Opinion Magazine
Number of visits: 9957409
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રશ્ન કલાક બચાડો માર્યો ફરે; ન વિપક્ષ,ન ચર્ચા ઉર્ફે સંસદ 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|5 January 2024

2023ની 2024ને ખો, લોકસભા અને રાજ્ય સભા વાસ્તવિકતા સહભાગી પ્રતિનિધિત્વથી વંચિત 

પ્રકાશ ન. શાહ

સંસદનું અંદાજપત્ર સત્ર પહેલી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે ત્યારે આ સત્રમાં અંદાજપત્ર સહિત અગત્યની બાબતો ચર્ચવા સારુ કેવો ને કેટલો સમય વાસ્તવમાં  ફાળવાશે તે અધ્ધરજીવે જોવું રહે છે. આ જ સત્રમાં વિવાદાસ્પદ નાગરિકતા ધારો (સી.એ.એ.) પણ અપેક્ષિત છે. એમાં ચર્ચા-ભાગીદારી કેવી ને કેટલી હશે તે પણ જોવું રહે છે.

કંઈક અંદેશા અને ઉચાટ સાથે વાત શરૂ કરવા પાછળનો ધક્કો હમણેના ગાળામાં આપણાં બંને  ગૃહો, લોકસભા અને રાજ્યસભા, જે હદે વાસ્તવિક સહભાગી પ્રતિનિધિત્વથી વંચિત અનુભવાય છે એનો છે. કોઈ વિગતવાર સર્વેક્ષણમાં ગયા વગર અગાઉનાં ગૃહો સાથે જાડા હિસાબને ધોરણે પણ સરખામણી કરીએ તો છેલ્લે જોવા મળ્યું તેમ 146 જેટલા સન્માન્ય સાંસદો એક સાથે સસ્પેન્ડેડ હોય એટલે કે આમે અલ્પસંખ્યક જેવા વિપક્ષની હાજરી નકરી નામકે વાસ્તે હોય એવું કદાપિ બન્યું નથી. પાછળ નજર કરીએ તો એક જ ઉદાહરણ સામે આવે છે, અને તે ગુણાત્મકપણે જુદું પડે છે. રાજીવ ગાંધી અને બોફોર્સ પ્રકરણ બહુ ગાજ્યાં ત્યારે વિશ્વનાથ પ્રતાપસિંહ સહિત વિપક્ષી સાંસદોએ સ્વૈચ્છિક ધોરણે સભ્યપદ છોડવાપણું જોયું હતું, કેમ કે સમગ્ર પ્રશ્નમાં ગૃહને બાદ ને બાકાત રાખવાની  કોશિશ સત્તાપક્ષની હતી. સત્તાપક્ષની ઉત્તરદાયિતા અને નૈતિકતાને મુદ્દે વિપક્ષે ગૃહનાં સભ્યપદાં છોડી સવિનય સત્યાગ્રહ સરખી એક ચેષ્ટા કરી હતી. અત્યારે સત્તાવાર વલણ ગૃહને વિપક્ષમુક્ત રાખવાનું જણાય છે.

146 સાંસદોનું સસ્પેન્ડેડ હોવું એ તરત સામે આવે છે અને એ સંદર્ભમાં સત્તાપક્ષ સામે વાજબીપણે જ  ટીકાસ્ત્ર છોડાય છે. વિપક્ષની કથિત અશિસ્તની ટીકા અસ્થાને નથી. પણ એની સરખામણીમાં સત્તાપક્ષનો વ્યવહાર તપાસનાં તે ટીકા ફીકી પડી જાય છે. ગૃહમાં સુરક્ષા ભંગને મુદ્દે ચર્ચા માટે ગૃહ પ્રધાન ચાલુ ગૃહે પણ તૈયાર ન હોય એવું નેહરુના કાળમાં તો શું વાજપેયી-અડવાણીના કાળમાં પણ બન્યું નહોતું.

પ્રશ્ન કલાક, કવેશ્ચન અવર, એનો મહિમા ક્યારેક કેટલો હશે તે તો કામકાજનાં પહેલા કલાક તરીકે  એને જે સ્થાનમાન અપાયેલ છે એથી સમજાઇ રહે છે. પણ 2023ના વરસમાં અંદાજપત્ર સત્રમાં પ્રશ્ન  કલાકને માટે ફાળવાતા સમયનો આખો 19 ટકા હિસ્સો લોકસભામાં વાપરી શકાયો હતો, જ્યારે  રાજ્યસભામાં તો 9 ટકાની નીચી સપાટીએ તે પહોંચી ગયો હતો.

2023ની એકત્રીસમી જાન્યુઆરીથી એપ્રિલની છઠ્ઠી સુધીના આ હાલ હતા તો તે પછીના ચોમાસું  સત્રનું ચિત્ર શું હતું ? વીસમી જુલાઈથી અગિયારમી ઓગસ્ટના આ ગાળામાં લોકસભાએ વીસ જેટલા  ખરડા, તે દરેક પાછળ એક કલાકથીયે ઓછા સમયમાં પસાર કર્યા હતા. બીજા નવ ખરડા વળી દરેક દીઠ વીસ મિનિટની સરેરાશે પસાર થયા હતા.

તે પછી સપ્ટેમ્બરની 18મીથી 22મી સુધીના પાંચ દિવસ માટે સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ  જોશીએ અમૃતકાળમાં અર્થપૂર્ણ ચર્ચાવિચારણા માટે ખાસ બેઠકની જાહેરાત કરી હતી. પણ આ પાંચ દિવસ (અમૃતકાળના માનમાં?) ન તો પ્રશ્ન કલાક હતો, ન તો કોઈ બિનસરકારી ખરડા પર ચર્ચાને અવકાશ હતો.

પાર્લમેન્ટ એ પ્રયોગ ‘ટુ પાર્લે’ એટલે કે વાતચીત ને ચર્ચાવિચારણા કરવી તે ખયાલમાંથી આવેલો છે. અહીં જો પ્રશ્ન કલાક, ખરડાવાર વિગતવાર ચર્ચા, બિનસરકારી ખરડા કશાંને સારુ અવકાશ ન હોય, નકરો અલ્લાયો જ અલ્લાયો હોય તો આપણે છાપરે ચડીને આપણને માતૃ લોકતંત્ર – મધર ઓફ ડેમોક્રસી  – તરીકે ઓળખાવીએ તે બેમતલબ છે એ ભાગ્યે જ ઉમેરવું રહે છે.

વિપક્ષને બાકાત રાખીએ અને ગૃહને ચર્ચામુક્ત રાખીને કામ ચલાવી તો શકાય પણ તે માટે અહીં  લોકશાહીને બદલે ચુંટાયેલ આપમુખત્યારશાહી (ઇલેક્ટેડ ઓટોક્રસી) જાહેર કરવાની તૈયારી હોવી  જોઈએ.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 03 જાન્યુઆરી 2024

Loading

વાત ઘટવાની હતી, પણ પેટ્રોલના ભાવ વધ્યા છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 January 2024

રવીન્દ્ર પારેખ

સરકાર માને છે કે પ્રજા મૂર્ખ છે ને વધારે મૂર્ખ બનવા સદા તત્પર રહે છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો, પ્રજા જે રીતે સહી લે છે તે પરથી પણ લાગે છે કે તે મૂર્ખ બનવા ઉતાવળી છે. લોકોની યાદશક્તિ બહુ ટૂંકી હોય છે, એટલે તે બહુ ઝડપથી આગલી પાછલી વાતો ભૂલી જાય છે. લોકોને સતત યાદ અપાવવું પડે છે કે લોકડાઉન વખતે આખી દુનિયાને તાળું લાગેલું, ત્યારે પરિવહન જ બંધ જેવું હતું, પરિણામે દુનિયામાં ક્રૂડના ભાવ ખૂબ ઘટ્યા હતા ને એ વખતે પણ સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવો વધારવાનો આનંદ લઈ રહી હતી. ડ્યૂટી ને ટેક્સ ને બીજું ઘણું એટલું વધ્યું છે કે પેટ્રોલના ભાવ ડબલ થઈને સામે આવે છે. એ ખરું કે દેશની 80 કરોડ જનતાને સરકાર મફત અનાજ આજે પણ પૂરું પાડે છે ને હજી પૂરું પાડવાની ‘ગેરંટી’ આપે છે, તેથી આ ભાવ વધારો કેટલાકને ક્ષમ્ય પણ લાગતો હશે, પણ એમાં સચ્ચાઈ ઓછી છે. ઓછી એટલા માટે કે જે હેતુસર ભાવ વધતાં હોય તે નીતિ અને જે મદદ થતી હોય તે નીતિ સ્પષ્ટ હોવી જોઈએ. એમાં એકને ગોળ ને એકને ખોળ – જેવું થવાની શક્યતાઓ છે. એવું ન થાય તેટલું જોવાય તો ય ઘણું છે.

સરકાર ગોળ-ખોળ જેવું પેટ્રોલ-ડીઝલમાં કરી રહી છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ પોતે કબૂલ કર્યું છે કે સરકારી ઓઇલ કંપનીઓએ છેલ્લા કેટલાક ક્વાર્ટર્સમાં નફો ચોક્કસ કર્યો છે, પણ તે અગાઉ કિંમત વધવાથી ખોટ પણ કરી છે. એ ખોટ ક્યારે અને કેવી રીતે કરી છે તેનો ખુલાસો નથી થયો. એ ખોટ કંપનીઓએ ખરેખર જ કરી હોય તો એ સરભર થયા પછી પણ, છેલ્લા છ મહિનામાં 47,000 કરોડનો નફો કંપનીઓ કેવી રીતે કરતી થઈ તેનો ખુલાસો થવો જોઈએ. સાદી નીતિ તો એ જ હોય કે વૈશ્વિક સ્તરે ભાવ વધે તો દેશમાં ભાવ વધે ને ભાવ ઘટે તો દેશમાં પણ ઘટે, પણ અહીં એવું થતું નથી. વૈશ્વિક બજારોમાં ભાવ વધે ત્યારે તો ભાવ વધે જ છે, પણ ઘટે તો ઘટતા નથી કે સ્થિર પણ રહેતા નથી, બલકે, વધે છે ને એ કોરોના વખતે ભારતીય પ્રજાએ તીવ્રપણે અનુભવ્યું છે.

બીજું એક બહાનું યુદ્ધનું આગળ કરાય છે. રશિયા-યુક્રેન, ઈઝરાયેલ-હમાસનાં યુદ્ધની અસર વૈશ્વિક રીતે પડતી હોય એ સમજી શકાય એવું છે. યુદ્ધને લીધે કાર્ગો શિપ પર આક્રમણો થઈ રહ્યાં હોય કે વૈશ્વિક બજાર અકળ જણાતું હોય ને એને લીધે ભવિષ્યમાં સપ્લાયના પ્રશ્નો ઊભા થઈ શકે એમ હોય ને તે સાચું હોય તો પણ, ભવિષ્યની ચિંતામાં વર્તમાનનો દાટ વળે એ તો બરાબર નથીને ! વર્ષો પછી ફાંસી થવાની હોય એની ચિંતામાં આજથી તો દોરડું ગળામાં ઘાલીને ન ફર્યા કરાયને ! પેટ્રોલ-ડીઝલના  ભાવ આંતર રાષ્ટ્રીય સ્તરે ભાવ વધે તો અહીં વધે, એ જ રીતે ઘટે તો અહીં પણ ઘટે એ સીધો હિસાબ છે.

કમાલ તો એ છે કે 28 ડિસેમ્બર, 2023ના અખબારોમાં પ્રગટ થયેલા સમાચારોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ લિટરે 6થી 10 રૂપિયા ઘટાડવા સરકાર જઈ રહી છે એવી વાત હતી. આ ઘટાડાની કોઈએ માંગ કરી નથી કે નથી કોઈએ એ અંગે કોઈ વાત પણ કાઢી. આ વાત સરકાર તરફથી જ મીડિયામાં આવી છે ને હવે સરકાર કહે છે કે ભાવ ઘટાડવાની વાત સરકારે કરી નથી. એ અફવા છે. તો સવાલ એ થાય કે એ અફવા કોણે ફેલાવી? સરકારે કે અખબારે? હવે મીડિયા અફવાઓ ફેલાવવા માટે જ છે એમ માનવાનું છે? કે સરકાર બોલીને ફરી જાય છે? સાચું તો એ છે કે વિશ્વસનીયતા બંનેએ ગુમાવી છે.

છેલ્લા 19 મહિનામાં ક્રૂડ 31 ટકા સસ્તું થયું છે, પણ કેન્દ્ર કહે છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે નહીં. અગાઉ મે, 2022માં પેટ્રોલ-ડીઝલની કિંમત 8 ટકા ઘટી હતી, તે પછીથી ભાવો સ્થિર રહ્યા છે. એની સામે ક્રૂડ 116.01 ડોલર પરથી જાન્યુઆરી 2024માં 75 ડોલર સુધી નીચે ઊતરી આવ્યું છે, જ્યારે દિલ્હીમાં 22 જૂન, 2022થી 3 જાન્યુઆરી. 2024 સુધીમાં પેટ્રોલ 96.72 પ્રતિ લિટરના ભાવે સ્થિર જ છે. ઓઇલ કંપનીઓ સરકારની માલિકીની છે, પણ તેના પર તેનો કાબૂ જણાતો નથી. ભાવની વધઘટ માટે સરકારે કંપનીઓની મંજૂરી લેવી પડતી હોય તેમ સરકાર કહે છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડા અંગે કંપનીઓ સાથે વાત થઈ નથી.

28 ડિસેમ્બર, 2023ના અખબારો કહે છે કે ઓઇલના ભાવો ઘટાડવા અંગે સરકાર – નાણાં મંત્રાલય અને તેલ કંપનીઓ વચ્ચે વાટાઘાટ ચાલે છે ને 4 જાન્યુઆરી, 2024ને રોજ સમાચાર આવે છે કે ભાવ ઘટાડાની વાત અફવા છે. કાલે કોઈ આ અફવાને પણ અફવા કહે એટલી જ વિશ્વસનીયતા હવે બચી છે. ગમ્મત તો એ છે કે પેટ્રોલ કંપનીઓએ 6 મહિનામાં 47,000 કરોડનો નફો કર્યો છે, પણ ભાવ ઘટાડવાની વાત આવે છે તો બહાના બનાવાય છે. કમાલ એ છે કે યુદ્ધને બહાને ભાવ ઘટાડો થઈ શકતો નથી, ભલે પછી ક્રૂડના ભાવો યુદ્ધમાં પણ ઘટતા જતા હોય ! એ યુદ્ધ અલબત્ત ! ભાવ વધારવામાં તો કામ લાગે જ છે. 28 ડિસેમ્બરના સમાચારને સરકાર અફવા ગણાવે છે, પણ 4 જાન્યુઆરી, 2024ના  સમાચાર મુજબ ગુજરાતમાં પેટ્રોલ લિટરે 84 પૈસા વધવાની વાત અફવા નથી, કારણ એની અસર સીધી ગજવાને થવા લાગી છે. પંજાબમાં તો ડીઝલ પણ 48 પૈસા મોંઘું થયું છે. એ જ સ્થિતિ ઝારખંડ, મધ્ય પ્રદેશ, ગોવાની છે. જો કે, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પેટ્રોલના ભાવો 11-12 પૈસા ઘટ્યા પણ છે.

આ અકળ છે. અકળ એટલા માટે કે એક જ પેટ્રોલ એક જગ્યાએ મોંઘું છે, તો બીજે સસ્તું છે. અહીં એવી દલીલ થઈ શકે કે કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશ હોય, કોઈનું ભૌગોલિક અંતર વધુ હોય તો ભાવમાં ઓછુંવત્તું થાય, પણ ગોવામાં ભાવ વધે છે તો જમ્મુ-કાશ્મીરમાં ઘટે છે, મધ્ય પ્રદેશમાં વધે છે તો મહારાષ્ટ્રમાં ઘટે છે. આની પાછળનું લૉજિક નથી સમજાતું. એક વસ્તુ સમજાય છે તે એ કે કોઈ પણ બજેટમાં દેખાડાનું ફંડ અલગ ફાળવાતું નથી અને જાહેરાતો પાછળ, રેલી-રેલા પાછળ, ઉજવણાંઓ પાછળ જે અઢળક ખર્ચાઓ થાય છે તે ક્યાંથી આવે છે? કોઈ કહી શકે કે એ, લોકોએ આપેલાં ફંડમાંથી, પાર્ટી ફન્ડમાંથી કે ઉદ્યોગપતિઓની મદદથી થાય છે, તો ભલે તેમ, પણ એ પછી થતો ખર્ચ યોગ્ય દિશાનો જ છે એવું ખાતરીપૂર્વક કહી શકાય એમ છે? ક્યાંક, કૈંક તો ખોટું છે. બીજું કૈં નહીં તો પારદર્શિતા તો ક્યાંક ખૂટે જ છે.

કારણો ગમે તે હોય, બચાવ પણ વાજબી હોય, તો પણ, એમ લાગે છે કે આંતરરાષ્ટ્રીય કિંમતો ઑર ઘટે તો આપણે ત્યાં પેટ્રોલ-ડીઝલ ઑર મોંઘા થાય એમ બને. સરકાર એ જાણે છે કે સ્કૂટર, કાર કે ટ્રક હાંકનારાઓ વાહન માથે ઊંચકીને દોડવાનાં નથી. એ મશીનોને ઓઇલ કે બીજું કૈં પણ જોઈવાનું જ છે ને એ મફત કે સસ્તું લાંબે ગાળે પણ મળવાનું નથી, તો બીજાઓની જેમ સરકાર પણ એનો લાભ લેવાનું કેમ ચૂકે? ટૂંકમાં, આ રોજની રામાયણ છે ને રોજ મરે તેનું કોણ રડે? જો લકઝરી પ્રજા ભોગવતી હોય તો સરકારે શો ગુનો કર્યો છે? કોઈ સરકારે અગાઉ ન ભોગવી હોય એવી લકઝરી આજની સરકાર ભોગવે તો એનો વાંક પણ શો કાઢવો? એનેય જગતમાં નામ કરવું હોય ને જગતને બતાવી આપવું હોય તો તે કોના જીવ પર કરશે?

– ને એ હકીકત છે કે આજે તો આ દેશ સૂત્રો, દેખાડા અને ધાર્મિક સંસ્કારો પર નિર્ભર છે. તે રામ નામથી લઈને રામનામ સત્ય હૈ – સુધી વિકસ્યો છે, ત્યારે કિશોરકુમારનું એક ગીત, ‘હરે રામ, હરે કૃષ્ણ’ ફિલ્મનું ‘દેખો ઓ દીવાનો તુમ યે કામ ના કરો …’ યાદ આવે છે. લોકોને એ યાદ આવે તો આનંદ થાય …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 જાન્યુઆરી 2024

Loading

ત્રણ રચના

સાહિલ|Opinion - Opinion|4 January 2024

૧.

ગઝલ

જે ક્ષણે મેં શબ્દનું પૂજન કર્યું

લાગે છે ઈશ્વરનું આરાધન કર્યું

જીવવા જ્યારે મળી સુખની ઘડી

હાથ જોડી આભને વંદન કર્યું

હર ગઝલ સર્જન પછી લાગે મને

મેં અખિલ બ્રહ્માંડને ચુંબન કર્યુ

સાતે સાગર સુખથી છલકાતાં મળ્યાં

જો મિલનની પળનું અવલોકન કર્યું

આંગણે ઈશ્વરના લઈ આવ્યાં સગડ

પ્રીતનુ સાહિલ જો સંશોધન કર્યું

——————-

૨.

છું  હવાનો અંશ મારું કોઈ ઠેકાણું નથી

કઇ દિશામાં તો ય મારું હોવું વરતાણું નથી

જો છલોછલ થાય તો એ દેવતાઈ જાણવું

જે ભરાઈ જાય એ માણસનું તરભાણું નથી

જોતજોતાંમાં છલોછલ જામ ખાલી થઈ ગયો

ટીપું યે પીધું નથી ટીપું યે ઢોળાણું નથી

આપેલું પાછું લઈ લેતાં ન શરમાયા પ્રભુ

જિંદગી પણ શું તમે આપેલ નજરાણું નથી

છે જગતના સર્વ જીવો એક મત આ વાત પર

શ્વાસ કરતાં કર્ણ પ્રિય બીજું કોઈ ગાણું નથી

ખુદ પ્રભુ જેવો પ્રભુ પણ ક્યાં હજી સર્જી શક્યો

એક એવી રાત કે જે રાતનું વ્હાણું નથી

એ તો સાહિલ ઠારે છે જઠરાગ્નિને બે ઘડી

જે જમાડે છે જગત એ ભાવતું ભાણું નથી

————-

૩.

જે ગુન્હો કર્યો નથી એ ગુન્હાની પણ મને કારમી સજા મળી

છે અલગ એ વાત કે એ સજામાં પણ મને મનભરી મજા મળી

અવદશાનાં કારણો શોધવાના યત્ન સહુ એમ ધૂળમાં મળ્યા 

જેમજિન્દગી મળી કિન્તુ જીવવાની ના એક પણ  વજા મળી

વેદના નદી મહીં મોકળાશથી કદી મન તરી શક્યું નથી

આમ ભીના શ્વાસને ઉમ્રભર વ્યથાના ઘર બાજુ આવ જા મળી

આભ આંબતા અહીં સેંકડો મકાન છે તોય શું નવાઈ છે

આભ ચુમતી મને એક પણ મકાન પર ના કોઈ ધજા મળી

કઇ દ્વિધામાં આયખું રામ જાણે રાત દિ ડૂમતું જ જાય છે

એ ત્રિભેટે ઊભો છું જ્યાં ન તો જીવન મળ્યું ના મને કજા મળી

લુપ્ત થઇ જવાનું જાણે છતાં સમુદ્રને ભેટવાને દોડતી

ટીપું જળને ઝંખતા રણ પ્રદેશને કહો ક્યારે શૈલજા મળી

કેટલા જનભથી સાહિલ તમારા દ્વાર પર મૌન ઓઢીઊભો છે

પણ તમારી મ્હેફિલે આવકાર ના મળ્યો એમ ના રજા મળી

નીસા ૩/૧૫, દયાનંદ નગર, રાજકોટ – ૩૬૦ ૦૦૨
e.mail : sahilrjt1946@gmail.com

Loading

...102030...918919920921...930940950...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved