મજૂર વર્ગ : ગાંધીયુગમાં અને વર્તમાનમાં

કિરણ કાપૂરે
09-07-2020

મજૂર વર્ગનો ઇતિહાસ તપાસીએ તો સમજાય કે વર્તમાન સમયે તેમના ભાગે આવેલી બદહાલી તેમની કાયમી સ્થિતિ રહી છે. કામના નિયત કરતાં વધુ કલાકો, ન્યૂનતમ દર, સ્થાયી લાભ અને સુરક્ષાનો અભાવ, કાળી મજૂરી અને આકરાં જોખમો મજૂર વર્ગને સતત પીડતાં રહ્યાં છે. શોષણનો ભોગ બનવું એ તેમનું સ્થાયી દુર્ભાગ્ય બની ચૂક્યું છે. એમાં ય વર્તમાન સમયે સર્જાઈ છે તેવી કટોકટી સર્જાય ત્યારે તો તેઓની બદહાલીમાં ઓર વધારો થાય છે. લાખોની સંખ્યામાં હોવા છતાં અને સમાજ તથા અર્થવ્યવસ્થાનો પાયો હોવા છતાં તેઓને આવા કપરા કાળમાં કારમી રઝળપાટ કરવી પડે છે. પૂરા બે મહિનાના લાંબા લોકડાઉનમાં પહેલાં તેમની પાસેથી મજૂરી-કામ છીનવાયું, પછી માઈલો દૂર ઘર-વતન તરફ પગપાળા કૂચ શરૂ થઈ, ભૂખ-તરસ, ગરમી સામે જીવલેણ સંઘર્ષ શરૂ થયો. હજુ આ સંઘર્ષનો અંત નથી આવ્યો. કોરોના વાઇરસની સામાજિક અસરો વિશે જ્યારે પણ લખાશે, ત્યારે મજૂરોનો આ સંઘર્ષ તેમના તરફ સદીઓથી સેવાતી આપણી અસંવેદનશીલતાના પુરાવા તરીકે રજૂ થશે.

મજૂર વર્ગની આ સ્થિતિમાં પરિવર્તન આણવા, તેમના અધિકારો અને કામસંબંધી કાયદાઓ ઘડવા માટે અનેક વખત આંદોલન થયાં છે. પહેલી મેના રોજ ‘આંતરરાષ્ટ્રીય શ્રમિક દિન’ પણ આવી જ એક ઘટનાની સ્મૃતિમાં ઊજવાય છે. 1886ના વર્ષમાં આ દિવસે અમેરિકાના શિકાગો શહેરમાં મજૂર વર્ગ દિવસના મહત્તમ આઠ કલાક કામની માંગણી સાથે પ્રદર્શન કરી રહ્યો હતો. આ પ્રદર્શન પર અજાણી વ્યક્તિએ બૉમ્બ ફેંક્યો. અફરાતફરી થઈ અને મજૂરો પર ગોળીઓ વરસી. સાત મજૂરોના જાન ગયા. ‘હેયમાર્કેટ ઘટના’થી જાણીતો આ બનાવ પછી મજૂર વર્ગ પર થતા અત્યાચારનો પ્રતીક બની ગયો. તેને અનુલક્ષીને 1889માં પૅરિસમાં આંતરરાષ્ટ્રીય મહાસભામાં ‘આંતરરાષ્ટ્રીય મજૂર દિન’નો પ્રસ્તાવ મુકાયો અને એંશી દેશોની સંમતિથી તે સ્વીકારાયો.

વર્તમાન સમયે મજૂર વર્ગ પોતાના અધિકાર પ્રત્યે જાગ્રત થયો હોવા છતાં અલગ-અલગ સ્વરૂપે તેમનું શોષણ થતું રહે છે. હાલમાં જ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણા જેવાં રાજ્યોએ મજૂરો તરફી કાયદામાં ઢીલ આપી દીધી છે, અને તેમાં એક પ્રાવધાન મજૂરો-કામદારો પાસે બાર કલાક સુધી કામ કરાવવાનું પણ છે. અગાઉ નિયમ આઠ કલાકનો હતો. આ પગલે અન્ય રાજ્યો પણ ચાલશે તેમાં કોઈ બેમત નથી. કોરોના મહામારીથી ઉદ્યોગોને થયેલાં નુકસાનની કિંમત આખરે મજૂર વર્ગ પાસેથી જ વસૂલવામાં આવશે.

હિન્દુસ્તાનના મજૂર વર્ગના અતીત તરફ નજર કરીએ તો અંગ્રેજોના શાસન દરમિયાન મજૂર-કામદાર વર્ગના અધિકાર પ્રત્યે કોઈ જાગૃતિ નહોતી. અંગ્રેજોનું શાસન અને મજૂરહિત કાયદાની ગેરહાજરીથી મજૂરોને બેવડો માર સહેવો પડ્યો હતો. ઓગણીસમી સદીના અંતમાં ક્યાંક-ક્યાંક તેનો પણ વિરોધ જાગ્યો. રાજકીય આગેવાનો દ્વારા તેની રજૂઆત થઈ. 1915માં જ્યારે ગાંધીજીનું હિન્દુસ્તાનમાં આગમન થયું ત્યારે તેમની દૃષ્ટિ મજૂર-ખેડૂત અને કામદાર વર્ગ તરફ વિશેષ રહી. તેમના આવતાવેંત 1917માં ચંપારણમાં તીનકઠિયા પદ્ધતિ દ્વારા થતા ખેડૂતોના શોષણ સામે બંડ પોકાર્યુ. આ પદ્ધતિ અનુસાર ખેડૂતોને 3/20 ભાગની જમીનમાં જમીનદારોની મરજી મુજબ પાક ઉગાડવાનો હતો. તેમાં ગળીનો પાક મુખ્ય હતો, જેનું વળતર ખેડૂતોને નજીવું મળતું. આ શોષણનો અંત ગાંધીજીની આગેવાનીમાં થયેલા સત્યાગ્રહથી આવ્યો. તેમના જ શબ્દોમાં ઉતારીએ તો “સૈકાઓનો સડો છ માસમાં નાબૂદ થયો.”

હિન્દુસ્તાનમાં મજૂર-કામદાર વર્ગની સમસ્યા સમજવા અને તેને દૂર કરવા અર્થે જે લડત ચલાવવાની આવી તેમાં ગાંધીજીને જરાસરખી પણ વાર ન લાગી. તેનું મુખ્ય કારણ દક્ષિણ આફ્રિકામાં હિંદી ગિરમીટિયાઓની લાંબી લડતનો અનુભવ હતો. 1893માં દક્ષિણ આફ્રિકાની ધરતી પર બારિસ્ટર તરીકે પગ મૂક્યા બાદ રંગદ્વેષનો અનુભવ તો ખુદ ગાંધીજીને થયો હતો. પરંતુ વધુ દયનીય સ્થિતિ ગિરમીટિયા મજૂરોની હતી. દક્ષિણ આફ્રિકાના હિંદી મજૂરોનો આ ઇતિહાસ ઈ. સ. 1860ના નવેમ્બરની 16 તારીખે શરૂ થયો. આ તારીખે હિંદી મજૂરોને લઈને પ્રથમ આગબોટ નાતાલ સંસ્થાનમાં પહોંચી હતી.2 “આ મજૂરો ઍગ્રીમેન્ટમાં ગયેલા મજૂરોને નામે નાતાલમાં ઓળખાય છે તે ઉપરથી મજૂરો પોતાને ગિરમીટિયા તરીકે ગણાવવા લાગ્યા.”3

દક્ષિણ આફ્રિકાના હિંદી મજૂરો પર કાયદાની આકરી કલમો હતી. તેમની સ્થિતિ ગુલામો જેવી હતી. આગળ જતાં આ કાયદા વધુ આકરા થયા. તેમાં ક્યાંક હિંદી વેપાર પર અંકુશ મુકાયો તો વળી ક્યાંક હિંદીઓના પ્રવેશ પર. ગાંધીજી લખે છે તેમ જે વર્ષે તેઓ દક્ષિણ આફ્રિકા પહોંચ્યા ત્યારે “હિંદી પ્રજાને સારુ ઝૂઝી શકે એવા સ્વતંત્ર અને ઠીક કેળવાયેલા ગણી શકાય એવા હિંદી થોડા જ હતા.” એક વર્ષમાં જે કેસ અર્થે યુવાન ગાંધી ત્યાં ગયા હતા તેનું કામ પૂર્ણ થયું. પાછું હિંદુસ્તાન આવવાનું હતું અને તે વેળાએ જ દક્ષિણ આફ્રિકાના હિંદીઓએ તેમને રોક્યા. પોતાના અધિકાર અંગે લડત આપવાની જવાબદારી ગાંધીજીના હાથમાં સોંપી. આમ, ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના મજૂર વર્ગના સંબંધમાં આવવાનું થયું. તે પછી તો દક્ષિણ આફ્રિકાની લડત લાંબી ચાલી. આ લડતનો મહત્ત્વનો પડાવ 1906માં આવ્યો. આ લડત આઠ વર્ષ સુધી ચાલી. સમાધાનીથી લડતનો અંત હિંદી મજૂરોની તરફેણમાં આવ્યો. દક્ષિણ આફ્રિકાના નિવાસ દરમિયાન મજૂરો સંબંધિત એક વાત નોંધવી રહી કે અહીં ચીનના અને અશ્વેત મજૂરો પ્રત્યે પણ ગાંધીજી વખત આવ્યે અવાજ ઉઠાવતા રહ્યા હતા.

આ અનુભવ હિંદુસ્તાનમાં આવતાં ચંપારણમાં કામે લાગ્યો. ત્યાર બાદ અમદાવાદમાં મિલમજૂરો માટે 1917માં લડત આરંભાઈ. મિલમાલિકો અને મજૂર વર્ગ વચ્ચે આ ગજગ્રાહ એટલો ખેંચાયો કે ચંપારણમાં અનસૂયાબહેનનો કાગળ તેમને મળ્યો. ઝડપભેર અમદાવાદ પહોંચ્યા. અહીં આવીને અમદાવાદ મિલમજૂરોની લડત ઉપાડી. અમદાવાદ મિલમજૂરોનો મુદ્દો પગારવધારાનો હતો. મિલમાલિકોની સાથે મસલતોથી કોઈ ઉકેલ ન આવ્યો. હડતાળ થઈ; ગાંધીજીએ ઉપવાસ કર્યા અને મિલમાલિકો પંચ નીમવા તૈયાર થયા. સમાધાની થઈ અને પંચનો નિર્ણય માન્ય રખાયો. ત્યાર બાદ તુરંત ખેડાના ખેડૂતોના જમીનમહેસૂલ મોકૂફ રાખવા સંબંધે સરકાર સામે લડવાનું થયું. ખેડાના ખેડૂતોની પીડા 1917ની સાલમાં ચોમાસામાં થયેલી અતિવૃષ્ટિ હતી, જે કારણે જિલ્લાનો મોટા ભાગનો પાક નિષ્ફળ ગયો હતો. તેમ છતાં સરકારે મહેસૂલનું ઉઘરાણું યથાવત્ રાખ્યું. ગાંધીજીએ જિલ્લાની હકીકત મેળવી. ખેડૂતોની માંગણી વાજબી લાગી અને 1918, માર્ચમાં સત્યાગ્રહની હાક નાંખી. ખેડાનાં અનેક ગામડાંઓની મુલાકાત લીધી અને સત્યાગ્રહનો સંદેશ આપ્યો. જૂન મહિનામાં આખરે સરકાર તરફથી સમાધાનીનું કહેણ આવ્યું અને ખેડૂતોની માંગ સંતોષાઈ. લડત પૂર્ણ થઈ. ચંપારણના કિસાનો, અમદાવાદ મિલમજૂરો અને ખેડાના ખેડૂતોના આ સત્યાગ્રહ સ્થાનિક હતા. ટૂંકા ગાળામાં જ ગાંધીજીને હિંદુસ્તાનના આ વર્ગનો સારી પેઠે પરિચય થયો.

આ સત્યાગ્રહો નિશ્ચિત માંગણી-સમાધાની સાથે પૂર્ણ થયા. આ અનુસંધાને મજૂર વર્ગ માટે લાંબા ગાળાના કાર્યક્રમ ઘડવાનો શિરસ્તો શરૂ થયો. તેનો અમલ થયો અમદાવાદના મિલમજૂરોથી. મિલમજૂરોના જીવનમાં પાયાના સુધારા આવે તે તરફ સર્વાંગી ધ્યાન અપાયું. તત્કાલીન માન્ચેસ્ટર ગણાતા અમદાવાદ શહેરમાં મજૂરોની સંખ્યા નોંધપાત્ર હતી અને તેઓની સુવિધા અર્થે હૉસ્પિટલ, શાળાઓ, મનોરંજન કેન્દ્રો, કેળવણી કેન્દ્રો નિર્માણ કરવામાં આવ્યાં. મજૂર વર્ગને અધિકારો તરફ જાગ્રત કરીને તેમની ફરજો તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું. માલિક-મજૂરોના સંબંધોની વ્યાખ્યા ફરીથી લખાઈ. મજૂરોની સુરક્ષાને અગ્રિમતા આપવામાં આવી. મજૂર વર્ગને પણ દિવસમાં કામ ઉપરાંતનો સમય પોતાની જાત માટે મળી રહે તે માટે વિચારાયું. મિલો ધમધમતી રહી ત્યાં સુધી આ ટકી રહ્યું. પછીથી મિલોના બંધ થવાનો દોર આવ્યો અને મિલમજૂરો માટેની આ વ્યવસ્થા અદ્દશ્ય થઈ.

અમદાવાદમાં મિલમજૂરોનું જે દૃષ્ટાંત ઊભું થયું, તેનો અમલ અન્ય ઠેકાણે એ હદે થઈ ન શક્યો. પણ મજૂરો પ્રત્યેની નિસબતનો અમલ થાય તો તેનાથી મજૂર વર્ગને કેવો લાભ થાય તે એ કાળે જોઈ શકાયું. મજૂરોની ઉન્નતિ અને સાચો રાહ દાખવવાનું તેમનાથી બન્યું તે અંગે 1920માં આપેલાં ભાષણના અંશ જોઈ જવા જેવા છે. અહીંયાં તેઓ કહે છે : “આજકાલ દુનિયામાં બધે હડતાળોનો પવન ચાલ્યો છે. નજીવા કારણસર મજૂરો હડતાળ પાડે છે. છેલ્લા છ મહિનામાં મારો અનુભવ એવો છે કે ઘણી હડતાળોથી મજૂરોને લાભ થવાને બદલે હાનિ થઈ છે. મુંબઈની હડતાળો, તાતાનગરમાં લોખંડનાં કારખાનાંની હડતાળો, અને પંજાબના રેલવે કામદારોની પ્રખ્યાત હડતાળમાં મેં શક્ય એટલો અભ્યાસ કર્યો છે. આ ચારે હડતાળોમાં હું વત્તેઓછે અંશે મજૂરોના સંસર્ગમાં રહ્યો હતો.” ‘અભ્યાસ કર્યો’ અને ‘મજૂરોના સંસર્ગમાં રહ્યો’ આ બંને બાબતોનું અનુસંધાન આજના સમયે શોધ્યે જડતું નથી.

મજૂર વર્ગના પ્રશ્નો સંબંધમાં તેઓને અવારનવાર આવવાનું બન્યું અને તે વિશે તેમણે ખૂબ લખ્યું છે. 1921માં આસામના ચાના બગીચામાં મજૂરોએ પાડેલી હડતાળ અંગે नवजीवनમાં લખ્યું છે, જેમાં આ હડતાળનો પૂરો ચિતાર આપવામાં આવ્યો છે અને ગાંધીજીના સાથી દીનબંધુ એન્ડ્રુઝ મજૂરોની પીડાને સમાવવા કેવી રીતે દિવસ-રાત એક કરી રહ્યાં છે તે અંગે પણ લખ્યું છે.4 મજૂરો સાથેની આ મહત્ત્વની તવારીખોમાં 1927માં કોલંબોમાં મજૂર મહાજનના સંબોધનના અંશો જોઈ જવા જેવા છે. અહીં તેઓ કહે છે : “1904થી હું પોતે મારી શક્તિ મુજબ મજૂર તરીકે રહેવાનો પ્રયત્ન કરતો આવ્યો છું. પણ એ સમયથી પણ ઘણો વહેલો હું શ્રમનું ગૌરવ સમજવા લાગ્યો હતો અને તેની કદર કરવા લાગ્યો હતો. અને સાથે સાથે એ સમયથી પણ લાંબો સમય પહેલાં મને એ વાત સમજાવા લાગી હતી કે મજૂરોને પોતાનો યોગ્ય હિસ્સો મળતો નથી.”5 આવો જ એક ઉલ્લેખ ‘ભોળા મજૂરો’ નામના લેખમાં नवजीवनમાં ગાંધીજી કરે છે. પંચમહાલમાં આવેલા કાગળનો અનુસંધાન આપીને ગાંધીજી અહીં લખે છે : “નીતિહીન અને પૈસાના લાલચુ દલાલો આસામના ચાના બગીચાને સારુ ભોળા રજપૂતો વગેરેને ફોસલાવીને લઈ જાય છે. આ પ્રમાણે બાર મજૂરો વિશેનાં સોગનનામાં મારી પાસે આવ્યાં છે.”6 આ ઘટનાની નોંધ વિગતે ગાંધીજી લે છે. ગુલઝારીલાલ નંદાએ કહ્યું છે ને કે, ગાંધીજી મજૂર વર્ગ સાથે થતા અન્યાયની સૂક્ષ્મમાં સૂક્ષ્મ બાબતો પણ ખોળી કાઢતા. 

1929 આવતાં-આવતાં ગાંધીજીનો રાજકીય કાર્યક્રમ અતિવ્યસ્ત થઈ ચૂક્યો હતો. આ કાળમાં પણ મજૂરપ્રશ્ન અંગે દોરવણી આપવાનું કાર્ય તેઓ કરી શક્યા છે. આ વર્ષે મજૂર સંઘના મુખપત્ર मजूर संदेश માટે આપેલા સંદેશામાં તેઓ લખે છે : “ગુજરાત જિનિંગ મિલની હડતાળ વિશે એટલું જ હાલ તો કહું કે મજૂરોએ મંત્રીઓ કહે, પૂજ્ય અનસૂયાબહેન અને ભાઈ શંકરલાલ બૅંકર કહે તેમ કર્યે જવાનું છે.”7 આ ગાળામાં यंग इन्डियाના એક વાચક ગાંધીજીને પત્ર લખીને વડોદરા રાજ્યમાં કારખાનામાં મજૂરો પાસેથી વધારે કલાક લેવાતાં કામ વિશે જણાવે છે. ગાંધીજી તેની નોંધ લઈને તે અંગે ટિપ્પણી કરે છે. મજૂરોની પ્રાથમિકતા ગાંધીજી અનેકવાર બોલી-લખીને અભિવ્યક્ત કરતા રહ્યા છે. 1931ની સાલમાં પરેલમાં મજૂરોની એક સભામાં તેમણે કહ્યું છે તે ખાસ જાણવા જેવું છે. તેઓ કહે છે : “અહીં હાજર રહેલા યુવાન સામ્યવાદીઓમાંથી કોઈનો જન્મ પણ થયો નહોતો તેના ઘણા સમય પહેલાં મેં મજૂરોના સવાલને ઉપાડી લીધો છે. દક્ષિણ આફ્રિકાના મારા નિવાસનો શ્રેષ્ઠ કાળ મેં એમનું જ કામ કરવામાં ગાળ્યો છે.”8

રેલવે સાથે ગાંધીજીનો નાતો આજીવન રહ્યો. રેલવેના પ્રશ્નો પરત્વે પણ તેમની દૃષ્ટિ પહોંચી હતી. આમાં એક મુદ્દો રેલવેના મજૂરોનો પણ હતો. 1933માં બિલાસપુરમાં બી.એન. રેલવે મજૂરોના સંઘ સમક્ષ ગાંધીજીએ ભાષણ આપ્યું હતું, અહીંયાં મજૂરો પ્રત્યેનો પોતાનો નાતો કેવો ગાઢ રહ્યો છે તે અંગે વાત કરી છે.9 ભાવનગરમાં યુવાનો સાથે ચર્ચા કરતી વેળાએ ગાંધીજીને આ સંબંધે સવાલ પુછાયો કે, “વેઠથી વિરુદ્ધ હો તો એને ટાળવા કયા ઉપાય લેવા?” જવાબમાં ગાંધીજી કહે છે : “પ્રથમ ઘરમાંથી, પછી દક્ષિણ આફ્રિકામાં, ને હમણાં દેશમાં એમ બધેથી વેઠ કાઢવાના કામમાં જ મારું જીવન વીત્યું છે.”10 આયખાના છ દાયકા પછીનું આ તેમનું નિવેદન છે.

મજૂર વર્ગ પોતાના પ્રશ્ન અંગે ગાંધીજી સામે કેવી રીતે મીટ માંડીને બેસતાં તે માટે 1934ના જૂન મહિનામાં રેલવેનો પ્રસંગ તેનું યોગ્ય ઉદાહરણ છે. નાગપુરના મિલમજૂરો હડતાળ પર હતા. ગાંધીજી આવી રહ્યા છે તેવી માહિતી મળતા મજૂરો રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા. સંખ્યાબંધ મજૂરોએ તેમને આવકાર આપ્યો. ભેગા થયેલા મજૂરોને સંબોધતાં તેમણે કહ્યું : “મજૂરોના આગેવાનોને આવતી કાલે મળવા માટે વર્ધા બોલાવ્યા છે અને ત્યારે હું તેમની પાસેથી પરિસ્થિતિ જાણી લઈશ અને પછી સલાહ આપીશ.” મજૂર વર્ગને તેઓ હરેક વેળાએ એવો વિશ્વાસ અપાવી શકતા કે તેઓ પણ એક મજૂર જ છે. અહીંયાં તેઓ કહે છે : “તમે તો આજના મજૂરો છો પણ હું તો છેલ્લાં 20 વર્ષથી મજૂર છું. હું કરતો વકીલાત પણ રહેતો હતો મજૂરોની સાથે અને તેમની પેઠે.”11 મજૂર પ્રત્યેની ઉત્કટતા આ વર્ષે જ મુંબઈ શહેરના પ્રવાસ દરમિયાન દેખા દે છે. જૂન, 16 જ્યારે આઝાદ મેદાનમાં તેમની જાહેર સભા હતી, ત્યારે આખો દિવસ પુષ્કળ વરસાદ વરસ્યો. તેમ છતાં ગાંધીજી જાહેર સભામાં આવ્યા. અહીં મિલમજૂરોની હડતાળ ચાલી રહી હતી. ગાંધીજી સભામાં કહે છે : “હું પોતાને મજૂર કહેવરાવું છું, અને દક્ષિણ આફ્રિકામાં હતો ત્યારથી મારો મજૂરજીવન જીવવાનો ઠીક ઠીક સફળ પ્રયત્ન ચાલુ છે”12 1935ના વર્ષમાં મજૂરીનું સમાન ધોરણ ઠરાવવા અર્થે પણ ગાંધીજી ખાસ્સા પ્રવૃત્ત દેખાય છે. બૅંગ્લોરમાં મ્યુનિસિપલ કૉલોનીમાં આપેલાં ભાષણમાં ગાંધીજી મજૂરોનાં રહેઠાણ અંગે ચર્ચા છેડે છે. તેઓ કહે છે : “થોડા દિવસ પર કોલરની સોનાની ખાણોમાં કામ કરતા મજૂરોનાં ઝૂંપડાં જોવાને મને લઈ ગયા હતા. ત્યાં મારે કહેવું પડ્યું કે આ ઝૂંપડાં માણસના વસવાટને લાયક નથી. … જે મજૂરો તેમને નફો મેળવી આપે છે તેમને કંપનીએ આવા અંધારા ધોલકામાં રાખ્યા છે એમા મને નિર્દયતા જ દેખાય છે.”13

રાજકીય ગતિવિધિઓમાં સમય સતત વધતો હોવા છતાં મજૂરો સાથેનો નાતો આગળ વધતો જ ચાલ્યો છે. हरिजनबंधुમાં તેઓ 'મિલ વિ. રેંટિયો' એવા લેખમાં લખે છે : “આપણા દેશમાં મજૂરીરૂપી ધનનો ભંડાર પડેલો છે તેનો ઉપયોગ કરી લેવા ચૂકનારું કોઈ પણ સંયોજન અસ્થાને ગણાશે.”14 આ સમયમાં પણ તેઓએ અમદાવાદ મજૂરમહાજન સંઘના 25મા વાર્ષિક દિને મજૂરમહાજન સંઘના મંત્રી ગુલઝારીલાલ નંદાને સાડત્રીસ શબ્દોમાં પત્ર લખ્યો હતો, તે પત્ર : “હું પૂર્વે કહી ગયો છું તેમ જો મજૂરમહાજન એમ સમજે કે તેમની મજૂરીની કિંમત રૂપિયા કરતાં હમેશાં વધારે છે અને જો તે બધા મજૂર ભેળા થાય તો કોઈનો વાળ વાંકો કર્યા વિના મજૂર પોતાનું ઊંચું સ્થાન મેળવે.”15 1946માં દેશમાં રાજકીય માહોલ તંગ હતો ત્યારે પણ તેઓને મદ્રાસમાં મજૂર વર્ગની સભામાં હિસ્સો લેવાનું બને છે. અહીંયાં તેઓ ત્યાં સુધી કહે છે કે : “એક મજૂર કૉંગ્રેસના અધ્યક્ષ બને તેમાં કોઈ અસામાન્ય વાત નથી.” ગાંધીજીનું આ સપનું આજ દિન સુધી પૂરું થયું નથી. એક મજૂરને રાજકીય પક્ષમાં ઉપરના પાયદાન પર આવવું તે કાળે જેટલું મુશ્કેલ હતું તેટલું જ આજે છે. અહીં વક્તવ્યમાં તેઓ આગળ કહે છે : “હું જ્યારથી દક્ષિણ આફ્રિકાથી પાછો ફર્યો છું  ત્યારથી મજૂરોની સેવા કરી રહ્યો છું. અમદાવાદ મજૂર સંઘ, જેની સ્થાપના મેં જ કરી છે. અન્ય લોકો માટે આદર્શ છે. હું એમ નથી કહેતો કે ત્યાં મજૂરો મિલમાલિક બની ગયા છે. પણ એવું જરૂર અનુભવું છું કે જો મજૂર વધુ અનુશાસનથી વર્તે અને સમજ કેળવે તો તો તેઓ જે મિલો અને ફૅક્ટરીઓમાં કામ કરે છે ત્યાં તેઓ માલિક બની શકે છે.”16

આઝાદી મળ્યાના ચાર મહિના અગાઉ જ પટનામાં 18 એપ્રિલ, 1947ના રોજ ખેડૂત અને મજૂર નેતાઓ સાથે ગાંધીજીએ સંવાદ સાધ્યો હતો. અહીંયાં તેઓ જમીનદારો અને મજૂર વર્ગ વચ્ચે થયેલાં ઘર્ષણને શાંત પાડવા પહોંચ્યા હતા. એ દિવસે પ્રાર્થના સભામાં ગાંધીજીએ જમીનદારો અને મજૂર વર્ગનો જ મુદ્દો ચર્ચ્યો હતો. આ સભામાં તેમણે મજૂર વર્ગને શીખ આપી હતી તેમ માલિકોને પણ પોતાની ફરજ પ્રત્યે ધ્યાન દોર્યું હતું. મજૂર વર્ગનો નાતો રાજકીય કટોકટીકાળમાં પણ જીવંત રહ્યો આ ઘટના તેનો પુરાવો છે. દેશના સ્વતંત્રતાના દસ દિવસ બાદ કલકત્તાના ક્લાઇવ જૂટ મિલ મેદાનમાં થયેલી પ્રાર્થના સભામાં સામેલ થનારા મહદંશે મજૂરો હતા. અહીંયા પ્રશ્ન હિંદુ-મુસ્લિમ મજૂરો વચ્ચે થયેલા ઝઘડાનો હતો. ગાંધીજી કહે છે : “હિંદુ અને મુસ્લિમ મજૂરોમાં કશો ભેદ નથી. તમે સૌ મજૂર છો. જો તમારામાં કોમવાદી ઝેર ફેલાશે તો તમે બંને શ્રમને, પોતાને અને દેશને નબળો બનાવશો. શ્રમ તમામ ભેદભાવને દૂર કરીને સૌને એકસમાન બનાવનારું ખૂબ મોટું સાધન છે.”17

ગાંધીજીના મજૂર અંગેના વિચારો અને તેમની સાથે સંકળાયેલી ઘટનાઓનો ચિતાર આપવાનો ઉદ્દેશ એટલો જ કે આઝાદી મેળવવાની ગંજાવર પ્રવૃત્તિ સાથે પણ તે કાળે મજૂર વર્ગના ઉદ્ધાર માટે કેટકેટલું કાર્ય થયું અને તત્કાલીન આગેવાનો મજૂર પક્ષે રહીને કેવી રીતે વિચારો મૂકી શકતાં. ગાંધીયુગના મહદંશ આગેવાનોની કથની-કરણીમાં મજૂરોની પ્રાથમિકતા સર્વોપરી રહી છે. ગુલઝારીલાલ નંદા, શંકરલાલ બૅંકર, અનસૂયાબહેન તો શ્રમિક વર્ગ સાથે આજીવન સંકળાયેલાં રહ્યાં. તેઓએ વિવિધ સમયે મજૂરો સંબંધિત અલગ-અલગ પાસાં વિશે લખેલા લેખોને અહીં સમાવ્યા છે. ગુલઝારીલાલ નંદાએ તો ગાંધીજી અને મજૂર ચળવળની વિસ્તૃત વિગત આપી છે. નંદાજીના લેખમાં તે વખતે મજૂર વર્ગ વચ્ચે થયેલાં કાર્યનો વિગતવાર ક્યાસ કાઢી શકાય. શંકરલાલ બૅંકરે મજૂરોના કાર્યના કલાકો વિશે ચર્ચા કરી છે. અનસૂયાબહેને મજૂર સ્ત્રીઓના પ્રશ્નો અને મળવાપાત્ર સુવિધાની વાત કરી છે. વિનોબા ભાવે, કાકાસાહેબ કાલેલકર અને અન્ય સમાવિષ્ટ લેખોમાં મજૂર વર્ગ પ્રત્યેની તેમની વિશેષ દૃષ્ટિ દેખા દે છે, આજે જેનો સદંતર અભાવ દેખાય છે. આ ઉપરાંત मजूर संदेश સાથે અઢી દાયકા સુધી સંકળાયેલા મણિલાલ એમ. પટેલ દ્વારા મજૂર મહાજન સંઘના અતીત-વર્તમાનનો ઓવરવ્યૂ અપાયો છે. વર્તમાન મજૂર વર્ગનો ચિતાર મળી રહે તે માટે આજીવન મજૂર બહેનો માટે સેવાકાર્ય કરનારા ઇલાબહેન ભટ્ટનો લેખ પણ સમાવ્યો છે. આશા છે મજૂર વર્ગ વિશેના માહિતી-વિચાર રજૂ કરતો આ અંક આપને વર્તમાન સદંર્ભે પ્રસ્તુત લાગશે.

સંદર્ભ :

1. ગાંધી, મોહનદાસ. 2010. દ.આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, પ્રાસ્તાવિક

2. એજન પૃ. 21

3. એજન પૃ. 22

4. ગાંધીજીનો અક્ષરદેહ 20 પૃ. 211

5. ગાંધીજીનો અક્ષરદેહ 35 પૃ. 231

6. ગાંધીજીનો અક્ષરદેહ 37 પૃ. 357

7. ગાંધીજીનો અક્ષરદેહ 38 પૃ. 397

8. ગાંધીજીનો અક્ષરદેહ 45 પૃ. 321

9. ગાંધીજીનો અક્ષરદેહ 56 પૃ. 294

10. ગાંધીજીનો અક્ષરદેહ 58 પૃ. 127

11. એજન પૃ. 68

12. એજન પૃ. 82

13. ગાંધીજીનો અક્ષરદેહ 63 પૃ. 1

14. ગાંધીજીનો અક્ષરદેહ 70 પૃ. 77

15. ગાંધીજીનો અક્ષરદેહ 75 પૃ. 127

16. सम्पूर्ण गांघी वाड्मय 83 पृ. 83-84

17. सम्पूर्ण गांघी वाड्मय 89 पृ. 110

[સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ” : એપ્રિલ-મે, 2020માંથી; છબિ અને લેખ બન્ને]

Category :- Gandhiana