. એ ગાળાની આપણી કવિતાપ્રવૃત્તિને ઓળખવાનો પ્રયાસ. ત્યારે મેં કમલ વોરાને કશા આવા જ મનોભાવથી નવી કલમના કવિ કહેલા. અલબત્ત, ઉમેરેલું, જે હજી સ્થિર થવા કરે છે. એમ પણ ઉમેરેલું કે, પરન્તુ એમનો અવાજ ઘણો ઘણો જુદો છે. એ અવાજનું જુદાપણું આ સંગ્રહમાં એનાં સૂર, સ્વર કે સંયોજના જેવાં બધાં જ પરિમાણોમાં ખીલી ઊઠ્યું છે — અલબત્ત તેનો ધારક અને પોષક છે એમનો આ પ્રોટેગનિસ્ટ.
૧૨
એના વડે સંભવેલી કમલની આ કાવ્યકલા વિ-લાક્ષણિક છે : અગાઉ મેં એનાં કથનને વિધાન જેવાં કહ્યાં છે. કહ્યું છે, વિધાનો તાર્કિક નથી, રસીલાં અને કાવ્યશીલ છે કેમ કે એનાં મૂળ કવિચેતનામાં છે. કોઇ ફિલસૂફે નહીં પણ કવિની ચેતનાએ ઝડપેલાં છે. કાવ્યત્વની ચાલમાં ચાલતાં છે, ઉપરાન્ત, પ્રતિપાદક છે. જુઓ, એક અને અનેક-ની રમણાનાં જ્ઞાનભાન ભાવકને ન હોય એમ નહીં. પણ સર્જનપ્રક્રિયા વડે અહીં એ બધાંનો કાયાકલ્પ થઇ જતો હોય છે. લગભગ દરેક રચના એ પ્રકારે સમ્પન્ન થઇ છે. કથનની રીતભાત અને ભૂમિકા પ્રતિપાદક વિધાનની રહે છે અને / પણ એ સ્તો છે, કમલનું કાવ્ય !
એમનું કાવ્ય એવા વિલક્ષણ પ્રકારે સંભવે છે, હૅપન થાય છે. આના સમર્થન માટે કેટલાક અંશો :
— જેમ કે,
અનેક એક…
વચ્ચે અંતર ન રહેતાં
સમાન થઇ જતાં
અનુસ્યૂત થઇ જતાં
અનેકએક અવિશ્લેષ્ય થયું (૧૨).
— જેમ કે,
નર્યા ખાલીપાપૂર્વક
સમગ્ર વર્તુળ
કેન્દ્રને
આશ્લેષે છે
પ્રપૂર્ણ એકાગ્રતા (૧૦૯).
— જેમ કે,
ક્ષણો
વીતી ગયાની છલના
રચે છે સ્મૃતિને
અનવરતતા
કલ્પે છે
અનાગતને
ને એમ
ક્ષણો
ત્રિખંડિત થાય છે (૯૭).
— જેમ કે,
અહો…
સુદીર્ઘ કેવું…
કેવું કુટિલ… અંતર આ
શરીરમાં શરીરનું (૧૧૯).
વાર્ધક્યના તથ્યનું આ અપ્રતિમ સત્ય છે અને તે ય કવિતાની ભાષામાં.
કેટલાંક હૅપનિન્ગ્સ :
— જેમ કે,
અક્ષરો અને કાગળની વચોવચ છું
એકાકી (૩૪).
એ પ્રોટેગનિસ્ટને જોઇ શકાય છે.
— જેમ કે,
પછી
કાગળની કરચલીઓ વચ્ચે
કાળું ટપકું
હલબલ્યા કરે… (૬૩).
કરચલીઓ અને હલબલતું ટપકું, બન્ને દેખાય.
— જેમ કે,
પવનના જોમે
કિલ્લો
ચકરાવા લે છે
રેત રેત રેત
સૂસવે છે (૪૯).
પવનનું જોમ ધ્યાને આવે છે.
– જેમ કે,
જળઘેરામાં ઘૂઘવે પવન (૮૨).
— જેમ કે,
બિંદુ પર થંભી
કલમ
નિર્બંધ કોરાપણું જોઇ રહે (૨૮).
કલમનું થંભવું અને કોરાપણું જોતી થંભેલી એ કલમ, બન્ને જોવાય છે.
— જેમ કે,
સામે છે તે ને
અંતર્લીનની વચ્ચેથી
આ
કાગળ
હળવે હળવે
ખસેડતો જાઉં (૨૦).
સામેનું અને અન્તર્લીન — બન્ને જોવાય ત્યાં તો કાગળ ખસેડાતો દેખાય, સંભળાય. એ ખસેડનારને પણ અનુભવાય છે.
— જેમ કે, …
હું
ખચ્ચ્ ખેંચું છું
તસુ
કોરી જગા
મળી આવે ! (૧૭).
એ એમ કહે ને જોઇ શકીએ કે એને તસુ કોરી જગા તરત મળી આવી !
— જેમ કે,
રેતકણો વચ્ચે
બુદ્બુદો તતડી તતડી
તૂટી રહ્યા છે
શંખમાં ઝીણેરો રવ પણ નથી (૬૬).
બુદ્ બુદોનું તતડીને તૂટવું દેખાય અને સંભળાય પણ ખરું. જો એમ થાય તો શંખમાં જે ઝીણેરો રવ પણ નથી તે દેખાયા પછી સંભળાય પણ ખરો. બન્ને વખતે કવિતાનો કાન જોઇએ !
એણે કેટલા ય શબ્દો સરજીને સ્વ હેતુએ આબાદ વાપરી બતાવ્યા છે. જે-તે સ્થાને મને એ ય કોઇ કોઇ હૅપન થતા લાગ્યા છે : કેટલાંક દૃષ્ટાન્ત આપું : નર્યા ખાલીપાપૂર્વક / સમગ્ર વર્તુળ / કેન્દ્રને આશ્લેષે છે / પ્રપૂર્ણ એકાગ્રતા (૧૦૯); અંતિમ રવવલય / ઘડ્યા (૭૫); ભેજમત્ત હવા (૮૧); તૃષાજ્વરિત કંઠમાં બાઝે (૭૯); વા દળ પર દળરમણામાં (૮૪); કલ્પે છે / અનવરતતા (૯૭); બિંબપ્રતિબિંબબિંબ ઘૂમરી ખાતાં (૭૭); વાચાક્ષેપથી અલયાન્વિત કરી (૩૩); અક્ષરમરોડોની ભંગુરતાના આનંદમાં (૧૯); કે, હે શતસહસ્ત્રશતદલપદ્મ ! (૧૦૮).
આ સિદ્ધિ વિપુલ માત્રામાં નથી, ગાજતી-વાજતી નથી. એ તો એની સ્વલ્પતામાં રમે છે – એકના એક દાવપેચથી રમે છે ! કેમ કે એના સર્જકને એની પણ કશી લગની નથી. કલાની શૈલૂષી પ્રકૃતિનો જાણતલ એ એથી પણ મોહાવા નહીં માગતો હોય કે શું !
કમલનો આ પ્રોટેગનિસ્ટ મને એવી દરેક વાતે નિરીહ અને નિ:સ્પૃહ દેખાયો છે. જાણ્યે-અજાણ્યે પણ કાવ્યસૌન્દર્યને અંગેના સંચિત, સુખ્યાત અને મૂલ્યવાન મનાયેલા આગ્રહોથી મુક્ત લાગ્યો છે. એના સર્જક કમલની સ્વલ્પ સાહિત્યિકતા તો એનું ય સ્વાભાવિક લક્ષ્ય છે. જુઓ, પ્રેમ ઇર્ષા ક્રોધ શોક વગેરે સાથે જોડાયેલાં જાણીતાં કાવ્યવસ્તુ એના વિષયો નથી. એને તો આ દ્વન્દ્વાત્મક વિશ્વને અને તેનાં રહસ્યોને વિદારવાં છે કેમ કે કલાની નજરે તાવીને બદલી જોવાં છે. અને એમ કરવા જતાં, સર્જન કે કલાની મૌલિક તાકાતને નાણી જોવી છે. એથી પ્રગટતી વિમાસણ અને તેની જ સહોદર વેદનાને વાચા આપવી છે. એ માટે જાણીતા છન્દોલય કે અછાન્દસના ચવાયેલા તરીકાઓ એનાથી નથી વાપરી શકાયા. જાણીતા કાવ્યપ્રકારનો તૈયાર ઢાંચો પણ નહીં. એમાં, શબ્દોનો ખખડાટ નથી, પણ અર્થકાયાઓની અવરજવર છે, ક્યારેક અફરાતફરી પણ છે. ઉપમા વગેરે અલંકરણની માત્રા નહિવત્ છે. એમાં કલ્પનનું રસાયન જરૂર છે પણ ભાગ્યે જ કોઇ કલ્પન પોતાની મોહિની માટે હોય. બલકે, કોઇ કલ્પન કશા કેન્દ્રને ઘન કરવાને પણ ભાગ્યે જ છે. અગાઉના વિવરણથી સ્પષ્ટ થયું જ છે કે કમલની કોઇ એક રચના એક હોવાછતાં સ્વાયત્ત નથી અને છે પણ ખરી; અને તેથી એને કેન્દ્ર છે પણ ખરું અને નથી પણ ખરું. પરિણામે એની કાવ્યબાની, સ્વરૂપે અનોખી છે. નિરન્તર ટટ્ટાર. કેમ કે એ આ બધાં ન-જાણીતાં તત્ત્વોનું પરિણામ છે.
૧૩
આ સર્વ લક્ષણોથી સૂચવાતી કમલની વિલક્ષણતા બેવડો પરમ્પરાવિચ્છેદ સૂચવે છે : વિચ્છેદ પરમ્પરાગત કાવ્યતરીકાથી તેમ જ વિચ્છેદ આધુનિક તરીકાથી. એ વિચ્છિન્નતા અનુ-આધુનિકતા-વાદી છે, કે ના, હજી યે આધુનિકતા-વાચી છે — તેનો પણ્ડિતો ભલે કરે વિચાર. આપણે તો આ વિલક્ષણ કવિને આપણો કરી સંભાળી રાખીએ.
= = =
‘અનેકએક’ : કાવ્યસંગ્રહ : કમલ વોરા : પ્રકાશક – ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર, A-403, Parasnath, Sudha Park, Shanti Path, Ghatkopar (East), MUMBAI – 400 077, India : e.mail –etadindia@gmail.com : પહેલી આવૃત્તિ – 2012 : પૃ. 176 : મૂલ્ય –રૂિપયા – 200
02/12/2012 [Last modified : 31/03/2013]
G/730 Shabari Tower, Ahmedabad 380 015, India
E-mail: suman.g.shah@gmail.com