Opinion Magazine
Number of visits: 9457068
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જોહાત્સુ: ચલ કહીં દૂર નિકલ જાયેં …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|19 August 2024

જર્મનીના એન્ડ્રીસ હર્ટમેન અને જાપાનની અરાટા મોરિ નામના બે સ્વતંત્ર ફિલ્મ સર્જકોએ તાજેતરમાં એક અનોખી ડોક્યુમેન્ટરી બનાવી છે. તેનું નામ છે ‘જોહાત્સુ : ઈન્‌ટુ થિન એર.’ જોહાત્સુ એક અનોખો જાપાની શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘વરાળ બનીને ઊડી જવું’. ફિલ્મના શિર્ષકનો અર્થ પણ એવો જ થાય છે, ‘હવામાં ગાયબ થઇ જવું.’

એવું કહેવાય છે કે જાપાનમાં દર વર્ષે એક લાખ લોકો આવી રીતે ગાયબ થઇ જાય છે. વાસ્તવિક સંખ્યા એથી પણ વધારે હોવી જોઈએ, કારણ કે જોહાત્સુ શરમજનક બાબત છે અને ઘણાં પરિવારો પોલીસમાં જાણ કરવાનું ટાળે છે. આવી ઘટનાઓ માટે ‘જોહાત્સુ’ શબ્દ પ્રચલિત થયો હતો.

લોકો અલગ અલગ કારણોસર જોહાત્સુ કરે છે. જેમ કે, ડિપ્રેશન, વ્યસન, જાતીય નપુંસકતા, એકલા રહેવાની ઈચ્છા, ઘરેલું ઝઘડા, દેવું, છૂટાછેડા અથવા બેરોજગારી. 

રાજ ગોસ્વામી

આ શબ્દ એવા લોકો માટે વપરાય છે જે કોઈ સગડ છોડ્યા વગર તેમના વર્તમાન જીવનમાંથી અદૃશ્ય થઇ જાય. 1960ના દાયકામાં લોકો દુઃખી લગ્નજીવનથી ત્રાસીને ઘર છોડી દેતા હતા તેના માટે આ શબ્દ વપરાતો હતો, પરંતુ 80ના દાયકામાં જાપાન તેની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે લોકો પાસે તનતોડ મહેનત કરાવતું હતું, ત્યારે આર્થિક કે પારિવારિક તનાવોથી થાકી-કંટાળીને અમુક લોકો ઘરમાંથી અને કંપનીમાંથી અચનાક ગાયબ થઇ જવા લાગ્યા હતા, અને એક નવી જ ઓળખ સાથે નવેસરથી જીવન શરૂ કરતા હતા. 

1980ના દાયકા વેળા જાપાન તેજ ગતિએ આગળ વધી રહ્યું હતું. નિષ્ણાતો એવું માનવા લાગ્યા હતા કે જો જાપાનની ગતિ આટલી ઝડપી હશે તો તે મહાસત્તા અમેરિકાને વટાવી જશે. જાપાનની સરકાર પણ આવી જ ઉતાવળમાં હતી. તેણે મોટા ટેકનોલોજિકલ માંધાતાઓ અને કોર્પોરેટ કંપનીઓ સાથે સહયોગ કર્યો હતો, કારણ કે  દેશને ઝડપી ગતિએ પ્રગતિના માર્ગ પર લઇ જવો હતો.

પરિણામે બજારમાં એવા લોકોની માંગ વધવા લાગી હતી, જેઓ પોતાનું કામ કરવામાં કુશળ હોય. સરેરાશ નહીં, પરંતુ શ્રેષ્ઠ હોય. જાપાનના દરેક યુવાન એકબીજાને પછાડવાની ગળાકાપ સ્પર્ધામાં હતા. એમાં ઘણા શ્રેષ્ઠ યુવાનોને સારી નોકરીઓ મળી હતી. ઓછા સક્ષમ અને સરેરાશ યુવાનો પાસે નાની નોકરીઓ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. તેઓ ડિપ્રેશનમાં જવા લાગ્યા, લોકોથી અલગ રહેવા લાગ્યા. તેઓ સામાજિક અને માનસિક રીતે કટ ઓફ થઇ ગયા હતા.

જાપાનમાં આવા લોકો માટે હિકિકોમોરી શબ્દનો ઉપયોગ થાય છે; એક અસહાય વ્યક્તિ જે નિરાશાનું જીવન જીવે છે. જાપાનમાં આવા લોકોની સંખ્યા હાલમાં 15 મિલિયન છે. જો કે આ માત્ર સરકારી આંકડા છે, પરંતુ વાસ્તવમાં આ આંકડો ઘણો વધારે છે. આમાંના કેટલાક હિકિકોમોરી અદૃશ્ય થઈ જાય છે.

આપણે ત્યાં, ભારતીય સમાજમાં પણ, ઘર છોડીને જતા રહેવાની ઘટનાઓ બનતી રહે છે, પરંતુ એવા લોકો કાં તો સાધુ-બાવા બની જાય છે અથવા ભિખારી બની જાય છે. જાપાનમાં અલગ છે. ત્યાં લોકો ઘર-પરિવાર, નોકરી, નામ અને દેખાવ સુદ્ધાં બદલી નાખીને નવી ઓળખ સાથે જીવન શરૂ કરે છે.

જાપાનમાં જોહાત્સુ કરવું સરળ છે કારણ કે જાપાનીસ સમાજ ગોપનીયતા અને વ્યક્તિગત સ્વતંત્રતાનું બહુ સન્માન કરે છે અને એક વ્યક્તિ તેની ઈચ્છા થાય ત્યારે જતી રહી શકે અને પાછી આવી શકે છે.

ગાયબ થઇ ગયેલા લોકો આસાનીથી બેંકોમાં નાણાંનો વ્યવહાર કરી શકે છે અને તેમના પરિવારોને તેમની માહિતી આપવામાં નથી આવતી. જાપાનમાં પર્સનલ ડેટા પ્રોટેકશન એક્ટનો અમલ બહુ કડકાઈથી થાય છે અને પોલીસ પણ ત્યારે જ દરમિયાનગીરી કરે, જ્યારે અપરાધ થયો હોય અથવા અકસ્માત થયો હોય. સ્વેચ્છાએ જતા રહેલા લોકોને પોલીસ શોધતી નથી. 

પરિવાર સદ્ધર હોય તો વધુમાં વધુ ખાનગી ડિટેક્ટિવની મદદ લઇ શકે. ઈમિગ્રેશન અધિકારીઓ કે બેંક કોઈ પણ પરિસ્થતિમાં કોઈને પણ, ત્યાં સુધી કે પરિવારને પણ ગ્રાહકનો ડેટા આપતી નથી, એટલે ખાનગી ડિટેક્ટિવનું કામ પણ ઘણું સીમિત હોય છે. 

2020માં, બી.બી.સી.ના એક અહેવાલમાં, સુગીમોટો નામના 42 વર્ષના એક માણસે કહ્યું હતું, “હું માણસોથી તંગ આવી ગયો હતો. એક નાનકડી સુટકેસ ઉઠાવી અને ગાયબ થઇ ગયો. એક રીતે હું ભાગી છૂટ્યો હતો.” એ એક નાનકડા ગામમાં રહેતો હતો અને ત્યાં તેના અને તેના પરિવારના જાણીતા ધંધાના કારણે બધા તેને ઓળખતા હતા. સુગીમોટોને એ કામ કરવું નહોતું, પણ ‘લોકો શું કહેશે’ની શરમમાં તે પરિવારની લાજે કામ કરતો હતો. એમાં તે થાકી ગયો, અને એક દિવસ કોઈને કહ્યા વગર કાયમ માટે ક્યાંક જતો રહ્યો.

જાપાનમાં એવી કંપનીઓ પણ છે જે લોકોને ગાયબ થઇ જવામાં મદદ કરે છે. તેને ‘નાઈટ મૂવિંગ’ કહે છે – કોઈને ગંધ ન આવે તે રીતે રાતોરાત અદૃશ્ય થઇ જવાનું હોય છે એટલે નાઈટ મૂવિંગ. કંપનીઓ લોકોને ખાવા-પીવા, રહેવાની, નવી ઓળખ ધારણ કરવામાં અને કામધંધો આપવામાં મદદ કરે છે. તે સરકારમાં પત્રવ્યવહાર કરીને ગાયબ થનારી વ્યક્તિની ઓળખ છુપી રાખવાનું કામ પણ કરતી હોય છે.

જાપાની સમાજને ‘સેકેન્ટી’ કહે છે; જે સામાજિક ઓળખને બહુ મહત્ત્વ આપે છે અને જ્યાં લોકો તમને કેવી રીતે જુવે છે તે ગર્વની વાત હોય છે. લોકો પર સામાજિક શરમનો બહુ ભાર હોય છે. દાખલા તરીકે, કોઈ વ્યક્તિ કામધંધામાં નિષ્ફળ જાય અને પરિવારનું લાલનપાલન કરી ન શકે, તો તે સમાજમાં તે બહુ શરમની બાબત ગણાય. લોકો આવી શરમથી બચવા જોહાત્સુ કરતા હોય છે.

જાપાનમાં, માણસો વચ્ચેના સંબંધો ફરજ અને દાયિત્વથી બહુ પ્રભાવિત થાય છે. ફરજપરસ્ત સંબંધોમાં, એક વ્યક્તિની પોતાની શું ઈચ્છાઓ છે, તેના શું વિચારો છે અને તેને કેવું મહેસૂસ થાય છે તેનું મહત્ત્વ ઓછુ હોય છે અને બીજા લોકો શું ઈચ્છે છે અને તેમને કેવું લાગે છે તેનું મહત્ત્વ વધુ હોય છે. 

જાપાની સમાજમાં શરમ બહુ મોટી વસ્તુ છે. સમાજની અપેક્ષા પ્રમાણે વ્યક્તિ જો ન જીવે તો તેના તે શરમથી એટલી લદાઈ જાય છે કે આત્મહત્યા કરવા સુધી પહોંચી જાય છે. દાખલા તરીકે, કોઈ વ્યક્તિ પર અપરાધનો આરોપ હોય અને કોર્ટ તેને નિર્દોષ જાહેર કરે, તો પણ સમાજ તો તેને કલંકિત જ માનતો રહે છે.

તેના માટે જાપાનમાં એક કહેવત પણ છે; બહાર નીકળેલા નખને દાબી દેવો જોઈએ. અર્થાત, સૌએ સામાજિક અપેક્ષાઓ મુજબ જીવવાનું. લોકોને જ્યારે લાગે કે તો સમાજની આવી નિર્મમ અપેક્ષાઓ પર પાર ઉતરી શકતા નથી, ત્યારે તેઓ જોહાત્સુ કરતા હોય છે.

એવું નથી કે લોકો એકલા જ ગાયબ થઇ જાય છે. ઇચિરો નામનો માર્શલ આર્ટ માસ્ટર અને તેની પત્ની ટોમોકો ટોકિયો નજીક સાઈતમા નામના સમૃદ્ધ ટાઉનમાં રહેતાં હતાં. બંનેને ટિમ નામનો એક છોકરો થયો હતો. તેમના નામે એક ઘર હતું અને લોન લઈને રેસ્ટોરન્ટ ખોલી હતી. અચનાક બજારમાં મંદી આવી, અને પતિ-પત્ની દેવાં નીચે આવી ગયાં. તેમણે હવાતિયાં માર્યાં પણ મેળ ન પડ્યો, અને એક દિવસ ઘર-રેસ્ટોરન્ટ વેચીને, સામાન પેક કરીને બાળક સાથે ગાયબ થઇ ગયાં. કાયમ માટે. 

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 18 ઑગસ્ટ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઉમાશંકર જોશીની કાવ્યસૃષ્ટિ 

સુમન શાહ|Opinion - Literature|19 August 2024

મારુ પુસ્તક “ભક્ત-કવિ દયારામની કાવ્યસૃષ્ટિ” પ્રકાશિત હોવાછતાં વણવંચાયેલું રહી ગયું લાગે છે, તેમ “ઉમાશંકર જોશી સમગ્ર કવિતાના કવિ – એક પ્રોફાઇલ” પણ પ્રકાશિત હોવાછતાં અંધારામાં રહી ગયેલું લાગે છે. એના પણ કેટલાક અંશ અહીં રજૂ કરું છું :

ઉમાશંકર જોશીની કાવ્યસૃષ્ટિ —

૨૧ જુલાઇ ઉમાશંકર જોશીનો જન્મદિવસ. ૧૯૧૧-માં જન્મેલા. મને એમનું જ્યારે પણ સ્મરણ થાય, ત્રણ કારણે થાય :

પહેલું તો એ કે, જે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ હતા; જે ભાષા-સાહિત્ય ભવનના ડિરેક્ટર હતા; જે ગુજરાતી વિભાગના તેઓ અધ્યક્ષ હતા; એ સ્થળવિશેષે મેં મારી કારકિર્દીનાં ૪૦-માંથી ૨૭ વર્ષ અધ્યાપન કર્યું. લૅક્ચરર, રીડર, પ્રૉફેસર, હેડ અને પ્રૉફેસર ઇમૅરિટસ સ્વરૂપે સેવાઓ આપી. 

બીજું કારણ એવું કે ત્યારે ગુજરાતી સાહિત્યજગતમાં ‘સુરેશ જોષી’ અને ‘ઉમાશંકર જોશી’ એવી બે યુદ્ધ-છાવણીઓ નક્કી થઇ ગયેલી. જો કે લડી લેવા જેવું સાહિત્ય-યુદ્ધ તો હજી ય ક્યાં લડાયું છે? પરન્તુ ઉમાશંકર વડોદરા જતા ત્યારે સુરશભાઇને મળવાની તક કદી ચૂકતા નહીં. 

અમદાવાદવાળા મને ‘સુરેશ જોષીનો માણસ’ ગણે, પરન્તુ ઉમાશંકર સાથેનો મારો-અમારો સમ્બન્ધ ઉત્તરોત્તર ઘર-જેવો થઇ ગયેલો. બાકી, સાહિત્યકારો તો સુ.જો.-ઉ.જો.-ના મનઘડંત ભેદ રચીને કાં તો રાગદ્વેષનો અવારનવાર વિનિમય કરતા’તા અથવા તો મફતમાં મજા લૂંટતા’તા.

બેસતા વર્ષે તો બરાબર, પણ અમે — હું, રશ્મીતા, પૂર્વરાગ અને મદીર — અવારનવાર ઉમાશંકરને ત્યાં મળવા જતાં; અને સાંભળો, તેઓ પણ જ્યારે જ્યારે એમને અનુકૂળ હોય ત્યારે ત્યારે કૅમ્પસમાં અમારે ઘરે આવતા. એક વાર તો અમે એમને મળવા એમને ઘરે ગયેલાં તો જાણ્યું કે અમને મળવા એઓ ક્યારના નીકળી ગયા છે. પાછા જઇને જોયું તો કવિ આંગણામાં ખાટલે બેસી અમારા દીકરાઓ જોડે વાતોએ વળગેલા. 

મને યાદ રહી ગયો છે એમણે શાન્તિનિકેતનથી અમને બે વિભાગમાં લખેલો એક ભૂરો આન્તરદેશીય પત્ર. ડાબા વિભાગનો પત્ર મારા અને રશ્મીતા માટે હતો ને જમણા વિભાગનો અમારા દીકરાઓ પૂર્વરાગ અને મદીર માટે હતો. એ પત્રદ્વયની વાતે મને એમનાં સૉનેટદ્વય યાદ આવી ગયાં છે. સૉનેટ કાવ્ય ૧૪ પંક્તિનું હોય છે. ૧૪ સૉનેટની માળા હોય. બે સૉનેટની જોડી હોય. એને સૉનેટદ્વય કહેવાય. ઉમાશંકરે ખૂબ સૉનેટ લખ્યાં અને એમાં માળાઓ છે તેમ જ જોડીઓ પણ છે. 

એ સુખ્યાત સૉનેટદ્વયને સંભારું, બે રચનાઓ છે – ‘ગયાં વર્ષો તેમાં’ અને ‘રહ્યાં વર્ષો તેમાં’. કાવ્યનાયકનું આ વિસ્મય – 

‘ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં!’ 

અને એની આ પ્રાપ્તિ – 

’અહો હૈયું! જેણે જીવતર તણો પંથ જ રસ્યો!’ 

અને, રહ્યાં વર્ષો માટે નાયકે જાતને પાઠવેલો આ આદેશ – 

‘રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું 

ભલા પી લે; વીલે મુખ ફર રખે, સાત ડગનું

કદી લાધે જે જે મધુર રચી લે સખ્ય અહીંયાં; 

નથી તારે માટે થઇ જ નિરમી ‘દુષ્ટ’ દુનિયા. 

અહો નાનારંગી અજબ દુનિયા! શેં સમજવી?’  

ત્રીજું કારણ એ કે કવિ ઉમાશંકર મારા રસનો વિષય રહ્યા છે. કારકિર્દીનાં છેલ્લાં બે વર્ષ હું પ્રોફેસર ઇમૅરિટસ હતો એ અન્વયે મેં એમની પદ્યરચનાનું સઘન અધ્યયન કર્યું હતું. “સમગ્ર કવિતા”-ના પ્રકાશનને બીજે જ વરસે, ૧૯૮૨માં, મેં એમની ‘સમગ્ર કવિતા’-ની એક જુદી જ ઢબની સમીક્ષા કરી છે, જે પુસ્તિકા રૂપે પ્રકાશિત છે, જુઓ, “ઉમાશંકર સમગ્ર કવિતાના કવિ, એક પ્રોફાઇલ” – સુમન શાહ : ચન્દ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ, ૧૯૮૨. 

(ક્રમશ:)
(18 Aug 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હવેના પ્રિન્સિપાલને પ્રિન્સિપલ હોય જ તે અનિવાર્ય નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 August 2024

રવીન્દ્ર પારેખ

કોલકાતાની આર.જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની ટ્રેઈની ડૉક્ટર પર રેપ અને મર્ડરની ઘટનાએ આખા દેશના તબીબી આલમમાં ખળભળાટ મચાવી દીધો છે ને ઠેર ઠેર હડતાળ અને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે, તે એ હદે કે સુપ્રીમ કોર્ટે કાલે ટ્રેઈની ડોક્ટરની બળાત્કાર-હત્યા કેસનું પોતે સંજ્ઞાન લીધું છે. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની બેન્ચ 20 ઓગસ્ટે સવારે સાડા દસે આ કેસની સુનાવણી કરશે. બીજી તરફ કેન્દ્ર સરકારે પણ ડોકટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સમિતિ રચવાની જાહેરાત કરી છે. આઇ.એમ.એ. – ઇંડિયન મેડિકલ એસોસિએશને પણ 17 ઓગસ્ટે ચોવીસ કલાકની દેશભરમાં હડતાળ પાડી છે. ડેન્ગ્યુ અને મેલેરિયાના વધી રહેલા કેસને કારણે સંબંધિત મંત્રાલયે ડૉક્ટર્સને ફરજ પર હાજર થવા વિનંતી પણ કરી છે, તો, હડતાળ અને વિરોધ વાજબી હોવા છતાં, ઓ.પી.ડી. અને સર્જરી પ્રભાવિત થાય એ પણ ઈચ્છવા જેવું નથી. આમાં કશોક સુધારો થાય એવું જરૂર ઇચ્છીએ, એ સાથે જ દેશભરમાં ઊઠેલો વિરોધ એમ જ શમી જાય એવું પણ કોઈ ન ઈચ્છે. સાધારણ રીતે બળાત્કાર અને હત્યાના કિસ્સાઓ અંગેનો વિરોધ મોટે ભાગે વાંઝિયો જ રહી જવા પામે છે, એ સ્થિતિમાં આટલો પ્રચંડ વિરોધ કોઈ પરિણામ વગર જ શમી જાય એ પણ ઠીક નથી. વિરોધનો આ અગ્નિ પ્રજ્વલિત રહે એવું કોઈ પણ ઇચ્છશે, કારણ નિર્ભયા કાંડ અને તાલિમી તબીબની બળાત્કાર અને હત્યાની ઘટના આ દેશની પ્રજાએ કદી ભૂલવા જેવી નથી. તેનું એક કારણ કોલકાતા કોલેજ અને હોસ્પિટલની જે ગતિવિધિ બહાર આવી છે, એ આ ઘટનાનો છેદ ન ઉડાવે તો જ નવાઈ !

ટૂંકમાં, આખી હોસ્પિટલનો કારભાર પારદર્શી નથી. તેના પ્રિન્સિપાલ, કોલેજ અને હોસ્પિટલના ભગવાન હોય તેમ આખી સંસ્થા પર એકચક્રી શાસન ભોગવી રહ્યા છે ને તેમની એટલી વગ તો છે જ કે બળાત્કારની ઘટનાને આત્મહત્યામાં ખપાવી શકે. મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષ પર ભ્રષ્ટાચારના આરોપ છે. તેમની બે વાર ટ્રાન્સફર કરવામાં આવી, પણ તે રોકવામાં તેમને સફળતા પણ મળી, એ બતાવે છે કે તેમનો પ્રભાવ કેટલો હશે. તેમણે કેટલાક જુનિયર્સને હાથ પર રાખ્યા છે ને તેમની મદદથી તેમની સામેના વિરોધને પહોંચી વળવાનો તેમને વાંધો નથી આવતો. તેમની સામે જુનિયર્સને ઘણા વાંધા છે, પણ તેમને એકથી વધુ વખત પરીક્ષામાં નાપાસ કરીને તેમની કેરિયર સામે જોખમ ઊભું કરવાની તેમને ફાવટ છે. હોસ્પિટલના બાયો-મેડિકલ વેસ્ટના નિકાલમાં પણ કૌભાંડ છે.

આર.જે. કર મેડિકલ કોલેજના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટની વિનંતીથી તપાસ સમિતિ રચવામાં આવી. ડૉ. સંદીપ ઘોષના માણસો મેડિકલ વેસ્ટની હેરાફેરી કરીને કમાણી કરતા હતા. જે દિવસે તેમણે રિપોર્ટ સબમિટ કર્યો, એના એક જ કલાકમાં તેમની બદલી કરી નાખવામાં આવી. બદલી ઘોષની થવી જોઈતી હતી, તેને બદલે ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટની થઈ. એકત્રીસ વર્ષીય ટ્રેઈનીની રેપ અને હત્યાની એવી ભયંકર વાતો સામે આવી છે કે જે પણ આમાં સંડોવાયા છે, એમનો કેસ ચલાવ્યા વગર જ જાહેરમાં નિકાલ કરી નાખવો જોઈએ, એવું કહેવાનું પ્રાપ્ત થાય છે. એ ટ્રેઈનીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના પ્રાઇવેટ પાર્ટ પર ઊંડો ઘા હોવાનું ખૂલ્યું છે. તેનું ગળું એટલું દબાવવામાં આવ્યું કે થાઈરૉઈડનું કાર્ટિલેજ તૂટી ગયું. તેનાં શરીર પર ઠેર ઠેર ઇજાનાં નિશાન હતાં. તેના ચહેરા પર એટલો ત્રાસ વર્તાવવામાં આવ્યો કે ચશ્માંનો કાચ તૂટીને તેની આંખોમાં ઘૂસી ગયો. આટલું વીતાડવામાં આવ્યું તે પછી પણ હોસ્પિટલ દ્વારા ટ્રેઈની ડોક્ટરના પરિવારને એમ કહેવામાં આવ્યું કે તેણે આત્મહત્યા કરી છે, એ બતાવે છે કે આ હોસ્પિટલ કેટલી નિર્લજ્જ અને નિષ્ઠુર છે. એક આરોપી સંજય રૉયનો ગઈ કાલે નાર્કો ટેસ્ટ કરવાની વાત હતી. અહીં સવાલ એ થાય કે આટલી બર્બરતા ટ્રેઈની સામે કેમ આચરવામાં આવી? તેનો જવાબ એ કે ટ્રેઈની હોસ્પિટલનાં એવાં રહસ્યો જાણતી હતી જે હોસ્પિટલ માટે પ્રશ્નો ઊભા કરે એમ હતું.

આ કેસની તપાસ સી.બી.આઈ.ને સોંપવામાં આવી છે ને તેને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે માનવ અંગોના ગેરકાયદે વેપારનો પર્દાફાશ રોકવા જ કદાચ ટ્રેઈની ડૉક્ટરનો નિકાલ કરી નાખવામાં આવ્યો છે. સી.બી.આઇ.એ 19 જણની તપાસ કરી, એમાં માનવ અંગોની તસ્કરીનો મુદ્દો સામે આવ્યો. બળાત્કાર એટલે કરવામાં આવ્યો કે તે વાત આગળ થાય તો સેકસ અને ડ્રગ્સ રેકેટનો મુદ્દો ઢંકાયેલો રહે. 3 ડૉક્ટર અને એક હાઉસ સ્ટાફ સહિત 4 લોકો પર સેકસ-ડ્રગ્સ રેકેટ ચલાવવાનો આરોપ છે. આ ચારેય રાજકીય પક્ષો સાથે સંકળાયેલા છે. પીડિતાને આ અંગે શંકા હતી, તેણે એ અંગે સ્વાસ્થ્ય ભવનમાં ફરિયાદ પણ કરી હતી, પણ ત્યાં આરોપીઓનો પ્રભાવ એટલો હતો કે કોઈ જ પરિણામ આવે એમ ન હતું, એટલે તે સોશિયલ મીડિયા પર એ અંગે ખુલાસો કરવાની પેરવીમાં હતી, પણ તે પહેલાં જ તેનો શિકાર કરી નાખવામાં આવ્યો.

આ કેસની તપાસ કરી રહેલ સી.બી.આઈ.એ ડૉ. ઘોષને વારંવાર પૂછપરછ માટે બોલાવ્યા, પણ તેઓ હાજર થયા નહીં ને છેવટે 16 ઓગસ્ટે સી.બી.આઈ.એ તેમને કસ્ટડીમાં લીધા. પ્રિન્સિપાલ બનવામાં તેમનો ક્રમ આમ તો સોળમો હતો, પણ તેઓ રાતોરાત પહેલા ક્રમે આવી ગયા. એટલે કે અગાઉના 15 જણાનો હક મારીને ડૉ. સંદીપ ઘોષ પ્રિન્સિપાલ બન્યા. તેમની બદલીનો બે વખત ઓર્ડર થયો, પણ તેમને આજ સુધી કોઈ હટાવી શક્યું નથી તે હકીકત છે. તેમનો એક વિદ્યાર્થી નીટનો ટોપર હતો, તેને ડૉ. ઘોષે ઘણી વખત ફેલ કર્યો, એટલું જ નહીં, તેને ઘણી વખત સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો. તે એટલા માટે કે તે ડૉ. ઘોષની સામે પડ્યો હતો. તેને મારી નાખવાની ધમકી અપાઈ અને એવી સ્થિતિ ઊભી કરવામાં આવી કે તેણે આત્મહત્યા કરવાની કોશિશ કરી. આવી વ્યક્તિને પ્રિન્સિપાલ બનાવવાનો એક જ હેતુ હતો અને તે પૈસા વસૂલવાનો. આ એક આવડતને લીધે, ડૉ. ઘોષની બીજી બધી એબ ઢંકાઈ જતી હતી.

31 મે, 2023 ને રોજ પશ્ચિમ બંગાળ સરકારે આર.જી. કર મેડિકલ કોલેજના નવા પ્રિન્સિપાલ તરીકે ડો. સનથ ઘોષની નિમણૂક કરવાનો આદેશ બહાર પાડ્યો, પણ ચોવીસ કલાકમાં જ ટ્રાન્સફર ઓર્ડર બદલવામાં આવ્યો ને ડો. સંદીપ ઘોષ આચાર્ય તરીકે ચાલુ રહ્યા, એ બતાવે છે કે સરકારના આદેશની પણ કેવી રીતે ઐસી તૈસી થઈ શકે છે ! એ પછી 11 સપ્ટેમ્બર, 2023 ને રોજ ડો. ઘોષને મુર્શીદાબાદ કોલેજમાં ટ્રાન્સફર કરવાનો ઓર્ડર કર્યો, તો કેટલાક વિદ્યાર્થીઓએ તેનો વિરોધ કર્યો ને 9 ઓકટોબર, 2023 ને રોજ ડો. ઘોષને ફરી સ્થાપવામાં આવ્યા. મતલબ કે આ વખતે પણ આરોગ્ય સચિવે પીછેહઠ કરવી પડી. ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટને જાણ કરી, એન્ટિ કરપ્શન બ્યુરોને પત્ર લખ્યો, મમતા બેનર્જીના ઓ.એસ.ડી.ને મળ્યા, પણ ફેર એટલો પડ્યો કે પછી ધમકી ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટને મળવા લાગી. સંદીપ ઘોષ ખાનગી હોસ્પિટલોમાં લાવારિસ મૃતદેહો આપતા હતા, શબ પરીક્ષણ માટે આવતા મૃતદેહોનો ઉપયોગ મૃત્યુ પામેલાં લોકોનાં માતાપિતાની સંમતિ વગર જ પ્રેક્ટિકલ માટે કરતા હતા. પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીને પાસ કરવાના 8થી 10 લાખ વસૂલાતા હતા. એમ.બી.બી.એસ. પાસ થવાનો ભાવ 3 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. તેમની હાથ નીચેના 10થી 12 જુનિયર ડોકટરો દારૂ સપ્લાય કરવામાં પણ સંડોવાયા હતા. ટી.એમ.સી.ના પૂર્વ રાજ્યસભા સાંસદ શાંતનુ સેને પણ આરોપ મૂક્યો છે કે ડૉ. ઘોષ તેમના જૂથ દ્વારા કોલેજ ચલાવતા હતા. આટલું થતું હોય ને પુરાવા નાબૂદ કરવાને ઇરાદે ટોળાં દ્વારા તોડફોડ કરવામાં આવે, તો તેટલાથી કેટલોક ફેર પડે?

કોલકાતાની મેડિકલ કોલેજ અને હોસ્પિટલની આ ઘટના એટલું સૂચવે છે કે કોલેજો હવે વિદ્યાધામોને બદલે અનીતિ અને અન્યાયના અડ્ડાની ગરજ સારે છે. કોલકાતા જેવી જ બીજી મેડિકલ કે અન્ય કોલેજો પણ હશે, જ્યાં શિક્ષણ કેન્દ્રમાં નહીં હોય ! મૂલ્યો, આદર્શો, સિદ્ધાંતોનું શિક્ષણ વિદ્યાર્થીઓને અપાઈ ન જાય એની શૈક્ષણિક સંસ્થાઓ હવે કાળજી રાખે છે. નાનામાં નાની સંસ્થામાં પણ પારદર્શિતા અપવાદરૂપે જ જોવા મળે છે. સંસ્થાના વડા કોઈ ગુંડા કે ડોનની જેમ એકચક્રી શાસન કરતાં હોય છે. તેમની રાજકીય વગ એવી હોય છે કે કોઈ પણ તેનો વાળ વાંકો ન કરી શકે. લગભગ બધી જ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ બે ભાગમાં વહેંચાઈ જતા હોય છે. એક વર્ગ મેનેજમેન્ટ અને શાસક પક્ષની ખુશામતમાં આયખું ખુટાડતો હોય છે ને બીજો વર્ગ વિપક્ષનું પીવડાવેલું પાણી પીએ છે. કોઈને પોતીકું મૂલ્ય કે સ્વમાન જેવું ખાસ હોતું નથી. ભ્રષ્ટાચાર મોટે ભાગે એ જ નથી કરતો, જેને તક નથી મળી. કોઈપણ રાજરોગ જેવો જ ભ્રષ્ટાચાર દેશની નસેનસમાં વ્યાપી વળ્યો છે. કોઈ પણ પદ હવે તે પદની મૂળ માંગ કે પાત્રતા કે ગુણવત્તા પરથી નહીં, પણ રાજકીય વગથી શોભે છે. એટલું હોય તો અન્ય પાત્રતા બહુ મહત્ત્વની નથી. રાજકીય વગ વગરનું કોઈ પદ હોય ખરું? એવો સવાલ હવે રહી રહીને થાય છે. રાજકારણ એક તબક્કે રાજકીય પક્ષો પૂરતું સીમિત હતું, તેનો વ્યાપ હવે એટલો વધ્યો છે કે તે પર્યાવરણને સ્થાને છે. હવે એ નક્કી નથી થઈ શકતું કે પ્રશ્નો પર્યાવરણને કારણે છે કે રાજકારણને કારણે …?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 ઑગસ્ટ 2024

Loading

...102030...464465466467...470480490...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved