બન્ને દેશોના અંતિમવાદીઓને મોજ પડી જાય એવી મોકળાશ આપવાને બદલે ઠરેલ અભિગમથી બન્ને સરકારોએ કામ પાર પાડવું રહ્યું.
એક દેશ તરીકે સુરક્ષાની વાત આવે ત્યારે આપણે પાકિસ્તાન અને ચીન સાથે એક કરતાં વધુ વાર ઝિંક ઝીલવી પડી છે. બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જે હોળી સળગી છે અને વાત જે દિશામાં ફંટાઇ છે એ જોતાં હવે બાંગ્લાદેશથી પણ આપણે ચેતવું પડે એવા દિવસો આવી ગયા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજકીય વાક્યુદ્ધ હવે કાબૂની બહાર જશે એવું લાગી રહ્યું છે. વિરોધો અને પ્રતિ વિરોધો સાથે ત્યાં હિંદુ લઘુમતીઓ સાથે થતા દુરવ્યવહારનો વિવાદ વકરી રહ્યો છે.
ઑગસ્ટમાં આ સંબંધો વણસવાના શરૂ થયા જ્યારે બાંગ્લાદેશમાં ‘વિદ્યાર્થી આંદોલન’ કાબૂની બહાર ગયું, સરકાર ઉથલાવી દેવાઇ અને ત્યાંના તત્કાલીન વડા પ્રધાન શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ભારતની શરણે આવી ગયાં. બાંગ્લાદેશમાં ઇસ્કોનનો અગ્રણી ચહેરો ગણાતા હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસે હિંદુઓ વિરુદ્ધ હિંસાના કેસમાં ન્યાયની માગણી કરતી રેલી યોજી જેમાં આરોપ મુકાયો કે તેમણે બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું અને તેમની ધરપકડ કરાઇ. આ મામલો બિચક્યો, તેમની સુનાવણીમાં પણ કોઇ વકીલ કોર્ટમાં ન જઇ શક્યા અને તે મહિના સુધી જેલમાં રહેશે. આ તરફ ભારતમાં આ ઘટનાના વિરોધ કરનારા બેઠા થયા જેમાં ભા.જ.પા.ના સભ્યો પણ છે. અગરતલામાં વિરોધીઓ બાંગ્લાદેશ કોન્સ્યુલેટ પર ફરી વળ્યા અને તોડફોડ કરી. આ તોડફોડની જવાબ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કરીને આપ્યો. ટૂંકમાં બન્ને તરફથી સંજોગોમાં તણાવ વધી રહ્યો છે. બન્ને તરફની સરકારો પણ જે વ્યૂહાત્મક પ્રતિભાવ આપવા જોઇએ તે આપી રહી છે. ભારત અને બાંગ્લાદેશના સંબંધો ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે, પરંતુ ત્યાં લઘુમતી પર થતા હુમલા, ભારતમાં શેખ હસીનાને મળેલી શરણ અને વિરોધોને કારણે આ સંબંધો વણસી ગયા છે. આપણે ત્યાંથી બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓને સલામતી મળે તેના પોકાર નંખાઇ રહ્યા છે. બાંગ્લાદેશમાં મોહંમ્મદ યુનૂસે વચગાળાની સરકાર બનાવી, પછી ભારત અને બાંગ્લાદેશના સંબંધો બગડવા માંડ્યા. બાંગ્લાદેશમાં જે વિદ્યાર્થી આંદોલન હતું તેમાં કોમી તણાવ ઉમેરાયો અને આખરે આ આ મુદ્દો બે દેશોના સંબંધોના પ્રશ્ન સુધી પહોંચ્યો છે. બાંગ્લાદેશમાં લઘુમતી પર થતા હુમલાઓ સામે અત્યારની વચગાળાની સરકારે તત્કાળ પગલાં લેવા જોઇએ, એવી માગને પૂરી કરવા કંઇ નક્કર નથી થઇ રહ્યું.
ઐતિહાસિક રીતે આપણા દેશોની કડી મજબૂત રીતે જોડાયેલી રહી છે. 1857નો વિપ્લવ બંગાળથી જ શરૂ થયો હતો. અંગ્રેજોની કોમવાદી નીતિને પરિણામે 1905માં બંગાળના ભાગલા થયા. ભારતને સ્વતંત્રતા મળી અને બંગાળના બીજા બે ભાગલા થયા, પાકિસ્તાનથી છુટવા ભારતની મદદ લઇ પૂર્વ પાકિસ્તાને (બાંગ્લાદેશ) 1971માં સ્વતંત્રતાની લડત કરી અને બાંગ્લાદેશની રચના થઇ. નાટ્યાત્મક વળાંકો અને સત્તા પલટાઓ વચ્ચે બાંગ્લાદેશને નેવુંના દાયકા પછી સ્થિરતા મળી અને ભારત સાથે સંબંધો બહેતર બન્યા. આજે જે પાકિસ્તાનથી છુટવા માટે ભારતની મદદ લીધી હતી તેની સાથે બાંગ્લાદેશ હાથ મેળવી રહ્યો છે. જે આપણી સુરક્ષા માટે જોખમી છે.
બાંગ્લાદેશની 94 ટકા સરહદ ભારત સાથે જોડાયેલી છે. સુરક્ષા અને વ્યાપાર બન્ને મામલે બાંગ્લાદેશ ભારત પર નિર્ભર છે. બાંગ્લાદેશના સંબધો ભારત સાથે આથી વધુ બગડ્યા તો નિકાસ પર અસર થશે, જી.ડી.પી. પર અસર થશે અને જે મોંઘાવરી, બેરોજગારીનો બોજો વધશે તેનાથી બાંગ્લાદેશમાં વિરોધો ઉગ્ર બનતા જશે એ ચોક્કસ. બાંગ્લાદેશ પાસે ભારત સિવાય બીજો શું વિકલ્પ હોઇ શકે? 1971માં બાંગ્લાદેશ મુક્ત થયો તે પછી ગયા મહિને પહેલીવાર પાકિસ્તાનનું એક માલવાહક જહાજ કરાચીથી ચિત્તગોંગ બંદરે પહોંચ્યું હતું. આ બન્ને દેશો વચ્ચે દરિયાઇ માર્ગે થયેલા વ્યાપારની આ પહેલી ઘટના છે. આ દર્શાવે છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ એકબીજાની નજીક આવી રહ્યા છે. આ તરફ ચીને બાંગ્લદેશમાં તગડું રોકાણ કર્યું છે, જેની ચર્ચા આપણે ભૂતકાળમાં પણ કરી છે. સીધું ગણિત એ છે કે બાંગ્લાદેશ પણ જો પાકિસ્તાનની માફક આડોડાઈ કરીને ભારત સાથે સંબંધ બગડવા દેશે તો નુકસાન બાંગ્લાદેશને જવાનું છે. પાકિસ્તાન અને ભારતના રાજદ્વારી સંબંધો સાત વર્ષથી બંધ છે અને તેની અસર ભારત પર નહીં પણ પાકિસ્તાન પર પડી છે. પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશની ત્રિરાશી મજબૂત થશે તો ભારતને માટે સલામતીના પ્રશ્નો વધી જશે. જે વહોરવાની જરૂર નથી તે ટાળવું કેવી રીતે તે જ મુત્સદ્દી વલણ ભારતને કામ લાગશે તે નિશ્ચિત છે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર સાથે વાંકું પાડી ભારતે જોખમ નોતરવાનું ટાળવું જોઇએ.
વળી ભારતની હિંદુલક્ષી નીતિ ચીન સામેની તેની સ્થિતિ પર નબળી પાડી શકે છે કારણ કે ચીને દક્ષિણ એશિયામાં તટસ્થ સંબંધો રાખ્યા છે. આ તરફ બાંગ્લાદેશ તો ભારતના આંતરિક ધાર્મિક તણાવોને કારણે આંગળી ચીંધતો રહ્યો છે. આવામાં ભારતે ધર્મને આધારે બીજા દેશો સાથેના સંબંધોને લગતા કૂટનૈતિક, રાજદ્વારી નિર્ણય લેવાની ભૂલ ન કરવી જોઇએ. જો આમ થાય તો તેની સીધી અસર ભારતની વૈશ્વિક છબી પર પણ પડે.
હવે બે દેશો એકબીજા સાથેના સંવાદમાં ઉકેલને બદલે રાજકીય મુદ્દાઓ ઉછાળે છે જેની અસર ભારતના સ્થાનિક રાજકારણ પર પણ પડશે. આપણી આસપાસ ઝિંક ઝીલવા માટે પાકિસ્તાન અને ચીન જેવા દેશો છે જ ત્યારે આપણે બાંગ્લાદેશની પૂર્વ સરકાર સાથેની સંબંધોને આધારે અત્યારની વચગાળાની સરકાર સાથેનો અભિગમ ન બાંધવો જોઇએ. સત્તા પર જે છે તેની સાથે, અન્ય પક્ષો સાથે વાતચીત થાય અને કૂટનીતિ કામે લગાડાય તો જ કોઇ રચનાત્મક ઉકેલ આવશે.
પ્રત્યાઘાત આપવા સહેલા છે, જેમ કે ઇસ્કોનના સંતની ધરપકડને પગલે ભા.જ.પા.ના નેતા સુવેન્દુ અધિકારીએ બોર્ડર બ્લોકેડની વાત કરી અને બાંગ્લાદેશ સાથે વ્યાપાર અટકાવી દેવાની માંગ કરી, સામે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારતને પોતાના પ્રશ્નોમાં ચંચુપાત કરવાની ના પાડતું નિવેદન બહાર પાડ્યું. આવી કૂટનીતિનો કોઇ અંત નહીં હોય અને તે પરિણામ લક્ષી નથી હોતી. ભારત અને બાંગ્લાદેશે સાંપ્રદાયિક રાજકારણને તેમના સંબંધો પર હાવી ન થવા દેવું જોઇએ કારણ કે તે બન્ને દેશોના સંબંધો અસ્થિર કરશે, આમ પણ આ સંબંધોને સ્થિર થવામાં વર્ષો લાગ્યાં છે ત્યારે આ તકેદારી અનિવાર્ય છે.
એક સમયે બાંગ્લાદેશની કુલ વસ્તીનો વીસ ટકા હિસ્સો ભારતીયો હતા પણ હવે તે આંકડો નવ ટકાએ પહોંચ્યો છે. જેમ અન્ય દેશોમાં હોય છે તેમ બાંગ્લાદેશમાં પણ લધુમતિઓ હુમલા અને વિરોધના સરળ નિશાન બને છે. હસીનાની સરકારે હિંદુઓને સલામત રાખવા બનતા પ્રયાસ કર્યા પણ વચગાળાની યુનૂસ સરાકરે એટલાં બધાં સ્થળે આગ ઠારવાની છે કે લઘુમતિઓને સલામત રાખવામાં તે નિષ્ફળ ગયા છે. જો કે તેમણે ભૂતકાળમાં એક ઇન્ટરવ્યુમાં એવી ચોખવટ પણ કરી હતી કે હિંદુઓ પર થતા હુમલા કોમી નથી, પણ રાજકીય અરાજકતાનું પરિણામ છે. જેમણે શેખ હસીનાનો વિરોધ કર્યો તેમણે એ તમામને ટાર્ગેટ કર્યા જે એ પક્ષની છત્રછાયામાં હતા. તેમના મતે ભારતે આ સંજોગોને કોમી બનાવોનું છોગું પહેરાવી મોટા બનાવવાનું ટાળવું જોઇએ.
અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના અરાજક સંજોગો સાથે બાંગ્લાદેશની સ્થિતિને સરખાવાઇ રહી છે. બાંગ્લાદેશમાં રાજકીય સ્તરે મજબૂતાઇ નહીં દેખાય તો અંતિમવાદીઓ એ ખાલીપાનો લાભ લઇ વધુ અરાજકતા ફેલાવશે જેની અસર બીજા દેશના સંબંધો પર પણ પડશે એ નક્કી છે. વચગાળાની સરકાર અને સૈન્યનો કાબૂ બાંગ્લાદેશને પાકિસ્તાન જેવા સંજોગોમાં મૂકી દે એ પહેલાં તાર્કિક ઉકેલની દિશામાં કામ થાય તે અનિવાર્ય છે. બાંગ્લાદેશનો મુદ્દો ભારતનો આંતરિક રાજકીય મુદ્દો નથી એ યાદ રાખીને બાંગ્લાદેશ કે મુસ્લિમ વિરોધી વલણને આગળ કરવાની ભૂલ ભારતે ન કરવી જોઇએ. બન્ને દેશોના અંતિમવાદીઓને મોજ પડી જાય એવી મોકળાશ આપવાને બદલે ઠરેલ અભિગમથી બન્ને સરકારોએ કામ પાર પાડવું રહ્યું.
બાય ધી વેઃ
ખોટી માહિતીઓ ફેલાતી રોકાય અને રાજકીય પૂર્વગ્રહ ન વધે તે દિશામાં બન્ને દેશોની સરકારે કામ કરવાની જરૂર છે. શેખ હસીના સાથે સારા સંબધ હોવાને કારણે અત્યારે જેની સત્તા છે તેની સામે થવાની બાલિશ ભૂલ ભારત કરે તો એને મૂર્ખામી કહેવાય. જે લડાઈ આપણી છે જ નહીં ત્યાં મોરચો ન ખોલી, મુત્સદ્દી વાપરીને બાંગ્લાદેશમાં રહેતા ભારતીયો સચવાય તે રીતે ભારતે વાટાઘાટો કરવી જોઇએ. બીજા ઘરની હોળીમાં આપણે કૂદીને ભડકે બળવાને બદલે, દેકારાઓની પાર જેને બચાવની જરૂર છે, જ્યાં સ્થિર તર્કની જરૂર છે, જ્યાં તટસ્થ અભિગમની જરૂર છે તે પૂરા પાડવાની પહેલ એક સમજુ, વિકાસ શીલ રાષ્ટ્ર તરીકે આપણે કરવી જોઇએ.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 ડિસેમ્બર 2024