Opinion Magazine
Number of visits: 9560474
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—220

દીપક મહેતા|Opinion - Opinion|28 October 2023

એક અજાણ્યા ગાંધી અને મૂળજી જેઠા માર્કેટ     

પાત્રો : ‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’ના ફિલાડેલ્ફિયાવાસી લેખક નટવર ગાંધી, કવયિત્રી પન્ના નાયક, મૂળજી જેઠા માર્કેટના શેઠિયાઓ, મુનીમો, વાણોતરો, ઘાટીઓ, વગેરે. અને આપનો નાચીઝ દી.મ.

દી.મ. : ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો વાંચી ન હોય, એનું નામ પણ તરત યાદ ન આવે, એવું તો બને, પણ ગાંધીજીએ આત્મકથા લખી છે એ હકીકતથી તો ઘણાખરા શિક્ષિત લોકો વાકેફ હોય. પણ નટવરભાઈ, તમે પોતાની જાતને ‘અજાણ્યા ગાંધી’ તરીકે કેમ ઓળખાવો છો?

નટવરભાઈ : કારણ કે હું ભલે ગાંધી અટક ધરાવતો હોઉં તો ય ખરેખર એક અદનો, અજાણ્યો માણસ છું. પણ દીપકભાઈ, એ તો કહો કે છેક ફિલાડેલ્ફિયા સમન્સ મોકલાવીને મને અને પન્નાને અહીં કેમ ખડા કરી દીધાં છે? અમારો કાંઈ વાંક-ગનો?

પન્નાબહેન : આખે રસ્તે મને પણ આ જ સવાલ પૂછ્યા કરતા હતા. મેં કહ્યું કે હું ઓળખું છું દીપક મહેતાને. અમે બંને એક જ સેન્ટ ઝેવિયર્સ કોલેજના અને મનસુખભાઈ ઝવેરી તથા ઝાલાસાહેબ – ગૌરીપ્રસાદ ઝાલા — ના વિદ્યાર્થી. દીપકભાઈ આમ તો સારા માણસ હોય તેવું લાગે છે. એટલે બીક રાખવા જેવું તો કાંઈ નહિ હોય.

નટવર ગાંધી 

દી.મ. : અરે નટવરભાઈ, પન્નાબહેન, એવું કાંઈ નથી. પણ વાત એમ છે કે ગયે અઠવાડિયે મારે સ્વામી આનંદ અને વાછા શેઠ સાથે જામનગરથી દોરીલોટો લઈને મુંબઈ આવેલા મૂળજી જેઠા અને તેમના વંશજો વિષે વાતો થયેલી. ત્યારે મૂળજી જેઠા માર્કેટ વિષે પણ વાત નીકળેલી. અને નટવરભાઈ, વખત જતાં તો તમે અમેરિકા જઈ વોશિન્ગ્ટન ડી.સી.માં બહુ ઊંચા સરકારી હોદ્દા પર પહોંચ્યા. પણ તમારી કારકિર્દીની શરૂઆત તો કરેલી મૂળજી જેઠા માર્કેટથી. એટલે એ માર્કેટના તમારા અનુભવો વિષે વાતો કરવી છે. પણ એ વાત શરૂ કરતાં પહેલાં એ કહો કે પચાસના દાયકામાં તમે પહેલી વાર મુંબઈ આવ્યા ત્યારે મુંબઈ કેવું હતું?

નટવરભાઈ : હાશ, આ તો શૂળીનો ઘા સોયથી ગયો. અને તમે જે જાણવા માગો છો એ અંગે વાત કરવાનું તો મને બહુ ગમે છે. 

પન્ના નાયક 

પન્નાબહેન : અમેરિકામાં સ્થાયી થયાને હવે તો દાયકાઓ વીતી ગયા છે. પણ હજી આજે ય તે અમારી વાતોમાં ક્યાંક ને ક્યાંક મુંબઈ તો ડોકાયા વગર રહે જ નહિ.

દી.મ. : પન્નાબહેન! તમારું પેલું ‘હોમસિકનેસ’ કાવ્ય સંભળાવો ને!

પન્નાબહેન :

મેં tropical છોડને જડમૂળથી ઉખેડી
અહીં પરાઈ શીતલ ભૂમિમાં
રોપી તો દીધો
અને એ છોડે જીવવાનો નિર્ધાર પણ કરી લીધો
છતાં
અહીં જ્યારે વસંત ચેરી બ્લોસમ્સથી રંગાઈ જાય છે ત્યારે
મારું મન કેસૂડે મોહે છે
ગ્રીષ્મનાં ગુલાબ ધરા પર પોતાના બિસ્તર બિછાવી દે છે ત્યારે
હું ગુલમોરની યાદથી આંખ લાલ કરીને રોઉં છું …
અહીં બારે માસ વરસાદ પડે છે તો ય
ત્યાંના જેવી વર્ષાઋતુની મઘમઘતી સોડમ
ક્યારે ય શરીરે ચોંટતી નથી!
આષાઢનો શબ્દ જ અહીં નથી ને!
અહીં બધું જ છે
છતાં કંઈ જ નથી.

હું homesick થઈ ગઈ છું.
થાય છે
બધું ઉઠાવીને ઘેર જાઉં
પણ …
હવે મારું ઘર ક્યાં?

દી.મ. : નટવરભાઈ! મેટ્રિકનું ભણ્યા ત્યાં સુધી તમે વતન સાવરકુંડલામાં રહ્યા. પછી તમે નોકરીની શોધમાં મુંબઈ આવ્યા. તમે પહેલી વાર મુંબઈમાં પગ મૂક્યો એ વખતનો અનુભવ કેવો હતો?

નટવરભાઈ : મારા જીવનમાં જે વળાંકો આવ્યા છે, જે પરિવતર્નો થયાં છે, તેમાં મોટામાં મોટું તે અમારા નાના ગામમાંથી મુંબઈ આવવું તે. દેશમાંથી અમેરિકામાં આવવા કરતાં પણ એ મોટો બનાવ હતો. મુંબઈ મારા માટે માત્ર દેશની જ નહિ, પણ દુનિયાની બારી હતું. અહીં મને પહેલી વાર ભાત ભાતના લોકો જોવા સાંભળવા મળ્યા. દેશવિદેશનાં અંગ્રેજી છાપાં અને મૅગેઝિન જોવા વાંચવા મળ્યાં. મારી આખી દૃષ્ટિ બદલાઈ ગઈ. અંધારિયા કૂવાનો દેડકો જાણે કે મોટી માછલી બનીને મહાસાગરમાં તરવા માંડ્યો!

દી.મ. : તમે પહેલી વાર મુંબઈ આવ્યા તે વખતનું મુંબઈ કેવું હતું?

નટવરભાઈ : ઓગણીસસો પચાસના અને સાઇઠના દાયકાનું મુંબઈ આજ કરતાં ઘણું જુદું હતું. આધુનિક સગવડ વગરના નાના ગામમાં ઉછરેલા મારા જેવા માટે મુંબઈનું મહાનગર એ જ મોટું આશ્ચર્ય હતું! મેં જિંદગીમાં પહેલી જ વાર આટલા બધા માણસો અને આટલો બધો ટ્રાફિક જોયો. પાણીના રેલાની જેમ સરતી પીળી પીળી ટૅક્સીઓ, મુસાફરોથી ખીચોખીચ ટણણ કરતી દોડતી ટ્રામો, હજારો અને લાખો પરાંવાસીઓને સડસડાટ લાવતી ને લઈ જતી ઇલેક્ટ્રિક ટ્રેનો, ડબલ ડેકર બસો, ફોર્ટ એરિયાનાં આલિશાન મકાનો, ભવ્ય ગેઇટ વે ઑફ ઇન્ડિયા અને એની સામે તાજમહાલ હોટેલ, મરીન ડ્રાઈવ, મલબાર હિલ, હૅંગિંગ ગાડર્ન, મુંબઈ યુનિવર્સિટી, રાજાબાઈ ટાવર, એલફિન્સ્ટન અને સેન્ટ ઝેવિયર્સ જેવી વિખ્યાત કૉલેજો, એરકન્ડિશન્ડ મૂવી થિયેટરો, હોલીવુડની મૂવીઓ, ક્રિકેટ માટેનું બ્રેબોર્ન સ્ટેડિયમ, બોરીબંદર અને ચચર્ગેટ સ્ટેશન, ઊંચાં મકાનોમાં ઉપર નીચે લઈ જતી લિફ્ટો – આવું તો કઈં કઈં હું મારી ભોળી આંખે જોઈને અંજાઈ ગયો. પહેલી વાર લિફ્ટનો અનુભવ કંઈક અનોખો જ હતો!

દી.મ. : એક બાજુ આ સ્વપ્ન નગરી જેવું શહેર અને બીજી બાજુ તેની નકરી વાસ્તવિકતાથી ધમધમતી મૂળજી જેઠા માર્કેટ. તમે એ માર્કેટમાં કઈ રીતે પહોંચી ગયા, નટવરભાઈ?

મૂળજી જેઠા માર્કેટની દુકાનો

નટવરભાઈ : ‘હું તો બસ ફરવા આવ્યો છુ’ એમ તો કહી શકું તેમ નહોતું. હું મુબઈ આવ્યો ત્યારે મારી ઉંમર સત્તર વરસની. કશી ગતાગમ નહીં. છાપાં મેગેઝિન અને બોલીવુડની મૂવીઓમાં જે મુંબઈ જોયેલું એ જ. મુંબઈમાં નોકરી ગોતવાની વાત તો બાજુ રહી, પણ એના રસ્તાઓ, બસ, ટેક્સી, ટ્રામ, ટ્રેનમાં  કેમ આવવું-જવું તેનું પણ મને ભાન નહોતું. પણ ભલાં બહેનબનેવીએ મારી સંભાળ લીધી. બનેવી મને દૂરના એક માસા પાસે લઈ ગયા. એ કાલબાદેવીમાં મૂળજી જેઠા મારકેટની એક પેઢીમાં ગુમાસ્તા હતા. માસાને કહે કે તમારી પેઢીમાં નટુને હમણાં બેસાડો. માસા કહે, આવીને ભલે બેસે અને કામકાજ શીખે. પણ હમણાં એને પગારબગાર નહિ આપીએ. બનેવી કહે, વાંધો નહીં. પગારની જરૂર નથી. બસ, તમારા હાથ નીચે કેળવજો અને કામકાજ શીખવજો. ભલું થાજો એ માસાનું કે આમ એમને કારણે મને નોકરી મળી. આ મારી પહેલી નોકરી, જો કે પગાર વગરની.

દી.મ. : એ જમાનાની મૂળજી જેઠા માર્કેટ તમને કેવી લાગેલી?

નટવરભાઈ : મૂળજી જેઠા માર્કેટની દુનિયા જ જુદી હતી. એની હાયરારકીમાં સૌથી ઉપર શેઠ. તે ઉપર બેઠા બેઠા બધા પર રાજ કરે. એની નીચે મહેતાજીઓ. પછી ગુમાસ્તાઓ, એની નીચે ઘાટીઓ. હું તો સાવ નવોસવો એટલે ઘાટીઓથી પણ નીચે. મારે તો બધું એકડે એકથી શીખવાનું હતું. પહેલાં તો મારે માર્કેટની ભૂગોળ શીખવાની હતી. અસંખ્ય ગલીઓ, અનેક ચોક, આજુબાજુની શેરીઓ, ચાનાસ્તાની દુકાનો, ખમતીધર શેઠિયાઓની ખ્યાતનામ પેઢીઓ, મિલોના એજન્ટની પેઢીઓ, મોટી મોટી બેંકો – આ બધું ક્યાં છે એ શીખવાનું હતું.

