ચારે દિશામાં
નીકળી ચૂકેલો મનુષ્ય
પોતાની ઓકાતની બહાર …
દાંભિક ધાર્મિકતા ભરી
આસ્થાઓના જડત્વની અનેક કેપ્સૂલ
નગ્ન તડકામાં ગળી જતો,
અંધકારને ભચડભચડ ચાવતો
સત્તાના અહંકારમાં
જુઠ્ઠાણાનાં ગળફે ગળફા ફંગોળતો હવામાં –
ભાષાના ભરડામાં
ગરીબ-ગુરબાં, દીન-દલિત, વંચિત અજ્ઞાનીને
લેતો લપેટમાં
– અને સમયે સમયે
– ધરતીકંપોથી ધ્રુજાવતો દિશાઓ
– કૈંક ત્સુનામીઓ ત્રાડ ફુકારતો,તી…. હાહાકાર મચવતો
– આગના ટોળાંઓની લબકારતી જીહ્વાઓથી જંગલો ચાટતો
– સમુદ્રોને ઘૂઘવતા કરતી હિમશીલાઓ ય તું જોતો –
માત્ર તેને જ જોતો –
પણ-
કણકણમાં – ક્ષણક્ષણમાં રહેલા એણે
આમ ફરેફરીને કેટકેટલાં ઈંગિતો ધર્યા હતા તને
પણ સમજ્યો જ નહીં તું , હા, તું જ !
અંતે, પ્રગટ કર્યો પોતાને કોરોનાના રૂપે
(જરૂરી નહીં કે તેણે માનવરૂપે જ આવવું !)
સાર્થ કર્યો મંત્ર …
‘ધર્મસંસ્થાપનાથાય સંભવામિ યુગેયુગે’નો
હે દાંભિક , અહંકારી … હજીયે નહીં સમજે ?
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 07 ઍપ્રિલ 2020