
ચંદુ મહેરિયા
ત્રીસેક વરસ પહેલાં, ૩૧મી ઓગસ્ટ ૧૯૯૫ના રોજ, પંજાબના તત્કાલીન મુખ્ય મંત્રી બિયંતસિંઘની સચિવાલય પરિસરમાં બોમ્બ વિસ્ફોટ કરીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના દોષિતોને જુલાઈ ૨૦૦૭માં સજા થઈ હતી. મુખ્ય આરોપી બલવંત સિંઘ રાજોઆનાને મૃત્યુદંડની સજા થઈ હતી. પરંતુ તે સજા ૨૦૧૨માં અટકાવવામાં આવી હતી. લગભગ ત્રીસ વરસથી જેલમાં બંધ રાજોઆનાએ તેની ફાંસીની સજા રદ્દ કરવા કે તેને આજીવન કારાવાસમાં ફેરવવા રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી કરી છે. તેમની દયા અરજી સોળ મહિનાથી રાષ્ટ્રપતિ સમક્ષ પેન્ડિંગ છે. એટલે તેમણે દયા અરજીના નિર્ણયમાં થઈ રહેલા વિલંબને અનુલક્ષીને સર્વોચ્ચ અદાલત સમક્ષ મુક્તિની કે સજા ઘટાડવાની માંગ કરી છે. હમણાં જસ્ટિસ બી.આર. ગવઈની પીઠે રાષ્ટ્રપતિના સચિવને રાજોઆનાની દયા અરજી રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવાના આદેશ સાથે રાષ્ટ્રપતિને બે અઠવાડિયામાં આ દયા અરજી અંગે નિર્ણય લેવા આગ્રહ કર્યો છે. જો સમય મર્યાદામાં દયા અરજીનો નિવેડો નહીં આવે તો અદાલત અરજદારની પિટિશન પર વિચાર કરશે તેમ પણ જણાવવામાં આવ્યું છે. ભૂતકાળમાં દિલ્હી બોમ્બ બ્લાસ્ટના આરોપી દેવેંદર પાલ સિંઘ ભુલ્લરની મર્સી પિટિશન પર નિર્ણય લેવામાં આઠ વરસ અને બળાત્કારના આરોપી મહેન્દ્ર નાથ દાસની દયા અરજીના નિકાલમાં બાર વરસનો વિલંબ થયો હોઈ સુપ્રીમ કોર્ટે તેમની ફાંસીની સજાને આજીવન કારાવાસમાં તબદિલ કરી હતી.
ભારતમાં દયા અરજીની જોગવાઈ અને હાલની સ્થિતિ સંદર્ભે અમેરિકાની આ જ પ્રકારની ક્ષમાદાનની જોગવાઈ અને સ્થિતિ અંગેનો તાજેતરનો ઘટના ક્રમ સરખાવવા જેવો છે. અમેરિકાના વિદાય લેતા પ્રમુખ જો બાઈડેને તેમના કાર્યકાળના છેલ્લા મહિનામાં તેમના પુત્ર સહિત પંદરસો લોકોની સજા માફ કરી છે. પ્રેસિડન્ટ બાઈડેનના પુત્ર હન્ટર બાઈડેન પર કરચોરીનો અને બંદૂક ખરીદી વખતે તેઓ નશીલાં પીણાંનાં આદિ હોવાનું છુપાવીને જૂઠ બોલવાનો આરોપ હતો. આ બંને ગુના સબબ રાષ્ટ્રપતિના સુપુત્ર દોષિત ઠર્યા હતા. પરંતુ બાઈડેને તેમને રાષ્ટ્રપતિને મળેલી વિશેષ સત્તા હેઠળ ક્ષમાદાન આપ્યું છે. પુત્રને માફ કરવાના મુદ્દે થયેલા વિવાદ અંગે બાઈડેનનું કહેવું હતું કે તેમના પુત્ર પરના આરોપો રાજનીતિથી પ્રેરિત હતા. વળી પુત્ર સામેના આરોપ અંગે તેમનું માનવું છે કે જ્યાં સુધી સ્થિતિ ગંભીર ના હોય ત્યાં સુધી લોકોને કેવળ એટલા આધારે જ ગુંડાગર્દીના આરોપીના બનાવી દેવાય કે તેમણે બંદૂક ખરીદીનું ફોર્મ કેવી રીતે ભર્યું છે. કરચોરી સંદર્ભે પણ તેમણે કહ્યું કે જો કોઈ કરદાતા ગંભીર વ્યસનોને લીધે વેરાની વિલંબે ચુકવણી કરે અને પછી વ્યાજ અને દંડ સાથે તે ભરી દે તો તેને ગુનેગાર માનવાને બદલે સમાધાન તરફ આગળ વધવું જોઈએ.
અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાઈડેનના પુત્રને માફ કરવાનાં પગલાંનો વિરોધ કર્યો છે. પરંતુ ટ્રમ્પ સહિતના અમેરિકાના લગભગ સઘળા રાષ્ટ્રપતિઓ ક્ષમાદાનનો અંગત સગાં કે વફાદારો માટે ઉપયોગ કરી ચૂક્યા છે. એટલે અમેરિકા માટે આવું કૃત્ય જરા ય અસામાન્ય નથી. છેક ૧૭૯૫માં જ્યોર્જ વોશિંગ્ટને વ્હિસ્કી વિદ્રોહ તરીકે જાણીતા સંઘના વેરા વિરુદ્ધના હિંસક વિદ્રોહ કરનારાઓને માફ કર્યા હતા. અબ્રાહમ લિંકને વિભાજિત અમેરિકાને એક કરવાના પ્રયાસો તરીકે ગૃહયુદ્ધના દોષિતોને માફ કર્યા હતા. જિરાલ્ડ ફોર્ડે વોટરગેટ કૌભાંડના દોષી રિચર્ડ નિકસનને માફ કર્યા તે નિર્ણય ભારે વિવાદાસ્પદ બન્યો હતો. પરંતુ તે પછી આવા નિર્ણયો અટકવાને બદલે વધ્યા છે. ૧૯૯૨માં જ્યોર્જ ડબલ્યુ બુશે પૂર્વ સંરક્ષણ સચિવ અને બીજા પાંચને ક્ષમાદાન આપી બચાવ્યા હતા. ૨૦૦૧માં બિલ ક્લિન્ટને સાવકા ભાઈને અને આર્થિક અપરાધના ભાગેડૂને માફ કર્યા હતા. સુપુત્રને ગુનાની સજામાંથી મુક્ત કરનાર બાઈડેનની ટીકા કરનારા ટ્રમ્પ પણ કંઈ દૂધે ધોયેલા નથી. પહેલા કાર્યકાળમાં તેમણે પોતાના વેવાઈ (પુત્રીના સસરા), રાજકીય સહયોગીઓ અને દાનકર્તાઓને માફી બક્ષી હતી.એટલે અમેરિકામાં રાષ્ટ્રપતિઓનાં આ પગલાંને સાવ સામાન્ય ગણવામાં આવે છે.
ભારતીય બંધારણના અનુચ્છેદ ૭૨ હેઠળ રાષ્ટ્રપતિને અને ૧૬૧ હેઠળ રાજ્યપાલને દયા અરજીને ધ્યાનમાં રાખીને સજા ઘટાડવાની, માફ કરવાની કે રાહત આપવાની સત્તા છે. મહાભિયોગ સિવાયના સંઘ અને રાજ્ય સરકારના કાયદા હેઠળના દોષિતો કે સૈન્ય અદાલતના દોષિતોને રાષ્ટ્રપતિ માફ કરી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બંધારણના અનુચ્છેદ ૨ કલમ ૨(૧) હેઠળ માત્ર સંઘ સરકારના ગુનેગારોને ક્ષમા આપી શકે છે. મહાભિયોગ કે રાજ્યના દોષિતોને તે માફ કરી શકતા નથી. અમેરિકાની અદાલતો રાષ્ટ્રપતિના ક્ષમાદાનના નિર્ણયની ન્યાયિક સમીક્ષા કરી શકતી નથી. જ્યારે ભારતમાં સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિના દયા અરજી પરના નિર્ણયની નહીં પણ અતાર્કિક, પૂર્વગ્રહ પ્રેરિત કે ભેદભાવ ભરેલી જણાતી નિર્ણય પ્રક્રિયાની ન્યાયિક સમીક્ષા કરી શકે છે. ભારતના રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ પ્રમાણે દયા અરજી પર નિર્ણય કરે છે. જ્યારે અમેરિકી પ્રમુખ પોતાના વિવેકાધીન નિર્ણય કરે છે. ભારતના રાષ્ટ્રપતિને મળેલી સત્તા એક રીતે સીમિત છે. જ્યારે અમેરિકી પ્રમુખની સત્તા અસીમિત અને અમાપ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે ભારતમાં ૨૦૦૧થી ૨૦૨૨માં ૨,૮૮૧ દોષિતોને ફાંસીની સજા થઈ છે. પરંતુ ૧૯૫૦થી અત્યાર સુધી રાષ્ટ્રપતિ સમક્ષ ૪૪૦ જ દયા અરજીઓ આવી છે. વળી તેનો રાજકીય દુરુપયોગ ભાગ્યે જ થયો છે.
અમેરિકી બંધારણ નિર્માતાઓએ એક જ વ્યક્તિ એટલે પ્રેસિડન્ટને આ પ્રકારનો વિશેષાધિકાર એટલે આપ્યો છે કે આવશ્યકતા ઊભી થયેથી તંત્રની લાલફીતાશાહીમાં આ બાબત ઉલઝાઈ ન જાય અને ત્વરિત તથા નિર્ણાયક કાર્યવાહી થઈ શકે. ભારતમાં રાષ્ટ્રપતિ કેન્દ્રીય પ્રધાન મંડળની સલાહને અનુસરીને જ નિર્ણય લેતા હોઈ ઘણો વિલંબ થાય છે. જો કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩માં અરજદારને સાઠ દિવસની મર્યાદામાં અને એક જ કેસના દોષિતોને એક સાથે દયા અરજી કરવાની અને કેન્દ્ર સરકારને રાજ્ય સરકારના અહેવાલ પછી સાઠ દિવસમાં જ દયા અરજી રાષ્ટ્રપતિ કાર્યાલયને મોકલવાની જોગવાઈથી કદાચ વિલંબ ઘટશે. હા, રાષ્ટ્રપતિને નિર્ણય લેવા માટે કોઈ સમયમર્યાદા ઠરાવી શકાતી નથી.
સામ્યવાદી ચીન સહિતના વિશ્વના લગભગ બધા જ દેશોમાં વધતા ઓછા અંશે માફી, ક્ષમા અને દયાનો રાજસી કે શાહી અધિકાર છે. એક રીતે લોકતંત્રને મળેલા આ અધિકારમાં નિરંકુશ રાજાશાહી બૂ આવે છે. ન્યાયના ક્ષેત્રે તે દખલ પણ કહી શકાય. તો તે કાનૂનની કે ન્યાયની કઠોરતાને ઓછી કરવાનું ઉપકરણ પણ થઈ શકે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ થાય તો તે ન્યાયિક ત્રુટિઓ સુધારવા માટેનો પારદર્શી અને વિવેકપૂર્ણ અધિકાર બની શકે છે.
e.mail : maheriyachandu@gmail.com