આ બધી જગ્યાએ જલદી કેમ જવાય તે ઘાટીઓ બરાબર જાણે. એ તો હાથગાડીઓમાં માલ ભરીને લોકોનાં ટોળાં વચ્ચે રસ્તો કાઢતા ઝટપટ દોડે. હું જોતો રહું.

દી.મ. : અને એ દુકાનમાં પહેલે દિવસે શેઠ સાથે કાંઈ વાતચીત થયેલી?

નટવરભાઈ : પહેલે દિવસે શેઠે મને પેઢીમાં જોયો.

શેઠ : મહેતાજી! આ છોકરો કોણ છે? અહીં કેમ આવ્યો છે?

મહેતાજી : શેઠ સાહેબ, છોકરો દેશમાંથી આવ્યો છે. થોડા દિવસ આપણી પેઢીમાં બેસશે. પછી એનો રસ્તો કાઢી લેશે. આપણે એને પગાર આપશું નહીં એવી ચોખવટ પહેલેથી કરી લીધી છે. ગાંધી એનું નામ. 

નટવરભાઈ : શેઠે મારી સામે જોયું. કાંઈ બોલ્યા નહીં. મને થયું કે મરી ગયા. પહેલે જ દિવસે રજા મળી કે શું? ત્યાં મોટા મહેતાજીનો હુકમ છૂટ્યો. ‘જા, ચા લઈ આવ!’ પણ ક્યાં જવું ચા લેવા?

દી.મ. : પછી? શેઠ નારાજ?

નટવરભાઈ : ના. પેઢીનો ઘાટી મારી વહારે ધાયો.

ઘાટી : ચાલ, તને બતાવું ક્યાંથી અને કેવી ચા લાવવાની. શેઠને માટે એક ઠેકાણેથી જ ચા લાવવાની, એ લોકોને ખબર છે કે શેઠને ફુદીનો અને આદુમસાલા વાળી જ ચા ભાવે છે. પાછા વળતાં શેઠ માટે પાન પણ લેતા આવવાનું. અને તે પણ અમુક જ પાનવાળા પાસેથી, કારણ કે એને ખબર છે કે શેઠને પાનમાં કેટલી તમાકુ ફાવે.

નટવરભાઈ : આમ પેઢીનો ઘાટી મારો ગુરુ બની ગયો. એણે મને એની પાંખમાં લીધો. કઈ બેંકમાં હુંડી છોડાવવા જવું, ક્યો કેશિયર આપણું કામ જલદી કરે, આ બધી એને ખબર.

દી.મ. : એ નોકરીમાં તમારા કામના કલાકો નક્કી, કે પછી …

નટવરભાઈ : અમારો આવવાનો ટાઈમ નક્કી. જવાનો નહિ. ઘાટી અને ગુમાસ્તાઓ સવારે પહેલાં આવે. સાફસૂફી કરે. ગાદીતકિયા ગોઠવે, પછી આવે મહેતાજી. શેઠ કરતાં મહેતાજીનો રૂઆબ મોટો. જેવા એ આવે એવા એમના હુકમ છૂટવા માંડે : ચા લઈ આવ. મિલની દુકાનમાં જઈને આજ જે માલ છોડાવવાનો છે તેનું ઇન્વોઇસ લઈ આવ. બેંકમાં જઈને બેલેન્સ ચેક કરી આવ, વગેરે વગેરે.

દી. મ. : અને શેઠની પધરામણી ક્યારે થાય?

નટવરભાઈ : શેઠ તો મોડા મોડા આવે. એ આવે એટલે પેઢીમાં થોડી વાર તો સોપો પડી જાય. થોડો સમય કોઈ કંઈ બોલે નહીં. શેઠ આજુબાજુ ઘૂરકીને જુએ. વાતાવરણ એકદમ તંગ હોય.

એમને માટે ચા આવે. એકાદ બે ઘૂંટડા ભરે. પછી વાતાવરણ કંઈ હળવું થાય. મહેતાજી સાથે સવાલ જવાબ શરૂ થાય – આજે કઈ મિલનો માલ છોડાવવાનો છે, કેટલી હૂંડી ભરવાની છે, શેના સોદા કરવાના છે, ઉઘરાણી ક્યાં સુધી આવી, વગેરે.

દી. મ. : પન્નાબહેન, એક વાત પૂછું? આ નટવરભાઈ ક્યારે ય થાકતા નથી? તે એમની ઉંમર …

પન્નાબહેન : પહેલા ગાંધીનો જન્મ દિવસ બીજી ઓક્ટોબરે, તો આ બીજા ગાંધીનો ચોથી ઓક્ટોબરે. આ મહીને તેમનો ૮૩મો જન્મ દિવસ ગયો. બલવંતરાય ઠાકોરની જેમ તેઓ પણ અવારનવાર સોનેટ લખે. તેમણે મને એક ચેલેન્જ આપી. મારે એમને એમના ૮૦મા જન્મદિને એક છંદોબદ્ધ સોનેટ આપવું! હું અછાંદસમાં લખનારી. સોનેટની શિસ્ત મને ઓછી ફાવે. છતાં, એ ચેલેન્જ મેં સ્વીકારી, અને પરિણામે શિખરિણી છન્દમાં એક સોનેટ થયું. એ કેવું થયું તે તો એ અને સહૃદય વાચક જાણે! એ સોનેટમાંથી થોડી પંક્તિઓ :

હજી ઝીણી આંખે જગ સકળનું માપ લઈને 

હજી પૂછી પૂછી, સમજી ઘણું, ઉલ્લાસ કરતો. 

હજી તેં માંડી છે નજર દૂર ક્ષિતિજ પર, ને 

હજી તારે ઊંચે શિખર ચડી આકાશ અડવું,

હજી તારું હૈયું નિત થનગને, પ્રેમ ઉભરે, 

મહત્ત્વાકાંક્ષાથી સભર નયનો સ્વપ્ન નીરખે,

થયાં ત્રાયાસી એ તો રમત બસ કેલેન્ડર તણી,

તને કેવી રીતે, પ્રિયતમ સખે, વૃદ્ધ ગણવો?

દી.મ. : પન્નાબહેન, નટવરભાઈ, આજે તો આપણી વાતો અહીં અટકાવવી પડશે. પણ આવતા શનિવારે ફરી મળીશું. આવજો.

નટવરભાઈ, પન્નાબહેન : આવજો.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 28 ઓક્ટોબર 2023

Loading

અસર છું.

ભરત ગોસ્વામી "ભાવુક"|Opinion - Opinion|28 October 2023

શ્વાસોની ચાલમાં માફકસર છું.

હૈયાની ધબકતી નવી અસર છું.

મળ્યું છે મને 1BHK વાળું શહેર

લાગણીમાં વધઘટની કરકસર છું.

રાત દિ’ સમય સાથે છે દોડ મારી

બની શહેરની સડકો સમયસર છું.

રહું છું કાયમ ઘટનાની ચોપાસમાં

વેદનાની યાદીઓમાં  અગ્રેસર છું.

સરખી થઈ છે શબ્દોની વહેંચણી

‘ભાવુક’ના ભાગમાં હું માપસર છું.

અંજાર કચ્છ
e.mail : bharatgpswami00@gmail.com

Loading

ખફા છે

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|28 October 2023

રાતનો પાછલો પ્રહર પણ ખફા છે,

ઝખ્મ પંપાળતી નજર પણ ખફા છે.

કાફિયા મેળવી બરાબર કરી છે,

ખોપરું ઘુમતા કદર પણ ખફા છે.

અવનવી રીત સાવ બેકાર ગઈ છે,

તોડ કરવા છતાં ભ્રમર પણ ખફા છે.

જિંદગાની બબાલ કરતી રહે છે,

જન્મ તારીખ પર ઉમર પણ ખફા છે.

ચાલતાં-ચાલતાં પડ્યો-આખડ્યો છું,

થાકથી હાંફતી ડગર પણ ખફા છે.

e.mail : addave68@gmail.com

Loading

...102030...877878879880...890900910...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી —319
  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  
  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved