Opinion Magazine
Number of visits: 10,223,356
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તિરંગો છે

ભરત ગોસ્વામી "ભાવુક"|Opinion - Opinion|25 January 2024

લેવાય છે એ શ્વાસ તિરંગો છે.

બૂઝાય છે એ પ્યાસ તિરંગો છે.

સદીઓથી ખૂમારીના અસંખ્ય

અકબંધ ઇતિહાસ તિરંગો છે.

દિનપ્રતિદિન સતત વધતો રહે

આનંદમય વિશ્વાસ તિરંગો છે.

દુનિયાની છળકપટ વસ્તીમાં

સ્નેહનો અહેસાસ તિરંગો છે.

સુખદુઃખ વાળા દિવસો સાથે

‘ભાવુક’ કેરો પ્રવાસ તિરંગો છે.

અંજાર કચ્છ
e.mail : bharatgpswami00@gmail.com

Loading

સૌ રાજરત્નોની ખિદમતમાં એક સવાલ, ભારત રત્ન કર્પૂરી તરફથી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|25 January 2024

અયોધ્યા ઓચ્છવ પછી 

દેશનું સમાજવાદી આંદોલન વર્ણવાસ્તવને જરૂરી જાણતું હતું, પણ પશ્ચિમમાં નહીં એવું જે વર્ણવાસ્તવું આપણે ત્યાં છે એને સમજવામાં રામ મનોહર લોહિયા કદાચ પહેલા હતા.

પ્રકાશ ન. શાહ

ચૂંટણી પ્રચારમાં માધ્યમો જેને કાર્પેટ બોમ્બિંગ તરીકે વર્ણવે છે એવા વ્યાપ અને અજબ જેવા તામઝામ સાથે અયોધ્યા ઓચ્છવ રંગેચંગે પાર પાડી અશ્વમેઘના ઘોડાને હજી ધરવ ન હોય તેમ નમો તંત્રે કર્પૂરી ઠાકુરને ભારત રત્ન જાહેર કરવાનું પગલું ભર્યું છે. દેખીતી રીતે જ તાજેતરમાં નીતિશકુમારે બિહારમાં કાસ્ટ સેન્સસ સાથે અતિપછાત તબકાની જે વિગતો જાહેર કરી છે, કે પછી રાહુલ ગાંધીએ હમણાં રાજ્ય વિધાનસભાઓમાં ચૂંટણી પ્રચાર વેળાએ સરકાર બહાદુરના આલા અફસરોમાં ઓ.બી.સી. કેટલા એ મુદ્દો ઉચક્યો હતો તેની સામે અતિપછાતલક્ષી અનામત નીતિના અગ્રયાયીને ભારત રત્ન જાહેર કરતું આ એક વ્યૂહાત્મક પગલું નિઃશંક છે.

મૂળે, જનસંઘ કાળમાં કેટલાંએ રાજ્યોમાં આ પક્ષની ઓળખ બ્રાહ્મણવાણિયાની પાર્ટી તરીકે હતી. આજે એનાથી ભા.જ.પ. ખાસો આગળ વધી ગયો છે. કર્પૂરી ઠાકુરે બિહારમાં પોતાના મુખ્ય મંત્રી કાળમાં જે વાનું પકડ્યું કે પછાત વર્ગોમાં વાસ્તવમાં અતિપછાત સમુદાય ખાસ્સો મોટો છે અને અનામતમાં એને અગ્રતા આપવી રહે છે, એ સ્થાપિત પક્ષોના આરંભિક ઊંહ પછી ઉત્તરોત્તર સ્વીકારાતું ચાલ્યું છે. નીતિશે અને લાલુએ ભારતરત્નની જાહેરાતને આવકારવા સાથે કેવિયટનુમા અંદાજમાં ઠીક જ કહ્યું છે કે, આ તો અમારી લાંબા વખતથી સ્વીકૃતિની રાહ જોતી માંગણી છે.

જોવાનું એ છે કે, વી.પી.ના મંડલ અને પોતાના કમંડલ એવા સામસામા વ્યૂહો પછી બહુ જ દક્ષતાથી ભા.જ.પે. આ મુદ્દો પોતાનો કરવા માંડ્યો હતો. રાજનાથસિંહે યાદ કર્યું છે કે, પોતે કેટલોક સમય ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી હતા ત્યારે કર્પૂરી ઠાકુર સરકારના અભિગમને લક્ષમાં લઈ આ નીતિ દાખલ કરવાની કોશિશ કરી જ હતી. આબાદ ઉદાહરણ, નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મંડલકમંડલની મીલીજૂલી તાસીર પરત વિકાસના વરખની રાજનીતિથી પૂરું પાડ્યું હતું. દિલ્હીનીમ્યા દંડનાયક તરીકે એ ગુજરાત આવ્યા ત્યારે પ્રસારિત બાયોડેટામાં એમણે પોતે પછાત તબકામાંથી આવે છે એવું અધોરેખિત કરવાની ખાસ કાળજી લીધી હતી, અને હમણાં ભારતરત્ન પ્રકરણમાં હરખ પ્રગટ કરવા ટાંકણે સાઇન્ડ આર્ટિકલમાં પણ પોતાની આ ઓળખ રામમંદિરના ઓચ્છવની વાંસોવાંસ જાહેર કરવાનું ચૂક્યા નથી.

આ પ્રક્રિયાને બે રીતે સમજવાપણું છે એમ મને લાગે છે. એક તો, સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન વિશેષરૂપે ગાંધીપ્રવેશ સાથે આમજનતાની સહભાગિતા કેન્દ્રમાં આવી, ગાંધીની પહેલી બે લડતો ચંપારણના કિસાનોની ને અમદાવાદના મજદૂરોની હતી. કાઁગ્રેસમાં સમાજવાદી પક્ષ આવ્યો ત્યારે આચાર્ય નરેન્દ્રદેવે ગાંધીજીની જિજ્ઞાસાના ઉત્તરમાં સરસ કહ્યું હતું કે, તમે શરૂ કરેલી પ્રક્રિયાને મધ્યમ વર્ગથી આગળ ને નીચે લઈ જવાની કોશિશ અમારી છે. સમાજવાદી આંદોલનની આ જાગૃતિમાં વર્ગવાસ્તવની સમજ ચોક્કસ હતી. પણ આપણે ત્યાં જે વર્ણવાસ્તવ છે એની સભાનતા સમાજવાદી આંદોલનમાં લોહિયા લઈ આવ્યા. એને અનુલક્ષીને અતિપછાત જ્ઞાતિગત અનામત અગ્રતાના અગ્રયાયી કર્પૂરી બની રહ્યા. બિહારમાં ને બીજા પણ કેટલાક પંથકમાં સમાજવાદી દેવબાજઠ પર જે.પી. લોહિયાની જોડાજોડ કર્પૂરીનું નામ લેવાતું થયું હોય તો તેનું રહસ્ય આ હકીકતમાં છે. મહારાષ્ટ્રના મધુ લિમયે કે મધ્ય પ્રદેશના શરદ યાદવને બિહારમાં સ્થાન મળ્યું એનું એક કારણ આ વર્ગવર્ણસંધાનમાં પડેલું છે. 

સબ કા સાથ, સબકા વિકાસ એ વડા પ્રધાનનું પ્રિય સૂત્ર છે. દલિત અનામત, પછાત અને અતિપછાત અનામત એ આ સૂત્રને ચરિતાર્થ કરવાની એક કાર્યકૂંચી છે. ચાલુ ચૂંટણીલક્ષી રાજકીય ગણતરીઓનું જાણે કે સમજ્યા, પણ લક્ષ્ય તો સૌને પૂરા કદના નાગરિકમાં સ્થાપવાનું છે. ભવ્ય મંદિર ને અભૂતપૂર્વ ઉજવણી સાથે વડા પ્રધાને ‘રામ’ની વ્યાપક વ્યાખ્યાનો પ્રયાસ જરૂર કર્યો, પણ આ આંદોલન વધુમાં વધુ કંઈ કરી શક્યું હોય તો તે કથિત ઊંચનીચ સૌને ‘હિન્દુ’ ઓળખમાં ગોળબંધ કરવાનું સત્યાગ્રહી ગાંધી, સંપૂર્ણ ક્રાંતિના જયપ્રકાશ કે સપ્ત ક્રાંતિના લોહિયા નાતજાત પર નાગરિકતાને સ્થાપવાનો ઉજમ કરતા હતા. 

આ સંદર્ભમાં ક્યાં છો તમે, ભારત રત્ન કર્પૂરી ઠાકુર નાનામોટા સૌ રાજરત્નોને પૂછે છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 24 જાન્યુઆરી 2024

Loading

બૂટ પોલિશ: “આજ સે અપના હિન્દુસ્તાન આઝાદ હોતા હૈ, ભીખ માંગના બંધ”

રાજ ગોસ્વામી|Opinion - Opinion|24 January 2024

રાજ ગોસ્વામી

તમને ખબર છે ભારતમાં (2015ના આંકડા પ્રમાણે) 5 લાખ ભીખારીઓ છે અને તેમાં 3 લાખ બાળકો છે? તમને ખબર છે ભારતમાં ભીખ માંગવી તે અપરાધ છે પણ નિર્ધનતાને દૂર કરવા માટે કોઈ રાષ્ટ્રીય નીતિ નથી? તમને ખબર છે ભારતમાં મોટા ભાગના લોકો એવું માને છે કે બાળકો અને લૂલાં-લંગડાં લોકો પાસે ભીખ મંગાવા પાછળ આપરાધિક નેટવર્ક કામ કરે છે?

ભારતના લોકોમાં દાન-પુણ્યની વૃત્તિ ઘણી મજબૂત છે, પરંતુ ભીખ માંગતાં લોકોને વાત આવે ત્યારે મોટાભાગમાં લોકો તેમને શરમનું પ્રતિક ગણીને ભીખ આપવાથી કતરાતા હોય છે. લોકો એવું માનતા હોય છે તેમને પૈસા આપીશું તો કાં તો તે ગુંડાઓના હાથમાં જશે અથવા દારૂમાં ઉડાવી દેશે. ત્યાં સુધી કે તેમને નિરાધાર ગણવાને બદલે ધંધાદારી ભિખારી ગણવામાં આવે છે.

બેઘર લોકોના પુનર્વસન માટે કામ કરતાં આશ્રય અધિકાર અભિયાન જેવાં સંગઠનોએ એવો દાવો કર્યો હોવા છતાં કે ભારતમાં સાચે જ મોટા પ્રમાણમાં બેઘર અને નિરાધાર લોકોની સમસ્યા છે, સામાન્ય લોકોમાં એવી ધારણા યથાવત છે કે આ ગરીબી નકલી છે. આ કારણથી જ ભારતમાં ભીખારીઓની, અને ખાસ કરીને બાળ ભીખારીઓની સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવતી નથી. ઓસ્કાર વિજેતા “સ્લમડોગ મિલિયોનેર”માં પણ એ જ વાત હતી કે કેવી રીતે બાળકો પર અત્યાચાર કરીને તેમની પાસે ભીખ મંગાવામાં આવે છે.

70 વર્ષ પહેલાં, 1954માં, ફિલ્મ નિર્માતા-નિર્દેશક રાજ કપૂરે ભીખારીઓ અંગેના આવા પ્રચલિત ભ્રમથી વિચલિત થઈને “બૂટ પોલિશ” નામની એક હૃદયસ્પર્શી ફિલ્મનું નિર્માણ કર્યું હતું. અભિનેતા અને નિર્દેશકના રૂપમાં રાજજી દેશના સળગતા સામાજિક મુદ્દાઓ અંગે કેટલા જાગૃત હતા તે તેમની અનેક ફિલ્મોમાં જોવા મળે છે, પણ તેમણે નિર્માતા તરીકે પણ એવી ફિલ્મોમાં પૈસા રોક્યા હતા જેમાં સમાજ ઉપયોગી વાત હોય. 

“બૂટ પોલિશ” એવી જ એક ફિલ્મ હતી. આર.કે. ફિલ્મ્સ દ્વારા નિર્મિત અને પ્રકાશ અરોરા દ્વારા નિર્દેશિત “બૂટ પોલિશ,” રાજ કપૂર માટે એક વિશેષ ફિલ્મ હતી તેની સાબિતી ફિલ્મની ક્રેડિટ પરથી ખબર પડે છે. “બૂટ પોલિશ”નો ઉઘાડ દૂર આકાશમાં સૂર્યોદય તરફ હાથ લાંબા કરીને ઉભેલાં બે બાળકોથી થાય છે અને પછી તેમની પર ક્રેડિટ રીલ આવે છે; બેબી નાઝ, રતન કુમાર એન્ડ ડેવિડ. ફિલ્મના આ ત્રણ પ્રમુખ પાત્રો માટે સૂર્યોદય એક ઉત્તમ ભવિષ્યનું પ્રતિક છે.

ભોલા (રતન કુમાર) અને બેલૂ (નાઝ) અનાથ ભાઈ-બહેનો છે, જે તેમની દુષ્ટ કાકી કમલા(ચંદ બુર્કે)ના આશરે રહે છે. કાકી વેશ્યાવૃતિ કરે છે અને બાળકો પાસે ભીખ મંગાવે છે. ભોલાને ખબર છે કે જીવનમાં ભીખ માંગવા સિવાય પણ ઘણું છે. તે ટ્રેનમાં આવતા-જતા લોકોનાં જૂતાંની ચમક જોઇને, બૂટ પોલિશનું કામ કરવાનું સપનું સેવે છે. 

આ સમય દરમિયાન, બંનેની ઓળખાણ મહોલ્લાના બૂટલેગર જ્હોન ચાચા (ડેવિડ) સાથે થાય છે. જ્હોન તેમને ભીખ માંગવાની દુષ્ટતાથી વાકેફ કરે છે. આ પછી, ભોલો નક્કી કરે છે કે તે ભીખ નહીં માંગે અને લોકોનાં જૂતાં ચમકાવીને પેટ ભરશે. ભોલા અને બેલુ પૈસા એકઠા કરીને બૂટ પોલિશની પેટી વસાવે છે. તે વખતે બંને ભાઈ-બહેન વચ્ચેનો સંવાદ સાંભળવા જેવો છે;

ભોલા: આજ સે અપના હિન્દુસ્તાન આઝાદ હોતા હૈ, ભીખ માંગના બંધ.

બેલૂ: કામ કરના ચાલુ.

ભોલા: મહાત્મા ગાંધી કી જય.

બેલૂ: જવાહર લાલ નહેરુ કી જય.

ભોલા: દેખના બેલૂ, આજ સે મૈં કિતને પૈસે રોજ કમાતા હૂં!

બેલૂ: ફિર તુ મુજે બેર લા દેગા ન?

ભોલા: અરે બેર હી નહીં, ફિર મૈં તુજે ફ્રાક ભી લા દૂંગા

બેલૂ: લાલ વાલી ફ્રાક!

ફિલ્મ સંદેશ આપે છે કે ભીખ માંગવી નિંદનીય કૃત્ય છે અને જે દિવસે ભારત ભૂખમરો, ગરીબી અને બેરોજગારીથી મુક્ત થશે, તે દિવસ સાચા અર્થમાં આઝાદીનો દિવસ હશે. એવામાં ચોમાસું આવે છે અને લોકો બૂટ પોલિશ કરાવવાનું બંધ કરી દે છે. ભોલાનું આઝાદીનું સપનું રોળાઈ જાય છે.

બીજી બાજુ, પોલીસ ગેરકાયદેસર દારૂના ધંધા માટે જ્હોનની ધરપકડ કરે છે. અહીં, ભોલા અને બેલૂ ખાવા માટે તરસે છે. ભાઈ-બહેનો પર દુઃખનો પહાડ તૂટી પડે છે અને તેઓ રેલવે સ્ટેશન પર એકબીજાથી અલગ થઈ જાય છે. એક નિઃસંતાન દંપતી ટ્રેનમાં બેલૂને બેભાન અવસ્થામાં જુએ છે અને તેને દત્તક લે છે. 

બેલૂ ભણવાનું શરૂ કરે છે. તે એમ માને છે કે ભોલો હવે આ દુનિયામાં નથી. બીજી બાજુ, બેલૂથી વિખુટો પડેલો ભોલો જીવતા રહેવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તે કામ માંગે છે પરંતુ કોઈ તેને કામ આપતું નથી અને છેવટે તેને ફરીથી ભીખ માંગવાની ફરજ પડે છે.

ફિલ્મ તેના પરાકાષ્ઠાએ પહોંચે છે. ભોલા સ્ટેશન પર ભીખ માંગે છે આ વાતથી અજાણ, બેલૂ તેને પૈસા આપવા હાથ લાંબો કરે છે અને જુવે છે તે બીજો કોઈ નહીં પણ તેનો વ્હાલો ભાઈ ભોલા છે. આ દૃશ્ય ખૂબ જ માર્મિક છે. દર્શકોને એવું લાગે છે કે બાળકોની આવી સ્થિતિ માટે ક્યાંક ને ક્યાંક તેઓ બધા દોષી છીએ. 

છેવટે બંને ભાઈ-બહેન ભેગાં થાય છે. પેલું દંપતી ભોલાને પણ દત્તક લે છે અને અંતે, બંને ભાઈ-બહેન શાળાએ જતાં હોય તેવા દૃશ્ય સાથે ફિલ્મ પૂરી થાય છે. એમાં સંદેશ એવો હોય છે કે બાળકોના કોમળ હાથ ભીખ માંગવા માટે નહીં, પરંતુ પુસ્તકો પકડવા માટે છે. 

ફિલ્મનું કથાનક જેટલું આશાવંત હતું, તેનાં ગીતોમાં પણ એવો જ આશાવાદ ભરેલો હતો. ફિલ્મમાં શંકર જયકિશનનું સંગીત હતું અને હસરત જયપૂરી તેમ જ શૈલેન્દ્રએ ગીત લખ્યાં હતાં. તેમાં મહોમ્મદ રફી અને આશા ભોંસલેનું એક આજે પણ એટલું જ લોકપ્રિય છે. તેના શબ્દો ઘણાં માર્મિક હતા;

નન્હે મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠી મેં ક્યા હૈ? 

મુઠ્ઠી મેં હૈ તકદીર હમારી

હમને કિસ્મત કો બસ મેં કિયા હૈ

ભોલી ભાલી મતવાલી આંખો મેં ક્યા હૈ?

આંખો મેં ઝૂમે ઉમ્મીદો કી દિવાલી

આનેવાલી દુનિયા કા સપના સજા હૈ

“બૂટ પોલિશ” ભૂખમરી જેવા નકારાત્મક વિષય પર હતી, પરંતુ તેનો ઉદેશ પ્રેરણાદાયી હતો. આ ગીતમાં જે સંદેશ હતો તેમ, બાળકોની આંખોમાં ઉદાસીને બદલે સપનાં હોવાં જોઈએ, તેમના હાથમાં મજૂરીનાં સાધન નહીં, કલમ હોવી જોઈએ, પણ ભારતીય સમાજની સમાનતા અને ઉદાસીનતા તેમને ભીખ માંગવા માટે મજબૂર કરી દે છે. 

“બૂટ પોલિશ” રિલીઝ થઇ ત્યારે “મેં કેમ આ ફિલ્મ બનાવી” તેવા એક અખબારી લેખમાં રાજ કપૂરે લખ્યું હતું, “’આવારા’ ફિલ્મમાં મેં એ સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે લોકો જન્મથી બેઘર નથી હોતા, પરંતુ આપણા આધુનિક શહેરોની ઝૂંપડપટ્ટીઓમાં, ભયંકર ગરીબી અને ખરાબ વાતાવરણમાં તે પેદા થાય છે. ‘બૂટ પોલિશ’ નિરાધાર બાળકોની સમસ્યા, અસ્તિત્વ માટેના તેમના સંઘર્ષ અને સંગઠિત ભિક્ષાવૃતિ સામેના તેમના સંઘર્ષને દર્શાવે છે. આ ફિલ્મનો હેતુ દર્શકોને એ સમજવાનો હતો કે અનાથ બાળકોની જેટલી જવાબદારી સરકારની છે તેટલી જ સમાજની પણ છે. વ્યક્તિગત દાન આ સમસ્યાનું સમાધાન નહીં કરે કારણ કે તેનો એકમાત્ર ઉકેલ રાષ્ટ્રીય સ્તરે સહકારી પ્રયાસ છે.”

(પ્રગટ : ‘સુપર હિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 24 જાન્યુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...956957958959...970980990...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved