Opinion Magazine
Number of visits: 9955375
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શા માટે રાહુલ ગાંધી આર.એસ.એસ. ઉપર સીધો પ્રહાર કરે છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|3 October 2024

ઇન્દિરા ગાંધી પછી પહેલી વાર એવું જોવા મળી રહ્યું છે

રમેશ ઓઝા

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીનાં પ્રચારમાં અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીનાં પ્રચારમાં એક ફરક છે. એ ફરક રાહુલ ગાંધીના પક્ષે છે. લોકસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીની, ભા.જ.પ.ની અને સરકારની ટીકા કરતા. હાથમાં બંધારણની નકલ બતાવીને કહેતા કે નરેન્દ્ર મોદીની સરકારને આ બંધારણ સ્વીકાર્ય નથી, તેઓ તેને બદલવા માગે છે અને અનામતની જોગવાઈને ખતમ કરવા માગે છે. બીજી બાજુ ભારતનું બંધારણ સશક્તો સામે અશક્તોને રક્ષણ આપે છે. તેઓ નરેન્દ્ર મોદીની સરકાર કઈ રીતે શ્રીમંત તરફી છે અને ખાસ કરીને બે ઉદ્યોગગૃહોને મદદ કરે છે એમ પણ કહેતા.

આ વખતે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીની ટીકા ઓછી કરે છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વધુ કરે છે. નિશાના પર સીધો સંઘ છે. તેઓ કહે છે કે લડાઈ વિચારોની છે અને એટલે ખરી લડાઈ સંઘ અને કાઁગ્રેસ વચ્ચે છે. કાઁગ્રેસની કલ્પનાનું ભારત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સ્વીકાર્ય નથી અને સંઘની કલ્પનાનું ભારત કાઁગ્રેસને સ્વીકાર્ય નથી. ભા.જ.પ. તો સંઘનું એક પ્યાદું છે. તેઓ કહે છે કે સંઘર્ષ સત્તા માટેનો નથી, પણ ભારત વિષેની કલ્પના માટેનો છે. એ પછી તેઓ કહે છે કે સહિયારા લોકતાંત્રિક ભારતમાં સ્ત્રીઓનું, દલિતોનું, આદિવાસીઓનું અને દરેક વર્ગના વંચિતોનું અથવા ગરીબોનું કલ્યાણ છે. સંઘની કલ્પનાના ભારતમાં સવર્ણ હિંદુઓની સરસાઈ હશે. તે રાજ કરશે. રાહુલ ગાંધી વિનાયક દામોદર સાવરકરનું પણ નામ લે છે.

રાહુલ ગાંધીએ પહેલી વખત શબ્દો ચોર્યા વિના કહ્યું છે કે કાઁગ્રેસની અંદર પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારો અને માનસિકતા ધરાવનારા લોકો છે. તેમનો ઈશારો હિમાચલ પ્રદેશના કેબીનેટ પ્રધાન વિક્રમાદિત્ય સિંહ તરફ હતો. તેમણે યોગી આદિત્યનાથને અનુસરીને

રાહુલ ગાંધી

અને તેમનો હવાલો આપીને કહ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં પણ હોટલ પર હોટલના માલિકનું નામ હોવું જોઈએ. રાહુલ ગાંધીએ તેમને દિલ્હી બોલાવીને ઠપકો આપ્યો હતો. આવું જ આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વાનું. તેઓ યોગી આદિત્યનાથ કરતાં પણ વધારે આકરા હિન્દુત્વવાદી વિચારો ધરાવે છે. હેમંત બિસ્વા પહેલાં કાઁગ્રેસમાં હતા. મુખ્ય પ્રધાન બનવા મળ્યું નહીં એટલે તેઓ બી.જે.પી.માં ગયા હતા. હિંદુ માનસિકતા ધરાવતા લોકો કાઁગ્રેસમાં હોય એ કોઈ નવી વાત નથી. ગાંધીજીના જમાનાથી આવું જોવા મળી રહ્યું છે. તેઓ કાઁગ્રેસમાં રહીને સંઘ માટે સહાનુભૂતિ ધરાવતા હતા.

બીજી બાજુ નરેન્દ્ર મોદી એ જ વાત કરે છે જે લોકસભાની ચૂંટણીમાં કરતા હતા. રાહુલ ગાંધી અને કાઁગ્રેસ પર આક્ષેપો કરીને સીધા પ્રહારો કરે છે. ભ્રષ્ટાચાર, વંશવાદ વગેરે. હિંદુઓને ડરાવે છે. તેઓ નથી વિકાસની વાત કરતા કે નથી તેમની કે હરિયાણાની સરકારની સિદ્ધિઓની વાત કરતા. ભવિષ્ય વિષે સપનાં બતાવવાનું તો તેમણે બંધ જ કરી દીધું છે. રહી વાત રાહુલ ગાંધી દ્વારા ઉપસ્થિત કરાતી ભારત વિશેની કલ્પનાની તો તેનો તો તેઓ કોઈ ઉલ્લેખ જ નથી કરતા. નથી સંઘની કલ્પનાના ભારતનો બચાવ કરતા, કે નથી કાઁગ્રેસની કલ્પનાના ભારતનો સ્વીકાર કે અસ્વીકાર કરતા.

શા માટે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીને લગભગ બાજુએ રાખીને સીધો સંઘ ઉપર પ્રહાર કરે છે? અને બીજો સવાલ એ કે આમ કરવું કાઁગ્રેસ માટે હિતકારી છે? કે પછી નુકસાન થઈ શકે? ઇન્દિરા ગાંધી પછી પહેલી વાર એવું જોવા મળી રહ્યું છે કે કાઁગ્રેસનો કોઈ નેતા આર.એસ.એસ.નો ખુલ્લીને વિરોધ કરતો હોય કે નિંદા કરતો હોય.

મને એમ લાગે છે કે રાહુલ ગાંધીની રણનીતિ યોગ્ય દિશાની છે. હિન્દુત્વના જે સમર્થકો છે એ પહેલાં પણ જન સંઘ/બી.જે.પી.ની સાથે હતા અને ભવિષ્યમાં પણ બી.જે.પી.ની સાથે રહેવાના છે. જે લોકો એમ માનતા હતા કે ભારત હિંદુઓની બહુમતી ધરાવનારો દેશ છે એટલે હિંદુઓનું થોડુંક સાંસ્કૃતિક વર્ચસ હોવું જોઈએ, પણ એ સાથે કોઈ કોમ સાથે ભેદભાવ ન કરવો જોઈએ, કોઈને હેરાન ન કરવા જોઈએ અને દેશનો વિકાસ કેન્દ્ર સ્થાને હોવો જોઈએ એ લોકો હવે દૂર જઈ રહ્યા છે. આ સિવાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભા.જ.પ.ના નેતાઓ હિંદુ રાષ્ટ્રની કોઈ કલ્પના રાખી શકતા નથી અથવા રાખતા નથી એટલે વિચારનારા હિંદુઓને સમજાવા લાગ્યું છે કે સંઘની કલ્પનાનું હિંદુરાષ્ટ્ર એટલે હિંદુઓનું માથાભારેપણું. મુસલમાનોને હેરાન કરવાનું, ધોલધપાટ કરવાનું સુખ મેળવો અને ભા.જ.પ.ને મત આપતા રહો. જેમને આવું માથાભારે હિંદુ રાષ્ટ્ર સ્વીકાર્ય નથી એ લોકો હિંદુવાદી હોવા છતાં કે હિંદુ હોવા માટે ગર્વ લેતા હોવા છતાં સંઘને સમર્થન કરતા નથી.

તેઓ સમર્થન કરતા બંધ થઈ ગયા છે કે થઈ રહ્યા છે એનું બીજું પણ એક કારણ છે. દસ વરસમાં તેમને સમજાવા લાગ્યું છે કે આ દેશમાં એટલી બધી વિવિધતા છે કે તેનાથી બચી શકાય એમ નથી. સાથે રહેવું એ નિયતિ છે. મુસલમાનો દેશનું કશું બગાડી શકે એમ નથી, તેમની એટલી શક્તિ જ નથી. જે કહેવામાં આવે છે એ પ્રચાર છે. ઊલટું લડાઈ હિંદુઓ વચ્ચે ચાલી રહી છે અને એક હિંદુ બીજા હિંદુ સાથે લડે છે. પરિવારોમાં ઝઘડો પ્રવેશ્યો છે. ટૂંકમાં દેશમાં પાકું ધ્રુવીકરણ થઈ ગયું છે એટલે હવે હિંદુઓની નારાજગીની ચિંતા કરવાની જરૂર નથી. જે ત્યાં છે એ પાછા આવવાના નથી, પછી ભલે દેશનું ગમે તે થાય. બીજી બાજુ જેણે હિન્દુત્વનો સ્વાદ ચાખી લીધો છે એ લોકો હવે પુનર્વિચાર કરતા થયા છે.

આ સ્થિતિમાં કાઁગ્રેસની કલ્પનાનું ભારત એ હિંદુઓને તો સ્વીકાર્ય છે જ જે ઉદારમતવાદી છે. એ હિંદુઓને પણ અનુભવે સ્વીકાર્ય બનવા લાગ્યું છે જે હાંસિયામાં છે. જેમ કે દલિતો આદિવાસીઓ વગેરે. એ હિંદુઓને પણ હવે સ્વીકાર્ય બનવા લાગ્યું છે જેમણે હિંદુઓના રાજનો સ્વાદ ચાખી લીધો છે. આ સિવાય લઘુમતી કોમને કાઁગ્રેસની કલ્પનાનું ભારત સ્વીકાર્ય હોય એ તો સ્વાભાવિક છે. જો મોટી સંખ્યામાં હિંદુઓ પાછા ફરતા હોય તો તેમની સમક્ષ વિકાસલક્ષી સ્વસ્થ અને સહિયારા ભારતની કલ્પના શા માટે ન રાખવી! આમાં રતીભાર પણ નુકસાન નથી. બીજા શબ્દોમાં કહીએ તો ૧૯૮૭માં શરૂ થયેલો હિંદુ બેકલેશનો યુગ સાડા ત્રણ દાયકા પછી પૂરો થઈ રહ્યો છે. રાહુલ ગાંધી આ જાણે છે અને સમજી વિચારીને નરેન્દ્ર મોદીની જગ્યાએ સંઘ પર હુમલા કરે છે.

રાહુલ ગાંધી આર.એસ.એસ.ને પણ ભીત સરસો ધકેલે છે. જે પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યો છે એ તો માથાભારે હિંદુ રાષ્ટ્રનો થઈ રહ્યો છે. આનાથી જુદા રાષ્ટ્રની જો કોઈ કલ્પના તમારા મનમાં હોય તો કહી બતાવો, એમાં શું હશે અને શું નહીં હોય? તેમણે કહેવું પડશે કે તેઓ કેવા હિંદુ રાષ્ટ્રની કલ્પના કરે છે? સંઘ હિંદુઓનું પ્રતિનિધિત્વ નથી કરતો, ખાસ પ્રકારના હિંદુઓનું કરે છે એમ રાહુલ ગાંધીએ લોકસભામાં પણ કહ્યું હતું.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પહેલીવાર વિચારધારાને લઈને ભીંસ અનુભવી રહ્યો છે. જ્યારે હિંદુતવવાદી શાસકોનું શાસન નજર સામે હોય ત્યાં બોલવું શું?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 03 ઑક્ટોબર 2024

Loading

ગુજરાતના જ્ઞાતિ સમાજોનો સમાજસુધારાનો સાદ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|3 October 2024

ચંદુ મહેરિયા

સાર્થ ગુજરાતી જોડણીકોશ(૧૯૨૯)માં ‘સંસારસુધારો’ શબ્દનો અર્થ સામાજિક અને કૌટુંબિક બાબતોમાં સુધારો’ અને ‘સુધારક’ એટલે ‘સુધારનારું, સુધારો કરનારું, રિફોર્મર’ એમ જણાવ્યો છે. ભગવદ્દગોમંડળ(૧૯૪૪-૧૯૫૫)માં ‘સમાજસુધારા’નો અર્થ ‘જનસમુદાયના કલ્યાણ માટે સમાજ વ્યવસ્થામાં ફેરફાર કરવો તે’ અને ‘સમાજસુધારક’નો અર્થ ‘સમાજમાં સુધારો કરનાર’ દર્શાવ્યો છે. ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત પી.જી. દેશપાંડેની અંગ્રેજી ડિકસનેરી(૧૯૭૦)માં Reformation શબ્દનો અર્થ ‘રાજકીય, ધાર્મિક કે સામાજિક બાબતોમાં દૂરગામી સુધારો’ છે.

આપણા દેશ અને રાજ્યમાં સમાજિક સુધારણાની ચળવળનો દીર્ઘ ઇતિહાસ છે. આઝાદીના આંદોલન સમયે કાઁગ્રેસના અધિવેશનોના મંડપમાં જ, અધિવેશન પછી સમાજ સુધારણા પરિષદો મળતી હતી. ગાંધી, નહેરુ, સરદાર અને બીજા અગ્રણી નેતાઓ તેમાં ભાગ લેતા હતા. એટલે રાજકીય-સામાજિક કાર્યો સાથે ચાલતા હતા. તત્કાલીન સમાજની જરૂરિયાત પ્રમાણે ત્યારે સમાજસુધારણામાં બાળલગ્ન પર પ્રતિબંધ, કન્યા કેળવણી, સતીપ્રથાની નાબૂદી, વિધવાવિવાહ જેવી બાબતોને પ્રાધાન્ય મળતું હતું. પછી તેમાં સમાનતા અને આભડછેટ નિવારણ જેવા મુદ્દા પણ ઉમેરાયા હતા. સ્વતંત્રતાની પ્રાપ્તિ બાદ રાજકીય પક્ષોએ સમાજ સુધારણા ક્ષેત્રેથી હાથ ખેસવી લીધો. હવે તેનું સ્થાન વિવિધ જ્ઞાતિ સમાજોએ લીધું છે. જ્ઞાતિ એ ભારતની કડવી વાસ્તવિકતા છે. લગભગ બધા જ સામાજિક પ્રસંગો જ્ઞાતિ પંચો અને જ્ઞાતિ બંધારણોથી ઉકેલાય છે. દિનરાત સંવિધાન, સંવિધાન લવ્યા કરતા દલિતો પણ સારાનરસા પ્રસંગોએ ભારતના બંધારણને બદલે ‘સમાજની પત્રી’ને જ સંભારે છે.

હાલમાં પણ સમાજિક સુધારણાના ઘણાં ક્ષેત્રો પહેલા હતા તે જ રહ્યા છે અને ઘણા બધાં નવા ઉમેરાયા છે. સતી પ્રથાના અવશેષો ક્યારેક જોવા મળે છે ખરા. પણ વિધવા વિવાહ, બાળલગ્ન, કન્યા કેળવણી જેવા ક્ષેત્રે ઠીક ઠીક પ્રગતિ થઈ છે. નવા જમાનામાં નવા સવાલો પણ ઊભા થયા છે. જ્ઞાતિ, પેટાજ્ઞાતિ, ગોળ, પરગણામાં વહેંચાયેલા વર્તમાન ભારતીય સમાજના જ્ઞાતિ સમાજો અને તેના સંગઠનોના શિરે જ સમાજ સુધારણાનું કામ આવ્યું છે. ઘણા જ્ઞાતિ સમાજો સામાજિક કુધારા, કુપ્રથા કે દેખાદેખીમાં થતા ખર્ચામાં બદલાવ કરે છે અને સમાજસુધારાની નવી દિશા ખોલી આપે છે.

બાળકનો જન્મ, સગાઈ, લગ્ન, સિમંત, બાબરી, જનોઈ, વાસ્તુથી લઈને મરણ સુધીના પારિવારિક અને સામાજિક પ્રસંગો માટે જ્ઞાતિપંચો, મંડળો અને સંગઠનોએ નિયમો બનાવ્યા છે. તેમાં સમયાનુસાર ફેરફારો થતા રહે છે. મુખ્યત્વે સુરેન્દ્રનગર, કડી, ચુંવાળ અને ચરોતરમાં વસતા તપોધન બ્રહ્મ સમાજે સંતાનોના લગ્નોમાં થતા લાખોના ખર્ચા બંધ કરી સમૂહ લગ્ન કરવા અને બચેલાં નાણાં યુવક-યુવતીના નામે ફિક્સ ડિપોઝીટમાં રોકવાની અનોખી પહેલ કરી છે. જ્ઞાતિના સંગઠનના પ્રયાસોથી આ સમાજની કન્યાઓનો લિટરસી રેટ ૯૨ ટકા છે.

બેતાળીસ લેઉવા પાટીદાર સમાજના પાંસઠ વરસ પૂર્વેના ૧૯૫૮ના બંધારણમાં સુધારા કરવામાં આવ્યા છે. લગ્ન પ્રસંગે જાનને એક જ રાત રોકવી, મામેરામાં અમર્યાદિત રકમો અને દાગીના ન આપવા ઉપરાંત જાનમાં બેન્ડ વાજા, કન્યાઓના વરઘોડા અને ફટાણા, મરણ પાછળના ખોટા ખર્ચા અને છાજિયા બંધ કરવામાં આવ્યા છે. મહિલાઓએ પી-વિડિંગ ફોટોશૂટ, ડી.જે., બેબી શાવર, હલ્દીરસમ બંધ કરવાનો નિશ્ચય કર્યો છે. યુવા મંડળે પાટીદાર સમાજના સમૂહલગ્નમાં પ્રી-વેડિંગ કરાવનાર યુગલોને બાકાત રાખ્યા છે. કડવા પાટીદાર સમાજ અને ઓલ ઇન્ડિયા અગ્રવાલ સમાજે પણ પ્રી-વેડિંગના નવા ચાલ પર પ્રતિબંધ મૂક્યો છે.

કથિત મધ્યમ સમાજો પણ સામાજિક સુધારાનો સાદ સંભળાવે છે. બનાસકાંઠા અને દસ્કોઈ ઠાકોર સમાજના આગેવાનોએ પણ ડી.જે. પર પ્રતિબંધ સહિતના ખર્ચાળ રિવાજો બંધ કરવા નિશ્ચય કર્યો છે. સગાઈમાં ૧૧ અને લગ્નમાં ૫૧ લોકોએ જવું તથા લગ્નમાં દીકરીઓને જીવનજરૂરી વસ્તુઓ મર્યાદિત પ્રમાણમાં આપવા સંકલ્પ કર્યો છે. લગભગ તમામ જ્ઞાતિ સમાજોએ શિક્ષણ, રોજગાર અને વ્યસન મુક્તિના સઘન પ્રયાસો હાથ ધર્યા છે.

પછાત, નિમ્ન અને જ્ઞાતિવ્યવસ્થાના તળિયે રહેલા મનાતા સમાજો પણ સામાજિક સુધારણા માટે જાગ્રત છે. નર્મદા જિલ્લાના નાંદોદ અને તિલકવાડા તાલુકો તથા વડોદરા જિલ્લામાં વસતા આદિવાસી મેવાસી સમાજે એપ્રિલ મે મહિનામાં વિધ્યાર્થીઓની પરીક્ષાઓના ગાળામાં જ લગ્નસરા હોય છે. એટલે પરીક્ષાર્થીઓને અભ્યાસમાં ખલેલ ન પહોંચે તે માટે ડી.જે. ન લાવવાનો ઠરાવ કર્યો છે. નર્મદા જિલ્લાના તડવી સમાજે બાળકોના શિક્ષણ પર અસર ના થાય તે માટે એપ્રિલથી મે મહિનામાં લગ્નો કરવા પર જ બંધી ફરમાવી છે. દાહોદના આદિવાસી સમાજે પત્ની હયાત હોવા છતાં બીજા લગ્ન કરનારને રૂ. ૧.૧૧ લાખ, દારુ પી ઝઘડનારને રૂ. ૧૧ હજાર અને લગ્નમાં ડી.જે. વગાડનારને ૫૧ હજારનો દંડ નક્કી કર્યો છે. રબારી સમાજે દીકરીઓના શિક્ષણ માટે શિક્ષણ રથ ફેરવ્યો હતો. ઘરના સારા-માઠા પ્રસંગે શિક્ષણ માટે રૂ.૫૦૦નું દાન ફરજિયાત કર્યું છે. સુરત, નવસારી, બીલીમોરા મેઘવાળ સમાજે સામાજિક પ્રસંગો સાદગીથી કરવા અને શિક્ષણ ફંડ વધારવા નક્કી કર્યું છે.

સમાજ સુધારણાના જે નવા ક્ષેત્રો ઉઘડ્યા છે તેમાં લેઉવા પાટીદાર સમાજની દીકરીઓનો સર્વાઈકલ કેન્સરના પરીક્ષણનો કેમ્પ યોજાયો હતો. જેમાં ૬૩૧ દીકરીઓને કે જે કેન્સર સંક્રમિત હોવાનું જણાયું છે તેમની સારવાર શરૂ કરી છે. રબારી સમાજના શિક્ષણ ભવનમાં સ્પર્ધાત્મક પરીક્ષાની સઘન તાલીમ અપાતાં આશરે બસો ઉમેદવારો પાસ થયા અને વિવિધ સરકારી નોકરીઓ મેળવી છે.

પ્રગતિશીલ અને ઉદારવાદી સમાજ સુધાર સાથે જ્ઞાતિ સમાજો સંકુચિત કે જમાનાને પાછળ ધકેલનારા નિર્ણયો પણ કરે છે. જેમાં આંતરજ્ઞાતિય લગ્નો પર પ્રતિબંધ, દીકરીઓને મોબાઈલ વાપરવા પર બંધી, ગામડામાંથી શહેરોમાં અભ્યાસ માટે અપડાઉન કરતી દીકરીઓને જાહેર પરિવહનનો ઉપયોગ ન કરવા દેવો, છૂટાછેડા માંગતા દીકરીના મા-બાપને દંડ જેવી બાબતો આપણે કઈ સદીમાં જીવીએ છીએ અને સ્ત્રી-પુરુષ સમાનતા કેટલી દૂર છે તેની પ્રતિતી કરાવે છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે દેશમાં દરરોજ ૪,૩૨૦ બાળલગ્નો થાય છે. ઉત્તર ગુજરાતમાં ૩૨ ટકા કન્યાઓના લગ્નો ૧૮ વરસ પહેલા અને એકલા મહેસાણા જિલ્લામાં ૩૨.૩૦ ટકા બાળલગ્નો થાય છે. છેલ્લાં પાંચ વરસોમાં દલિત – બિનદલિત વચ્ચે આંતરજ્ઞાતિય લગ્નો દેશમાં ૮૭,૦૮૨ અને ગુજરાતમાં ૩,૮૩૯ જ થયા છે. છોકરીઓને તરછોડી દેવાનું કે અનાથ આશ્રમમાં છોડી દેવાનું પ્રમાણ છોકરા કરતાં વધારે છે. આ સંજોગોમાં સમાજસુધારણાના ક્ષેત્રે કેટલું બધું કરવાનું બાકી છે તે સમજાવું જોઈએ.

ગાંધીજી અને ડો. આંબેડકર બંને એ વાતે સંમત છે કે સમાજસુધારણાનું કામ અતિ કઠિન છે. ડો. આંબેડકરે કહ્યું છે કે, “ભારતમાં સમાજસુધારણાનું કામ મોક્ષ પ્રાપ્તિ જેટલું જ કઠિન છે. આ કામમાં મિત્રો ઓછા અને દુશ્મનો ઝાઝા હોય છે.” ગાંધીજીનો મત હતો કે, “રાજ્ય પ્રકરણી ચળવળ કરતાં સંસારસુધારાની ચળવળ ઘણી વધારે મુશ્કેલ છે. સંસાર સુધારાના કામમાં રસ ઓછો છે, બાહ્ય પરિણામ નજીવું જેવું લાગે છે, અને તેમાં માનાપમાનાદિને બહુ ઓછું સ્થાન છે, તેથી આ કામ કરનારે જૂજ પરિણામથી સંતુષ્ટ રહેવું પડશે.”

ગુજરાતના ભિન્ન ભિન્ન જ્ઞાતિ સમાજોમાં હાલમાં સમાજ સુધારણાની જે હલચલ જોવા મળે છે તે શેનો સંકેત છે? આપણો જ્ઞાતિસમાજ પલટાઈ રહ્યો છે? બદલાઈ રહ્યો છે? સ્થિર છે કે પાછાં પગલાં ભરી રહ્યો છે?

e.mail : maheriyachandu@gmail.com

Loading

ભારતના સ્વાતંત્ર્ય-સંગ્રામમાં મુસ્લિમ મહિલાઓની ભૂમિકા

મૂળ લેખક મર્ઝિયા શરીફ [Marziya Sharif]|Opinion - Opinion|2 October 2024

ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં ઘણી મુસ્લિમ મહિલાઓએ સક્રિય ભાગ લીધો હતો, જેમાંથી કેટલીક સ્ત્રીઓ હૈદરાબાદની હતી. આ યાદીમાં આબીદા બાનો બેગમ, બીબી અમ્તુસ સલામ, બેગમ અનીસ કિડવાઈ, બેગમ નિશાતુન્નિસા મોહની, બાજી જમાલુન્નિસા, હાજરાબીબી ઇસ્માઇલ, કુલસુમ સયાની અને સૈયદ ફકરૂલ હાજિયા હસનનો સમાવેશ થાય છે.

ભારતની સ્વતંત્રતાનાં ૭૭ વર્ષ થઈ ગયાં છે અને દેશ તેની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આપણે એવા લોકોને યાદ કરવા જોઈએ, જેમણે દેશના સ્વતંત્રતાસંગ્રામમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરંતુ ઘણી વાર ઇતિહાસના આર્કાઇવ્સમાં અમુક લોકોને પર્યાપ્ત સ્થાન મળતું નથી.

આ ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવનારા પુરુષોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા હોવાથી, મહિલાઓએ પણ આ આંદોલનની કમાન સંભાળી હતી. તેમાં અનેક મુસ્લિમ મહિલાઓએ પોતાની ઓળખ બનાવી છે. આબીદા બાનો બેગમ, બીબી અમ્તુસ સલામ, બેગમ અનીસ કિડવાઈ, બેગમ નિશાતુન્નિસા મોહની, બાજી જમાલુન્નિસા, હાજરા બીબી ઇસ્માઇલ, કુલસુમ સયાની અને સૈયદ ફકરૂલ હાજિયા હસન એ લોકોમાંનાં એક છે જે જેઓ ભુલાઈ ગયાં છે અથવા જાહેર સ્મૃતિમાં નથી.

આબીદા બાનો બેગમ (જન્મ ૧૮૫૨–મૃત્યુ ૧૯૨૪) :

આબીદા બાનો બેગમ એ પ્રથમ મુસ્લિમ મહિલા હતી જેમણે સક્રિયપણે રાજકારણમાં ભાગ લીધો હતો અને ભારતને બ્રિટિશ રાજમાંથી મુક્ત કરવાના આંદોલનનો પણ એક ભાગ હતાં. આબીદા બાનો બેગમનો ગાંધી દ્વારા બી અમ્મા તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેનો જન્મ ૧૮૫૨માં ઉત્તર પ્રદેશના અમરોહામાં થયો હતો. બી અમ્માનાં લગ્ન રામપુર રાજ્યના એક વરિષ્ઠ અધિકારી અબ્દુલ અલીખાન સાથે થયાં હતાં. તેમના પતિના અવસાન પછી બાનોએ પોતાનાં બાળકો(બે પુત્રી અને પાંચ પુત્રો)નો ઉછેર એકલા હાથે કર્યો. તેના પુત્રો મૌલાના મોહમ્મદ અલી જૌહર અને મૌલાના શૌકત અલી ખિલાફત ચળવળ અને ભારતીય સ્વતંત્રતા ચળવળના અગ્રણી વ્યક્તિઓ હતા. તેઓએ બ્રિટિશ રાજ સામે અસહકાર ચળવળ દરમિયાન મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

૧૯૧૭-૧૯૨૧ દરમિયાન, તેમની નબળી આર્થિક સ્થિતિ હોવા છતાં, બી અમ્માએ, સરોજિની નાયડુની ધરપકડ પછી, બ્રિટિશ સંરક્ષણ અધિનિયમનો વિરોધ કરવા દર મહિને ૧૦ રૂપિયાનું દાન કર્યું હતું. ૧૯૧૭માં બાનો એની બેસન્ટ અને તેમના પુત્રોને મુક્ત કરાવવાના આંદોલનમાં જોડાઈ, જેમની ૧૯૧૭માં અંગ્રેજો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેઓ રૂઢિચુસ્ત મુસ્લિમ હોવા છતાં બી અમ્મા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મુસ્લિમ મહિલાઓના સૌથી અગ્રણી હતાં. મહિલાઓનું સમર્થન મેળવવા માટે મહાત્મા ગાંધીએ તેમને ઓલ-ઇન્ડિયન મુસ્લિમ લીગના સત્રમાં બોલવા માટે પ્રોત્સાહિત કર્યાં, તેમણે એક ભાષણ આપ્યું, જેણે બ્રિટિશ લોકો પર ભારતના મુસ્લિમોની કાયમી છાપ છોડી હતી. બાનોએ ખિલાફત ચળવળ અને ભારતીય સ્વતંત્રતા ચળવળ માટે ભંડોળ એકત્ર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

બીબી અમ્તુસ સલામ (મૃત્યુ ૧૯૮૫) :

પતિયાળાથી મહાત્મા ગાંધીની ‘દત્તક પુત્રી’ બીબી અમ્તુસ સલામ એક સામાજિક કાર્યકર અને ગાંધીનાં શિષ્યા હતાં જેમણે વિભાજનને પગલે કોમી હિંસા સામે લડવામાં અને ભાગલા પછી ભારતમાં આવેલા શરણાર્થીઓના પુનર્વસનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેણીએ કલકત્તા, દિલ્હી અને ડેક્કનમાં કોમી રમખાણો દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં જઈને પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. બીબી સલામ ગાંધી આશ્રમના મુસ્લિમ કાર્યકર હતાં અને સમય જતાં તે ગાંધીની દત્તક પુત્રી બની ગયાં હતાં. નોઆખલી રમખાણો પછી, ૯ ફેબ્રુઆરી, ૧૯૪૭ના રોજ ‘ધ ટ્રિબ્યુન’માં પ્રકાશિત થયેલા એક લેખમાં નોંધવામાં આવ્યું હતું કે અમ્તુસ સલામે ૨૫-દિવસના ઉપવાસ કર્યાં હતા. અપહરણ કરાયેલી મહિલાઓ અને બાળકોને બચાવવાના પ્રયાસમાં રાજ્ય સત્તાવાળાઓની ‘બેદરકારી’ના વિરોધમાં તેણી બહાવલપુરના ડેરા નવાબ ખાતે અનિશ્ચિત ઉપવાસ પર બેઠી હતી.

બેગમ હઝરત મહેલ (જન્મ ૧૮૩૦–મૃત્યુ ૧૮૭૯) :

૧૮૫૭ના વિદ્રોહની પ્રતિષ્ઠિત વ્યક્તિ બેગમ હઝરત મહેલ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે લડ્યાં હતાં. અવધના શાસક નવાબ વાજિદ અલી શાહની પત્ની બેગમે અંગ્રેજો પાસેથી કોઈ પણ પ્રકારનો ઉપકાર કે ભથ્થાં સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. બેગમે તેના સેનાપતિ રાજા જેલાલ સિંહની મદદથી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે બહાદુરીપૂર્વક લડાઈ લડી હતી. હઝરત મહેલનો જન્મ ૧૮૩૦માં ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં થયો હતો. ગુલામ હુસૈન તેના પિતા છે. તેણીને સાહિત્યની સમજ હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા હાઈવે માટે જગ્યા બનાવવા માટે મસ્જિદો અને મંદિરોના વિનાશ પછી તેઓએ બળવો કર્યો હતો. જ્યારે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ૧૮૫૬માં અવધમાં આક્રમણ કર્યું હતું અને અવધના છેલ્લા નવાબ તેમના પતિને કલકત્તામાં દેશનિકાલ કરવામાં આવ્યા ત્યારે બેગમે તેમના પુત્ર બિરજીસ કાદિર સાથે લખનૌમાં જ રહેવાનો નિર્ણય લીધો. ૩૧ મે, ૧૮૫૭ના રોજ, તેઓએ સ્વતંત્રતાની ઘોષણા કરવા અને અંગ્રેજોને શહેરમાંથી ભગાડવા માટે આહ્વાન કર્યું હતું. ૭ જુલાઈ, ૧૮૫૭ના રોજ, બેગમ હઝરત મહેલે તેમના પુત્ર, બિરજીસ કાદિરને અવધના નવાબ જાહેર કર્યા. તેણીએ ૧,૮૦,૦૦૦ સૈનિકો ઊભા કર્યા અને નવાબની માતા તરીકે લખનૌના કિલ્લાનું ભવ્ય રીતે નવીનીકરણ કર્યું. ૭ એપ્રિલ ૧૮૭૯ના રોજ તેણીનું ત્યાં અવસાન થયું હતું.

બેગમ અનીસ કિડવાઈ (જન્મ ૧૯૦૬–મૃત્યુ ૧૯૮૨) :

અનિસ કિડવાઈ ઉત્તર પ્રદેશ(યુ.પી.)ના રાજકારણી અને કાર્યકર્તા હતાં અને તેઓએ પોતાનું મોટાભાગનું જીવન સ્વતંત્ર ભારતની સેવા કરવા, શાંતિ માટે કામ કરવા અને ભારતના ભયાનક ભાગલાના પીડિતોના પુનર્વસન માટે સમર્પિત કર્યું. તેણીએ ૧૯૫૬થી ૧૯૬૨ સુધી રાજ્યસભામાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ(INC)નું પ્રતિનિધિત્વ કર્યું, સંસદના સભ્ય તરીકે બે વખત સેવા આપી હતી.

અનિસ બેગમ કિડવાઈ ભારતીય રાષ્ટ્રીય ચળવળ દરમિયાન સક્રિય રહી હતી. તેમના પતિ શફી અહેમદ કિડવાઈની મુસ્લિમો અને હિંદુઓ વચ્ચે સહાનુભૂતિ વધારવા અને દેશના વિભાજનને રોકવાના પ્રયાસો બદલ સાંપ્રદાયિક દળો દ્વારા હત્યા કરવામાં આવી હતી. તેણી તેના પતિના અવસાનથી ખૂબ જ વ્યથિત હતી. આ કમનસીબ દુર્ઘટનાના પરિણામે તેમના પતિના અવસાન બાદ તેણીએ દિલ્હીમાં મહાત્મા ગાંધીની મુલાકાત લીધી હતી. દેશના ભાગલાના પરિણામે જે મહિલાઓ તેમના જેવી જ પીડા ભોગવી રહી હતી તેમને ટેકો આપવા અને મદદ કરવા માટે, તેમણે મહાત્મા ગાંધીના નિર્દેશનમાં સુભદ્રા જોશી, મૃદુલા સારાભાઈ અને અન્ય મહિલા નેતાઓ સાથે કામ કરવાનું શરૂ કર્યું. તેણીએ પીડિતો માટે બચાવ શિબિરો પણ શરૂ કરી અને તેમને દરેક રીતે ટેકો આપ્યો. તેઓ તેને પ્રેમથી ‘અનીસ આપા’ કહેતાં. તેમણે તેમના પુસ્તક ‘આઝાદી કી ચાહ મેં’માં રાષ્ટ્રના વિભાજન દરમિયાનના તેમના અનુભવો લખ્યા છે.

બેગમ નિશાતુન્નિસા મોહાની (જન્મ ૧૮૮૪–મૃત્યુ ૧૯૩૭) :

બેગમ નિશાતુન્નિસા મોહાનીનો જન્મ ૧૮૮૪માં અવધ, ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેઓએ મૌલાના હસરત મોહાની સાથે લગ્ન કર્યાં હતાં જેઓ બહાદુર સ્વતંત્રતા યોદ્ધા હતા અને જેમણે “ઇન્કિલાબ ઝિંદાબાદ” સૂત્ર આપ્યું હતું. બ્રિટિશ સત્તાના ઉગ્ર વિરોધી બેગમે મુક્તિ સંગ્રામના તત્કાલીન કટ્ટરપંથી બાળ ગંગાધર તિલકને ટેકો આપ્યો હતો.

બ્રિટિશ વિરોધી લેખ પ્રકાશિત કરવા બદલ તેમના જેલવાસ પછી તેણીએ તેમના પતિ, હસરત મોહાનીને પત્ર લખ્યો, તેમને પ્રોત્સાહિત કર્યા અને એમ કહીને તેમનો ઉત્સાહ વધાર્યો કે, “તમારા પર લાદવામાં આવેલાં જોખમોનો હિંમતપૂર્વક સામનો કરો, તમારા તરફથી કોઈ નબળાઈ ન હોવી જોઈએ.” જ્યારે તેમના પતિ જેલમાં હતા, ત્યારે તેમણે તેમના દૈનિક, ‘ઉર્દૂ-એ-મુલ્લા’નું પ્રકાશન સંભાળ્યું અને સરકાર સાથે વિવિધ કાનૂની વિવાદો સામે લડત આપી હતી.

બાજી જમાલુન્નિસા હૈદરાબાદ (જન્મ ૧૯૧૫–મૃત્યુ ૨૦૧૬) :

તેલંગાણા સશસ્ત્ર સંઘર્ષમાં સક્રિયપણે ભાગ લેનાર બાજી જમાલુન્નિસાનું ૨૨ જુલાઈ ૨૦૧૬ના રોજ ૧૦૧ વર્ષની વયે આ શહેરમાં નિધન થયું હતું. જમાલુન્નિસા બાજીનો જન્મ ૧૯૧૫માં હૈદરાબાદમાં થયો હતો અને તેઓ વંશીય શાંતિ અને સ્વતંત્રતા માટેના અગ્રણી હિમાયતી હતાં. તેણી તેના માતાપિતાના ઉદાર / પ્રગતિશીલ વાતાવરણમાં ઊછર્યાં પછી એક નાના બાળક તરીકે પ્રતિબંધિત જર્નલ ‘નિગાર’ અને પ્રગતિશીલ સાહિત્ય વાંચવાનું શરૂ કર્યું. બ્રિટિશ રાજના એક ઘટક નિઝામ શાસનની પરંપરાગત ધાર્મિક પરંપરાઓમાં ઊછરેલી હોવા છતાં, તેણીએ રાષ્ટ્રવાદી ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. તેણીએ નિઝામના દમનકારી શાસન અને તેના સાસરિયાઓના વાંધાઓ પર અંગ્રેજોના શાસન છતાં સ્વતંત્રતા – ચળવળમાં ભાગ લેવાનું ચાલુ રાખ્યું હતું. પાછળથી, તેણી મૌલાના હઝરત મોહાનીને મળ્યાં જેમણે તેણીને રાષ્ટ્રમાં સામ્રાજ્યવાદ વિરોધી ચળવળમાં જોડાવા માટે પ્રેરણા આપી હતી. તેણીએ, સામ્યવાદી હોવા છતાં શાહી સરકાર દ્વારા ધરપકડ થવાથી બચવાનો પ્રયાસ કરતાં સ્વાતંત્ર્યસેનાનીઓને રક્ષણ પૂરું પાડ્યું હતું. મૂળભૂત ઉચ્ચ શિક્ષણનો અભાવ હોવા છતાં, તેણી ઉર્દૂ અને અંગ્રેજીમાં અસ્ખલિત હતી અને તેણે સાહિત્યિક સમાજ બઝમે એહબાબની સ્થાપના કરી, જે સમાજવાદ, સામ્યવાદ અને ગેરવાજબી રિવાજો પર જૂથોમાં ચર્ચાઓ યોજતી હતી.

તેણીને હઝરત સૈયદ અહેમદ દરગાહમાં દફનાવવામાં આવી છે. તે સૈયદ અખ્તર હસનની બહેન હતી, જેઓ ભૂતપૂર્વ ધારાસભ્ય અને ‘બાજી’ તરીકે વધુ જાણીતાં હતાં. તે મખદૂમ મોહિઉદ્દીનની કમ્યુનિસ્ટ પાર્ટીની મિત્ર અને સભ્ય હતી. બાજી પ્રોગ્રેસિવ રાઈટર્સ એસોસિયેશન અને વિમેન્સ કૉઑપરેટિવ સોસાટીના સ્થાપક સભ્ય પણ હતાં.

હાજરા બીબી ઇસ્માઇલ, આંધ્ર પ્રદેશ (મૃત્યુ ૧૯૯૪) :

મોહમ્મદ ઇસ્માઇલ સાહેબની પત્ની, હાજરા બીબી ઇસ્માઇલ, આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાના તેનાલીના સ્વાતંત્ર્યયોદ્ધા હતાં. ખાદી અભિયાન ચળવળ માટે પોતાને પ્રતિબદ્ધ કરનાર આ દંપતી પર મહાત્મા ગાંધીની નોંધપાત્ર અસર હતી. ગુંટુર જિલ્લામાં, તેમના પતિ મોહમ્મદ ઇસ્માઇલે પ્રથમ ખદ્દર સ્ટોર ખોલ્યો, જેનાથી તેમને ‘ખદ્દર ઇસ્માઇલ’ તરીકે ઓળખવામાં આવે છે. હાજરા અને તેમના પતિએ ગાંધીને ટેકો આપ્યો હોવાથી, તેઓને મુસ્લિમ લીગ તરફથી ઉગ્ર દુશ્મનાવટનો સામનો કરવો પડ્યો હતો. રાષ્ટ્રીય ચળવળમાં તેમની સંડોવણી બદલ તેમના પતિની વારંવાર ધરપકડ કરવામાં આવી હોવા છતાં, હાજરા બીબીએ ક્યારે ય ઉત્સાહ ગુમાવ્યો ન હતો.

કુલસુમ સયાની (જન્મ ૧૯૦૦–મૃત્યુ ૧૯૮૭) :

૨૧ ઑક્ટોબર, ૧૯૦૦ના રોજ ગુજરાતમાં કુલસુમ સયાનીનો જન્મ થયો હતો. તેણીએ ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લીધો અને સામાજિક અન્યાય સામે લડત આપી હતી. કુલસુમ અને તેના પિતા ૧૯૧૭માં મહાત્મા ગાંધીને મળ્યાં હતાં. ત્યારથી, તેણીએ ગાંધી સાથે સમગ્ર ભારતીય રાષ્ટ્રીય ચળવળ દરમિયાન, સામાજિક ફેરફારોની હિમાયત કરી હતી. ડૉ. જાન મોહમ્મદ સયાની, જે એક જાણીતા સેનાની હતા તેમની સાથે તેણીએ લગ્ન કર્યાં હતાં. તેના પતિના સમર્થન સાથે ભારતીય સ્વતંત્રતા સંગ્રામની સંખ્યાબંધ ઘટનાઓમાં સક્રિયપણે ભાગ લીધો હતો. તેણીએ અભણ લોકો માટે કામ શરૂ કર્યું અને ચરખા ક્લાસમાં જોડાઈ હતી. તેણીએ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ‘જન જાગરણ’ ઝુંબેશ પર પણ નોંધપાત્ર અસર કરી હતી, જેણે સામાજિક રિવાજો અંગે જનજાગૃતિ વધારી હતી.

સૈયદ ફકરૂલ હાજિયા હસન (મૃત્યુ ૧૯૭૦) :

સૈયદ ફકરૂલ હાજિયા હસન, જેમણે માત્ર ભારતીય સ્વતંત્રતાની લડાઈમાં જ ભાગ લીધો ન હતો, પરંતુ તેમનાં બાળકોને પણ તેમાં ભાગ લેવા વિનંતી કરી હતી. તેણીનો જન્મ એક એવા પરિવારમાં થયો હતો જે ઇરાકથી ભારતમાં સ્થળાંતરિત થયો હતો. તેણીએ તેનાં બાળકોને સ્વાતંત્ર્ય-સેનાની તરીકે ઉછેર્યાં જેઓ પાછળથી “હૈદરાબાદ હસન બ્રધર્સ” તરીકે પ્રખ્યાત થયા.

હાજિયાએ અમીર હસન સાથે લગ્ન કર્યાં, જેઓ ઉત્તર પ્રદેશથી હૈદરાબાદમાં સ્થળાંતરિત થયા હતા. પરિણામે તેણીએ હૈદરાબાદી સંસ્કૃતિ અપનાવી. તેમના જીવનસાથી અમીર હસન હૈદરાબાદ સરકારમાં વરિષ્ઠ હોદ્દા પર હતા. નોકરીના ભાગરૂપે તેઓ અનેક સ્થળોએ મુસાફરી કરતા હતા. તેણીએ તેની મુલાકાતો દરમિયાન ભારતમાં મહિલાઓની વેદનાને જોઈ હતી અને તેણીએ સ્ત્રી બાળકોના વિકાસ માટે ઘણા પ્રયત્નો કર્યાં હતાં. તે હૈદરાબાદમાં રહેતી હતી, જેનું શાસન અંગ્રેજો દ્વારા ચાલતું હતું, તેમ છતાં તેણી રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળમાં સક્રિયપણે જોડાઈ હતી.

તેણે મહાત્મા ગાંધીની માંગના જવાબમાં હૈદરાબાદના ટ્રુંપ બઝાર સ્થિત આબિદ મંઝિલમાં વિદેશી કપડાં સળગાવી દીધાં. તેણીએ અસહકાર અને ખિલાફત ચળવળોમાં ભાગ લીધો હતો. તે ભારતીય રાષ્ટ્રીય સૈન્યના દરેક સૈનિકને તેનાં બાળકો માનતી હતી. સરોજિની નાયડુ અને ફકરૂલ હાજિયાએ આઝાદ હિંદ ફૌજના હીરોને મુક્ત કરાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતાં.

[પ્રગટ : “ગુજરાત ટુડે”; 12 ઑગસ્ટ 2024]
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 સપ્ટેમ્બર 2024; પૃ. 10-11 તેમ જ 18
https://www.siasat.com/75-years-of-independence-muslim-women-in-indias-freedom-struggle-2390946/

Loading

...102030...623624625626...630640650...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved