હૈયાને દરબાર
જે ગમે જગતગુરુ દેવ જગદીશને
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો.
હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા
શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે
જોગી જોગેશ્વરા કો’ક જાણે.
નીપજે નરથી તો કોઈ ના રહે દુ:ખી
શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
રાય ને રંક કોઇ દ્રષ્ટે આવે નહિ,
ભવન પર ભવન પર છત્ર દાખે.
ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા,
માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું
તેહને તે સમે તે જ પહોંચે.
ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી
જેહને જે ગમે તેહને તે પૂજે,
મન કર્મ વચનથી આપ માની લહે
સત્ય છે એ જ મન એમ સૂઝે.
સુખ સંસારી મિથ્યા કરી માનજો
કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;
જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે,
જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું.
કવિ : નરસિંહ મહેતા
———————–
૩૦ જાન્યુઆરી, ૧૯૪૮. ગાંધીહત્યાના સમાચાર ફેલાતાં જ આખો દેશ હચમચી ઊઠ્યો હતો. જગત શોકમાં ડૂબી ગયું હતું અને આબાલવૃદ્ધ આઘાત પામી ગયા હતા. શુક્રવારની એ ઢળતી સાંજે પંખી વિંધાઈને પડ્યું હોય એમ એ મહાત્માનો દેહ જમીન પર ઢળી પડ્યો હતો. વિશ્વભરના શાસકો, માનવતાવાદીઓ, સમાજવાદીઓ, સાહિત્યકારો સહિત અઢળક લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી. એ દિવસે ગાંધીજી પોતાના વિચારો, આદર્શો અને આચરણમાં મુકાયેલા સત્યોને કારણે શહીદ થયા. દરેક નાગરિક દુ:ખના દરિયામાં ડૂબી ગયો હતો. મજાજ લખનવી નામના એક શાયરે ગાંધીજીને અંજલિ આપતા બે લાઈનો કહી :
ન હિંદુ ચલા ગયા, ન મુસલમાન ચલા ગયા
ઇન્સાનિયત કી જુસ્તજુ મેં એક ઇન્સાન ચલા ગયા
કેટલી સાચી વાત છે! આ ઘટનાને આજે સાત દાયકા વીતી ગયા છતાં ગાંધીજી આજે પણ એટલા જ પ્રસ્તુત છે. વધારે યાદ આવે છે કારણ કે ગાંધીજી કર્મે ન હિંદુ હતા, ન મુસલમાન હતા. પણ સાચા અર્થમાં તેઓ એક મહામાનવ હતા, જે માનવતાની સ્થાપનાનો સંઘર્ષ કરતા કરતા શહીદ થઇ ગયા. તેઓ માનવજીવન વિશે નાત-જાત, ધર્મ-ભેદથી ઉપર ઊઠીને સમગ્રપણે માનવહિત વિશે વિચારતા હતા અને સ્વસ્થ સમાજની હિમાયત કરતા હતા. એવો એક પણ વિષય નહીં હોય જેના પર આપણને ગાંધીવિચાર ન જોવા મળે.
ગાંધીજી જીવનમાં પ્રાર્થનાને અતિ મહત્ત્વની માનતા હતા. તેઓ કહેતા, "જેમ શરીર માટે ખોરાક આવશ્યક છે, તે જ રીતે આત્મા માટે પ્રાર્થના આવશ્યક છે. માણસ ખોરાક વગર ઘણા દિવસ ચલાવે, પણ પ્રાર્થના વિના ક્ષણ વાર પણ ન જીવી શકાવું જોઈએ. મને તો શંકા નથી કે, આજે આપણું વાતાવરણ કજિયા, કંકાસ અને મારામારીથી ભરેલું છે, તેનું કારણ એ છે કે આપણામાં સાચી પ્રાર્થનાની ભાવના નથી. શુદ્ધ ચરિત્ર અને ચિત્તશુદ્ધિ ઉપર કેળવણીનો પાયો નાખવો હોય, તો નિત્ય નિયમિત પ્રાત:કાળે અને સંધ્યાકાળે પ્રાર્થના જેવો સરસ ઉપાય બીજો એકે નથી.
એટલે જ ગાંધીજીએ આશ્રમવાસીઓ માટે એક ખાસ ‘પ્રાર્થના ભજનાવલિ’ તૈયાર કરી હતી. તે ‘આશ્રમ ભજનાવલિ’ની સર્વધર્મ પ્રાર્થનાઓ જાણવા અને માણવા જેવી છે. આશ્રમમાં નિયમિત સવારે પ્રાર્થનામાં એ ભજનો ગવાતાં. ગાંધીજીની સર્વધર્મ સમભાવની ભાવના આ ભજનોમાંથી નીતરે છે. જે ભારતનું સાચું અને આદર્શ ચિત્ર સર્જવામાં ચોક્કસ ઉપયોગી થઇ શકે. ‘આશ્રમ ભજનાવલિ’ના સંપાદનમાં વિવિધ વિચારધારાવાળા લગભગ પચાસ લોકોનો પ્રભાવ હતો.
ગાંધીજીના પ્રિય ભજન ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ને ગયા વર્ષે જ વિશ્વના ૧૨૪ દેશના કલાકારોએ સંગીત આપીને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી. ગાંધીજીની ૧૪૯મી જન્મજયંતી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ ભજનની નવી સંગીતમય આવૃત્તિ લોન્ચ કરાવાઈ હતી.
ગાંધીજીના કારણે વિશ્વવિખ્યાત થયેલું આ ગુજરાતી ભજન ૧૫મી સદીમાં કવિ નરસિંહ મહેતા દ્વારા લખવામાં આવ્યું હતું. ગાંધીજીએ આશ્રમજીવનનની શરૂઆત કરી ત્યારે સવારની પ્રાર્થનામાં આ ભજનનો સમાવેશ કર્યો હતો.
ગાંધીજીના સંગીતપ્રેમના દાવા વિશે શંકા કરતાં પહેલાં એ યાદ રાખવું જોઈએ કે અમદાવાદમાં આશ્રમ સ્થાપ્યા પછી તેમણે વિખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત વિષ્ણુ દિગંબર પળુસ્કરને કોઈ યોગ્ય વ્યક્તિ આશ્રમ માટે આપવા વિનંતી કરી.
તેના પરિણામે પંડિત પળુસ્કરના શિષ્ય પંડિત નારાયણ મોરશ્વર ખરે સાબરમતીના સત્યાગ્રહાશ્રમમાં આવ્યા અને આશ્રમવાસી બનીને રહ્યા. ગાંધીજી કહેતા, "મને નૃત્યકળા પ્રત્યે આદર છે. સંગીત તો અત્યંત ગમે છે. એટલું જ નહીં, સંગીતમાં હું સમજું છું એવો મારો દાવો છે. પણ યુવાનોનું માનસ બગડે તેવાં ગીતો, તેવાં નૃત્ય પર તો પ્રતિબંધ જ મૂકું.
ગાંધીજીને ભજનો પ્રિય હતા. ભજનો જીવનમાં સંવાદિતા પેદા કરે છે. સંપ્રદાયવાદથી પર એવાં ભજનો માનવી માનવીને જોડવાનું કામ કરે છે એવું નક્કરપણે માનતા. ગાંધીજીએ એવાં ભજનો એકત્ર કરીને ‘આશ્રમ ભજનાવલિ’ તૈયાર કરાવેલી. તેઓનું માનવું હતું કે Life is greater then all art.
ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના મદદનીશ રહેલા સુધીન્દ્ર કુલકર્ણીએ એક પુસ્તક લખ્યું છે : Music of the, Spinning Wheel – જેનું વિમોચન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને હસ્તે થયેલું. આ પુસ્તકનું નામ Music of the, Spinning Wheel રાખ્યું છે. તે અંગે લેખકે વિસ્તારથી લખ્યું છે. ગાંધીજી સત્ય – અહિંસા સાથે સંવાદિતાની પણ શોધમાં હતા. સંવાદિતાની વૈશ્વિક ભાષા સંગીત છે. તેઓ અનેક વાર ચરખાના સંગીત – Music of the, Spinning Wheel વિશે ઈશારો કરતા હતા. તેઓ ઇચ્છતા હતા કે ચરખો ચલાવતી વખતે તેમાંથી કોઈ અવાજ ન આવે. શું તે દ્વારા તેઓ ‘મૌનના સંગીત’ પ્રતિ ઇશારો કરતા હતા? ગાંધીજીએ ચરખાના સંગીતમાં રહેલી રહસ્યમયતાને સમજવા વર્ષો સુધી અભ્યાસ કર્યો હતો. ચરખાનાં સંગીત પાછળ ચરખાનો સંદેશ પણ છુપાયેલો છે. ગાંધીને મન ચરખો ફક્ત ગરીબોને ઉપર ઉઠાવવાનું સાધન નહોતું કે ભારતની સ્વાતંત્ર્ય ચળવળનું પ્રતીક માત્ર નહોતું. ચરખો આંતરિક શુદ્ધિકરણનું અને પ્રભુ સાથેના મિલનનું સાધન પણ હતું. તેઓનું માનવું હતું કે ચરખાનું સંગીત આત્માને સૂઝ આપે છે. તે સાર્વત્રિક પ્રેમનું સંગીત છે. ગોથેના પુસ્તક ’'FAUST'“’ના પાત્ર માર્ગારેટની વાત કરતાં ગાંધીજીએ કહેલું કે માર્ગારેટ હૃદયથી દુ:ખી હતાં. તેમને ચરખો કાંતવાથી શાંતિ મળેલી. ચરખાના સંગીતે તેમનું દુ:ખ દૂર કરેલું. સંગીત-કલા-સાહિત્ય સાર્વત્રિક શાંતિ અને સંવાદિતાનો સંદેશ આપે છે. તેથી ગાંધીને કલા-સંગીત પ્રતિ આદર હતો.
‘આશ્રમ ભજનાવલિ’નાં કેટલાં ય ભજનો આપણા જીવનમાં અનાયાસે વણાઈ ગયાં છે. ‘આશ્રમ ભજનાવલિ’માં નજર કરતાં આખું બાળપણ નજર સામે તાદૃશ્ય થઈ ગયું. ગાંધીવિચારથી પ્રભાવિત મારાં માતા-પિતાને કંઠે એમાંનાં કેટલાં ય ભજનો સાંભળીને અમારો ઉછેર થયો હતો.
ગાંધીજી જેનો નિત્યપાઠ કરતા એ ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્નો શ્લોક પિતાજી પણ દરરોજ ગાતા. રસોઈ કરતાં કરતાં મમ્મીના કંઠે જે ભજનો સાંભળવા મળતાં એમાં હરિનો મારગ છે શૂરાનો નહીં કાયરનું કામ જોને, દીનાનાથ દયાળુ નટવર હાથ મારો મુકશો મા, જે ગમે જગતગુરુ, તરણા ઓથે ડુંગર રે, હરિને ભજતાં હજી કોઈની લાજ જતી નથી જાણી રે, દિલમાં દીવો કરો, પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ, એક જ દે ચિનગારી … મુખ્ય હતાં. ટાઈમ ટ્રાવેલ કરીને એ સમયમાં પાછાં જવાનું મન થાય છે ક્યારેક. એ વખતે કેવાં વિચારપ્રેરક ઉચ્ચ ભજનો, સાદગી અને સંવાદિતા હતી સમાજમાં. ‘આશ્રમ ભજનાવલિ’માં હિન્દુ-મુસ્લિમ, શીખ-ઈસાઈ જેવાં તમામ ધર્મોનાં તથા હિન્દી, ગુજરાતી, મરાઠી, બંગાળી તથા તમિળ ભાષાનું ભજન પણ છે. સમાજને સાચી રાહ બતાવતી નાનકડી માર્ગદર્શિકા જ જોઈ લો. બાળકોને સારા સંસ્કાર આપવા હોય તો પ્રથમ પગથિયા તરીકે ઘરમાં ‘આશ્રમ ભજનાવલિ’ વસાવવી જ જોઈએ. આજે એમાંનું જ ગાંધીજીને પ્રિય એક ભજન ગાઈને મહાત્મા ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ આપીએ. રવિન નાયકે જુદી જ રીતે સ્વરબદ્ધ કરેલું આ ભજન ‘ટહુકો’ પર સાંભળી શકશો. આશિત-હેમા દેસાઈએ પણ સરસ ગાયું છે.
——————————
રવિન નાયક :-
આશિત – હેમા દેસાઈ :-
https://www.youtube.com/watch?v=Htfac_fthbQ
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 30 જાન્યુઆરી 2020
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=620407