“બેટા, બંટી, આપણા ઘરમાં આ ધમાલ શેની છે?”
“કંઈ નથી દાદીમા, આ તો ફક્ત ઘરને શણગારવામાં અને ઈલેક્ટ્રીક રોશનીથી, ફૂલોથી શણગાવામાં આવે છે.”
“એ તો મને પણ ખબર છે. તું કહે તો ખરો શું વાત છે?” બંટી કંઈ પણ કહ્યા વગર અંદર દોડી ગયો. જમનાબા વિચારમાં પડી ગયા. મનમાં ને મનમાં બોલ્યા, હશે જે હશે એ વાજતું ગાજતું માંડવે આવશે એટલે ખબર પડી જશે.
વાત, એમ હતી કે જમનાબાને સો વર્ષ પૂરાં થતાં હતાં અને ઘરના બધાએ નક્કી કર્યું કે જમનાબા તો આપણા ઘરનાં વટવૃક્ષ છે. સો વર્ષ પૂરાં થતાં હોય એવા પ્રસંગો બહુ ઓછા બને, એટલે ધામધૂમથી જન્મદિવસની ઉજવણી કરવી છે. પણ. જમનાબાને જન્મદિવસની ઉજવણીની સરપ્રાઈઝ આપવી છે એટલે જમનાબાને જાણ ન થાય એ ધ્યાન રાખવાનું નક્કી કર્યું હતું એટલે બંટી કંઈ કહ્યા વગર જતો રહ્યો હતો.
“ચાલો, બા, તૈયાર થઈ જાવ.”
“આપણે ક્યાં ય બહાર જવાનું છે?”
“ના, બા આપણે ક્યાં ય બહાર જવાનું નથી પણ આપણે ત્યાં ઘણા મહેમાન આવવાના છે.” જમનાબા હસ્યાં.
“કેમ બા હસ્યાં?”
“અમસ્થુ જ, બેટા. ચાલ મને તારી પસંદગીનો સાડલો આપ એટલે હું તૈયાર થઈ જાવ.”
નીચે દીવાનખંડમાં ઘરના બધા સદસ્ય અને મહેમાનો ગોઠવાઈ ગયા હતા. મોટી જમનાબાનું નામ અને “એકસોમો જન્મદિવસ મુબારક” લખેલી કેક દીવાનખંડમાં લાવવામાં આવી. બંટી, જમનાબા પાસે આવ્યો, “ચાલો બા.”
જમનાબા બધાં સામે મંદ મંદ હસતા ઊભા થયા. “બોલ, બેટા, ક્યાં જવાનું છે?”
“બા, કેક કાપવા માટે જવાનું છે. આજે તમારો એકસો મો જન્મદિવસ છે અને તેની ઉજવણી માટે તો આપણે બધાં ભેગા થયાં છીએ.”
“એમ મને તો ખબર જ નથી કે આજે મારો એકસોમો જન્મદિવસ છે.”
જમનાબાએ બંટીને સાથે રાખી કેક કાપી. બધાએ જમનાબાના જન્મદિવસ મુબારકના નારાથી દીવાનખંડને ગુંજાવી દીધો. બાએ બધાને કેક ખવરાવી મુખ મીઠું કરાવ્યું. બધાં જમનાબાને સરપ્રાઈઝ આપ્યાની ખુશીમાં ખુશખુશાલ હતા.
બાએ હાંક મારી, “અરજણ.”
“જી બા, આ બધાને તેની મનગમતી ગિફ્ટ મારા વતી આપી દે.” બધાં જ એક બીજા સામે જોવા લાગ્યા કે આપણે આટલી ગુપ્તતા રાખી તો પણ બાને ખબર કેવી રીતે પડી ગઈ પણ કોઈ પાસે તેનો જવાબ નહોતો.
“તમને બધાંને મારી ગિફ્ટ ગમી?”
“બા, અમને બધાંને અમારી પસંદગીની ગિફ્ટ મળી છે પણ અમે તમારો જન્મદિવસ શાનદાર રીતે ઉજવવાના છીએ એ ખબર તમને કેવી રીતે પડી? અમે નક્કી કર્યું હતું કે આપણે બાને ખબર પડવા નથી દેવી. આપણે બાને જન્મદિવસની શાનદાર ઉજવણીની સરપ્રાઈઝ આપવી છે તેને બદલે બા તમે અમને સરપ્રાઈઝ ગિફ્ટ આપીને ચોંકાવી દીધા છે.”
“તમે ભૂલી ગયા કે હું તમારી બા છું. તમને એમ કે મને કંઈ ગતિવિધિની ખબર નથી, પણ તે દિવસે બંટી મને જવાબ આપ્યા વગર જતો રહ્યો એટલે મને થયું સાલું દાળમાં કંઈક કાળું છે. બાકી બંટી મને જવાબ આપ્યા વગર જાય નહીં.” એક દિવસ બંટીને પૂછ્યું, `બેટા તારા જન્મદિવસને તો હજી વાર છે તો આ શેની તૈયારીઓ ચાલે છે?` બંટીએ ભોળા ભાવે કહ્યું, `દાદીમા મને ખબર નથી પણ ઘરમાં બધા જન્મદિવસ આવે છે ને તૈયારી કરવી છે એવી વાત થતી હતી.`
“એટલે મેં વિચાર્યું કે હમણાં તો કોઈનો જન્મદિવસ આવતો નથી. અચાનક મને મારાં સો વર્ષ પૂરાં થાય છે એ વાત તમારી સાથે થઈ હતી એ યાદ આવ્યું ને વાતનો તાળો મળી ગયો. તમારે જેમ મને જન્મદિવસની ઉજવણીની સરપ્રાઈઝ આપવી હતી એમ મેં પણ તમને ગિફ્ટ આપીને સર પ્રાઈઝ આપવાનું નક્કી કર્યું અને અરજણને તમને લોકોને ખબર ન પડે તેમ ગિફ્ટ ખરીદવાનું કામ સોંપી દીધું. તમારી બા છું ને એટલે તમારી પસંદગીની પૂરેપૂરી ખબર છે.”
“બા, તમે ગ્રેટ છો.”
“ના, બેટા, ગ્રેટ તો તમે લોકો છો કે મારો એકસોમો જન્મદિવસ શાનદાર રીતે ઉજવાવનું નક્કી કરીને તે પ્રમાણેની વ્યવસ્થા પણ ગોઠવી. બાકી આજે કોણ માબાપના જન્મદિવસ યાદ રાખે છે. તો, પછી તેને ઉજવવાની વાત તો દૂરની વાત થઈ.
તમને બધાંને બાનો એકસોમો જન્મદિવસ મુબારક. બહાર આતશબાજી શરૂ થઈ ગઈ અને આકાશમાં લખાઈ ગયું, “હેપી બર્થડે બા”. ચારેકોર આકાશ રોશનીથી ઝળહળી ઉઠ્યું ….
(ભાવનગર)
e.mail : nkt7848@gmail.com