લગભગ આજથી સાડા પાંચ દાયકા પૂર્વે શાંતિલાલ શાહના મનમાં એક ઈચ્છા હતી કે “જન્મભૂમિ” જૂથ દ્વારા ફકત કવિતાનું એક સામયિક શરૂ કરવું. આ વાત તેમણે કવિ ઉમાશંકર જોશી પાસે રજૂ કરી. ઉમાશંકરભાઈએ વિશ્વાસ સાથે શાંતિલાલ શાહને જણાવ્યું, ‘જો તમારે કવિતાનું સામયિક ફકત ચલાવવું જ હોય તો તમે સામયિકના સંપાદનની સંપૂર્ણ જવાબદારી નિષ્ઠાપૂર્વક કવિ સુરેશ દલાલને સોંપો.’ ઉમાશંકરભાઈની વાત પર શ્રદ્ઘા રાખી શાંતિલાલ શાહે “કવિતા”ના સામયિકનું સુકાન સુરેશભાઈના હાથમાં સોપ્યું.
“કવિતા” સામયિક વાચકવર્ગમાં પ્રિય થવાનું કારણ જો આપણે તપાસવા બેસીએ તો આપણને “કવિતા”ના પ્રથમ અંકથી આજ લગી પ્રગટ થયેલા ‘કવિતા”ના તમામ અંકોમાં એક બાબત અચૂક આંખે વળગશે કે સંપાદનની બાબતમાં સુરેશભાઈ સંપૂર્ણ સજાગ હતા. આજની તારીખમાં તેમણે કવિતાની પસંદગીમાં મિત્ર કે વ્યક્તિને કયારે ય મહત્ત્વ નથી આપ્યું. કવિતા માટે તેમના મન-હ્રદયમાં એક માપદંડ અંકાયેલો હતો. આ સામયિક સંપૂર્ણ કવિતાનું છે. કવિતાની ગુણવત્તાનો આંક ઊંચો રાખવા, મળેલ રચનાના ઢગલામાંથી કવિતા ચૂંટીને “કવિતા”માં પ્રગટ કરવાની હતી. રચનાકાર કોણ છે? કોની રચના છે? આ બાબતમાં સુરેશભાઈ હંમેશાં આંખ આડા કાન કરતા! બને ત્યાં લગી રચનાના રચયિતાના નામને જોવાની ચેષ્ઠાથી બહુ જ દૂર રહેતા. સુરેશભાઈને ફકત કવિતાથી નિસબત.
“કવિતા”નું સંપાદન કરતી વેળા સુરેશભાઈ કવિતાને બહાને કયારેક અંગત સંબંઘને મહત્ત્વ આપીને ‘કવિતા”માં મિત્રની રચના તો પ્રગટ કરતા નથી ને એ જાણવા એક વાર શાંતિલાલ શાહે સુરેશભાઈને એક અંગ્રેજી કવિતાનો અનુવાદ પોતાના નામે કરી “કવિતા”માં પ્રગટ કરવા મોકલી આપ્યો. શાંતિલાલ શાહે મોકલેલ કવિતાના અનુવાદની વાત તો બહુ દૂરની હતી, પ્રથમ દૃષ્ટિએ સુરેશભાઈને કવિતા જ ગમી નહીં. એટલે સુરેશભાઈને અનુવાદ વિશે તો કશું વિચારવાનું હતું જ નહીં. ક્ષણનો પણ વિચાર કર્યા વગર સુરેશભાઈએ કવિતાની પવિત્રતાને જાળવવા માટે લગીર પણ ન વિચાર્યુ કે હું જે સામયિકનો સંપાદક છું, તે જૂથના માલિકે મને કવિતાનો અનુવાદ પ્રગટ કરવા માટે મોકલેલ છે.
હું કેવી રીતે તેમના અનુવાદને પાછો મોક્લું? બસ એમણે તો કોઈ રચનાકારે રચનાનો અનુવાદ કરીને મોકલ્યો છે અને તે સામયિકના ઘારાઘોરણને અનુકૂળ નથી એમ મક્ક્મપૂર્વક નિર્ણય લઈ, સૌમ્યતા, નમ્રતાપૂર્વક કવિતાના અનુવાદક શાંતિલાલ શાહને સાભાર પરત મોક્લાવી દીઘો.
સુરેશભાઈના પ્રિય મિત્ર સ્વર્ગીય કવિ જગદીશ જોશીએ એક વાર ખાસ અંગત મિત્રોને આમંત્રિત કરી તેમની અગાશી પર એક નાની સરખી મહેફિલ યોજી હતી. શાંતિલાલ શાહે ઉપર દર્શાવેલ વાત મિત્રો સમક્ષ કરતાં કહ્યું કે, ‘જે દિવસે સુરેશભાઈએ અંગ્રેજી કવિતાનો મારો અનુવાદ મને સાભાર પરત મોક્લ્યો ત્યારે મને મનથી એક બાબતનો સંતોષ થયો કે મેં જે વ્યક્તિને “કવિતા”નું સંપાદન સોંપ્યું છે તે સંપાદક કોઈની શેહશરમમાં રહે તેવો નથી. તે વાત આજે મિત્રો સમક્ષ કરતાં મને હૈયે આનંદ થાય છે.’
વરસોથી સુરેશભાઈના મનમાં એક સ્વપ્ન હતું. લોકો સુઘી સારા સર્જકનાં ઉત્તમ પુસ્તકો ઊંચી ગુણવત્તા સાથે ઘરે ઘરે પહોંચાડીએ તો લોકોનું પુસ્તક-વાંચન તરફ આકર્ષણ વઘશે! આ વિચાર સાથે આજથી ત્રણ દાયકા પૂર્વે ઉત્તમ કોટિનાં પુસ્તકો પ્રગટ કરવા ‘ઈમેજ બુક-કલ્ચર ટ્ર્સ્ટ’ નામનું એક મિશન શરૂ કર્યું હતું. ‘ઈમેજ’ દ્વારા થતું કોઈ પણ પુસ્તક હોય, સુરેશભાઈ પુસ્તક પાછળ પોતાની જાતને ઓગાળી નાંખે, સુરેશભાઈને ક્વોન્ટિટીમાં નહીં પણ ક્વોલિટીમાં રસ હતો. પુસ્તક માટે મનમાં કરેલા સંકલ્પ મુજબ ઘાર્યુ પરિણામ ન મળે તો સુરેશભાઈને કયાં ય ચેન ન પડે. એ તો ફરી ફરી નવા નવા ફેરફાર સાથે માર્ગદર્શન આપી, પુસ્તકને એક મનગમતો આકાર આપીને જ જંપે.
સુરેશભાઈનું માનવું હતું કે જો સુંદર પુસ્તકો સુઘી લોકો ન આવે તો આપણે તેમના સુઘી સારાં પુસ્તકો લઈને જવું જોઈએ. આ એક વિચારના કારણે ઈમેજે ગુજરાતનાં નાનાંમોટાં ગામોમાં અને શહેરોમાં પુસ્તક-મેળા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરી, લોકો સુઘી ઉચ્ચ કોટિનાં ઉત્તમ પુસ્તકો પહોંચાડવાનો સંતોષ અનુભવ્યો હતો.
સુરેશભાઈને મન પુસ્તક પ્રકાશન એ કોઈ ઘંઘો ન હોતો, પણ એક પરબ હતી. તેમનું હ્રદય-મનથી માનવું હતું કે આજનો યુવાન ટી.વી. સામે ખોડાઈ ગયો છે તેમાં તેનો કોઈ દોષ નથી. આપણે આજ લગી તેમની વાચનભૂખને સંતોષી શક્યા નથી. નહીંતર એવો કયો યુવાન હશે કે જેને ટાગોર, ઉમાશંકર કે રૉબર્ટ ફ્રોસ્ટની દોસ્તી મૂકી ટી.વી. સાથે હાથ મેળવવાનું મન થાય!
મોટે ભાગે ગુજરાતી સાહિત્ય જગત સુરેશ દલાલને દંભી, અતડા, આખા બોલા અને અભિમાની માણસ સમજતું હોય પણ આ માણસ સાથે મારે પૂર્વજન્મનું કોઈ લેણું હશે, આ માણસે મને ફાંટુ ભરીને પ્રેમ તો આપ્યો, પણ સાથોસાથ જિંદગી જીવવાની એક જડ્ડીબુટ્ટી પણ આપી દીઘી હતી.
અમેરિકામાં મારા ઘરના પુસ્તકાલયમાં લગભગ સાતથી આઠ હજાર પુસ્તકો હશે, આ પુસ્તકોમાં લગભગ ૧,૦૦૦થી ૧,૫૦૦ જેટલાં પુસ્તકો તો મને સુરેશભાઈ તરફથી ભેટ રૂપે મળેલ છે. સુરેશભાઈ હયાત હતા ત્યારે જ્યારે પણ ઈમેજ તરફથી નવું કોઈ પુસ્તક પ્રગટ થતું ત્યારે સુરેશભાઈ મને તે પુસ્તક અમેરિકામાં by Airmailથી તેમના તરફથી ભેટ રૂપે મોકલતાં હતા. ૧૯૭૬માં હું અમેરિકા આવી ગયો ત્યારથી સુરેશભાઈએ ૨૦૧૨ની જન્માષ્ઠમીની સાંજે છેલ્લો શ્વાસ લીઘો તે ઘડી લગી મને દર બે મહિને ‘કવિતા”નો અંક તેમના તરફથી અમેરિકાની ભૂમિમાં First class Airmailથી Complimentary રૂપે મળેલ છે.
લોકોના મુખે આજે પણ સાંભળવા મળશે કે સુરેશભાઈ કોઈને કંઈ મફત ના આપે પણ આ જ સુરેશભાઈએ તેમનો કાવ્યસંગ્રહ ‘મઘરાતે સૂર્ય” મને તેમ જ મારી પ્રિય પત્ની/સખી બીનાને અર્પણ કરેલ છે. સુરેશભાઈ એક એવી વ્યક્તિ હતી કે તેમને બહુ જ ઓછા લોકો સાથે હળવું મળવું અને બોલવું ફાવતું, પણ જેની સાથે સુરેશભાઈને એક વાર મન મળી જાય તે વ્યક્તિ સાથે સુરેશભાઈ છત્રીની જેમ ઉઘડી જતા ક્ષણની પણ વાર ન લાગતી. બાકી તમે સુરેશભાઈના મોઢામાં આંગળા નાંખીને મરી જાવ તો પણ સુરેશભાઈ તમારી સાથે એક શબ્દ બોલવો ન હોય તો ન જ બોલે.
સુરેશભાઈએ જિંદગીના છેલ્લાં શ્વાસ સુઘી કવિતા તેમ જ ઉત્તમ કોટિનાં પુસ્તકો પહોંચાડવા માટે જે દોડઘામ કરી છે, તે જોઈને આપણને કહેવાનું મન થાય કે, ‘આ માણસની કાર્યશક્તિને આપણે જેટલી દાદ આપીએ એટલી ઓછી છે.’ સુરેશભાઈનાં કાર્ય પાસે તો આજનો યુવાન સાવ ઝાંખો લાગશે!
e.mail : preetam.lakhlani@gmail.com