
રમેશ સવાણી
કોઈ તડીપાર / નફરતી / ગુંડો મિનિસ્ટર બને તો? સત્તાનો સદુપયોગ કરે કે દુરુપયોગ? ગુંડાની માનસિકતા જ બીજાને અન્યાય કરવાની હોય છે. ગુંડાઓ પોતાના સ્વાર્થ માટે દરેક સાધનનો ઉપયોગ કરે છે. કલાનો પણ ઉપયોગ કરે છે.
2014 પછી મુસ્લિમો પ્રત્યે નફરત કરતી ફિલ્મો બનવા લાગી. હેતુ ધ્રુવિકરણનો હતો. તેમાં મુસ્લિમ સમુદાયને વિલન દર્શાવવામાં આવે. કોર્પોરેટ કથાકાર અને મોદીભક્ત મોરારિ બાપુએ વ્યાસપીઠ પરથી, 11 માર્ચ 2022ના રોજ રિલીઝ થયેલ ‘કાશ્મીર ફાઈલ’ ફિલ્મ જોવા હિન્દુ ભક્તોને આગ્રહ કર્યો હતો. મેરારિ બાપુએ ‘કાશ્મીર ફાઈલ’ ફિલ્મ જોઈ ન હતી. મોરારિ બાપુના આગ્રહ ઉપરથી જ સ્પષ્ટ થઈ જાય કે ‘કાશ્મીર ફાઈલ’ પ્રોપેગેંડા ફિલ્મ હતી. આવી જ ફિલ્મ હતી : ‘ધ કેરળ સ્ટોરી.’
હવે આ બહુમતી હિન્દુઓના મત લણવા બનેલી ફિલ્મને 1 ઓગસ્ટ 2025ના રોજ, 17મા આંતરરાષ્ટ્રીય દસ્તાવેજી અને ટૂંકી ફિલ્મ મહોત્સવ(મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ)માં માહિતી અને પ્રસારણ મંત્રાલય અને NFDC-રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમે ‘ધ કેરળ સ્ટોરી’ને શ્રેષ્ઠ ફિલ્મનો અને સુદીપ્તો સેનને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ આપ્યો છે ! આ નિર્ણય ફક્ત નિરાશાજનક નથી, પણ ખતરનાક પણ છે. નાઝી સિનેમાએ હોલોકોસ્ટને પ્રોત્સાહન આપ્યું હતું. હિન્દુત્વ-સિનેમા રોજિંદા નફરત અને હિંસાને પ્રોત્સાહન આપી રહ્યું છે. ગોડસેવાદી સરકારની નાગાઈ તો જૂઓ : આવી પ્રોપેગેન્ડા ફિલ્મને ટેક્સ ફ્રી કરે છે અને એવોર્ડ પણ આપે છે !
તેની સામે ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પુણેના સ્ટુડન્ટ્સ યુનિયને 2 ઓગસ્ટ 2025ના રોજ વિરોધ કર્યો છે.
તેમણે કહ્યું છે કે “રાજ્ય જો બહુમતીવાદી, નફરતથી ભરેલા એજન્ડા સાથે આગળ વધે તો તે સિનેમાના વેશમાં પ્રચારને પુરસ્કાર આપશે. ‘ધ કેરળ સ્ટોરી’ કોઈ ફિલ્મ નથી, પરંતુ એક શસ્ત્ર છે. આ ફિલ્મ એક રાજકીય એજન્ડા પર આધારિત પ્રચાર છે, જે સત્ય ઘટનાના વેશમાં રજૂ કરવામાં આવી છે. ‘ધ કેરળ સ્ટોરી’ એક કટ્ટરપંથી અને નફરત ફેલાવનાર સંગઠનની વિચારધારા દ્વારા સમર્થિત છે. આ ફિલ્મ ખોટા આરોપો અને દ્વેષપૂર્ણ છબીઓ દ્વારા ઇસ્લામ અને મુસ્લિમ સમુદાયને નિશાન બનાવે છે. આ ફિલ્મ પહેલાથી જ આપણી સામાજિક એકતા, ભાઈચારો અને શાંતિને નુકસાન પહોંચાડી ચૂકી છે. રાષ્ટ્રીય સ્તરે આવી ફિલ્મને એવોર્ડ આપવાથી આપણા દેશના ફિલ્મ ઉદ્યોગને એવા માર્ગ પર લઈ જઈ રહ્યા છે જ્યાં રાજકીય અને સાંપ્રદાયિક દખલગીરીનો ભય છે. એવું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે જ્યાં સર્જનાત્મક અભિવ્યક્તિ દબાવવામાં આવશે. જ્યારે કોઈ સરકારી સંસ્થા આવી નફરત ફેલાવતી ફિલ્મોનું સન્માન કરે છે, ત્યારે તે ફક્ત એક નિર્ણય નથી; તે આપણા દેશના સામાજિક માળખા પર સીધો હુમલો છે. તે સમાજને જોડવાની, સત્યને ઉજાગર કરવાની અને ન્યાય વિશે વાત કરવાની કલાની શક્તિને નબળી પાડે છે. અમે પુનરોચ્ચાર કરીએ છીએ કે અમે એવી કોઈ પણ વાર્તા સ્વીકારીશું નહીં જે નફરત ફેલાવે છે, અથવા માનવતાને વિભાજીત કરે છે. અમને લાગે છે કે અમારા ઉદ્યોગ, જેને અમે પ્રેમ કરીએ છીએ, તેને આવા પ્રચાર અને નફરતથી ભરેલા વિચારોથી બચાવવો જોઈએ. અમારી લડાઈ ફક્ત ફિલ્મ સાથે નથી, પરંતુ તે માનસિકતા સાથે છે જે નફરત ફેલાવવા માટે કલાનો ઉપયોગ કરે છે. અને અમે – જે અલગ અલગ વિચારો, ઓળખ અને સંસ્કૃતિઓમાંથી આવીએ છીએ – આ મૌન અને હિંસા સામે અવાજ ઉઠાવતા રહીશું. અમે ચૂપ રહેવાનો ઇનકાર કરીએ છીએ કારણ કે અમે જે ઉદ્યોગમાં પ્રવેશવાની આશા રાખીએ છીએ તે જૂઠાણા, કટ્ટરતા અને ફાસીવાદી વિચારધારાને પુરસ્કાર આપવા માટે ફરીથી આકાર આપવામાં આવી રહ્યો છે. રાજ્યએ સમજવું જોઈએ : પ્રચારને પુરસ્કાર આપવાથી તે સાચું થતું નથી. અને અમે, વિદ્યાર્થીઓ અને નાગરિકો તરીકે, તેનો વિરોધ કરીશું.”
કેરળના મુખ્ય મંત્રી પિનરાયી વિજયને કહ્યું છે : “કેરળની છબી ખરાબ કરવાના અને સાંપ્રદાયિક નફરતના બીજ વાવવાના સ્પષ્ટ ઇરાદા સાથે ખોટી માહિતી ફેલાવતી ફિલ્મનું સન્માન કરીને, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જ્યુરીએ સંઘ પરિવારની વિભાજનકારી વિચારધારામાં મૂળ ધરાવતી વાર્તાને કાયદેસરતા આપી છે. કેરળ, એક એવી ભૂમિ જે હંમેશાં સાંપ્રદાયિક શક્તિઓ સામે સંવાદિતા અને પ્રતિકારની દીવાદાંડી તરીકે ઊભી રહી છે, તેનું આ નિર્ણયથી ગંભીર અપમાન થયું છે. માત્ર મલયાલીઓ જ નહીં, પરંતુ લોકશાહીમાં વિશ્વાસ રાખનારા દરેક વ્યક્તિએ સત્ય અને બંધારણીય મૂલ્યોના બચાવમાં પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ.”
ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પુણેના વિદ્યાર્થીઓને શાબ્બાશી આપવી પડે કે તેમણે અવાજ ઉઠાવ્યો !
વિદ્યાર્થીઓ વિરોધ કરે / જાગૃત નાગરિકો વિરોધ કરે / મુખ્ય મંત્રી વિરોધ કરે; પરંતુ તડીપાર / નફરતી / ગુંડાઓ સત્તાનો દુરુપયોગ કર્યા વિના ન રહે ! દેશના વડા પ્રધાન જ બેફામપણે નફરત ફેલાવતા હોય ત્યાં કોર્પોરેટ કથાકારો / ધર્મગુરુઓ / સદગુરુઓ / શ્રી શ્રીઓ / પ્રગટ બ્રહ્મસ્વરુપો / ડાયરા કલાકારો / ફિલ્મ મેકર્સ / ગોદી લેખકો-પત્રકારોની સહેજ ચામડી ખોતરો તો નફરત સિવાય કંઈ જોવા ન મળે !
05 ઑગસ્ટ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર