
રવીન્દ્ર પારેખ
શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શિક્ષકોને શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં જોતરવાનો વિરોધ કરતો પરિપત્ર કરીને પ્રશસ્ય કામગીરી કરી છે. બન્યું એવું કે રાજકોટના ઘેલા સોમનાથ મંદિરે શ્રાવણ માસ દરમિયાન, મહાનુભાવોનાં ભોજનની વ્યવસ્થા, જસદણના પ્રાંત અધિકારીએ શાળાના આચાર્યો અને શિક્ષકોને સોંપવાનો પરિપત્ર કર્યો. આમ પણ શિક્ષકોનો-દાઢીની દાઢી ને સાવરણીની સાવરણીની જેમ – તીડ ઉડાડવાં, રસી મૂકવા, શૌચાલય ગણવા જેવાં કામોમાં ઉપયોગ થતો આવ્યો છે ને શિક્ષકો પણ ઘેટાંની જેમ એકની પાછળ એક જઈને શાંતિથી ફરજ બજાવતા રહે છે. તેમને તો પગાર સાથે મતલબ છે. એ ભણાવવાથી મળે કે તીડ ઉડાડવાથી, તેમને ફરક પડતો નથી, પણ પહેલીવાર રાજ્ય મંત્રી પાનસેરિયાએ આ પ્રકારના પરિપત્રને રદ કરતો પરિપત્ર કરીને દાખલો બેસાડ્યો તે ધ્યાનાર્હ છે. મંત્રીએ રોકડું પરખાવ્યું છે કે શિક્ષકોને શિક્ષણ કાર્ય ઉપરાંત ભોજન સંચાલનની જવાબદારી સોંપવી અયોગ્ય છે.
માનનીય મંત્રીશ્રી, થોડી તકલીફ લઈને તપાસ કરશો તો સમજાશે કે આચાર્યો, શિક્ષકોને, શિક્ષણ સિવાયની, સ્કૂલમાં અને સ્કૂલની બહાર પણ, ઘણી જવાબદારીઓ સોંપવામાં આવે છે. સ્કૂલમાં પણ પરિપત્રોના જવાબ આપવાની કે ડેટા પૂરા પાડવાની કારકૂનીમાં હાલત એ થાય છે કે વર્ગ શિક્ષણમાં ભલીવાર રહેતો નથી. વળી એ તો કહેવાય એમ નથી કે આવાં કામ માટે કારકૂનો રાખો, કારણ શિક્ષકોની ભરતીમાં જ ભવાઈ ચાલતી હોય ત્યાં કારકૂનોની તો આશા જ શું કરવાની?
શિક્ષણ વિભાગની વિશેષતા એ છે કે તે ઠરતો નથી ને ઠરવા દેતો નથી. તઘલખ ન હતો એટલો તઘલખી એ છે. રોજ જ એને તુક્કાઓના એટેક આવે છે. રાજ્યની સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે એટલે શિક્ષકોની નિયમિત ભરતી પછી ને તે પછી જ્ઞાન સહાયકોની નિમણૂક પછી પણ જગ્યા ખાલી રહે છે, તો 62ની ઉંમરના નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનું શિક્ષણ વિભાગે ઠરાવ્યું છે. જ્ઞાન સહાયકોની ભરતી કે નિયમિત ભરતી પછી જાણે ઉમેદવારો ખૂટી પડ્યા હોય તેમ નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાની વાત ગધેડાને તાવ આવે એવી છે. સરકારને પૂછી શકાય કે ચાળીસેક હજાર કાયમી શિક્ષકોની ભરતી પછી કે જ્ઞાન સહાયકો પણ નીમી દીધા પછી જગ્યા ખાલી રહે છે? એક તરફ શિક્ષકોની ભરતી મુદ્દે આંદોલનો ચાલતાં હોય ને તેનો ઉકેલ આવતો ન હોય, તો નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો અર્થ ખરો? નિવૃત્તો એટલા જ ઉપયોગી છે તો તેમને નિવૃત્ત કરવાની જરૂર શી હતી? 2011 પછી કાયમી ભરતી થઇ જ ન હોય ને પ્રવાસી શિક્ષકો, જ્ઞાન સહાયકોની ભરતી દ્વારા આંગળા ચાટીને પેટ ભરાતું હોય, ત્યાં નિવૃત્તોની ભરતીની વાત હાસ્યાસ્પદ છે. કામચલાઉથી કામ લેવા ટેવાયેલી સરકાર પોતે કામચલાઉ મંત્રીથી નથી ચલાવતી, તો શિક્ષકોની ભરતી કામચલાઉ કેમ તે નથી સમજાતું. એ જ સિલસિલો સાંસદ કે ધારાસભ્યની ખાલી પડેલી જગ્યા પર નિવૃત્ત સાંસદ કે નિવૃત્ત ધારાસભ્ય મૂકીને ચાલુ રખાય તો પેટા ચૂંટણીનો પ્રશ્ન જ ન રહે, એવું નહીં?
રાજસ્થાનના ઝાલાવાડમાં એક જર્જરિત શાળાની છત તૂટી પડતાં 8થી 13ની ઉંમરનાં 7 બાળકોનાં મોત થયાં ને 28 ઘાયલ થયાં. આપણે એવો બચાવ લઇ શકીએ કે આ તો રાજસ્થાનની સ્કૂલ છે, તેની સાથે ગુજરાતને શી લેવાદેવા? એ સાચું, પણ ગુજરાતમાં જર્જરિત સ્કૂલો નથી એવું નથી. જૂનમાં જ ડોળાસા નજીકના લેરકા ગામે પ્રવેશોત્સવ વખતે છતના પોપડા ખરી પડતાં બે બાળકીઓને ઈજા થઈ હતી. સ્કૂલ તો 10 જ વર્ષ જૂની હતી ને છત પણ તાજી જ રીપેર થઇ હતી, તો ય પોપડા ખર્યા, એ પરથી સમજાશે કે હવે બાંધકામ અને રીપેરિંગ કામચલાઉ રહે એની કાળજી રખાતી હોય છે, જેથી કામ નીકળતું રહે ને કમાણી ચાલુ રહે. ગુજરાતમાં જ એવું છે, એવું નથી. આખા દેશમાં દર પાંચ સરકારી સ્કૂલોમાંથી એક સ્કૂલ જર્જરિત છે. કેટલી ય સ્કૂલો ગુજરાતમાં પતરાંના શેડમાં કે ઝાડ નીચે ચાલે છે. એવું નથી કે શિક્ષકો મળતા નથી, પણ ભરતીની દાનત જ નથી. એવું ન હોય તો 1,600 સ્કૂલો એવી કેવી રીતે હોય કે 1 જ શિક્ષકથી ચાલે? આ સ્થિતિ સરકારી સ્કૂલોની જ છે. એવું નથી કે સરકાર ગરીબ છે. આ કરકસર પણ નથી, કંજૂસાઈ છે. આ આખી વ્યવસ્થા ઘોર નિષ્ફળતાની સૂચક છે.
એક તરફ વિકાસને નામે બધું ભવ્ય અને વિશાળ દેખાડાય છે ને બીજી બાજુએ શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતમાં બદથી બદતર હાલત છે. આમાં રિપોર્ટ બિપોર્ટ, તપાસ બપાસ બધું થાય છે, કોઈ દુર્ઘટના થાય તો કોઈને બલિનો બકરો પણ બનાવાય છે, પણ દરિદ્રતામાં ફરક પડતો નથી. કાગળ પર બધું થાય છે, પણ કાગળથી આગળ વાત ભાગ્યે જ જાય છે. બજેટ નથી એવું નથી, પણ હકીકત એ છે કે બજેટની રકમ પરિણામ પર પહોંચતી નથી ને જે પરિણામ આવે છે, તેમાં બજેટ ઓછું ને ‘ફજેત’ વધારે છે.
અમદાવાદના નવરંગપુરામાં સોમ લલિત નામની સ્કૂલની ધોરણ નવમાં ભણતી 18 વર્ષની એક વિદ્યાર્થિની ચોથા માળેથી પડતું મેલે છે ને સારવાર દરમિયાન મૃત્યુ પામે છે. આ રીતે મરવાનું કારણ સ્પષ્ટ થતું નથી, પણ વિદ્યાર્થીઓની આત્મહત્યાનું પ્રમાણ એટલું વધ્યું છે કે સુપ્રીમ કોર્ટે તેને દેશની શિક્ષણ પ્રણાલીની ‘સંસ્થાકીય નિષ્ફળતા’ ગણાવી છે. સુપ્રીમને પણ એવું લાગ્યું છે કે ઘણી આત્મહત્યાઓ નિવારી શકાઈ હોત ! જાણ્યે-અજાણ્યે વિદ્યાર્થીઓ પર સામાજિક, શૈક્ષણિક, આર્થિક દબાણો ઊભાં થતાં હોય તો જ તે જીવન ટુંકાવવાનું વિચારે. સુપ્રીમની બેન્ચે આત્મહત્યાને મામલે શૈક્ષણિક સંસ્થાઓ માટે 15 માર્ગદર્શિકા જાહેર કરી છે. આને લગતો કાયદો ન થાય ત્યાં સુધી એ લાગુ રહેશે એમ પણ સુપ્રીમે કહ્યું છે.
એ અત્યંત દુ:ખદ છે કે આપણે નીતિનિયમો, કાયદાકાનૂનો, શૈક્ષણિક પરિવર્તનોની ઘણી વાતો કરીએ છીએ ને એટલા ઝડપી ફેરફારો પણ કરતા રહીએ છીએ કે કોઈ એક વાત દૃઢ થાય તે પહેલાં નવા ફેરફારો આવી પડે છે. આ માનસિકતા પણ અસ્થિરતાની સૂચક છે. એ કેવી રીતે શક્ય છે કે શૈક્ષણિક સ્ટાફ અને વહીવટી સ્ટાફની અછતમાં નવી શિક્ષણ નીતિ પ્રભાવક રીતે અમલમાં આવે? શિક્ષણ પદ્ધતિમાં 360 ડિગ્રીનું પરિવર્તન લાવવાની કોશિશો સારી વાત છે, પણ તે વાતો થઈને જ રહી જવાની હોય તો તેનો અર્થ ખરો? શિક્ષણમાં દરેક સ્તરે કૈં ને કૈં ખૂટે છે, એ સ્થિતિમાં કોઈ પણ શિક્ષણ નીતિ કેટલી ને ક્યાં સુધી અસરકારક રહે? અભાવ જ સ્વભાવ હોય ત્યાં અસરકારક શિક્ષણ કાગળ પર પણ ન રહે તે સમજી લેવાનું રહે.
2009માં RTE કાયદો એટલે લાગુ કરવામાં આવ્યો કે આર્થિક કારણોસર વિદ્યાર્થી યોગ્ય શિક્ષણથી વંચિત ન રહે. આ કાયદા હેઠળ તમામ ખાનગી શાળાઓ મફત શિક્ષણ આપવા બંધાયેલી છે, છતાં કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓ સાથે ન્યાયી રીતે વર્તતી નથી તે હકીકત છે. દેવગઢબારિયાની રત્નદીપ સ્કૂલે RTEના 80થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી છે. ખુદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ એ વાત કબૂલી છે કે રત્નદીપ સ્કૂલે RTE કાયદાનો ભંગ કર્યો છે. આ સ્કૂલ ભા.જ.પ.ના નેતાની છે ને તેઓ દેવગઢબારિયા નગરપાલિકાના પ્રમુખ પણ છે. RTE હેઠળ પ્રવેશ લેનાર ધોરણ 1ના ઇંગ્લિશ મીડિયમના એક વિદ્યાર્થી પાસેથી ફી માંગવામાં આવી ને ફી ન ભરાતાં સ્કૂલે વિદ્યાર્થીને સ્કૂલમાં ન બેસવા દીધો, એટલે વાલીએ વડા પ્રધાનને પત્ર દ્વારા રજૂઆત કરી ને જિલ્લા કલેકટરને ફરિયાદ કરી. પત્રમાં વાલીએ જણાવ્યું કે સ્કૂલે પહેલાં ધોરણથી જ ફીની માંગણી કરી હતી. 18,000 ફી જુદે જુદે તબક્કે વસૂલ્યા પછી પણ સ્કૂલની 86,0૦૦ની ઉઘરાણી ચાલુ જ હતી. સ્કૂલના ટ્રસ્ટીનું કહેવું છે કે ઈતર પ્રવૃત્તિના પૈસા લેવાય છે. આ વાત પણ સાચી નથી, કારણ કે રસીદમાં એ ફી શિક્ષણ ફી તરીકે દર્શાવાઈ છે. ટ્રસ્ટીની વાત સાચી હોય તો સવાલ એ થાય કે ઈતર પ્રવૃત્તિના જ લાખેક વસૂલાતા હોય તો શિક્ષણ ફી કેટલી હશે? એ પણ વિડમ્બના છે કે જેને સરકાર મફત ભણાવવા માંગે છે, તેને સ્કૂલ કોઈને કોઈ બહાને લૂંટે છે. આવું તો બીજે પણ ચાલતું જ હશે, પણ બહાર નહીં આવતું હોય. એના પર સરકારે કોઈક રીતે નિયંત્રણ ઊભું કરવું જોઈએ.
– તો, આ હાલત છે, ગુજરાતનાં શિક્ષણની ! જો કે, શિક્ષણ વિભાગનું તો રૂંવાડું ય ફરકતું નથી, તે એટલે કે રૂંવાડું ફરકવા ચામડી જોઈએ ને અભાવ જ સ્વભાવ હોય ત્યાં ચામડીનો પણ અભાવ હોય તે સમજી શકાય એવું છે …..
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 જુલાઈ 2025