જ્ઞાન… જ્ઞાન… જ્ઞાન….

સુરેશ જાની
07-06-2018

આમ તો તે ડોક્ટર બની ગયો હતો. પણ દાક્તરીનું ભણતાં ભણતાં તેને ખબર પડી કે, બીજા ઘણા બધા વિષયો પણ તેને રસ પમાડે તેવા છે. તેને એ સત્યનું ભાન થયું કે, જ્ઞાનને કોઈ સીમાડા નથી હોતા. અને  એક અદ્દભુત જ્ઞાનયાત્રાની શરૂઆત થઈ ગઈ.

આ વાત છે સ્વ. શ્રીકાન્ત જીચકરની, જે માત્ર ૪૯ વર્ષની ટૂંકી જિંદગીમાં વીસ વિષયોનો નિષ્ણાત બની ગયો હતો! એની ડિગ્રીઓનું લિસ્ટ : MBBS, LLB, MBA, DBM, B.Journ., MA( Public admin, English literature, Philosophy, Political Science, Ancient Indian history and culture, Archeaology, Psychology), D.Lit.( Sanskrit) etc.

એ નવાઈની વાત નહીં લાગે કે, ભારતના સૌથી વધારે શિક્ષા પામેલા યુવાન તરીકે શ્રીકાન્તને  ‘લિમ્કા એવોર્ડ’ મળ્યો હતો. તેના અંગત પુસ્તકાલયમાં ૫૨,૦૦૦ પુસ્તકો હતાં. કદાચ આટલું મોટું અંગત પુસ્તકાલય પણ બીજું કોઈ નહીં હોય.  હવે આ પુસ્તકો  તેણે સ્થાપેલી સાંદિપની  શાળામાં સંગ્રહાયેલાં છે.

૧૪, સપ્ટેમ્બર ૧૯૫૪ની સાલમાં નાગપુર જિલ્લાના કટોલ નજીક આજાન ગામમાં જન્મેલ શ્રીકાન્તની આ જ્ઞાનયાત્રા ૧૯ વર્ષની ઉંમરે શરૂ થઈ હતી, અને સત્તર સત્તર વર્ષ સુધી ચાલુ રહી હતી. (૧૯૭૩ - ૧૯૯૦)

૧૯૭૮માં શ્રીકાન્ત ભારતની સિવિલ સર્વિસની પરીક્ષામાં ઝળહળતી સફળતા સાથે ઉત્તીર્ણ થયો હતો અને ઇન્ડિયન પોલિસ સર્વિસ (IPS)  માટે પસંદ થયો હતો. પણ ત્યાંથી થોડાક જ મહિનામાં રાજીનામું આપીને તેણે ઇન્ડિયન એડ્મનિસ્ટ્રેટિવ સર્વિસની પરીક્ષા (IAS) માટે ઉમેદવારી નોંધાવી હતી, અને તેમાં પણ તેની પસંદગી થઈ હતી !

પણ એ લોભામણી સરકારી નોકરીમાં જોડાયા બાદ, ચાર જ મહિનામાં તેને ખબર પડી ગઈ કે, રાજકારણમાં જોડાવાથી વધારે સારું કામ તે કરી શકશે. આથી ૧૯૮૦ની સાલમાં તેણે કોન્ગ્રેસની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણીમાં ઝુકાવ્યું. માત્ર ૨૬ જ વર્ષની ઉંમરે શ્રીકાન્ત ચૂંટાઈ પણ આવ્યો.  સૌથી નાની વયના ધારાસભ્ય તરીકેનો રેકર્ડ પણ તેણે સ્થાપી દીધો!

કહેવાની જરૂર નથી કે, મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં તેની તરત પસંદગી થઈ હતી. એ જવાબદારી તેણે ખંતપૂર્વક નિભાવી હતી અને જુદા જુદા ૧૪ ખાતાઓમાં સેવાઓ આપી હતી!  આ સ્થાને કામ કરતાં કરતાં તે રાજ્યસભાની ચૂંટણીમાં પણ સફળ રહ્યો અને દિલ્હી પહોંચી ગયો. તેની વિદ્યા વ્યાસંગિતા અને જ્ઞાનને કારણે તે રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનો પણ માનીતો બની ગયો હતો.

૧૯૯૯માં તે રાજ્યસભાની ચૂંટણીમાં હારી ગયો, અને તેણે પ્રવાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.  દેશના વિવિધ ભાગોમાં તેણે સ્વાસ્થ્ય, શિક્ષણ અને ધર્મ અંગે વ્યાખ્યાનો આપવા માંડ્યા. યુનેસ્કોમાં પણ તેણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ બધાંની સાથે તેનો ચિત્રકળા, ફોટોગ્રાફી અને નાટ્ય અભિનયના  શોખ તો ચાલુ જ હતા !

શ્રીકાન્તે એકલા હાથે સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના પણ કરી હતી. અને પોતાના વતનમાં નવી તરાહની સાંદિપની શાળા પણ સ્થાપી હતી.

પિસ્તાળીસ વર્ષની આજુબાજુ તેને કેન્સર લાગુ પડ્યું છે, તેવું નિદાન થયું. પણ અટકે તો શ્રીકાન્ત શાનો? તેની પ્રવૃત્તિઓમાં કેન્સર કોઈ અડચણ કરી ન શકે તેવું તેનું આત્મબળ હતું. પણ વિધિનું નિર્માણ કાંઈક બીજું જ હતું.

૨૦૦૪ની સાલની બીજી જૂને તે નાગપુર નજીકના તેના ગ્રામ વિસ્તારમાં મિત્ર સાથે કારમાં જઈ રહ્યો હતો, ત્યારે એક બસ તેમની કાર સાથે અથડાઈ અને વ્હાલસોયી પત્ની રાજશ્રી, પુત્રી મૈત્રેયી અને પુત્ર યાજ્ઞવક્ય ને વલવલતાં છોડીને આ તેજસ્વી, યશસ્વી કારકિર્દી માત્ર ૪૯ વર્ષની  ઉમરે સમેટાઈ ગઈ.

શ્રીકાન્તે તેના જીવન દરમિયાન ૪૨ પરીક્ષાઓ આપી હતી ! કમનસીબે આ જગતની બહાર એની જરૂર વધારે હશે, એટલે વિધાતાએ એને કોઈ પરીક્ષા વિના કોઈક અગમ્ય દુનિયામાં તેને પ્રમોશન આપી દીધું.

શ્રીકાન્તના જીવન અંગે આ બે વીડિયો જરૂર જોજો :

https://www.youtube.com/watch?v=Wan0nNtlY3A

https://www.youtube.com/watch?v=INBpzTOz5A0

સાભાર –The Better India

સંદર્ભ –

https://www.thebetterindia.com/143634/tias-officermaharashtra-educated/

https://en.wikipedia.org/wiki/Shrikant_Jichkar

https://www.indiatimes.com/news/india/this-is-the-story-of-shrikant-jichkar-the-man-who-had-20-degrees-from-42-universities 263216.html

http://www.worldlibrary.org/articles/eng/Shrikant_Jichkar

http://sandipanischool.edu.in/

e.mail : [email protected]

Category :- Opinion / Opinion