Opinion Magazine
Number of visits: 9955587
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કન્ટૃોલ્ડ નેરેટિવ : ન રહે બાંસ ન બજે બાંસુરી

રમેશ ઓઝા|Opinion - Opinion|19 December 2024

રમેશ ઓઝા

કાઁગ્રેસ શાસનના દિવસો મેં નજીકથી જોયા છે. એ લાયસન્સ પરમીટ રાજના દિવસો હતા. એમાં કેટલાક ઉદ્યોગપતિઓને મદદ કરવામાં આવતી હતી અને કેટલાક ઉદ્યોગગૃહો સત્તાના દલાલોને રોકતા. અનેક રાજકારણી જે તે ઉદ્યોગપતિના દલાલ તરીકે કામ કરતા અને કેટલાક દલાલો ખાદી પહેરીને રાજકારણી બની જતા. રાજ્યસભાની મૂળ કલ્પના દેશને માર્ગદર્શન આપી શકે એવા અનુભવી વડીલો માટેના સભાગૃહ તરીકે કરવામાં આવી હતી, પણ તેમાં દલાલો પ્રવેશ મેળવતા થઈ ગયા હતા. તેઓ પાવર કોરીડોરમાં લોબિંગ કરે, સંસદસભ્ય તરીકેની વગનો ઉપયોગ કરીને પોતાના ક્લાયન્ટ ઉદ્યોગપતિ માટે સત્તાવાર દસ્તાવેજો એકઠા કરે, અધિકારીઓને ફોડે, ખરીદે અને પોતાના ક્લાયન્ટના હિતો માટે કે ક્લાયન્ટના પ્રતિસ્પર્ધીનું અહિત થાય એવી અનુકૂળતા પેદા કરે, સંસદમાં ક્લાયન્ટને અનુકૂળ આવે એવા સવાલો પૂછે અને ખાનગી બિલ કે ઠરાવ રજૂ કરીને ચર્ચાને ચોક્કસ દિશામાં લઈ જાય. એ સમયે અડધી રાતે નોટિફિકેશન નીકળતાં જેમાં ચોક્કસ ઉદ્યોગપતિને ફાયદો થાય એ રીતે આયાત-નિકાસની નીતિમાં ફેરફાર કરવામાં આવ્યાં હોય. ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, ઉદ્યોગ અને મોટાં ઉદ્યોગની યાદીમાં ઘાલમેલ કરવામાં આવતી હતી. એ બધું જ યાદ છે અને એ જોઇને ચીડ ચડતી એ પણ યાદ છે.

પાછલે બારણે આ બધું ચાલતું હતું ત્યારે આગલે બારણે ભોળી પ્રજાને રાજી રાખવા માટે સમાજવાદનાં આદર્શોની વાત કરવામાં આવતી હતી. ગરીબી હટાવવાની વાત થતી હતી. સતામાં ભાગીદારીની અને સામાજિક ન્યાયની વાત થતી હતી. અમેરિકા અને પૂંજીપતિઓનો ડર બતાવવામાં આવતો. અતીતને યાદ કરીને પ્રજાને પોરસાવવાની ત્યારે જરૂર નહોતી પડતી કારણ કે પ્રજા ભવિષ્ય તરફ નજર રાખીને જીવતી હતી. સપનાં જોતી હતી.

એ પછી બીજો યુગ શરૂ થયો જેમાં દલાલોની જરૂર નહોતી પડતી, પણ નેતાને દલાલ બનાવીને ચોક્કસ મંત્રાલયમાં ગોઠવવામાં આવતા હતા. પહેલાં ઉદ્યોગ અને વાણીજ્ય ખાતાંનું મહત્ત્વ હતું, પણ આ નવા યુગમાં ટેલિકોમ્યુનિકેશન, કૃષિ, ખનીજસંપત્તિ, ટ્રાન્સપોર્ટ, પોર્ટ, મહેસૂલ ઉમેરાયાં. ઉમેરાયાં નહીં, વાણીજ્ય અને ઉદ્યોગની જગ્યા લીધી એમ કહો તો પણ ચાલે. અર્થતંત્રમાં સુધારા કરવામાં આવ્યા હતા, સરકારી નિયંત્રણો ઘટાડવામાં આવ્યાં, વિદેશી કંપનીઓ સાથે હરિફાઈ કરવી પડે એમ હતી. હવે નવી સ્થિતિમાં શાસકોની કૃપાદૃષ્ટિ ખરીદીને વિશેષ સુવિધા મેળવીને વેપારધંધા દ્વારા પુષ્કળ માત્રામાં કમાવું મુશ્કેલ બનવા લાગ્યું. તેમણે પોતાને અનુકૂળ આવે એવા પ્રધાનોને ચાવીરૂપ ખાતામાં ગોઠવીને સરકારી સંસાધનો પર કબજો કરવાનું શરૂ કર્યું. મોબાઈલ સ્પેક્ટ્રમ, કોલસો, વીજળી, પોર્ટ, કૃષિજમીન, એરપોર્ટ, પાણી, જંગલ, ખાણ બધું જ. હવે મધરાતે નોટિફિકેશન કઢાવીને વેપારધંધો કરવાની જફામાં ક્યાં પડવું, ઉપાડો સરકારી માલ મફતના ભાવમાં. સરકારની ગમે એટલી કૃપાદૃષ્ટિ હોય, ધંધામાં હરિફાઈ કરવી પડે, માર્કેટમાં ટકવું પડે અને કદાચ નુકસાન પણ થાય. આનાં કરતાં બારોબાર દેશની સંપત્તિ જ હડપી લેવામાં ફાયદો જ ફાયદો.

પહેલા યુગની લૂટ કરતાં બીજા યુગની લૂટ વધારે ઊઘાડી હતી એટલે મેનેજમેન્ટ પણ જબરું કરવું પડે એમ હતું. આના ભાગ રૂપે સૌથી પહેલા નેરેટિવ કન્ટ્રોલ કરો અને તેના માટે મીડિયા પર કબજો કરો. દલાલોને શા માટે રોકવા. સંસદસભ્યો ખરીદો, સંસદસભ્યોની શી જરૂર છે, પ્રધાનો ને જ ખરીદો, પ્રધાનોને શા માટે ખરીદવા ચાવીરૂપ મંત્રાલય જ ખરીદી લો એ જ રાહે પત્રકારોને શા માટે ખરીદવા તંત્રીઓને ખરીદો, તંત્રીઓને શા માટે ખરીદવા માલિકોને ખરીદો, માલિકોને શા માટે ખરીદવા આખેઆખા મીડિયા હાઉસોને ખરીદો અને ઉપરથી પોતાનાં મીડિયા શરૂ કરો. તોતિંગ પગાર અને સુવિધા આપશો તો ૯૯ ટકા પત્રકાર ચલિત થઈ જશે. અંતે સરકારી લૂટમાંથી થતા નફામાં નુકસાન છે, ક્યાં ઘરના પૈસા કાઢવાના છે.

પહેલા યુગમાં સમાજવાદ અને સામાજિક ન્યાયની વાત કરવામાં આવતી હતી તો આ બીજા યુગમાં દેશપ્રેમ અને રાષ્ટ્રવાદની કરવામાં આવે છે. કહેવાતા ગૌરવશાળી અતીતની વાત કરવામાં આવે છે. વિશ્વગુરુ હોવાના બણગા ફૂંકવામાં આવે છે. જગતમાં ભારતનાં ડંકા વાગી રહ્યા છે એમ કહેવામાં આવે છે. દસ-વીસ વરસમાં ભારત આર્થિક અને લશ્કરી રીતે મહાસત્તા બની જશે એમ કહેવામાં આવે છે. જે લોકો વેચાતા નથી અને આંખ ખોલવાનું કામ કરે છે તેમની પાસેથી બોલવાના પ્લેટફોર્મ છીનવી લેવામાં આવે છે. ન રહે બાંસ ન બજે બાંસુરી. આને કન્ટ્રોલ્ડ નેરેટિવ કહેવામાં આવે છે. પ્રજા દેશપ્રેમ અને મહાનતાના નશામાં ધૂણતી રહેવી જોઈએ.

એ પછી આવે છે ન્યાયતંત્ર. કોઈ વળી જોઈ જાય કે પાછલે બારણેથી લૂટ ચાલી રહી છે તો ફરિયાદ કરવા કોની પાસે જશે? જવાબ છે; ન્યાયતંત્ર. ન્યાયતંત્રને બે રીતે મારો. એક કેસની સંખ્યા સામે જજોની સંખ્યા ઓછી રાખો એટલે ન્યાયતંત્ર કેસોના ભરવાના બોજા હેઠળ દબાઈ જશે. દાયકાઓ સુધી ચુકાદો જ ન આવે તો ન્યાય કોણ કરશે? સજા કોણ કરશે? લૂટનો માલ પાછો કોણ અપાવશે? અને બીજો માર્ગ છે અનુકૂળ જજોની ભરતી કરો. તેઓ ક્લાયન્ટને અનુકૂળ આવે એવા ચુકાદા આપીને, પ્રતિકૂળ ચુકાદા નહીં આપીને, કેસને ટલ્લે ચડાવીને, ગોળગોળ ભાષામાં શીર્ષાસન કરીને અને સ્પેશિયલ લીવ પિટીશનના માર્ગે ક્લાયન્ટની તરફેણમાં ઘડિયા ચુકાદા આપીને મદદ કરે છે. અને આ સ્થિતિમાં ચોર ચોરની બૂમો પાડનારા આખરે જશે ક્યાં? નથી મીડિયામાં કોઈ સંભળનાર કે નથી અદાલતમાં કોઈ સાંભળનાર.

અને ન્યાયતંત્ર પછી આવે છે શૈક્ષણિક સંસ્થાઓ. વિચારવાની ક્ષમતા નહીં ધરાવનારી, શંકા નહીં કરનારી, પ્રશ્ન નહીં પૂછનારી અને અતીતમાં રાચનારી કમજોર દિમાગવાળી પ્રજા તૈયાર કરો. આપણે મહાન પછી દુનિયા તરફ નજર નાખવાની જરૂર જ શું છે. જે દુનિયામાં છે એ બધું જ મારામાં (એટલે કે હિન્દુમાં) છે અને જે મારાંમાં નથી એ દુનિયામાં નથી. આઈ.આઈ.ટી.માંથી આવા બુદ્ધિબહાદુરો નીકળવા જોઈએ. આ માટે શિક્ષણ સંસ્થાઓ કબજે કરવામાં આવી રહી છે. આ બધું થોડા દાયકાઓ મેનેજ કરવું પડે એમ છે. ત્યાં સુધીમાં ભણેલા ગણેલા બુદ્ધિશાળીઓ દુનિયા છોડીને જતા રહ્યા હશે અને બુદ્ધિબહાદુરોની નવી પેઢી અસ્તિત્વમાં આવી ગઈ હશે. એ પછી મેનેજ કરવાની જહેમત નહીં લેવી પડે કારણ કે દેશભક્ત બુદ્ધિબહાદુરો મેનેજ્ડ થઈને જ શાળા કોલેજોમાંથી બહાર આવશે.

તો દેશ પર રાજ કોણ કરે છે? શાસકો કે કુબેરપતિઓ? અને આવી સ્થિતિ જગત આખામાં ધીરેધીરે પેદા થઈ રહી છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 19 ડિસેમ્બર 2024

Loading

‘દોસ્ત’નું સદાબહાર ટ્રેન ગીત : ફિર ભી યે જા રહી હૈ, નગમે સુના રહી હૈ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|19 December 2024

રાજ ગોસ્વામી

દેવ આનંદ અને વહીદા રહેમાનની 1960ની ક્લાસિક ફિલ્મ ‘કાલા બજાર’થી લઈને શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની 2013ની ફિલ્મ ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ સુધી, બોલિવૂડ ફિલ્મોની વાર્તાને આગળ વધારવામાં ટ્રેનોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

કિશોર કુમારે ગાયેલું શક્તિ સામંતાની 1969ની ફિલ્મ ‘આરાધના’નું સુપરહિટ ગીત ‘મેરે સપનો કી રાની કબ આયેગી તું’ 70ના દાયકાની પેઢી માટે રોમેન્ટિક-આદર્શ ગીત બની ગયું હતું. મણિરત્નમ્‌ની ફિલ્મ ‘દિલ સે’ 1998માં રિલીઝ થઈ ત્યારે શાહરૂખ ખાન અને મલાઈકા અરોરા ખાને ચાલતી ટ્રેન પર નૃત્ય કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. 

શાહરૂખ ખાનથી પહેલાં, ઋષિ કપૂરને નાસિર હુસૈનની 1981ની ફિલ્મ ‘જમાને કો દિખાના હૈ “માં પદ્મિની કોલ્હાપુરેને આકર્ષવા માટે ચાલતી ટ્રેનની ટોચ પર ‘હોગા તુમસે પ્યાર કૌન’ ગાયું હતું. 

શક્તિ સામંતાની 1974ની ફિલ્મ ‘અજનબી’માં ચાર મિનિટ લાંબુ ‘હમ દોનો દો પ્રેમી’ ગીત સંપૂર્ણ રીતે ટ્રેન પર ફિલ્માવવામાં આવેલું પ્રથમ હિન્દી ફિલ્મનું ગીત છે. જે. ઓમપ્રકાશની 1974ની હિટ ફિલ્મ ‘આપ કી કસમ”ના સદાબહાર પ્રવાસ ગીત ‘જિંદગી કે સફર મેં’માં, નિરાશ રાજેશ ખન્નાની આખી જિંદગીની સફર બતાવવામાં આવી હતી.

આ બધાં ગીતો તો અતિ જાણીતાં છે, પરંતુ એક ટ્રેન ગીત એવું છે જેની બહુ નોંધ લેવાતી નથી, અને જે શુદ્ધ રૂપે ટ્રેન ગીત છે. મતલબ કે, બીજાં બધાં ગીતોમાં કાં તો હીરો-હિરોઈનની પ્રેમ કહાની આકાર લેતી હતી અથવા ફિલ્મની વાર્તાનો કોઈ છેડો એમાં જોડાયેલો હતો, પરંતુ એક ગીત એવું છે જે આખે આખું ટ્રેન પર છે, અને જેમાં માત્ર ટ્રેનનો જ વિષય છે, અથવા એમ કહો કે ટ્રેન એક પ્રતિકરૂપે છે અને તે પોતાની સફર મારફતે માનવ જીવનની યાત્રાની વાત કરે છે.

ટ્રેન ગીતોના શોખીન વાચકોને આમ તો તરત જ ખ્યાલ આવી જવો જોઈએ કે ક્યા ગીતનો ઈશારો થઇ રહ્યો છે. યેસ, 1974માં આવેલી દુલાલ ગુહા નિર્દેશિત ‘દોસ્ત’ ફિલ્મમાં ‘ગાડી બુલા રહી હૈ’ એક ક્લાસિક ટ્રેન ગીત છે. ફિલ્મ સાધારણ હતી, પણ તેનું આ ગીત અત્યંત ખૂબસૂરત હતું. બીજી બધી ફિલ્મોનાં ટ્રેન ગીતોની સરખામણીમાં, આ ગીતમાં કે તેના ફિલ્માંકનમાં કોઈ ડ્રામા નહોતો. એટલે તે ઝટ કોઈને યાદ નથી આવતું, પરંતુ ટ્રેનની યાત્રા સાથે નાના-મોટા સૌ લોકોનો જે રોમાંચ અને રોમાન્સ જોડાયેલો છે, તે આ ગીતમાં બખૂબી ઝીલાયો હતો.

આ ફિલ્મનું સૌથી મોટું આકર્ષણ બેહદ રૂપાળો ધર્મેન્દ્ર અને ડ્રીમગર્લ હેમા માલિનીની હિટ જોડી હતી. બંને 11 ફિલ્મોમાં સાથે આવી ચૂક્યાં હતાં, અને નિર્માતા પ્રેમજી અને ‘ધરતી કહે પુકાર કે’ અને ‘દુ:શ્મન’ જેવી ફિલ્મોના નિર્દેશક દુલાલ ગુહાએ જોડીની લોકપ્રિયતાનો લાભ લેવા જ આ ફિલ્મ બનાવી હતી. અને બોક્સ ઓફીસ પર તેનો લાભ મળ્યો પણ ખરો. 

ફિલ્મમાં ત્રીજી મહત્ત્વની ભૂમિકા શત્રુઘ્ન સિન્હાની હતી. એક દમદાર એક્ટર તરીકે શત્રુને આ ફિલ્મથી નામના મળી હતી. “દોસ્ત ફિલ્મ કર્યા પછી એક કલાકાર તરીકે મને બહુ સંતોષ મળ્યો હતો,” એમ એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું. મૂળમાં આ ભૂમિકા સંજીવ કુમારને ઓફર થઇ હતી, પરંતુ હેમા માલિની (દેખીતાં કારણોસર) તેમની સાથે કામ કરવા માંગતાં નહોતાં એટલે શત્રુની પસંદગી થઇ હતી.

ફિલ્મમાં માનવ (ધર્મેન્દ્ર) એક અનાથ છે. તેનો ઉછેર ઈસાઈ પાદરી ફાધર ફ્રાન્સિસ કરે છે. માનવ અભ્યાસ પૂરો કરીને ઘરે પરત ફરે છે, ત્યારે તેને ખબર પડે છે કે તેના પિતા સમાન ગુરુનું અવસાન થયું છે. તે પછી માનવ રોજગારી માટે ટ્રેન દ્વારા મુંબઈ આવે છે અને તે જ ટ્રેનમાં ગોપીચંદ શર્મા (શત્રુઘ્ન સિંહા) નામનો ચોર માનવના સામાનની ચોરી કરીને ચાલતી ટ્રેનમાંથી કૂદી પડે છે. 

તેની પાછળ માનવ પણ કૂદી પડે છે અને ગોપીનો પીછો કરીને સામાન પાછો મેળવે છે. તેમાં બંને વચ્ચે દોસ્તી થાય છે. માનવ પ્રમાણિક જીવન જીવવા માંગે છે. ગોપી પણ ચોરી ચપાટી છોડવા તૈયાર થાય છે, પણ તેના બોસ મોંટો સરદાર(અનવર હુસેન)ને નારાજ કરે છે અને એક હાથ ગુમાવી દે છે. 

માનવ તેને એક દૂધ ફેક્ટરીમાં નોકરી અપાવે છે. માનવ ત્યાં ફેકટરી માલિકની પુત્રી કાજલ (હેમા)ના પ્રેમમાં પડે છે. દરમિયાનમાં, દૂધમાં ભેળસેળ અને બાળકોનાં મોત બદલ ગોપીની ધરપકડ થાય છે અને માનવ તેને બચાવવા માટે વ્હારે ધાય છે.

ફિલ્મમાં, અમિતાભ બચ્ચનનો પણ એક ગેસ્ટ રોલ હતો. મુંબઈમાં માનવના એક જૂના મિત્ર આનંદ તરીકે તે માત્ર બે જ મિનિટના એક દૃશ્યમાં તે આવે છે. ફિલ્મનાં ઘણાં પોસ્ટરો પર અમિતાભનું નામ પ્રમુખતાથી લખાતું હતું અને અમિતાભના ચાહકો તેને હીરો સમજીને ફિલ્મ જોવા આવતા હતા. 

ફિલ્મ જીવનના ઉતાર-ચડાવ પર હતી અને તેનું થીમ સોંગ ‘ગાડી બુલા રહી હૈ’ એ વાતને પ્રતિબિંબિત કરતું હતું. ગીતમાં એક પ્રકારનો નોસ્તેલ્જિયા છે અને એટલે જ લોકોની સ્પર્શી ગયું હતું. ફિલ્મમાં ક્રેડિટ શરૂ થાય છે, ત્યારે કેમરા નાયક માનવ પર ફોકસ થાય છે. 

તે ભણીને પાછો આવી રહ્યો હોય છે અને તેના હાથમાં ફાધર ફ્રાન્સિસનો પત્ર છે. પત્રમાં ફાધર લખે કે તેઓ તેનું માઉથ ઓર્ગન સાંભળવા બેચેન છે. ફાધર તેને પૂછે છે કે તે સંગીત ભૂલી તો નથી ગયોને? અને ‘નહીં ફાધર’ બોલીને ગળગળો થઇ ગયેલો માનવ ટ્રેનની બારી બહાર જુવે છે. તે સાથે જ લક્ષ્મીકાંત-પ્યારેલાલના અફલાતૂન ઓર્કેસ્ટ્રેશન સાથે કિશોર કુમારના દમદાર અવાજમાં ગીત શરૂ થાય છે, ‘ગાડી બુલા રહી હૈ, સીટી બજા રહી હૈ.’

કિશોર કુમાર બહુમુખી ગાયક અમથો નથી કહેવાયો. એ એક સારો એક્ટર પણ હતો એટલે તે તેનાં ગીતોમાં ‘એક્ટિંગ’ કરતો હતો ચાહે પ્રેમનું ગીત હોય, ખુશીનું ગીત હોય કે ગમનું ગીત હોય, કિશોર અવાજ મારફતે એ પ્રકારના મૂડ ગાયનમાં લાવી શકતો હતો. ‘ગાડી બુલા રહી હૈ’માં જીવનની ફિલોસોફી હતી અને કિશોરની કમાલ એ છે કે તે ખુશી અને ગમના ભાવથી નિસ્પૃહ રહીને સ્થિર પણ પ્રફુલ્લિત અવાજ સાથે આ ગીત ગાય છે. 

આ ગીત 121 વર્ષ જૂના કાલકા-શિમલા રેલવે માર્ગ પર ફિલ્માવાયું હતું. તેના શબ્દોમાં ટ્રેન છે અને તેના ફિલ્માંકનમાં પણ (વરાળ વાળી) ટ્રેન છે તે હકીકત આ ગીતને અનોખું બનાવે છે. આનંદ બક્ષીએ ટ્રેનને પ્રતીક રીતે લઈને અદ્ભુત પંક્તિઓ લખી હતી. જેમ કે –

દેખો યે રેલ, બચ્ચો કા ખેલ, સીખો સબક જવાનો

સર પે હૈ બોજ, સીને મેં આગ, લબ પર ધૂઆં હૈ જાનોં

ફિર ભી યે જા રહી હૈ, નગમે સુના રહી હૈ

ગાડી બુલા રહી હૈ, સીટી બજા રહી હૈ

(પ્રગટ : ‘સુપરહિટ’, નામે લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ” 13 ડિસેમ્બર 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ન્યાયની દેવીની પ્રતિમાનું ભારતીયકરણ અને ભારતમાં ન્યાય

ચંદુ મહેરિયા|Opinion - Opinion|19 December 2024

ચંદુ મહેરિયા

શું કહીશું એને? ન્યાયની દેવીની પ્રતિમાનું ભારતીયકરણ? નિવૃત્ત વડા ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડે સી.જે.આઈ. તરીકેના તેમના કાર્યકાળના અંતિમ દિવસોમાં, ન્યાયની દેવીની મૂર્તિમાં ધરમૂળથી ફેરફાર કરી દીધા. તેથી ભારતના ન્યાયતંત્રમાં તેમણે કરેલા સુધારામાં એક નોંધપાત્ર ઉમેરણ થયું. સુપ્રીમ કોર્ટ પરિસરમાં અને દેશ-વિદેશમાં ન્યાયની દેવીની પ્રતિમા સામાન્યત: પાશ્ચાત્ય પરિધાનમાં, એક હાથમાં ત્રાજવું, બીજા હાથમાં તલવાર અને આંખે કાળી પટ્ટી ધારણ કરેલી જોવા મળે છે. પરંતુ સુપ્રીમ કોર્ટની જજીઝ લાઈબ્રેરીમાં મુકવામાં આવેલી શિલ્પી વિનોદ ગોસ્વામીએ તૈયાર કરેલી, સાડા છ ફૂટની, સવા સો કિલો ગ્રામ વજનની અને ફાઈબર ગ્લાસની બનેલી ન્યાયની દેવીની મૂર્તિ ઘણી અલગ છે. આ લેડી જસ્ટિસની આંખે કાળી પટ્ટી નથી, હાથમાં ત્રાજવું છે પરંતુ બંને પલ્લાં સમાન છે. એક હાથમાં તલવારને બદલે ભારતનું બંધારણ છે. વળી આ દેવીએ રોમન દેવીઓ જેવું ટ્યુનિક કે ગાઉન નહીં પણ ભારતીય મહિલાઓનો સર્વસામાન્ય પોષાક સાડી પરિધાન કરેલી છે. જાણે કે વિદેશી લેડી જસ્ટિસનું પૂર્ણ સ્વદેશીકરણ થયું છે.

ભારતને ન્યાયવ્યવસ્થા અને ન્યાયની દેવીની પ્રતિમા અંગ્રેજોની દેન છે. ભારતીય પરંપરામાં ન્યાયની દેવી જેવો કોઈ ખ્યાલ જ કદાચ નથી. ઝઘડાઓની પતાવટ માટે પંચ પરમેશ્વરનો વિચાર, આ જન્મના કર્મો આગલા જન્મમાં ભોગવવાની માન્યતા કે પછી રાજાઓ દ્વારા તોળાતો ન્યાય જ ભારતની ન્યાય પરંપરા હતી. તેમાં જહાંગીરના ઘંટ અને મીનળ દેવીના ન્યાયને સંભારાય છે. ન્યાયની દેવી સૌ પ્રથમ રોમન સભ્યતામાં જોવા મળે છે. તેને જસ્ટિટિયા કે જસ્ટિસિયા કહેવામાં આવે છે. દુનિયાના મોટાભાગના દેશોમા આજે જોવા મળતાં ન્યાયની દેવીનાં પૂતળાંઓનું મૂળ રોમમાં રહેલું છે.

ન્યાયની દેવીની પ્રતિમા પ્રતીકાત્મક છે. યુરોપિય શૈલીના લેડી જસ્ટિસના સ્ટેચ્યુમાં ભલે દેવી અડવાણા પગે છે, પરંતુ તે દેખાવમાં રૂઆબદાર અને આક્રમક છે. તેના હાથમાં રહેલું ત્રાજવું સમાન ન્યાયનું પ્રતીક છે. ત્રાજવાના એક તરફ નમેલાં પલ્લાનો મતલબ જેની પાસે વધુ આધાર, પુરાવા, સાક્ષી તેની તરફ ન્યાય નમશે તેવો છે. બીજા હાથમાં તલવાર અર્થાત કોઈ પક્ષપાત વગર  નિષ્પક્ષ ન્યાય છે. દેવીની આંખે પટ્ટી એટલા માટે કે તે ન્યાય પ્રતિ આંધળા નથી પણ તે ગરીબ કે તવંગર, ફરિયાદી કે આરોપી, સૌને તેના જ્ઞાતિ, વર્ણ, ધર્મ કે લિંગના  ભેદ સિવાય સમાન અને યોગ્ય ન્યાય આપશે તેવો કરવાનો છે.

સર્વોચ્ચ અદાલતના પુસ્તકાલયમાં ખુલ્લી મુકવામાં આવેલી લેડી જસ્ટિસની પ્રતિમામાં કેટલાક આમુલ પરિવર્તનો જોવા મળે છે. આ પ્રતિમાની દેવીનો ચહેરો આક્રમક કે રૂઆબદારને બદલે સૌમ્ય છે. તેણે ગાઉન ને બદલે સાડી પહેરી છે. પ્રતિમાનો રંગ સફેદ છે. માથે મુગટ છે. આંખો ખુલ્લી છે. બંને પલ્લાં સમાન હોય તેવું ત્રાજવું હાથમાં છે. બીજા હાથમાં તલવારને બદલે સંવિધાન છે. આ ફેરફાર વિચારપૂર્વક કરવામાં આવ્યા છે. આંખો ખુલ્લી એટલે છે કે ન્યાય અને કાયદો આંધળા નથી. તે જે ન્યાય કરશે તે ભારતના બંધારણ અને તેની રૂએ ઘડાયેલા કાયદાઓના આધારે કરશે. એટલે હાથમા બંધારણ રાખ્યું છે. અંગ્રેજોની ગુલામીના પ્રતીકો આઝાદ મુલ્કને ન શોભે તેથી અંગ્રેજ વારસાની પ્રતિમાના પ્રતીકો ફગાવીને તેનું ભારતીયકરણ કર્યું છે. એટલે દેવી પ્રતિમાએ સાડી પહેરી છે. ન્યાયની દેવીનાં પૂતળાનું નવસંસ્કરણ નવા પ્રતીકો અને નવા સંકેતો દર્શાવે છે. તેમાં ભારતીયતા અને ભારતીય ન્યાય વ્યવસ્થાના વિચારો દર્શાવવાનો પ્રયત્ન થયો છે.

જસ્ટિસ ચંદ્રચૂડનાં આ પગલાંને સકારાત્મક પરિવર્તન ગણી તેને ભારે આવકાર મળ્યો છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશને એ કારણે વાંધો લીધો છે કે વિરોધ કર્યો છે કે તેઓ ન્યાય વ્યવસ્થામાં સમાનરૂપે હિસ્સેદાર હોવા છતાં પ્રતિમા પરિવર્તન બાબતે તેમની સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો નથી અને ચીફ જસ્ટિસે એકતરફી નિર્ણય કર્યો છે.

ચોતરફના સ્વાગત અને અલ્પ વિરોધ વચ્ચે આ પ્રકારે પ્રતિમામાં અને પ્રતીકોમાં કે તેના અર્થઘટનોમાં ફેરફારથી ભારતની ન્યાય વ્યવસ્થાની વાસ્તવિકતામાં કોઈ પરિવર્તન આવ્યું છે કે આવશે ખરું તેવો સવાલ લાજમી છે. ન્યાયની દેવીને નારી રૂપે દર્શાવાતી હોય તો ભારતની ન્યાય વ્યવસ્થામાં મહિલાઓનું સ્થાન શું છે અને આટલાં વરસોથી ન્યાયની દેવી નારીઓ તરફ કેમ વધુ ઝૂકતાં નથી તે પ્રશ્ન છે. ૧૯૮૯માં ફાતિમા બીબી દેશની સુપ્રીમ કોર્ટના પહેલાં  મહિલા જજ બન્યાં હતા. પરંતુ હજુ અર્ધી આબાદી તેના વસ્તીના ધોરણે પ્રતિનિધિત્વથી વંચિત જ છે. ૨૦૨૭માં જસ્ટિસ બી.વી. નાગરત્ના કદાચ પહેલા સી.જે.આઈ. બનશે ખરાં પણ અત્યાર સુધીમાં માડ ચાર ટકા જ મહિલાઓ સુપ્રીમ કોર્ટના  જજ બની શક્યાં છે. હાઈકોર્ટોના ૭૮૮ જજિસમાં ૧૦૭ કહેતાં ૧૩ ટકા જ મહિલા જજ છે. તો ન્યાયની દેવી નારીઓને ક્યારે ફળશે? આખા દેશમાં ૨૦ ટકા જ મહિલા વકીલો છે. ગુજરાતમાં ૭૯,૭૯૨ પુરુષોની સામે ૨૭,૫૯૬ જ મહિલા વકીલો હોય અને ન્યાય ક્ષેત્રે પુરુષોનું આધિપત્ય હોય તો મહિલા પ્રતિનિધિત્વ ક્યારે એક સમાન થશે? તેનો કોઈ જવાબ નવીન ન્યાય પ્રતિમાથી મળતો નથી.

આંધળાં કે દેખતાં ન્યાયની દેવી સર્વજનને સરળ, સુલભ, સસ્તો અને સમયસર ન્યાય મળે તેવું ક્યારે કરશે? સંસદના વર્તમાન શીતકાલીન સત્રમાં રાજ્યસભા પ્રશ્નના જવાબમાં જાણવા મળ્યું કે ઓકટોબર ૨૦૨૪ની સ્થિતિએ સુપ્રીમ કોર્ટમાં ૨, હાઈકોર્ટસમાં ૩૬૦ અને ટ્રાયલ કોર્ટસમાં ૫,૦૦૦ કરતાં વધુ ન્યાયાધીશોની જગ્યાઓ ખાલી છે. વિલંબિત ન્યાય તો એ હદનો છે કે ૧૫ નવેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ દેશમાં ૪.૫૩ કરોડ પડતર કેસો ન્યાયની ગુહાર લગાવીને અદાલતના આંગણે રાહ જોતાં બેઠાં છે.  પડતર કેસોમાં ૩.૪૫ કરોડ કેસો ક્રિમિનલ  છે. જો ન્યાયની આ સ્થિતિ હોય તો ન્યાયની દેવીમાં બદલાવનો કશો અર્થ ખરો?

ન્યાય દેવીનું પ્રતિમા પરિવર્તન ત્યારે જ સાર્થક કહેવાય જ્યારે ન્યાય ત્વરિત અને સુલભ હોય. માત્ર પ્રતીકો બદલવાથી વાસ્તવિકતા બદલાતી નથી. ન્યાયની દેવીની મૂર્તિ કે તસ્વીરમાં પરિવર્તન ન્યાયમાં પર્યાપ્ત અને વાસ્તવિક પરિવર્તન લાવનારું હોવું જોઈએ. સરકારો ન્યાયતંત્રને જરૂરી વ્યવસ્થા સંપડાવે, ન્યાયાધીશોની જગ્યાઓ વેળાસર ભરાતી રહે, વકીલો તારીખ પે તારીખથી બચવા તેમના કેસનો પૂરો અભ્યાસ કરીને આવે અને તેનો સમયસર નિકાલ થાય તેની કાળજી રાખે તો પણ જૂના કે નવા ન્યાયની દેવીનું અદાલતમાં હોવું પ્રમાણ ગણાશે. આપણી અદાલતો ન્યાયની અદાલતો નથી, પરંતુ પુરાવાની અદાલતો છે. જ્યારે તે પુરાવાની અદાલતો મટી ન્યાયની અદાલતો બનશે ત્યારે જ ન્યાયની દેવીનું અને બદલાયેલા પ્રતીકોનું હોવું સાર્થક ગણાશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...533534535536...540550560...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved