Opinion Magazine
Number of visits: 9736159
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તણખામાંથી ભડકો થઇ શકે તેવા વૈશ્વિક સંજોગો એટલે 2026નું જિઓપોલિટિકલ પ્રેશરકુકર 

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|11 January 2026

એક રાષ્ટ્ર તરીકે આપણને કોઈ એકનો પક્ષ લેવાનું નહીં પોસાય કે ન તો મુંગા મ્હોંએ જોવાનું પોસાશે, આ ઝડપી પણ કેલ્ક્યુલેટેડ નિર્ણયો લેવાનો વખત છે. 

ચિરંતના ભટ્ટ

એક એવી થ્રિલર ફિલ્મની કલ્પના કરો જ્યાં ચાર અલગ-અલગ જગ્યાએ તણખા થઇ રહ્યા હોય અને બધાનું કેન્દ્ર કોઈ એક જ વિસ્ફોટક હોય. દરેક તણખો વિશ્વના અલગ ખૂણેથી ઉઠ્યો હોય, છતાં બધા એક જ દારૂગોળાના ઢગલા તરફ આગળ વધી રહ્યા હોય. અત્યારે આપણે આવી જ દુનિયામાં જીવી રહ્યા છીએ. યુરોપ યુદ્ધના ધોરણે શસ્ત્ર સજ્જ થઈ રહ્યું છે, મધ્ય પૂર્વ હિઝબુલ્લાહના રોકેટ અને ઈરાનના પડછાયામાં ધૂંધવાઈ રહ્યું છે, દક્ષિણ ચીની સમુદ્ર તાઈવાન અને વિવાદિત ટાપુઓને લઈને ઉકળી રહ્યો છે, અને અમેરિકાના દેવાનો બોજ સૌને ડૂબાડવાની ધમકી આપી રહ્યો છે. આ કોઈ અતિશયોક્તિ નથી. આ ચાર ભીષણ જિયોપોલિટિકલ પ્રેશર પોઈન્ટ્સ એકસાથે વકરી રહ્યા છે. આપણે એ સમજી લેવું જોઈએ કે આ આપણે માટે, ભારત માટે દૂરના આંચકા નથી, આ આપણી અર્થવ્યવસ્થા, આપણી એનર્જી સિક્યોરિટી પર અને આપણા વ્યૂહાત્મક વિકલ્પો પર સીધો પ્રહાર છે.

ભારત માટે આ અત્યારે કેમ અગત્યનું?

મુંબઈની ઓઈલ રિફાઈનરીઓ માટે આ સંકટનો અર્થ છે ક્રૂડના વધતા ભાવ, કારણ કે હુતી ડ્રોન્સ રાતા સમુદ્રના શિપિંગ રૂટમાં અવરોધ બનીને છવાયા છે. સેન્સેક્સ પર નજર રાખનારાઓ માટે આ FIIનો ભય છે કારણ કે યુ.એસ.નું દેવું વધી રહ્યું છે અને ટ્રેઝરી ડગમગી રહી છે. સાઉથ બ્લૉકના સંરક્ષણ આયોજકો માટે, આ સસ્તા રશિયન ઓઈલ અને યુરોપથી આવતા સેમિકન્ડક્ટરની અછત વચ્ચે સંતુલન જાળવવાનો ખેલ છે, અને તે પણ એવા સમયે જ્યારે ચીની કોસ્ટ ગાર્ડના જહાજો આપણા આંદામાન બેકયાર્ડમાં ઘૂસણખોરી કરી રહ્યા છે. રૂપિયો, આપણા વ્યાપારિક માર્ગો, આપણી ટેક સપ્લાય ચેઈન – આ બધું જ આ ચાર તોફાની મોજાં પર સવાર છે. આપણે પહેલાં પણ મહાસત્તાઓની હરીફાઈ જોઈ છે, પરંતુ એકસાથે ચાર મોરચે ખૂલી જાય એવી સંભાવનાઓ પહેલા ક્યારે ય નથી ખડી થઈ. આ ચાર મોરચા શું છે અને શા માટે છે તે સમજીએ.

યુરોપની € 800 બિલિયનની વૉર ચેસ્ટ : પીસ ડિવિડેન્ડનું પડીકું વળી ગયું છે

યુરોપિયન યુનિયનનો ‘રી-આર્મ યુરોપ’ પ્લાન € 800 બિલિયન જેટલું ભંડોળ ભેગું કરવા ધારે છે, જેમાં માત્ર પોલેન્ડ જ ટેન્ક, મિસાઈલ અને ડ્રોન્સ માટે € 43 બિલિયનના ખર્ચની તૈયારીમાં છે. જર્મનીએ સંરક્ષણ માટે તેની ઉધાર લેવાની બંધારણીય મર્યાદા હટાવી દીધી છે, આ પગલું કટોકટીમાં ઈમરજન્સી કાચ તોડવા સમાન છે. રશિયાનું હાઇબ્રિડ યુદ્ધ હવે માત્ર યુક્રેનની ખાઈઓ પૂરતું સીમિત નથી; તે બાલ્ટિક પાઈપલાઈન્સમાં તોડફોડ, જર્મન પાવર ગ્રીડ પર સાયબર હુમલા અને પોલેન્ડ પર નાટો ડ્રોન્સ તોડી પાડવા સુધી વિસ્તર્યું છે. આ ‘કોલ્ડ વોર ૨.૦’ છે, પણ એકપણ નિયમો વગરનું.

ભારત માટે આ ગણિત બેધારી તલવાર જેવું છે. રશિયન તેલ સસ્તું છે અને પશ્ચિમી દેશો નારાજ હોય છતાં પણ વાસ્તવિકતા એ છે કે આપણી રિફાઈનરીઓને હજુ પણ એ ડિસ્કાઉન્ટ મળે છે. પરંતુ જે સેમિકન્ડક્ટર અને રેર અર્થ (rare earths) ઉત્પાદનોની આપણને જરૂર છે તે આપણને જોઇએ એ રીતે નથી મળી રહ્યા. કારણ કે યુરોપની સંરક્ષણ ખરીદીની હોડ સેમિકન્ડક્ટર અને રેર અર્થની વૈશ્વિક સપ્લાય ચેઈનને ખોરવી રહી છે. આપણને ‘મેક ઈન ઇન્ડિયા’ માટે તેની સખત જરૂર છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે યુરોપનું ધ્યાન ભટકેલું હોવાથી ઇન્ડો-પેસિફિક કોઑપરેશન પર ધ્યાન આપવાનો તેની પાસે સમય નથી. જ્યારે તમારા ભાગીદારો પોતાના ઘરની આસપાસની સુરક્ષામાં વ્યસ્ત હોય ત્યારે QUADનું ફોકસ હચમચે છે. 1993ના મુંબઈ બ્લાસ્ટને ફંડ પૂરું પાડનારા હવાલા નેટવર્ક્સ હવે RDX નહીં પણ ડ્રોન્સ છુપાવી રહ્યા છે. આ સંજોગોમાં હાઇબ્રિડ જોખમો વૈશ્વિક બની ગયા છે, અને આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, આપણે પણ તેની ઝપેટમાં છીએ.

હિઝબુલ્લાહનું મિસાઇલ આર્સેનલ : મધ્ય પૂર્વનું ‘રીલોડિંગ‘ 

2024ના નાજુક યુદ્ધવિરામ છતાં, દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહની હજારો પ્રિસિઝન-ગાઈડેડ મિસાઇલો તૈનાત છે અને નેતન્યાહુની 2026ની આક્રમક સમયરેખા ટૂંકી થઈ રહી છે. ઈઝરાયલ હવે ઈરાની સપ્લાયના વધુ એક દાયકાને સાંખી નહીં લે. તેહરાનના આંતરિક વિદ્રોહને કારણે અરાજકતા વધે છે, પણ તેમનું પ્રૉક્સી નેટવર્ક અકબંધ છે, જે દરેક યુદ્ધવિરામને ‘રીલોડ ફેઝ'(શસ્ત્રો ફરી ભરવાના સમય)માં ફેરવી નાખે છે. ઈરાન એક તરફ BRICSના મિત્રનો અને બીજી તરફ ધરીના કઠપૂતળી નચાવનારનો પણ, એમ બંને રોલ ભજવે છે. આ બેવડું વર્તન સમિટના ફોટા માટે સારું છે પણ વાસ્તવિક રણનીતિ માટે મુશ્કેલ છે.

અહીં આપણને સીધો ફટકો વાગે છે: હુતી ડ્રોન્સ ભારતના 12% ઓઈલ ઈમ્પોર્ટને રાતા સમુદ્રમાં રૂંધી રહ્યા છે, જેનાથી મુંબઈની રિફાઈનરીઓ માટે ખર્ચ વધી રહ્યો છે અને રૂપિયાની અસ્થિરતા વધી રહી છે. ચાબહાર પોર્ટ, જે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા માટે આપણો પાછલો દરવાજો છે, તે ટ્રમ્પની ટીમ દ્વારા પ્રતિબંધોની ગપસપ વચ્ચે ફસાયો છે. અહીં કડીઓ જોડીને આપણે સમજવું જોઇએ કે જે હવાલા ચેનલો એક સમયે ટેરર ફંડિંગ કરતી હતી તે હવે ડ્રોન સપ્લાય લાઈન્સને મદદ કરી રહી છે. જો હિઝબુલ્લાહનો મોરચો ભડકે તો ક્રૂડ ઓઈલ $ 100 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે, જે આપણા 7% ગ્રોથ ટાર્ગેટને ફટકો મારી શકે છે. જ્યારે તમારા કહેવાતા મિત્રો એકબીજા પર મિસાઇલો છોડતા હોય ત્યારે આપણા વડા પ્રધાનની મલ્ટી-એલાઈનમેન્ટ સ્ટ્રેટેજી (સૌની સાથે મિત્રતા, કોઈની સાથે ગઠબંધન નહીં) ડગમગવા લાગે તે સ્વાભાવિક છે.

દક્ષિણ ચીન સમુદ્રના ફ્લેશપોઈન્ટ્સ : ગ્રે–ઝોન વૉરફેર હવે ‘હોટ‘ થઈ રહ્યું છે

બેઇજિંગ આક્રમણની જાહેરાત કરવામાં નથી માનતું; તે ફિલિપાઈન્સના રિસપ્લાય જહાજોને વોટર કેનનથી ટક્કર મારવામાં, પેટ્રોલ બોટને લેસરથી અંધ કરવામાં અને રીફ રડાર્સ દ્વારા ગુપ્ત રીતે ઇન્ટેલ ડોમિનન્સ મેળવવામાં પોતાની રણનીતિ ગોઠવે છે. સેકન્ડ થોમસ શોલ (Second Thomas Shoal) પર અથડામણો વધી છે, ચીનના કોસ્ટ ગાર્ડ થિટુ આઈલેન્ડ પાસેનું કોમ્યુનિકેશન જામ કરે  છે અને વિવાદિત એટોલ્સ (પરવાળાના ટાપુઓ) પર કિલ્લેબંધી કરે છે. તાઈવાન પર આક્રમણની ચર્ચાઓ વધી રહી છે કારણ કે શી જિનપિંગ “બ્રુટ ફોર્સ” (બાહુબળ) માટેની તકો શોધી રહ્યા છે, પરંતુ અસલી ઈનામ માત્ર તાઈપે નથી, ખરેખર તો તે પેસિફિકના ચોકપોઈન્ટ્સ (chokepoints) પરનું નિયંત્રણ છે જે વૈશ્વિક વેપારને દોરનાર પરિબળ છે. ASEANની કોડ-ઓફ-કન્ડક્ટ વાટાઘાટો અટકી પડી છે કારણ કે મનિલા “એક ઈંચ પણ” જમીન ન છોડવાની પ્રતિજ્ઞા લઇને બેઠું છે અને બેઇજિંગ દરેક ચેતવણીને અવગણે છે.

આ બધું આપણા ઘરના પછવાડામાં છેડાયેલી બબાલ બની ગઈ છે. આપણા આંદામાન બેઝ મલાક્કા સ્ટ્રેટ પર નજર રાખે છે, આપણું 80% ઓઈલ આ ચોક પોઈન્ટ પરથી પસાર થાય છે, ત્યાં અત્યારે ચીની કેરિયર્સ પેટ્રોલિંગ કરી રહ્યા છે. સમુદ્રમાં ફિલિપાઈન્સની અથડામણો એ જમીન પર આપણા LAC સ્ટેન્ડઓફનો પડઘો પાડે છે; ચીનનો સ્પાર્ટલી (Spratly) વિસ્તારવાદ એ જ ક્રમિક અતિક્રમણની રણનીતિ છે જે આપણે ગલવાનમાં જોઈ હતી. QUAD નેવલ ડ્રીલ્સ વધી રહી છે, પરંતુ ટ્રમ્પના “અમેરિકા ફર્સ્ટ” ટેરિફ્સ એકસાથે આપણા એક્સપોર્ટને ફટકો મારી રહ્યા છે, જેના કારણે આપણે વિયેતનામ સાથે પોર્ટ એક્સેસ માટે મિત્રતા કેળવતા AUKUS ભાગીદારોને બ્રહ્મોસ મિસાઈલોથી સજ્જ કરવા મજબૂર થયા છીએ. આવામાં આપણને એક નાનકડી ભૂલ પણ ભારે પડશે. પશ્ચિમમાં બાંગ્લાદેશમાં ચીની એરબેઝનું બનવું, ઉત્તર-પશ્ચિમમાં પાકિસ્તાન-સાઉદી ડિફેન્સ પેક્ટ વગેરે આ આખા ખેલને વધુ પેચીદો બનાવે છે.

અમેરિકાનો $ 38 ટ્રિલિયનનો ડેટ બોમ્બ એટલે આર્થિક તણખાનું તેજ થવું 

અમેરિકાનું દેવું હવે દર અઠવાડિયે $ 11 બિલિયનનું વ્યાજ ખાઈ રહ્યું છે, જે 2026ના નાણાકીય વર્ષના શરૂઆતના અઠવાડિયામાં ફેડરલ ખર્ચના 15% જેટલું છે. મેડિકેર અને સોશિયલ સિક્યુરિટીનો આ ઘા વધુ આકરો બનાવે છે, જેમાં ખાધ જી.ડી.પી.ના 6.7% રહેવાનો અંદાજ છે. ટ્રમ્પની ટેરિફ યોજનાઓ $ 300-400 બિલિયનની આવકનું વચન આપે છે, પરંતુ CBO આરોગ્ય સબસિડી વધવા અને કાઁગ્રેસ જાન્યુઆરીની ડેડલાઈન તરફ દોડતી હોવાથી આગળ ટ્રિલિયન્સની ખોટ જોઈ રહ્યું છે. આ કોઈ થોથાંમાં લખેલું જ્ઞાન નથી પણ, એક આર્થિક બ્લેક હોલ છે જે વૈશ્વિક મૂડીને ગળી રહ્યું છે અને વૈશ્વિક સ્તરે વ્યાજના દરો વધારી રહ્યું છે.

ભારત પાસે લગભગ $ 250 બિલિયનની યુ.એ.સ ટ્રેઝરી છે, જે આપણી ચિંતા વધારે છે. જો વોશિંગ્ટન કોઈપણ પ્રકારના રિસ્ટ્રક્ચરિંગ કરશે તો આપણા રિઝર્વને ફટકો પડશે. વધુ આકરી બાબત એ છે કે, ગભરાયેલા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ઉભરતા બજારોમાંથી પૈસા પાછા ખેંચી લેશે, જેનો સીધો અર્થ છે : સેન્સેક્સમાં અસ્થિરતા, રૂપિયા પર દબાણ, અને ભારતીય કંપનીઓ માટે મોંઘું ધિરાણ. ટ્રમ્પનું લેટિન અમેરિકા તરફ વળવું અને “પ્રભાવના ક્ષેત્રો”(spheres of influence)ની એકલતાવાદી નીતિ યુરોપને આર્થિક રીતે ખુલ્લું મૂકી દે છે, જેનો અર્થ છે કે યુક્રેન સહાયની ખાલી જગ્યા કોઈએ તો ભરવી જ પડશે. કલ્પના કરી શકશો કે આર્ટિલરી શિપમેન્ટ માટે કોને કૉલ આવી રહ્યો છે? જેમ ઓપનહાઈમરના બોમ્બને કારણે શસ્ત્રોની હોડ જન્મી હતી એ રીતે યુ.એસ.ની આર્થિક બેદરકારી વિરોધીઓને સજ્જ કરી રહી છે અને મિત્ર રાષ્ટ્રોને અસ્થિર કરી રહી છે. આપણા રૂપિયાના રક્ષણ માટે ફોરેક્સની કિલ્લેબંધી જોઇશે, બીજાના અવિચારી ખર્ચનું પરિણામ ભોગવવાનું આપણને પોસાય તેમ નથી.

ભારતની વ્યૂહરચના : મુશ્કેલીઓ વચ્ચે સંતુલનનો ખેલ

આ ચાર તણખા અલગ નથી પણ તેમનું એકબીજા સાથે મળવું જ ખરો ખેલ છે. મધ્ય પૂર્વનો ભડકો ઓઈલના ભાવ વધારનારો છે, એ પણ એવા વખતે જ્યારે યુ.એસ.ના દેવાના બોજાનો ગભરાટ આપણા બજારો તોડી રહ્યો છે. યુરોપનું રી-આર્મામેન્ટ સેમિકન્ડક્ટર સપ્લાય ઘટાડે છે જ્યારે ચીનની શિપિંગ વધતી ભીંસ જેટલો સપ્લાય છે તેને ય આપણા સુધી પહોંચવામાં મુશ્કેલી ખડી કરે છે. આ બધા સંજોગો એકબીજા સાથે જોડાયેલા છે, બધું ભેગું થઈ રહ્યું છે.

આવામાં આપણી રણનીતિ શું હોઈ શકે? પહેલું, રશિયા-ઈરાનની ધરીની બહાર એનર્જી ડાયવર્સિફિકેશન કરી શકાય. એટલે કે યુ.એ.ઈ. (UAE) સાથે LNG કોન્ટ્રાક્ટને વેગ આપવો, મોઝામ્બિક ગેસ ફિલ્ડનો ઉપયોગ કરવો, અને છેવટે ન્યુક્લિયર બેઝલોડ વિસ્તારવા માટે વધુ ગંભીરતાથી વિચારવું. બીજું, યુદ્ધના ધોરણે સંરક્ષણનું સ્વદેશીકરણ કરવું જોઇએ. જેમ કે, તેજસ Mk2નું ઉત્પાદન, સ્વદેશી ડ્રોન્સ, અને R&Dને ફંડ આપવા માટે બ્રહ્મોસની નિકાસ પર ધ્યાન આપવું જોઇએ. આપણે એવી સપ્લાય ચેઈન પર નિર્ભર ન રહી શકીએ જે જરા સરખા જિયોપોલિટિકલ હલચલથી હથિયારમાં ફેરવાઈ જાય. ત્રીજું, BRICSનો ઉપયોગ એક બ્લૉક તરીકે નહીં પણ બેલેન્સર (સંતુલન સાધનાર) તરીકે કરવો. આપણે કોઈ નવા કોલ્ડ વૉરમાં કોઇ રાષ્ટ્રનો પક્ષ નથી લઈ રહ્યા, પરંતુ ભીંસમાં આવવાથી બચવા માટે આપણને લીવરેજની જરૂર છે.

બાય ધી વેઃ 

મુંબઈના ઝવેરી બજારના વેપારીઓ જે સોનાના ભાવ ટ્રેક કરે છે, બેંગલુરુના કોડર્સ જે સપ્લાય ચેઈન સોફ્ટવેર બનાવે છે, પંજાબના ખેડૂતો જે ખાતરના ભાવ જોઈ રહ્યા છે; તે બધાં વિદેશ નીતિને અનુસરે કે ન અનુસરે, તે બધાં જ આ મોજાં પર સવાર છે. ભારત 1962થી મહાસત્તાઓ વચ્ચે સંતુલન જાળવી રહ્યો છે, પરંતુ આ વખતે સંતુલન કરવા માટેની ભોંય સાંકડી થઈ રહી છે અને ઝંઝાવાતની ગતિ વધી રહી છે. આ ચાર તણખા સાબિત કરે છે કે કોઈપણ રાષ્ટ્ર સલામત પ્રેક્ષક નથી, આપણે કોઈ બીજાની થ્રિલર ફિલ્મના એક્સ્ટ્રા કલાકાર બનીને ન રહી શકીએ. હવે ડિરેક્ટરની ખુરશી સંભાળવાનો સમય આવી ગયો છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11  જાન્યુઆરી 2026

Loading

ચલ મન મુંબઈ નગરી—323 

દીપક મહેતા|Opinion - Opinion|10 January 2026

મુંબઈના મહેલો જોયા પછી જોવા જઈએ મુંબઈની જેલો 

આપણે જોયા મુંબઈના મહેલ. હવે શું જોશું? મુંબઈની જેલ. ગભરાતા નહિ. જેમ મહેલમાં રહેવા નહોતા ગયા, તેમ જેલમાં પણ રહેવા નહિ જઈએ. ફક્ત જોશું, જાણશું. મુંબઈની પહેલી જેલ બંધાવી હતી મુંબઈના બીજા ગવર્નર જેરાલ્ડ ઓંગીઆરે. ખરા અર્થમાં મુંબઈનો ઘડવૈયો. પણ નથી મળતી એની જન્મ તારીખ. ઈ.સ. ૧૬૪૦ના કોઈક દિવસે જન્મ. જેમ જન્મ તારીખ મળતી નથી, તેમ નથી મળતું ક્યાં ય તેમનું બાવલું કે તેમનું ચિત્ર જોવા. ૧૬૭૭ના જૂનની ૩૦મી તારીખે તેમનું અવસાન થયું. ક્યાં ભણ્યા, શું ભણ્યા? નથી ખબર. ૧૬૬૧ના નવેમ્બરમાં સુરત ખાતેની અંગ્રેજોની ‘કોઠી’(ઓફિસ)માં કારકૂન તરીકે નીમાયા. પછી બન્યા સ્ટોર કીપર. પછી નોકરીમાં કેટલાં પગથિયાં, ક્યારે ચડ્યા એ જાણવા મળતું નથી. પણ ૧૬૬૯ના જુલાઈની ૧૪મી તારીખે સુરત-મુંબઈના પહેલા ગવર્નર સર જ્યોર્જ ઓક્સેન્ડનનું મૃત્યુ થયું તે પછી ઓંગીઆરની નિમણૂક મુંબઈના ગવર્નર તરીકે થઈ. ૧૬૭૦ના જાન્યુઆરીની ૧૧મી તારીખે ઓંગીઆર સુરતથી વહાણમાં બેઠા અને થોડા દિવસ પછી મુંબઈ પહોંચ્યા. 

તે મુંબઈ આવ્યા ત્યારે મુંબઈમાં લગભગ જંગલરાજ હતું. ચોર-લૂંટારા ધોળે દિવસે ય લોકોને રંજાડતા. ખુદ ડેપ્યુટી ગવર્નર કેપ્ટન હેન્રી યંગ લાંચ-રુશ્વત માટે નામચીન. ઓંગીઆરે એ અંગે તપાસ કરીને યોગ્ય પગલાં લીધાં. પછી વળી મુંબઈમાંના ગોરા લશ્કરની એક ટુકડીએ બળવો કર્યો. ઓંગીઆરે કડક હાથે બળવો દબાવી દીધો. એટલું જ નહિ, બળવાખોરોના નેતા કોર્પોરલ ફેકને ફાંસીની સજા કરી અને જાહેરમાં એ સજાનો અમલ કરાવ્યો.

મુંબઈ આવ્યા પછી ઓંગીઆરને સમજાયું કે અહીં કોટ વિસ્તારમાં એક વિશાળ મકાન બાંધવાની જરૂર છે. આ મકાનમાં મુંબઈની કોર્ટ બેસી શકે એવી સગવડ હોય. મુંબઈના લશ્કર અને અંગ્રેજ રહેવાસીઓ માટે જરૂરી એવો ખાધાખોરાકીનો સામાન રાખવાનાં ગોદામ પણ હોય. લશ્કર માટેનો દારૂગોળો, હથિયારો, અને બીજો સરંજામ પણ રાખી શકાય એવી સગવડ હોય. અને ગુનેગારોને રાખવા માટેની જેલ પણ હોય. આજની ભાષામાં એક ‘મલ્ટી પર્પઝ’ મકાન. એ વખતે ઓળખાતું ‘જનરલ હાઉસ’ તરીકે. ઓંગીઆરની પોતાની ઓફિસ પણ એ જ મકાનમાં. અને જ્યારે એ ઓફિસમાં હોય ત્યારે બારણાં સતત ખુલ્લાં જ રહે. મુંબઈનો કોઈ પણ રહેવાસી – ગોરો કે ‘દેશી’ – આવીને ગવર્નરને મળી શકે. 

ટાઉન હોલ બંધાયો ત્યારે લંડનમાં બેઠેલા ખેરખાંઓએ ખરચ અંગે કેટલા વાંધા-વચકા કાઢેલા એ આપણે અગાઉ જોયું છે. પણ ઓંગીઆરે તો લંડનમાં કોઈને પૂછ્યા વગર બોમ્બે ગ્રીન(આજનું હોર્નીમન સર્કલ)થી થોડે દૂર, ગનબો સ્ટ્રીટ અને બોરા બજાર સ્ટ્રીટ જ્યાં કાટખૂણે મળે છે ત્યાં જગ્યા પસંદ કરી લીધી. ત્યાં બાંધવાના મકાનનો પ્લાન જાતે બનાવી લીધો. અને એ પ્રમાણે મકાન બંધાવી પણ લીધું. બધું થઈ ગયા પછી હિસાબ મોકલ્યો લંડનના ડિરેક્ટરોને. તરત ભડક્યા: આટલો બધો ખરચ? અને તે ય અમને પૂછ્યા ગાછ્યા વગર? ઓંગીઆરે ઠંડે કલેજે જવાબ મોકલ્યો. આ ખરચ તમને ન પોસાતો હોય તો બધો ખરચ હું અંગત રીતે ભોગવી લઈશ. પણ પછી જ્યાં સુધી આ મકાન કોઈ પણ સરકારી કામ માટે વપરાતું રહે ત્યાં સુધી હું માગું તેટલું ભાડું સરકારે મને ચૂકવવું પડશે! કહેવાની જરૂર ખરી, કે લંડનના સાહેબોએ ખરચની પૂરેપૂરી રકમ મંજૂર કરી દીધી.

માપલા પોરનો નકશો 

એક બાજુ ગનબો સ્ટ્રીટ (આજનું નામ રુસ્તમ સીધવા સ્ટ્રીટ) અને બીજી બાજુ બોરા બજાર સ્ટ્રીટ. એક જમાનામાં આ સ્ટ્રીટ પરની ઘણીખરી દુકાનો બોરા(વહોરા)ઓની હતી એટલે આ નામ. અને હજી આજે પણ આ નામ બદલાયું નથી. પણ ગનબો સ્ટ્રીટનો કિસ્સો મજેદાર છે. ૧૯મી સદીના મુંબઈના જ્યોતિર્ધરોમાંના એક તે જગન્નાથ શંકરશેઠ. તેમનું કુટુંબ મૂળ કોંકણનું. જગન્નાથજીના દાદા ગણબાશેઠ કોંકણથી મુંબઈ આવીને વસ્યા. વેપાર-વણજ ખૂબ ખીલ્યો. કોટ વિસ્તારમાં પોતાનો બંગલો બાંધ્યો. અંગ્રેજો સાથે મીઠા સંબંધ. એટલે જે રસ્તા પર તેમનો બંગલો હતો તેને અંગ્રેજોએ તેમનું નામ આપ્યું. પણ ‘ગણબા’ના અંગ્રેજી ઉચ્ચાર પ્રમાણે નામ આપ્યું Gunbow Street. વખત જતાં આ વાત વિસરાઈ ગઈ. કેટલાક માનવા લાગ્યા કે આ કોઈ અંગ્રેજનું નામ હશે. આઝાદી પછી જ્યારે મુંબઈના રસ્તાઓનાં પાટિયાં પરથી અંગ્રેજોનાં નામ ભૂંસીને નવાં નામ લખાવા લાગ્યાં ત્યારે આ રસ્તો બની ગયો રુસ્તમ સીધવા માર્ગ. નામ બદલવાની નેતાઓની હોંશમાં એક મરાઠી માણૂસનું નામ ભૂંસીને તેની જગ્યાએ એક પારસીનું નામ લખાઈ ગયું!

બોરા બજાર સ્ટ્રીટ, ૧૮૭૫માં

  ખેર! સમયના રસ્તે આપણે ઘણા આગળ નીકળી ગયા. પાછા જઈએ જેરાલ્ડ ઓંગીઆરે બંધાવેલા વિશાળ મકાન પાસે. બોરા બજાર સ્ટ્રીટ પર આવતા-જતા લોકોને રોજ દેખાય જેલમાં પુરાયેલા ગુનેગાર કેદીઓ. કારણ જેલના આગલા ભાગમાં સળીઆ જડેલા હતા અને એ સળીઆ પાછળ ઊભેલા કેદીઓ રસ્તા પરથી આવતા-જતા લોકો પાસે ભીખ માગતા! પણ કેમ? કારણ એ વખતે અહીં જ નહિ, ગ્રેટ બ્રિટનમાં પણ નિયમ એવો હતો કે જેલમાં રહેવા-ખાવાનો ખરચ કેદીઓએ પોતે સરકારને ચૂકવવો પડે! એ સળીઆવાળી જગ્યાની પાછળ નાની ઓરડીઓ હતી જેમાં કેદીઓ રાતે સૂઈ શકતા. તેની પાછળ બે હોલ હતા. જેમાં કેદીઓ જમતા, કસરત કે મજૂરીના કામ કરતા. 

જેલની જાળીમાંથી લંબાતા હાથ 

જેલની પાછળના ભાગમાં હતું વિશાળ કોર્ટ હાઉસ. જ્યાં બ્રિટિશ શાસનની પહેલી અદાલત બેસતી. એ અદાલતમાં બાર અંગ્રેજ ન્યાયાધીશોની નિમણૂક ઑંગીઆરે કરેલી અને તેઓ પોતે ગવર્નર ઉપરાંત ચીફ જસ્ટીસ પણ હતા. કોર્ટ હાઉસની પાછલી બાજુએ વિશાળ પોર્ચ બાંધેલો હતો જેમાં થઈને કોર્ટ હાઉસમાં દાખલ થવાતું. છેલ્લા પાછલા ભાગમાં નાનાં મોટાં ગોડાઉન હતાં જેમાં જાતભાતનો સરકારી સામાન સંઘરાતો. પાછલી બાજુના દરવાજામાંથી આ સામાનની આવા-જા થતી. ૧૮૦૩ની આગમાં આ વિશાલ ઈમારતનો ઘણોખરો ભાગ બળીને ખાક થઈ ગયો હતો. તેમાંનો કેટલોક ભાગ ફરીથી બાંધવામાં આવેલો.

મલબાર હિલ પરથી દેખાતી કોટમાં લાગેલી આગ (૧૮૦૩)

ક્યારે, અને શા માટે, એ તો ચોક્કસ જાણવા મળતું નથી પણ આ બધી ઇમારતો સરકારે વેચી નાખી અને એ ખરીદનાર હતા મૂસા માપલા નામના ધનાઢ્ય વેપારીના વડવાઓ. આ મૂસા માપલા હતા એ જમાનાના મોટા વેપારી. અંગ્રેજોના માનીતા. કહેવાય છે કે એક વખત કોટ વિસ્તારની ઘણીખરી જમીન આઠ જમીનદારોની માલિકીની હતી, અને એ આઠમાંના એક હતા મૂસા માપલા. તેમણે આ જગ્યામાં નાનાં-મોટાં મકાનો બાંધીને માપલાઓને મોટી સંખ્યામાં વસાવ્યા. તેથી એ મકાનો ‘માપલા પોર’ તરીકે ઓળખાયા. આજની ભાષામાં કહીએ તો આ માપલા પોર એક Gated Community હતું. અને હા, તેના નામમાંના ‘પોર’નો સંબંધ સંસ્કૃતના ‘પુર’ સાથે નહિ, પણ ગુજરાતીના ‘પોળ’ શબ્દ સાથે છે. 

ઓંગીઅરે બંધાવેલા વિશાળ મકાનમાંથી જેલ ક્યારે અને શા માટે ખસેડવી પડી એ જાણવા મળતું નથી. પણ ત્યાંની જેલ બંધ થયા પછી કેદીઓને ડોંગરીના કિલ્લામાં રાખવામાં આવેલા. ૧૭૨૮માં મુંબઈના ન્યાયાધીશોએ સરકારને દરખાસ્ત મોકલી કે ૨,૦૦૦ રૂપિયાના ખર્ચે ડોંગરીના કિલ્લાના એક ભાગને જેલ બનાવી શકાય તેમ છે. અલબત્ત, લંડનમાં બેઠેલા બડેખાંઓએ આવો ખરચ કરવાનો નનૈયો ભણી દીધો. એટલે મુંબઈના ગોરા અને બીજા કેટલાક રહેવાસીઓ પર ટેક્સ નાખીને આ રકમ ઊભી કરવાનું નક્કી થયું. જો કે પછી કોઈક કારણસર ડોંગરીના કિલ્લાને જેલ તરીકે વાપરવાને બદલે ૫,૦૦૦ રૂપિયાના ખર્ચે કિલ્લાની બાજુમાં જેલ માટે નવું મકાન બાંધવામાં આવ્યું.

પણ ૧૭૩૯માં મરાઠા લશ્કર ડોંગરીના કિલ્લા પર ચડાઈ કરે એવો ભય ઊભો થયો. ત્યારે એ મકાન ખાલી કરવામાં આવ્યું. મોદી નામના કોઈ શખસ પાસેથી તેનું મકાન મહીને ૨૫ રૂપિયાના ભાડે રાખીને કેદીઓને ત્યાં ખસેડવામાં આવ્યા. કેદીઓને ખાધાખોરાકી પૂરી પાડવાની જવાબદારી પણ એ મકાન માલિકને સોંપવામાં આવી. વખત જતાં ભાડા પેટે ૧,૭૪૨ રૂપિયા અને ખાધાખોરાકી પૂરી પાડવા પેટે ૧,૦૩૬ રૂપિયાનું બિલ મોદીએ સરકારને મોકલ્યું. પણ સરકારે આ બિલ પેટે ફક્ત ૩૯૮ રૂપિયા ૩ આના ૯ પાઈની જ રકમ ચૂકવી! જો કે લાંબી લખાપટ્ટી પછી સરકારે બાકીની રકમ પણ ચૂકવી દીધી. પણ ૧૭૪૫માં આ મકાન જર્જરિત થઈ ગયું છે અને તેને રિપેર કરવાની જરૂર છે એમ સરકારને લાગ્યું. પણ સમારકામ પેટે એક ફદિયું પણ ખરચવાની મકાન માલિક અને સરાકાર, બન્નેએ ના પાડી દીધી. એટલે જેલને મરીન યાર્ડમાં ખસેડવાનું નક્કી થયું. પણ બ્રિટિશ નૌકાદળના અધિકારીઓએ આ અંગે નનૈયો ભણી દીધો. એટલે પછી કેદીઓને ડોંગરીના કિલ્લાના એક જર્જરિત ભાગમાં રાખવામાં આવ્યા. ૧૭૬૯માં એ કિલ્લો તોડી પાડવાનું નક્કી થયું ત્યારે ન છૂટકે નૌકાદળના અધિકારીઓ કેદીઓને મરીન યાર્ડમાં રાખવા તૈયાર થયા. પણ એ જગ્યા બહુ નાની હોવાથી ફોર્ટ જ્યોર્જના અમુક ભાગને જેલ તરીકે વાપરવાની દરખાસ્ત રજૂ થઈ. આ અંગેના ખરચનો અંદાજ તૈયાર કરવા માટે સરકારી ઇજનેરને જણાવાયું. ૧૭૭૮માં ઈજનેરે રૂ.૧૬,૨૫૨ અને ૩ આનાનો અંદાજ આપ્યો જે જોતાં વેંત એ દરખાસ્તને અભરાઈએ ચડાવી દેવાઈ. હવે સરકારને તુક્કો સૂઝ્યો કે આટલા ખરચમાં તો શહેરમાં ક્યાંક સારી જગ્યાએ જેલનું મકાન બાંધી શકાય. છેવટે ૧૭૯૯માં સરકારે ઉમરખાડી ખાતે જમીનનો પ્લોટ ખરીદ્યો અને ત્યાં જેલનું નવું મકાન બાંધવાનું શરૂ કર્યું. ૧૮૦૪માં એ પૂરું થયું.

આ બધી જેલોમાં ગુનેગારોને કેવી કેવી સજા થતી એની વાતો હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 10 જાન્યુઆરી 2026

Loading

હું એકની એક

પ્રવીણા અવિનાશ, પ્રવીણા અવિનાશ [પ્રેષક : સુરેશ જાની]|Opinion - Opinion|10 January 2026

જીદ્દી, ઝઘડાળુ, અહંકારી સ્ત્રી. ગમે તેટલી શિક્ષા પ્રાપ્ત કરી હોય, પરિણામ –  ‘શૂન્ય’.

‘સ્ત્રી’, તને કળવી નામુમકિન છે. તું કેટલા પાત્ર સફળતાપૂર્વક ભજવી શકે છે. એવું એક પણ પાત્ર નથી કે આજે ૨૧મી સદીમાં તેં ન ભજવ્યું હોય.

‘ગીતા પર હાથ મૂકીને કહું છુંહું પણ એક સ્ત્રી છું.’

સ્ત્રીની સંવેદના બરાબર સમજી શકું છું. સ્ત્રી પ્રત્યે આદર અને સન્માનની લાગણી ધરાવું છું. સાચું કહીશ, તેના અવનવા પાત્રથી ત્રાહિમામ્‌ પોકારી ગઈ છું. ઘણીવાર મનમાં થાય છે, ‘શું ખરેખર એક સ્ત્રી આવું કરી શકે ખરી’ ? ‘સ્ત્રીનો જો ખરેખર દુ:શ્મન કોઈ હોય તો તે બીજી સ્ત્રી છે’. મારા મત પ્રમાણે આ સનાતન સત્ય છે.

દીકરીનો મા પ્રત્યે આંધળો પ્રેમ! પછી ભલે મા, કાવાદાવા અને કુટિલતાનું શિક્ષણ આપતી હોય! સાસુ અને વહુ, સારા જગતમાં સહુથી ‘બદનામ’ સંબંધ. તેમાં ઘણીવાર સાસુનો બેફામ ત્રાસ યા તો વહુના સાસુ પર અત્યાચાર. બંને રીતે આ કથન સત્ય છે.

૮૦ વર્ષની ઉંમર થઈ, એક પણ સંબંધ જોયો નથી, જ્યાં સાસુ અને વહુને પ્રેમ હોય, યા મા દીકરીને સાચી શિખામણ આપતી હોય ! ‘સ્વાર્થથી ઉભરાતી આ દુનિયામાં સઘળું હોવા છતાં પણ ‘સંતોષ’નો અભાવ. મનમાં થાય છે ‘હે પ્રભુ, સંસારમાં મોકલી આ કેવી માયા રચી છે ! તેમાં રહેવું હિતાવહ નથી, તેમાંથી બહાર નીકળવાનો માર્ગ જડતો નથી’.

‘સ્ત્રી’ કેટલા પાત્ર ભજવી શકે છે. માતાના પાત્રમાં તે ભગવાનની સમાન ગણાય છે. કિંતુ એ માતા જો સ્વાર્થી અને પતિને સદા દુ:ખ આપતી હોય તો તેને શું કહીશું ? પતિને પલ પલ ઘાયલ કરે. સામે બોલે. ઝઘડા સિવાય દિવસ પૂરો ન થાય તેવી સ્ત્રીનો ઈલાજ શો ? મારું માનો તો “છૂટાછેડા’. પ્રશ્ન આવીને ઊભો રહે, બાળકોનો? બાળકો સમજુ હોય તો ન્યાયનો પક્ષ લે ! તે માતાના સંસ્કાર પર આધારિત છે !

આજની સ્ત્રી માત્ર રસોડાની રાણી નથી ! હજુ ગઈ કાલની વાત છે. બહેનપણીઓ મળી હતી, ‘મને રસોઈ કરવી ગમતી નથી,’ બીજી કહે ,હું ધીરે ધીરે રસોડું બંધ કરીશ !’ મનમાં થયું, આ પાપી પેટ ક્યાં મૂકી આવશો ?’ રસોડા પ્રત્યે આટલી બધી નફરત ? કારણ શોધ્યું જડતું નથી ! શું રોજ સવાર સાંજ બહારનું ખાશે ?

નવી પેઢીની યુવતીઓ તો હદ પાર કરી. એક ક્ષેત્ર એવું નથી જ્યાં સ્ત્રી પોતાની આગવી પ્રતિભા ન ધરાવતી હોય ? આનંદ તેમ જ ગૌરવની વાત છે. સાથે સ્વીકારવું રહ્યું કે ‘માતા’ માત્ર સ્ત્રી બની શકે છે. આ તેમનું સૌભાગ્ય છે. જે પુરવાર કરે છે, ‘સ્ત્રી પુરુષ કરતાં મહત્ત્વનું પાત્ર છે’. એ સાથે પુરુષની અવગણના પણ ન કરી શકાય. તેના વગર માતૃત્વ પ્રાપ્ત કરવું દુર્લભ છે.

બધી સ્ત્રી નસીબદાર નથી હોતી કે સંસારમાં પ્રતિભા અને હોદ્દો પ્રાપ્ત કરી શકે. તેના અનેક કારણો હોઈ શકે. જેની ચર્ચા કરવાથી કોઈ ફાયદો થવાનો નથી. તેનો અર્થ એ નથી કે એવી સ્ત્રીઓ સંસારમાં ઝળકી શકે નહીં. તેનું કાર્ય, તેનું વર્તન અને વાણી કોઈ પણ સ્ત્રીને સફળતાના શિખરે બેસાડી શકે છે.

જ્યારે વાત કરીએ સ્ત્રીની, સ્ત્રી કદાચ નાની ઉંમરમાં પતિનો સાથ ગુમાવી બેઠી હોય. સંજોગોને કારણે લગ્ન ન કર્યા હોય. ખૂબ ઈજ્જતથી આજના સમાજમાં જીવવું શક્ય છે. ‘લોકો શું કહેશે’ ? એ વાક્ય પ્રત્યે બેદરકાર રહેવું. તમારી જિંદગી છે. તમારી મરજી મુજબ જીવો. કોઈના આશરે નથી. બસ ખેલ ખતમ !

‘સ્ત્રી’ કુદરતનું અનોખુ સર્જન છે. તેના વિશે લખવા બેસીએ તો સમય અને કાગળ બંને પૂરતા નથી. મનની વેદનાને વાચા આપી છે. સંસારમાં જ્યારે કોઈ સહારો ન હોય ત્યારે આ લેખન કળા વહારે ધાય છે.

e.mail : pravinammody@gmail.com

Loading

...102030...48495051...607080...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved