
રાજ ગોસ્વામી
અંગ્રેજીમાં એક પ્રચલિત કહેવત છે : Age is just a number. તેનો અર્થ એવો થાય છે કે વ્યક્તિની ક્ષમતાઓને તેની ઉંમર સાથે સંબંધ નથી. તેનું શરીર ગમે તેટલું ઉંમરવાળું હોય, તેનું દિલ અને દિમાગ એટલું જ યુવાન, એટલું જ સક્રિય અને એટલું જ સર્જનાત્મક હોય છે જેટલી તેની દૃઢતા અને ધૈર્ય હોય છે. ઉંમર ફકત એક નંબર છે અને તે વ્યક્તિના અનુભવો, ક્ષમતાઓ અને સપનાને સીમિત નથી કરતી. પ્રસિદ્ધ ઇંગ્લિશ વ્યંગકાર માર્ક ટ્વેઇનના નામે એક વિધાન છે; Age is just an issue of mind over matter. If you don’t mind, it doesn’t matter. વ્યક્તિ કોઇપણ ઉંમરે કશું પણ હાંસલ કરી શકે છે.
આ કહેવત એવા લોકો ચરિતાર્થ કરતા હોય છે જેઓ કોઇપણ ઉંમરે કંઈક નવું શરૂ કરવા અથવા હાંસલ કરવા માટે પ્રેરિત હોય છે. એવું જ એક નામ ફૌઝા સિંહ છે. અથવા હતું. 14મી જુલાઈએ તેમનું અવસાન થઇ ગયું. તે વખતે તેમની ઉંમર 114 વર્ષની હતી. હજુ 22 વર્ષ પહેલાં જ, 92 વર્ષની ઉંમરે, ફૌઝા સિંહે ટોરંટોની મેરાથોનમાં દોડીને વિશ્વ વિક્રમ બનાવ્યો હતો.
ઉંમરના આ પડાવ પર આવીને મેરાથોન રનર તરીકે નામ કમાનારા ફૌઝા સિંહને મીડિયાએ પાઘડીવાળું તોફાન, દૌડવીર બાબા અને સુપરમેન શીખ જેવા ખિતાબોથી નવાજ્યા હતા. રમતગમત સંબંધી અનેક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સના તે પ્રચારક હતા. 2004માં, સ્પોર્ટ્સ પ્રોડક્ટ્સના નિર્માતા એડિડાના પ્રચારમાં તેઓ વિશ્વ વિખ્યાત ખેલડી ડેવિડ બેકમ અને મહોમ્મદ અલીની લગોલગ ઊભા હતા.
ફૌઝા સિંહની વાર્તા શાનદાર અને જાનદાર છે. વિચાર કરો કે જે છોકરો પાતળા અને નબળા પગને લઈને જન્મનાં પહેલાં પાંચ વર્ષ સુધી ચાલી ન શક્યો હોય, અને એટલે લોકો તેને મજાકમાં ‘દંડો’ કહેતાં હતા, તે 89 વર્ષની વયે એવું નક્કી કરે છે કે હવે હું મેરેથોનમાં પણ દોડીશ, અને લોકો તેને ટર્બન ટોર્નેડો કહેવા લાગે છે.
ગમતું કામ તમે કોઈપણ સમયે અને કોઈપણ ઉંમરે શરૂ કરી શકો છો. તેના માટે દિલમાં કંઇક કરવાની ઇચ્છા અને મહેનત કરવાની તૈયારી હોવી જોઈએ. દોડવીર ફૌજા સિંહે આ સાબિત કર્યું છે. ફૌજા સિંહનો જન્મ 1 એપ્રિલ, 1911ના રોજ બ્રિટિશ રાજ હેઠળ પંજાબના જલંધરમાં બિયાસ પિંડ ખાતે થયો હતો. તેઓ ખેડૂત પરિવારના ચાર બાળકોમાં સૌથી નાના હતા.
ફૌજા સિંહનું બાળપણ સરળ નહોતું. તેના પરિવારને લાગતું હતું કે ફૌઝા અપંગ છે કારણ કે તે ચાલી શકતો ન હતો. પાંચ વર્ષ પછી તેના પગ જમીન પર ગોઠવાયા હતા અને મોટા થયા પછી તે ખેતીમાં જોતરાઈને પરિવારનો ટેકો બન્યો હતો. ત્યારે પણ તે પગને ઠીક કરવા માટે દોડતો હતો, પરંતુ ભારતના વિભાજન પછી દોડવાનું છોડી દીધું હતું. પછી તો લગ્નના પગલે ઘર-પરિવારની જવાબદારી આવી પડી હતી.
90ના દાયકામાં ફૌઝાના જીવનમાં ટ્રેજેડીઓ ઘટી, જેમાંથી ઉભરવા માટે તે તેમના દોડવાના જૂના શોખના શરણે ગયા. 1994માં તેમના પાંચમા દીકરા કુલદીપનું એક બાંધકામ વખતે અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું. બે વર્ષ પહેલાં જ, તેમની પત્ની અને મોટી દીકરીનું અવસાન થઇ ગયું હતું. ઘરમાં ઉપરાછાપરી ત્રણ લોકોની વિદાયથી ફૌઝા નાસીપાસ થઇ ગયા હતા અને તેમના અન્ય એક દીકરા સાથે રહેવા માટે ઇંગ્લેન્ડ ચાલ્યા ગયા હતા.
અહીં આવીને તેમણે તેમની એકલતાને ભરવા માટે ‘પગ ખંખેર્યા.’ તેમણે પહેલાં રોજેરોજ વ્યસ્ત રહેવા માટે થઈને દોડવાનું શરૂ કર્યું હતું અને પછી તેમને તેને એક સ્પોર્ટ્સ તરીકે લેવાનું ચાલુ કર્યું. 89 વર્ષની વયે તેઓ ઇંગ્લેન્ડના એસેક્સમાં ટ્રેનિંગ માટે ગયા ત્યારે થ્રી-પીસ સૂટ પહેરીને ગયા હતા! તેમના કોચે તેમને શું પહેરવું અને કેવી રીતે દોડવું તે શીખવાડ્યું હતું.
તે રોજ 24 કિલોમીટરનું અંતર સરળતાથી દોડી લેતા હતા અને તેમણે મેરાથોન દોડવાની સપનું પણ એવા ભ્રમમાં જ જોયું હતું કે તે 26 કિલોમીટરની હોય છે. વાસ્તવમાં મેરાથોન 26 માઈલ(42 કિલોમીટર)ની હોય છે એવી સમજણ પણ કોચે આપી હતી. ફૌઝાએ તે પછી 42 કિલોમીટરને પોતાનું લક્ષ્ય બનાવ્યું હતું. તે પછી, અંગ્રેજીમાં કહે છે તેમ, તેમણે પાછું વાળીને જોયું નહોતું.
93 વર્ષની ઉંમરે તેમણે 6 કલાક અને 54 મિનિટમાં મેરાથોન પૂરી કરી હતી. તેમણે તેમની ઉંમરના લોકોની યુ.કે. સ્પર્ધામાં 200, 400 અને 800 મીટરના તમામ રેકોર્ડ 94 મિનીટમાં તોડ્યા હતા. 100ની ઉંમરે તેમણે એક જ દિવસમાં આઠ વર્લ્ડ એજ ગ્રુપ રેકોર્ડ બનાવ્યા હતા.
તમને આ બધું વાંચીને સવાલ થતો હશે કે એક માણસ આ ઉંમરે આટલી સિદ્ધિ કેવી રીતે હાંસલ કરી શકે? તો તેનો જવાબ ફૌઝા સિંહની જીવનશૈલીમાં છે. તેમણે એકવાર લંડનના ‘ધ ગાર્ડિયન’ સમાચારપત્રને કહ્યું હતું કે, ‘લાંબા અને તંદુરસ્ત જીવનનું રહસ્ય તનાવરહિત જીવવામાં છે. તમારે નકારાત્મક લોકોથી અને વિચારોથી દૂર રહેવું જોઈએ, હસતા રહેવું જોઈએ, કૃતજ્ઞતાનો ભાવ હોવો જોઈએ અને નિયમિત વ્યાયામ કરતા રહેવું જોઈએ.”
ફૌઝા દૃઢપણે માનતા હતા કે શારીરિક સ્વાસ્થ્ય જેટલી જ માનસિક શાંતિ અગત્યની છે. તેઓ કહેતા હતા, ‘તમે ક્યારે ય સાંભળ્યું છે કે કોઈ માણસ આનંદિત હતો એટલે મરી ગયો?’ ફૌઝા 90 અને 100ના થયા ત્યાં સુધી શિસ્ત અને સંયમથી જીવતા હતા. તે નવરા બેસી રહેતા નહોતા. તેઓ રોજ ચાર કલાક ચાલતા હતા અને 10 કિલોમીટર દોડતા હતા.
તે ઘરનો જ ખોરાક ખાતા હતા. તેમણે ક્યારે ય દારૂ-સિગારેટને હાથ લગાડ્યો નહોતો. તેઓ કહેતા કે તમે તમારા શરીરમાં શું નાખો છો તેના પર ઘણો આધાર છે – ચાહે તે ખાવાનું હોય, પીવાનું હોય કે વિચારો હોય.
તમારા પગ નથી દુ:ખતા? તમને આ બધું છોડીને બેસી જવાનું મન નથી થતું? એવા કાયમ પુછાતા પ્રશ્નના જવાબમાં તે કહેતા, ‘હા, મારા પગ દુ:ખે તો છે, પણ જે લોકો આખો દિવસ બેસી રહે છે તેમના પગ પણ દુઃખે છે. મારા તો મજબૂત થાય છે.”
છેલ્લા અમુક સમયથી ફૌઝા સિંહ તેમના વતન બિયાસ પિંડ આવ્યા હતા. તેઓ 114 વર્ષના હતા. 14મી જુલાઈએ સવારે ચાલવા નીકળ્યા હતા અને એક અજાણ્યા વાહનની અડફેટમાં આવી ગયા હતા. તેમને તરત હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, પણ ત્યાં તેમણે જીવ ગુમાવી દીધો હતો. 100 વર્ષ સુધી જે પગ દોડતા રહ્યા હતા તે ચાલતી વખતે જ એક ટક્કરમાં કાયમ માટે શાંત થઇ ગયા હતા. ફૌઝા સિંહ જીવતે જીવ જંપીને બેઠા નહોતા, હવે નિરાંતે સ્વર્ગમાં બેઠા હશે.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 03 ઑગસ્ટ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર