
રવીન્દ્ર પારેખ
સામાન્ય રીતે સંતાન છોકરો થશે કે છોકરી તે નક્કી કરવામાં પુરુષ જવાબદાર છે, છતાં આજે પણ દીકરી જન્માવવા માટે સ્ત્રીને જવાબદાર ઠેરવાય છે ને કારણ વગર જ માતા દંડાતી રહે છે, તે ત્યાં સુધી કે સાસુ પણ દીકરીને જન્મ આપવા બદલ વહુને સંભળાવતી રહે છે. એ ખરું કે હવે દીકરી જન્મની છોછ બહુ રહી નથી. ઘણાં કુટુંબોમાં એ સમજાઈ ચૂક્યું છે કે દીકરી કે દીકરો સરખાં જ મહત્ત્વનાં છે. સમાજે એ પણ જોયું છે કે દીકરો વધુ કમાવા વિદેશ દોડતો હોય ત્યારે મા-બાપની કાળજી દીકરી જ રાખે છે. તે પરણેલી હોય તે સંજોગોમાં તે સાસુ-સસરાને તો સાચવે જ છે, પણ પિયરમાં પડેલાં માબાપને પણ રઝળાવતી નથી. હજી ક્યાંક દીકરા-દીકરીના ઉછેરમાં ભેદ થતો હશે, પણ ઘણાં કુટુંબોમાંથી એવો ભેદ દૂર થયો છે તે આવકાર્ય છે.
દીકરા-દીકરીના ઉછેરમાં ભેદ નહીં રખાતો હોય, પણ બંનેનો ઉછેર માબાપ પોતાને માટે કરે છે કે બીજાને માટે તે પ્રશ્ન જ છે. આપણું સંતાન આપણે માટે ઉછેરાવું જોઈએ, તેને બદલે તે જાણે બીજા માટે ઉછેરાતું હોય એવું વધારે જોવા મળે છે. જેમ કે, કોઈ ડ્રેસ મમ્મીને કે પપ્પાને ગમે ને તે જ બાળક માટે ખરીદાય તે ઉત્તમ સ્થિતિ છે, પણ ક્યારેક તે આજુબાજુવાળાઓને કેવો લાગશે તે ધ્યાનમાં રાખીને પણ ખરીદાય છે. વળી આજ મમ્મીઓ એમ પણ કહેતી હોય છે કે એમ કોઈ કૈં જોવા નવરું નથી, પણ ઊંડે ઊંડે કોઈ શું કહેશે એ વાત અનેક ગમતા નિર્ણયોને બદલાવતી હોય તે હકીકત છે. વળી આ સમજ બાળકો માટે જ નહીં, પણ માબાપે પોતાને માટે પણ કેળવેલી હોય છે. મોટા ભાગની પસંદગીઓ બીજાને કેવું લાગશે કે બીજા શું કહેશે એ રીતે જ થતી હોય છે. એ ખરું કે જાહેરમાં એવી રીતે ન વર્તાય જે સમાજ માન્ય ન હોય, પણ સંતાનોના ઉછેરનો પ્રશ્ન છે, ત્યાં માબાપ પોતાની રીતે ઉછેરે એ ઉત્તમ સ્થિતિ છે. જો કે, માબાપો જ સમાજની ચિંતા કરીને બાળકોને ઉછેરતાં હોય એવું ઘણીવાર બને છે, એટલું જ નહીં, એ માટે બાળકો પર દબાણ પણ ઊભું કરતાં હોય છે. ખાસ કરીને પરીક્ષાનાં પરિણામો એમાં મોટો ભાગ ભજવતાં હોય છે. પડોશીના દીકરા કે દીકરીના વધારે ટકા આવે તે પોતાનાં દીકરા કે દીકરી કરતાં માબાપને વધુ શરમમાં નાખે છે. એમાં જો પડોશીની દીકરીના ટકા વધુ આવ્યા તો દીકરા પર તવાઈ આવ્યા વગર ભાગ્યે જ રહે છે.
કોણ જાણે કેમ પણ પોતાનું સંતાન બધાંમાં જ પહેલું હોય એવું દરેક માબાપ ઈચ્છતાં હોય છે, ભલે પછી માબાપ પોતાની કેરિયરમાં છેલ્લે રહ્યાં હોય ! એ હિસાબે તો આજનું કોઈ બાળક બીજે નંબરે હોઈ જ ન શકે, પણ હોય છે. કોઈ તો બીજે નંબરે આવેને ! બન્યું છે એવું કે પહેલા નંબરની લહાયમાં બાળકોનું બાળપણ છીનવાઈ ગયું છે. એ મજૂરની જેમ ભણતર ઉપાડવામાં અકાળે જ બેવડ વળી જાય છે. બાળક પાસે રમવાનો, મસ્તી કરવાનો ઉલ્લાસ જ બચતો નથી. એ સતત ટકટકની નીચે જ જીવતું હોય છે. જે આવે છે તે એને ટોકે છે કે સોનેરી સલાહો આપે છે. આમ કરવું, આમ તો ન જ કરવું, આમ જ થાય, આમ તો થાય જ નહીં – જેવું સાંભળી સાંભળીને એનાં કાન પાકી જાય છે ને એ ઉપદેશોમાં ઘરનાં જ નહીં, બહારનાં પણ ભાગ ભજવતાં હોય છે.
કોઈ માબાપ પોતાના બાળકને ડફોળ બનાવવા ન જ ઈચ્છે, પણ તેમણે એવું દબાણ પણ ઊભું ન કરવું જોઈએ કે બાળકે બધાંમાં અવ્વલ જ આવવું. બાળક પાસેથી અપેક્ષા રાખનાર માબાપે, પોતાનો ભૂતકાળ વિચારી લેવો જોઈએ કે પોતે ક્યાં હતાં ને બાળક પાસેથી તેઓ કેટલું વધારે ઇચ્છી રહ્યા છે? બાળકની શક્તિ કેટલી છે ને તેનાં પ્રમાણમાં પોતે કેટલું વધારે માંગી રહ્યાં છે, આટલું વિચારાશે તો બાળક ઘણાં ટેન્શનોથી દૂર રહેશે. એ પણ છે કે માબાપે બાળક પર નજર રાખવાની છે. તેની ચોકી કરવાની નથી. એમ થશે તો માબાપ પણ દાંતિયા કરવાથી બચશે. બાળકને ટેન્શન ઓછું હશે તો એક્ટિવ વધુ થશે ને તેનું પરિણામ દરેક પ્રવૃત્તિમાં જણાશે. માબાપ એ ફેરફાર નોંધશે ખરા, પણ તેમણે બાળકને સ્વસ્થ ને હોંશિયાર જોવું છે તે કરતાં, બીજાને પ્રગતિ બતાવવાનો લોભ તેમને વધુ હોય છે. બતાવવા કરતાં પણ બતાવી દેવાની ઈચ્છા કદાચ વધુ હોય છે. બાળક નબળું હોય તો કોઈ શું કહેશે એ ચિંતા વધુ હોય છે ને હોંશિયાર હોય તો બતાવી દેવું હોય છે કે કેવું રતન પોતાની પાસે છે. એ દેખાડવું હોય છે કે બાળક કેવું કાબૂમાં છે ! ઊઠ કહેતાં ઊઠ ને બેસ કહેતાં બેસી જતું શિસ્તબદ્ધ બાળક બતાવવું હોય છે – આજુબાજુના લોકોને કે સંબંધીઓને.
બાળક સમજીને કોઈ વાત સ્વીકારે તે અપેક્ષિત હોવું જોઈએ, પણ તે હુકમ ઉઠાવનાર ગુલામ બની રહે તો તેનો આનંદ લઈ ન શકાય. બાળક ઢીંગલા જેવું હોય તો પણ, તે રમકડું નથી. તે જીવંત છે. તેને ગમો, અણગમો છે. તે હુકમ ઉઠાવતો રોબોટ નથી. તે શો-પીસ નથી. તેને હરખ છે. આંસુ છે. માબાપ તેને આ દુનિયામાં લાવે છે તે પોતાની ઈચ્છા પૂરી કરવા નહીં, પણ તે તેનું જગત વિકસાવી શકે તેમાં સહાય કરવા. તે માબાપની ઈચ્છા પૂરી કરે પણ ખરું, પણ તેના હોવાનો અર્થ એટલો જ નથી. માબાપ જો એટલું સમજશે, તો બાળક પણ સમજશે.
માબાપે બાળકને જીવતાં શીખવવાનું છે. તે જગતમાં આવે છે ત્યારે તે જગતથી અજાણ છે. તે જગતથી પરિચિત થાય તેટલું માબાપે કરવાનું છે. માબાપને જોઈને બાળક જગતને શીખે છે. માબાપ ડરતાં હશે, તો તે પણ ડરશે. માબાપ સામનો કરશે તો તે પણ કરશે. શરૂઆતનો આ તબક્કો બાળક વટાવે, પછી તે પોતાની રીતે આગળ વધે છે. હવે તે માબાપનું એક્સટેન્શન નથી. માબાપે પણ એ સમજી લેવાનું રહે કે હવે તેમણે બાળકને મોકળાશ આપવાની છે. તેમની જોહુકમીથી બાળકને રૂંધવાનું નથી. બાળક નકલખોરીમાંથી અકલખોરીમાં પ્રવેશે ત્યારે તેની શક્તિને પ્રમાણીને માબાપે માર્ગ ચીંધવાનો છે ને તેના પર ભરોસો મૂકવાનો છે, પણ થાય છે એવું કે બાળકને બીજાને બતાવવા કે બતાવી આપવા તૈયાર કરાતું હોય છે. જેમ માબાપ હંમેશ સાચાં નથી હોતાં, એમ જ બાળક પણ દરેક વખતે સાચું ન હોય એમ બને. એ વખતે એની ભૂલ સુધારવાની કોશિશ કરવાની રહે. બાળકમાં રસ લઈને એની ભૂલ સુધારી શકાય, પણ બને છે એવું કે બાળકનાં ગુણદોષ બીજાનાં બાળકની તુલનામાં સુધારવાનું થાય તો તેની સવળી અસર ન થાય. અમુકનો દીકરો કેવો હોંશિયાર છે, જ્યારે આપણો તો સુધરતો જ નથી – આવી તુલના માબાપે ટાળવાની રહે. અમુક રીતે બાળક વર્તે તો માબાપને ચિંતા એ થાય છે કે કોઈને આની ખબર પડે તો કેવું લાગે? કોઈને કેવું લાગે કે કોઈ શું કહેશે એ બિન્દુએથી બાળકને મૂલવવાનું બંધ થવું જોઈએ. એ કોઈનું બાળક નથી, તો કોઇની નજરે જોવાની જરૂર જ શી છે?
કોઈનું બાળક વધારે એક્ટિવ હોય કે વધુ હોંશિયાર હોય તે પરથી માબાપ પોતાનાં બાળકને ઓછું આંકે એ બાળકને અન્યાય કરવા જેવું છે. કોઈ બાળક હોંશિયાર હોય તે સદા હોંશિયાર જ રહે એવું નક્કી નથી. એ જ રીતે કોઈ બાળક શરૂઆતમાં નબળું હોય તે આગળ જતાં હોંશિયાર બને એવું પણ શક્ય છે. એવું બન્યું છે. એટલા પરથી માબાપે પોતાનાં બાળકને બીજા બાળક સાથે સરખાવવાથી દૂર રહેવું જોઈએ ને બાળક તેની શક્તિ મુજબ યોગ્ય રીતે વર્તતું હોય તો તેનો સંતોષ માનવો જોઈએ. બાળકને એ મામલે ટોકવાનો કે તેને વધુ દબાણમાં રાખવાનો કોઈ અર્થ નથી. એક વસ્તુ માબાપે સમજી લેવાની રહે કે કોઈ ને કોઈ તો કોઇની આગળ કે પાછળ રહેતું જ હોય છે. બધાં જ મોખરે રહે કે બધાં જ પાછળ રહે એવું બનતું નથી. આ સ્થિતિ હોય ત્યાં બાળકને કુદરતી રીતે વિકસવા દેવું જોઈએ. તેનો સર્વાંગી વિકાસ થાય એટલું માબાપ જોશે તો બાળકને કદાચ થોડી વાર લાગશે, પણ તે પાછળ નહીં જ રહે તે નક્કી છે. માબાપે બાળકને સમજાવવાની સાથે જ પોતે પણ સમજવાનું છે, એટલું થશે તો માબાપે કે બાળકે નિરાશ થવાનું કોઈ કારણ નહીં રહે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 12 જાન્યુઆરી 2025