દેશવટાના કોયડાને રજૂ કરતી ઇરાની સ્ત્રી-સાહિત્યકાર અઝાર નાફિસિ પોતે અમેરિકામાં ઍક્ઝાયલ છે
‘ડાયસ્પોરિક’-ને સ્થાને ‘બૃહદ્દ ગુજરાતી સાહિત્ય’
મારી ટેવ છે કે ગમતા સાહિત્યકારનું કંઈ પણ મળે, વાંચી નાખું. ‘લોલિટા’-થી જગ આખામાં ગવાઈને ઠીકઠીક વગોવાયેલા વ્લાડિમીર નબોકોવની એક બીજી નવલકથા ‘અદા’ વિશે જાણવા મળ્યું. એ નવલકથાએ, અમેરિકામાં દેશવટો ભોગવતી ઇરાની સ્ત્રી-સાહિત્યકાર અઝાર નાફિસિને (1948-) કેટલી તો પ્રભાવિત કરી છે એ પણ જાણવા મળ્યું.
નાફિસિએ 2003-માં ‘રીડિન્ગ લોલિટા ઇન તહેરાન : એ મૅમ્વાર ઇન બુક્સ’ પ્રકાશિત કરેલું. એ પુસ્તકથી એણે નબોકોવ-પ્રેમીઓના દેશમાં અને સ્વદેશમાં ‘એક જુદી જ નામના’ હાંસલ કરેલી – મતલબ, એથી નાફિસિ પણ ગવાઈને ઠીકઠીક વગોવાઈ હતી.
પણ મારે ખાસ વાત કરવી છે, નાફિસિના તાજેતરના પુસ્તક ‘ધૅટ અધર વર્લ્ડ : નબોકોવ ઍન્ડ ધ પઝલ ઑફ ઍક્ઝાયલ’-ની. (યેલ યુનિવર્સિટી પ્રેસ, 2019). પુસ્તકમાં દેશવટાનો કોયડો વર્ણવાયો છે. પુસ્તક અંગ્રેજીમાં અનુવાદ છે, મૂળે પર્શિયનમાં લખાયું છે. નાફિસિ કહે છે -પુસ્તકને મેં મારા અનુભવો અને નબોકોવની સૃષ્ટિની સંમિશ્ર કથા રૂપે અવધાર્યું હતું. વાસ્તવ અને કલ્પનાને સંતુલિત કેમ રાખી શકાય એ અંગે ખૂબ વિચાર્યું હતું. એક દિવસ મેં નોટબુક ઉપાડી અને શબ્દો ટપકાવ્યા : “મેં નબોકોવ-રચિત કોઈ પુસ્તક જો પહેલું વાંચ્યું, તો તે હતું ‘અદા’. મારા બૉયફ્રૅન્ડ ટૅડે મને ભેટ આપેલું. ફ્લાય-લીફ પર લખેલું : ફૉર અઝાર, માય અદા – ટૅડ : નબોકોવનું મારું એ પહેલું વાચન હતું અને મને બહુ મજા પડેલી. અઘરા શબ્દો માટે ડિક્ષનરી નહીં ખોલેલી. પરીકથા વાંચતી હોઉં એમ વાંચી ગયેલી. મને ‘અદા’ ગણનારો ટૅડ અને હું એકબીજાંના પ્રેમમાં હતાં. સાહિત્યમાં અમને બહુ જ રસ હતો. ‘અદા’ વિશે અમે ઘણી ચર્ચાઓ કરેલી.”
પાંચ ભાગમાં લખાયેલી ‘અદા’ નવલકથા મેં નથી જોઈ. પણ આ લેખના લાભાર્થે ગૂગલ મહારાજ પાસેથી એની રૂપરેખા મેળવી છે : આ, વીન અને અદાની પ્રેમકથા / સ્મૃતિકથા છે. પહેલી વાર મળ્યાં ત્યારે અદા ૧૧ વર્ષની હતી અને વીન ૧૪-નો. અદા વીનની બહેન છે. પોતે કઝિન્સ છે એવું બન્નેને ભાન હતું. બન્ને એકબીજાંના ખૂબ જ પ્યારમાં હતાં. ક્રમે ક્રમે અદા-વીનનો પ્યાર જાતીય સમ્બન્ધે પ્હૉંચે છે. એ અનોખો લવઍફેર વધારે અનોખો હતો – બન્નેના બાપ પણ કઝિન્સ હતા અને બન્નેની મા-ઓ પણ બહેનો હતી. વીન ૧૯-નો થાય છે. પુસ્તક ક્રમે ક્રમે વીનની સ્મૃતિકથા બની જાય છે. જો કે, બન્ને અમીર હતાં, ભણેલાંગણેલાં હતાં. છેલ્લે વીન મનોવિજ્ઞાની રૂપે ખ્યાતિ પામે છે. વગેરે.
દેશવટાના કોયડાને રજૂ કરતી નાફિસિ પોતે અમેરિકામાં ઍક્ઝાયલ છે. સુખ્યાત ઇરાની વિદ્વાન કથાલેખક કવિ સઈદ નાફિસિની નીસ છે. પિતા તહેરાનના મેયર હતા. માતા ઇરાની પાર્લામૅન્ટમાં ચૂંટાયેલી છ સ્ત્રીઓમાં, પહેલી હતી. માતાપિતા બન્ને વિદ્રોહી સ્વભાવનાં. જ્યાં કામ કર્યું ત્યાં તો સવિશેષે બાખડેલાં. એટલે સ્તો, પ્રાઇમ મિનિસ્ટર અને ઇન્ટિરીયર મિનિસ્ટર પ્રતિ ‘ઇનસબૉર્ડિનેશન’ (સત્તાધીશોની અવજ્ઞા) માટે પિતાને જેલમાં નંખાયેલા – ચાર વર્ષે છુટકારો થયેલો. નાફિસિ જણાવે છે કે – અને, હું નબોકોવની જેમ, અમેરિકા ચાલી ગઈ, દેશવટો સ્વીકારીને એનાં દુખડાં વેઠતી રહી.
નબોકોવની સૃષ્ટિ સાથેના નાફિસિના ‘કનેક્ટ’-માં આ બધી બાબતોએ ખાસ્સો ભાગ ભજવ્યો છે. 2008-થી યુ.ઍસ.માં વસે છે. જૉહ્ન હોપ્કિન્સ યુનિવર્સિટીમાં લૅક્ચરર છે. એણે ‘ફ્રીડમ હાઉસ’-ના ટ્રસ્ટીમંડળમાં પણ સેવાઓ આપી છે.
પુસ્તક મુખ્યત્વે એ વાત આગળ કરે છે કે નિરન્તરનો દેશવટો એક લેખકના ભાવિને કેવું તો આંતરે છે. ખાસ તો, સાચું શું લખી શકાશે, એની મૂંઝવણો થાય. નાફિસિએ પેલું પહેલું વાક્ય લખ્યું તો ખરું પણ એને તરત થયું – આ વાક્ય તો, હું જે વાસ્તવની નિરૂપણા કરવા ધારું છું એના દુશ્મનની ગરજ સારશે ! હું ઇચ્છીશ તો પણ એ શબ્દો છપાશે નહીં. કેમ કે યુવા-પ્રેમ પ્રતિબન્ધિત છે. રાજકીય અસમ્મતિ તો હશે જ પણ લોકો ય નહીં સ્વીકારે. બધું સૅન્સર થવાનું. સજા પણ મળે.
એ હકીકતો નાફિસીને વ્યક્તિનું અને વ્યક્તિના ગૌરવનું મહિમાગાન ગાતા નબોકોવ પાસે વળી વળીને લઇ જાય છે. એને સમજાય છે કે કલ્પનારસિત જીવન પ્રત્યેનું કમિટમૅન્ટ કેટલું તો રૂડું હોય છે. એને સંદેશ લાધે છે – કશ્શાયે પ્રકારના ટોટાલિટેરિયનિઝમને કદ્દીયે વશ ન થવું. છતાં, નાફિસિને ઍક્ઝાયલની અવસ્થા સતાવ્યા કરે છે : સ્વદેશથી વિચ્છેદ પામીને હું હાંસિયામાં ધકેલાઈ ગઈ. અનાથ અને અનિકેત. હું મને એકાકી અને કાયમી દેશવટો અનુભવતી લાચાર અનુભવવા લાગી. વગેરે.
નાફિસિને આ રૂપે સમજ્યા પછી મને વતનઝૂરાપાના આપણા ડાયસ્પોરિક કહેવાતા સાહિત્ય અંગે પ્રશ્ન થયો: યુ.કે.-માં વિપુલ કલ્યાણીની રાહબરી હેઠળ વિકસેલી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’-એ અને યુ.ઍસ.માં વર્તમાન પ્રમુખ રામભાઈ ગઢવીની એકધારી નિશ્રામાં ચાલતી ‘લિટરરી અકાદમી ઑફ નૉર્થ અમેરિકા’-એ ગુજરાતી સાહિત્યને એ બન્ને વિદેશોમાં ટકાવ્યું છે, યથાશક્ય પોષ્યું છે. એ મોટો ઉપકાર છે. બળવન્ત જાની ડાયસ્પોરા-ઍવૉર્ડથી સાહિત્યકારોને નવાજે છે એ પણ ઉપકારક બાબત છે. એ ઍવૉર્ડ યુ.કે.માં કોઈને અપાયો હોય તો તેની મને જાણ નથી. આ સઘળી બાબતો ભરપૂર આવકાર્ય છે. મારો પ્રશ્ન એ છે કે એ સાહિત્યને વતનઝૂરાપાનું ગણવું કેટલું વાજબી છે …
નબોકોવ અને નાફિસિ દેશવટા-ના લેખકો છે. એમને લાચારીથી સ્વદેશ છોડવો પડેલો. એમનું સાહિત્ય ડાયસ્પોરિક ખરું પણ એ ઍક્ઝાયલનું – દેશવટો વેઠનારનું – સાહિત્ય છે. સ્વેચ્છાએ દેશ છોડી ગયેલાનું સાહિત્ય ડાયસ્પોરિક ખરું પણ એ ઇમ્મિગ્રન્ટનું – દેશાન્તરે વસનારનું – સાહિત્ય છે. આ ભેદ અનુસાર, યુ.કે. અને યુ.ઍસ.માં સ્વેચ્છાએ જઈ વસેલા ગુજરાતી લેખકોનું સાહિત્ય સ્પષ્ટપણે દેશાન્તરિતોનું સાહિત્ય છે. એમણે શાસકીય સીતમ નથી વેઠ્યો. એમને દેશવટો સ્વીકારવાનો વારો નથી આવ્યો. કોઇએ એમને કાઢી નથી મૂક્યા. ખાસ્સો પ્રયત્ન કરીને જાતે નીકળી ગયા છે. યુ.કે.માં વસતા અમુક લેખકો યુગાન્ડા વગેરેથી વસ્યા એટલો વાતમાં ફર્ક ખરો …
‘ડાયસ્પોરા’-નો અર્થ છે ઇઝરાયેલ છોડીને જેમને વિદેશે વસવું પડ્યું એવા યહૂદીઓ. વતન વિશેની કશ્શીયે આશા વગરની એમની વ્યથા; વળી, બીજી અનેક કઠિનાઈઓ. જ્યારે, દેશાન્તરિત લેખકો તો એક પ્રકારનો છુટકારો અનુભવતા હોય છે; એમને વતનઝૂરાપો ખરો, પણ નજીવો. વિદેશે જીવન એમને સરળ ભાસ્યું હોય; જીવનસમૃદ્ધ થવા ગયા હોય. જુઓને, યુ.કે. અને યુ.ઍસે.માં આપણા કેટલા ય વ્યક્તિ-વિશેષોએ નામ કાઢ્યું છે, એટલું જ નહીં, વિદેશીઓથી પણ ચડિયાતા પુરવાર થયા છે.
બાકી, સ્વીકારવાલાયક મુદ્દો એ છે કે રાજસત્તા અને લેખક-વ્યક્તિ વચ્ચે ઊભા થતા સંઘર્ષની યાતના આપણા એ લેખકોએ નથી વેઠી. અપવાદ હોઈ શકે છે. પણ, વતનઝૂરાપાનું એક માત્ર કારણ કેટલું નભે, ભલા? ડાયસ્પોરિકમાં તો બીજા અનેક ઉધામાની કથાઓ ઉમેરાતી હોય છે. બીજું, ગુજરાતમાં ને ગુજરાતમાં વતનઝૂરાપો અનુભવાય છે ! અનેક લેખકો વતન છોડીને શહેરોમાં વસ્યા છે ને ગામ-ઘરને વારે વારે સંભારતા હોય છે. મારું મન્તવ્ય છે કે યુ.કે. અને યુ.ઍસે.ના સાહિત્યને ‘બૃહદ ગુજરાતી સાહિત્ય’ કહીએ તો સત્યની નજીક રહેવાય. રૂપાળું લાગે એવું જ કહેવું હોય, તો કહો – મેઈનસ્ટ્રીમ ગુજરાતી લિટરેચરનું વેસ્ટર્ન ઑફ્ફસ્પ્રિન્ગ.
પ્રગટ : ૧૦/૧૨/૨૦૧૯ રોજ “નવગુજરાત સમય”માં પ્રકાશિત લેખ સૌજન્યભેર મૂક્યો છે